ચાલ પેન્ટ તોડાવીને બરમૂડા બનાવીએ...! Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાલ પેન્ટ તોડાવીને બરમૂડા બનાવીએ...!

ચાલ પેન્ટ તોડાવીને બરમુડો બનાવીએ...!

ઊંડે ઊંડે ઉબકા તો આવતાં જ હતાં કે, હાસ્ય લેખ તો ટૂંકા હોય તો જ ઝામે. ધીમી બળે અને વધુ લહેજત આપે તેવાં....! વાસ્તવમાં મારી પોત્તાની વાઈફની પણ એ જ કચકચ હતી કે, ‘ હાસ્યના તો ચટાકા જ હોય. ચટણી જેટલું જ લખાય. તો જ ચટાકાનો ‘ ટેસ્ટ ‘ જળવાય. આવડે એટલું બધું જ બાફીને ‘ અનલીમીટેડ ‘ થાળી પીરસવાનું કંઈ કામ છે...? લોકોના પેટમાં જે ‘ અપચા ‘ વધ્યા છે, એ બધાં તમારાં જેવાએ જ ઉભાં કર્યાં છે. માટે થાળી ભરીને થાળ પીરસવાના ધંધા હવે બંધ કરો ડાર્લિંગ....! ‘ ( હા, એ મને ૭૦ વર્ષે પણ ડાર્લિંગ જ કહે છે. કારણ અમારા લગનને પણ, ખાસ્સો સમય થઇ ગયો. એટલે સ્વાભાવિક છે કે, મારું નામ ભૂલી જાય....! બાકી બીજી કોઈ ગેરસમઝ કરવી નહિ. આપણું તો ગાડું ગબડે એટલે બસ...! ચોખવટ સમાપ્ત....! ) એટલે વાંદરા થયાં તો પણ ગુલાંટ મારવાનું ભૂલ્યા નહિ, એવી કોમેન્ટ નહિ કરવાની. ચલતીકા નામ ગાડી જેવું જ રાખવાનું....!

ઘણા પુરુષને એવો ફાંકો હોય કે, આપણે એટલે મર્દ માણસ. વાઈફને નહીં ગાંઠવાની, ગાંઠ એમણે વાળેલી જ હોય...! ને હાંસિયામાં તો એ વાઈફ કહે એમ જ ઉઠબેસ કરતો હોય. સખત માર પડતો હોય તો પણ જલ્દી તો ના જ સ્વીકારે કે, ‘ વાઈફ ઈઝ ઓલ્વેઈઝ રાઈટ....! ‘ બહુ જો ડખો થાય તો પેલી ગંધાતી કહેવત સંભળાવે કે, ‘ સ્ત્રીની બુદ્ધિ તો પગની પાનીએ હોય....! ‘ પણ તેઓ એ નથી જાણતાં કે, પાનીવાળી બુદ્ધિ, એ તો એની ‘ એક્ષટર્નલ સર્વિસ ‘ છે. જેમ આપણને ભગવાને માથા મથાળે બુદ્ધિ આપેલી છે, એમ, સ્ત્રીને પણ માથા મથાળે બુદ્ધિ તો આપેલી જ છે. આપણે ઘરની બહાર પગ કાઢ્યા પછી વિચારીએ કે, પગ નહિ કાઢ્યો હોત તો સારું થાત. ત્યારે આ લોકો, ઘરની બહાર પગ કાઢતાં પહેલાં જ, પેલી પગની પાનીવાળી ‘ એક્ષટર્નલ સર્વિસ ‘ થી પહેલાં જોઈ લે, કે પગ કાઢવા જેવો છે કે નહિ....? પછી જ પગ બહાર કાઢે....! બોલો અંબે માતકી જય....!!!

ઓછું ખાવું, ઓછું બોલવું, ઓછું ઊંઘવું, ઓછો ખર્ચવું, ને લોકોનું ઓછું લોહી પીવું, આ બધું સારી તંદુરસ્તીનું રહસ્ય છે. એમાં ઓછું લખવું પણ આવી જ જાય. પછી એવી ખુમારી નહિ રખાય કે, મોંઘવારી ક્યાં ટૂંકી થાય છે....? પેટ્રોલના ભાવ ક્યાં ટૂંકા થાય છે....? ભ્રષ્ટાચાર તો હવે શિષ્ટાચાર બની ગયાં, એ પણ ક્યાં ટૂંકા થાય છે.....? અને ગુન્હાખોરીના પ્રમાણ પણ ક્યાં ટૂંકા થાય છે....? માણસ પણ યાર કેટલું ટૂંકું કરે....? પહેરવાના કપડાં તો ટૂંકા કર્યા....! અને તે એટલાં ટૂંકા કર્યા કે, પોતાના બાબલાને માતાનો પાલવ પકડવો હોય તો, સ્ટુલ ઉપર ચઢવું પડે....! કોઈકનો તો નિસરણી ઉપર ચઢે તો પણ હાથમાં આવતો જ નથી....!

બીજું બધું ટૂંકું થાય કે નહિ થાય, બુદ્ધિ ટૂંકી નહિ કરવાની ભાઈ સાહેબ....! ચડ્ડીથી ચાલી જતું હોય તો, બરમુડો નહિ કાઢવાનો., ને બરમૂડાથી નભતું હોય, તો પેન્ટ નહિ ચઢાવવાનો. મતલબ સમયની સાથે રહેવાનું. સમય સાથે નહિ ચાલીએ, તો સમય આગળ અને આપણે પાછળ. સમયને ‘ ટચ ‘ કરવામાં પછી આપણી હાંફ વધી જાય....! પણ થવાનું છે એવું કે, કાયમ શૂટ-બુટમાં રહેતો માણસ સાવ સ્લીપર ઉપર આવી જાય તો કેવો લાગશે...? દિલીપકુમારની માફક ‘ કટ ટુ કટ ‘ બાલ રાખનારો માણસ, મીલીટરી કટના બાલ કપાવશે તો કેવો લાગશે...? વરરાજા જાણે શૂટ-બુટને બદલે, બરમુડો પહેરીને પરણવા ના નીકળ્યો હોય...? એવો જરૂર લાગવાનો.

એક જમનામાં ‘ મહાકાવ્યો ‘ ચલણમાં ચાલતાં. જુઓ ને, હાયકુનો જમાનો ચાલે જ છે ને...? જો કે, વાત પણ સાચી. વોશિંગ પાવડરની એક જ પડીકીમાં જો બાલદીભરીને કપડાંની સફેદી આવતી હોય, તો પાઉડરનો આખેઆખ્ખો ડબ્બો ઉલેળવાની કોઈ જરૂર ખરી ...? આપણને તો સફેદી સાથે જ મતલબ છે ને....? પણ માણસ આજે ચાલવાને બદલે ઉડવાનું શીખી ગયો. એની પાસે, પાસબુકની બેલેન્સ વાંચવાનો પણ સમય ક્યાં છે....? પહેલાના જમાનામાં માંડ એકાદ માણસ પાસે ઘડિયાળ રહેતી. આજે બધા પાસે ઘડિયાળ છે, પણ સમય નથી....! હાસ્ય કલાકારને પણ કહી દે, ‘ ભાઈ એક લીટીના જોક આવડતાં હોય તો કહો, અને ફટાફટ પતાવજો, સમય નથી....! ‘ ને એ શોર્ટ-સેન્સમાં થયું એવું કે, ટુચકાઓ તૂટી ગયાં, ને એક લીટીના જોક્સનો પણ જનમ થયો. જેમ કે, ૧. બે મૂરખ ચેસ રમવા બેઠાં ૨. ચાર સ્ત્રીઓ કલાકથી શાંત બેઠી હતી. ૩. એક ડોસી નાનપણમાં મરી ગઈ. ૩. એક નાગાબાવાનું ખિસ્સું કપાયું. ૪. બ્રહ્મચારીના છોકરાં તોફાને ચઢ્યા. ૫. નાગાબાવાના કોઈ કપડાં ચોરી ગયું. વગેરે વગેરે.....!

આજે ચારેયકોર બરમુડો ફરી વળ્યો છે, એના મૂળમાં પણ માનવીની ટૂંક પદ્ધતિ જ છે. સ્પાઈડરમેન તો માણસને પણ સારો કહેવડાવે. કે, પેન્ટ ઉપર વધારાની ચડ્ડી ચઢાવીને ઠેકડા મારે છે. આપણી જેમ પેન્ટ નીચે ચડ્ડી સંતાડીને ઠેકડા મારવા નથી નીકળતો. રામ જાણે આ બરમુડો કયા મલકની પેદાશ છે. પેન્ટ-પાયજામાની માફક, ઉપરથી એકવચન અને નીચેથી બહુવચન તો છે, પણ મૂંઝવણ એ વાતની છે કે, એ નારી જાતિમાં આવે કે, નર જાતિમાં....! અલ્યા છોકરો હોય કે, છોકરી, બરમુડો બધાને જ ફીટ થઇ જાય. મને લાગે અંગ્રેજોએ અડધી રાતે ભારત છોડીને ભાગવું પડ્યું, એમાં એકાદ બરમુડો ભૂલી ગયાં હોવા જોઈએ...! અને આપણાવાળાએ પછી એની કોપી મારી દીધી....!

આપણા પુરાણોમાં પિતાંબરનો ઉલ્લેખ છે, બાકી બરમુડો કોઈ ભગવાને પહેર્યો નથી જ. ઈતિહાસ પણ એવું નથી બોલતો કે, કોઈ રાજા કે મહારાજા બરમુડો પહેરીને યુદ્ધ ખેલવા ગયાં હોય....! ને ‘ લેટેસ્ટ ‘ વાત કરીએ તો, કોઈ દીકરીના બાપે, પહેરામણીમાં વેવાઈને બરમુડો આપ્યો હોય, એવો પણ દાખલો નથી. જો કે, લુંગી કરતાં બરમુડો લાખ દરજ્જે સારો કહેવાય. ગાંઠ છૂટવાનો તો ભય નહિ....! આ તો એક વાત....! એમાં વળી એટલાં બધાં ખિસ્સા હોય કે, જાણે એક કુતરી, એના સાત-આંઠ બચ્ચાંને લઈને ‘ આઈસ્ક્રીમ પાર્લર ‘ માં આઈસ-ડીશ ખાવા નહિ આવી હોય....?

ચમન ચક્કીનો દાવો એવો છે કે, આ બરમૂડાની શોધ અમે એક્ળીયામાં ભણતા હતાં તે સમયે થયેલી. એ વખતે બ્રાન્ડેડ મા-બાપ હતાં, પણ બ્રાન્ડેડ કપડાં નહી હતાં. નિશાળમાંથી જ ભૂરી ચડ્ડી અને સફેદ ખમીશ સપ્લાય થતાં. એટલે કપડાના માપ લેવાની કે, લોકોને માપવાની પ્રથા તો હતી જ નહિ. પેલા ટોપીવાળા વાંદરાની જેમ જેના હાથમાં જે ચડ્ડી આવી તે તેણે ઝપટ મારીને ઉઠાવી લેવાની. જેના ભાગ્યમાં જે ચડ્ડી-ખમીશ આવ્યા તે તેના. એમાં જે નશીબદાર હોય, એને જ બટનવાળી ચડ્ડી તો મળતી. બાકીનાએ, સુતળી વીંટાળીને એનો ઉપયોગ કરવાનો. કોઈને ટાઈટ પડતી, તો કોઈને ઢીલી. કોઈને લાંબી પડતી કે કોઈને ટૂંકી. કોઈને તો ખબર જ નહિ પડતી કે, સાહેબે ચડ્ડી આપી છે, કે જાંગીયો આપ્યો છે ....! કોઈને ઘૂંટી સુધી આવતી તો કોઈને ઢીંચણ સુધી...! આ બરમુડો એની જ આવૃત્તિ છે. પછી થાય એવું કે, બટન હોય નહિ, એટલે દફતર પકડવા જાય તો ચડ્ડી ઉતરી જાય, અને ચડ્ડી સાચવવા જાય તો દફતર પડી જાય. આવી મઝા ‘ બ્રાન્ડેડ યુનિફોર્મ ‘ આવે....? ઢગલાબંધ બટનો જે આવે છે એનું કારણ પણ એ જ કે, કોઈપણ સંજોગોમાં બરમુડો ઉતરી ના જવો જોઈએ....!

ચાલો તો લેખને ટૂંકાવું. નહિ તો વાંચક કહેશે, કે આના કરતાં તો ધોતિયાં સારાં હતાં.....!

_________________________________________________________________________સંપૂર્ણ