ટીડીંગ ....ઇટ્સ ‘ માર્ચ એન્ડીંગ “ !!!
" અરે પણ યમરાજ્જી, હજુ અઠવાડિયા પેલા જ સીતરગુપ્ત સાય્બને RTI કરીને પુછાય્વું તુ ... ને આ રયો સિતરગુપ્ત સાય્બનો જવાબ ય ..... જોવો આમાં સીતરગુપ્ત સાય્બે સોખ્ખું લયખું સે કે ...હજી ચાલીહેક વરહ મારા એકાઉન્ટમાં બેલેન્સ સે " …." સીતરગુપ્ત નો ગગો થતો સાનુંમુનો પાડા વાહે ટીંગાય જા ..ચિઠ્ઠી ફાટી ગઈ સે તારી ..."- યમરાજ ઉવાચ !!! …" પણ .. યમરાજ સાયબ મારો કાઈ વાંક ? "…… યમરાજે મૂછોને તાવ દીધો અને ભૂરાની આંખમાં આંખ નાખીને જવાબ આપ્યો ..." ભૂરા , વાંક તારો નથી .....ઉપરથી ઓડર છે ....ટાર્ગેટ પૂરો કરવાનો સે ..ખબર નથી કે .માર્ચ એન્ડીંગ હાલે છે વત્સ ....!!!!!! “... હેહેહેહેહ હસવાની મનાઈ નથી પણ આ જોક નહિ પણ આમ તો હકીકત છે ...!!!! માર્ચ એન્ડીંગની માથાકુટુ દેવતાઓને રંઝાડતી હશે કે નહિ એ તો ખબર નથી પણ આપના જેવા પામર જીવોને ખરેખર રંઝાડતી જ નહિ પણ ભારોભાર દઝાડતી પણ હોય છે ...!!!! વિશ્વાસ નો આવતો હોય તો માર્ચના શરુ થવાની સાથે જ સતત કાગળ પર કૈક ને કૈક હિસાબો કરતા કોઈ પામર જીવને પૂછી લેવું ...તમારી સામે જોઇને એકદમ ગરીબડા આવજે કહેશે ..” શું કરું યાર , આ માર્ચ એન્ડીંગ એક દિવસ જીવ લઇ લેશે ...” !!!!!
પહેલી એપ્રિલનું અખબાર ખોલો કે “....૩૧મી માર્ચના એક જ દિવસમાં બેન્કોએ આટલા કરોડ રૂપિયાનો વહીવટ કર્યો .....૩૧મી માર્ચના એક જ દિવસમાં કુલ આટલા કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી ... ૩૧મી માર્ચના એક જ દિવસમાં વીમા ક્મ્પનીઓએ કરોડોનું પ્રીમીયમ મેળવ્યું ....૩૧મી માર્ચે ટેક્ષની ચુકવણી કરવા આવેલા લોકોના ધસારાને પહોચી વળવા પોલીસે આકરી જહેમત ઉઠાવવી પડી ....૩૧મી માર્ચે આ ...ને ૩૧મી માર્ચે તે ..” આવા હેડીંગોવાળા સમાચારો હેઝલવુડના બાઉન્સરની જેમ થોબડા પર આવીને એવા અથડાય કે આપણને એમ થાય કે સાલું છાપાવાળો એપ્રિલફૂલ તો નથી બનાવતો ને ? આ અચાનક સરકાર ઉદાર કેમ થઇ ગઈ ? ને દાધારીન્ગા કર્મચારીઓ મોડી રાત સુધી કામ કરવા મંડ્યા ? નાં હોય ભૂરા નાં હોય !!!! સતયુગ આવ્યો કે શું ? પણ ના ભાય નાં આ કોઈ સતયુગ – બતયુગની નહિ પણ માર્ચ એન્ડીંગની ઈલેક્ટ્રીફાઈંગ ઈફેક્ટ છે . ધડાધડ રોકાણો થવા માંડે , સામેથી બોલાવી બોલાવીને અધિકારીઓ ગ્રાન્ટો છૂટી કરવા માંડે , દેશનો ઉત્પાદનદર ઉછાળા મારવા માંડે , લગભગ દર બીજો ઇન્સાન અચાનક કુશળ રોકાણકાર બની જાય, ઇન્કમટેક્ષ ની રેડો પડવા માંડે .રવિવારે પણ બેંકો ખુલી રહેવા માંડે ....ઈટીસી.. ઈટીસી.. !!!!!
આમ તો શું છે કે માર્ચ એન્ડીંગની અકળાવનારી તૈયારીઓ તો જાન્યુઆરી બેસતા જ શરુ થઇ જાય ઈનફેક્ટ ઘણાથી માંડીને મોટાભાગના નોકરીયાતો તો આનાથી પણ અગાઉથી તૈયારીઓ આરંભી દ્યે ...!! મૂળ તો બે મુદ્દાનો જ કાર્યક્રમ હોય ....ક્યાં રોકવા ને કેટલા સરકારથી સંતાડવા ....!!! આ બધું ફેબ્રુઆરી અંત સુધી વિચારવલોણું ચાલ્યા કરે પણ જેવો ફેબ્રુઆરી ઉતરું ઉતરું થાય એટલે કપાળ પર કરચલીઓ અને સીએ ની ઓફિસોના પગથીયા ઘસતા અનેકોના મોઢે એક જ મહામંત્ર સંભળાય “ માર્ચ એન્ડીંગ ચાલે છે બકા “ !!! આમ તો માર્ચનું કામ એક જ રોકાણ કરવાનું , પછી એ રોકાણ સ્થાવર હોય કે જંગમ કે પછી ખાલી કાગળ પર હોય કે એક્ચ્યુલ !!!! પણ આ રોકાણના તંબુ ક્યા તાણવા એની માથાજીકમાં માર્ચમાં એક બીજી સાઈડ ઈફેક્ટ પણ જોવા મળે ...અને એનું નામ ટેન્શન ...!!!! આમ જોવા જાવ તો માર્ચને વીતીય દ્રષ્ટીએ ‘ ટેન્શન મંથ ‘ કહેવો હોય તો કહી શકાય ....!!!! અને માર્ચ એન્ડીંગને તો આઈ મીન મંથ ઓફ માર્ચને તો સૌ સરખા ...રાજા હોય કે પછી મધ્યમવર્ગી ...!!! સરકારી અધિકારીઓને શરૂઆતમાં લખ્યું એવું ઉપરથી પ્રેશર હોય કે મંજુર થયેલી ગ્રાન્ટ મંજૂરીને અભાવે લેપ્સ નાં થઇ જવી જોઈએ અને એ ટેન્શન ને ટેન્શનમાં આપણા અમલદારો શોર્ટકટ શોધી કાઢે , પાર્ટીને સામેથી બોલાવી બોલાવીને કહી દ્યે કે પહેલા ચેક લઈ જા ભાઈ , કામ તુ’તારે એપ્રિલમાં ચાલુ કરજે ને બકા...!!! બસ જલ્દી બીલ લાવો ને ચેક લઇ જાવ એટલે એપ્રિલમાં અધિકારી એય ને કોઈ ટેન્શન વગર કોડાઈકેનાલ – ઉટી ફરવા જઈ શકે ..!!. મોટી ક્મ્પનીઓને એ ટેન્શન કે ગમે તે થાય પણ માર્ચના બેલેન્સ સીટમાં ગ્રોથ અને પ્રોફિટ તો બતાવવો જ પડશે...જો કે પ્રાઈવેટ કંપનીઓની પોતાની અલગ જ માર્ચ એન્ડીંગ ટેકનીક હોય છે પણ છતાયે ‘ ટેન્શન’ તો એનેય એટલું જ ...!!! બાકી વધ્યા સરકારી નોકરીયાતો અને પગારદારો ...એમને તો જો ઈમાનદાર હોય તો છેલ્લા બે પગાર તો ટેક્ષ ખાતે જ ગણી લેવાના ..નીચી મૂંડીએ જાન્યુઆરીથી જ ટેક્ષ પેટે કપાવવાનું ચાલુ કરાવી જ દેવાનું !! અને જો એવું ના કરવું હોય તો સ્કીમો-પોલીસીઓ-રોકાણોના રાતઉજાગરા માટે બી રેડી !!!! એટલે આ નોકરિયાતોને તો કરવત પર માથું મુકેલું જ હોય , જેવી જેની ઇન્કમ એવા ટેક્ષના હપ્તા માંડે કપાવા ...!!! ઘણાને તો માર્ચના પગારમાં માંડ ચણા-મમરા ખરીદી શકાય એટલા જ પૈસા હાથવગા થાય ...!!! મુઓ માર્ચ એન્ડીંગ ...!!!!
માર્ચ એટલે ખાલી સીએ ના પગથીયા ઘસવા કે રોકાણોના પેમ્ફલેટ વાંચવાનો મહિનો થોડો છે . માર્ચ એ તો ‘ ટાર્ગેટ ‘ પુરા કરવાનો મહિનો પણ છે . મહાભારતમાં અર્જુને માછલી વીંધેલી અદ્દલ એવી જ હાલતમાં બાકી રહેલા ટાર્ગેટસને ૩૧ માર્ચ સુધીમાં વીંધી નાખવાનો મહિનો એટલે માર્ચ ...!!! જેને જુઓ એ બધા જ “ ટાર્ગેટ ગંધાય ...ટાર્ગેટ ખાઉં “ ની ભાષામાં વાતો કરતા જોવા મળે ...!!! કન્સલ્ટન્ટ , વેપારીઓ , અધિકારીઓ ઈટીસી ઈટીસીને પગ વાળીને બેસવાનો ટાઈમ ના હોય અને એમાં સરકાર સૌથી આગળ હોય ...!!! કોર્પોરેશનથી લઈને ઇન્કમ ટેક્ષ સુધીના ડીપાર્ટમેન્ટ આ ‘ ટાર્ગેટ ‘ પકડવા માંડે ધડાધડ ‘ કામો ‘ કરવા ...!!! એડવાન્સ લાઈટ-પાણી-વેરાના બીલોથી લઈને જાતજાતના ટાર્ગેટ પુરા કરવાનો ઉદ્યમ ચોવીસે કલાક ચાલે .નહેરુજી જીવતા હોત તો એમના ‘ આરામ હરામ હૈ ‘ સુત્રને આટલો બહોળો પ્રતિસાદ આપવા બદલ દેશવાસીઓનો ચોક્કસ આભાર માનત ...!!!! ફેબ્રુઆરી-માર્ચના બે મહિનામાં જ અચાનક ફ્લેટો-મકાનોની ખરીદી વધી જાય , જો કે હમણા ‘ નોટબાંધી ‘ માં પણ આ જ કામ વધુ ચાલેલું ..!!! છતાં પણ સ્થાવર મિલકતોમાં રોકાણ વધી જાય .. ઇન્સ્યોરન્સ પોલીસીના એજન્ટોને તો જમવાનો પણ ટાઈમ નાં હોય એટલી ગરાગી ફાટી નીકળે . એક સર્વે મુજબ માર્ચમાં લેવાતી આ ટેક્ષબચાવ પોલીસી કે રોકાણ સર્ટીફીકેટોમાંથી મોટાભાગના રોકાણકારોનો મકસદ બચત નહિ પણ ટેક્ષ બચાવ વધુ હોય છે . ૨૦ હજાર ટેક્ષ બચાવવા ભલે ને બે લાખ રોકવા પડે ...ઈ રોકાય બોસ્સ !!!!!!!
ભલેને ચોપડા દિવાળીએ પૂજાતા હોય પણ આખાયે વર્ષનો ‘ હિસાબ ‘ તો માર્ચમાં જ ‘ પતાવવો ‘ પડે.....!!! અને લીટરલી આમાં ‘ પતાવી ‘ જ દેવાની ભાવના વધુ હોય . અને આ પતાવી દેવાની વાત એટલે મુખ્યત્વે તો ટેક્ષ સેવિંગ જ ...!!! નેકી કર ઓર દરીયામેં ડાલની જેમ ગમે તે થાય પણ સરકાર ને તો ટેક્ષ ઓછો જ કે પછી સાવ નાં ભરવો , આવક સંતાડવી કે પછી ઓછી કેમ દેખાડવી બસ આખાયે માર્ચનો આ એક જ કાર્યક્રમ.
જો કે હવે તો લોકો શાણા થઇ ગયા છે ( અને સરકાર ડબલ શાણી થઇ ગઈ છે ) આગોતરા આયોજનો કરતા થઇ ગયા છે પણ આ આગોતરા આયોજના મોટાભાગે તો પગારદારોને જ પોષાય અથવા એમ કહો ને કે નાછૂટકે એમને જ કરવા પડે . બજારો પણ માર્ચ-એન્ડીંગ સેલના પાટીયાથી હાઉસફુલ ..ચારેકોર વહેચો ..વહેચો..વહેચો ..બસ બીજી કોઈ વાત નહિ . બધાને ટાર્ગેટ એચીવ કરવા છે અને એ પણ એકમાત્ર માર્ચ મહિનામાં જ અને પછી થાય એવું કે મોટાભાગે તો એપ્રિલ એન્ડ સુધી આ ‘ માર્ચ એન્ડીંગ ‘ ખેંચાયા કરે .....!!!!!!! બાય ધ વે ૩૧ મી માર્ચ પછીનો દિવસ ૧ એપ્રિલ ‘ એપ્રિલ ફૂલ ‘ તરીકે ઉજવાય છે , હવે આને અને માર્ચમાં કરેલા ‘ કુંડાળા ‘ ને કાઈ સંબંધ હશે કે નહિ એ ગોડ ક્નોવ્ઝ્ઝ્ઝ !!!!!!!
*****