આ દુનિયા પણ ગજબની છે દોસ્ત....!
જો બકા....! સત્યમેવ જયતે - આરામ હરામ હૈ - જય જવાન જય કિસાન કે અચ્છે દિન આનેવાલે હૈ.....જેવા સુત્રો હવે સામાન્ય નથી રહ્યા. અસામાન્ય બનીને ભાષણના ભાથા બની ગયા. પણ સો ટચના સોના જેવું કોઈ લેટેસ્ટ સૂત્ર હોય તો, ‘ દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે....! ‘ જેને એકવાર ઝૂકાવતા આવડી ગયું, એ થઇ ગયો પછી સિકંદર....! ગમે એવી મંદીમાં પણ એ ધંધા-ધાપા વગર નો તો રહે જ નહિ. દુનિયા પણ ગજબની છે દોસ્ત....!
આમ તો આ લેખનું ટાઈટલ ‘ દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહીએ ‘ રાખેલું. પણ પેટ છૂટી વાત કરું તો, મને પણ ઝાઝું ઝુકાવતાં આવડ્યું નહિ. બીજું કે, લેખનું ટાઈટલ કવ્વાલીની કડી જેવું લાગ્યું. આપણે શું કામ કોઈને મિસગાઈડ કરવા જોઈએ....? કોઈને એમ થાય કે, લેખમાં કલ્લુ કવ્વાલની કહાણી હશે. ત્યારે ફિલમના રવાડે ચઢેલાઓને એવું લાગે કે, આ લેખમાં કોઈ ફિલમની ‘ સ્ટોરી-બોરી ‘ હશે. એને શું વાંચવાનું....? એટલે તે. તેમ મિસગાઈડ થાય. લેકિન કસમ ખુદાકી કે ઉસમેં ન તો કોઈ કલ્લુ કવ્વાલકી બાત હૈ, કી ન તો ઉસમેં દીપિકા પદુકોણ કે ભૂમિતિકા ચતુષ્કોણ હૈ....! એટલે ખોટાં માણસોએ ખોટાં ધક્કા ખાવાની તસ્દી લેવી નહિ. ને મારા માનવંતા કવિઓને પણ એટલી જ વિનંતી કરવાની કે, આ લેખમાં કોઈ ક્રાંતિકારી કવિત્વભાવ નથી. શિખરણી કે નિસરણી જેવો કોઈ છંદ કે કુછંદ પણ નથી. માટે જે લાઈનમાં છો, એ જ લાઈનમાં પડી રહેવું હિતાવહ છે. મહેરબાની કરીને આડી લાઈનમાં ‘ ઓન-લાઈન ‘ થવું નહિ. ( સામાજિક ચેતવણી પૂરી.....! )
આપને સૌ જાણીએ છીએ કે, આપણી અપેક્ષાઓ આપણા શ્વાસ કરતાં પણ અઢળક છે. કેટલીક તો પડી પડીને કાટ ખાઈ ગઈ છતાં, છૂટતી નથી. કવિ કહે છે ને કે, “ છૂટે ના શ્વાસ છેલ્લો ત્યાં સુધી સૌ, આશ રાખે છે, દવામાં ને દુઆમાં માનવી વિશ્વાસ રાખે છે....! “ સવાલ અપેક્ષાઓના કાટમાળનો છે. અપેક્ષાઓ ઉંચી જ એટલી બધી કે, ઘણા ને તો આકાશ પણ નીચું લાગે. એમને કોણ સમઝાવે કે, લગનની કંકોત્રી ગમે એટલી અફલાતૂન હોય. પણ લગનની જાન, તો ભોલેનાથની માફક જ આવવાની. જેમાં ડમરું નહિ વાગે, ડીજે ની જ ધમધમાટી રહેવાની. પ્લાન પ્રમાણેના બંગલા બને એનું કાંઈ નક્કી નહિ. એ તો બંગલો બન્યા પછી જ પ્લાન બનાવી દેવાનો. એમાં જ આપણી શોભા....!
લગન એક એવો મામલો છે કે, બધું થાળે પડી જાય પછી જ એ સમઝાય. આજે પણ ચમનીયો કહે છે કે, મારી વાઈફ કોણ છે, એની મને ખબર. મારૂ સાસરું કયા ગામ છે એની પણ મને ખબર. મારા સાસુ-સસરા-સાળા-સાળી કોણ છે, એની પણ મને ખબર. પણ મેં લગન શું કામ કર્યા એની જ મને ખબર નહિ. પરણ્યા પછી હવે આજે સમઝાય છે કે, આ ધંધો નહિ કર્યો હોત તો સારું થાત....!
આ લેખમાં પણ લગભગ આવું જ છે. માલનો ઉપાડ વાધારવા માટે જેમ મોટા મોટા સેલીબ્રેટીઓને ભાડે કરી, જાહેરાતમાં ઉતારવા પડે, એમ ઘડીભર મને પણ એવી લાલસા થઇ આવેલી કે, આ લેખની વચ્ચોવચ્ચ માથામાંથી જૂ કાઢતી કોઈ હિરોઈનનો ફોટો મુકું. જેથી લેખ થોડો ‘ ટેસ્ટી ‘ પણ લાગે, અને વાંચક વર્ગ પણ વધે. આપણને એવું કે, ડાઈનીંગ ટેબલ જો સારું હોય તો, ભીંડાનું શાક પણ ચટાકેદાર લાગે....! પણ, કહેવાય છે ને કે, , મંગળસૂત્ર ભલેને ભપકાવાળું હોય, પણ ભાઈમાં જ ભલેવાર ના હોય, તો એ ભપકા પછી ભડાકા જ કરે....! ટેસ્ટી ચાય ની તલપ લાગી હોય, ને ચાહ બનાવવા બેસીએ, ત્યારે ખાંડના ડબ્બામાંથી ખાંડને બદલે, ગરમ મસાલો પણ નીકળે, એમ ટાઈટલ વાંચીને પડીકામાંથી ગુણવતાવાળો માલ નહિ નીકળે તો માની લેવાનું કે, એક ઔર ભાઈએ ભેજાનું ફ્રાઈ કરી નાખ્યું....! અપેક્ષાને બહુ વળગી નહિ રહેવાનું બકા.....!
પહેલાં એવું કહેવાતું કે, ‘ નો નોલેજ વિધાઉટ કોલેજ.....! ‘ હવે માત્ર કહેવાય જ છે. બાકી કોલેજ કરતાં દરિયા કિનારા કે બાગબગીચાના પીરીયડ વધારે પણ ભરાતાં હોય. આ જમાનો આજે ખપ પૂરતા નોલેજનો હોય એવું નથી લાગતું....? જથ્થાબંધ નોલેજથી કદાચ અપચો પણ થાય. ને ખપ પૂરતા નોલેજ માટે કોલેજ સુધી આંટો મારવાનો આજે સમય કોને છે...? ખપપુરતું નોલેજ તો, લારી ગલ્લાવાળા પાસેથી પણ મળી રહે. પણ એમને કોણ સમઝાવે કે, ભણતર વગરના ઘડતર નકામા. ખાલી પુસ્તકના ટાઈટલ વાંચવાથી વાર્તાનું પૂર્ણવિરામ નહિ આવે. આખું પુસ્તક કે આખો લેખ વાંચવો પડે. પુસ્તકની પ્રસ્તાવના વાંચી લેવાથી જ્ઞાનની ગંગોત્રી ટપકે નહિ. યાર, આપણાથી માત્ર મામૂલી મોબાઈલની આંટીઘૂંટી પણ ઉકેલાતી નથી. ભલે ને ભણવામાં પંડિત કેમ ના હોય, પણ એ આંટી ઉકેલવા માટે આપણે નાના છોકરાની દાઢીમાં હાથ નાંખવો જ પડે છે ને...? ૫૬ ની છાતી હોય, કે મૂછ ઉપર લીંબુ ટીંગાતા હોય તો પણ ’ ટેકનોલોજી ‘ માં હજી ઘણા પંડિતની ચાંચ ડૂબતી નથી. પણ જીવ એટલો સંતોષી કે, સરકાર તો સરસ છે ને...? નહિ ભણશું તો પ્રૌઢ શિક્ષણના વર્ગ તો પાછળ ચાલવાના જ છે....?
દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનાવાલા ચાહીએ. વિજય માલ્યા બેંકવાળાને ઝૂકાવીને ઉડી જ ગયો ને....? આપણે દશ-દશ અવતાર લઈએ, તો પણ વિજય માલ્યા જેવી ત્રેવડ આપણામાં આવવાની નથી. આ દુનિયા ગજબની છે દોસ્ત....! પેલા બની બેઠેલા બાવાઓ જ જુઓ ને....? જે સિદ્ધ સાધુ સંતો છે, એને તો આપણે સાષ્ટાંગ વંદન કરીએ. પણ, જે માત્ર ધંધા-ધાપાના રવાડે ચઢીને બાવા બન્યા છે એના માટે તો શું દયા ખાવાની....? વડ જેવા વડ મટીને, ભાદરવાના ભીંડાની માફક આપણે પણ એને ‘ પાય લાગુ ‘ કરીએ જ છીએ ને....? દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહીએ....!
ગરીબો ઓછા થતાં નથી, ને ‘ આવા બાવાઓનો ફાલ અટકતો નથી. કારણ એમને ખબર છે કે, સબ ભૂમિ ગોપાલકી તો હૈ...! હરો ફરો ઔર પ્રભુકા ગુન ગાતે ચલો. બચ્ચા તેરા કામ હો જાયેગા, એટલું જ બોલવાનું ને...? શું એક સમય હતો. સાચા સાધુઓને શોધવા માટે આપણે જંગલમાં જવું પડતું. ગિરનારની ગોદ કે હિમાલયની ગુફા ખૂંદવી પડતી. ત્યારે હવે તો મોર્ડન બાવા જ એટલાં ‘ ઇઝ્ઝી ‘ કે સામેથી ‘ હેલ્લો ‘ કરતાં આપણી પાસે આવે. એના દર્શન કરવા જવાને બદલે જાણે એ જ આપણા દર્શન કરવા માટે નહિ આવ્યો હોય...? હજી બુલેટ ટ્રેનને આવવા તો દો, એમાં પણ બાવાઓ ‘ અલખ નિરંજન ‘ કરતાં સામા મળી જાય તો નવાઈ નહિ પામવાનું.....! બંદાને શ્લોક આવડે કે નહિ આવડે, જ્યોતિર્લીંગના નામ આવડે કે નહિ આવડે, માત્ર ભગવો ચઢાવ્યો કે હો ગયા ભોગી ભોલેનાથ.....! જો આપણી કૃપા ફળે, તો ટાવરની લારી ઉપર ફાફડા જલેબી ખાતા પણ આપણને ભટકાવાના....! અને, ટોકીઝમાં પણ એના દર્શન થઇ જવાના ....! દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે. આ દુનિયા પણ ગજબની છે, દોસ્ત....!
આપણે ત્યાં નહિ કોઈ બાવાઓના ટ્રેનીંગ સેન્ટર છે કે, નહિ કોઈ ડીગ્રી-ડિપ્લોમાના કોર્ષ છે. નહિ કોઈ બાવા બનવા માટેની ‘ બેન્કેબલ ‘ યોજના છે, કે નહિ કોઈ ‘ નીટ ‘ જેવી એમને માટે અઘરી પરીક્ષા છે. છતાં બાવાઓનો મોટો ફાલ ભારતમાં જ છે. રસ્તા કરતાં વાહન વધે, એમ વસ્તીના પ્રમાણમાં સાધુઓ વધે. નહિ નેતાઓ ઘટે, કે નહિ બાવાઓ ઘટે....! બંને ઇઝ્ઝી અવેલેબલ....! જો કે, ‘ અજાણ્યા ધંધામાં ઉંધા માથે પટકાવું, એના કરતાં આ બાવાવાળો ધંધો કંઈ ખોટો પણ નહિ. એમાં ખોટ તો મુદ્દલે આવે જ નહિ. કારણ “ નો સિસ્ટમેટીક, નો મેથેમેટિક. બટ એવરીથિંગ ઈઝ ઓટોમેટીક....! “ જો કોઈ મહેનત વગરનો ધંધો હોય તો બાવા બનવાનો. નહિ મૂડીનું કોઈ રોકાણ, કે નહિ મૂડીનું કોઈ ભંગાણ....! માત્ર મૂડી હલાવીને બોલવાનું એટલું જ કે, ‘ અલખ નિરંજન,.તેરા કલ્યાણ હો જાયેગા, બેટા....! ‘ વિજય માલ્યા બનવું, એના કરતાં ભગવો ચઢાવીને અલખના ઓટલે ઈજ્જત તો રહે....?
સંપતિમાં દોઢ મીટરનું ભગવું, ને ૧૦૮ મણકાની માળા જ જોઈએ. દાઢી તો ભગવાનની દેણ છે. આપોઆપ ઉગવાની જ...! માત્ર એને વધારવાની જ તસ્દી લેવાની ને...? રહી વાત હિન્દીની.....! ઉસમેં ક્યા ટેન્શન લેનેકા....! વો તો દૂધવાલા ભૈયાજી કે, પાનીપૂરીવાલા ભી શિખા શકતા હૈ....! જેમ ખેતીને ભારતનું હવામાન ફાવે, એમ આ લોકોને પણ ભારત જ ફાવે. ભારત એ ઋષિઓનો દેશ છે. સંતોનો દેશ છે. અને મહાત્માઓનો દેશ છે. પણ ચૂના-તંબાકુ ને માવો ઠપકારતા સાધુઓનો નહી. એ તો બધા સિદ્ધ અને વંદનીય સાધુ કહેવાતા. પણ ઘઉંમાં કોદરા ભળી જાય તો કહેવું કોને....? વળી આપણે રહ્યા પામર પ્રાણી....! શેરડી ભેગી ઢીંઢણને તો પીલાવાનું જ આવે....! એટલું જાણીએ કે, સાચા સાધુને કદી માપવાના ના હોય...! એને પામવાના જ હોય. પણ એને માપવાના માપિયા આપણે લાવવા ક્યાંથી....?
એક ભાઈને સાધુના દર્શન થવાને બદલે, બાવા ભટકાય ગયાં. અને બિચારો સાધુ સમઝીને એને કહે, ‘ હે મહારાજ, કુછ ભી કરો, લેકિન મુઝે મેરી વાઈફ્સે તુમ બચા લો. મૈ ઉનસે તંગ આ ગયા હું....! ‘ પેલો બાવો કહે, ‘ બેટા...! એ પ્રોબ્લેમ તો મુઝે ભી આયા થા. ઇસ લિએ તો મુઝે ભી બાવા બનના પડા. સહન નહિ હોતા, તો તું ભી મેરે આશ્રમમે આજા, દોનો સાથ મિલકે રોટી પકા લેંગે.....! ‘ તારી ભલી થાય તારી.....!
દુનિયામાં ત્રણ પ્રકારના સાધુ હોય. દેહયોગી, મનયોગી, ને આત્મયોગી. બાકીના રાજયોગી, ને ઘરકંકાસથી હારેલા હોય તો ઘરભોગી. આત્મયોગી સાધુ વંદનીય છે. પણ, આપણને જે ભટકાય છે એ તો બધા ‘ દેહયોગી, મનયોગી અને આશ્રમયોગી.....! ‘ બે-ચાર ‘ લુખ્ખા ‘ લાભાર્થી જ મળવા જોઈએ. કે શિષ્યો હાજરાહજૂર થઇ જ જાય .....! એક મોર્ડન સાધુની વાત કરું. મને કહે, ‘ દે દે બેટા, દે દે....ભગવાનકે નામ પર કુછ દે...દે ! “ ભારતમાં જન્મ્યા એટલે આપણામાં સંસ્કાર તો હોય જ. સાધુને મેં સાષ્ટાંગ વંદન કરીને, ભગવાનના નામ ઉપર પચાસ રૂપિયા આપ્યા. પચાસની નોટ, જેવી એના ગજવામાં પડી કે, તરત બોલ્યો. “ બેટા, ભગવાન તેરા ભલા કરેગા. તેરા એ પચાસ રૂપિયા મેરે લિયે પચાસ લાખ બરાબર હૈ. માંગ....માંગ, તું જો માંગે વો મેં દેદું....! “ જાણે ભગવાનનો એટર્ની પાવર લઈને નહિ આવ્યો હોય....? મેં કહ્યું કે, ‘ બાબા એ પચાસ રૂપિયા મુઝે વાપસ દેદો....! ભગવાન તેરા ભલા કરેગા.....!! ‘ કહેવાનો મતલબ દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલે ચાહિયે...! દુનિયા ગજબની છે દોસ્ત....!
એક સાધુ તો મને એવો મળ્યો કે, બેટા મુઝે ગીરનાર જાના હૈ, મુઝે બસો રૂપિયા દે દો. આપણને એમ કે, છો બિચારો ગીરનાર જઈને સાધના કરતો. મેં એને બસોને બદલે પાંચસો રૂપિયા આપ્યા. અને પછી હું સામેની ગીરનાર ટોકીઝમાં ફિલ્મ જોવા ગયો. તો એ ગીરનાર જવાને બદલે ગીરનાર નામની ટોકીઝમાં, મારી બાજુની સીટ ઉપર જ બેઠો હતો. એના કપાળમાં કાંદા ફોડું....! દુનિયા ગજબની છે દોસ્ત......! ‘ દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહીએ....! ‘...............................સંપૂર્ણ...........