Bhagirath books and stories free download online pdf in Gujarati

ભગિરથ - Bhagirath

II ભગિરથ II

પવિત્ર ગંગા નદીના ઘાટ પર બેસીને ભગિરથ શાંત ચિત્તે નદીના અસ્ખલિત પ્રવાહને જોઈ રહ્યો છે. આજે કઈક પામી ગયાનો સંતોષ એના મુખ પર છવાઈ રહ્યો અને ગુમાવ્યાનો રંજ. વાતાવરણ નિર્મળ અને પવિત્ર છે. ક્યાંક શંખ ફૂંકાય છે ક્યાંક વેદની રુચાઓ બોલાય છે. દૂરથી સંસ્કૃતના શ્લોકનો ધ્વની સંભળાઈ રહ્યો છે. એ પવનની લહેરખીઓ સાથે કઈક રાગ આલાપવા જાય છે અને અવાજ રૂંધાય છે નીકળી જ શકતો નથી. એ પોતાની વિવશતા ઉપર દુખી મને આંખો આભ તરફ કરી અશ્રુ વરસાવી રહ્યો. પરવશ બની ગગન તરફ મીટ માંડી રહ્યો દાતાને મનોમન પ્રાર્થી રહ્યો.નદીના ઊંડા જળમાં સર્જાતા વલયોને જોઈ રહ્યો અને જીવનનાં વીતેલા વલયો સંભારી રહ્યો. નદીના ઊંડા જળને ક્યાં માપી શકાય છે કે મનના વિચારો આંકી શકાય છે? પોતાના ભગવા વસ્ત્રોને એક નજરે જોઈ રહ્યો અને જીવનની સફર વાગોળતા ભૂતકાળની સ્મૃતિઓમાં સરકી ગયો.................

“ ભગિરથ તમે ગાવને ઈશ્વરે ખુબ સરસ મીઠો જ કંઠ આપ્યો છે.. તમે ગાવછો અને હું બસ તમારા અવાજ થકી તમારામાં ખોવાઈ સમાઈ જઉં છું.” ઈશ્વાના રણકતા અવાજે ભગિરથ વધુ પુલકિત થઇ જતો. એ ઈશ્વાને અપાર પ્રેમ કરતો બંને વચ્ચે જાણે ઈશ્વર રૂપી પ્રેમ સમાયેલો. ભગિરથ ઈશ્વાના મુખને હાથમાં લઇ પ્રેમ નજરે જોઈ રહ્યો બસ પ્રેમ અમી પી રહ્યો. ઈશ્વા કહે “તમારી આંખોમાં હું પ્રેમસાગર ઉભરાતો જોઉં છું. વહાલના ઉછળતા મોજા મારા હૃદયને સ્પર્શે છે તમને પામીને હું સર્વસ્વ પામી ગઈ છું.” ભગિરથ કહે “તારા શ્વાશમાં શ્વાસ પરોવી એક દોર સાંધુ છું તારા હૃદયમાં મારા પ્રેમના બીજ રોપું છું.ઈશ્વા તું જ મારી જન્મોજન્મની જીવનસંગીની છું.” ભગીરથે ઈશ્વાને પોતાના ખોળામાં માથું મુકીને વાળ સંવારવા લાગ્યો અને મધુર અવાજે ગીત ગાવાનું શરુ કર્યું. “અહેસાન તેરા હોગા મુજ પર દિલ ચાહતા હૈ વો કહેને દો મુજે તુમસે મુહોબ્બત હો ગઈ હૈ મુજે પલકોકી છાંવમેં રહેને દો........ઈશ્વા ભગિરથ ને સાંભળતી સાંભળતી બસ સાવ ખોવાઈ ગઈ...ભગિરથ પ્રેમ અને વહાલમાં ભાવવિભોર થઇ ગયેલો ગાતા ગાતા એની આંખોમાંથી પ્રેમ અમૃત આંસુ રૂપી વહી રહેલું.. ઈશ્વાના ચહેરા ઉપર અશ્રુ બિંદુ ટપક્યા અને ઈશ્વાએ આંખો ખોલી એ પણ ભાવાવેશમાં ભગીરથને વળગી પડી અને અશ્રુઓ ખાળી નાં શકી અને બંને જણા એકબીજાને વળગીને પ્રેમની પરાકાષ્ઠા આંબી ગયા. ભગિરથ ઈશ્વાનાં રાતા હોઠને ચુંબન કરવા લાગ્યો અને મધુરસ પીવા લાગ્યો બંને જણા બધુજ વિસરીને એકબીજામાં ઓગળી ગયા.ઈશ્વા એ ભગીરથને કહ્યું” હું તારા સિવાય એક પળ નહિ જીવી શકું બસ તુજ્ હવે મારો પ્રાણ તારાથીજ મારું જીવન.” ભગીરથે ઈશ્વાને વહાલ કરતા કીધું “તુજ મારી આરાધ્યા તુજ મારી કવિતા. તારા પ્રેમને કારણે જ હું કવિતા રચી શકું છું ગાઇ શકું છું.” ઈશ્વા કહે “ તું મને હવે લઈજા તારી પાસે જ રાખ મને હવે તારો વિરહ નહિ વેઠાય. ભગિરથ એના મકાનની અગાશીમાં ઈશ્વા સાથે પ્રેમ સંવાદ કરી રહ્યો છે ત્યાં એની બહેન આશા ઉપર આવી કહે “ભાઈ તમને લોકોને માં નીચે બોલાવે છે.” ભગીરથે કહ્યું” હું આવું તું તારી સખીને લઈને નીચે આવ”.

ઈશ્વા અને આશા બંને એક જ કોલેજમાં એકજ ક્લાસમાં સાથે હતા. બંને વડોદરાની પ્રખ્યાત પરફોર્મિંગ આર્ટસ કોલેજમાં કથ્થક ઉપર માસ્ટર્સ કરી રહેલા. બંને ખાસ સખીઓ હતી સગ્ગી બહેનો કરતા વધુ પ્રેમ હતો. આશાની સાથે ઈશ્વા વારે ઘડીએ ઘરે આવતી અને પ્રેક્ટીસ પણ કરતી..આવવા જવામાં અને ભગીરથનો સ્વભાવ અને એના વિચાર અને ઘણી બધી કાબેલિયત પર ફિદા હતી. ભગિરથ દેખાવમાં તો ખુબ સરસ હતો જ્ સાથે એની કોમ્પુટરમાં માસ્ટરી હતી. ખુબ જાણીતી એમ.એન.એસ. કંપનીમાં મુખ્ય ઇજનેર તરીકે જોડાયો હતો. ભગીરથને ગાવાનો ખુબજ શોખ એનું આખું કુટુંબ સાંજનું જમવાનું પરવારીને એક સાથે બેસતા વાતો કરતા અને ભગિરથ પાસે ગીતો ગવડાવતા.ઘણીવાર ઈશ્વા આશા સાથે ઘણી વાર આવતી અને મોડા સુધી રોકાઈ જતી.એને ભગીરથને જોવા અને ગીત સાંભળવામાં રસ પડતો.એતો એકતરફી દિલ આપીજ બેઠી હતી. ભગિરથ પણ એને અને આશાને પ્રેક્ટીસ કરતા જોતો રહેતો. આમ એકવાર નજરથી નજર મળી અને દિલ મળી ગયા. ભગિરથનાં ઘરના સંસ્કાર અને વાતાવરણની હૂફ ઈશ્વાને ખુબ સ્પર્શી ગઈ હતી.

ભગિરથનાં કુટુંબમાં માતા પિતા અને બે વર્ષ નાની બહેન આશા. પિતા વિશ્વંભર ભટ્ટ માતા સુર્યપ્રભાંએ ગૃહસ્થ ગીતા ખુબ પચાવેલી. બ્રાહ્મણ કુળ અને સંસ્કાર સિંચન સારી રીતે કરેલા. પિતાને સરકારી નોકરી હતી પરંતુ ખુબજ સમયના પાબંદ’સવારે ધ્યાન સંધ્યા પછી જમીને ઓફીસ પછી પાછા આવીને બગીચા કામ પછી વાળું કરીને આખા કુટુંબને સાથે બેસાડીને વાતો કરવાની, ભજન અને ગીતો ગાવાના. માં ને નૃત્યનો શોખ હતો પોતે શીખેલા હતા એટલે નાનપણથી આશાને ભારતનાટ્યમ અને પછી કથ્થક શીખવી રહેલા અને માસ્ટર્સ કરવા આશાને પરફોર્મિંગ આર્ટસ કોલેજમાં મોકલી હતી. ભગિરથ ભણવામાં ખુબ આગળ હતો અને એને નાનપણથી ગાવા માટે કેળવણી આપી હતી. એનો અવાજ ખુબ સરસ કેળવેલો એ ખુબ સરસ ગાતો પછી ભલે સુગમ સંગીત હોય શાસ્ત્રીય હોય કે સિનેમાના ગીત બધુજ સુંદર રીતે પ્રસ્તુત કરતો. એના પિતા વિશ્વંભરજીને એની પાસે વેદની રુચાઓ ગવડાવવાની ખુબ ગમતી. ભગિરથ એ ખુલ્લા અવાજે ખુબ સરસ ગાતો બધાજ એને સાંભળવા તત્પર થઇ જતા. ઈશ્વા તો સાવ દીવાની હતી.

***

ભગિરથ સવારથી ઈશ્વાને ફોન કરી રહેલો પણ એનો ફોન સ્વીચઓફ જ આવતો હતો એની બેચેની વધી ગઈ.આજે એની વર્ષગાંઠ છે મારે સૌથી પહેલાં વિશ કરવું છે. એને તરત મેસેજ ટાઈપ કરીને મોકલ્યો પણ,.... એ વિચારોમાં અને ચિંતામાં ગરકાવ થઇ ગયો શું કારણ હશે? કોઈ દિવસ ઈશ્વાનો ફોન બંધ નાં જ આવે. એણે ફરી ફરી પ્રયત્ન કર્યા પણ નિષ્ફળ જ. એ વિરહની આગમાં બળી રહેલો. એણે નક્કી કર્યું એ રુબરુજ મળવા એના ઘરેજ જશે.

***

ઈશ્વા એના માબાપની એકની એક દીકરી છે. એના પિતા કલેકટર અને માતાને પોતાનું બ્યુટીક છે. ઘરમાં ખુબ પૈસો દોમ સાહેબી અને એશોઆરામની વૈભવી ચીજ વસ્તુઓ છે. પણ કોઈને કોઈના માટે સમય નથી. પિતા કમલેશ્વર ચાંપાનેરી કલેકટર તો હતાજ પણ રાજકારણીઓ સાથે પણ ખુબ નજીકથી સંબંધ હતા.એ હંમેશા એમના કામમાં મીટીંગમાં અને બહાર પ્રવાસ ઉપરજ વધુ રહેતા. માં કામિની ચાંપાનેરી , હંમેશા પોતાના બ્યુટીકમાં બીઝી રહેતા. સવારે એ અને ઈશ્વા અને પિતા સાથે બ્રેકફાસ્ટ કરતા પછી ઈશ્વા કોલેજ, એની મોમ બ્યુટીક અને પાપા કચેરી જતા પછી કોઈનો કોઈ મેળ જ નાં ખાય. ઈશ્વા એના ઘરના વાતાવરણથી તંગ આવી ગયેલી એ સાંજે ઘરે પહોચતી ઘરે કોઈ હોય જ નહિ. માં અને પાપા ગમેતે સમયે આવે ,એ મહારાજે બનાવેલી રસોઈ જમીને એના રૂમમાં જતી રહે. પાપાને વારેઘડીએ પાર્ટીઓ હોય અને મોમને એની પાર્ટીઓ હોય. માબાપને એમના દેખાડા અને અહમથી વિશેષ કઈ જ નહોતું. ઈશ્વા ઘણીવાર એની મોમને ફોન કરીને કહેતી મોમ આજે ઘરે વહેલા આવી જાવ ને ખુબ એકલું લાગે છે અથવા આપણે સાથે મૂવી જોવા જઈએ તો સ્પષ્ટ નાં પાડી કહીદેતા “દીકરા તમે મોટા થયા હવે અમારો પાલવ છોડો તમારા મિત્ર સાથે જાવ મારે આજે મારી ફ્રેન્ડસ સાથે કિટી પાર્ટી છે યુ એન્જોય યોરસેલ્ફ. કહી ફોન મૂકી દેતી.

ઈશ્વા કાયમ આશા અને ભગીરથના ઘરની સરખામણી એના પોતાના ઘર સાથે કરી બેસતી એને લાગે હું કોઈ હોટલમાં રહું છું અને ભાગીરાથનું ઘર એ ઘર છે. એ ઘરમાં કેટલી એકબીજા માટે કેર અને લાગણી છે કેટલી હૂફ અનુભવાય છે. મારું ઘર નથી એક ગેસ્ટહાઉસ છે.આજે આશાની વર્ષગાંઠ છે અને ઘરમાં કોઈને યાદ નથી સવારથી ઉઠી ત્યારથી એ રાહ જુએ છે હમણાં મોમ અને પાપા મને વિશ કરશે હું એમના આશીર્વાદ લઈશ. બ્રેકફાસ્ટ ટેબલ પર પણ એ નાહી સરસ તૈયાર થઈને આવી પણ કોઈ ને કશી ખબર નથી પડી. એની મોમ એ પૂછ્યું હાય બેબી આજે ખુબ સુંદર લાગે છે શું ખાસ દિવસ છે આજે? ઈશ્વા કહે મોમ તમને ખબર આજે શું દિવસ છે? એમ કહી એના રૂમમાં જતી રહી..એને એટલો ગુસ્સો અને દુખ થયેલું કે ફોન પણ આજે ચાલુ નહોતો કર્યો. એ રૂમમાં આવીને ઓશિકા ઉપર મુખ રાખીને ખુબ રડી.એને થયું કોઈને મારી દરકાર જ નથી.

ઘરનો બેલ વાગ્યો અને ઈશ્વાએ ઘર ખોલ્યું સામે ભગિરથ સુગંધીદાર ફૂલોનો બુકે લઈને સામે ઉભો હતો. ઈશ્વાને બુકે આપીને કહ્યું ઈશુ તને જન્મદિવસ મુબારક ઈશ્વર આખા યુનિવર્સની ખુશીઆનંદથી તારું જીવન ભરી દે એવી શુભેચ્છા.ઈશ્વા એને વળગીજ પડી અને ખુબ વહાલ કરતી રડી પડી. ભગીરથે એના આંસુ લુછી કહે આજના શુભ દિવસે આંખમાં આંસુ? હું નહિ જોઈ શકું કહી આંસુ લૂછ્યા અને ખુબ વહાલથી ચૂમી લીધી.આજે ઈશ્વાનાં વહાલમાં અને વળગીને પ્રેમ કરવામાં અલગજ લાગણી અલગજ જોર હતું જાણે કદી ભગીરથને છોડવા જ નાં માંગતી હોય એમ રડતી રહી વળગી રહી. ભગિરથે એને રડવા દીધી અને વહાલ કરતો રહ્યો. એ સ્વસ્થ થઇ પછી પૂછ્યું શું થયું છે મારી લાડકી ઈશુને? ઈશ્વાએ છુટા પડી કીધું મારા મોમ ડેડ કોઈને આજે મારી વર્ષગાંઠ છે એ સુધ્ધા યાદ નથી મારી મોમ મને તૈયાર થયેલી જુએ છે પૂછે છે કઈ ખાસ દિવસ છે છતાં યાદ નથી આવતું એમને. સાચેજ આ દંભી અને ફેબ્રિકેટેડ વાતાવરણમાં મારો શ્વાસ રૂંધાય છે. ભગિરથ કહે ઠીક છે તું ઓછું નાં લાવ ચલ હું તને લેવાજ આવ્યો છું માં અને આશા તારી રાહજ જુએ છે.ઈશ્વા મહારાજને દરવાજો બંધ કરવા કહીને ભગિરથ સાથે જવા નીકળી ગઈ.

ઈશ્વા ભગીરથના ઘરે પહોચીને માં ને નીચે નમી પગે લાગી આશીર્વાદ લીધા. સુર્યપ્રભા બહેને એને કપાળે ચૂમી લીધી. બાથ ભરી વહાલ કર્યું અને મો મીઠું કરાવ્યું. આશા પોતાની સહેલીને હેપ્પી બર્થડે કહી વહાલથી વળગી ગઈ અને સુંદર બ્રેસલેટ ગીફ્ટ કર્યું. ઈશ્વાએ કહ્યું આજે મારા તરફથી બધાને ટ્રીટ... હું પાર્ટી આપીશ. માં એ કહ્યું દીકરા તારે આપવી હોય તમે છોકરાઓ જજો પણ આજે અહી મેં ઘરે મારા હાથે વેઢમી બનાવી છે ખાસ તારી વર્ષગાઠ નિમિત્તે તો બધાએ અહી સાથે જમવાનું છે. ઈશ્વા સુર્યપ્રભાબેનને વળગી જ પડી અને એની આંખમાંથી આંસુ નીકળી ગયા. એ બોલી તમારા પેટે નથી જન્મી પણ મને મારી માં જ તમારા સ્વરૂપે મળી ગઈ. આશાએ મસ્તીમાં કીધું નાં હો આતો મારી માં છે અને એ બંનેને વળગીને વહાલ કરવા લાગી. સુર્યપ્રભાબહેન કહે ચાલો તમે બધા મારાજ છોકરા છો. ચાલો હાથ ધોઈ ને જમવા આવી જાવ હું ગરમ ગરમ વેઢમી બનાવી ખવરાવું અને મારી દીકરી ઈશ્વાનો જન્મદિવસ ઉજવીએ. ભગિરથ ઈશ્વાને જોઈ રહ્યો હતો..હવે ઈશ્વા ખુબ આનંદમાં અને સ્વસ્થ હતી.

જમીને બધું પરવારીને બધા ઉપરના માળે ભગીરથના રૂમમાં ગયા.માં નીચે રસોડામાં બાકીનું કામ નીપટાવવા લાગ્યા. આશાએ ભગિરથ અને ઈશ્વાને એકાંત આપવા કીધું તમેલોકો વાતો કરો હું માંને પરવારવામાં મદદ કરીને પછી આવું. ઈશ્વા કહે હું પણ આવું કહી બંને નીચે ગયા, માં એ કહ્યું” ઈશ્વા તારી વર્ષગાંઠ છે આજે તારે કઈ જ નહિ કરવાનું..બહુ જલ્દી જ્ તને તારા ઘરેથી અહી વાજતેગાજતે લઇ આવીશું પછી તારે કરવાનુ જ્ છેને. જા તું બેસ હું આશાને પણ મોકલું છું તમે લોકો બેસો વાતો કરો.” ઈશ્વા શરમાઈને ઉપર જ દોડી ગઈ અને ભગીરથને વધામણી આપી.” માં એ મને કીધું આપણા લગ્ન કરી મને અહીજ લઇ આવશે.” ભગિરથ કહે “ હા ઈશુ મારે માં અને પિતાજી બંને સાથે વાત થઇ છે એલોકો કહે આમ કોઈની દીકરી મોડે સુધી આપણા ઘરે આવે બેસે તમે બહાર હરોફરો કોઈ વાતો કરે એના કરતા એના માબાપને મળી લગ્નનો પ્રસ્તાવ મુકીને નક્કીજ કરી લઈએ. ઈશ્વા અમને પસંદ છેજ.” એટલે સારો દિવસ જોઈ તારા મોમ ડેડને મળવા અમે આવીશું તું પૂછીને કહેજે એમને ક્યારે સમયની અનુકુળતા છે એ પ્રમાણે હું અહી માં બાપુજીને કહું.” ઈશ્વા કહે “આજેજ વાત ઘરે જઈને પહેલાં આજ વાત કરી લઈશ.” ભગિરથ ઈશ્વાને બાહોમાં લઈને પ્રેમ પ્રસરાવી રહ્યો.આજે મદહોશી છવાયેલી પ્રેમની...આગ બન્ને તરફ સરખી લાગી હતી. ભગીરથે ઈશ્વાને હોઠ ઉપર ચુંબન કરતા કહ્યું” આ રસપ્રચુર હોઠ હવે મારાજ થઇ જવાના”. ઈશ્વાએ સામે ચૂમતા કહ્યું “તારાજ છે પણ સંયમની લગામ રાખજે નહીતર...”..ભગિરથ કહે “ હું લગ્ન પહેલાં કોઈ સીમા નહિ વટાવું પણ મારા પ્રેમ પ્રચુર હોઠને નહિ રોકી શકું “ કહી ખુબ ભીનાં ચુંબન લીધા.બંને પ્રેમ પારેવડાં રસતરબોળ થઇ પ્રેમ કરી રહ્યા.

***

“મોમ મારે તમારી સાથે ખુબ અગત્યની વાત કરવી છે “ ઈશ્વાએ એની મોમને કહ્યું. કામિની ચાંપાનેરી હજી હમણાંજ એમના બ્યુટીકથી આવેલા એમને થોડા કંટાળા સાથે કીધું” શું વાત છે બેબી કોઈ ખાસ વાત છે હું થાકીને આવી છું.” ઈશ્વા કહે’ તમને મારા જીવનમાં કોઈ રસ છે કે તમારામાજ જીવો છો ક્યારેકતો મારા પર ધ્યાન આપો.” એટલામાં એના પાપા આવ્યા એમને આવતા વેંત સાંભળ્યું પૂછ્યું “ શું વાત છે ચાલતી વાતમાં સુર પુરાવી કહ્યું “ તને શું જોઈએ શેની ખોટ છે? જે નાં માંગે એપણ હાજર થાય છે તો હવે શેની ફરિયાદ છે? “ઈશ્વા કહે “તમારી ખોટ..ઈશ્વા કહે “ એ વાત પછી આજે મારો જન્મદિવસ હતો તમારા બંનેમાંથી કોઈને નથી યાદ બોલો શું જવાબ છે?” કામિનીબેન બોલ્યા “ઓહો સોરી દીકરા એતો ભુલાઈજ ગયું એટલે મારી દીકરી સવારથી નારાજ છે.” કમલેશ્વરનો અવાજ નરમ થઇ ગયો અને આવીને ઈશ્વાને વિશ કર્યું અને ભૂલવા બદલ માફી માંગી કહ્યું “સોરી મારી વહાલી દીકરી કામની વ્યસ્તતા એ ભુલાવ્યું પણ તારી મમ્મી પણ ભૂલી ગઈ ? “કામિનીબહેન કહે હવે મારા ઉપર દોષનો ટોપલો નાખો સવારથી તમારામાંથી જ ઉંચી નથી આવતી ક્યાંથી યાદ રહે સોરી મારી દીકરી માફ કર..હવે બોલ જોઉં આજની ગીફ્ટ શું જોઈએ ? હા હા બોલ શું જોઈએ જે માંગે એ આપીશ “એવું તરત કમલેશ્વર બોલ્યા. ઈશ્વા કહે “પ્રોમિસ? “ બંને માબાપ એક સાથે બોલ્યા હા તું કહે એ મંજુર પ્રોમિસ.” ઈશ્વા કહે” મારી ખાસ ફ્રેન્ડ આશાના ઘરના તમને મળવા આવવા માંગે છે એલોકોને ક્યારનું કહું?” મોમ કહે “અમને શા માટે મળવા માંગે છે?” ઈશ્વા કહે” મારા માટે પછી ઉમેરતા કહ્યું આશાનાં ભાઈ ભગીરથને હું પ્રેમ કરુ છું એ પણ મને ખુબ પસંદ કરે છે અમારા લગ્નની વાત કરવા તમને મળવા માંગે છે.” મમ્મી પાપા બધાંના મો ખુલ્લાના ખુલ્લા રહી ગયા,પછી વર્ષગાંઠનો દિવસ ધ્યાનમાં રાખી કમલેશ્વરે કહ્યું આજે અમે વિચારીને તને કાલે જણાવીશું.અને બધા પોતપોતાના રૂમમાં ગયા.

રૂમમાં જઈ કમલેશ્વરે કામિનીને કહ્યું” કોણ છે આ ભગિરથ અને આશા તું ઓળખે છે?” કામિનીબહેન કહે “ હા આશા એની ખાસ ફ્રેન્ડ છે કોલેજમાં સાથે છે અને ભગિરથ એનો ભાઈ છે એ ઘણીવાર ઈશ્વાને મુકવા અહી ઘરે આવેલો છે હું ઓળખું છું ખુબ સંસ્કારી ઘર છે છોકરો પણ દેખાવડો અને સારો લાગે છે. ઈશ્વા આખો દીવસ એલોકોની જ વાતો કરતી હોય છે પણ એટલી ઘનિષ્ટતા હશે ખબર નહોતી.”સારું સંવારે વાત કહી સુવાની તૈયારી કરવા લાગ્યા અને સવારે શું કહેવું એ નક્કી કરી લીધું.

***

સવારે બ્રેકફાસ્ટ ટેબલ ઉપર બધા સાથે બેઠા છે કમલેશ્વરે જ બોલવાનું શરુ કર્યું “ દીકરા ભલે અમને સમય નાં મળતો હોય પણ અમે તારા માબાપ છીએ તારું સારું નરસું જોવાની અમારી ફરજ છે એવો રૂટીન ડાયલોગ મારી દીધો પછી કહે અમને સંસ્કારી ઘર અને છોકરો સેટ હોય કોઈ વાંધો નથી પણ પહેલાં એકલા છોકરાને મારી પાસે આજેજ મોકલજે મારી ઓફીસ હું એની જોડે વાત કરી લઉં પછી એના ઘરે આપણે જ જઈશું મળવા આપણે છોકરીવાળા કહેવાઈએ એવું જ શોભે.” ઈશ્વા તો સાંભળતી જ રહી એ સાચુજ નહોતી માનતી આટલું સરળ પતી જશે એ ખુબ ખુશ થઇ ગઈ અને દોડીને પાપાને વળગી ગઈ અને થેંકયુ કહી દોડી ગઈ ખુશખબર આપવા ભગીરથને ફોન કરીને પાપાને મળવા આવવા કહી દીધું એમની ઓફિસે આજેજ. ભગિરથ ખુશ થઇ ગયો કહે “હું આજેજ મળવા આવી જઈશ.” કામિનીબહેન કમલેશ્વર તરફ અવાચક બનીને જોઈ રહ્યા કમલેશ્વરે આંખોમાં રહેલો પ્રશ્ન વાંચી આંખોના ઇશારાથીજ ધીરજ રાખવા કીધું અને ઉઠી કચેરી જવા તૈયાર થઇ ગયા. કામિનીબહેન સમજી ગયા જવાબ આંખોમાજ.

ભગિરથ બીજા દિવસે સવારે જ ઓફીસમાં અડધા દિવસની રજા મૂકી ઈશ્વાના કલેકટર પિતાને મળવા એમની કચેરી પહોચી ગયો. જઈને ચપરાસીને પોતાનું નામ આપી અંદર સાહેબને જણાવવાનું કહ્યું. ચપરાસી નામ પૂછી તરત અંદર ગયો અને ત્વરાથી બહાર આવી ખુબ માન સાથે અંદર જવા કીધું. ભગિરથે દરવાજો ખોલી “ મેં આઈ કમિંગ સર કહી પૂછ્યું” અંદરથી કમલેશ્વર ખુરશીમાંથી ઉભા થઇ આવો કહી અંદર બોલાવ્યો અને સામે બેસવા કીધું.” હું તમારીજ રાહ જોતો હતો ભગિરથ. તમારા વિષે મને ઈશ્વા અને એની મમ્મીએ કીધું હતું પણ એનાથી વધુ છો એવું લાગ્યું યંગમેન. તમે શું લેશો? ચા કોફી કે કઈ ઠંડુ?” “ નો સર કઈ નહિ થેંક્યું.” કમલેશ્વરે કહ્યું “ઓકે બીજી ફોર્માલીટી છોડીને મુખ્ય વાત કરીએ ઈશ્વા તમને ખુબ પસંદ કરે છે અને તમે બંને એકબીજાને ખુબ પસંદ કરોછો લગ્ન કરવા માંગો છો સાચું? “ ભગીરથે કહ્યું” હા સાચું “ કમલેશ્વર કહે તમારા ફાધર શું કરે છે તમારા ફેમીલી વિષે કહેશો? ભગીરથે એના ફાધર અને ફેમીલી વિષે બધીજ વિગત આપી પોતાનું એજ્યુકેશન અને જોબ અંગે બધીજ વાત કરી. કમલેશ્વર થોડીવાર ભગિરથ સામે ટગર ટગર જોઈ રહ્યા પછી કહે “તમને શું લાગે છે હું મારી દીકરી તમારા જેવાના હાથમાં સોપી દઈશ? કઈ હેસિયતથી તમે મારી એકની એક છોકરીનો હાથ માંગવા આવ્યા છો? તમે બ્રાહ્મણ છો એટલે જ્ઞાની અને સંસ્કારી થઇ ગયા? તમારી ઓકાત જોઈ છે મારી દીકરી કેવી રીતે કેટલા સુખમાં ઉછરી છે? એને ભોળવીને ફસાવી લીધી છે? ફરી વાર એને મળ્યા છો કે કોશિશ પણ કરી છે તો આ શહેરમાં તમે શોધ્યા નહિ જડો..યુ જસ્ટ ગેટ લોસ્ટ.” ભગિરથ તો ડઘાઈ જ ગયો જે માણસ હમણાં થોડીવાર પહેલા ખુબ માનથી બોલાવતો હતો એક્દમ જ અપમાન કરવા લાગ્યો એ એમજ ખુરશીમાંથી ઉભો થઇ ગયો અને જવા લાગ્યો કમલેશ્વરે ત્રાડ પાડી કહ્યું “એય છોકરા સાંભળ ફરી મારી છોકરીની સામે દેખાયો છે તો.’..થોડી વાર રોકાઈને બોલ્યો “તારા આખા કુટુંબની કુંડળી મારી પાસે છે...યાદ રાખજે તારે પણ બહેન છે અને એને પણ પરણાવવાની છે” એમ કહી ગર્ભિત ધમકી આપી બહાર કાઢ્યો. અને જતા જતા એને સાંભળ્યું “ આ ધમકી નથી કરી બતાવીશ ક્યાયનો નહિ રહે તારી પાછળ મારા માણસ રહેશે”. ભગિરથ તો જાણે કોઈ મુવીના વિલનને મળીને નીકળ્યો હોય એમ લાગ્યું. એને વિચાર આવ્યો ક્યા ઈશ્વા અને ક્યા એનો રાક્ષસ બાપ. ભગીરથે વિચાર્યું હું ડરતો નથી પણ મારી નાની બહેન.....નાં નાં મારા કુટુંબ ઉપર કોઈ તકલીફ નહિ આવવા દઉં.

***

ભગિરથનાં ફોન ઉપર રીંગ ઉપર રીંગ આવી એને ફોન નાજ ઉપાડ્યો એને ખબર છે ઈશ્વાનો ફોન છે. ઘરે બધાએ પૂછેલું શું થયું ઈશ્વાના પાપાને મળ્યા પછી ભગિરથ સાવ નિરાશ થયેલો.. ભગીરથે કોઈજ ગેરસમજ અને ખોટી આશા નાં રહે એટલે સાચીજ વાત કીધી હતી બધાજ ખુબ દુખી થયા અને ગભરાઈ ગયા. કંટાળીને ઈશ્વા ભગીરથના ઘરે આવી , ભગિરથ તો નાં મળ્યો પણ આશાએ બધીજ સાચી વાત કહી દીધી. ઈશ્વા આશાને ભેટીને ખુબ રડી કહે” મને જણાવવું તો હતું કઈ નહિ હવે હું પાપા સાથે વાત કર્યા પછીજ મો બતાવીશ ત્યાં સુધી નહિ આવું.”

ઈશ્વા એના પિતાની ઓફીસ ધસી ગઈ અને કહ્યું “તમે મારી સાથે દગો દીધો મને પટાવીને પાછળથી ઘા કર્યો તમે બાપ છો કે શેતાન? ઉપરથી એ સંસ્કારી અને ભીરુ ઘરનાને એમની છોકરી અંગે ધમકી આપો છો? છોકરીનું મુલ્ય તમને નહિ સમજાય તમારી આંખોમાં સત્તા અને પૈસાનો કેફ ચઢ્યો છે હું ભગીરથની નાં થઇ શકું તો તમારી પણ નથી રેહવાની હુજ જીવ છોડું પછી દીકરીની કિંમત સમજાશે કોઈની દીકરીને તમે......”કહી ઉશ્કેરાટમાં બહાર દોડી અને કચેરીના ધાબે જઈ ઉપરથી વિચાર્યા વિના સીધું પડતું જ મુક્યું. કચેરી કમ્પાઉન્ડમાં દોડાદોડ મચી ગઈ કમલેશ્વર ઓફિસની બહાર દોડીને ઈશ્વા પડી હતી ત્યાં આવ્યા. ઈશ્વાનો દેહ હાથમાં લીધો પણ...

ભગિરથ દોડી આવ્યો એણે ઈશ્વાની તરફ છેલ્લી નજર કરી અને ત્યાંથી નીકળી ગયો. કામ્લેશ્વરે જ ભગીરથને જાણ કરેલી ફોનમાં માફી માંગી અને ઈશ્વાને મળીજા કહી ફોન મૂકી દીધેલો. ભગિરથ દિલથી ખુબ ઘવાયો હતો એને કઈ ભાન જ નહોતું કે હવે શું કરશે ? ઈશ્વા ઈશ્વા કરતો ઘરે આવેલો ઘરે આવીને બધું જણાવ્યું અને હું જઉં છું મારી ચિંતા નાં કરશો કહી ઘર છોડીને નીકળી ગયો.

***

ભગિરથ બધું છોડી બનારસ આવી ગયો એને મન હૃદયમાં હવે ઈશ્વા સિવાય કઈ જ નહોતું. અહી આવીને માં ગંગાના કિનારે બેસી વિચારી રહ્યો કે એક ભગિરથ હતા જે સગર પુત્રો માટે તપ કરી ગંગા પૃથ્વી પર લઇ આવ્યા અને પોતાના પૂર્વજોની સદગતિ કરી હતી એમ હું ભગિરથ આજે મારી અને મારા પ્રેમની મારી ઈશ્વાનાં જીવની સાથે જ સદગતિ માટે માં ગંગામાં જળસમાધી લઈને જીવ સમર્પિત કરીશ. આમ આજના ભગીરથે જળસમાધી લીધી ,જળમાં વિલીન થઇ ઈશ્વામાં ભળી ગયો.

દક્ષેશ ઈનામદાર.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED