Pin code - 101 - 83 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 83

પિન કોડ - 101

પ્રકરણ-83

આશુ પટેલ

‘આપણે આ જગ્યા ખાલી કરવી પડશે, હમણાં જ. હવે ગમે ત્યારે પોલીસ આવી ચડશે અને આ વખતે આપણા સમર્થકો પણ આપણને બચાવી નહીં શકે. અને અત્યારે શહેરમાં લશ્કર પણ છે. મીડિયામાં પણ મારું નામ ઊછળી ચૂક્યું છે.’ ડોન ઈકબાલ કાણિયા ઇસ્તિયાકને કહી રહ્યો હતો.
સાહિલ અને ઇમ્તિયાઝને કારણે સર્જાયેલી અંધાધૂંધીને કારણે કાણિયા હજી ધ્રુજી રહ્યો હતો. ઇમ્તિયાઝ અને સાહિલને કારણે તેને મોત નજર સામે દેખાઇ ગયું હતું. સાહિલ કાણિયાના અડ્ડામાંથી ભાગી છૂટ્યો ત્યાં સુધીમાં કાણિયાના અડ્ડામાં આઠ બદમાશોની લાશ પડી ચૂકી હતી. કાણિયાને રહી રહીને એ વાતનો વસવસો થઇ આવતો હતો કે સાલો એક સામાન્ય માણસ તેના જેવા ખતરનાક ડોનને ઝુકાવીને ભાગી છૂટ્યો. કાણિયાના મન પર શરમ, ભય, અસલામતી, હતાશા, રોષ સહિતની અનેક લાગણીઓએ કબ્જો લઇ લીધો હતો.
ઇશ્તિયાકના ચહેરા પર પણ તનાવના ભાવ હતા, પણ તે કાણિયાની જેમ વિચલિત નહોતો થઈ ગયો. સાહિલે ઇશ્તિયાકના એક સાથીદારને ગોળી મારીને ઇશ્તિયાકના લમણે પિસ્તોલ ધરી દીધી હતી એ વખતે ઇશ્તિયાક પણ ડરી ગયો હતો. પોતાના માણસોને આપસમાં લડી મરતા જોયા ત્યારે તે થોડી વાર માટે ડઘાઈ પણ ગયો હતો. એમાંય ઇમ્તિયાઝે ગદ્દારી કરી ત્યારે તેને ભારે આંચકો લાગ્યો હતો. પરંતુ સાહિલ ભાગી નીકળ્યો એ પછી તે થોડી ક્ષણોમાં જ સ્વસ્થ થઇ ગયો હતો.
હજી જોકે ઇશ્તિયાકના ચહેરા પર પણ ચિંતાના ભાવ તો હતા જ. હવે આગળ શું કરવું એ તેણે વિચારી લીધું હતું. તેના મનમાં શું ચાલી રહ્યું છે એનાથી બેખબર કાણિયા એ વિચારથી ફફડી ગયો હતો કે સાહિલ ભાગી નીકળ્યો એટલે તે પોલીસ પાસે જશે અને કોઇ પણ ક્ષણે પોલીસ અહીં આવી ચડશે. તેણે તાબડતોબ બંને બાજુના ગુપ્ત દરવાજાઓની જગ્યાએ દીવાલ ચણાવી લેવાનું વિચારી લીધું હતું. જોકે એવું કરે તો તેઓ પોતે જ ઊભી કરેલી જેલમાં ફસાઈ જાય એમ હતા. કોઈ બહારથી આવી ના શકે એમ અંદરથી પણ કોઈ બહાર ના જઈ શકે. અને એવું ર્ક્યા પછીય સો ટકા બચી જવાની ખાતરી તો નહોતી જ. ઇમ્તિયાઝની જેમ બીજો કોઇ માણસ ગદ્દારી કરી બેસે તો કાણિયા, ઇશ્તિયાક અને બાકીના બધા સાથીદારો માટે ભાગી છૂટવાનો કોઇ જ રસ્તો રહેવાનો નહોતો. એ જગ્યા જ તે બધાની કબર બની જાય.
અણધારી સ્થિતિ ઊભી થતાં કાણિયા રઘવાયો બની ગયો હતો. કાણિયાને તેની જિંદગીમાં પહેલી વાર આટલો ડર લાગી રહ્યો હતો. તે અંડરવર્લ્ડમાં પ્રવેશ્યો એ પછી શરૂઆતના દિવસોમાં તેણે ઘણી વાર પોલીસનો માર ખાવો પડ્યો હતો. કેટલીય વાર થર્ડ ડિગ્રીનો અનુભવ પણ તેને થઇ ચૂક્યો હતો. પોલીસ અધિકારીઓએ તેને નિર્વસ્ત્ર કરીને બરફની પાટ પર કલાકો સુધી સુવડાવ્યો હતો. ક્યારેક તેને સતત મીઠાઇ ખવડાવીને કલાકો સુધી પાણી પીવા નહોતું અપાતું.તે અનેક પ્રકારની શારીરિક-માનસિક યાતનાઓમાંથી પસાર થઈ ચૂક્યો હતો, પણ એમ છતાં તેણે અંડરવર્લ્ડમાંથી બહાર આવવાનું નહોતું વિચાર્યું.
બીજી બાજુ તેને માટે એ વાત પણ નાલેશીજનક હતી કે એક સામાન્ય યુવાન તેનું નાક કાપીને તેના અડ્ડામાંથી ભાગી છૂટ્યો હતો. આ વાત અંડરવર્લ્ડમાં ફેલાય તો કાણિયાની આબરૂના ધજાગરા ઉડી જાય એમ હતા અને કાણિયાની ગેંગના ગુંડાઓ પણ નાસીપાસ થઇ શકે એમ હતા. અધૂરામાં પૂરૂં ઇમ્તિયાઝ અને રશીદ જે રીતે બગાવત પર ઉતરી આવ્યા હતા એને કારણે બીજા માણસો પણ એવું કરવા પ્રેરાઇ શકે એવો ડર તેના મનમાં પેસી ગયો હતો.
અત્યારે તરત જ બીજી કઇ જગ્યાએ જવું એ પણ તે કાણિયા નક્કી કરી શકતો નહોતો. તેના ગઢ સમા ડોંગરીના આજુબાજુના વિસ્તારોમાં કર્ફ્યું લદાયેલો હતો એટલે ડોંગરી સુધી પહોંચવાનું પણ અશક્ય હતું. તેના પીઠ્ઠુ એવા કેટલાક પત્રકારોએ એવી સ્થિતિમાં પણ તેના પ્રત્યે વફાદારી નીભાવીને એવા ન્યૂઝ પ્રસારિત કરી દીધા હતા કે ડોન ઇકબાલ કાણિયા પાકિસ્તાન જતો રહ્યો છે. કાણિયાના પાલતું પત્રકારોના પગલે ચાલીને બીજી ઘણી ચેનલ્સે પણ એ સમાચાર પ્રસારિત કરીને અજાણતા કાણિયાની મદદ કરી દીધી હતી. પણ તેના અડ્ડામાંથી ભાગેલા સાહિલે તેને નજરે જોયો હતો. અને તે પોલીસ પાસે પહોંચશે એ સાથે પોલીસને ખબર પડી જવાની હતી કે ઇકબાલ કાણિયા મુંબઇમાં જ હતો. અને તે ક્યાં હતો એ પણ પોલીસને ખબર પડી જવાની હતી.
પોતાના અડ્ડામાં આઠ લાશો હતી એ સગેવગે કરવાનું કામ પણ લોઢાના ચણા ચાવવા જેવું અઘરૂં હતું. પોતાના માણસોની લાશો ઠેકાણે પાડવાની છે એ યાદ આવ્યું એટલે કાણિયા વધુ વ્યાકુળ બની ગયો. સામાન્ય સંજોગોમાં પાંચ-સાત તો શું, પચ્ચીસ લાશ સગેવગે કરવાની હોય તો પણ કાણિયાના પેટનું પાણી હલે એમ નહોતું, પણ અત્યારે સ્થિતિ કટોકટીભરી હતી. આખા મુંબઇની પોલીસ એલર્ટ હતી અને મુંબઇમાં ઠેકઠેકાણે નાકાબંધી કરાઇ રહી હતી. કાણિયાને અફસોસ થઇ આવ્યો કે પોતે ક્યાં આ ચક્કરમાં ભેરવાઇ પડ્યો. આના કરતાં તો પોતે મુંબઇના અંડરવર્લ્ડના બેતાજ બાદશાહ તરીકે રહ્યો હોત તો સારું હતું. કેવા મનહૂસ સમયમાં તેને આઇએસ સાથે હાથ મિલાવવાનો વિચાર આવી ગયો હતો! પહેલા તે પોતે બધા પર હુકમ ચલાવતો હતો. હવે તેણે ઇશ્તિયાક અહમદ અને અલતાફ હુસેનના હુકમ સાંભળવા પડતા હતા. અને અત્યારે તેના માટે ચેકમેટ જેવી પરિસ્થિતિ સર્જાઇ ગઇ હતી. તે પોલીસના શરણે જવાનું પણ વિચારી શકે એમ નહોતો. મુંબઇમાં ખોફનાક હુમલાઓ પછી પોલીસ ભડકી ઉઠી હતી અને કાણિયાને બચાવવા માટે તેના ગોડફાધર જેવો તેનો જૂનો દોસ્ત પણ હવે તેની વહારે આવી શકે એમ નહોતો. કાણિયા પહેલા જેનો ગોડફાધર હતો અને પછી જે કાનિયાનો ગોડફાધર બન્યો હતો એવો કાણિયાનો જિગરી દોસ્ત મહારાષ્ટ્રના ગૃહ પ્રધાનપદેથી ફેંકાઇ ગયો હતો. કાણિયા અને તેનો બાળપણનો મિત્ર મુંબઇના નાગપાડા વિસ્તારમાં વીસેક વર્ષની ઉંમરે એક થિયેટરની બહાર હિન્દી ફિલ્મોની ટિકિટ કાળાબજારમાં વેચતા હતા ત્યારથી દોસ્ત હતા. પછી કાણિયા અંડરવર્લ્ડ તરફ વળી ગયો હતો અને તેનો દોસ્ત રાજકારણમાં જઇને નગરસેવક તરીકે ચૂંટાયો હતો. એ પછી તે ગૃહ પ્રધાનપદ સુધી પહોંચ્યો હતો. કાણિયાએ તેને નગરપાલિકાની ચૂંટણી લડવા એક લાખ રૂપિયાની મદદ કરી હતી અને છેલ્લી ચૂંટણીમાં તેના પક્ષને પચાસ કરોડ રૂપિયા આપ્યા હતા અને તેને વ્યક્તિગત રીતે પાંચ કરોડ રૂપિયા અલગ આપ્યા હતા. કાણિયાનો રાજકારણી મિત્ર દોસ્તીની શરમે અને પૈસાની લાલચે કાણિયાને હંમેશાં બચાવતો રહ્યો હતો, પણ હવે તે ગૃહ પ્રધાનપદેથી ફેંકાઇ ગયો હતો. એટલે કાણિયાને મદદ કરી શકે એમ નહોતો.. કાણિયાને લાગ્યું કે પોતે ચોતરફથી ઘેરાઇ ગયો છે.
કાણિયાને એવો વિચાર પણ આવી ગયો કે તે પ્લાસ્ટિક સર્જરી કરાવીને પોતાનો ચહેરો બદલી નાંખે. પણ હવે એવું કરવા માટેય સમય રહ્યો નહોતો. પોતાનો મિત્ર ગૃહ પ્રધાનપદે ના રહ્યો એટલે મુંબઈ પોલીસ શિકારી કૂતરાની જેમ તેની પાછળ પડવાની હતી. અધૂરામાં પૂરું, ઈલ્યાસ શેખ જેવો ઇમાનદાર અધિકારી પોલીસ કમિશનર તરીકે પાછો આવી ગયો હતો. આફતો હંમેશાં બટાલિયનમાં આવે છે એ કહેવતની કાણિયાને ખબર નહોતી. જો કે ઇશ્તિયાક એ કહેવત જાણતો હતો. પણ તે અકળ રીતે સ્વસ્થ થઈ ગયો હતો. તેનામાં ગજબની ક્રૂરતા, ધીરજ અને દૂરંદેશી હતી.
‘આપણે તાત્કાલિક આ જગ્યા ખાલી કરવી પડશે.’ કાણિયાએ ફરી વાર કહ્યું. પછી તેણે કારણ પણ કહી દીધું: ‘પેલો કાફર પોલીસ પાસે પહોંચશે પછી આપણને કોઇ નહીં બચાવી શકે!’
‘એ છોકરો પોલીસ પાસે પહોંચશે તો ને!’ ઇશ્તિયાકના ચહેરા પર એવી સ્થિતિમાં પણ સ્મિત ફરકી ગયું.
‘એટલે?’ કાણિયા આશ્ર્ચર્યચકિત બનીને ઇશ્તિયાકની સામે જોઈ રહ્યો.
ઇશ્તિયાકે જે જવાબ આપ્યો એ સાંભળીને કાણિયાની આંખો વિસ્ફારિત થઈ ગઈ અને પછી તેના તનાવભર્યા ચહેરા પર અચાનક સ્મિત ફરકી ગયું!

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED