પિન કોડ - 101 - 84 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિન કોડ - 101 - 84

પિન કોડ - 101

પ્રકરણ-84

આશુ પટેલ

‘નતાશાએ ભણી લીધું એ પછી તે પાછી તેના માતા-પિતા પાસે જતી રહી હતી અને પછી થોડા સમય બાદ તેના પિતા સાથે ઝઘડો કરીને મુંબઇ જતી રહી. એ પછી તેના પિતા એટલે કે મારા બનેવીએ બધા સગાં-વ્હાલાંને કહી દીધું હતું કે નતાશા મારા માટે મરી ગઇ છે, જેમને નતાશા સાથે સંબંધ રાખવો હોય એની સાથે હું કોઇ સંબંધ રાખીશ નહીં. એટલે એ પછી અમારો પણ નતાશા સાથે કોઇ સંપર્ક રહ્યો નથી.’ નતાશાના મામા અમદાવાદના, ઝોન ટુના, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઉષા ચૌહાણને કહી રહ્યા હતા.
આઈપીએસ ઉષા ચૌહાણે સાહિલ અને નતાશાએ જે કોલેજમાં અભ્યાસ કર્યો હતો એ કોલેજમાં તેમના પ્રોફેસર્સ અને સહાધ્યાયીઓને મળીને નતાશા અને સાહિલ વિશે બધી માહિતી મેળવવાનું કામ પોતાના જુનિયર અધિકારીઓને સોંપ્યું હતું અને તેઓ નતાશાના મામાને મળીને તેમની પાસેથી નતાશા વિશે માહિતી મેળવી રહ્યા હતા.
‘નતાશા થોડી જીદ્દી છે પણ તે કોઇ ખોટું કામ કરે એ અશક્ય છે.’ નતાશાના મામાએ ભારપૂર્વક કહ્યું.
‘મારે તમારી ભાણેજનું કેરેક્ટર સર્ટિફિકેટ નથી જોઈતું, તેના વિશે તમારી પાસે હોય એ બધી જ માહિતી જોઈએ છે!’ ડીસીપી ઉષા ચૌહાણે ધારદાર નજરે નતાશાના મામાની સામે જોતા કહ્યું.
‘તમે નતાશા વિશે કેમ... એટલે કે...’ નતાશાના મામા તતફફ થઈ ગયા. તેમને સમજાતું નહોતું કે તેઓ કઇ રીતે આટલા મોટા પોલીસ અધિકારીને પૂછે કે મામલો શું છે?
ઉષા ચૌહાણે સાફ શબ્દોમાં કહી દીધું: ‘તમારી પાસે નતાશા વિશે જે કંઇ પણ માહિતી હોય તે મને ફટાફટ આપી દો. તમારી ભાણેજ નતાશાનું આતંકવાદીઓ દ્વારા અપહરણ થયું છે અથવા તો...
ઉષા ચૌહાણના શબ્દો સાંભળીને નતાશાના મામાના હોશ ઊડી ગયા.
* * *
ડીસીપી ઉષા ચૌહાણથી છૂટા પડીને નતાશાના મામાએ તરત જ નતાશાની મમ્મીને એટલે કે પોતાની બહેનને કોલ લગાવ્યો. એ વખતે નતાશાની મમ્મીનો નંબર વ્યસ્ત હતો. નતાશાના મામાએ તેનો નંબર લગાવવાની કોશિશ ચાલુ રાખી.
ત્રણેક મિનિટ પછી નતાશાની મમ્મીનો સામેથી કોલ આવ્યો.
નતાશાના મામાની પોતાની બહેનને એ કહેતા જીભ ઉપડતી નહોતી જે તેમને ડેપ્યુટી પોલીસ કમિશનર ઉષા ચૌહાણે કહ્યું હતું. નતાશાનું અપહરણ થઇ ગયું છે અથવા તો તે ખતરનાક આતંકવાદી સંગઠન આઈએસ સાથે જોડાઈ ગઈ છે અને જે પહેલી ફ્લાઈંગ કારથી મુંબઈ પર પહેલો આતંકવાદી હુમલો થયો એ કાર કદાચ તે ચલાવી રહી હતી. અને આતંકવાદી હુમલાઓ પછી તે કાર પણ પ્રચંડ વિસ્ફોટ સાથે ફૂંકાઈ ગઈ હતી. આમાંની એક પણ વાત સાચી હોય એવી કલ્પના પણ ધ્રૂજાવનારી હતી.
જો કે નતાશાના મામા કઈ બોલે એ પહેલા જ નતાશાની મમ્મીએ કાંપતા અવાજે કહ્યુ: ‘ભાઈ, ટીવી પર નતાશાનો ફોટો દર્શાવાઈ રહ્યો છે. આપણી નતાશા...’ નતાશાની મમ્મી આગળ કંઈ બોલી ના શકી. તેનાં ગળે ડુમો ભરાઈ આવ્યો અને બીજી ક્ષણે તે ધ્રૂસ્કા ભરતી ભરતી રડવા લાગી.
* * *
‘તમે માણસ છો કે પથ્થર?’ નતાશાની મમ્મી જિન્દગીમાં પહેલી વાર આ ભાષામાં પતિ સાથે વાત કરી રહી હતી.
એક ફ્રેન્ડે તેને કોલ કરીને ભારતની કોઈ ટીવી ચેનલ જોવા કહ્યું હતું, જેમાં એવા બ્રેકિંગ ન્યૂઝ પ્રસારિત થઈ રહ્યા હતા કે મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલામાં જે ફ્લાઈંગ કારનો ઉપયોગ થયો હતો એ કાર નતાશા નાણાવટી નામની એક સંઘર્ષરત મોડેલ ચલાવી રહી હતી. દર્શકોને યાદ અપાવી દઈએ કે એ કાર ચલાવનારી યુવતીએ ભરચક ટ્રાફિક પર અનેક બોમ્બ ઝીંક્યા એ પછી પોતાની જાત સાથે કાર પણ ફૂંકી મારી હતી. અને એ કાર જેણે બનાવી હોવાની શંકા છે એ ઓટોમોબાઈલ એન્જિનિયર સાહિલ સગપરિયા નતાશા નાણાવટીનો પ્રેમી છે એવી માહિતી મુંબઈ પોલીસને સાહિલના મિત્ર રાહુલ પટેલ પાસેથી મળી છે...
નતાશાની મમ્મી એ બ્રેકિંગ ન્યૂઝ જોઈ રહી હતી એ જ વખતે તેના મોબાઈલ ફોન પર અમદાવાદથી ભાઈનો કોલ આવ્યો હતો. ભાઈની વાત સાંભળીને તેને એટલી રાહત થઈ હતી કે પોતાની દીકરી હજી કદાચ જીવતી છે. જો કે દીકરી જીવતી હોય તો પણ વિશ્ર્વના સૌથી ખતરનાક આતંકવાદી સંગઠનના કબજામાં હતી! નતાશાની મમ્મીના હૃદય પર કુઠારાઘાત થયો હતો. અને તેણે પતિને ઉંઘમાંથી જગાડ્યા હતા, પણ નતાશાના પિતા ઉશ્કેરાઈ ગયા હતા.
નતાશા વિશે ખબર પડી એટલે નતાશાની મમ્મીએ રડતાં રડતાં પતિ રોહિત નાણાવટીને ઊંઘમાંથી જગાડ્યા હતા, પણ તેણે નતાશા વિશે વાત કરવાની કોશિશ કરી અને માત્ર ‘નતાશા’ શબ્દ ઉચ્ચાર્યો ત્યાં તો નતાશાના પિતા રોહિત નાણાવટી ઉકળી ઉઠ્યા હતા: ‘મારી સામે એનું નામ લેવાની તારી હિંમત કઇ રીતે થઇ? મેં કહી દીધું છે કે તે મારા માટે મરી ગઇ છે અને હું તેના માટે!’
‘પૂરી વાત તો સાંભળો. નતાશા...’ નતાશાની મમ્મી રૂંધાતા અવાજે બોલી.
પણ તે પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલાં નતાશાના પિતાએ એકદમ ઊંચા અવાજે અલ્ટિમેટમ આપી દીધુ: ‘કંઇ નથી સાંભળવું મારે એ છોકરી વિશે.’
‘સાંભળવું પડશે.’ નતાશાની મમ્મીનો અવાજ પતિ સામે જીવનમાં પહેલી વાર ઊંચો થઇ ગયો. તેણે પતિને કહી દીધું: ‘તમે માણસ છો કે પથ્થર?’
પત્નીને પહેલી વાર આવી રીતે પોતાની સામે બોલતી જોઈને રોહિત નાણાવટી ડઘાઇ ગયા.
‘દીકરી કદાચ મરી ગઈ છે અને જીવતી હોય તો પણ મોતથી બદતર સ્થિતિમાં છે ત્યારે પણ તમને તમારી ખોખલી ઇજ્જતની પડી છે? મારી દીકરી માટે તમને પેટમાં ના બળતું હોય તો મારે તમારી સાથે એક સેક્ધડ પણ નથી રહેવું. આજ સુધી હૃદય પર પથ્થર મૂકીને ચૂપ રહી, પણ હવે ચૂપ નહીં રહું. તમને તેના બાપ તરીકે જાણ કરી એમ સમજી લેજો. મારો ભાઇ મને હમણાં ટિકિટ ઇ-મેઇલ કરે છે. હું જાઉં છું. તમે તમારી ઇજ્જત સાથે બાકીની જિન્દગી એકલા કાઢી નાખજો! મારી નતાશા...’ નતાશાની મમ્મીનો અવાજ ફરી વાર રૂંધાઈ ગયો.
નતાશાની મમ્મીએ ત્રુટક ત્રૂટક અવાજમાં વાત પૂરી કરી. રોહિત નાણાવટી હતપ્રભ બની ગયા.
બાપ ગમે એટલો કઠોર હોય, પણ સંતાનના જીવણ-મરણનો સવાલ આવે ત્યારે તે અંદરથી હચમચી જતો હોય છે. રોહિત નાણાવટી દીકરીથી નારાજ હતા, પણ નતાશા વિશે જાણીને તેમને આઘાત લાગ્યો હતો. અત્યંત અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતા બાપ ગમે એટલો પાષાણ હૃદયનો હોય, પણ સંતાનના અસ્તિત્વનો સવાલ આવે ત્યારે તે પીગળી જતો હોય છે. અતિ ધનાઢય બિઝનેસમેન રોહિત નાણાવટીના મનના ખૂણે છૂપાયેલો બાપનો જીવ તેમના અહમની વાડ ઓળંગીને બહાર આવી ગયો. દીકરી પ્રત્યેનું વાત્સલ્ય તેમના અહમ પર હાવી થઈ
ગયું. તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તેમણે પત્નીને આલિંગનમાં લઈને કાંપતા અવાજે કહ્યું: ‘આપણી નતાશાને કંઈ નહીં થયું હોય અને કંઈ થશે નહીં...’
પત્નીને સાંત્વન આપતા આપતા અચાનક રોહિત નાણાવટીનું હૃદય ભરાઈ આવ્યું. ઝંઝાવાતની જેમ ઊભરી આવેલી લાગણી પર તેઓ કાબૂ ના રાખી શક્યા. નતાશાની મમ્મીએ લગ્નનાં અઠ્ઠયાવીસ વર્ષ પછી પતિને પહેલી વાર રડતા જોયો અને તે પણ ધ્રૂસ્કે ધ્રૂસ્કે!
* * *
‘તે મારી સાથે આટલી મોટી છેતરપિંડી કરી!’ મોહિની મેનનની સહાયક વૈજ્ઞાનિક જયા વાસુદેવન ફાટી જાય એટલા ઊંચા અવાજે કોઇ યુવકને ફોન પર કહી રહી હતી.
‘તે પણ તારી મોહિની મેડમ સાથે શું કર્યુ?’
‘હું પોલીસને બધું જ કહી દઇશ! તું બચી નહીં શકે.’ જયા ચીલ્લાઇ.
‘હમણાં જ જા પોલીસ પાસે, પોલીસ પહેલા તો તને જ અંદર ધકેલી દેશે. હું કહીશ કે મેં જયાને રોકવાની બહુ કોશિશ કરી હતી છતાં તેણે મોહિની મેનન સાથે વિશ્ર્વાસઘાત કર્યો!’ પેલા યુવાને વિલનની જેમ નફ્ફટાઈપૂર્વક હસતા હસતા કહ્યું.

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Arzoo baraiya

Arzoo baraiya 2 વર્ષ પહેલા

Naresh Bhai

Naresh Bhai 2 વર્ષ પહેલા

Bharat Maghodia

Bharat Maghodia 3 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Chandresh N Vyaas

Chandresh N Vyaas 6 વર્ષ પહેલા