operation golden eagle books and stories free download online pdf in Gujarati

ઓપરેશન ગોલ્ડન ઈગલ-4

ઓપરેશન

'' ગોલ્ડન ઈગલ ''

પ્રકરણ: ૪

પ્રતીક ગોસ્વામી,

( ગયા પ્રકરણમાં........

પોતાની કેબિનમાં વિશ્વજીત સિંહ ઉર્ફે વિશુ બે વર્ષ જૂની ઘટનાને યાદ કરતો બેઠો છે. આ જ ઘટનાને લીધે તે 'રો' માં જોડાયો હતો. એક શક્તિશાળી એજન્સીને એક શક્તિશાળી અફસરનો મિલાપ થયો હતો. નિયતીએ લખેલું તેમના ભવિષ્યનું રંગમંચ ધીમે ધીમે ગોઠવાઈ રહ્યું હતું, અને એ રંગમંચનો મુખ્ય કિરદાર તે પોતે હતો.... બીજી તરફ અલતાફ મીરને તેના કોઈ આકાનો ફોન આવે છે અને કોઈ ખાસ મહેમાનના સ્વાગતની જવાબદારી તેને સોંપાય છે.

હવે વાંચો આગળ....... )

એકદમ ભવ્ય રીતે સજાવેલી એ કેબિનમાં વચ્ચોવચ્ચ પારદર્શક કાચનું મોટું લંબચોરસ ટેબલ હતું. તેના પર વ્યવસ્થિત રીતે ગોઠવાયેલ એક બે પુસ્તકો, થોડી ફાઈલો, પેન સ્ટેન્ડ, બાવીસ કેરેટ સોનાની એક ટેન્કની કલાકૃતિ અને એવી જ એક તોપની કૃતિ તથા થોડા નકશા વગેરે પડ્યાં હતાં. ટેબલની પાછળ એક મોટી રિવોલ્વિંગ ચેર હતી અને તેની બરાબર પાછળ મોહમ્મદ અલી જીન્નાનો મોટો ફોટો લગાવેલો હતો. ફોટાની એક બાજુ પાકિસ્તાનનો રાષ્ટ્રીયચિહ્ન અને બીજી બાજુ પાકિસ્તાની આર્મીનો ચિહ્ન લગાવેલો હતો. આ ભવ્ય કેબિન રાવલપિંડીના મિલિટરી હેડક્વાર્ટરમાં આવેલી હતી અને તેના પેલાં આલીશાન ટેબલ પર નામની એક તકતી હતી. તકતી પર લખેલું નામ હતું ' જનરલ જાવેદ કયાની ' . એ નામ વાળા મહાશય પોતે પણ અત્યારે પેલી મોટી રેવોલ્વિંગ ચેર પર બિરાજમાન હતાં. પાકિસ્તાની સેના પ્રમુખનો લીબાસ તેમણે પહેરેલો હતો. લાંબી સફેદ મૂછો, આછી ઉગેલી દાઢી, માથા પર પાકિસ્તાની ફૌજના ચિહ્ન વાળી કેપ અને છાતી પર ઘણાં મેડલો શોભતા હતા. યુનિફોર્મ એક મિલિટરી જનરલને શોભે તેવો હતો, પણ તેમના શાતિર મગજના ઇરાદા તો કોઈ શૈતાનને પણ શરમાવે તેવા હતા. આજે કોઈક ખાસ કારણોસર તેઓ વહેલા ઓફિસે આવી ગયા હતા અને કેટલાંક નક્શાઓ તપાસી રહ્યા હતા . એટલામાં તેમની કેબિનના દરવાજે ટકોરા પડ્યા. '' કમ ઈન ! '' એક રુઆબદાર અવાજ આવનારનાં કાને સંભળાયો. તે અંદર દાખલ થયો. તે પણ મિલિટરી જેવાં લાગતા યુનિફોર્મમાં હતો, પણ તે પાકિસ્તાનની નામચીન ખુફીયા એજન્સી આઈએસઆઈનો નિયામક લેફ્ટનન્ટ જનરલ નાસિરખાન હતો. આ એ જ એજન્સી હતી કે જેના હાથ ભારતમાં વસતા હજારો નિર્દોષ લોકોના લોહીથી ખરડાયેલા હતા. દરેક મોટા આતંકી હુમલા પાછળ તેનો હાથ અને ભેજું રહેલા હતા. અત્યારે તેનો નિયામક જનરલ કયાનીને કોઈ ખાસ સમાચાર આપવા આવ્યો હતો. '' બોલો નાસિરખાન, શું ખબર લાવ્યા છો ?'' નાસિરને બેસવાનો ઈશારો કરીને કયાનીએ પૂછ્યું.'' સલામ અલયકુમ, જનાબ. છોકરાઓએ પુરી સફાઈથી તેમને સોંપેલું કામ પૂરું કરી નાખ્યું છે. ત્રણ બોટલો તૂટી ગઈ છે, પણ બાકીની બાર બોટલો આપણાં કબ્જામાં છે. યોજના પ્રમાણે જ કામ થયું છે, એટલે આપણાં પર કોઈને શક પડવાનો તો સવાલ જ નથી.'' નાસિરે પોતાનો રિપોર્ટ આપ્યો. '' વેરી ગુડ, અત્યારે તેઓને કોઈ સલામત જગ્યાએ પહોંચાડી દો, શેખ સાહેબને જાણ કરી ?'' જનરલે પૂછ્યું. '' ના જનાબ, શેખ સાહેબને હવે જાણ કરીશું, પણ સામાનને સલામત જગ્યાએ પહોંચાડવાની બધી વ્યવસ્થા થઇ ગઈ છે.'' નાસિરે જવાબ આપ્યો. વાતચીત ચાલુ હતી તે દરમિયાન ચા આવી, તેથી થોડીવાર બંને ચુપ થઇ ગયાં. ચા પીવાઈ ગયા પછી નોકર કપ લઈ ગયો પછી ફરી વાતચીત આગળ ચાલી. '' ઠીક છે. હોશિયાર રહેજો, અને સામાનનો લોકેશન થોડા થોડા સમયે બદલાવતા રહેજો. હવે કોઈ બોટલ ન તૂટવી જોઈએ. બહુ કિંમતી માલ હાથ લાગ્યો છે.'' જનરલ કયાની હાથ મસળતાં મસળતાં બોલ્યા. કહેવત છે ને કે દીવાલોને પણ કાન હોય છે, તેથી જાસૂસીના ડરથી તેઓ હંમેશા આમ સાંકેતિક ભાષામાં જ વાત કરતા. સેલ્યુટ કરીને નાસિર રવાનાં થયો. આ બન્ને જાલીમ અફસરો જ પાકિસ્તાનના કર્તાહર્તા હતા, કારણકે એ દેશની ખરી સત્તા સેના પાસે હતી. દુનિયાના સૌથી શાંતિપ્રિય દેશના પાડોશમાં કુદરતે સૌથી ક્રૂર શાસકો ભેટ આપ્યાં હતાં. નાસિરખાનના ગયા પછી તેમણે એક ફોન લગાવ્યો. ફોન રીસીવ થતાં જ તેમણે કહ્યું '' સલામ અલયકુમ શેખ સાહેબ, કામ થઇ ગયું છે.'' સામેથી કઈંક જવાબ મળતા આખી કેબિનમાં ખડખડાટ હસવાનો અવાજ પ્રસરી ગયો. '' હા, હા, જરૂર જનાબ, તમારો હુકમ સર આંખો પર. આજે રાતે જ મહેફિલ જમાવીએ, આવી જજો મારા ફાર્મ હાઉસ પર.'' કુટિલ હાસ્ય સાથે જનરલ કયાની બોલ્યા. સામેથી કઈંક બોલાયું એટલે ખુદા હાફિઝ કહીને તેમણે ફોન મુક્યો. આજનો દિવસ તેમના માટે જશ્નનો હતો, અને એ જ જશ્ન તેમના ભવિષ્યની બરબાદીનો સંકેત હતો.

***

પિલર નંબર ૨૭૧ પાસેનો આખો વિસ્તાર કોર્ડન કરી લેવાયો હતો. છેલ્લા અઢી કલાકથી અહીં છાનબીન ચાલુ હતી. કેપ્ટન વિશાલ કુમારની આગેવાની તળેની ટીમ દૂર્ઘટનાસ્થળે તપાસ કરી રહી હતી. ખૂબ સાવધાનીથી તેઓ તપાસ કરી રહ્યા હતાં. સરહદ પારની ''ખૈબર'' નામની ચોકી પર પણ આતંકી હુમલો થયો હતો અને હજી ત્યાં અથડામણ ચાલુ હતી, તેથી થોડી થોડી વારે ગોળીબારના અવાજ આવતા રહેતા હતા. તપાસમાં ખાસ તો કંઈ મળ્યું નહોતું. લેફ્ટનન્ટ અનુપનો વોકીટોકી અને એક ચિરેલા કાપડનો ટુકડો હાથ લાગ્યો હતો. આટલાં સબૂતો પરથી હુમલામાં કોનો હાથ હતો, તે શોધવું અશક્ય હતું. તપાસ સમેટાવાની તૈયારીમાં જ હતી કે એક ઝાડી તરફ વિશાલનું ધ્યાન ગયું, ત્યાં સફેદ પેકેટ જેવું કશુંક પડ્યું હતું. તેણે પેકેટ ઉપાડ્યું. પેકેટ પરનું લખાણ વાંચીને તેની આંખો ચમકી ઉઠી. તેના પર લખેલું હતું '' મેડીસીનલ સોલ્યુશન્સ, ખાનપુર. મેડ ઈન પાકિસ્તાન.'' બસ, જે જોઈતું હતું તે મળી ગયું. હુમલામાં પાકિસ્તાનનો નાપાક હાથ હોવાનો આનાથી મોટો પુરાવો શું હોઈ શકે ? ટીમે તપાસ સંકેલી અને તરત જ પોતાના કેમ્પે જવા રવાના થઇ. હજુ સુધી મીડિયાને હુમલાના ખબર નહોતા અપાયા. નહીંતર હોબાળો મચે અને તપાસમાં ખલેલ પહોંચે એ સ્વાભાવિક હતું, તેથી બધું કામ ગુપચુપ રીતે આટોપવામાં આવ્યું. કેપ્ટન વિશાલ મિલિટરી હેડક્વાર્ટરે જવા રવાના થયો. બધા સબૂતો ત્યાં પહોંચાડવાના હતા, જે છેવટે આર્મી ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને સોંપાવાના હતા.

***

તારીખ ૨૭ નવેમ્બર, ૨૦૧૬.

રિસર્ચ એન્ડ એનાલિસિસ વિન્ગ નું હેડક્વાર્ટર, દિલ્હી.

દુનિયાની શ્રેષ્ઠતમ ખુફિયા એજન્સીઓમાંની એક એવી આ એજન્સીના હેડક્વાર્ટરમાં અત્યારે માહોલ ગમગીન હતો. ચોથા માળે આવેલી એક કેબિનમાં 'રો'ના ડિરેક્ટર અરુણ બક્ષી ક્યારના આંટાફેરા કરી રહ્યા હતા. તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી હતી. મહારાષ્ટ્ર કેડરના આ જાંબાઝ આઇપીએસ અફસરે ઘણા દિલધડક મિશનોનું સંચાલન કર્યું હતું, તેમણે પોતે પણ ઘણા કોવર્ટ ઓપરેશન્સમાં સક્રિય ભાગ ભજવ્યો હતો, પણ ઘાટ ઘાટના પાણી પીધેલ આ ખૂંરાટ અફસરની આંખોમાં અત્યારે ગુસ્સામિશ્રિત હતાશા સ્પષ્ટપણે જોઈ શકાતી હતી. તેમનો મદદનીશ ક્યારનો ઉભો ઉભો શાંતિથી આ બધું જોઈ રહ્યો હતો. તે લગભગ એકાદ વર્ષથી તેમની સાથે હતો પણ તેણે પોતાના બક્ષી સાહેબને આજથી પહેલાં ક્યારેય આટલા ચિંતાતુર અને વ્યગ્ર નહોતા જોયા. સેના પરના હુમલાના સમાચાર થોડીવાર પહેલાં જ તેમને મળી ચુક્યા હતા તેથી અત્યારે તેઓ જવાબી પગલાં વિશે વિચારી રહ્યા હતા. અચાનક કઈંક યાદ આવ્યું હોય તેમ બોલ્યા '' વિશુ ક્યાં છે ?'' મદદનીશ સામે જોઈને તેમણે પૂછ્યું. '' સર, વિશુ અત્યારે કાશ્મીરમાં છે. આ ઘટનાનું મોનીટરીંગ કરી રહ્યો છે. '' તેમના મદદનીશે જવાબ આપ્યો. '' તેને ફોન લગાવ અને તાબડતોબ દિલ્હી બોલાવ. આપણને તેની જરૂર છે. '' બક્ષી સાહેબે હુકમ આપ્યો. '' ઓકે સર, હમણાં જ ફોન કરું છું '' કહીને તે ટેલિફોન તરફ વળ્યો. તેણે વિશુને ફોન લગાવ્યો. '' હેલ્લો, વિશ્વજીત સિંહ રાણા હિયર.'' વિશુએ ફોન રીસીવ કર્યો. '' વિશુ જેમ બને તેમ જલ્દી દિલ્હી પહોંચ, તારા જેવું એક ખાસ કામ છે.'' બક્ષી સાહેબે પોતે ફોન પર વાત કરી. '' હા સર, ઓકે. આવું છું... '' કહીને તેણે ફોન મુક્યો. બક્ષી સાહેબે વિશ્વજીતસિંહ રાણાને બોલાવ્યો હતો, કારણકે જે કામ તેને સોંપાવાનું હતું, તે કરવા માટે કોઈ માથાફરેલ અફસર જ જોઈએ, અને તે માટે વિશુ શ્રેષ્ઠ હતો. ફોન મુકીને તેઓ તરત પીએમ ઓફિસે જવા નીકળ્યા. દેશના વડાપ્રધાનને આ હુમલાની માહિતી સેનાપ્રમુખે આપી દીધી હતી, તેથી જવાબી રણનીતિ શું હોઈ શકે એ વિચારવા માટે તેમને ખાસ બોલાવવામાં આવ્યા હતાં.......

'' આવો, મિસ્ટર બક્ષી, બેસો. હુમલાના સમાચાર તો તમને મળી જ ગયા હશે. '' થોડા ગુસ્સાથી વડાપ્રધાન બ્રિજમોહન તિવારીએ પૂછ્યું. '' સર, હું તમારો ગુસ્સો સમજું છું, પણ હકીકત એ છે કે અમે આ હુમલાની આગોતરી બાતમી આર્મીને આપવાની પુરી કોશિશ કરી હતી. કાલે રાતે એક વાગ્યે જ અમારા ખુફિયા સૂત્રો મારફત અમને આગોતરી બાતમી મળી ગયી હતી, અને તરત જ એક સિનિયર ઓફિસરે શ્રીનગરના બ્રિગેડ હેડક્વાર્ટર્સમાં જાણ કરવા માટે ફોન કર્યો હતો, કોઈક કારણોસર ન તો તેના વાયરલેસ ઓપરેટરે રિસ્પોન્સ આપ્યો કે ન બ્રિગેડિયરે પોતે જવાબ આપ્યો. તેથી તે લોકો હુમલાને અંજામ આપવામાં સફળ થયાં. આ ગુપ્તચર પાંખની નિષ્ફળતા નથી, અમુક અફસરોની નિષ્ફળતા છે. અને કદાચ એમ પણ હોઈ શકે કે તેઓ આ કાવતરાંમાં સંડોવાયેલા હોય. અત્યારે બધી શક્યતાઓ પર તપાસ ચાલુ છે સર.'' અરુણ બક્ષીએ પોતાનો રિપોર્ટ આપતા કહ્યું. તેમને અંદાજો તો હતો જ કે વડાપ્રધાન કઈંક આવું જ કહેશે. વડાપ્રધાન થોડીવાર તેમની સામે જોઈ રહ્યા. બક્ષીની વાત સાચી લાગતા તેમણે પૂછ્યું '' ઠીક છે. તમારું શું માનવું છે ? આમાં કોનો હાથ હોઈ શકે ?'' આવો સવાલ પુછાતાં બક્ષીએ તેમની સામે કઈંક પ્રશ્નસૂચક રીતે જોઈને કહ્યું, '' સર, મને નથી લાગતું કે તમને આમાં પાકિસ્તાનના હાથ વિશે કોઈ શંકા હોય. હા, આપણા પાસે કોઈ પુખ્તા સબૂત નથી, પણ અમારા ખુફિયા રિપોર્ટ પ્રમાણે આમાં 'બોર્ડર એક્શન ટીમ' નો હાથ છે. અત્યારે ઘટનાસ્થળે તપાસ ચાલુ છે. તપાસ પૂરી થયા પછી વધુ વિગતો બહાર આવશે.'' વડાપ્રધાન ઉભા થઇ તેમના કાર્યાલયની ઑફિસની બારી પાસે ગયા, થોડીવાર વિચારીને તેમણે કહ્યું. '' ઠીક છે બક્ષી, તમે જાઓ, અને કાલે સવાર સુધી મને આ ઘટના વિશે રજેરજની માહિતી જોઈએ. દુશ્મનને બરાબરનો સબક શીખવાડવા માટે શું એક્શન લેવું એના વિશે વિચારો. તમારી પાસે યુદ્ધ સિવાયના બધા વિકલ્પો ખુલ્લાં છે. '' તેમણે વાત પૂરી કરી. '' ઓકે સર, હું મારો ફાઇનલ રિપોર્ટ કાલની જનરલ મિટિંગમાં આપીશ. '' કહીને અરુણ બક્ષી પોતાની ઓફિસે જવા રવાના થયા. હવે તેમને કોઈ એવો પ્લાન વિચારવાનો હતો કે જેથી વગર લડાઈએ દુશ્મનની સાન ઠેકાણે આવી જાય. સ્વાભાવિક હતું કે એવો પ્લાન આજ પહેલાં ક્યારેય અમલમાં નહિ મુકાયો હોય. તેમના ગયાં પછી બી.એમ તિવારી વિચારમાં પડ્યા. કેન્દ્રમાં તેમની સરકાર આવ્યાને ત્રણ વર્ષ પૂરા થવા આવ્યાં હતા. વડાપ્રધાનપદની ચૂંટણી વખતે પણ સીમા પર કઈંક આવી જ હાલત હતી. તેમણે પ્રજાને ભરોસો અપાવ્યો હતો કે દુશ્મનને જડબાતોડ જવાબ આપવામાં આવશે. તેમની આ વાત પર વિશ્વાસ મૂકીને જ જનતાએ તેમને પૂર્ણ બહુમત થી ચૂંટ્યા હતા. સરકારમાં આવીને તરત જ તેમણે કેટલાંક કડક નિર્ણયો લીધા હતાં, હજી થોડા સમય પહેલા જ ભારતીય સેનાએ પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઈક પણ કરી હતી, પણ તેમનો આ પાડોશી કમ દુશ્મન સુધરવાનો નામ જ નહોતો લેતો. તેથી જ અત્યારે તેઓએ અરુણ બક્ષીને બોલાવ્યાં હતા, તેમની કાબેલીયતથી તિવારી પૂરી રીતે વાકેફ હતા. '' હવે જે થવું હોય તે થાય, જોયું જશે. દર વખતે ચુપ બેસી રહેવાથી કંઈ નહીં વળે.'' તેઓ મનોમન બોલ્યા અને એક ફોન જોડ્યો..

***

હવે અલતાફ મીર કંટાળ્યો. છેલ્લાં દોઢેક કલાકથી તે બજારમાં રખડી રહ્યો હતો, પણ તેને જે વસ્તુ જોઈતી હતી તે હજી મળી ન હતી. પાકિસ્તાનના પ્રખ્યાત એવા રોહતાસ ફોર્ટથી આશરે વીસેક કિલોમીટર દૂર એક નાનકડા શહેરની મેઈન બજારમાં અત્યારે તે ફરી રહ્યો હતો. દોઢ કલાકની ખરીદી પછી તેની પાસે કેટલીક જાડી લાંબી રસ્સીઓ, એક મોટી સેલોટેપ, થોડી દવાઓ, પ્રાથમિક સારવારની કેટલીક ચીજો, ત્રણ મોટા ધારદાર ચપ્પુ, એક મોટો થેલો ભરાય તેટલી સાદા પઠાણી કપડાંની જોડ, અને થોડી કાળી રીબીનો હતી. પણ હજી તેની ખરીદી પૂરી નહોતી થઇ. તેને કોઈક ખાસ પ્રકારનાં ઇન્જેક્શનો લેવાના હતાં, જે કેટલીય મેડિકલ સ્ટોરમાં પુછા કર્યા છતાં નહોતાં મળ્યા. આમ પણ આવી ભરબપોરે રખડપટ્ટી કરીને તે કંટાળ્યો હતો. આખરે તેણે એક ફોન કર્યો અને સામે વાળા સાથે થોડી વાતચીત કર્યા પછી તે પોતાના અડ્ડા પર જવા નીકળ્યો....

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED