પ્રકરણ - ૨૨
‘સા’બ હૈ?’ લાકડાનાં પગથિયાં ચડી પહેલે માળે પહોંચતાં જ ત્યાં ઊભેલા માણસને મોનાએ પૂછ્યું. તેણે જે રીતે પૂછ્યું હતું એના પરથી સમજાતું હતું કે તે પટાવાળો પણ તેને સારી રીતે ઓળખતો હતો એટલું જ નહીં, તેની આંખોમાં મોના પ્રત્યે આદર અને ભયમિશ્રિત ભાવ હતો.
‘હાં, હૈ ના! અંદર કોઈ બૈઠા હૈ.’ પટાવાળાએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો. મોનાએ પોતાનું વિઝિટિંગ કાર્ડ કાઢી તેના હાથમાં પકડાવ્યું અને મુલાકાતી ઓ માટે મૂકેલા સોફા પર એવી રીતે બેઠી જાણે અહીં તે નિયમિત આવતી હોય. કાન્તાબેન પણ તેની બાજુમાં ગોઠવાયાં.
મોનાના ઘરે જઈ કાન્તાબેનને પોતાની મૂંઝવણ જણાવવાનો વિચાર આવ્યો ત્યારે તે ઓ અસમંજસમાં હતાં. તીર નહીં તો તુક્કો એવી ગણતરીથી જ તે ઓ મોના પાસે ગયાં હતાં, પરંતુ આ બધું જાઈને તેમને વિશ્વાસ બેસવા માંડ્યો હતો કે મોના ચોક્કસ તેમને મદદરૂપ સાબિત થશે.
આગલા દિવસે મોનાના ઘરે અચાનક પહોંચી ગયા પછી તેમણે મોના પાસે પેટછૂટી વાત કરી હતી. તેમણે મોનાને અખબારોના અહેવાલ બતાવ્યા હતા.
‘ઓહ, તો એ દિવસે કોલાબા પોલીસસ્ટેશનમાં તમે આના માટે આવ્યાં હતાં.’ મોનાને હવે ગડ બેસતી હતી.
‘બેટા, મેં કેટલાં ચક્કર માર્યાં. નગરસેવક ગુલાબરાવ પાટીલને પણ જઈને મળી...’ કાન્તાબેનની વાત સાંભળી મોના હસી પડી.
‘અને પછી ગુલાબરાવે પોલીસસ્ટેશનમાં ફોન કર્યો હશે. તમને કહ્યું હશે કે તમે જઈને સિનિયર પી.આઇ... કોણ છે... વાઘમારે ને? હા, વાઘમારે. તેને મળો. તમે તેમને મળ્યાં હશો. તેણે આઇ. ઓ.ને બોલાવ્યો હશે. કેસમાં શું ચાલે છે એ પૂછ્યું હશે...’
‘હા, એમ જ થયું હતું.’ મોના જાણે તેમની સાથે હાજર રહી હોય એવી રીતે બોલતી હતી એ સાંભળીને કાન્તાબેનને નવાઈ લાગી.
‘તમને એવું લાગે છેને કે મને આ બધાની કેવી રીતે ખબર છે?’ કાન્તાબેનના ચહેરાના ભાવ જાઈ મોના તેમના મનની વાત સમજી ગઈ હોય એમ બોલી. ‘આ બધા એકસરખા જ છે. સિસ્ટમ જ આખી સડેલી છે. આ ગુલાબરાવ પાટીલ... જેને તમે મળવા ગયા હતા ડુ યુ નો તે કોણ છે ?’
‘અમારા વિસ્તારનો નગરસેવક છે.’ કાન્તાબેને જાણકારી આપતાં હોય એમ કહ્યું.
‘કૉર્પોરેટર તો હમણાં ઇલેક્ટ થયો, પણ તેનો મૂળ ધંધો શું છે ખબર છે? લિકરની ભઠ્ઠીઓ હતી તેની. દેશી દારૂ બનાવતો હતો. ગુંડો છે એક નંબરનો અને હવે ડાન્સબાર ચલાવે છે.’
‘તને આ બધી કેવી રીતે ખબર છે?’
‘મને એકલીને જ નહીં, બધાને ખબર છે. થોડા વખત માટે હું કૉર્પોર્રેશન બીટ પર હતી. આઇ મીન, મુંબઈ મ્યુનિસિપિલ કૉર્પોરેશનમાં રોજ જવાનું અને ત્યાંથી ન્યુઝ લઈ આવવાનું કામ મારું હતું.’ મોનાએ કાન્તાબેનને સમજાવતી હોય એેમ કહ્યું.
‘પણ તું કહે છે એમ બધાને ખબર છે તો...’
‘કોઈ કેમ કંઈ કરતું નથી એમ જને?’ મોના હસી પડી. ‘કોણ શું કરે?’ ગુલાબરાવે સૉલિડ પૈસા આપીને પાર્ટી પાસેથી ટિકિટ મેળવી છે. ડાન્સબાર તેના ભાઈના નામે છે અને તેનાથીયે વધારે કહું તો ઘણા બધા પોલીસવાળાના બે નંબરના પૈસા તેની પાસે છે. આ તમારો વાઘમારે છેને તે સાંજે તેના જ બારમાં બેસીને પૅગ પર પૅગ ચડાવતો હોય છે. કૂતરાઓ છે સાલા બધા, કૂતરાઓ. બાસ્ટર્ડ્સ.’ મોના જાણે ઊકળી ઊઠી. ‘માસી, આ લોકો પાસે ધક્કા ખાવાથી કંઈ વળવાનું નથી. આ લોકો તો પોતાની માને પણ મા કહીને ત્યારે જ બોલાવે જા તેમને એવું કહેવાના પૈસા મળે. નહીં તો તેનેય તે પોતાના ફાધરની વાઇફ કહે એવા છે.’ મોનાના ઉશ્કેરાટને કાન્તાબેન જાઈ રહ્યાં.
મોનાનો આક્રોશ અને ઉકળાટ જાઈને તેમને સારું લાગ્યું, કારણ કે તેમને થયું તે ઓ એકલાં જ નહોતાં જે અન્યાય જાઈને અકળાતાં હતાં. બીજું કોઈક પણ હતું જેના મનમાં કદાચ તેમનાથી પણ વધુ દાઝ ભરેલી હતી, અને ખાસ તો તે વ્યક્તિ નવી પેઢીની હતી અને એક છોકરી હતી. આટલો સમય આજુબાજુ અને તેમનાં પોતાનાં સંતાનોને જાઈને કાન્તાબેનને લાગવા માંડ્યું હતું કે જાણે આખી પેઢી એકસાથે નપુંસક થઈ ગઈ હતી. અત્યાર સુધી બધાએ તેમને જે થયું એે સ્વીકારી લેવાની, પરિસ્થિતિ સાથે સમાધાન સાધી લેવાની સલાહ આપી હતી. પહેલી વાર તેમણે કોઈની આંખમાં તિખારો જાયો હતો.
‘તમે બે મહિના પહેલાં આવ્યાં હોત તો કદાચ હું પણ તમને ખાસ મદદ ન કરી શકત, પણ તમે નસીબદાર છો કે ઝોન વનના ડીસીપી તરીકે પાંડે આવ્યા છે. હમણાં જ તેમની ત્યાં બદલી થઈ છે.’ કાન્તાબેન સાથે વાત કરતાં-કરતાં મોના ફોન ડાયલ કરી રહી હતી.
‘સર, મોના ભટ્ટ બાત કર રહી હૂં... મિલના થા. કલ આ જાઉં? ઠીક હૈ...’ મોનાએ ટૂંકી વાત કરી હતી. ‘કાલે બપોરે બોલાવ્યા છે. બપોરના મોટા ભાગે તે ઑફિસમાં જ હોય છે. એક વાગ્યે આવવાનું કહ્યું છે.’
મોના સાથે બીજા દિવસે બાર વાગ્યે અંધેરી સ્ટેશન પર મળવાનું નક્કી કર્યું હતું એે મુજબ બાર વાગવામાં દસ મિનિટ બાકી હતી ત્યારે જ કાન્તાબેન પહોંચી ગયાં હતાં. મોના જાકે ‘સૉરી-સૉરી’ કરતી છેક સવાબારે આવી હતી. તે દરમિયાન કાન્તાબેનને કંઈક ખરાખોટા વિચાર આવી ગયા, પણ મોનાને જોયા પછી તેમણે બધા વિચારો ખંખેરી નાખ્યા હતા.
‘મૅડમ, સા’બને બુલાયા હૈ...’ પટાવાળો કહી રહ્યો હતો.
મોનાની પાછળ-પાછળ કાન્તાબેન પણ કૅબિનમાં પ્રવેશ્યાં.
‘મે આઇ કમ ઇન (અંદર આવી શકું),’ મોનાએ વજનદાર દરવાજાને ધક્કો મારી પૂછ્યું અને જવાબની રાહ જોયા વિના જ અંદર પ્રવેશી ગઈ.
વિશાળ ટેબલની પેલી તરફ મરૂન રંગની અક્ઝિક્યુટિવ ચૅર પર યુવાન પોલીસઑફિસર ટટ્ટાર બેઠો હતો. તેના ટેબલ પર લીલા રંગનું વેલ્વેટનું કાપડ પાથરેલું હતું અને એના પર જાડો કાચ ગોઠવેલો હતો. આખા ટેબલ પર કાગળનો એકપણ ટુકડો કે ચીજવસ્તુ નહોતી. ફક્ત એક ખૂણામાં લાકડાની પટ્ટી પર સફેદ અક્ષરે ડીસીપી એન. પાંડે લખેલું હતું. ટેબલની બીજી તરફ ત્રણ હરોળમાં ત્રણ-ત્રણ એમ નવ ખુરશી ઓ ગોઠવેલી હતી. તેમ છતાં કૅબિનમાં ખાસ્સી જગ્યા ખુલ્લી રહે એટલી મોટી કૅબિન હતી. સાઇડ ટેબલ પર એક ફોન અને કમ્પ્યુટર મૂક્યાં હતાં. કૅબિન એટલી ચોખ્ખીચણક હતી કે ધૂળની રજકણ શોધવા માટે સૂક્ષ્મદર્શક કાચની જરૂર પડે એવો વિચાર કાન્તાબેનને આવી ગયો.
તેમણે પોલીસઅધિકારી પાંડેની સામે જાયું. ટેબલને કારણે તેના શરીરનો ઉપરનો ભાગ જ જોઈ શકાતો હતો. એકપણ કરચલી વિનાની ખાખી વર્દીમાં તેનું શરીર સપ્રમાણ અને કસાયેલું લાગતું હતું. તેનો રંગ ઘઉંવર્ણો કરતાંય શ્યામ કહી શકાય એવો હતો, પણ ત્વચા ચમકદાર હતી. હોઠની ઉપર ઘેરી કાળી મૂછો અને પાણીદાર આંખો હતી. જોકે તેના ચહેરા પર કરડાકી અને અતડાપણું હતું.
‘સર, કૈસે હૈં આપ? કુછ ખાસ? વો રાવવાલે કેસ કા ક્યા હુઆ...’ મોના બોલ્યે જતી હતી, પણ પાંડે જ્યાં જરૂર લાગે ત્યાં લગભગ એકાક્ષરી અથવા એકાદ-બે શબ્દમાં જ ઉત્તર આપતો હતો. તેણે એક વાર કાન્તાબેન સામે નીરખીને જોઈ લીધું હતું. તેની નજરથી કાન્તાબેન સહેજ અસ્વસ્થ થઈ ગયાં હતાં. પાંડેના આખા વ્યક્તિત્વમાં જ એક અક્કડપણું અભિવ્યક્ત થતું હતું જે સામેની વ્યક્તિના મનમાં ભય જન્માવે એેવું હતું.
‘આ અધિકારી ખરેખર કંઈ મદદ કરશે?’ કાન્તાબેનના મનમાં વિચાર આવી ગયો.
‘અચ્છા સર, મૈં એક પર્સનલ કામ સે આયી હૂં.’ મોનાએ પાંડે સામે જાઈને બેધડક કહ્યું. પાંડે જવાબ આપ્યા વિના તેની સામે તાકી રહ્યા.
‘યે કાન્તાબેન હૈં...’ મોનાએ ઓળખાણ કરાવી અને અખબારના કાતરણોની ફાઇલ ટેબલ પર મૂકી.
પાંડેના ચહેરા પર કોઈ પ્રતિભાવ ન આવ્યો.
‘ઇનકે હસબન્ડ કા મર્ડર હો ગયા... કોલાબા પોલીસસ્ટેશન મેં કેસ હૈ...’ મોનાએ ટૂંકાણમાં બધી વિગતો ડીસીપી પાંડેને આપી અને કેસના ઇન્વેસ્ટિગેશનમાં કોઈ ગતિ નથી એટલું જ નહીં, અધિકારીઓ આ જૈફ વયની સ્ત્રીને કેવા ધક્કા ખવડાવે છે એેનો ચિતાર મોનાએ આપી દીધો.
ડીસીપી પાંડેના ચહેરા પરની એકપણ રેખા સહેજ પણ બદલાઈ નહીં. તેના ચહેરા પર કોઈ ભાવ જ નહોતા. મોના જે બોલી રહી છે એ ખરેખર સાંભળે છે કે કેમ એવી શંકા પણ કાન્તાબેનના મનમાં ઉપસ્થિત થઈ હતી.
ગઈ કાલથી કાન્તાબેનના મનમાં આશાનો જે સંચાર થયો હતો એ પાંડેના વર્તન પછી વિલીન થઈ રહ્યો હતો. પોતાના કેસમાં પાંડેને રતીભારનો રસ નથી એવું કાન્તાબેનને લાગવા માંડ્યું હતું.
કુટુંબમાં કોણ-કોણ છે? ઘરમાં કોણ-કોણ રહેતું હતું? આવડા મોટા ઘરમાં તમે બે જ જણ? છોકરાઓ કેમ જુદા રહે છે? વગેરે-વગેરે પ્રશ્નોના જવાબ આપવા માટે કાન્તાબેન સજ્જ થઈ ગયાં.
ડીસીપી પાંડેએ અખબારના કાતરણો પર એક અછડતી નજર નાખી અને ફરી એક વાર કાન્તાબેન સામે જાઈ લીધું. કાન્તાબેનને આ મૌન અકળાવનારું લાગ્યું. થોડીક વાર કૅબિનમાં સાવ સોપો પડી ગયો.
ટેબલની સામે તરફની બાજુ લગાડેલી સ્વિચ પર ડીસીપી પાંડેએ આંગળી મૂકી. તે બેલ હતી. દરવાજાની બહાર બેલનો અવાજ સાંભળીને તરત જ પટાવાળો દોડી આવ્યો. ડીસીપી પાંડેએ તેને કંઈક આદેશ આપ્યો, પણ તેણે શું કહ્યું તે કાન્તાબેનને સંભળાયું નહીં. પટાવાળો રવાના થયો એની ગણતરીની ક્ષણોમાં બીજા એક અધિકારી આવીને ઊભો રહ્યો. ડીસીપી પાંડેએ તેને કેસની વિગતો આપી. એ માટે તેમણે ન તો અખબારના કટિંગ તરફ નજર નાખી ન તો મોના કે કાન્તાબેનને કશું પૂછ્યું. કેસ નંબરથી માંડીને મરનારનું નામ એટલે કે નવીનચંદ્રનું નામ તેને મોઢે હતું.
‘સ્પીક ટુ કન્સર્ન્ડ ઑફિસર એન્ડ ગિવ મી ઑલ ધ ડિટેલ એન્ડ પ્રોગ્રેસ ઑફ ધ કેસ. ટુમોરો (કેસ સંબધિત અધિકારી સાથે વાત કરી બધી વિગત અને તપાસમાં શું ગતિ થઈ છે એે મને જણાવો. આવતી કાલે જ). કૉલ ધ આઇ.ઓ. હિયર વિથ એવરિથિંગ (આઇ. ઓ.ને જ કાલે અહીં બોલાવી લો).’ પછીથી વિચાર બદલાયો હોય એમ પાંડેએ આદેશ આપ્યો.
‘યસ સર,’ સેલ્યુટ કરીને બહાર જઈ રહેલા અધિકારીએ કાન્તાબેન અને મોના તરફ નજર કરી લીધી.
‘થૅન્ક યુ સર. તો હવે અમે તમારો ક્યારે સંપર્ક કરીએ?’ મોનાએ પૂછી લીધું.
‘જરૂર નથી. હું તમને ફોન કરીશ.’ ડીસીપી પાંડેએ એક જ વાક્યમાં જવાબ આપ્યો.
મોના અને કાન્તાબેન કૅબિનની બહાર નીકળ્યાં ત્યારે કાન્તાબેન હજી દ્વિધામાં હતાં.