કર્મનો કાયદો ભાગ - 10 Sanjay C. Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કર્મનો કાયદો ભાગ - 10

કર્મનો કાયદો

શ્રી સંજય ઠાકર

૧૦

સુકૃત અને દુષ્કૃત

ખ્ક્રળ્બ્રસ્ર્ળ્દૃભક્રશ્વ પદ્યક્રભટ્ટદ્ય શ્ર઼ક્રશ્વ ગળ્ઙ્ગેંઢ્ઢભઘ્ળ્ષ્ઠઙ્ગેંઢ્ઢભશ્વ ત્ન

ભજીૠક્રક્રઙ્મક્રશ્વટક્રક્રસ્ર્ સ્ર્ળ્રુસ્ર્જી સ્ર્ક્રશ્વટક્રઃ ઙ્ગેંૠક્રષ્ટગળ્ ઙ્ગેંક્રહ્મઽક્રૐૠક્રૅ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૨-૫૦

શ્રીકૃષ્ણ સુકૃત અને દુષ્કૃત બંને છોડવા કહે છે. ઘણા લોકોને કૃષ્ણની આ વાત જરા અજુગતી લાગે છે. દુષ્કૃત એટલે કે જે ખરાબ કૃત્યો છે તે છોડી દેવાં, જે સમજી શકાય છે, પરંતુ સુકૃત એટલે કે સારાં કૃત્યો છે તે શા માટે છોડવાં ? પરંતુ જ્યારે કહેનાર કૃષ્ણ છે ત્યારે વાત સમજવી જરૂરી છે.

સુકૃત અને દુષ્કૃત બંને સમાજમાં ઓળખ પામેલાં કૃત્યો છે. બંને ઉપર સમાજની ઓળખનું લેબલ લાગેલું છે, તેથી જ તો તેમને સુકૃત અને દુષ્કૃત તરીકે ઓળખવામાં આવે છે. રાવણે જ્યારે સીતાજીનું અપહરણ કર્યું ત્યારે રાવણે સુકૃતનો આશ્રય લીધો હતો. જો રાવણ સાધુના વેશમાં ન હોત અને ભિક્ષા દેવાનું બહાનું ન હોત તો રાવણ સીતાજીનું અપહરણ ક્યારેય ન કરી શક્યો હોત.

મંદિર, મસ્જિદ, ચર્ચ કે શિવાલયમાં પૂજા-પાઠ, બંદગી અને ભજનભક્તિ થતાં રહે છે. જેથી સામાન્યપણે લોકોના માનસમાં મંદિર, મસ્જિદ અને ચર્ચની એક સુકૃતજન્ય છાપ છે. આશ્રમો અને સેવાસંસ્થાઓમાં લોકોની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, તેથી તેની પણ સમાજમાં એક સારી છાપ છે, ભગવાં વસ્ત્રો અને ભેખ માણસના સંન્યાસનું પ્રતીક છે, તેથી તેને પણ લોકો સુકૃત તરીકે ઓળખે છે. તેમાંય સમાજના સામાન્ય લોકો કે જેમની પાસે બહારની ઓળખાણો સિવાયની કોઈ અન્ય ઓળખાણ નથી તે તો આ સિવાયના સાચા સુકૃતને ઓળખતા પણ નથી, જેથી મંદિર, મસ્જિદ અને શિવાલયમાં જનારાને લોકો પરમ ધાર્મિક માને છે. આશ્રમો અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઈ રહેનારાઓને પણ સાધુ અને સજ્જન માને છે, તેમ જ જેમણે ભગવો વેશ પહેરી લીધો છે તેઓ પણ તત્કાળ તેમના પરમ પૂજ્ય થઈ જાય છે.

સમાજના ખરાબ કામ કરનારા લોકોને સુકૃતનો આશ્રય અનિવાર્ય છે. જે સમાજમાં દુષ્કૃતની ઓળખ મેળવી ચૂક્યું છે તે કર્મ તો પહેલેથી જ બદનામ છે. દુષ્કૃતના આશ્રયે કોઈ દુષ્કૃત્ય થઈ શકે તેમ નથી. જે દુષ્કૃત્ય કરનારા તેમના દુષ્કૃત્યને જ પકડીને બેઠા છે તેમણે તો આ સમાજમાં ગુંડા, ટપોરી અને મવાલી તરીકેની ઓળખાણ મેળવી લીધી છે. તેવા લોકો તો તરત સમાજની આભડછેટ મેળવે છે, પરંતુ જેઓ અસલ દુષ્કૃત્ય આચરનારા છે તેઓ તો સુકૃતનાં ઊજળાં કપડાં ઓઢીને જ દુષ્કૃત્ય આચરે છે.

રોજ મંદિર જનારા, ધર્મસભાઓમાં આગળપડતું સ્થાન લઈ લેનારા, મોટીમોટી અને ધાર્મિક વાતો કરનારા, દેશનું કલ્યાણ કરવાની વાતો કરનારા રાજનેતાઓ અને સમાજસેવીઓમાં જેટલા દુષ્કૃત્ય આચરનારા પડ્યા છે તેટલા સીધા દુષ્કૃત્ય આચરનારા ટપોરીઓ અને મવાલીઓમાં નથી. કદાચ ટપોરી, મવાલી અને ગુંડાઓમાં કોઈ દયા અને પ્રામાણિકતા મળી જાય, પણ સુકૃતનાં ઊજળાં કપડાં પહેરીને કામ કરનારામાં તો તેનો છાંટો પણ મળવાની શક્યતા નથી. આજે સમાજમાં જેટલાં પાપ સુકૃત તરીકેની ઓળખ મેળવી ચૂકેલા કહેવાતા ધર્મના નામે થાય છે તેટલાં અન્ય કોઈ રીતે નથી થતાં.

સમાજની બુદ્ધિ સદાકાળ મંદ રહી છે. સમાજ જ્યારે કોઈ કર્મની સુકૃત તરીકે ઓળખ મેળવે છે ત્યારે તે કોઈ ને કોઈ મેઘાવી પુરુષો મારફતે મેળવે છે. આ ઓળખ તાજી હોય ત્યાં સુધી તો શુદ્ધ રહે છે, પરંતુ સમય જતાં મંદ બુદ્ધિના સમાજની મંદતાઓ તેમાં પ્રવેશતી જાય છે, પરિણામસ્વરૂપ એક દિવસ જે સુકૃત કહેવાતું હતું તે સુકૃતમાં જ દૂષણો ભળી જાય છે. જેમ ગંગોત્રીથી વહેતી ગંગામાં આગળ જતાં ગંદકીઓ ભળતી જાય છે, તેમ એક સમયે બુદ્ધિમાન પુરુષોએ અનેક સંઘર્ષોથી સ્થાપિત કરેલા સુકૃતમાં ગંદકી ભળતી જાય છે. જેથી બહારથી દેખાતું સુકૃત અંદરથી ઘોર દુષ્કૃત નીકળે છે.

સુકૃતની સ્થાપના માટે સંઘર્ષ કરવો પડે છે. સમાજ જે બદીઓમાં સૂઈ રહે છે ત્યાં આ કર્મને સુકૃત કહેવાય તેવી ઓળખ અપાવવા દરેક મેધાવી પુરુષે સંઘર્ષ કર્યો છે. પછી તે રામ હોય, કૃષ્ણ હોય, ક્રાઈસ્ટ હોય કે ઈમામ હુસેન હોય કે પછી સૉક્રેટિસ હોય કે શંકરાચાર્ય હોય.

શંકરાચાર્યના જીવનની કથા છે. શંકરાચાર્યે માત્ર બાર વર્ષની ઉંમરે દીક્ષા લીધી. તે સમયે શંકરાચાર્યના પિતા મરણ પામેલા હતા. અન્ય કોઈ ભાઈ-બહેન પણ ન હતાં, એકમાત્ર માતા અંબા હતાં. શંકરાચાર્ય ઘણા સમયથી માતા પાસે દીક્ષા માટે મંજૂરી માગી રહેલા, પણ શંકર એકના એક પુત્ર હોવાથી માતા તેમને મંજૂરી આપતાં ન હતાં.

પરંતુ આખરે મા હતાં, તેથી શંકર ભણીગણીને વિદ્યાવાન થાય તેવું પણ ઇચ્છતાં હતાં, જેથી માતાએ પુત્રના ભવિષ્યનો વિચાર કરીને એક શરતે દીક્ષાની મંજૂરી આપી. શરત એ હતી કે જ્યારે માતા મૃત્યુ પામે ત્યારે તેમના મૃત શરીરને અગ્નિદાહ તેમનો પુત્ર જ આપશે. શંકરે શરતનો સ્વીકાર કર્યો અને દીક્ષા લીધી.

શંકરાચાર્યના દીક્ષા લીધાનાં દસેક વર્ષ બાદ તેમનું માતાનું મૃત્યુ થયું. તે વખતે શંકરાચાર્ય એક દંડી સંન્યાસી હતા. દંડી સંન્યાસીઓ ભિક્ષાવૃત્તિથી જીવનનિર્વાહ કરતા. તે કારણે અગ્નિને સ્પર્શ ન કરવો. તે સંન્યાસીઓ માટેનું સુકૃત ગણાતું હતું. જ્યારે માતા મૃત્યુ પામ્યાં ત્યારે માતાને આપેલા વચન મુજબ શંકરાચાર્યે તેમની માતાને અગ્નિદાહ આપવો જરૂરી હતો, પરંતુ શંકર અગ્નિદાહ આપવાના છે તેવી વાત સાંભળીને તમામ સંન્યાસી અને બ્રાહ્મણોએ તેનો વિરોધ કર્યો. આ દેશમાં જેણે સનાતન વૈદિક ધર્મની રક્ષા કરી તેવી મહાન વ્યક્તિની માતાની અર્થીને ટેકો આપવા પણ કોઈ ઊભો ન રહ્યો !

બધાના વિરોધ વચ્ચે શંકરાચાર્યે એકલાએ જ ઘરના આંગણામાં ચિતા રચી અને માતાના મૃત શરીરને એકલા હાથે ચિતા ઉપર સુવડાવી અગ્નિદાહ આપ્યો. માતાને આપેલું વચન પાળવું એ જ સુકૃત કહેવાય તે સત્યને શંકરાચાર્યે સિદ્ધ કર્યું હતું, પરંતુ કાળાંતરે આ ઘટના પછી દક્ષિણ ભારતના મલબાર પ્રાંતના નાંબુદ્રી બ્રાહ્મણોમાં તે રિવાજ બની ગયો. આજે નાંબુદ્રી બ્રાહ્મણોમાં માતાનો અગ્નિદાહ ઘરના આંગણામાં જ કરવામાં આવે છે, જેનો હવે કોઈ હેતુ નથી. શંકરાચાર્યની તો મજબૂરી હતી.

સમાજ સદાકાળ ચીલાચાલુ માર્ગે ચાલનારો છે. મેધાવી પુરુષોએ ખેંચેલો ચીલો તેના કારણે તાજો હોય ત્યાં સુધી તો કોઈનો માર્ગદર્શક થઈ શકે છે. પરંતુ પરંપરાથી આગળ જતાં તેના તે ચીલા ઉપર અવસરવાદી લોકોના હાથે તેના સ્વાર્થપોષણના ચીલા ચીતરાતા રહે છે. સંઘર્ષના માર્ગે એક વખતના સુકૃતની સ્થાપના કરનારા તે મહાપુરુષોના સુકૃતને પકડીને આંધળા સમાજને ધૂતતા રહે છે.

સત્ય ભૂતકાળને અનુસરતું નથી. સત્ય નિત્ય-નૂતન છે. કર્મમાર્ગમાં જે કાલે સત્ય હતું તે આજનું સત્ય ન બની શકે, કારણ કે એક્સપાન્ડિંગ યુનિવર્સમાં બધું જ પરિવર્તનશીલ છે. સમય દરેક વસ્તુનું સત્ય શોષી લે છે. જો કોઈ કૃત્યને પકડીને બેસી રહે તો સમય તેનું સત્ત્વ છીનવી લે છે, જેથી ગઈ કાલનું સુકૃત આજનું દુષ્કૃત બની જાય.

પશ્ચિમના એક વિચારક ઈમાનુઅલ કાન્ટ થયા. તેમને એક સ્ત્રી સાથે પ્રેમ હતો. સ્ત્રીએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ કાન્ટ તો વિચારક હતા. તેમણે કહ્યું : “મેં આ બાબતે કોઈ વિચાર કર્યો નથી. હું જરા વિચારી લઉં. લગ્નજીવનના ફાયદા અને ગેરફાયદા જોયા વગર હું લગ્ન ન કરી શકું.” કહેવાય છે કે કાન્ટે લગ્નજીવન ઉપર ત્રણેક વર્ષ વિચાર કર્યો અને તેના ફાયદા-ગેરફાયદા સમજી ત્રણ વર્ષ બાદ તે સ્ત્રીના લગ્નપ્રસ્તાવને સ્વીકૃતિ આપવા તેને મળવા ગયા, જ્યારે તેઓ સ્ત્રીને મળ્યા ત્યારે સ્ત્રીએ તેનાં બે બાળકો આગળ કરીને કહ્યું : “આજે હવે હું તે સ્ત્રી નથી, જેને તમે ત્રણ વર્ષ પહેલાં મળ્યા હતા. સમયનું સત્ય બદલાઈ ચૂક્યું છે.”

રામ, કૃષ્ણ, મહંમદ કે જિસસ અને તેમના જેવી વિરલ વ્યક્તિઓએ સત્ય માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. તે સંઘર્ષ સમાજનાં સ્વીકૃત સુકૃતો સામેનો સંઘર્ષ હતો, કારણ કે તે કહેવાતાં સુકૃતોની સાથે જ દુષ્કૃત્યોના અનેક સ્વાર્થ ભળી ચૂકેલા હતા.

વર્તમાનના સત્યમાં જે પોતાના હોશની દૃષ્ટિ ઉઘાડી રાખી નથી શકતો તે ક્યારેય કર્મના સુકૃતને ઓળખી નથી શકતો. વર્તમાનના હોશને ઉજાગર કરવા ભૂતકાળનાં સુકૃતોની ચીલાચાલુ માન્યતાઓને મૂક્યા વગર કોઈ સાચા સત્કર્મને ઓળખી ન શકે, તેથી કૃષ્ણ સુકૃત અને દુષ્કૃત એ બંનેને છોડીને સત્ય-બુદ્ધિપૂર્વક નિર્ણય કરવા જણાવે છે. કર્મમાર્ગ ઉપર સમયના પ્રવાહમાં બદલતા સત્ય સાથે અંતરના હોશ સિવાય કહેવાતાં સુકૃતો કોઈ કામ આવે તેવાં નથી.

***