લલીતા પવારનો પાવર જીવે છે....! Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લલીતા પવારનો પાવર જીવે છે....!

લલિતા પવારનો પાવર જીવે છે....!

લલીતાબેન પવારનો પણ શું સાલો એક જમાનો હતો...? ખરેખર તો એ લલીતા પવારને બદલે લલીતા પાવર તરીકે જ ઓળખાવી જોઈએ....! ઇલેક્ટ્રિકના જીવતા વાયરને તો અડકીયે તો જ કરંટ લાગે. ત્યારે લલીતાબેનનો કરંટ તો, એની ફિલ્મ જોયા પછી અડક્યા વગર ઘરેઘરમાં ફરી વળતો. એવી એમની અભિનય જાહોજલાલી.....! શ્રી રાવણ માટે એવું કહેવાતું કે, આ પૃથ્વી ઉપર ‘ ન ભૂતો ન ભવિષ્યતિ ‘ કોઈ રાવણ પેદા થશે. એમ દર્શકોને નફરત થાય, એવા સાસુના અભિનયવાળી સાસુ ‘ ન ભૂતો ન ભવિષ્યતિ ‘ ફિલ્મ આલમને મળશે....!

ચમનિયાને તો હજી આજે પણ શંકા છે કે, ‘ એમનો કડક સાસુનો અભિનય જોયા પછી, ઘણીએ તો પરણવાનું જ મીકૂફ રાખ્યું હશે. વાત પણ સાચી ને....? પરણ્યા પછી જો આવી જ સાસુઓ લમણે ઝીંકાવાની જો હોય તો, ‘ આવ બલા પકડ ગલા ‘ કરે કોણ....? કુંવારી જિંદગી કાઢીને, પિયરમાં જ એશ નહિ કરે....? પાછો કહે, ‘ માન કે ન માન રમેશીયા.....! જે કુંવારી ડોશીઓ આપણને જોવા મળે છે, એના મૂળમાં પણ આ લલીતા પવાર જ હશે....! ‘ તારી ભલી થાય તારી ચમનીયા....!

આજે મને લલીતાબેન પવારની કેમ ઉપડી છે, એનું કારણ સમઝાવું. બરાબ્બર...૧૯૧૬ ના રોજ, દ્રાક્ષની ભૂમિ નાશિકમાં એમનો જનમ થયેલો. પણ, લલીતા પવાર એટલે એક આલા દરજ્જાની અભિનેત્રી. જેનું આ જન્મ શતાબ્દી વર્ષ ચાલે છે. જે જમાનામાં મા-બાપ સ્ત્રીઓને ભણવા માટે નિશાળ શુદ્ધા નહિ મોકલતાં, સાંજે ઘરની બહાર નહિ કાઢતાં, અને શરીર ઢંકાય એટલાં સંપૂર્ણ કપડાં પહેરવાનો આગ્રહ રાખતા, એ જમાનામાં આ ‘ બ્રેવો વુમન ‘ એ સશક્તિકરણના પરચા બતાવેલાં. મૂંગી ફિલ્મથી ફિલમની કારકિર્દી શરુ કરેલી. અને સાસુના રોલ માટે લલીતા પવાર સિવાય બીજા કોઈ ફાવે જ નહિ, એવો ધાક બેસાડી દીધેલો. જેણે દ્રાક્ષની ભૂમિમાં જનમ લીધો હોય, એને પછી રૂદ્રાક્ષ જેવી ભૂમિકા ફાવે....?

આજે ઘણા ઘણાને તાજીતરોળ ને યુવાનીમાં ફાટ ફાટ થતી હિરોઈનના ફોટા રાખવાનો શોખ હશે. અને એવો શોખ હોય, એમાં ખોટું પણ નથી. અને અમને એની જીલ્લસી પણ નથી કે, અમારા ભાગ્યમાં લલીતા પવાર અને આ લોકોના ભાગ્યમાં આવી ગ્લેમર.....? પણ મારે તેમને એટલું જ માલમ કરવાનું કે, લલીતા પવારનો પણ એક જમાનો હતો. એમાં સાસુના શાનદાર અભિનય કર્યા પછી તો એ એવી ખીલી કે, દીકરી પરણાવ્યા પછી લગનની સામગ્રી સાથે કન્યાદાનમાં લોકો લલીતા પવારનો એક ફોટો પણ આપતાં. એટલા માટે કે, સાસુ વશમાં રહે....! અને સમઝે કે, આ મૂઈ તો મને પણ ટપે એવી છે...!

દુખ એ વાતનું છે કે, કોઈ નેતાની જન્મ શતાબ્દી હોત તો, આખા દેશમાં એના નામના વાવટા ફરક્યા હોત. કંઈ કેટલી યોજનાઓએ પણ તેના નામે ડોકાં કાઢ્યાં હોત. ને આ જાજરમાન અભિનેત્રીની જન્મ શતાબ્દીએ કંઈ જ નહિ....? મૂંગી ફિલ્મની માફક કેવી પસાર થઇ રહી છે....? નાશીકનો વિસ્તાર એટલે શરદ પવારનો ઇલાકો. છતાં, છે કોઈ જન્મ શતાબ્દીની ઉજવણીના વાવડ....? નિરૂપારોય વલસાડના હતાં, પણ કોઈ વલસાડીના પેટનું પાણી પણ હાલ્યું કે...? ચલણમાં ચાલે એ રૂપિયો. બાકીના બહુરૂપીઓ....! બાકી કંગના રણાવત કહો કે, દીપિકા પદુકોણ કહો, એના અભિનયનું લલીતા પવાર આગળ પાંચિયું પણ નહિ આવે. એના અભિનયની તાકાત જ એવી હતી કે, સંવાદ બોલ્યા વગર માત્ર આંખ અને ચહેરાના અભિનયથી જ વેધકતા પ્રગટ થતી. એકવાર તો આમસમાજની સાસુઓના પેટમાં ફાળ પાડી જ દેતી. ને એટલે તો કોઇપણ બદનામ સાસુ માટે ‘ લલીતા પવાર ‘ નો રૂઢ શબ્દ પ્રયોગ થતો.

એક છોકરાને પૂછ્યું કે, ‘ લલીતા પવાર વિષે તું શું જાણે છે....? તો કહે, ‘ પેલા શરદ પવારના બહેન થાય બીજું શું....? તારી ભલી થાય તારી....! હવે તમે જ કહો, આવા ને, ચંદ્ર ગુપ્ત મૌર્ય વિષે સવાલો પૂછાય કે....? પૂછીએ તો, એ એમ જ કહે કે, “ એ ગણપતિબાપા મૌર્યના કુળના થાય....! “ આજની પેઢીને આવા જુના જમાનાના પીઢ કલાકારની ઓળખ આપવી હોય તો, એના ફોટાની ધૂળને ખંખેરવી પડે. એના ‘ અભિનય ‘ બતાવવા પડે. પણ કોઈ કવિએ કહ્યું છે ને કે, ‘ ઉઘાડી આંખથી સંબંધ છે મિત્રો આ દુનિયાને, જરૂર કરતાં વધારે કોણ ઘરમાં લાશ રાખે છે...? ‘

બાકી લલીતા પવારનો અભિનય, એટલે જાણે બીજું રેશમનું મરચું.....! જેનું પગલું પડતાંની સાથે પરિસ્થિતિ સગેવગે થઇ જાય, એનું નામ લલીતા પવાર....! ઓર્ડીયનસ તો એના અભિનયથી ચિચયારી મારે જ, પણ ફિલમના પાત્રો પણ ચિચયારી મારતા આપણને પડદા ઉપર જોવા

મળે. જો છોકરું ઘોડિયામાં રડવાનું બંધ નહિ કરે તો, લલીતા પવારનો ખાલી ફોટો બતાવો એટલે, હોય ટેણીયું પો થઇ જાય. એવો એનો ફિલ્મી ધાક હતો.

આ તો એક વાત. બાકી, લલીતા પવારની જન્મ શતાબ્દીની ઉજવણી જ કરવી હોય તો અમારા ચમનીયા પાસે પણ એના અફલાતૂન આઈડિયા ખરા. મને કહે, લલીતા પવારની જન્મ શતાબ્દીની ઉજવણી તો આ રીતે કરવી જોઈએ.

૧. બેફામ બનેલી સાસુઓનું સર્વે કરી એમને ‘ લલીતા પવાર ‘ નામનો ચરિત્ર એવોર્ડ આપવો જોઈએ.

૨. વિધાન સભા કે રાજસભામાં વિરોધપક્ષોને વશમાં રાખવા ગૃહની દીવાલ ઉપર મોટા કદનો લલીતા પવારનો ફોટો લટકાવવો જોઈએ. જેથી ગૃહમાં કોઈ ધાંધલ ધમાલ જ નહિ થાય.

૩. અત્યારે જેટલી પણ ‘ લલીતા ‘ નામવાળી સ્ત્રીનો આપણી પાસે સ્ટોક છે, એમનું જાહેરમાં રાજકીય સન્માન કરવું જોઈએ.

૪. લલીતા પવાર સ્વયં એક સશક્તિકરણની મિસાલ હતી. એટલે ૨૦૧૬ ના વર્ષમાં જન્મેલી કોઈપણ દીકરીનું નામ, જે કોઈ માં-બાપ ‘ લલીતા ‘ રાખે, એ દીકરીને સરકારે દતક લઈ ‘ પારણાથી પાનેતર ‘ સુધી તેની જવાબદારી ઉઠાવવી જોઈએ.

પાછો કહે, આપણી વાત કચરાપેટીમાં નાંખવા જેવી નથી. આમાં તો દીકરીના બાપને પણ ફાયદો. એક તો સમાજમાં એનો મોભ્ભો વધે. અને ‘ સેલીબ્રેટી ‘ જેવો દરજ્જો આવે. લોકો આપોઆપ કહેવા માંડે કે, ‘ ગર્વસે કહો, ઉસકે પાસ લલીતા હૈ....! ‘ અને બાપને પણ ફાંકો રહે કે, ‘ મેરે પાસ લલીતા હૈ.....! લેકિન ચમનિયાકી સુનતા હૈ કૌન....?

લલીતા પવાર એટલે લલીતા પવાર....! માસ્ટર ભગવાને એક સીનમાં અભિનય માટે લલિતા પવારને સણસણાટીને ગાલ ઉપર તમાચો ના માર્યો હોત તો, લલિતા પવારની ડાબી આંખ ડેમેજ ના થઇ હોત. જે આંખ ‘ મરતે દમ તક ‘ તેવી ને તેવી રહી. પણ અભિનય માટે એ આંખ પાછળથી અજવાળાં પાથરી ગઈ. હવે તમે એમ ના પૂછતાં કે, શ્રી રામદેવજી મહારાજની આંખનો ઈતિહાસ બતાવો ને...? એની આંખ લલીતાપવારની આંખ જેવી કેમ છે...? જેની આપણને મુદ્દલે ખબર નથી. પણ લલીતા પવારના કુળ સાથે એ મહારાજને કોઈ લેવાદેવા નથી....! એટલું નક્કી....!

જે ઉમરે આપણે ગીલ્લી દંડા રમતા. એવી નવ વર્ષની ઉમરે એમણે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કરેલો. અને પહેલી ફિલ્મ ‘ રાજા હરિશ્ચંદ્ર ‘ કરેલી. આજે આપણી વચ્ચે તેઓ સદેહે નથી, પણ છૂટાં છવાયા ઝાપટાની માફક, ક્યાંક ક્યાંક કોઈકના ઘરમાં તો છે જ. જેની ઉમરના ૧૦૦ વર્ષના વ્હાણા વાયા છતાં, હજી આજે પણ એવું લાગે કે, એ આપણી બાજુમાં જ પડાવ નાંખીને બેઠેલાં છે. હું તો ખુબ જ ખુશનશીબ છું કે, ‘ રામાનંદ સાગરની લોકપ્રિય ટીવી સીરીયલ ‘ રામાયણ ‘ માં તેઓ ‘ મંથરા ‘ નો રોલ કરતાં અને હું રાવણના નાનાજી ( માલ્યવાન ) અને અગત્સ્ય ઋષિનો રોલ કરતો. એટલે સેટ પર કે, કોઈને કોઈ ફંકશન માં અમે ભેગા થતાં. કદાચ એટલે જ આ લેખ લખવાની મને અનુકંપા જાગી હોય.

બાકી સાસુ આમપણ સમાજનું એક વિવાદાસ્પદ પાત્ર જ રહ્યું છે. બાકી લલીતા પવારે ભલે બૂરી સાસુથી લોકચાહના મેળવી હોય, પણ બીજી અનેક ભૂમિકાઓ પણ એમણે કરેલી. સાંઠ-સિતેરના દાયકામાં રજુ થયેલી ફિલ્મ ‘ અનાડી ‘ ની મીસીસ ડિસોઝા હજી આજે પણ યાદગાર ભૂમિકા છે. આવી ૫૦૦ થી ઉપર હિન્દી ફિલ્મો કરીને, આ જાજરમાન સ્ત્રીની અભિનય કળાએ કાયમી વિરામ પુના ખાતે લઇ લીધો. આપને એમની અભિનય કલાને સો સો વંદન કરીએ.

___________________________________________________________________________________