Tathagat books and stories free download online pdf in Gujarati

તથાગત

-:થાગત :-

બુધ્ધં શરણં ગચ્છામી!ભગવાન બુધ્ધનાં શરણે આવનારને આવકાર છે. વૃધ્ધ બૌદ્ધ લામાએ મઠનાં હોલમાં એકઠાં થયેલા ભાવિક જણોને સંબોધીને કહ્યું પ્રભુના દ્વારા ખુલ્લા છે. આપનાં મન પવિત્ર કરીને પાત્રતા કેળવી મઠમાં પધારો. ભીડમાં એક વ્યથિત આતુરતાપૂર્વક બૌદ્ધ ધર્મગુરુને શાંતિથી આસ્થાવાન થઈને સાંભળી રહ્યો હતો. એ શ્વેતાંગ. મુંબઈથી એ છેક અહીં શાંતિ માટે દોડી આવેલો. એકક્ષણમાં લીધેલો નિર્ણય એને ફળીભૂત થયો એવું લાગી રહ્યું હતું એ હાથ જોડી આંખો મીંચીને પ્રાર્થના કરી રહેલો. ધર્મગુરુએ આગળ કહ્યું સર્વ તથાગતને અહીં પરમ કૃપાળુ પરમાત્માનો મેળાપ કરાવાનું આ સ્થાન છે. આપ પાત્રતા કેળવો અને પરમાત્માને મેળવો.

ધરમશાળા સીધા આગળ ઉત્તરી દિશામાં આવેલું આ નાનકડું ગામ બૌદ્ધ ધર્મીઓનું સ્થાનક છે. અહીં બૌદ્ધ મંદિર, મઠ અને સ્તૂપો નિર્માણ થયા છે. આખા દેશ તથા વિદેશથી અહીં લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા, શીખવા તથા શાંતિ માટે આવે છે. આવનાર નવો આગંતુક અહીં શિક્ષણ મેળવીને શરૂઆત તથાગત (શિષ્ય) થી કરે છે. અહીં ચારેકોર કુદરતનું સાનિધ્ય છે. બર્ફીલા પહાડ, વૃક્ષો, ઝરણાં અને કુદરતી સ્તુપોમાં ફુલો અને પર્યાવરણ ઉત્તમ ચિત્ર છે.

શ્વેતાંગ અહીં આવીનેપ્રાથમિક પ્રવેશ મેળવીને બૌદ્ધ ધર્મ વિષે જાણી રહ્યો છે. રોજ સવારે પરોઢનાં ચાર વાગે દિવસ શરૂ થાય છે અને રાત્રે આઠ વાગે પુરો થાય છે. સવારથી પ્રાર્થના, તપ અને વિષ્ણુ સ્વરૂપ બૌદ્ધ ભગવાનનું સ્મરણ કરવાનું હોય છે. આજુબાજુના વિસ્તારમાં જે ટેકરીઓ છે ત્યાં એકાંતમાં સ્મરણ તપ કરવાનું હોય છે. કોઈ કોઈને વિક્ષીપ્ત નથી કરતું બધા પ્રભુનાં નામમાં તલ્લીન હોય છે. શ્વેતાંગને અહીં આવ્યે થોડોક સમય થયો છે એને પ્રાથમિક પ્રવેશ મળ્યો છે. અલગ આવાસ (રૂમ) ફાળવવામાં આવ્યો છે નિત્યક્રમ પરવારીને મઠનાં પ્રાર્થનાહોલમાં પહોંચી જાય છે. રોજ પ્રભુ સ્મરણ અને મઠનાં કાર્યમાં મદદ કરે છે.

મઠમાં પ્રવેશ લીધા પછી મન વચન કાયાથી પવિત્ર થઈને તમારે સંસારી કાર્ય છોડી માત્ર પરમેશ્વરમાં લીન થવાનું હોય છે. શ્વેતાંગ હજી શીખી રહ્યો છે. શિક્ષણ મેળવી રહ્યો છે. જ્યારે પાત્રતા મળશે ત્યારે બૌદ્ધ લામા એને બૌદ્ધ ધર્મ અંગિકાર કરાવી સન્યાસ લેવાનો આદેશ આપશે પરંતુ એને હજી ઘણીવાર છે એને શીખવાનું છે પાત્રતા કેળવવાની છે.

અહીંના એ જેના હાથ નીચે શિક્ષણ લઈ રહ્યો છે એ ગુરુજીએ શ્વેતાંગને કહ્યું “હે તથાગત, તમે નિત્યક્રમ મુજબ તમારું શિક્ષણ લઈ રહ્યો છો ને ? તમારું મન સ્થિર રહે છે ? કે હજી તમને સાંસારીક વિષય વિચાર તકલીફ આપે છે તમારાં ધ્યાનમાં અંતરાયરૂપ બને છે ? શ્વેતાંગે કહ્યું” સાચું કહું ગુરુજી હજી મારી પાત્રતા કેળવાઈ નથી હજી મને ઘણાં વિચાર આવે છે. સાંસારીક ઘટનાઓ જે બની ગઈ છે તે હજી મને અકળાવે છે મને હેરાન કરે છે એકાગ્રતા કરવામાં મને હજી મુશ્કેલી પડે છે. ગુરુજી એ કહ્યું “એવી શું વાત છે જે હજુ છૂટતી નથી ?

શ્વેતાંગ કહે તું ખૂબ જ પ્રયત્નશીલ છું અને પાત્રતા કેળવીશ જ. ગુરુજીએ કહ્યું સતત પ્રયત્ન કરો અને એકાગ્રતા સાધવાની સમજણ પાત્રતા કેળવો. ગુરુજીનાં ગયા પછી શ્વેતાંગ પાછો વિચારે ચઢ્યો. એનો ભૂતકાળ એને જંપવા નહોતો દેતો. મુંબઇનાં અંધેરી પરામાં માંબાપ નો એકનો એક પુત્ર માતાપિતાનાં અકસ્માત મૃત્યું થયા બાદ એકલો પડેલો. પરંતુ ઊંમર મોટી પુખ્ત હોવાથી જીવનમાં જલ્દી ગોઠવાયો. કોલેજ પુરી કરીને પ્રાઈવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે જોબ લીધી સાથે સીએનું ભણી રહ્યો હતો. પોતાનો માલિકીનો ફ્લેટ હોવાથી બીજી કોઈ તકલીફ નહોતી. બાઈ આવીને ઘરનું કામ તથા રસોઈ કરી જતી હતી.

કોલેજમાં જ સાથે ભણતી શ્વેતા સાથે પ્રેમ થયો અને પછી લગ્ન કર્યા. બન્ને જણા ખુબ સુખરૂપ જીવન જીવતાં હતાં. શ્વેતાંગ ખૂબ જ મહેનતું અને પ્રમાણિક રીતે કામ કરતો જીવતો. નોકરીથી સાથે એનું આગળ ભણવાનું ચાલું હતું. શ્વેતાને મેળવીને એણે જાણે સ્વર્ગ મળી ગયું હતું. બન્ને એકબીજાને ખૂબ પ્રેમ કરતાં. શનિ-રવિ તથા તહેવારોની રજાઓમાં એ લોકો બહાર ફરવા જતાં. આમ સુખમય સંસાર ચાલી રહેલો.

શ્વેતાંગની પ્રમાણિકતા અને મહેનતને કારણે એની કંપનીના ડાયરેક્ટરે અને મેનેજર બનાવી પ્રમોશન આપ્યું અને ખાસ અંગત માણસ તરીકે નિમણૂંક કરી. નવા પ્રમોશન અને બઢતીને કારણે એને ખૂબ કામ રહેવા લાગ્યું વ્યસ્તતા વધી ગઈ. સાથે ઘરમાં પૈસો પણ ખૂબ આવવા લાગ્યો. ઘરમાં બધું જ જૂનૂ નીકાળીને આધુનિક આવવા લાગ્યું. શ્વેતા ખૂબ જ ભાગ્યશાળી માનવા લાગી. ઘરમાં પૈસો આવતા સાથે જ શોખ અને ખર્ચ વધવા લાગ્યા મોભા પ્રમાણે રહેવામાં એનાં કપડા, શોખ, કીટ્ટી પાર્ટીઓ બધું ચાલુ થઈ ગયું. શ્વેતાંગ શેઠનો ખાસ માણસ હોવાથી દરેક મીટીંગ, પાર્ટીઓમાં જવા લાગ્યો. ધીમે ધીમે ડ્રીક્સ લેવાનું શરૂ કર્યું. એની વ્યસ્તતા અને શ્વેતાની એકલતાએ ધીમે ધીમે ઘરમાં કંકાસ ચાલું કર્યાં.

શ્વેતા કહે શ્વેતાંગ તમે આખો દિવસ કંપની કામે, બહારગામને બધે પાર્ટીઓમાં જાઓ છો મારો સમય વ્યતિત નથી થતો. કીટી પાર્ટીઓ તો રોજ ના હોય શું કરું ? શ્વેતાંગ તમારી પાર્ટીઓમાં મને પણ સાથે લઈ જશોને તમારા બોસનાં વાઈફને બધા આવતાં જ હશે ને ? શ્વેતાંગ કહે એવું કંઇ હશે હું તને લઈ જઈશ. આમ સમય વિતતો ગયો. એક દિવસ શ્વેતાંગનો ફોન આવ્યો કહે “શ્વેતા મારા બોસનાં ઘરે પાર્ટી છે અહીં બીજા પણ એમની વાઈફ સાથે આવ્યા છે મારે ઓફીસથી સીધા બોસ સાથે જવું પડ્યું તું તૈયાર થઈને રહે હું ડ્રાઈવરને મોકલું છું તને લેવા તું અહી આવી જા. શ્વેતા એકદમ ખુશ થઈ ગઈ કહે ઓકે હું તૈયાર થઈ જઊં છું. તમે ગાડી મોકલાવો હું આવી જઉં ”

શ્વેતા, શ્વેતાંગના કહ્યા પ્રમાણે એનાં બોસનાં બંગલે પાર્ટીમાં આવી ગઈ. કંપનીનાં બધાં હોદ્દેદારો અને બધા સાથે શ્વેતાંગ શ્વેતાની ઓળખાણ કરાવવા લાગ્યો. શ્વેતાંગનાં બોસે કહ્યું “વેલકમ મીસ.... શ્વેતાએ કહ્યું શ્વેતા... ઓ હો વેલકમ ટુ પાર્ટી એન્ડ થેંન્ક્યુ ફોર જોઈનીગં અસ. કહી શ્વેતાતો જાણે ઉડવા લાગી એને થયું આવી પાર્ટીમાં હું પહેલીવાર આવી છું એટલામાં શ્વેતાંગના બોસે કર્યું “એટેન્શન પ્લીઝ. આજે હમણાં મેં એક ડીબેટ સાંભળેલી એનો પ્રશ્ન ઘણો સારો હતો મને થયું આજની પાર્ટીમાં હું બધાને શેર કરું અને બધા એમનો જવાબ આપે. એમણે કહ્યું “પૈસો મારો પરમેશ્વર” હું પૈસાનો દાસ કે પ્રેમ ઉચ્ચતમ યોગ એજ ઇશ્વરનું નિર્માણ” બધાએ પોતપોતાની રીતે જવાબ આપ્યા. શ્વેતાંગે કહ્યું “જ્યારે પ્રેમયોગ થાય ત્યારે બીજા બધાનું મહત્વ જ ના રહે હું ક્યારેય પૈસાને પરમેશ્વર ના માનું હું છું પ્રેમનો દાસ. શ્વેતાએ જવાબ સાંભળી કહ્યું ”વાહ રે મારાં દેવદાસ” બધાએ તાળીઓનાં ગડગડાથી વધાવી લીધો.

શ્વેતાનો વારા ઓવ્યો એણે કહ્યું “પ્રેમ યોગ ઇશ્વરનું નિર્માણ શક નથી પણ એજ ઇશ્વરે પૈસા માટે બધાને પરવશ કર્યાં છે. પૈસાનું મહત્વ પણ આ સમયમાં કમ નથી. પૈસાથી આજે બધુંજ મળે છે કંઇ જ અશક્ય નથી .પૈસાના દમથી આજે જગત ચાલે છે.

આમ શ્વેતાનાં જવાબને પણ સમય પ્રમાણેનો જવાબ કહીને વધાવ્યો. શ્વેતાંગને મહેસુસ થયું કે શ્વેતા આજે કંઇક જુદાજ રંગ મિજાજમાં છે. પાર્ટી ચાલું થઈ બધાએ સ્નેક્સ સાથે ડ્રીંક્સ ચાલુ કર્યા કોઈકે સોફટ, કોઈકે હાડ્રડ્રીંક્સ લેવાનાં ચાલુ કર્યાં. શ્વેતાંગ શ્વેતાને હોલમાં એકતરફ લઈ ગયો અને કર્યું આજે તારો જવાબ જાણે મતલબી લાગ્યો. શ્વેતા કહે મતલબી નહીં હાજરજવાબી હતો. મી. શ્વેતાંગ તમને નથી લાગતું કે આજે તમારી માશુંકાએ મેદાન મારી લીધું ? શ્વેતાંગે હસતાં હસતાં કહ્યું સાચી વાત છે.

બેરા એ ટ્રે માં ભરેલા ગ્લાસ શ્વેતાને ધર્યો. એટલામાં શ્વેતાંગનાં બોસ મી. શેઠનાએ ટ્રેમાંથી વ્હીસ્કીનો ગ્લાસ લઈ શ્વેતાને ઓફર કર્યોં કહ્યું ઇફ યુ ડોન્ટ માઇન્ડ હેવ ઇટ બ્યુટીફુલ લેડી... શ્વેતાએ કહ્યું. “ઓહ શ્યોર થેંક્યું... શેઠનાએ કહ્યું.” ઇટ્સ માય પ્લેઝર, શ્વેતાંગે જોયું શ્વેતાએ ડ્રીક્સ લેવાનું ચાલુ કર્યું એકદમ એની પાસે આવ્યો “અરે શ્વેતા શું કરે છે? આ વ્હીસ્કી છે વાઇન કે બીયર નથી. ડોન્ટ ડ્રીંક શ્વેતાએ કહ્યું શ્વેતાંગ તારા બોસે જ ઓફર કર્યું કેવી રીતે ના પાડું એમને અપમાન ના લાગે ? શ્વેતાંગે કહ્યું” અપમાન શું તારે કહેવાય નહીં હું નથી પીતી ..આઈ એમ સોરી... જ્યુસ લઈ લેવાય એના બદલે.

એટલામાં મી. શેઠનાએ આવીને શ્વેતાંગ અને શ્વેતાને પોતાનાં ગ્રુપમાં બોલાવ્યા બધા સાથે ઇન્ટ્રો કરાવ્યો. શ્વેતાંગે નિરીક્ષણ કર્યુ કે શ્વેતા જરૂર કરતાં વધુ બોલી રહી છે બધા સાથે હાથ મિલાવી હસી હસીને વાત કરી રહી છે એણે હસતાં હસતાં કીધું શ્વેતા આવ આપણે અહીં બેસીએ. શ્વેતા શ્વેતાંગ સામે જઈને બેઠી. શ્વેતાંગેકહ્યું શ્વેતા મને લાગે છે તને ઘેન ચડ્યું છે આપણે જઈએ ઘરે ? શ્વેતાએ કહ્યું હા ચાલો જઈએ. ત્યાં મી. શેઠનાએ આવીને એ લોકો સાથે બેઠક જમાવી અને શ્વેતાને કહ્યું તમે ખૂબ શાર્પ છો. શ્વેતાંગનું તું સાચે જ લકી છે તને ખૂબ સારી સમજદાર પાર્ટનર મળી છે. બાયધ વે તમે શું કરો છો ? શું પ્રવૃત્તિ છે ? શ્વેતાંગને નવાઈ લાગી બોસ મારી પત્નીમાં કેમ રસ લઈ રહ્યાં છે ? એણે કહ્યું બોસ અમે જઈએ અને શ્વેતાને નીંદર આવે છે. અમે ઘરે જઈએ આપની રજા લઈએ. મી. શેઠનાએ કહ્યું અરે હજી પાર્ટી શરૂ થઈ છે. શ્વેતાએ કહ્યું, “ડાર્લીંગ થોડો સમય પછી જઈએ. સર ! મેં કંપની સેક્રેટરીનું કર્યુ છે પણ હું હાઉસવાઈફ છું ઘરે જ હોઊં છું. શ્વેતાંગનો સંસાર સંભાળું છું એ હસવા લાગી, મી. શેઠનાએ કહ્યું અને તમે તમારી કેરીએર કેમ નથી બનાવતા ? શ્વેતાંગ એમને આપણી કંપનીમાં જ જોઈન્ટ કરાવી દેને. તમે સાથે પણ રહી શકશો અને કંપનીને સારા સેક્રેટરી મળી જશે. શ્વેતાએ એકદમ જ કહ્યું, “વાઉ સર આપ સાચું કહો છો ? આઇ એમ રેડી ટુ જોઈન યોર કંપની. મી. શેઠનાએ કહ્યું, “યુ આર ઇન માય કંપની નાઉ. કોન્ગ્રેચ્યુલેશન કાલે સવારે જ તમને તમારો એપોઇન્ટમેન્ટ લેટર મળી જશે. શ્વેતાંગને બે ઘડી સમજ જ ના પડી આ બધું શુ થઈ રહ્યું છે.

પાર્ટી પતાવીને શ્વેતા-શ્વેતાંગ ઘરે આવ્યા. આવીને શ્વેતા તો તરત જ કપડાં પણ ચેન્જ ના કર્યા અને બેડ પર આડી પડી સૂઈ ગઈ. શ્વેતાંગને નીંદર નથી આવી રહી. એણે વિચાર્યું આ શું થઈ રહ્યું છે ? હું નથી ઇચ્છતો શ્વેતા કંપની જોઈન્ટ કરે. એ એનાં બોસનોતો અંગત વિશ્વાસુ માણસ હતો બોસ સાથે બધેજ સાથે જતો મીટીંગ-આઉટડોર ટુર એને બોસની બધી જ ખબર હતી એ બધી જ જાતનાં શોખ ધરાવતાં હતાં અને માનુજીયો લલચાવી બધાની સાથે સંબંધ બાંધતો એણે નક્કી કર્યું સવારે શ્વેતાને સમજાવીશ. આપના ઘરમાં નહીં ચાલે અને એણે પડખુ ભરી સૂવાનો પ્રયત્ન કર્યો. પરંતુ નિંદર એની હરામ થઈ ગઈ હતી....

સવારે શ્વેતા ઉઠીને જાડાપથી પરવારવા માંડી, બાઈને રસોઈ અને બીજા કામની સૂચનાઓ આપી. શ્વેતાંગ હજી ઉઠ્યાં નહોતો એવો બેડરૂમમાં જઈને શ્વેતાંગને ઢંઢોળ્યો – એય શ્વેતુ ઉઠોને ચલો તમારે ઓફીસ જવાનું મોડું થશે કહીં શ્વેતાંગને કીસ કરી. શ્વેતાંગે આંખો ખોલી શ્વેતા નહાઈને સીધી જ આવેલી એણે શ્વેતાનો વાળ પકડીને પોતાનાં તરફ ખેંચી અને ચુમ્મી ભરી. શ્વેતા કહે એય રાજા. ઉઠો મોડું થશે અત્યારે કોઈ મૂડ ના બનાવશો બાઈ પણ આવી ગઈ છે. શ્વેતાંગને તરત જ ભાન થયું એણે નીંદર ખંખેરી શ્વેતાને બોલાવી પાસે બેસવા કહ્યું. શ્વેતા કહે શું વાત છે ? તમને આજે મોડું નથી થતું આજે આપણે બન્ને એ સાથે જવાનું છે તમારા બોસ ના કહેવા પ્રમાણે હું પણ જોઈન્ટ કરીશ. કેટલું સારું આપણે આખો દિવસ સાથે કામ કરાશે.

શ્વેતાંગે કહ્યું શ્વેતા, આજ વાત કરવા તને બેસાડી. જો સ્વીટુ તારે કંપની જોઈન્ટ કરવાની કોઈ જરૂર નથી. હું કમાઉ છું એ ઘણું છે તું ઘરે બેસીને કોઈ પ્રવૃત્તિ કર, ઘર સંભાળ, મને ખૂબ પ્રેમ કર. મારે એકલાને આઉટીંગમાં કે બહાર ટુરમાં જવાનું હશે હું તને સાથે લઈ જઈશ. આપણે બાળકનું પણ પ્લાનીંગ કરવાનું છે. હું કમાવીને લાઈશ તારે રાણીની જેમ રાજ કરવાનું.

શ્વેતાએ કહ્યું “મને આ મંજુર નથી આવી તક હું જવા દેવા નથી માંગતી તમે કેમ સમજતા નથી ? આપણે આખો દિવસ સાથે જ હોઈશું પછી શું ફીકર ? મને ઘરે બેઠા બેઠા કંટાળો આવે છે. ખૂબ બોર થઊં છું. તમારી રાહ જોઈ જોઈને થાકી જાઉં છું. ટીવી જોવાનો કંટાળો આવે છે. પ્લીઝ મને જોઈન્ટ કરવા દો. આપણી આવક બમણી થઈ જશે સેવીંગ્સ કર્યાં પછી બાળક પ્લાન કરશું. શ્વેતાંગને થયું આ નહીં માને એણે કહ્યું જેવી તારી મરજી. પરંતુ એક વાત યાદ રાખજે અત્યારે સમય ખરાબ છે. મારા બોસ પણ દૂધે ધોયેલા નથી તારે સાચવવું પડશે. કાલે ઉઠીને કંઇ પણ થયું એનો હું જવાબદાર નહીં છતાં તારે એ સમયે મારી વાત માનીને નોકરી છોડવી પડશે. મારા મત પ્રમાણે નોકરી તારે કરવાની નથી પરંતુ મને તારાં ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે એટલે મંજૂરી આપું તું મારી નજર સામે જ હોઈશ એ પણ મારું લક છે. આમ બન્ન્ જણાં નક્કી કરી ઓફીસ જવા નીકળી ગયા.

આજે પ્રથમ દિવસ હતો શ્વેતાનો.... એને મી. શેઠનાને મળીને કામ સમજીને ચાર્જ લીધો. મી. શેઠનાની કેબીનની બાજુમાં જ શ્વેતાંગની કેબીન હતીં. આજે શ્વેતા ખૂબ જ ખુશ હતી. કંપનીના ડ્રેસકોડ પ્રમાણે એણે કપડાં પહેરવાનાં હતા જે આવતા વીકમાં એની પાસે આવી જશે. શ્વેતાને કહ્યું, “બેસ્ટ લક ફોર યોર ન્યું જોબ ડીઅર” શ્વેતાએ કહ્યું, થેક્યું. મી. શેઠનાએ શ્વેતાંગને બોલાવ્યો “શ્વેતાંગ તે શ્વેતાને કામ સમજાવી દીધું છે ને ? એને કોઈ તકલીફ ના પડે એ જોવાનું તારું કામ છે. આંખ મીચકાવી કહ્યું. બેસ્ટ લક. શ્વેતાએ થેક્સ કહી કેબીન છોડી પોતાની જગ્યાએ આવી. આમ આજથી કામ ચાલુ થઈ ગયું શ્વેતા શ્વેતાંગ બન્ને ખુશ હતાં.

શ્વેતાંગને કામ અંગે કલકત્તા જવાનું થયું. શ્વેતાને કહ્યું મારું કામ નીપટાવી હું બે ત્રણ દિવસમાં પાછો આવીશ. તારી સંભાળ રાખજે. શ્વેતાએ કહ્યું નિશ્ચિંત રીતે જાવ મારી કોઈ ચિંતા ના કરશો. શ્વેતાંગે કહ્યું. ઓકે લવ યું. શ્વેતાંગ કલકત્તા ગયો. શ્વેતા રુટીન પ્રમાણે ઓફીસ જવા લાગી. કંપનીમાં એનુ કામ રૂટીન પ્રમાને કરી રહી હતી. મી. શેઠનેએ શ્વેતાને એમની કેબીનમાં બોલાવી કહ્યું આવતીકાલે મારે સિંગાપુર જવાનું છે બે દિવસનું કામ છે. તું આવીશ મારી સાથે ? જરૂરી મીટીંગ પતાવીને આપણે પાછા આવી જઈશું. શ્વેતાંગ પણ નથી અને આ જરૂરી કોન્ટ્રાક્ટ આપણાં હાથમાંથી ના જવો જોઈએ. શ્વેતાએ કહ્યું સર ! મારે શ્વેતાંગને પૂછવું પડે હું એમની સાથે વાત કરીને જણાવું એ ક્યારે પાછા આવવાના છે અને તમે જવાનું કહી રહ્યા છો. શેઠનાએ કહ્યું ઓકે વાત કરી લે પણ યાદ રહે હમણાં સાંજની ફ્લાઇટ છે અને મેં ટીકીટ્સ બુક કરાવી દીધી છે. શ્વેતાંગને આમેય કલકત્તા હજી વધુ બે-ત્રણ દિવસ રોકવું પડશે ત્યાં કામ ઘણું છે.

શ્વેતાએ શ્વેતાંગને ફોન લગાવ્યો, શ્વેતાંગે તરત પૂછ્યું ? બોલ શ્વેતું શું થયું ઓલ વેલ ? ડાર્લીંગ હજી મને બે-ત્રણ દિવસ હજી થશે પ્લીઝ મેનેજ કરી લેજે. શ્વેતાએ કહ્યું મને ખબર છે પરંતુ સર મને એમની સાથે સીંગાપુર મીટીંગ છે એમાં સાથે આવવા કહે છે જરૂરી કોન્ટ્રાક્ટ કરવાનાં છે શ્વેતાંગે કહ્યું શ્વેતા તું સ્પષ્ટ ના પાડી દે મને આવો જ ડર હતો. હું એ માણસને પગથી માથા સુધી ઓળખું છું. એ આવોજ ચાન્સ શોધતો હોઈ. શ્વેતા તું સ્પષ્ટ ના પાડી દે અને કહી દે મારાથી બહાર મીટીંગમાં નહીં અવાય અહીં ઓફીસમાં જ કામ કરીશ. શ્વેતાએ કહ્યું ઓકે તમે કહો એમ.

શ્વેતાએ મી. શેઠનાને કહ્યું, “સર સોરી મારાથી નહીં આવી શકાય. મારે ઘરે થોડા કામ છે અને ગેસ્ટ પણ આવવાનાં છે. મી. શેઠનાને આંખો ઝીણી કરીને કહ્યું,” ઓહ નો સોરી યુ મસ્ટ કમ વીથ મી. યુ શુડ નોટ સેય મી નો જરૂરી કામ છે. એવું હોય તો મીટીંગ પતી જાય તું પાછી આવી જજે એન્ડ બાય ધ વે હું શ્વેતાંગ સાથે વાત કરી લઊં છું.

મી. શેઠનાએ સીંગાપુરથી ફ્લાઇટમાં બેસતાં પહેલાં શ્વેતાને ચાર થી પાંચ ડ્રેસ ગીફ્ટ કર્યા મોંઘા પરફ્યુમ્સ, પર્સ, સેન્ડલ બધુ જ આપ્યું અને ખૂબ જ મોંઘું ડાયમંડ બ્રેસલેટ આપ્યું શ્વેતાતો જાણે સ્વપ્નમાં ખોવાઈ ગઈ એણે કહ્યું “થેક્યું સર પણ કેમ આટલું બધું આજે ? કંઈ ખાસ છે ? શેઠનાએ કહ્યું. સિંગાપુર આપણે જે કંપનીમાં મીટીંગમાં જવાનું છે એ પહેલાં મારી સાથે આવનાર મારી સેક્રેટરીનો પણ મોભો પડવો જોવે ને. શ્વેતાંએ કહ્યું સર ! શ્વેતાંગ સાથે વાત થઈ ગઈ ? શેઠનાએ કંઇક બીજો જ જવાબ આપ્યો. શ્વેતા તું પહેલાં ડ્રેસ પહેરીને ફટાફટ આવી જા આપણી ફ્લાઇટનો સમય થઈ ગયો છે. શેઠનાએ શ્વેતાને સમય જ ના આપ્યો. શ્વેતા તૈયાર થઈને આવી અને શેઠનાએ કહ્યું “વાઉ સો પ્રીટી યુ આર લુકીંગ વેરી બ્યુટીફુલ – આપણો કોન્ટ્રાક્ટ નક્કી. શ્વેતા એ કહ્યું, હું સમજી નહીં સર ! એટલામાં શ્વેતાનાં મોબાઈલ પર શ્વેતાંગનો ફોન આવ્યો. શેઠનાએ શ્વેતાને કહ્યું પ્લીઝ હમણાં વાતન ના કર ડોન્ટ ડીસ્ટર્બ પછી આપણે સામેથી વાત કરી લઈએ છીએ અને શ્વેતાને ફોન કટ કરવા મજબૂર કરી. શ્વેતા અને શેઠનાં સિંગાપુરની ફ્લાઇટમાં બેસી ગયા.

સિંગાપુર પહોંચ્યા પછી મી. શેઠનાએ પૂરી મીટીંગ વિગેરે નીપટાવીને ફાઈવ સ્ટાર હોટલમાં રૂમ બુક કરાવેલા. શ્વેતા સાથે હોટલ પહોંચીને કહ્યું શ્વેતા આજે મીટીંગ બહું જ સક્સેસફુલ રહી. કોન્ટ્રાક્ટ આપણો નક્કી જ છે. તું ખૂબ જ લકી છે મારા માટે. થેક્ય્ આજે સાથે આવી મારું કામ સંપૂર્ણ થયું અને આ ડાયમંડ રીંગ તારા માટે. શ્વેતા કહે સર ના મારાથી આવી કોઈ ગીફ્ટ નહીં લેવાય સોરી બ્રેસલેટ પણ હું નહીં જ સ્વીકારું. શેઠનાએ કહ્યું અરે ડીયર ધીસ ઈઝ ફોર યુ એન્ડ ઇટ્સ યોર રાઈટ ટુ એક્ષેપ્ટ (this is for you and it’s your right to accept)આજે કોન્ટ્રાક્ટ મળી ગયો એ મારી ગીફ્ટ મળી છે મને. લેટ્સ એન્જોય ધીસ ગ્રેટ ઇવનીંગ– કહીને શ્વેતાને રૂમમાં લઈ ગયા શ્વેતાએ કહ્યું મારો રૂમ કયો છે ? શેઠનાએ કહ્યું બાજુનો રૂમ તારો જ છે. શ્વેતાએ કહ્યું સર હું થાકી છું હું ફ્રેશ થઈ ચેઈન્જ કરીને સૂઈ જઉં. શેઠનાએ કહ્યું શ્યોર યુ કેન ગો. શ્વેતા રૂમ છોડીને ગઈ. શેઠનાએ ડ્રીંક્સ બનાવ્યું અને પીવાનું ચાલું કહ્યું થોડાક સમય પછી શેઠનાએ શ્વેતાનાં રૂમમાં કોલ કરી ડીનર માટે આવી જવા જણાવ્યું.

શ્વેતા ચેન્જ કરીને શેઠનાનાં રૂમમાં આવી. શેઠનાએ કહ્યું ડીનર લેતા પહેલાં એક પેગ થઈ જાય શ્વેતાએ ખૂબ ના પાડી પરંતુ શેઠના આગ્રહ સામે કંઈ ના ચાલ્યું એણે કહ્યું એકજ સર કહી પીવાનું ચાલું કહ્યું. શેઠનાએ હવે પોતાની હરકત ચાલું કહી. શ્વેતાએ એક પેગ પૂરો કર્યો.

શેઠનાએ બીજો બનાવ્યો. શ્વેતા ધીમે ધીમે ભાન ગુમાવી રહી હતી શેઠનાએ શ્વેતાને વશ કરવા માંડી. શ્વેતાને કહ્યું આજની આપણી મીટીંગ ઇવનીંગમાં તારે મારી ગીફ્ટ લેવી જ પડશે. બ્રેસલેટ અને રીંગ તારી જ છે એ ઘૂટણીએ બેસીને શ્વેતાનાં હાથમાં ગીફ્ટ મૂકી શ્વેતા સમયની સાથે વહેવા લાગી. સિંગાપુર આવી ત્યારથી એક્સાઈટેડ હતી એને ખૂબ આનંદ આવી રહેલો. કોન્ટ્રાક્ટ મળ્યાથી ખુબ ખુશ હતી. એ લગભગ શેઠનાનાં વશમાં જ આવી ગયેલી. એટલામાં શ્વેતાનાં ફોન પર શ્વેતાંગનો ફોન આવ્યો શેઠનાએ સ્ક્રીન પર નામ જોઈને કાપી નાંખ્યો. ફોન સ્વીચ ઓફ કરી દીધો. શેઠનાએ હવે એનું અસલી રૂપ બતાવવા માંડ્યું એણે શ્વેતાને ઊંચકીને બેડ પર લઈ ગયો શ્વેતાએ કહ્યું “સર આ શું કરો છો ? હું મારા રૂમમાં જઊં મારે સૂઈ જવું છે. શેઠનાને કહ્યું અહીં રીલેક્ષ કર કંઈ નથી કરી રહ્યો કહી બીજો, ત્રીજો-ચોથો પેગ બનાવ્યો. પેગ ઉપર પેગ ચઢાવ્યા શ્વેતા સાવ નિયંત્રણમાં આવી ગઇ અને શેઠના નિરંકુશ – શેઠનાએ એનુ ઇચ્છેલું કામ પતાવી દીધું. શ્વેતા આજે ચાંદની રાત્રે પણ કાલી થઈ ગઈ શેઠનાં શ્વેતાને એનાં રૂમમાં જઈને સૂવડાવી આવ્યો અને રાત્રી આજે કલંકીત થઈ ગઈ. પિશાચ એવું કામ કરી ગયો.

શ્વેતાંગનો ફોન બે વાર કપાયો. એનાં મનમાં ફક્કો પેઠો એણે કલકત્તાનો પ્રવાસ ટૂંકાવ્યો એ મુંબઈ પાછો આવવા નીકળી ગયો એવો શેઠનાને ફોન કર્યો. શેઠનાએ કહ્યું “ઓહો, શ્વેતાંગ આપણે સિંગાપુરનો કોન્ટ્રાક્ટ મળી ગયો. આઈ મસ્ટ સે યોર વાઈફ is બીગ લક, કોન્ગ્રેચ્યુલેશન. અને કાલે સવારે પાછા આવી રહ્યાં છીએ. થેક્સ ફોર કોઓપરેશન.

શ્વેતાંગને કાપો તો લોહીના નીકળે એવી સ્થિતિ થઈ ગઇ એને થોડામાં બધું જ સમજાઈ ગયું. એણે મુંબઈ પહોંચીને એક નિશ્ચયનો અમલ કરવાનું નક્કી કર્યું.

શ્વેતાંગ ઘરે પહોંચ્યો. શ્વેતા હજી આવી નહોતી. શ્વેતાંગે વિચાર કર્યો હતો એની આંખ મારી આંખ સામે નહીં માંડી શકે. હવે શરમ સિવાય કંઈ બાકી રહ્યું નથી. જીવનમાં જ કંઈ બાકી રહ્યું નથી. એનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. શ્વેતાને પૂછીને કે બહું જાણીને હવે હાથ કંઈ આવવાનું નથી. એણે નિર્ણય કર્યો શ્વેતાનો ત્યાગ કરવાનો.

શ્વેતાંગે એક કાગળ લીધો અને પોતાના રાઈટીંગ ટેબલ પર બેસી લખવા બેઠો. શ્વેતાંગ બધી જ ઘટનાં યાદ કરીને ખૂબ રડ્યો. એણે ઇશ્વરને પૂછ્યું મારી શું ભૂલ થઈ કે શ્વેતા બેવફા થઈ મેં ક્યાં ના સાચવી ? મેં એને છુટો ડોર આપ્યો એજ મારી ભૂલ શ્વેતા તને ઇશ્વર પણ માફ નહીં કરે એણે પત્ર લખવાનો શરૂ કર્યો....

શ્વેતા,

આપણા વચ્ચે વાત થયા પછી પણ તું શેઠનાનાં ષડયંત્રમાં ફસાઈ અને અંતે મારી ના ઉપર પણ તું ગઈ અને એનું પરીણામ તારી નજર સામે છે. મેં તને અપાર પ્રેમ કર્યોં. તું જે માંગતી એ હાજર કરાતો. મારી આવક આપણી જરૂરિયાત કરતાં વધારે હતી કોઈ વાતે ખોટ નહોંતી. હું મહેનત અને પ્રમાણિકતાથી આગળ વધી રહેલો. પરંતુ ભાગ્યને કંઇ બીજું મંજુર હતું.

હું તને કાયમ કહેતો હું પુરુષ છું હું કામ કરીશ તારું ભરણપોષણ તારા શોખ-જરૂરીયાત પુરી કરીશ. તું મને બસ ખૂબ પ્રેમ આપ મને બીજું કંઇ જ ના જોઇએ. સ્ત્રીને કામ કરવું હું પસંદ નહોતો કરતો કારણ કે સ્ત્રી ગમે તેટલી આગળ વધે પુરુષ પ્રધાન સમાજમાં એનું શોષણ જ થાય છે. સ્ત્રીઓને કામ ઉપર એમને ગંદી નજરોથી જોવાય છે. ઉપહાસ કરાય છે. હું એજ પુરુષ પ્રધાન સમાજનો હિસ્સો છું. હું બધું જ જાણતો હતો. મારે મારા પ્રેમને એમ ચોરાહા પર વેચવો નહોતો.

તું પણ મારી સાથે જ કોલેજમાં હતી. તે કંપની સેક્રેટરીનું કર્યું મે આગળ સી.એ.નુ કરવાનું નક્કી કર્યું હતું હું નોકરી સાથે પણ ભણી રહેલો. શેઠના જેવા રાક્ષસે તને નોકરી આપવા કહ્યું હું એની ચાલ સમજી ગયેલો. પરંતું હું ઉગ્ર વિરોધ કરત તો તે મને જૂનવાણી ઓર્થોડોક્ષ કહી મારું અપમાન કર્યું હોત. મને તારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો જ. શેઠનાની પાર્ટીમાં તને ડ્રીંક ઓફર કરી એની લાલચુ અને વાસના ભરી નજરો તારા શરીર ઉપર જે રીતે ફરી રહી હતી મારાથી સહન નહોંતું થયું પરંતુ એ દિવસે પણ તું ભાનમાં નહોતી. મુંબઈ જેવા શહેરમાં રહી હું તારી દરેક વાતમાં તને ટોકું તને પસંદ આવ્યું ના હોત તે મને ઘણો નાનો ધાર્યો હોત મારા વિચારોને શંકાશીલ અને છીછરા ગણાવ્યા હોત.

આજે જે મને ભય હતો સાચો પડ્યો એ વિચારો એની જાત બતાવી તને ગીફ્ટનાં ભાર નીચે દબાવી દીધી હશે. એનાં આ બધા ટુચકા અને ફસાવવાનાં પેંતરાથી હું પુરો માહીતગાર છું. એટલે જ મેં તને ફોનમાં સ્પષ્ટ ના પાડી તું ના જતી કોઈ બહાનું કરી ના પાડી દે. પછી મને જાણ થઈ મારું કલકત્તાનું રોકાણ વિચારેલી સમજેલી મોટી ચાલ જ હતી અને એનાવિષ ચક્રમાં ફસાઈ ગઇ. તમને સ્ત્રીઓને કોઈ સહેજ તમારાં રૂપનાં, કામના વખાણ કરો તમે બહું સામેવાળાને સમર્પિત કરી દો છો. નવા જમાનાના રંગમાં રંગાઈને ખોટા મોભામાં દારૂ પીવો છે અને અંતે સમાજનાં કલંકરૂપ બની રહો છો. આજે મારી વફાદાર પત્ની એક ચરિત્રહીન વેશ્યા જેવું કર્મ કરીને આવી છે. મારા સ્વમાની સ્વભાવને મંજૂર નથી. હું તારો ત્યાગ કરું છું. મેં મારાં જીવનમાં ફક્ત તને જ ખૂબ જ પ્રેમ કર્યો. કરતો જ રહીશ કારણ હું તારા શરીરની નહીં તારા જીવનો પ્રેમી છું તું ખૂબ સારી જ હતી તારાં વિચારભેદનાં કારણે તું આજે તારું સ્વમાન તારી આબરું ખોઈ ચૂકી છે. હું એ નોકરી પણ સાથે છોડીને આવ્યો છું. મારા માતાપિતાનાં અકસ્માતે અવસાન પછી તું જ મારી સર્વસ્વ હતી. તારા માબાપ, ભાઈને જ મારા કુટુંબીજન ગણેલાં. તું જ મારો જીવ હતો. હું ફક્ત તારામય હતો પરંતુ મને જાણી સમજી ઓળખી ના શકી તું હવે “બુધ્ધં શરણમં ગચ્છામી”– મારી આસ્થા ભગવાન બુદ્ધનાં શરણે શાંતિ માટે જઈ રહ્યો છું બૌદ્ધ મઠમાં બાકીનું જીવન ગુજારીશ. બસ તારો જ ચાહનારો તારાં એક એક અણુને સ્વીકારનારો તારાથી પરાયો થયેલો તારો જ... શ્વેતાંગ....

આ પત્ર લખીને શ્વેતાંગે શ્વેતાનાં કબાટમાં મૂકી. પૂરી કામ નીપટાવીને બેગમાં જરૂરી કપડાં વિગેરે મૂકી ઘર લોક કરીને નીકળી ગયો.

બૌધ્ધ મઠમાં, હોલમાં બધા જ તથાગત એકઠાં થયા છે. ભિક્ષુ શિષ્યોને ઉદબોધન આપી રહ્યાં છે. બધા જ એકચિત્તે શાંતિથી સાંભળી રહ્યો છે. સર્વ મુમુક્ષોને મારા આર્શીવાદ કહી આજનું પ્રવચન પુર્ણ કર્યું. ગુરુ બાલકનાથે શ્વેતાંગને બોલાવ્યો કહ્યું, શ્વેતાંગ તારે આવ્યે સમય જે થયો એનાં પ્રમાણમાં તું ઘણી તીવ્રતાથી બહું સરસ રીતે ગ્રહણ કરી રહ્યો છે મને લાગે છે તું તથાગતમાંથી બૌદ્ધ ભિક્ષુ ઝડપથી બની જઈશ.

શ્વેતાંગે કહ્યું, ગુરુદેવ મને અહીં ખૂબ રસ પડ્યો છે. મને મનની શાંતિ પણ ઘણી અનુભવું છું પરંતુ મારે એક વાત કબૂલવી છે જે મારા મન હૃદયમાં સતત મને ડંખી રહી છે. ગુરુજીએ કહ્યું, “બોલને કહી દે મને તને શાંતિનો અનુભવ થશે. શ્વેતાંગે એનાં જીવનમાં બનેલી બધી જ વાત એમને કહી સંભળાવી પછી કહ્યું” પ્રભુ આટલું થયા પછી એનો ત્યાગ કર્યો પછી હું એને એકપળ માટે ભૂલી નથી શક્યો. એનાથી ભૂલ થઈ છે મેં એને શિક્ષા પણ કરી છે, એને એક વાર મળવા પણ નથી રોકાયો હું અહીં આવી ગયો. મારું આંતરમન અંદરથી મારો આત્મા એને જ પોકાર્યા કરે છે. હું શું કરું સમજણ આપો. મનને મારા શાંત કરો.

ગુરુદત્તે કહ્યું “ મેં સાંભળી આખી તારી વાત, મન શાંત રાખ અને એક નજર શ્વેતાંગ સમજ જોયા કર્યા પછી કહ્યું એનો ઉકેલ ઝડપથી જ આવી જશે હું જોઈ રહ્યો છું તું ધ્યાનમાં મગ્ન રહેવા પ્રયાસ કર અને તપ, ધ્યાન અને સાચી આરાધના તારા પ્રશ્નનું નિવારણ કરશે અને શાંતિ સારું સુખ આપશે કહીને તેઓ પાઠશાળામાં ચાલ્યા ગયા.

શ્વેતા ઘરે આવી. એના પગમાં બળ નહોતું. દીલમાં હિમ્મત નહોતી છતાં લથડતાં અને વ્યથિત હદયે ઘરે આવી. ઘર લોક હતું આશ્ચર્ય થયું. એણે એના પર્સમાંથી ઘરની ચાવી કાઢી ઘર ખોલ્યું. યથાવત બધું જ ફક્ત શ્વેતાંગ નહોતો. એ એનાં રૂપમમાં આવી બેડ પર પોતાની જાતને ફેકી... એણે ખૂબ જ રુદન કર્યું મોટે મોટેથી ચીસો પાડી રડી ઉઠી મને માફ કરી દો શ્વેતાંગ મારી અક્ષમ્ય ભૂલ થઈ છે. મને માફ કરો. તમે મને ના પાડી હતી સમજાવી હતી પણ હું મારા ખોટાં ગુરુર મા હતી શ્વેતાંગ મને માફ કરો. આમ ને આમ એ રડતાં કલ્પાંત કરતાં કરતાં નીંદરમાં સરી ગઈ. સવારે ઉઠી એણે શ્વેતાંગનો પત્ર જોયો વાંચ્યો અને અત્યંત કલ્પાંત કરવા લાગી.

શ્વેતાંગના ગયે આજે દિવસો વીતી ગયા. મહિના વીતી ગયા એ શ્વેતાંગને કયાં શોધે ? એ કઈ રીતે મોઢું બતાવે ? એણે કંપનીમાંથી જોબ છોડી દીધી. શેઠનાએ એને સમજાવવા કોશિષ કરી કહે આમ પાગલપન ના કર તારી પાસે આખી જીંદગી પડી છે. આમ ભર યુવાનીમાં જીવન ના બગાડ હું તને પ્રમોટ કરીશ તારા હાથમાં તું કહે એ આપી દઈશ તું અહીં મારી સાથે રહે, હું તને નવો ફ્લેટ અપાવી દઉં. શ્વેતાંગનો કોઈ પત્તો નથી. તું પાછી આવી જા. શ્વેતાએ શેઠનાને કહ્યું,“મને ભોળાવીને તમે મારો ભોગ કર્યો છે. તમારા જેવો નરપિશાચ મેં જોયો નથી. મને મારો શ્વેતાંગ કાયમ સમજાવતો. આમ-કોઈનાં દેખાદેખીમાં ના અવાય. તમે મારા અને તમારા સંબંધનું કોઈ નામ કે મહત્વ નહોંતું છતાં મોંઘી મોંઘી ગીફ્ટ આપી મારે સમજી જવાનું હતું પરંતું હું અભાગણી તમારા ચક્કરમાં ફસાઈ ગઈ તમારા વિષચક્રએ મારું શિયલ લૂટાવ્યું હું સાવ ચરિત્રહીન થઈ ગઈ. ખબરદાર ફરી જો મારી સામે આવ્યા કે ફોન કર્યો છે તો નારી ક્યારે મહાકાલી થઈને તારો નાશ કરશે ખબર નહીં પડે. તું ક્યાંય નો નહી રહે. દરેક રાત્રી તારી કાળરાત્રી કરી નાંખીશ. મારું તો જીવન બરબાદ કર્યું છે બીજા કોઈનાં શિયલ લૂંટ્યા છે તો પણ તારી ખબર લઈ નાંખીશ. શ્વેતાએ નોકરી છોડી ઘરે જ રહેવા લાગી. શ્વેતાંગની રાહ જોવા જોવામાં મહીના વીત્યા. એક દિવસ સવારે છાપામાં ન્યૂઝ વાંચ્યાં. દલાઈલામા ધરમશાળા ના બૌદ્ધમઠમાં તથાગતોને બૌદ્ધ ભિક્ષુક બનાવવાનાં પ્રસંગે આવવાનાં છે અને શ્વેતાએ નિર્ણય કર્યો.

બૌદ્ધ મઠમાં ભગવાન બુદ્ધની મૂર્તિ સમક્ષ સેંકડો દીવાઓ દૈહીપમ્યાન છે. સુંગધી ચંદન સુખડની ધૂપ હવામાં મ્હેંક પ્રસરાવી રહ્યાં છે. આખો મઠનો હોલ તથાગત-ભિક્ષુક, મુમુક્ષુઓ તથા દર્શનાર્થીઓથી ભરેલો છે. દલાઈલામા જેવા પવિત્ર મહાપુરુષનું આગમન થયું છે, એમને આવીને બૌદ્ધ ભિક્ષુઓ તથાગત બધાને ભગવાન બુધ્ધનો સંદેશ આપ્યો. સર્વને પ્રાર્થના કરવા કહ્યું અને ભગવાન બુધ્ધનાં શરણમાં શરણાગતિ સ્વીકારવા કહ્યું અને સામૂહીક ગાન કર્યું “ બુધ્ધમ શરણંમ ગચ્છામી... સ્ત્રોત્રનું પઠન કરવામાં આવ્યું આ પછી બાલકનાથજી એ સભાખંડમા કહ્યું આજે તથાગત ને બૌદ્ધ ભિક્ષુની પદવી આપવામાં આવશે.

શાંત સભાગૃહમાં ટાંકણી પડે તોય અવાજ સંભળાય એવી નિરવ શાંતિમાં સભાગૃહનાં બારણેથી પુકાર સંભાળાઈ, થોભો.... મને સાંભળો... બધા જ એકદમ આશ્ચર્યચકિત થઈને દરવાજા તરફ જોવા લાગ્યા બધા તથાગત સમુહમાં રહેલો શ્વેતાંગની નજર અવાજ તરફ ગઈ. એણે જોયું આ શ્વેતા છે. એ હાથ ઊંચો કરી બોલવા જાય તે પહેલાં ગુરુજીનો આદેશાત્મક અવાજ આવ્યો. બધા શાંત રહે. સભાખંડનાં પૂરે ઊભેલી ભગીનીને કહો એને જે કહેલું હોય અહીં આવીને કહેં. દલાઈલામાં પણ પ્રથમ વખત કોઈ સ્ત્રીને સભાગૃહમાં આવતી જોઈ રહ્યા. એમણે ભારવાહી અને અમી નજરે શ્વેતા તરફ જોયું અને પછી ગુરુજીને નિર્દેશ કર્યો. ગુરુજીએ શ્વેતાને પોતાની નજીક બોલાવી. શ્વેતા બે હાથ જોડીને ગુરુજીના ચરણે પડી અને ચોંધાર આંસુએ રડતાં કહ્યું, “મારું નામ શ્વેતા આપના આશ્રમમાં (મઠમાં) મારો પતિ શ્વેતાંગ છે હું એની અર્ધાંગીની છું મેં મારી શિક્ષા ભોગવી લીધી છે. પ્રભુ મને માફ કરે હું મારા શ્વેતાંગને લેવા આવી છું અથવા મને પણ અહીં આશરો આપો.

ગુરુજીએ તથાગતોમાંથી શ્વેતાંગ તરફ નજર કરીને બોલાવ્યો શ્વેતાંગ આવ્યો એકદમ સ્થિતપ્રજ્ઞા થઈને ઉભેલો ના એનાં ચહેરા ઉપર કોઈ હાવભાવ ના કોઈ સંવેદના. એ ભિક્ષુની જેમ જ ઉભેલો. ગુરુજીએ કહ્યું, શ્વેતાંગ તેં મને તારી બધી જ કથની કહી હતી ત્યારે હું સાંભળી રહેલો અને આ દિવસ આવવાનો છે એની મને આગોતરી ધારણા થઈ ગઈ હતી. પ્રભુ બુધ્ધના શરણે આવી છે તું એને માફ કરી દે. તારો આજે બૌદ્ધ ભિક્ષુ થવાનો સમય હતો પરંતુ ભગવાન બુધ્ધની કંઈક બીજી જ ઇચ્છા છે. હું તારી પત્નિનો હાથ પરિગૃહ કરીને એને લઈને ભગવાન બુધ્ધ-સ્વામી દલાઈલાના પુન: આર્શીવાદ લઈને સુખેથી તમે સાથે રહો સંસાર ભોગવો અથવા અહીં મઠમાં રહીને સેવા કરવા માટે પણ તમને મંજૂરી છે.

શ્વેતાંગે શ્વેતાનો પાણી ગ્રહણ કર્યું ગુરુજી તથા દલાઈતામાપુનાં આર્શીવાદ લીધા ભગવાન બુધ્ધનાં શાસ્તાંગ દંડવત પ્રણામ કર્યાં અને ભગવાન બુધ્ધનાં આર્શીવાદ અને ગુરુજીના આર્શીવાદથી બૌદ્ધ મઠમાં જ સાથે રહી સેવા કરવાનો નિશ્ચય કર્યો.

ભિક્ષુક બનતો રહી ગયેલો તથાગત શ્વેતાંગ એની જીવનસંગીની અને પ્રેમાળ શ્વેતાને માફ કરીને ભગવાન બુધ્ધનાં ચરણોમાં શરણ સ્વીકારી મોક્ષ પામવા સેવા અને તપ કરવા લાગ્યો. શ્વેતાને ફરીથી સ્વીકારીને એણે અમાપ પ્રેમ કરવા લાગ્યો.

-: સંપૂર્ણ :-

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED