જય હનુમાન જ્ઞાન ગુણ સાગર Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર.....!

લંક જલાકે જલી ભી નહિ, હનુમંત વિચિત્ર પૂંછ તુમ્હારી

યે કૌના જાદુ રાજેશ્વરા હૈ, તી પૂછતી હૈ મીથીલીશ દુલારી

બોલે કપિદિપ રાઘવ આગે હૈ, પીછે હૈ પૂંછ રહસ્ય ભારી

વાનરકો ભલા પૂછત હૈ કૌન, રામજી કે પીછે હૈ પૂંછ હમારી

હૈ....જ્ઞાન ગુણસાગર....!

આપની જન્મજયંતીએ અમારાથી એવું તો કહેવાય નહિ કે, ‘ તુમ જીયો હજાર સાલ....! ‘ કારણ આપ તો આમપણ સાત ચિરંજીવીઓ પૈકીના એક ચિરંજીવી રહ્યાં. ભલે આપણે ‘ ફેઈસ ટુ ફેઈસ ‘ મળ્યા નથી. કે ‘ ફેઇસબુક ‘ ની અડફટે પણ આવ્યાં નથી. પણ આપનો પરિચય તો અમને પુરાણો...! મંદિરમાં પણ જોયેલા, ને રામાયણમાં આપણા પરાક્રમો પણ વાંચેલા કે સાંભળેલા....! નવાઈની વાત તો એ છે કે, ગુજરાતના ૧૮૫૪૪ ગામડામાંથી એકપણ ગામ એવું નથી કે, જ્યાં દાદા આપની દેરી ના હોય....! અને એકપણ હિંદુભક્ત એવો નહિ હોય કે, જેણે હનુમાન ચાલીસા સાંભળી કે વાંચી ના હોય....! માલીકથી પણ સેવક મહાન કઈ રીતે બની શકે, એનો જો કોઈ દાખલો હોય તો, દાદા એ આપ છો. કારણ આપના જેટલા તો ભગવાન શ્રી રામના પણ મંદિર નથી.

ફેક્ટ વાત કહું તો દાદા, ગયાં મહિનાની અગિયાર તારીખે અમે શું ખાધેલું, તે અમને યાદ નથી. અમને અમારી પેઢીના નામ યાદ નથી. પણ ૨૧,૬૫,૯૮૧ વર્ષના વ્હાણા વાયા છતાં, હનુમાનદાદા અમે આપના આખા પરિવારને જાણીએ. હેપ્પી બર્થ ડે દાદા....!

“ સાષ્ટાંગ વંદન, કરવાને બદલે. મારો વ્હાલો મને ‘ હેપ્પી બર્થ ડે ‘ કહે છે, એમ ખિન્ન થઈને ગદા નહિ ઉપાડતાં દાદા....! અમે તો આ જ રીતે ‘ હેપ્પી બર્થ ડે ‘ વિશ્ કરીએ. વિશ્ કરવાની અમારી આ લેટેસ્ટ ‘ સ્ટાઈલ ‘ છે .......! બર્થ ડે પાર્ટીમાં, જેમ અમે ખાણીપીણી રાખીએ, એમ આપની બર્થ ડે પાર્ટીમાં અમે ભંડારો કરીએ. ફેર એટલો કે, અમારી બર્થ ડે પાર્ટીમા અમે મીણબતી સળગાવીએ, ને પછી હોલવી નાંખીએ. અને આપની વર્ષગાંઠમાં અમે આરતી સળગાવીએ. આદત મુજબ એકવાર આરતી હોલવવા તો ગયો, પણ ખલ્લાસ....! આપ હજી ગદા કાઢો...કાઢો, ત્યાં તો બાપાએ લાકડી એવી વીંઝી નાંખી કે, હજી એ સપાટો ભુલાયો નથી.

રીયલી દાદા, આપ અમને ખુબ જ ગમો. કોઈ વાતે જો ગાંઠ પડી, તો ૩૩ કોટી દેવતામાંથી પણ, પહેલું સિલેક્શન તો અમે આપનું જ કરીએ. એટલા માટે કે, આપ રહ્યાં ગેરંટીવાળા દેવ....! પરદુઃખ ભંજક....! બાકી ભગવાન શ્રી રામને અને આપને, ક્યાં સાત પેઢીનો સંબંધ હતો....? છતાં કમાન્ડોની માફક કેવાં એમની પડખે રહ્યાં....? બાકી અમારે શ્રી રામ જેવાં પ્રોબ્લેમ તો મુદ્દલે નહિ. અમારી વાઈફને અમે એકવાર ઉપાડી લાવેલા તે લાવેલા, તે પછી કોઈ જ ઉપાડવા આવ્યું નથી...! એટલે શોધવાનો તો પ્રશ્ન જ નહિ. જો કે, દાદા, એ આપની હનુમાન ચાલીસાનો પ્રતાપ. રાતે હનુમાન ચાલીસા વાંચીને જ સૂઈએ, ને સવારે હનુમાન ચાલીસા વાંચીને જ પથારીમાંથી પગ બહાર કાઢીએ. પછી કોની તાકાત કે કોઈ ઉપાડી જાય....? અમારો આ ‘ રામબાણ ‘ નહિ પણ, ‘ પવનપુત્ર ઉપાય ‘ કહેવાય....! “

ને આ જ ફોર્મ્યુલા અમારી ભણવામાં આવે....! પરીક્ષા આવે એટલે અમારી હનુમાન ચાલીસા સ્ટાર્ટ...! કારણ કે દાદા, હનુમાન ચાલીસામાં આપશ્રીએ જ તો ‘ પ્રોમેસરી નોટ ‘ આપેલી કે, “ નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત વીરા.....! “ પછી અમને કોઈની સાડાબારી હોય ....? અભ્યાસક્રમની ઐસી કી તૈસી....! હનુમાન ચાલીસા જ મોઢે કરવાની ...! ને દાદા....અમારૂ કામ પણ થઇ જતું હંઅઅઅકે.....! પરીક્ષાનું પેપર ક્યાં તો સાવ સહેલું નીકળે, ક્યાં તો પરીક્ષા વખતે સુપર વાઈઝર પણ ‘ સુપર વિઝન ‘ કરવાને બદલે, ખૂણે બેસીને ‘ હનુમાન ચાલીસા ‘ જ વાંચતો હોય. ફિર દેખના ક્યા, અપના કામ ફિનિશ....! મઝ્ઝા જ મઝ્ઝા દાદા....! હનુમાન ચાલીસાની કૃપા જ એટલી સોલ્લીડ કે, ભલે ફુલ્લી પાસ નહિ થઈએ, પણ કૃપાગુણનો ધક્કો તો જરૂર લાગે. ને અમે નીકળી જઈએ આગળ...! જાણીને નવાઈ લાગશે દાદા, કે ચમનિયાનો ચંદુ તો આ જ સિસ્ટમથી હનુમાન ચાલીસા વાંચીને ડોક્ટર થઇ ગયો. આજે પણ એ દર્દીને સિંદુરનું તિલક કરીને જ ઇન્જેક્શન પણ મુકે. પછી તો જેવાં જેવાં ઓપરેશન....! નાનું ઓપરેશન હોય તો હનુમાન ચાલીસા વાંચી નાંખે, અને મોટું ઓપરેશન હોય તો, સુંદરકાંડ વાંચ્યા પછી જ મોટા ઓપરેશન કરે....!

દાદા....! આપ તો રહ્યાં રામભક્ત. ભગવાન શ્રી રામ સાથે આપની ડાયરેક્ટ એસટીડી લાઈન ચાલે....! રાવણ જેવાં રાવણની આખ્ખેઆખી લંકા ભસ્મીભૂત કરી દીધી, છતાં આપની પૂંછડીને ઉની આંચ શુદ્ધા નહિ આવી. આપનું રૂપ ભલે ગમે તેવું હોય, પણ આપ શ્રી રામના સ્વરૂપ છો, એ મોટી વાત છે, દાદા....! બાકી ‘ ફેર એન્ડ લવલી ‘ ના લેપડા કરવાથી કદાચ રૂપ મળતું હશે, પણ સેવકનું સ્વરૂપ તો નહિ જ મળે. શ્રી રામના સેવક બનવા માટે તો, સિંદુરના લીંપણ જોઈએ. હાથમાં મોબાઈલ નહિ, પણ ગદા જોઈએ....! સાચી વાત હોય તો હા કહેજો, નહિ તો મારું માથું ને આપની ગદા....!

દાદા....એ તો લોકોને લાગે છે કે, અમે હનુમાન જયંતિ ઉજવીએ. બાકી અમે ઉજવતા નથી, પણ જીવતરને ઉજાગર કરીએ. અમારી પેઢીને બતાવીએ કે, પડકાર ઝીલવા હોય તો, હનુમાનદાદા જેવી શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ કેળવો. આ બધું મોલમાં મળતું નથી, અને એના ખેતર પણ હોતા નથી. હનુમાનજીના જીવનમાંથી એ શીખવી પડે. આપશ્રી નીડર બનીને કેવાં રાવણના દરબાર ગયેલાં, એમ અમારા વડાપ્રધાન પણ, એક દિવસ નિર્ભય બનીને અચાનક પાકિસ્તાન પહોંચી ગયેલાં. નીડરતા, શ્રદ્ધા, અને રાષ્ટ્રભક્તિ તો અમને આપના થકી જ વારસામાં મળેલી છે. આપે તો લંકામાં જઈને રાવણને ભાન કરાવેલું કે, તારી પાસે ભલે અનેક સિદ્ધિઓ હોય, ભલે તું ગમે એટલાં ઉંચા ઘરાનાનો પંડિત હોય, પણ અમે વાનર બંધુ તો એકડો પણ ભણ્યા નથી, છતાં તારું ફીઇઈઈણ કાઢીને જઈશું....!

આપે મોંઘા મોલની ખાનગી શાળાઓમાં શિક્ષણ લીધું નથી. ઉંચી ફી ભરી નથી. છતાં આટલી ત્રેવડ ધરાવતાં. રાવણ જેવાં પંડિતની હકુમતમાંથી મા સીતાજીને છોડાવી લાવવું, એ ઘટના સાધારણ નહિ, પણ અસાધારણ કહેવાય. ભણેલો બોલે ને અભણ સાંભળે એમાં કંઈ નવાઈ નહિ. પણ, રાવણ જેવાં પંડિતને એક અભણ વાનર ચેલેન્જ આપીને આવે, એને જ સાચી વિદ્યાપીઠ કહેવાય. એ અમે આપની પાસેથી શીખ્યા....!

બાકી બીજા દેશો ભલે એમ કહેતાં હોય કે, અમે ચંદ્ર પર ગયાં, ને અમે મંગળ પર ગયાં. પણ એમને ખબર નથી કે, લાખો વર્ષ પહેલાં અમારા બિનવૈજ્ઞાનિક હનુમાનજી આખો ને આખો સુરજ ગળી ગયેલાં. વિશ્વનો પહેલો સ્પાઈડર મેન તો અમારા આ હનુમાનજી હતા. અમે એટલે આપની જયંતિ ઉજવીએ. જેથી આપની શક્તિની આજની પેઢીને ઓળખ રહે......!

જો કે ક્યાંક ક્યાંક ઘઉંમાં કાંકરા તો રહેવાના....! અમારા ચમનીયા ની જ વાત કરું તો, દાદા એવું કહે કે, “ રમેશીયા.....! ભગવાન શ્રી રામચંદ્રજીએ માનવસેનાને બદલે વાનરસેના કેમ રાખેલી, એની તને ખબર...? મેં એનું જાત સંશોધન કર્યું છે....! “ મને કહે કે, વાનર સેના એટલા માટે રાખેલી કે, માણસ ક્યારે ફૂટી જાય એનું નક્કી નહિ....! બીજું કે, પગાર-પેન્શન અને પ્રોવિડન્ટના કોઈ લફરાં નહિ. માણસની જો સેના રાખી હોત તો, મા સીતાજીને શોધવાની વાત દુરની રહી, ભગવાન શ્રી રામ કોર્ટના આંટાફેરા ખાતાં જ થાકી ગયાં હોત. ને સીતાજીને શોધવાનો પ્રશ્ન તો રામમંદિરની માફક ટોલ્લે જ ચઢી ગયો હોત....! પ્રમોશન અને પેશગી ને બોનસના લફરાં ઉભાં થયાં હોત. વાનરસેનામા તો કોઈ ઝંઝટ જ નહિ. નહિ કોઈના માટે રહેવા ના ક્વાર્ટર બાંધવાના, કે નહિ કોઈના રસોડા ચલાવવાના....! ફાવે તે ઝાડ ઉપર રહેવાનું, ને જે ફળ મળે તે ખાય લેવાનું....! ગણવેશના કપડાં તો ખરીદવાના આવે જ નહિ. નહિ કોઈ ચુકવણા આવે કે નહિ કોઈના હિશાબ આવે. સર્વિસના કોઈ લફરાં નહિ, ને યુનિયન અનામતના પ્રોબ્લેમ નહિ.....! વાનરસેનાની તો સેવાભાવના જ એટલી પવિત્ર ને સજ્જડ કે, ભ્રષ્ટાચાર કરવાના તો વિચાર પણ નહિ આવે.....!

વાનરસેનાને બદલે જો માનવસેના રાખી હોત તો, વિચારમાત્રથી ધ્રુજારી છૂટે....! એક તો સોનાની નગરી જોઈને અડધાં તો ત્યાં જ સેટલ થઇ ગયાં હોત. અને દુબઈથી કાયદાની આડ હેઠળ સોનું લાવે એમ, સોનાની હેરાફરી કરતાં પણ થઇ ગયાં હોત.....! શું કહો છો.....?

હેપ્પી બર્થ ડે દાદા......!

*****