પિન કોડ - 101 - 79 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 79

પિન કોડ - 101

પ્રકરણ-79

આશુ પટેલ

‘રશીદ, એ ત્રણેયને ગોળી મારી દે.’ ઇમ્તિયાઝે તેની વહારે આવેલા બીજા ગુંડાને ઉદ્દેશીને કહ્યું.
‘નહીં રશીદ! ગોળી ના ચલાવતો. રહેમ કર!’ પેલા ત્રણમાંથી એક બદમાશે બૂમ પાડી.
‘ઇમ્તિયાઝ, અમને બક્ષી દે. અમે તારી સાથે છીએ.’ બીજા બદમાશે કહ્યું.
‘રશીદ, એ બંનેને છોડી દે. પેલાને ઉડાવી દે.’ જે બદમાશે રહેમ માટે ભીખ નહોતી માગી એના તરફ ઈશારો કરતા ઇમ્તિયાઝે કહ્યું.
જે બદમાશે કહ્યું નહોતું કે હું તમારી સાથે છું. એ બદમાશની છાતીનું નિશાન લઇને રશીદ નામના બદમાશે ગોળી છોડી. તે બદમાશ બોલી ઊઠ્યો: ‘યા અલ્લાહ, આ કાફરોને સખત નસિયત કરજે.’ તે જો કે ત્યાં સુધીમાં તેને હૃદયની જગ્યાએ ગોળી વાગી ચૂકી હતી. તેના શરીરને વીન્ધીને પાછળની દીવાલ પર અથડાઈને થોડે દૂર પડી. બે-અઢી ફૂટ દૂરથી છૂટેલી ગોળી છાતીમાં ધરબાઈ એટલે પેલો બદમાશ સહેજ પાછળ ધકેલાયો. તેના ચહેરાના હાવભાવ અસામાન્ય બની ગયા. અને બીજી ક્ષણે તે નીચે પટકાયો.
કાણિયાના અડ્ડામાં થોડી વારમાં પાંચ ગુંડાઓના ખૂન થઇ ચૂક્યા હતા!
સાહિલ માટે તો બગાસું ખાતા પતાસું મોં મા આવી પડ્યું જેવો ઘાટ થયો હતો. તેને વિશ્ર્વવિખ્યાત લેખક પાઉલો કોએલ્હોની ‘અલકેમિસ્ટ’ નવલકથામા વાંચેલું વાક્ય યાદ આવી ગયું કે જ્યારે તમે સારા ઈરાદાથી કોઈ કામ હાથ ધરો છો ત્યારે સમગ્ર કાયનાત તમારી મદદે આવે છે. અત્યારે તેને અકલ્પ્ય રીતે ઇમ્તિયાઝ અને રશીદ નામના બદમાશોની મદદ મળી ગઈ હતી. સાહિલે જ્યારે નતાશાને બચાવવા માટે નિશ્ર્ચય કર્યો એ વખતે તેને કલ્પના પણ નહોતી કે ડોન ઈકબાલ કાણિયાના જ ગુંડાઓ તેની મદદે આવશે. સાહિલને એટલું સમજાયું કે તેને જે બદમાશના લમણે પિસ્તોલ ધરી રાખી હતી તે બદમાશે ઇમ્તિયાઝ નામના બદમાશના ભાઈને ક્રૂરતાથી મારી નાખ્યો હતો.
ઇમ્તિયાઝે તેના સાથીદારને કહ્યું: ‘પેલા બેયના બન્ને પગમાં પણ ગોળી મારી દે અને તેમની પાસેથી પિસ્તોલ લઈ લે એટલે તેમનો વિચાર બદલાય તો પણ તેઓ પાછળ ના આવી શકે.’
પેલા બદમાશો આજીજી કરવા લાગ્યા, પણ ત્યાં સુધીમાં રશીદે તે બન્નેના બન્ને પગમાં ગોળીઓ મારી દીધી હતી.
‘રશીદ, ચાલ.’ ઇમ્તિયાઝે કહ્યું અને પછી ફરી વાર કાણિયાના લમણામાં પિસ્તોલનું નાળચું દબાવતા તે બોલ્યો: ‘આગળ થા.’
કાણિયા પેલા દરવાજા તરફ આવ્યો જ્યાંથી સાહિલને પહેલી વાર અહીં લઇ અવાયો હતો, પણ ઇમ્તિયાઝે તેને કહ્યું, %**, ત્યાં તે તારા બધા બાપને ભેગા કરી રાખ્યા છે, પાછળના રસ્તેથી ચાલ!’
આ દરમિયાન સાહિલે જેના બાવડાંમાં ગોળી મારી દીધી હતી એ બદમાશ વેદનાથી કણસી રહ્યો હતો. સાહિલને આજે જોવા મળ્યું કે ઠંડે કલેજે સંખ્યાબંધ માણસોની હત્યા કરી નાખતા કે કરાવી નાખતા માણસોને પોતાને નાનકડી ઇજા થાય ત્યારે તેઓ સહન કરી શકતા હોતા નથી.
કાણિયા ચાલતો થયો. આગળ કાણિયા, તેની પાછળ ઇમ્તિયાઝ, તે બંનેની પાછળ ઇશ્તિયાક, સાહિલ અને નતાશા અને તેમની પાછળ રશીદ એમ બધા ચાલતા થયા.
ઇમ્તિયાઝે સાહિલને કહ્યું, ‘સહેજ પણ ગાફેલ રહ્યા વિના અમારી પાછળ આવ.’ પછી તેણે તેના સાથીદારને કહ્યું, ‘રશીદ, તું પણ અત્યંત સાવચેત રહેજે. તું આ %* ઇશ્તિયાક પર નજર રાખજે.’ સાહિલ અને નતાશા પેલા બદમાશ સાથે જે દરવાજેથી અંદર આવ્યા હતા એ જ દરવાજેથી કાણિયા તેમને પાછો લઇ ગયો.
પેલા પેસેજમા પ્રવેશ્યાં પછી ઇમ્તિયાઝને કંઇક યાદ આવ્યું એટલે તેણે રશીદને કહ્યું, તું ‘પેસેજમાં ઇસ્તિયાકની ખોપરીનું નિશાન લઇને મારી પાછળ ઊંધા પગલે ચાલજે. મને એ %* પર બિલકુલ ભરોસો નથી.’
તે બધા ફરી પેલા પેસેજમાં પ્રવેશ્યા. એ પેસેજમાં થોડા ફૂટ ચાલીને તેઓ પેલા રૂમ પાસે પહોંચ્યા જ્યાંથી સાહિલે એક ગુંડાને મારીને બીજા બદમાશને પિસ્તોલની ધાકથી વશ ર્ક્યો હતો. ત્યાંથી તેઓ જમણી તરફ વળ્યા. સાહિલને જ્યાં પૂરી રખાયો હતો એ રૂમ અને બીજા બધા રૂમ વટાવીને પેસેજના બીજા છેડે પહોંચ્યા પછી કાણિયા ફરી વાર જમણી તરફ ફર્યો. પંદરેક ફૂટ પછી ત્યાં પણ એક દરવાજો હતો. કાણિયાએ એ દરવાજો ખોલ્યો. તે બધા એક રૂમમાં પ્રવેશ્યા. એ રૂમના છેડે લાકડાના પગથિયાં બનાવેલા હતા.
‘અલ્લાહ કે ખોફ સે તો ડર, ઇમ્તિયાઝ!’ કાણિયા ફરી વાર બોલી ઊઠ્યો.
ઇમ્તિયાઝે કહ્યું, ‘તારા અને ઇશ્તિયાક જેવા શેતાનોએ અલ્લાહથી ડરવાનું છે. અને તમારા જેવા હલકટોને પોલીસને હવાલે કરવાથી તો અલ્લાહ કદાચ મારા એ પાપોની સજા ઓછી કરી દેશે જે મેં તમારા જેવા હરામખોરોના રવાડે ચડીને ર્ક્યા છે.’
કાણિયાએ એક બટન દબાવ્યું એટલે ઉપર જવાનો રસ્તો ખુલ્લો થયો.
એ બધા ઉપરના રૂમમાં ગયા. એ રૂમમાં વાસ આવી રહી હતી. જઇને કાણિયાએ દરવાજે ટકોરા માર્યા એટલે થોડી સેક્ધડો પછી બહારથી એક છોકરાએ દરવાજો ખોલ્યો. એ સાથે એ બધા એક ગંધાતા બાથરૂમમાં પ્રવેશ્યા. એ ગંદા બાથરૂમમાંથી માથું ફાડી નાખે એવી અસહ્ય દુર્ગંધ આવી રહી હતી.
કાણિયા પર તકાયેલી પિસ્તોલ જોઇને દરવાજો ખોલનારો છોકરો હેબતાઇને એક બાજુ દીવાલ સરસો ઊભો રહી ગયો. એ બધાએ બાથરૂમમાંથી કિચન જેવી કોઇ જગ્યામાં પ્રવેશ્યા. બીજી ક્ષણે સાહિલને સમજાયું કે એ એક બેકરી હતી. તાજા બની રહેલા પાઉં અને બ્રેડની સુગંધ વાતાવરણમાં ફેલાયેલી હતી. એ બેકરીમાં થોડું ચાલ્યા પછી ફરી એક દરવાજો આવ્યો. ત્યાં જઇને કાણિયાએ બૂમ પાડી: ‘અબ્દુલ દરવાજો ખોલ.’
ઇમ્તિયાઝે બરાડો પાડ્યો: ‘તને કહ્યું હતું કે કોઇ ચાલાકી ના કરતો.’ એ સાથે તેણે કાણિયાના જમણા પગમાં ગોળી ધરબી દીધી. કાણિયા ચીસ પાડી ઊઠ્યો.
‘રશીદ તૈયાર રહેજે.’ ઇમ્તિયાઝે બૂમ મારી. પછી તેણે સાહિલ તરફ જોઇને કહ્યું, ‘કોઇ પણ સ્થિતિમાં એ હરામખોરના લમણેથી પિસ્તોલ ના હટાવતો.’
નતાશા પ્રેતની જેમ ઊભી હતી. તે સાહિલની પાછળ લપાઇ ગઇ હતી. સાહિલે અનુભવ્યું કે નતાશાનું શરીર ભયથી કંપી રહ્યું છે. તેને વળી એકવાર અદમ્ય ઇચ્છા થઇ આવી કે તે નતાશાને ગાઢ આલિંગન આપીને કહે કે બિલકુલ ડરતી નહીં. હું તારી બાજુમાં છું અને તને કંઇ નહીં થવા દઉં, પણ અત્યારે કોઇ પ્રકારની લાગણી પ્રદર્શિત કરવા માટે એક સેક્ધડનો ય સમય નહોતો. નતાશા અને તેનો છુટકારો હવે હાથવેંતમાં હતો. ત્યાં સુધી તેણે પોતાની લાગણીઓ પર કાબૂ રાખવો જ પડે એમ હતો.
પેલો દરવાજો ખૂલ્યો અને એમાંથી બે બદમાશ અંદર આવ્યા. તેમણે કાણિયા પર પિસ્તોલ તાકીને ઊભેલા ઇમ્તિયાઝને જોયો. ઇમ્તિયાઝના સાથીદાર રશીદને અને સાહિલને પણ તેમણે એક નજરમાં જોઇ લીધા. સાહિલે પેલા બદમાશ પર પિસ્તોલ તાકી હતી એ જોઇને તે બંનેને વધુ મોટો આંચકો લાગ્યો.
ભાઇજાન!’ તેમાંથી એક બદમાશ બોલી ઊઠ્યો. તેણે જેને ભાઇજાન તરીકે સંબોધ્યો હતો એ બદમાશના ખભામાંથી વહી રહેલું લોહી જોયું અને એ સાથે તેની આંખોમાં ઝનૂન ઊતરી આવ્યું.
ઇમ્તિયાઝે એનો અંદાજ લગાવી રાખ્યો હતો એટલે તેણે બૂમ પાડી: ‘હાથ ઊંચા કરો હરામખોરો, નહીં તો ગોળી મારી દઇશ. રશીદ, તું આ બેય હરામખોરો પર નિશાન તાકી રાખજે.’
ઇમ્તિયાઝ એકદમ સતર્ક હતો. સાહિલ પણ અત્યંત સાવચેત હતો. હવે થોડી ક્ષણોમા જ પોતે નતાશાને બચાવીને બહાર નીકળી જશે એ વિચારથી તેના મનમા રોમાન્ચની લાગણી ઊભરી આવી.
જો કે, એ રોમાંચની લાગણી સાથે સાહિલને ચિંતા પણ થઈ રહી હતી. ઇમ્તિયાઝે કહ્યું એટલે તેને સમજાયું હતું કે કાણિયાએ કોઈ ચાલાકી કરી છે. જો કે, તેને ત્યારે અંદાજ નહોતો કે ઇમ્તિયાઝ પોતે પણ એક ભૂલ કરી બેઠો હતો!
એ વખતે ખુદ ઇમ્તિયાઝને પણ ખબર નહોતી કે તેણે એક બહુ મોટી મૂર્ખાઈ કરી નાખી હતી!

(ક્રમશ:)