operation golden eagle books and stories free download online pdf in Gujarati

ઓપરેશન ગોલ્ડન ઈગલ-6

ઓપરેશન

'' ગોલ્ડન ઈગલ ''

પ્રકરણ: ૬

પ્રતીક ગોસ્વામી,

ગયા પ્રકરણમાં આપણે જોયું કે.....

અનુપના બોર્ડર પરથી લાપતા થવાના સમાચાર સાંભળીને તેના પરિવાર પર તો જાણે આભ તૂટી પડે છે. આવી જ હાલત બીજા સૈનિકોના પરિવારોની પણ છે. બીજી તરફ શ્રીનગર એરપોર્ટ પર વિશુ સાથે એક વિચિત્ર ઘટના બને છે. તેને એક એવા માણસનો ભેટો થાય છે, જે તેના વિશે લગભગ બધું જ જાણે છે. પણ તે કોઈ જ્યોતિષ નથી. જતી વખતે એ માણસ કે જેણે પોતાનું નામ આકાશ જણાવ્યું હતું, વિશુને એક પેકેટ આપે છે. તેમાં રહેલા ફોટા, દસ્તાવેજો અને સાથે લખેલ એક પત્ર વાંચીને વિશુ સ્તબ્ધ રહી જાય છે. તેને સમજાતું નથી કે પેલો માણસ તેને મદદ કરવા આવ્યો છે કે ગુમરાહ કરવા. આખરે આ વાતની જાણ તે 'રો' ચીફ અરુણ બક્ષીને કરવાનું વિચારે છે અને દિલ્હી પહોંચીને હોટેલ જવાને બદલે સીધો જ 'રો' ના હેડક્વાર્ટરે જવા નીકળે છે.

હવે વાંચો આગળ..... )

તારીખ ૨૭ નવેમ્બર, ૨૦૧૬, નવી દિલ્હી.

દિલ્હીના ડિફેન્સ હેડક્વાર્ટર ખાતે ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ હરબક્ષસિંહે તાત્કાલિક પ્રેસ મીટીંગ બોલાવી હતી. ખૂબ અગત્યના સમાચાર તેમણે આપવાના હતા. કોઈ તડકા ન્યૂઝની લાલચમાં ભરબપોર હોવા છતાં બધી ન્યૂઝ ચેનલોના પત્રકારો ત્યાં પહોંચી ગયાં હતાં, પણ ડીજીએમઓ હજુ આવ્યા ન હતા. બધા પત્રકારોમાં આ સમાચાર શું હોઈ શકે એ બાબતે આપસમાં ગુસપુસ થઇ રહી હતી. થોડીવારે લેફ્ટનન્ટ જનરલ હરબક્ષસિંહ આવ્યાં. મિલિટરી યુનીફોર્મમાં પ્રભાવશાળી લાગી રહેલા હરબક્ષસિંહના ચહેરા પરથી અત્યારે નૂર ગાયબ હતું. તેમને જોઈને બધા પત્રકારો ઉભા થયા. હરબક્ષસિંહનું વ્યક્તિત્વ જ એવું હતું કે તેમને આપોઆપ સમ્માન અપાઈ જાય. તેમણે ઇશારાથી બધાને બેસવાનું કહ્યું. બધા લોકોએ ફરી પોતપોતાની જગ્યા લીધી. સૌનું ધ્યાન લેફ્ટનન્ટ જનરલ હરબક્ષસિંહ તરફ હતું, પણ હરબક્ષસિંહ મૂંઝવણમાં હતા. જે ખબર પત્રકારોને આપવાની હતી, તે કઈ રીતે આપવી એનું મનોમંથન તેમના દિમાગમાં ચાલુ હતું. તેમની નજર સામે પડેલા કાગળોમાં ચોંટી હતી. કોન્ફરન્સ રૂમમાં પીનડ્રોપ સાયલેન્સ છવાયેલો હતો અને આ સન્નાટાને લીધે પત્રકારો અકળાઈ રહ્યા હતા. આખરે મૌન તોડતા એ પીઢ લેફ્ટનન્ટ જનરલે કહ્યું '' મિત્રો આપ સૌને અને આપની સાથે સાથે દેશવાસીઓને એક ખૂબ જ દુઃખદ સમાચાર આપવાના છે. આજે વહેલી સવારે નૌગામ સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ પાસે ભારતીય સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો થયો છે. હુમલામાં ત્રણ જવાન શહીદ થયાં છે અને બાકીના બાર જવાનો લાપતા છે, જેમાં ભારતીય સેનાનો એક અફસર પણ શામેલ છે. શહીદ થયેલ ત્રણે જવાનોના શિરચ્છેદ કરાયા છે અને તેમના માથાં હુમલાખોરો પોતાની સાથે લઇ ગયાં છે. આગળની તપાસ હજુ ચાલુ છે. હુમલો કોણે કર્યો એના પુરાવા નથી મળ્યા, પણ આ કૃત્ય આતંકવાદીઓનું હોઈ શકે છે.'' તેમણે પોતાની વાત પુરી કરી. ઓપરેશન વિજય દરમિયાન પોતાની વીરતા અને નેતૃત્વશક્તિ માટે મહાવીર ચક્ર પ્રાપ્ત કરનાર આ અનુભવી અફસરના અવાજમાં આજે પહેલા જેવી તેજસ્વીતા ન હતી. જમ્મુ એન્ડ કશ્મીર લાઈટ ઇનફંટ્રી રેજીમેન્ટની છઠ્ઠી બટાલિયનના તેઓ કમાન્ડીંગ ઓફિસર રહી ચુક્યા હતા, અને કારગિલમાં પોઇન્ટ ૭૭૫૬ પર તેમની ટુકડીએ જ કબ્જો કર્યો હતો. પણ આજે તેમની ભૂતપૂર્વ રેજીમેન્ટની ટુકડી પર હુમલો થયો હતો, તેથી તેમના અવાજમાં હતાશા સ્પષ્ટપણે જણાઈ આવતી હતી. '' સર, હુમલો બોર્ડર પર થયો હોય, તો એનો મતલબ કે આતંકીઓ પાકિસ્તાન તરફથી આવ્યા હોવા જોઈએ. પણ સરહદપારના આતંકીઓ પાક સેનાની મદદ વગર કેમ હુમલો કરી શકે ? આ કાવતરામાં પાકિસ્તાની સેનાનો પણ હાથ હોઈ શકે ને. '' એક પત્રકારે સવાલ પૂછયો. અને તેનો સવાલ હજુ તો પૂરો નહોતો થયો ત્યાં જ બીજો સવાલ પૂછાયો '' કાલે મોડી રાતે પાકિસ્તાનની એક સરહદી ચોકી પર પણ હુમલો થયો છે. તો શું આ બંને હુમલા કરનાર આતંકીઓ એક જ હતા ?" પત્રકારો હવે સવાલો પર સવાલો પુછયે જતા હતા. તેમને આ હુમલા વિશે હજી વધુ વિગતો જોઈતી હતી. '' આગળ તપાસ ચાલુ છે અને ખાતરી રાખો, કે હુમલામાં સંડોવાયેલા ગુન્હેગારોને કદાપિ બક્ષવામાં નહિ આવે. બાકીની જાણકારી તપાસ પૂરી થયે આપવામાં આવશે. થેન્ક યુ.'' આટલું કહીને હરબક્ષસિંહ કોન્ફરન્સ રૂમ છોડીને બહાર નીકળી ગયા. જો મીડિયાને વધુ માહિતી આપવામાં આવે, તો વાતનું વતેસર કરવામાં પત્રકારોને જરા પણ સમય નહિ લાગે, એ વાતથી તેઓ પૂરેપૂરી રીતે વાકેફ હતા, તેથી વધુ ન બોલવામાં જ સાર હતો. કોન્ફરન્સ રૂમ માંથી નીકળીને તરત જ તેઓ ભારતીય સેનાધ્યક્ષને મળવા જવા નીકળ્યા. દર વખતની જેમ આ વખતે પણ હુમલા બાદ મિટિંગોનો અને આક્ષેપબાજીનો દોર શરુ થવાનો હતો.....

***

સાંજ થતાં સુધીમાં તો દરેક સમાચાર ચેનલોના મથાળાંમાં એક જ સમાચાર ચમકી રહ્યા હતા. '' પાકની 'ખૈબર' ચોકી બાદ હવે સીમાએ ભારતીય સેના પર નાપાક હુમલો, ત્રણ જવાન શહીદ, બાર જવાનો લાપતા. હુમલાખોરો દ્વારા શહીદોના શિરાચ્છેદનું જઘન્ય કૃત્ય. બંને દેશો પર આતંકનો ઓછાયો.'' કેટલીક સમાચાર ચેનલોએ તો ભારત અને પાકિસ્તાનના કેટલાંક નિષ્ણાતો સાથે ડિબેટના કાર્યક્રમો ગોઠવી દીધા હતા એટલું જ નહીં, બધી ચેનલો પર હુમલાની સખત નિંદા અને દુશ્મનોને ચેતવણી આપવાનું શરુ થયું હતું. જોકે હજુ સાચા ગુન્હેગારોની તેમને જાણ ન હતી, પણ મીડિયાને ક્યાં કોઈની સાડા બારી હોય ? થોડા દિવસ સુધી આવા સમાચાર ચાલુ રહેવાના હતા, કારણકે અત્યારે આ મુદ્દો તેમના માટે 'હોટ ટોપિક' હતો અને ટીઆરપી વધારવાનો બેસ્ટ તરીકો હતો. બીજી તરફ સાંજ સુધી શહીદો અને લાપતા જવાનોના કુટુંબીજનોને પણ ખબર પહોંચાડી દેવાઈ હતી. મેજર દેશમુખના જણાવ્યા પ્રમાણે શહીદોના શવ મોડી રાત સુધી તેમના માદરે વતન પહોંચી આવવાના હતા. ચારે તરફ માતમનો માહોલ હતો. અંતિમક્રિયાઓની તૈયારીઓ કરાઈ રહી હતી. માતૃભૂમિ પર પ્રાણ ન્યોછાવર કરી દેનાર શુરવીરોના ઘરે હૈયાફાટ રુદન ચાલુ હતું. કોઈકની પત્ની ભરજુવાનીએ વિધવા થઇ હતી, તો કોઈ સિપાહીને અગ્નિદાહ તેના કમનસીબ પિતાએ આપવાનો હતો. કોઈ વળી પોતાની ઘરડી માંને એકલી મૂકીને આ ફાની દુનિયા છોડી ગયો હતો. ખરેખર એક સિપાહી ખુબ જ સ્વાર્થી હોય છે, જે પોતાની માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરતાં પહેલા પોતાના માં-બાપ, પત્ની, બાળકો, બહેન કોઈ વિશે નથી વિચારતો અને તેમને દેશવાસીઓના બેદરકાર હાથોમાં લાચારીભરી રીતે જીવવા મૂકી દે છે. આખરે શહીદી વહોર્યા પછી પોતે થોડા જ દિવસોમાં ગુમનામ બની જાય છે. કેટલાંક વર્ષો પછી એ જ શહીદના ઘરમાંથી એક ફૌલાદ નીકળે છે, ફરીથી માં ભોમને કાજે લડવા અને મરી ફિટવા માટે, આવા ખરા ક્ષત્રિયોને લીધે જ ભારત માતા પોતાનું સમ્માન જાળવી શકી છે, નહીંતર દેશમાં પૈસા ખાતર માંને વહેંચી દેનાર જયચંદોની ક્યાં કમી છે. ખેર, સૈનિક દેશ માટે પોતાના અંજામની પણ ફિકર નથી કરતો એ વાત આજે સાબિત થઇ ગઈ હતી. રાત્રે દસ વાગ્યે સૌથી પહેલા લાન્સનાયક ગોપાલ ભીંડેનો મૃતદેહ તેના શહેર ભાવનગર પહોંચી આવ્યો હતો. શહેરમાં સમાચાર તો પહોંચી ચુક્યા હતા, તેથી લોકોએ ગોપાલ ભીંડેના ઘર પાસે પોતપોતાની જગ્યા શોધી લીધી હતી. તેમની વચ્ચે જ રમીને-ભણીને મોટા થયેલા એક ભડવીરની આજે પૂરા લશ્કરી સમ્માન સાથે અંતિમ વિદાય હતી. શવને અગ્નિદાહ આપતા પહેલા આ બત્રીસ વર્ષીય શહીદના પિતાએ પોતાના પુત્રનો ચહેરો આખરી વખત જોવાની જીદ પકડી રાખી હતી. ત્યાં હાજર રહેલ અફસરના ઘણું સમજાવવા છતાંય તે વૃદ્ધ ટસ ના મસ ન થયા. પોતે હૃદયરોગી હોવાથી તેમના વ્હાલસોયા સાથે થયેલ ક્રૂરતા વિશે તેમને અજાણ રખાયાં હતાં. '' સાહેબ, જુઓ, હું આખરી વાર કહું છું, જો મારા ગોપાલનો ચહેરો છેલ્લી વાર જોવા નહિ આપો તો હું અહીં જ અન્ન જળ ત્યાગીને જીવ આપી દઈશ. અહીંથી એક સાથે બે જનાજા ઉઠશે. બોલો શું કરવું છે ?'' ગોપાલના પિતાએ મક્કમ અવાજે કહ્યું, તેઓએ ક્યાં કોઈ મોટી માંગણી કરી હતી, તેમને તો પોતાના દીકરાનો ચહેરો આખરી વાર જોવો હતો, તેના કપાળે છેલ્લીવાર ચૂમવું હતું, તેને વળગીને ખૂબ રડી લેવું હતું. ખરેખર કેવો કમનસીબ હોય એ બાપ, કે જેને પોતાના જીવતા જ પોતાનું પ્રતિરૂપ ગુમાવવું પડે. આખરે પેલો અફસર માન્યો, તેણે શવના માથા પાસે જઈને થોડે સુધી ચાદર ઉઠાવી. અને પછી જે દ્રશ્ય ગોપાલના પિતાએ જોયું, તેઓ ચિત્કારી ઉઠ્યા. તરત જ તેમણે પોતાની નજર હટાવી લીધી. વધારે વાર જો તેઓ જોઈ રહેત તો આઘાતને લીધે તેમનું મૃત્યુ નિશ્ચિત જ હતું. શવના ધડ પર માથાને બદલે એક માટીની બનાવેલી ચહેરાની પ્રતિમા રાખેલી હતી, જેથી શહીદના પિતાનું ધ્યાન તે તરફ ન જાય. પણ છેવટે ગોપાલના પિતાજીએ પોતાની જાતને સાંભળી લીધી. તેમનું નબળું હૃદય આજે પથ્થરને પણ ટક્કર આપે એવું મજબૂત થઇ ગયું હતું. મજબૂરી હતી ને, જો તેઓ નબળા પડે તો ગોપાલની માં અને વિધવા પત્નીને કોણ સંભાળે ? ગોપાલનો પુત્ર તો હજુ ત્રણ વર્ષનો જ હતો. ભારે હૃદયે સ્મશાન યાત્રા નીકળી અને એક ત્રણ વર્ષના કુમળા ફૂલએ પોતાના પિતાને અગ્નિદાહ આપ્યો. આજે આખું શહેર જાગતું હતું, અને પોતાના લાડકવાયા સાથે થયેલ અન્યાયનો બદલો લેવા તડપી રહ્યું હતું. બીજા બે શહીદોના ઘરે પણ કઈંક આવો જ માહોલ હતો. લખવા જઈએ તો શબ્દો ઓછા પડે અને રડવા જઈએ તો આંસુ પણ ખૂટી પડે એવી હાલત હતી. સૂબેદાર રોશનસિંહ, એક કદાવર શીખ જવાન અને લાગણીશીલ વ્યક્તિ. માત્ર છવ્વીસ વર્ષની ઉંમરમાં ફના થઇ જનાર એ સૈનિકના ઘરે વાતાવરણ ગમગીન તો હતું જ, પણ તેની પત્નીએ પોતાના પતિની ચિતા પર હાથ રાખીને કસમ ખાધી હતી કે તેમની વર્દીનું અધૂરું કાર્ય તેમનો પુત્ર અદા કરશે. આજથી જ, બલ્કે અત્યારથી જ તેના ઘરમાં પોતાની જીજાબાઇ સી માંની નિગરાનીમાં એક નવો શૂરવીર તૈયાર થઇ રહ્યો હતો. બહાદુરી અને નિખાલસતાનું વરદાન પામેલી એ કૌમની આ જ ખાસિયત છે. સિપાહી મોહમ્મદ સાદિક ઉત્તરપ્રદેશના આઝમગઢનો રહેવાસી હતો. પોતાના દેશવિરોધી કારનામાઓથી દેશને શર્મસાર કરનાર ઘણા મુજરીમોનો આ વિસ્તાર હતો, તેથી અહીં પૂરતો પોલીસ બંદોબસ્ત કરાયો હતો. સાદીકની અંતિમયાત્રામાં ભાગ લેવા આજે સાંજે જ દિલ્હીથી 'રો' નો એક અફસર અહીં પહોંચી આવ્યો હતો. તે વિશુ હતો, અને એક ખાસ મકસદ થી તે અહીં આવ્યો હતો. ખરી રીતે તો શહિદોનો પ્રતિશોધ અહીંથી જ શરુ થવાનો હતો....

***

સાંજે આઠ વાગ્યા સુધીમાં આર્મીની ફોરેન્સિક લેબે પોતાનો રિપોર્ટ આપી દીધો હતો અને રિપોર્ટ પરથી રપષ્ટ જણાતું હતું કે હુમલો પાકિસ્તાન તરફથી જ થયો હતો. પેલું પેકેટ કે જેમાં ચોખ્ખે ચોખ્ખું ' મેડ ઈન પાકિસ્તાન ' લખેલું હતું તે તો મુખ્ય પુરાવો હતો જ, પણ સાથે સાથે બીજા સબૂતોની ઝીણવટભરી તપાસ કરાતાં તેઓ પણ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાની ચાડી ખાતા હતા. લેફટન્ટ અનુપનું વોકીટોકી ઘટનાસ્થળેથી મળ્યું ત્યારે એકદમ સાજી હાલત માં હતું, પણ અચાનક તેનો વાયરલેસ મથક સાથેનો રેડીઓ સંપર્ક કપાઈ જવાનું એકમાત્ર કારણ એ હતું કે તેના વોકીટોકીનું જામીંગ કરવામાં આવ્યું હતું. અત્યાધુનિક આવૃત્તિના એ વોકીટોકીનું જામીંગ માત્ર અમેરિકન બનાવટના એમ-૪૫૦ પ્રકારના જામરથી જ શક્ય હતું, અને જગજાહેર વાત હતી કે એવું જામર 'બોર્ડર એક્શન ટીમ' વાપરતી હતી. ઘટનાસ્થળેથી એક ચિરાયેલા કાપડનો ટુકડો મળ્યો હતો. માઈક્રોસ્કોપીક તપાસમાં તે ટુકડા પર બુલેટપ્રૂફ કેવલરના થોડા અણુઓ મળી આવ્યાં હતા. બુલેટપ્રૂફ કેવલર આતંકીઓ પાસે તો હોય નહીં. આવા જેકેટ ખાસ કરીને સ્પેશિયલ ફોર્સીસ વાપરે, તેથી હુમલો 'બેટ' એ જ કર્યો હતો અને હવે એમાં કોઈ બેમત ન હતો. ખૂબ જ ચાલાકીથી હુમલો કરાયો હતો, જેથી શંકાની સોય પાકિસ્તાની ફૌજને બદલે કાશ્મીરની કથિત 'આઝાદી' માટે લડતાં આતંકવાદીઓ તરફ જાય, અને જો ખરેખર એમ હોય, તો 'ખૈબર' ચોકી પરના હુમલાના સમાચાર પણ ખોટાં હતાં. વિશ્વ બિરાદરીમાં પાકિસ્તાનની છબી ન ખરડાય અને આતંકપીડીત મુલ્ક ગણીને તેના તરફ સહાય અને સહાનુભૂતિ વધે તે હેતુથી 'ખૈબર' ચોકી પરના ખોટા હુમલાનું જુઠ્ઠાણું ફેલાવાયું હતું. પોતાની ઓળખ છુપી રાખવાની પાકિસ્તાનીઓએ પૂરી કાળજી લીધી હતી, પણ દરેક ગુનામાં થાય છે તેમ આ વખતે પણ ગુનેગારો સબૂત છોડી ગયા હતા, જે છેવટે તેમને બહુ ભારી પડવાના હતાં. જેમ બને તેમ જલ્દી આ રિપોર્ટ સંરક્ષણ મંત્રાલયને તથા આર્મી ચીફને પહોંચતો કરાયો હતો. વડાપ્રધાન પોતે પણ આ તપાસમાં અંગત રસ લઇ રહ્યા હતા, તેથી સંરક્ષણ મંત્રાલયને આ રિપોર્ટ પહોંચતા જ તેમણે તેની બધી ડિટેઈલ 'રો' ને મોકલવાનો તરત આદેશ કર્યો. ૧૯૬૮ માં સ્થપાયેલી એ ખૂંખાર એજન્સીને ૧૯૭૧ બાદ ઘણાં વર્ષો પછી એક એવો મોકો મળવાનો હતો કે જેનાથી તેનું ધ્યેય વાક્ય ' ધર્મો રક્ષતિ રક્ષિત: ' સાકાર થઇ શકે. સૌથી મોટી વાત તો એ હતી કે ચાણક્યના દેશમાં સદીઓ બાદ દેશહિત માટે ચાણક્યનીતિનો અમલ ફરીથી શરુ થવાનો હતો. જઘન્ય અપરાધના બદલાની લાંબી ઘટમાળ બસ હવે શરૂ થવામાં જ હતી.....

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED