પિન કોડ - 101 - 82 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિન કોડ - 101 - 82

પિન કોડ - 101

પ્રકરણ-82

આશુ પટેલ

અમદાવાદના રેન્જ આઇજીપી સવાનીએ મુંબઈના ડેપ્યુટી કમિશનર (ક્રાઈમ) મિલિન્દ સાવંતનો કોલ ડિસ્કનેક્ટ કરીને તરત જ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અમિત ઝાને કોલ લગાવ્યો.
‘સર.’ કોલ રિસિવ કરતા આઈપીએસ અમિત ઝાએ કહ્યું.
‘અમિત, તાબડતોબ સાણંદ નજીકના ખોડા ગામના વતની સાહિલ સગપરિયા વિશે તમામ માહિતી મેળવવાની છે. મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાઓમાં જે ફ્લાઈંગ કારોનો ઉપયોગ થયો હતો એ તેણે બનાવી આપી હોવાની મુંબઈ પોલીસને શંકા છે. મુંબઈ પર આતંકવાદી હુમલો થયો એ અગાઉથી તે યુવાન ગાયબ છે. તેના વિશે તલસ્પર્શી માહિતી મેળવીને મુંબઈ પોલીસને આપવાની છે.’
આઈજીપી સવાનીએ આદેશ આપ્યો.
‘સર.’ આઈપીએસ અમિત ઝાએ કહ્યું.
‘શક્ય એટલી વધુ ઝડપથી આ કામ કરવાનું છે.’ સવાનીએ તાકિદ કરી.
‘યસ, સર.’ ઝાએ ફરી વાર ટૂંકો જવાબ આપતા કહ્યું.
આઈજીપી સવાનીએ બીજો કોલ અમદાવાદના ઝોન ટુના ડીસીપી ઉષા ચૌહાણને લગાવ્યો અને તેમને તાત્કાલિક નતાશા નાણાવટીનું બેકગ્રાઉન્ડ ચેક કરવાનું કામ સોંપ્યું.
* * *
‘જી સર. હું હમણા જ જાતે જઇને તપાસ કરીને રિપોર્ટ આપું છું.’ ઇન્સ્પેક્ટર મયૂર પટેલ અમદાવાદના જિલ્લા પોલીસ વડા અમિત ઝાને ફોન પર કહી રહ્યા હતા. આઈજીપી આઈ. જે. સવાનીનો અમદાવાદ જિલ્લાના પોલીસ વડા અમિત ઝા સાથેનો કોલ પૂરો થયો એ સાથે જ ઝાએ ઇન્સ્પેક્ટર મયૂર પટેલને કોલ કર્યો હતો. મયૂર પટેલ કાર્યદક્ષ પોલીસ અધિકારી હતા અને તેમની કામ કરવાની પદ્ધતિથી અને કેસ ઉકેલવાની ઝડપથી જિલ્લા પોલીસ વડા ઝા પ્રભાવિત હતા.
આઈપીએસ ઝાનો કોલ પૂરો થયો એટલે ઇન્સ્પેક્ટર પટેલે તરત જ પોતાની કેબિનમાંથી બહાર નીકળતા બૂમ મારી: ‘ચુડાસમા, ગાડી કાઢો.’
ઇન્સ્પેક્ટર મયૂર પટેલની જીપ પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી એ દરમિયાન જ તેમણે ખોડા ગામના સરપંચને કોલ લગાવી દીધો હતો. તેમના વિસ્તારમા આવતાં અનેક ગામડાઓના સરપંચોની જેમ ખોડાના સરપંચ પણ તેમના પરિચિત હતા. તેમણે સરપંચને પૂછ્યું, ‘કોણ છે આ સાહિલ સગપરિયા? કેવો માણસ છે? કોણ કોણ છે એના કુટુંબમાં?’
* * *
સાહિલ અને નતાશા જે રિક્ષામા બેઠા હતા એ રિક્ષા પર પાછળથી ગોળીબાર શરૂ થયો અને એક ગોળી રિક્ષાવાળાના કાનને છરકો કરીને નીકળી ગઈ એટલે રિક્ષાચાલક વધુ ડરી ગયો. ત્યા જ બીજી એક ગોળી રિક્ષાના જમણી બાજુના રીઅર વ્યુ મિરરનો ભૂક્કો બોલાવી ગઇ. ડરી ગયેલા રિક્ષાવાળાએ જીવ પર આવીને રિક્ષા ભગાવી મૂકી. સદ્દભાગ્યે એ વખતે એ અંદરના રોડ પર બહુ ટ્રાફિક નહોતો. પણ રોડ પર ચાલી રહેલા કેટલાક માણસોએ જીવ બચાવવા આજુબાજુની ગલીઓમાં કે દુકાનોમાં આશરો લેવા દોડધામ કરી મૂકી. એમાથી એક માણસને ગોળી વાગી. તે બિચારો નવાણિયો કૂટાઈ ગયો હતો.
એ જ વખતે એક રાહદારી સાહિલ અને નતાશાની રિક્ષાની ઝપટમાં પણ આવી ગયો. તે ગડથોલિયું ખાઈને રસ્તા પર પટકાયો. પેલી બેકરીની આજુબાજુની દુકાનોમાંથી કેટલાક માણસો સાહિલ અને નતાશા ભાગી રહ્યા હતા એ રિક્ષા પાછળ દોડ્યા હતા. જોકે તેઓ રિક્ષાથી પાછળ રહી ગયા. બે જણા સામેની બાજુથી ધસી આવ્યા પણ સાહિલે તેમના તરફ એક ગોળી છોડી. સાહિલ નિશાનબાજ નહોતો છતા તેણે અડસટ્ટે છોડેલી ગોળી એમાંના એક માણસના ખભાને ઘસરકો કરીને પસાર થઇ ગઇ. આ દરમિયાન પાછળથી છૂટી રહેલી અંધાધૂધ ગોળીઓમાંથી એક ગોળી સામેથી આવી રહેલા એક મોટરસાયકલ સવારને વાગી અને તે મોટરસાયકલ સાથે રોડ પર પટકાયો. થોડી સેકંડોમાં તો રિક્ષા પેલા બદમાશોની ગોળીઓની રેન્જથી દૂર નીકળી ગઇ.
* * *
‘બચકે નીકલ ગયા સાલા *%!’ ઇકબાલ કાણિયાના મોઢામાંથી ગાળ નીકળી ગઇ.
આઈએસની ભારતની પાંખનો ચીફ કમાન્ડર ઇશ્તિયાક પણ અકળાઈ ઉઠ્યો હતો. ઇમ્તિયાઝે ગદ્દારી કરીને બાજી બગાડી નાખી હતી. સાહિલ ઇશ્તિયાકના લમણે ગન મૂકીને બહાર નીકળ્યો એ વખતે ઇમ્તિયાઝ તેની વહારે ના ચડ્યો હોત તો ઇશ્તિયાક તેને પેલા મૌલવીના ઘરમાંથી પસાર થતા ગુપ્ત રસ્તેથી લઈ ગયો હોત અને કાણિયાના એક ગુંડાએ ત્યા બધાને એલર્ટ કરી દીધા હતા એટલે જે રીતે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દત્તાત્રેય વાઘમારે અને તેમની ટીમને સેંકડો લોકોએ ઘેરી લીધા હતા એ રીતે સાહિલ ઘેરાઇ ગયો હોત. વાઘમારે અને તેના તમામ સાથીદારો પાસે તો શસ્ત્રો હતાં અને પોલીસ અધિકારીઓ તરીકે તેઓ એ સ્થિતિમાં હવામાં ફાયરિંગ કરી ટોળાંથી બચી નીકળ્યા હતા, પણ સાહિલ માટે તો બચીને નીકળવું અશક્ય હતું. પણ ઇમ્તિયાઝે કાણિયાને પિસ્તોલની ધાકથી તેના ગુપ્ત અડ્ડાની પાછળની બાજુથી બહાર નીકળવા મજબૂર ર્ક્યો હતો. એ બાજુએ પણ કાણિયાના માણસો ગોઠવાયેલા હતા પણ એ બધા ઊંઘતા જ ઝડપાયા હતા. ઇમ્તિયાઝ અને રશીદના બળવાને કારણે જાણે વીંછી ભરેલો પટારો ખૂલી ગયો હતો.
કાણિયાને અત્યારે એ વાતની ચિંતા કોરી ખાતી હતી કે એક બાજુ સાહિલ પેલી છોકરીને લઇને ભાગ્યો હતો અને જતાં જતાં તેમના અનેક માણસોને મારતો ગયો હતો. તેને કારણે ઇમ્તિયાઝ અને રશીદ પણ બગાવત પર ઊતરી આવ્યા હતા અને સૌથી ખતરનાક સ્થિતિ એ ઊભી થઇ ગઇ હતી કે સાહિલ તેમનો અડ્ડો કઇ જગ્યાએ છે એ જાણી ગયો હતો. અને તે પોલીસ પાસે ગયા વિના રહેવાનો નહોતો.
કાણિયા અને ઇશ્તિયાક તેમના સાથીદારો સાથે પેલી બેકરીમાં પાછા ગયા. એ બેકરીની આજુબાજુની તમામ દુકાનો કાણિયાના વફાદાર માણસોની હતી એટલે એમાંથી કોઈ પોલીસને માહિતી પહોંચાડે એવો ડર તો કાણિયાને નહોતો. અને જે રીતે અંધાધૂંધ ગોળીઓ છૂટી હતી એ વાત પણ પોલીસ સુધી પહોંચશે એવી પણ કાણિયાને ચિંતા નહોતી. પણ તેના અડ્ડામાંથી ભાગી છૂટેલો સાહિલ એક વાર પોલીસ સુધી પહોંચે તો તે પોલીસને તેના અડ્ડામાં પ્રવેશવાનો ગુપ્ત માર્ગ બતાવી દે. અને પછી પોલીસ અહીં આવ્યા વિના રહેવાની નહોતી. સામાન્ય સંજોગોમાં તો પોલીસ આવે તો પણ તેને ડરવાનું કોઇ કારણ નહોતું. કેમ કે તેના પીઠ્ઠુઓ તેમની હાલત વાઘમારે અને તેના સાથીદારો જેવી જ કરી નાખત. પણ મુંબઇમાં અત્યારે જે સ્થિતિ હતી એ જોતાં મામલો જોખમી બની શકે એમ હતો. મુંબઇ પોલીસમાં કાણિયાના ઘણાં પીઠ્ઠુ અધિકારીઓ હતા, પણ મુંબઇમાં બૉમ્બ વિસ્ફોટથી ખોફની સાથે જે આક્રોશ પણ ફેલાયો હતો એ જોતાં અત્યારે કાણિયાના વફાદાર કુત્તા જેવા પોલીસવાળાઓ પણ તેની મદદે આવશે જ એવી કાણિયાને ખાતરી નહોતી.
સાહિલે મારેલી ગોળીને કારણે ઇશ્તિયાકના હાથમાંથી અને ઇમ્તિયાઝે મારેલી
ગોળીને કારણે કાણિયાના પગમાંથી બેફામ લોહી વહી રહ્યું હતું. કાણિયાએ તો ભૂતકાળમાં ગોળીઓ ખાવાનો અનુભવ ર્ક્યો હતો, પણ ઇશ્તિયાક માટે આવી પહેલી ઘટના હતી એટલે તે થોડી થોડી વારે દર્દથી કણસી ઊઠતો હતો. કાણિયાએ તેના એક ગુંડાને આદેશ આપીને એ વિસ્તારમાં જ પ્રાઈવેટ હૉસ્પિટલ ધરાવતા તેના વિશ્ર્વાસુ ડૉક્ટરને બોલાવવાનું કહ્યું. તે ડૉક્ટર પર કાણિયાના ઘણા ઉપકાર હતા એટલે તે કાણિયાની અને ઇશ્તિયાકની સારવાર પોતાની હૉસ્પિટલમાં કરવા પણ તૈયાર થઇ ગયો હોત, પણ અત્યારે સ્થિતિ નાજુક હતી અને તેની હૉસ્પિટલનો કોઇ કર્મચારી ફૂટી જાય કે કોઇ દર્દી કે તેના સગાંને પણ શંકા જાય તો મુશ્કેલી ઊભી થઇ જાય એમ હતી.
કાણિયાના મનમાં એ વિચારો ચાલી રહ્યા હતા કે વહેલી તકે આ જગ્યા છોડી દેવી પડશે. સાહિલ ભાગી ગયો એના કરતાં પણ તેને એ વાતની વધુ ચિંતા હતી કે તે આ જગ્યા અને આ જગ્યામાં પ્રવેશવાના બન્ને ગુપ્ત રસ્તાઓ જોઇ ગયો હતો. ‘ડોશી મરી જાય એનો વાંધો નહીં પણ જમ ઘર ભાળી જાય એ વધુ ખરાબ’ એવી સ્થિતિમાં ઈકબાલ કાણિયા મુકાઈ ગયો હતો. એક સામાન્ય યુવાન અંડરવર્લ્ડના ખતરનાક ડોનને ભારે પડી ગયો હતો!

કાણિયાને એવો વિચાર પણ આવી ગયો કે તે પ્લાસ્ટિક સર્જરી કરાવીને પોતાનો ચહેરો બદલી નાંખે. પણ હવે એવું કરવા માટેય સમય રહ્યો નહોતો. પોતાનો મિત્ર ગૃહ પ્રધાનપદે ના રહ્યો એટલે મુંબઈ પોલીસ શિકારી કૂતરાની જેમ તેની પાછળ પડવાની હતી. અધૂરામાં પૂરું, ઈલ્યાસ શેખ જેવો ઇમાનદાર અધિકારી પોલીસ કમિશનર તરીકે પાછો આવી ગયો હતો. આફતો હંમેશાં બટાલિયનમાં આવે છે એ કહેવતની કાણિયાને ખબર નહોતી
(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Hina Thakkar

Hina Thakkar 4 માસ પહેલા

Jagdishbhai Kansagra

Jagdishbhai Kansagra 8 માસ પહેલા

Disha

Disha 9 માસ પહેલા

Vranda Wadhia

Vranda Wadhia 1 વર્ષ પહેલા

Bharat Maghodia

Bharat Maghodia 3 વર્ષ પહેલા