કર્મનો કાયદો
શ્રી સંજય ઠાકર
૨૧
કર્મનાં ત્રણ પ્રેરણાસ્થાન
કર્મ ત્રણ પ્રકારે સંગ્રહિત થાય છે, તેવી રીતે કર્મ કરવાની પ્રેરણા પણ વ્યક્તિને ત્રણ પ્રકારે મળે છે, જે માટે શ્વલોકના પૂર્વાર્ધમાં શ્રીકૃષ્ણ કહે છે :
જ્ઞ્ક્રક્રઌધ્, જ્ઞ્ક્રશ્વસ્ર્ધ્ બ્થ્જ્ઞ્ક્રક્રભક્ર બ્શ્ક્રબ્મક્ર ઙ્ગેંૠક્રષ્ટનક્રશ્વઘ્ઌક્ર ત્ન
ટક્રટ્ટભક્ર : ૧૮-૧૮
શ્રીકૃષ્ણ ઇન્દ્રિયો, કર્મ અને કર્તારૂપી ત્રણ પ્રકારના કર્મસંગ્રહની વાત કરવાની સાથે જ ત્રણ પ્રકારની કર્મપ્રેરણાની વાત કરે છે, જે ખૂબ જ સૂચક છે. સર્વપ્રથમ કર્મની પ્રેરણા જ્ઞાન છે. અહીં જે જ્ઞાનની વાત છે તે ઇન્દ્રિયજન્ય જ્ઞાન છે. કાન, ત્વચા, આંખ, જીભ અને નાકથી જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનું જ્ઞાન મળે છે તે જ્ઞાન વ્યક્તિને કર્મપ્રેરક છે. જ્યારે વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષપણે કોઈ વસ્તુનું જ્ઞાન મેળવે છે ત્યારે તે સંબંધી કર્મ કરવાની તેને પ્રેરણા મળે છે. જે વસ્તુનું જ્ઞાન નથી હોતું તે સંબંધી કર્મની કોઈ પ્રેરણા ઉદ્ભવી શકતી નથી.
જે દિવસે મોબાઈલ કે ટેલિફોનની કોઈ શોધ થઈ ન હતી અને તેના સંબંધી કોઈ જ્ઞાન ન હતું ત્યારે સામાન્ય વ્યક્તિ વિચારી પણ નહોતી શકતી કે કોઈ વ્યક્તિની સાથે માઇલો દૂર બેસીને પણ વાત થઈ શકે છે. ૧૮૪૯માં જ્યારે એલેકઝાન્ડર ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી અને લગભગ ઓગણીસમી સદીમાં ટેલિફોનનું સામાન્ય વ્યક્તિ વાપરી શકે તેવું કૉમર્શિયલ મૉડલ બન્યું ત્યારથી તમામ લોકોના કામધંધામાં ટેલિફોન સામેલ થઈ ગયો. ટેલિફોનના આવિષ્કારને નવાંનવાં રૂપ મળતાં આજે લોકો મોબાઈલનો અનિવાર્યપણે ઉપયોગ કરતા દેખાય છે. જો ગ્રેહામ બેલ તરફથી ટેલિફોનના આવિષ્કારના જ્ઞાનને પીરસવામાં આવ્યું ન હોત તો સામાન્ય વ્યક્તિ ટેલિફોન કે મોબાઇલ સંબંધી કર્મ કરવાની કોઈ પ્રેરણા મેળવી ન શકત.
વ્યક્તિ જે-જે દિશામાં જ્ઞાન મેળવતી જાય છે તે-તે દિશામાં તેનાં કર્મો રસ્તો કરતાં જાય છે. જ્ઞાનના સહારે આજે વ્યક્તિ ચંદ્રથી પણ આગળ જવાનું વિચારી રહી છે. જ્ઞાનથી કર્મની પ્રેરણા થાય છે. આજે ઘણી કંપનીઓ પોતપોતાની જાહેરાતો કરે છે. તે જાહેરાતો વ્યક્તિને એક પ્રકારનું જ્ઞાન આપે છે અને વ્યક્તિ તે રીતે તે કર્મ કરવા તરફ પ્રેરાય છે.
અમુક પ્રકારના હેલ્થ ટૉનિક ખાતાં જ શક્તિ વધી જાય અને અમુક પ્રકારનાં તેલ માથામાં લગાવતાં જ વાળ મજબૂત બની જાય તેવી જાહેરાતો આપણે રોજબરોજ ટેલિવિઝન ઉપર નિહાળીએ છીએ. તે જાહેરાતોથી જે જ્ઞાન આપણા સુધી પહોંચ્યું છે તે એક દિવસ આપણી પ્રેરણા બને છે અને આપણે કોઈ સ્ટોર ઉપર ઊભા રહીને પૂછીએ છીએ કે ફલાણી-ફલાણી કંપનીનું હેલ્થ ટૉનિક આપો. અમિતાભ બચ્ચનને ડાબરનું ચ્યવનપ્રાશ ખાતો જોઈને આપણે પણ કહીએ છીએ કે ડાબરનું ચ્યવનપ્રાશ આપો. કોઈ મિલ્ખાસિંઘને કેસરીજીવન ખાતો જોઈને કહે છે, ઝંડુનું કેસરીજીવન આપો.
આજે જાહેરાતના જોર ઉપર તો અમુક કંપનીઓ નકામી અને મફતની વસ્તુઓ પણ ઊંચા ભાવે વેચી દે છે અને ગ્રાહકો ખરીદી લે છે. ઠંડાં પીણાં, સિગારેટ, ગુટકા, મોટા ભાગના ટેલ્કમ પાઉડર, સાબુ, ફેસવૉશ અને બ્યૂટીકેરના નામે વેચાતી મોટા ભાગની વસ્તુઓમાં બે પૈસાનો પણ દમ નથી હોતો, છતાં સલમાનખાનને થમ્સ અપ પીતો જોઈને વ્યક્તિ તે કર્મની પ્રેરણા મેળવે છે. કરીના કપૂરને લક્સ સાબુથી નાહતી જોઈને તેની પ્રેરણા મેળવાય છે, જ્ઞાનથી પ્રેરિત થયેલો જ્ઞાતા એક દિવસ દુકાન ઉપર જઈને કહે છે કે એક થમ્સ અપ આપો. કોઈ કહે છે કે ફક્ત લક્સ સાબુ જ આપો.
જે દિવસે લક્સ સાબુ ન હતો તે દિવસે પણ લોકો પાસે સુંદરતા નિખારવાના ઉપાયો હતા અને જે દિવસે થમ્સ અપ ન હતું તે દિવસે પણ લોકોની તરસ છિપાય તેવાં ઠંડાં પીણાં હતાં, પરંતુ જાહેરાતના જ્ઞાનથી અભિભૂત થયેલો જ્ઞાતા તે-તે કર્મની પ્રેરણા મેળવીને અવકાશ મળ્યે તે કર્મ કરે છે. જ્ઞાન અને તેનો જ્ઞાતા જે-જે હકીકતોને જાણે છે તે તેની સ્મૃતિમાં જ્ઞેય બને છે. માનો કે કોઈ વ્યક્તિએ હેલ્થ ટૉનિક તરીકે ડાબરનું ચ્યવનપ્રાશ ખાવાની પ્રેરણા મેળવી, પણ પૉકેટમાં પૈસા જ ન હોય તો તેની પ્રેરણા કામ આવતી નથી, પરંતુ જ્યારે તેના પૉકેટમાં પૂરતા પૈસા આવશે કે એક દિવસ તે દુકાન ઉપર ઊભો રહીને હેલ્થ ટૉનિક તરીકેડાબરનું ચ્યવનપ્રાશ માગતો હશે ત્યારે જ્ઞેય થયેલું કામ આવશે.
‘ભગવદ્ગીતા’માં શું છે, શ્રીકૃષ્ણનો શો ઉપદેશ છે તેની હકીકત જેણે ક્યારેય જાણી નથી તે ‘ભગવદ્ગીતા’ને યાદ નહીં કરે, પરંતુ ‘ભગવદ્ગીતા’માં જીવનનાં રહસ્યો છુપાયેલાં છે અને જીવનને દુઃખમુક્ત કરવા માટે શ્રીકૃષ્ણનો ઉપદેશ અમૃતનું કામ કરે છે તેવા જ્ઞાનથી જે થોડોઘણો પણ અભિભૂત થયો હશે તે ‘ભગવદ્ગીતા’નાં વાચન, પઠન, શ્રવણ અને અભ્યાસ માટેનું કર્મ કરવા પ્રેરિત થઈ શકશે.
જ્ઞાન અને જ્ઞેય બંને તેના જ્ઞાતામાં સમાહિત થાય છે. જે પૂર્વે જાણેલું છે તેવું જ્ઞેય અને જે હાલ જણાઈ રહ્યું છે તેવું જ્ઞાન તેના જ્ઞાતાને નવા સંકલ્પો અને વિકલ્પો આપે છે. જેમ કોઈ મહિલા કરીના કપૂરને લક્સ સાબુની એડવર્ટાઈઝમેન્ટમાં જોઈને લક્સ લેવા પહોંચે, પરંતુ તે દુકાનમાં કેટરીના કૈફને ડવ સાબુની જાહેરાતમાં જોઈ લે તો તેનાં જ્ઞેય અને જ્ઞાન વચ્ચે નવા વિકલ્પનો જન્મ થાય છે. તે વિકલ્પ ‘લક્સ કે ડવ ?’ તેના ઉપર તેનો પરિજ્ઞાતા નવા સંકલ્પથી નિર્ણય કરે છે. આ રીતે જ્ઞાન, જ્ઞેય અને પરિજ્ઞાતા એ ત્રણ નવાં કર્મોની પ્રેરણા બને છે.
વર્તમાનયુગને સૌથી વધુ મૂંઝવતો પ્રશ્ન કર્મના પ્રેરણાસ્ત્રોતનો છે. જૂના જમાનામાં આસપાસનાં લોકો, વિદ્યાલયો, અખબારો અને સિનેમા હતાં. આજે ઇન્ટરનેટ, મોબાઈલ અને સોશિયલ મીડિઆ મારફતે નાની કે મોટી વયની તમામ વ્યક્તિઓ જ્ઞાન અને જ્ઞેયની જ્ઞાતા થઈ રહી છે.
પહેલાંના જમાનામાં જૂના માણસો બાળકોને સિનેમા જોવાની મનાઈ કરતા અને સિનેમાથી ખરાબ પ્રેરણા મળશે તેમ માનતા. જૂના જમાનાનાં તે સિનેચિત્રો તો આજે સુસંસ્કૃત ચલચિત્રો તરીકે ઓળખાઈ રહ્યાં છે. હવે તો સદીના સૂપરસ્ટાર ગણાતા અમિતાભની પત્ની જયા બચ્ચન પણ નવાં ચલચિત્રો જોવાનું ટાળે છે.
આજે વ્યક્તિ ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વ સાથ જોડાઈ ગઈ છે, તેથી કઈ વ્યક્તિ ક્યાંથી પ્રેરણા લઈ આવશે તે કહેવું પણ મુશ્કેલ છે. ઇન્ટરનેટના માધ્યમથી કોઈ છોકરો-છોકરી પ્રેમમાં પડીને લગ્ન કરે છે. તો કોઈ આઈ.એસ.આઈ.એસ. જેવી આતંકવાદી સંસ્થાના પ્રેમમાં પડીને દહેશતમાં માહોલમાં પડે છે.
કર્મનાં પ્રેરણાસ્થાનો તો તેમના ગુણો મુજબનું કામ કરતાં જ રહેશે, જે રસ્તેથી નવી પેઢીને અટકાવવાનો કોઈ માર્ગ નથી, સિવાય કે જે ખોટી પ્રેરણાઓ મળી રહી છે તેની સામે સાચી પ્રેરણા પણ પૂરી પાડવામાં આવે. ખોટા જ્ઞાનનું ખંડન સાચા જ્ઞાનથી થાય, તેમ ખોટી પ્રેરણાઓનું ખંડન સાચી પ્રેરણાથી જ થઈ શકે. તે માટે આજની નવી પેઢીને ‘ભગવદ્ગીતા’ જેવા ગ્રંથો સાથે જોડવી જરૂરી છે. જ્યાંથી આજ નહીં તો કાલે, જ્યારે સમજ્યા ત્યારે, કર્મની સાચી પ્રેરણાનો સ્ત્રોત મળી રહે.
***