આપણા અધકચરા અભરખાના પ્રયોગો..!
શું કહો છો....? અભરખા વિનાનો, માણસ આ ધરતી ઉપર મળે ..? મળતો હશે યાર.....? ઘેંટા-બકરાને પણ અભરખો હોય, તો પછી માણસનો તો સવાલ જ ના હોય ને બકા...? અભરખો ભગવાન જેવો છે. અનુભવાય ખરો, પણ દેખાય નહિ. એટલે તો આપણને એ પકડાતું નથી, કે કોને કેટલા કેરેટનો અભરખો છે....? બાકી અભરખો તો હવે બાળક જન્મે ત્યારથી હોય. યાદ છે પેલો જોક....? બાળક જનમતાની સાથે જ નર્સનો મોબાઈલ ખૂંચવી લે, અને કહે કે, ‘ આન્ટી.....સોરી. ભગવાને કહેલું કે ‘ તું પહોંચે એટલે મને મિસકોલ કરી દેજે, એટલે મોબાઈલ લીધો. તારી ભલી થાય તારી.....! આ પણ એક અભરખો જ કહેવાય. ‘ જવા દો, મોબાઈલના અભરખાની પંચાત નથી કરવી. એમાં પણ મોડેલ બદલાય એમ અભરખા બદલાય. સાચી વાત ને....?
મારા મિત્ર ચમન ચક્કીને એક જ અંતિમ ઈચ્છા છે. ધીરુભાઈ અંબાણીના ઘરની બાજુમાં જ બંગલો ભાડે લેવો. એના મગજમાં એક જ અભરખો કે, કોકીલાબેન અંબાણી આપણે ત્યાં એકવાર ઉછીની એક વાટકી ખાંડ લેવા આવે...!! હા....હા ! અભરખાને ક્યાં ભેદ હોય છે, યાર...? જાતિ-ધર્મ કે ભાષાના ભૂત માણસને નડે, અભરખાને થોડાં અડવાના....? અભરખાનું તો એવું છે ને કે, કોને ક્યારે કયું ભૂત ક્યાં ભરાય એનું કાંઈ નક્કી નહિ. એ ગમે ત્યારે ગમે તેને ચાલતાં પણ ભેટી જાય.
ફેસબુક-ટવીટર-વોટ્સેપ વગેરે બધું શું છે....? અભરખાના માયાવી સ્વરૂપો....! અભરખાને જોવા હોય, માણવા હોય કે જાણવા હોય તો, ફેસબુકમાં માથા મારીને, ચોંટી ગયેલાને જોવા પડે. એમાં ફેસબુકનો અભરખો એક એવો અભરખો છે, કે જે માણસ કોઈને ‘ ફેઈસ ‘ નથી, થઇ શકતો, એ જ ફેઈસબુકમાં ગલગલીયાં કરતો હોય. ફેસબુકવાળા સુઈ ગયાં હોય, પણ બરમૂડા ફેઈસબુકમાં લટકેલા જ હોય....! હવે કારણ વગરના લટકેલા રહેવું, એને પણ અભરખો નહિ કહેવું તો શું કહેવું....? ગુગલવાળાને ગુગલી અભરખા હોય. અને ઈમેઈલવાળાને ફીમેઇલ જેવા અભરખા હોય. માણસ બધામાં કંજુસાઈ કરે પણ એમાં કંજુસાઈ નહિ કરે.....!
આપણી કમનશીબી છે કે, અભરખાને માપવાના કોઈ માપયંત્ર હજી સુધી શોધાયા નથી. “ અભરખા “ ક્યા તો કોઈને આબાદ કરે, ક્યા તો એનું ધનોતપનોત પણ કાઢી નાંખે. મારા એક
મિત્રને લોટરીનાં માર્ગે ‘ માલામાલ ‘ થવાનો અભરખો લાગેલો. પણ એક પણ લોટરી એને આજ સુધી લાગી નહી. એને માલામાલ થવાનો અભરખો ખરો, પણ લોટરીની ટીકીટ લીધા વિના માલામાલ થવાનો.....! હવે એ ધંતુરાને કોણ સમઝાવે કે, લોટરીની ટીકીટ લીધા વગર તો કોઈ દિ લોટરી લાગતી હશે....? પણ અભરખાને ક્યાં કોઈ બંધન હોય છે...? મુક્ત વિહાર....! કારણ, અભરખો તો માનવીનો જન્મસિદ્ધ અધિકાર છે ને...?
પાછા એમાં પણ પ્રકાર આવે. કોઈને એ.પી.એલ. અભરખો હોય, તો કોઈને બી.પી.એલ અભરખો પણ હોય.....! આપણને તો શંકા જાય કે, આ અભરખામાં પણ વર્ણવ્યવસ્થા જેવું આવતું હશે ખરું....? સારું છે કે, યમરાજના પાડાને કોઈ અભરખા આવતા હશે કે નહિ, એની આપણને ખબર નથી. બાકી એને પણ પૃથ્વીના પાડાની માફક જલશા કરવાના અભરખા તો આવતા હશે. આવતા હોય તો પણ, યમરાજને કહેવાય થોડું કે, ‘ પ્રભુ.....! પ્રભુ હવે મને રીટાયર કરો. મને રીટાયર થવાનો અભરખો જાગ્યો છે....!! મને પેન્શન-ગ્રેજ્યુટી આપીને છૂટો કરો પ્રભુ...! ‘
આ બધામાં ચમનીયાના અભરખા એટલે અભરખા. એક ભોજા ભગતના ચાબખા વખણાય, અને બીજા ચમનીયાના અભરખા વખણાય....! એનો એક અફલાતૂન અભરખો તો જાણવા જેવો છે. મને કહે, ‘ મહાત્મા ગાંધીજીની માફક મારે પણ મારી આત્મકથા લખવી છે. જેનું નામ હશે, “ ચમનીયાના અધકચરા અભરખાના પ્રયોગો....! “ અને તેની પ્રસ્તાવના મારે મશહૂર ( અભિ ) નેત્રી રાખી સાવંત પાસે લખાવવાનો અભરખો છે....!
દરેકની પાસે, જેને જેવું આવડે એવું ગણિત તો હોય જ. ચમનીયાનું ગણિત એવું કે, આત્મકથા હોય તો જ પુરુષમાંથી મહાપુરુષની ફેકલ્ટીમાં કુદકા મરાય. આત્મકથા વિનાનો પુરુષ એ આત્મા વિનાના ‘ પુરુષ ‘ જેવો છે. આવી એની માન્યતા. બંદર જ્યારે પોરબંદરનો દાખલો આપે, ત્યારે આપણને પણ આશ્ચર્ય તો થાય. પણ સંતો જેવા સંતો અભરખાને બ્રેક મારી શક્યા નથી, તો ચમનીયો કીસ ખેતકી મૂલી....? મને કહે, તું મારી મદદ માટે મારાં શરણે આવ. એના કપાળમાં કાંદા ફોડું....!
એના ભેજા વગરના ખાલી માટલામાં કોણ આવીને ઠસાવે કે, “ ભઈલા, કાદવના દેવને વાલની જ આંખ સારી લાગે.....! ‘ સત્યના પ્રયોગો “ એ કંઈ અજય દેવગણની ફિલમ છે કે, એની કોઈ ‘ રીમેક્ષ ‘ થાય....? જો કે, ચમનીયાનો એમાં મુદ્દલે દોષ નહિ. કારણ એ જન્મેલો જ ગાંધીજી ગયાં પછી. એને તો લાંબે ગાળે ખબર પડેલી કે, ‘ મારાં સત્યના પ્રયોગો ‘ એ કોઈ ‘ સત્ય બોલવાના જાદુઈ પ્રયોગો ‘ ની બુક નથી, પણ, પુ. મહાત્મા ગાંધીજીની આત્મકથા છે. ગાંધીજી ગયાં ત્યારે બિચારાની ઉમર પણ કેટલી....? તાજો તાજો જ પૃથ્વી ઉપર આવેલો. પણ, કહેવાય છે ને કે, ‘ જે નહિ સમઝાય છતાં, તેમાં કૂદવાનું મન થાય, એને જ અભરખો કહેવાય.....!!! ‘
બાકી, કોને કેટલા કેરેટનો અભરખો છે, એ તો અનુભવે જ સમઝાય. ઘણાને મંદિરમાં છુટ્ટા હાથે પાંચિયાનો ઘા કરીને ભવ્ય દાન કર્યાનો અભરખો હોય. ઘણાને મંદિરમાં કપાળ ઉપર વેચાતો ચાંદલો કરાવીને પૂણ્ય મેળવવાનો અભરખો હોય. પણ, ભગવાનને એકવાર એકીટસે જોવાની ચેષ્ટા કરવાનો અભરખો બહુ ઓછાને હોય.
ચમનીયાને બહુ મોડેથી ભાન આવેલું કે, જીવનકથાને જ આત્મકથા કહેવાય. પણ જેના જીવનમાં માત્ર ભાજી-મૂળાના ડાળખાં જ હોય, જીવનમાં મુદ્દલે રસાસ્વાદ ના હોય, એ આત્મકથાના રવાડે ચઢે તો કેવો ભૂંડો લાગે....? એની આત્મકથાના પાનાં વાંચે કોણ...? એના પાનાં સિંગ-ચણા કે દાળિયા – મમરા બાંધવા જ કામ લાગે. પાછો મને કહે, મદદ માટે તું મારી શરણે આવ. પણ એના આવા અભરખામાં ટાંગ અડાડે કોણ ?
સાવ સીધી વાત છે કે, અભરખાથી માણસ ભડકે છે, અને અભરખો માણસને ભડકાવે છે. જાણે શેર બજારના રવાડે ચઢી ગયો હોય, એમ એ સવારે જુદો, બપોરે જુદો અને રાતે તો એ ઓળખાય જ નહિ, એવો કાબરચીતરો બની જાય. શેરબજારના સરવાળા સાંઝે જ ખબર પડે ને...? પહેલાનો માણસ તો આત્મકથા જેવું જીવતો. એટલે એ ગમતો, અને એની આત્મકથા પણ ગમતી. જ્યારે ચમનીયામાં તો કંઈ લેવાનું હોય નહિ. એની જિંદગી એટલે કાંદા-બટાકાની છોલેલી છાલ જેવી. હવે એની આત્મકથા તે કંઈ ઝામે...? કોઈ પાયલોટની આત્મકથા હોય તો ધૂળ નાંખીએ. આ તો પાયમાલ પરષોતમની આત્મકથા. એને વાંચીને કયો અભાગીયો એની આંખના નંબર વધારે...? આવા લોકો કોઈપણ ઇન્જેક્શનથી ભાનમાં નહિ આવે. અભરખાની બેભાન અવસ્થામાં જ એમને મૌજ આવે ....!!!
ખુદ તમે પણ એની આત્મકથા વાંચતા હોય તો ઊંઘી જાવ બોલ ....! મથાળું વાંચીને જ શિઈઈઈટ.....કરીને પાનું ફેરવી કાઢો. ક્યા તો પાનું ફાડી પણ નાંખો. કારણ તમે પણ જાણો જ છો કે, એ પસ્તીનું પ્રોડક્શન જ છે. ડીફેકટીવ માલમાંથી આવું ઈફેક્ટીવ પ્રોડક્શન થાય જ નહિ. આપને કંઈ ચમનીયા થોડાં છે કે, વાહ વાહ કરીએ....? બીજું કે, આમ પણ ‘ સત્યના પ્રયોગો ‘ નામ જ આજે સાંભળ્યું હોય.....! પણ ચમનીયા સામે લાલ ઝંડી ફરકાવે કોણ....? શરૂઆતના બે પાના ઐશ્વર્યારાયની પ્રસ્તાવનાના અને મલ્લિકા શેરાવતની ફોટા સથે શુભેચ્છા ના લખાણ મુકીએ તો વાત અલગ છે....! ઈંગ્લીશ ન્યુઝ પેપરની માફક જરાતરા ડોકિયું કરી લેવાય....! બાકી વાંચે વસંતલાલ ....!!!
વાત ફેંકી દેવા જેવી હોય તો, તમારું માથું ને મારો જોડો, ( સોરી ) મારું માથું ને તમારું બધ્ધું.....! અભરખાના હુમલા આવે એ એકવાત થઇ. પણ, જે જીવતો જ નથી ગમતો, એની આત્મકથા વાંચવી અઘરી તો પડે. વાંચે કોણ....? ને વાંચીને જીવન બગાડે કોણ ...? એના કરતાં તો છાપાની શ્રધ્ધાંજલિ જોવી સારી. બે-ચાર શ્રધ્ધાંજલિ જોઈએ તો, ન્હાવાનું તો જલ્દી સુઝે.....! બાકી આપણી તો ગેરંટી છે કે, આત્મકથા સાથે જો માથાના દુખાવાની ગોળી ભેટ આપીએ તો, ગોળીનો ઉપયોગ થાય, બાકી આત્મકથા નહિ વંચાય.....!
આ બધું સેલીબ્રીટીને શોભે ભાઈ....! એ માટે મીંડામાંથી મહાજન બનવું પડે. ને આત્મકથા જેવું જીવન બનાવવું એટલે...? માથા ઉપર હાથી મુકીને ચાર ધામની યાત્રાએ જવા જેટલું કઠીન કામ કહેવાય....! ખાલી ચાબુક ખરીદવાથી ઘોડાગાડી નહિ આવી જાય....! પણ, અભરખાને અક્કલ ક્યાં હોય છે....?
___________________________________________________________________________