Karmno kaydo - 9 books and stories free download online pdf in Gujarati

કર્મનો કાયદો - 9

કર્મનો કાયદો

શ્રી સંજય ઠાકર

સારું શું અને ખરાબ શું ?

સમગ્ર કર્મોનું નિયમન કે નિયંત્રણ વિશ્વનિયંતાની પ્રકૃતિએ રચેલી નિયતિ મુજબ જ થાય છે. પોતપોતાના કર્માનુસાર જીવ તેનો નિમિત્ત થતો રહે છે - ક્યારેક સારાનો, ક્યારેક ખરાબનો, ક્યારેક શુભનો, ક્યારેક અશુભનો, ક્યારેક સુખનો, ક્યારેક દુઃખનો, નિમિત્ત થવું તે જીવનાં કર્મને આભારી છે. સમગ્ર કર્મો પોતપોતાની નિયતિ મુજબ ચાલવાવાળાં છે. કોઈ ભૂલથી અગ્નિમાં હાથ નાખે કે જાણી જોઈને નાખે, પણ અગ્નિ તો તેની નિયતિ મુજબ તેના હાથને બાળી જ નાખશે. અગ્નિ તેવું નથી વિચારતો કે કોઈએ ભૂલથી હાથ નાખ્યો છે, માટે મારે તેને બાળવો ન જોઈએ.

કોઈ ભૂલથી ઝેર પીએ કે જાણીજોઈને પીએ, ઝેર તો ઝેરનું જ કામ કરે છે. ઝેરની પાસે પોતાની દૃષ્ટિ નથી. તેને તો તેની નિયતિ અનુસાર જ ચાલવું પડશે, કોઈ મંદિરની સીડી ઉપરથી પડે કે મદિરાલયની સીડી ઉપરથી પટકાય, તે જે પથ્થરો ઉપર પટકાશે તે પથ્થરોની ચોટ તો સમાન જ હશે. પથ્થરોને મંદિર કે મંદિરાલયનો ભેદ નથી. તે તો બંને જગ્યાએ પોતપોતાના સ્વભાવની નિયતિને આધીન જ વર્તે છે.

કર્મો તેમની નિયતિને વરેલાં હોવાથી જે કર્મની જેવી નિયતિ છે તેનો બોધ મેળવીને જ તે કર્મ કરવું હિતાવહ છે. નિયતિએ કોઈ કર્મોને પાપ કે પુણ્યના રૂપમાં નથી રચ્યાં, પરંતુ તેનો ઉપયોગ જ પાપ અને પુણ્યને રચે છે. નિયતિએ કોઈ કર્મને સારાં કે નરસાં હોવાની છાપ નથી મારી. તેનાં સારાં અને ખરાબ પાસાંઓ તો તેના ઉપયોગથી રચાય છે.

જેને ભારતમાં પાંચમા વેદનું સ્થાન પ્રાપ્ત છે તેવા આયુર્વેદના રચયિતા ઋષિઓએ આયુર્વેદમાં ઔષધીય ચિકિત્સા માટે ઉપયોગમાં લેવામાં લગભગ કોઈ પદાર્થોને બાકી નથી છોડ્યા. પારદ, લોઢું, તાંબું, પિત્તળ, સીસું, મોરથૂથૂ, જેવી ધાતુઓ, જેમાં ઝેરી તત્ત્વોનો સમાવેશ છે તેવી વનસ્પતિઓ, જેવી કે ધતૂરો, વછનાગ, ઝેરકોચલાં, ભાંગ, તમાકુ વગેરેને પણ ચિકિત્સાક્રમમાં સ્થાન આપવું પડ્યું છે. આજનું અર્વાચીન વિજ્ઞાન પણ ઝેરીમાં ઝેરી હોય તેવાં સર્પો અને પ્રાણીઓનાં ઝેરનો ઉપયોગ કૅન્સર, ડાયાબીટીસ, બ્લડપ્રેશર અને તેના જેવા હજારો રોગોમાં કરે છે.

જેને સામાન્ય રીતે ખરાબ માનવામાં આવે છે તેવાં મધ, વારુણિ અને આસવનો પણ ઉપયોગ કરવો પડ્યો છે. તેવી જ રીતે દરેક પ્રાણીના માંસરસ અને મૂત્ર સુધ્ધાંનો ઉપયોગ પણ આયુર્વેદના ઋષિઓએ બતાવ્યો છે. ઔષધીય પ્રયોગ માટે કોઈ વસ્તુ સારી કે ખરાબ નથી હોતી. કારણ કે કોઈ વસ્તુને કુદરતે સારી કે ખરાબ નથી બનાવી. તેના સારા કે ખરાબપણાનાં પાસાંઓ તો તેના ઉપયોગમાં નિહિત છે, તે પદાર્થમાં નહીં.

ગાંધીજી અને કસ્તૂરબા સાઉથ આફ્રિકાના ડરબનમાં હતાં તે દિવસોની વાત છે. કસ્તૂરબા રતવા (લોહીવા)ની બીમારીથી પીડિત હતાં. બીમારી અસહ્ય બનતાં તેમને ડરબનના એક ડૉક્ટરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. તેમના ઉપર સર્જરી કરવી પડી. કસ્તૂરબાને ઘણી જ પીડા થઈ, પરંતુ ગાંધીજીના આગ્રહથી ક્લૉરોફૉર્મ વગર ઑપરેશન કરવામાં આવ્યું. થોડું સારું થયું એટલે ગાંધીજી ડૉક્ટરની રજા લઈને જોહનિસબર્ગ જવા નીકળ્યા. તે સાથે તેમણે ડૉક્ટરને સૂચના આપી : “કસ્તૂરને મારી પરવાનગી વગર વાઈન કે મીટ આપશો નહીં.” પરંતુ ઑપરેશનની પીડાના કારણે દુર્બળ થયેલાં કસ્તૂરબા અશક્તિ અને નબળાઈથી અનકૉન્શ્યસ થઈ ગયાં, જેથી તે સમયે તેની બીમારીમાં આપી શકાય તેવા શક્તિપ્રદ ઔષધની જરૂર હતી.

જોહનિસબર્ગ ગયેલા ગાંધીજીને ડૉક્ટરે ફોન કરીને જાણ કરી : “મારે તમારાં પત્નીને ‘બીફ ટી’ (માંસરસનો સૂપ) આપવાની જરૂરિયાત ઊભી થયેલી છે. તો શું કરવું ?” ગાંધીજીએ ના પાડી, પરંતુ કન્ડિશન ક્રિટિકલ હતી, તેથી ડૉક્ટરે કહ્યું : “આ પરિસ્થિતિમાં હું તમારી ઇચ્છા મુજબ દવા કરવા નથી માગતો. મને તો મારું મેડિકલ સાયન્સ જેમ કહે તે મુજબ જ મારે ચાલવું પડશે. જો તમે તમારી રીતે દવા કરવા માગતા હો તો પેશન્ટને મારા દવાખાનેથી ક્યાંક બીજે લઈ જાઓ.”

ડૉક્ટરના આવા ફોન સાથે જ ગાંધીજી વળતી ટ્રેનમાં બેસીને ડરબન પહોંચ્યા, જે સમયે ડૉક્ટરે ખુલાસો કરતાં ગાંધીજીને કહ્યું : “મેં જ્યારે તમને ફોન કર્યો ત્યારે હું એક વખત તેમને બીફ ટી આપી ચૂક્યો છું” ગાંધીજીએ ડૉક્ટરને કહ્યું : “આ તો વિશ્વાસઘાત કહેવાય !” ત્યારે ડૉક્ટરે કહ્યું : “મિ. ગાંધી ! આ વિશ્વાસઘાત નહીં, પણ અમારો ધર્મ છે. દર્દીના સ્વાસ્થ્ય માટે જરૂરી હોય તો ઝેરનો પ્રયોગ કરવો કે ખોટું બોલવું પણ અમારો ધર્મ છે.”

પરંતુ ગાંધીજીને આ વાત ન ગમી. તેમણે મહાબીમારીની હાલતમાં પણ કસ્તૂરબાને ડરબનથી ફિનિક્સ ખસેડ્યાં, ગાંધીજીએ તેમની આત્મકથામાં ઉલ્લેખ કર્યો છે. “ફિનિક્સ આવ્યા બાદ એક સ્વામીજી તેમના ઘરે આવ્યા, જેમણે મનુસ્મૃતિના આધારે ગાંધીજીને સલાહ આપી : ‘માણસ એક વાર જે માર્ગ સ્વીકારે તેની નિયતિમાં રહેલાં કર્મોનું તેણે પાલન કરવું જ પડે. પછી સારા-ખરાબ અને પાપ-પુણ્યને જોવાનો ગાળો ન રહે. જેમ કે એક વ્યક્તિ સૈન્યમાં ભરતી થાય પછી તેણે યુદ્ધ લડવું પડે અને યુદ્ધની નિયતિ મુજબ શત્રુવધ પણ કરવો પડે. તમે એક વાર જે ચિકિત્સા પદ્ધતિનો આશ્રય લીધો, પછી તમારે તેની દવાઓ સાથે આપવામાં આવતાં ખોરાક અને પથ્યોનું પણ પાલન કરવું પડે.’

સ્વામીજીની આવી સલાહ છતાં કસ્તૂરબા કે ગાંધીજી બંનેમાંથી કોઈ તેમની વાત સાથે સહમત ન થયાં, પરંતુ કસ્તૂરબા સ્વાસ્થ્યને તેમની આ ભાવનાત્મક કે સૈદ્ધાંતિક બાબતોથી ગંભીર નુકસાન પહોંચ્યું હતું અને ઘણી બીમારીનો ભોગ બન્યાં હતાં તે હકીકત નજરઅંદાજ કરી શકાય તેમ નથી. ડરબનના આ કિસ્સા બાદ કસ્તૂરબા તેમના જીવનમાં લગભગ બીમાર હાલતે જ જીવ્યાં.

૧૯૪૪માં અંગ્રેજ સરકારે ગાંધીજી, કસ્તૂરબા અને તેમના અન્ય સત્યાગ્રહીઓની ધરપકડ કરીને પૂણે નજીકના આગાખાન પૅલેસમાં રાખ્યાં હતાં ત્યારે કસ્તૂરબાને શ્વાસની તકલીફ અને ફેફસાંનું ઈન્ફેક્શન થયું હતું. કસ્તૂરબા ઘણા હાર્ટએટૅક સહી ચૂક્યાં હતાં એટલે તેઓ નબળાં તો પડેલાં જ હતાં, પરંતુ આ દિવસોમાં તેમને શ્વાસની રાહત થાય તેવી દવાઓની જરૂરિયાત હતી. તે સમયે ડૉક્ટરોએ પેનિસિલિનવાળી દવા પ્રિસ્ક્રાઈબ કરી હતી, પરંતુ પેનિસિલન ફંગસમાંથી બનતી હોવાને લીધે ગાંધીજીએ તે દવા લેવાની પણ ના પાડી. જોકે ગાંધીજીના પુત્ર દેવદાસે કસ્તૂરબાને પેનિસિલિનવાળી દવા આપવા આગ્રહ કર્યો હતો, પણ ગાંધીજી સંમત થયા ન હતા. અંતે ચાર-પાંચ દિવસ બાદ આગાખાન પૅલેસમાં જ કસ્તૂરબાનું મૃત્યુ થયું. તે રાત્રે ગાંધીજી ખૂબ રડ્યા હતા અને “હે ભગવાન ! તું મારી કેવી પરીક્ષા લેવા માગે છે ?” તેવી ભગવાનને ફરિયાદ કરી વાતનો બંધ વાળ્યો.

પેનિસિલિનનો ઉપયોગ ગાંધીજીએ કસ્તૂરબા માટે ન કર્યો, પરંતુ કસ્તૂરબાના મોતની ઘટનાથી ગાંધીજીના માનસમાં એક ફેરફાર થયો અને દરેક પદાર્થ પોતપોતાની ઉપયોગિતા ધરાવે છે, કોઈ પદાર્થ પોતાની જાતમાં સારો કે ખરાબ નથી તેવી હકીકતની સત્ય પ્રતીતિ થઈ હતી, જે કારણે કસ્તૂરબાના મૃત્યુનાં ત્રણ કે ચાર અઠવાડિયાં પછી ગાંધીજી બીમાર પડ્યા અને તેમને મેલેરિયા હોવાનું નિદાન થયું ત્યારે ડૉક્ટરોએ સૂચન કર્યા મુજબ પેનિસિલિન અને ક્વિનાઈનથી બનતી દવાઓ લીધી હતી અને બીમારીમાંથી ઊભા થયા હતા.

જરૂરી નથી કે માણસે અમુક બીમારીમાં પેનિસિલન જ લેવી પડે અને મેલેરિયામાં ક્વિનાઈનનો જ ઉપયોગ કરવો પડે. બીજી પણ હજારો દવાઓ છે, જેનાથી માણસ સાજો થઈ શકે, પણ એક વખત વ્યક્તિ જે કર્મ સ્વીકારે તે કર્મની નિયતિ અંતર્ગત આવતાં કર્મો પણ તેણે કરવાં જ પડે. અન્યથા ‘છાશ લેવા જવું અને શરમે દોણી સંતાડવી’ એ કહેવત મુજબ કપરી હાલત થાય.

ગાંધીજીએ અગાઉ દૂધ બંધ કર્યું હતું તેનું કારણ માત્ર એટલું હતું કે દૂધમાં ફૂગ થાય છે. વળી દૂધ ઇન્દ્રિયવિકાર પેદા કરે છે અને બ્રહ્મચર્યમાં બાધક બને છે તેવી પણ તેમની ધારણા હતી. આવા વિચારે દૂધ બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ રંગરૂટની ભરતી સમયે ગાંધીજી બીમાર પડ્યા અને બીમારી મરણપથારી સમાન ભાસવા લાગી ત્યારે કોઈ પણ રૂપમાં દૂધ લેવું જ પડશે તેવી ચિકિત્સક ડૉ. દલાલની સલાહ માનીને દૂધ શરૂ કરવું પડ્યું હતું. લાંબા સમયથી જે ભાવનાત્મક વિરોધ દૂધ સાથે જોડ્યો હતો તેથી દૂધ માટે ગાય અને ભેંસને વર્જ્ય કરીને બકરીનું દૂધ શરૂ કર્યું હતું. એક નિખાલસ વ્યક્તિ હોવાના નાતે ગાંધીજીએ આ હકીકતોને આત્મકથારૂપે કબૂલી છે.

પ્રકૃતિએ કોઈ પદાર્થને સારો કે ખરાબ નથી બનાવ્યો તે વાત તો તેના ઉપયોગ ઉપર જ નિર્ભર રહે છે. પ્રકૃતિના પદાર્થોનો સમય, સંજોગો અને તેના નિષ્ણાત વ્યક્તિઓએ સૂચવ્યા મુજબનો ઉપયોગ થાય તે માટે જ પ્રકૃતિએ હજારો-લાખો પદાર્થો નિર્મિત કર્યા છે, પરંતુ પ્રકૃતિના આ પદાર્થો તરફ સારા-નરસાની ભાવનાઓનાં, પાપ-પુણ્યની ભાવનાઓનાં કે ધાર્મિક - અધાર્મિકતાની ભાવનાઓનાં ચશ્માં ચડાવીને જોવું સંદતર ખોટું છે.

આપણે ત્યાં લગભગ દરેક ધર્મે વ્યક્તિને શું ખાવું અને શું ન ખાવું તેવી બાબતો નક્કી કરેલી છે, જે સદંતર ખોટી છે. વ્યક્તિએ શું ખાવું અને શું ન ખાવું તે વિષય દરેકનો વ્યક્તિગત છે. તેના માટે તેણે તેની પ્રકૃતિને અનુસરવું પડશે. એથી વધારે કહીએ તો જે અંતઃગર્ભ પ્રકૃતિને જાણનારા છે તેવા કોઈ નિષ્ણાત ડૉક્ટર કે વૈદ્યની સલાહને અનુસરવું પડે, પરંતુ જે વ્યક્તિઓ શારીરિક સ્તરની કોઈ જ સમજ ધરાવતા નથી તેવા ધર્મગુરુઓએ આ બાબતે કોઈ સલાહ આપવી બિલકુલ યોગ્ય નથી.

લસણ અને ડુંગળી ન ખાવાં તેવી બાબત જો કોઈ ધર્મગુરુથી નક્કી થતી હોય તો તે યોગ્ય નથી. લસણ અને ડુંગળી તો આયુર્વેદમાં ઔષધ તરીકે પણ ઉપયોગમાં લેવાયાં છે. વાતરોગો અને હૃદયરોગમાં લસણ અમૃતનું કામ કરે છે. તેવી ઔષધિનો કોઈ ધર્મગુરુ દ્વારા નિષેધ થાય તે વાત વાજબી નથી. લસણ અને ડુંગળી તમોગુણ વધારે છે તેથી ન લેવાય તેમ કહેવું પણ યોગ્ય નથી, કારણ કે તમોગુણ પણ જીવન માટે અત્યંત જરૂરી અને આવશ્યક ગુણ છે. જો તમોગુણ ન હોત તો કોઈને નિદ્રા જ ન આવત. તમોગુણ ન હોત તો સામાન્ય જનના રજોગુણની નિવૃત્તિ કરાવનાર કોઈ ન હોત. તમોગુણ વગર જીવન ચાલી ન શકે, તેથી જ તો પ્રકૃતિએ તેની રચના કરી છે, પરંતુ હળદરના ગાંઠિયે ગાંધી થવાની મનોવૃત્તિ ધરાવતા ઉપદેશકો લસણ-ડુંગળીના ત્યાગનું ભાષણ આપીને પોતાને મહાધર્મગુરુ માને છે અને તેવી જ મનોવૃત્તિવાળા લોકો લસણ-ડુંગળીનો ત્યાગ કરીને મનોમન પરમ ધાર્મિક થઈ જાય છે તે પણ કમનસીબ વાત છે.

ઉપવાસ અને એકટાણાં પણ ધર્માનુસાર નક્કી થાય છે. અગિયારસે ભૂખ હોવા છતાં ઉપવાસ કરવો અને બારસે ભૂખ હોય કે ન હોય, ભરપેટ પારણાં કરવાં તે વાત પણ યોગ્ય નથી. જે અન્ન રોજબરોજ પેટ ભરીને તૃપ્તિ આપે છે તેવાં ઘંઉ, ચોખા, મગ અને ધાન્યોની અગિયારસ કે ઉપવાસ નિમિત્તે તિરસ્કાર કરવો અને પોતાને માફક આવતી ન હોય તોપણ વાતકારક ફરાળી વાનગીઓ ખાવી તે આરોગ્ય સાથે ચેડાં છે. જે સંસ્કૃતિનો ભગવાન ‘ત્ત્દ્યધ્ હ્મઈક્રઌથ્ક્રશ્વ ઼ક્રઠ્ઠઅક્ર’ કહીને જઠરનો અગ્નિ જ તે સ્વયં છે તેમ કહેતો હોય ત્યાં જઠરના અગ્નિની અગિયારસ કે વાર-તહેવારના ઉપવાસ નિમિત્તે ઉપેક્ષા કરવી તે સદંતર અયોગ્ય છે, પરંતુ આપણે ત્યાં ધર્મના નામે આવા ખેલ ચાલતા રહે છે.

ખરેખર ઉપવાસનો અર્થ છે સમીપ વાસ. પોતાના અંતરાત્માની નજીક વાસ કરવો તેનું નામ ઉપવાસ છે. ભૂખ્યા રહેવાનું નામ ઉપવાસ નથી. ભૂખ્યા રહેવાનું નામ ખરેખર ભૂખવાસ હોવું જોઈએ. તેમ જ જેઓ ભૂખ સહન નથી કરી શકતા અને ફરાળ ખાય છે તે વ્રતને ફરાળી ભૂખવાસ કહેવું જોઈએ. અમુક મહિલાઓ તો ગજબના ભૂખવાસ કરતી જોવા મળે છે.

એક મહિલાએ જન્માષ્ટમી નિમિત્તે ભૂખવાસ કર્યો. જન્માષ્ટમી હતી તેથી કૃષ્ણજન્મ પહેલાં સૂઈ જવાની વાત પણ તેના ભૂખવાસને બદનામ કરે તેમ હતી, તેથી રાત્રે સાડાદસ વાગ્યે તેણે તેની બહેનપણીને ફોન કર્યો અને કહ્યું :

“કેમ છો ? મજામાં ને ? મારે આજે ઉપવાસ છે અને ભૂખનાં માર્યાં ક્યાંય ચેન પડતું નથી, એટલે મને થયું કે લાવ, તારી સાથે થોડીક વાતો કરી લઉં. તો સાંભળ કે આજે તો કાંઈ ખાવાનું ન હતું, તેથી મેં સવારે ઊઠીને ફક્ત એક ગ્લાસ કેસરિયું દૂધ પીધું. પછી દસ વાગ્યે એક ડિશ બટાકાની વેફર, પછી બાર વાગ્યે ફક્ત એક મુઠ્ઠી ભરીને ડ્રાઇ ફ્રૂટ. એમ કરતાં એક-દોઢ વાગ્યો. આપણો રોજનો જમવાનો ટાઈમ, પણ ઉપવાસમાં કેમ જમાય ? તેથી બપોરે બે વાગ્યે રાજગરાનો શીરો, રાજગરાની જ પૂરી, સૂરણ-બટાકાનું શાક, સામો, કઢી અને ફરાળી ઊસળનું હલકું લંચ લીધું.

બસ, પછી વચ્ચે કાંઈ નહીં ખાતાં છે...ક છ વાગ્યે થોડીક ખારી સિંગ ખાધી. પછી રાતના આઠ-સાડાઆઠ થયા એટલે પાછો રોજનો વાળુ કરવાનો ટાઈમ, તેથી સવારનો શીરો અને પૂરી હતાં તેની સાથે ફક્ત સાબુદાણાની ખીચડી અને દહીંથી ચલાવી લીધું.

પરંતુ ઉપવાસના કારણે થોડી નબળાઈ લાગતી હતી, તેથી તારા ભાઈએ કીધું કે ઉપવાસના કારણે જો નબળાઈ હોય તો થોડુંક ખાઈ લો, પણ મેં કહ્યું કે નહીં, હું મક્કમ મનની છું, ઉપવાસ એટલે ઉપવાસ, કાંઈ જ ખાઈશ નહીં. પછી કાંઈ પણ ખાધા સિવાય મેં ફક્ત એક ગ્લાસ એલચીવાળું દૂધ પી લીધું છે અને બાર વાગ્યા સુધી તો જાગવાનું જ છે, તેથી થયું કે લાવ, ભૂખનાં માર્યાં કાંઈક બીજા વિચારો આવે તેના કરતાં તારી સાથે થોડી વાત કરી લઉં. ખરેખર ઉપવાસ કરવા એ જેવા-તેવાનું કામ નથી. આ તો મારું મન મક્કમ છે એટલે થઈ શકે. ચાલ ત્યારે તેં બહુ વાતો કરી, હવે હું ફોન રાખું છું.”

વ્યક્તિએ શું ખાવું અને શું ન ખાવું તે વિષયમાં વ્યક્તિએ પોતાની પ્રકૃતિને અનુસરવું જ શ્રેષ્ઠ છે. આયુર્વેદે ‘સાત્મ્ય/અસાત્મ્ય’ વિભાગ આપ્યો છે. સાત્મ્ય એટલે એવી વસ્તુઓ જે વ્યક્તિને પોતાની પ્રકૃતિ મુજબ માફક આવતી હોય અને અસાત્મ્ય એટલે એવી વસ્તુઓ જે વ્યક્તિને પોતાની પ્રકૃતિને માફક ન હોય. ઘણા એવા લોકો છે જેઓ ખાટી છાશ પીએ તો તાવ ચડી જાય અને ઘણા એવા લોકો છે જેઓ તાવમાં ખાટી છાશ પીએ તો તેમનો તાવ ઊતરી જાય ! ઘણા એવા લોકો છે જેઓ ગરમાગરમ મેથીના ગોટા ખાય તો તેમનું પેટ ઠીક થઈ જાય, તો ઘણા એવા પણ છે જેમનું પેટ બગડી જાય. ઘણા એવા લોકો છે જેઓ દૂધ પીએ તો ઊલટી થઈ જાય અને ઘણા એવા લોકો છે જે એકલું દૂધ પીને પણ જીવી શકે. આ બધી બાબતોમાં પ્રકૃતિનું સાત્મ્ય/અસાત્મ્ય કામ કરતું હોય છે.

મારા એક મિત્રને બળતરા થતી હતી. તેણે લગભગ એક મહિના સુધી બે-ત્રણ ડૉક્ટરની દવાઓ ખાધી. પેટની બળતરા હતી તેથી ડૉક્ટરે તેને તેલ, મરચું અને તેવી તમામ ગરમ વસ્તુઓ બંધ કરાવેલી. એ મિત્રને તેની આ તકલીફ દરમિયાન તળેલાં મરચાં ખાવાની ખૂબ ઈચ્છા થતી હતી, પરંતુ ડૉક્ટરોએ ના પાડી હતી, તેથી ખવાતાં નહીં. એક મહિનાના અંતે દવાઓથી કંટાળીને તેણે નક્કી કર્યું કે આજે જે થવું હોય તે થાય, પણ મરચાં તો ખાવાં જ છે. તેણે તેની પત્નીને તળેલાં મરચાં ખાવાની વાત કરી. પત્નીએ કહ્યું : “તમને ડૉક્ટરે મરચું સાવ બંધ કરાવ્યું છે અને શાક પણ તમે મોળું ખાઓ છો, તેમાં તલેલાં મરચાં તો કેમ ખવાય ?” પણ તેણે પત્નીને કહ્યું : “જે થવું હોય તે થાય, પણ આજે તો મારે મારી ઇચ્છા પૂરી કરવી જ છે.” એમ કહીને તેણે સાંજના વાળુમાં જમવાની સાથે બે-ત્રણ તળેલાં મરચાં ખાઈ લીધાં, મનમાં હતું કે આજ તો બળતરા ભયંકર થવાની છે, પણ આશ્ચર્ય કે તેની બળતરા જ મટી ગઈ ! કોઈ દવાની જરૂર ન પડી. બીજા દિવસે ફરીને મરચાં ખાધાં, પણ કોઈ તકલીફ નહીં. તે મિત્ર મને મળ્યો અને તેણે જ્યારે આ વાત કરી ત્યારે મેં કહ્યું : “તારી અંતરંગ પ્રકૃતિની ઇચ્છાથી તેં મરચાં ખાધાં છે, તેથી મરચાં પણ તારી દવા બની ગયાં અને બીજી દવાઓ તારી દવા ન બની શકી.”

પ્રત્યેક પદાર્થ પ્રકૃતિથી નિર્મિત છે અને પ્રકૃતિ તેને નિયંત્રિત પણ કરે છે. પ્રકૃતિએ કોઈ પદાર્થ ઉપર સારા કે ખરાબની મહોર નથી મારી, પરંતુ તે પદાર્થોના ઉપયોગ તેના સારા અને ખરાબપણાને નક્કી કરે છે. પ્રકૃતિએ કોઈ પદાર્થ ઉપર પાપ-પુણ્યનું દોષારોપણ કરેલું નથી. તેનો ઉપયોગ જ તેનાં પાપ-પુણ્યને નક્કી કરે છે. આ અંગે શ્રીકૃષ્ણનો મત બહુ સ્પષ્ટ છે. શ્રીકૃષ્ણ કહે છે : “કોઈ કર્મોની ઉપર જો તમે સારા કે નરસાની છાપ મારીને રાખશો તો તે કર્મો બાબતે તમારો નિર્ણય યોગ્ય નહીં રહી શકે.” તમારા હોંશને આગળ કરો અને તેને જ નક્કી કરવા દો કે સારું શું છે અને ખરાબ શું છે.

જો ઝેર ઉપર ખરાબની છાપ મારીને રાખશો અને ઝેરની સમગ્રપણે બાદબાકી કરી નાખશો તો ઝેરના ઔષધીય ઉપયોગથી વંચિત રહી જશો. સારા માણસો જ કામમાં આવે છે તેવું નથી, અહીં નઠારાના પણ ઉપયોગ હોય છે. ‘જહાં કામ આયે સૂઈ, ક્યા કરે તલવાર ?’ દરેક વસ્તુ પોતાના ઠેકાણે યોગ્ય જ છે. કોઈ વસ્તુ કે પદાર્થને સારા-નરસાનું લેબલ મારવાને બદલે તેનો બુદ્ધિમત્તાપૂર્ણ ઉપયોગ જ શ્રેષ્ઠ છે.

રસોડાના ચૂલાનો અગ્નિ દરેક ઘરમાં જરૂરી છે, પણ તે અગ્નિ જો ઘર-આખામાં ફેલાય તો ઘરને જ ભસ્મીભૂત કરી નાખે. રસોડામાં શાક સુધારવા માટે છરી-ચપ્પુની જરૂર છે. તેના વગરના રસોડાની કલ્પના પણ ન થઈ શકે, પણ કોઈ ગુસ્સામાં આવીને તેનાથી પણ હત્યા કરી શકે. કોઈ વસ્તુવિશેષ ઉપર સારા-નરસાની છાપ તે વસ્તુથી નહીં, પણ સમયાનુસાર તેના ઉપયોગથી લાગે છે.

હસવું સારું છે, પણ કોઈના બેસણામાં જઈને હસવું ખરાબ છે. કોઈને મદદ કરવી સારી છે, પણ તે મદદ જો કોઈની આળસ પોષતી હોય તો તે ખરાબ છે. દાન દેવું સારું છે, પણ જો કોઈ કુપાત્રને દાન અપાય તો તે ખરાબ છે. બીજાને પ્રેમ આપવો સારો છે, પણ બીજો જ્યારે કપટી અને વ્યભિચારી હોય ત્યારે તે પ્રેમ જ ખરાબ છે.

‘ત્ઙ્ગેંઢ્ઢભશ્વઃ બ્ઇેંસ્ર્ક્રૠક્રક્રદ્ય્ક્રક્રબ્ઌ ટક્રળ્દ્ય્ક્રશ્વ ઙ્ગેંૠક્રક્રષ્ટબ્દ્ય્ક્ર ગષ્ટઽક્રઃ ત્ન’

શ્રીકૃષ્ણનું આ સૂત્ર અતિ મનનીય છે, કારણ કે શ્રીકૃષ્ણના શબ્દો સત્યના સમુદ્રની જે ગહેરાઈથી આવે છે તેને સીધા સમજવા સહેલા નથી, પરંતુ શ્રીકૃષ્ણનાં આ સૂત્રોને જે સમજી શકે છે તે સૂત્રના શબ્દોની સાથે રહેલી શબ્દાતીત ગહેરાઈને પણ સમજી શકે છે કે જે ગહેરાઈના તળિયે સાચાં મોતી પડેલાં છે.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED