કર્મનો કાયદો
શ્રી સંજય ઠાકર
૫
બધાં કર્મો પ્રકૃતિના નિયંત્રણમાં
આપણે નથી કહી શકતા કે આપણે હૃદયને ધડકાવીએ છીએ, નથી કહી શકતા કે આપણે શરીરમાં લોહીનું પરિભ્રમણ કરાવીએ છીએ, તેમ જ નથી કહી શકતા કે આપણે શ્વાસોચ્છ્વાસ ચલાવીએ છીએ. આ બધું તો આપમેળે પ્રકૃતિની નિયતિ મુજબ જ ચાલી રહ્યું છે.
હૃદયની ધડકન, લોહીની ગતિ અને શ્વાસોચ્છ્વાસ તો જીવનનો પર્યાય છે. જો આવાં મહત્ત્વનાં કાર્યો વ્યક્તિના હાથમાં ન હોય તો પછી બીજું કયું મહત્ત્વનું કામ વ્યક્તિના હાથમાં હોઈ શકે ? કૃષ્ણ એક અતિ મહત્ત્વનું રહસ્ય ખોલતાં જણાવે છે :
‘ત્ઙ્ગેંઢ્ઢભશ્વ બ્ઇેંસ્ર્ૠક્રક્રદ્ય્ક્રક્રબ્ઌ ટક્રળ્દ્ય્ક્રશ્વઃ ઙ્ગેંૠક્રક્રષ્ટબ્દ્ય્ક્ર ગષ્ટઽક્રઃ ત્ન’
અર્થાત્ બધાં કર્મો અને તેમની ક્રિયાઓ પ્રકૃતિના ગુણોને આધીન છે. પ્રકૃતિ પોતાના ગુણોથી દરેક ક્રિયા અને કર્મ ઉપર શાસન કરે છે.
અરબો ગતિમંત તારાઓ, ગ્રહો અને ઉપગ્રહોની વચ્ચે પણ કરોડો વર્ષથી પૃથ્વી તેની ધરા ઉપર નિયમિતપણે ભમી રહી છે. સૂર્ય તેના નિશ્ચિત સમયે ઊગે છે અને આથમે છે. ચંદ્ર તેની કળાઓ સાથે ખીલતો અને કરમાતો રહે છે. ઋતુઓ તેમના ચક્ર પ્રમાણે આવે છે અને જાય છે. હજારો નદીઓનાં નીર પીવા છતાં સમુદ્ર તેની મર્યાદામાં રહીને લહેરો અને મોજભેર ઊછળે છે.
કરોડો ગૅલન પાણીથી ભરેલાં વાદળાંઓ જાણે ઝીણી નજરે જોતાં હોય તેમ કોમળ-કોમળ ફૂલોને આંચ ન આવે તેમ બુંદ-બુંદ વરસે છે. હજાર માઇલની ઝડપે ફૂંકાવાની તાકાત રાખતો પવન પણ જાણે વૃક્ષ અને લતાનાં કોમળ પર્ણોની કાળજી લેતો હોય તેમ રોજરોજ મંદ-મંદ લહેરોથી વહે છે.
પૃથ્વીના ગર્ભમાં જેમ બીજ પોષાય છે, તેમ માતાના ગર્ભમાં જીવન પોષાય છે. ત્યાં પણ આપમેળે મળી રહે તેવા પોષણની કોઈએ વ્યવસ્થા કરી છે. માતાના ગર્ભથી જન્મ પામેલા નવજાત બાળક પાસે ચાવવા દાંત પણ નથી અને ભૂખ-તરસને વ્યક્ત કરવાની વાણી પણ નથી, છતાં માતાનાં સ્તનમાં દૂધ અને હૃદયમાં મમતા આપીને બાળકનું ક્ષેમકુશળતાપૂર્વક પોષણ કરવા માટેનું કોઈએ નિયમન કર્યું છે.
જેમ શિયાળો, ઉનાળો અને ચોમાસું આવે અને જાય, તેમ બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા એક ચક્રાકાર ગતિએ ચાલતાં રહે છે. જીવનની આ અવસ્થાઓ પણ જીવનમાં અલગ-અલગ ઋતુઓ ખીલવતી રહે છે. કોઈ નથી કહી શકતું કે હવે હું બાળકમાંથી યુવાન નહીં બનું અને યુવાન છું તો વૃદ્ધ નહીં બનું. આ બધું તો એક અગમ્ય શક્તિના હાથે અનાયાસ ચાલ્યા કરે છે.
છાંયડો આપતાં વૃક્ષો વડ, ઉમરો, લીમડો વગેરે જેવાનાં ફળ નાનાં અને છાંયડા વગરની નાળિયેરીનાં ફળ મોટાં કરવામાં પણ કોઈનું અનુશાસન કામ કરી રહ્યું છે.
એક વટેમાર્ગુ રસ્તે જતાં થાક ઉતારવા વડના ઝાડ નીચે બેઠો. નીચે બેસતાં જ તેને વડના નાના-નાના પાકેલા ટેટાઓ જોવા મળ્યા. ટેટાઓ ઋતુગત પાક્યા હતા, એટલે તેમાં મીઠાશ પણ હતી. મુસાફરે થોડાં ફળ ખાધાં અને વિચારવા લાગ્યો : ભગવાને આ ફળને થોડાં મોટાં બનાવ્યાં હોત તો, આ ફળો ખાઈને જ પેટ ભરાઈ જાત. બસ, તે આમ વિચારતો હતો તેવામાં એક-બે ટેટા તેના માથા પર પડ્યા. મુસાફર સમજી ગયો. તેણે ભગવાનનો આભાર માન્યો કે પ્રભુ ! જો આ ફળ મોટાં નાળિયેર જેવડાં હોત તો આજે મારું માથું સલામત ન રહેત. જે વૃક્ષોનો છાંયડો લેવા કોઈ બેસી શકે છે તેના બેસનારની વ્યવસ્થા પણ પ્રકૃતિએ કરી છે, અન્યથા નાળિયેરીને ઊંચી અને છાંયડા વગરની ન બનાવત.
જાણનારાઓ ત્યાં સુધી કહે છે કે સ્ત્રી અને પુરુષનો જન્મદર પણ પ્રકૃતિ જ સંસ્કૃતિ રાખે છે. આજે પુરુષના જન્મદર સામે સ્ત્રીનો જન્મદર ઓછો દેખાય છે તેનું કારણ ભ્રૂણહત્યા જેવું કૃત્રિમ છે. પ્રાકૃતિક નથી. અભ્યાસીઓએ તો ત્યાં સુધીનું તારણ કાઢેલું છે કે યુદ્ધ કે મહામારીના સમયમાં સ્ત્રી કે પુરુષ પૈકી જે કોઈ સંખ્યા ઓછી થઈ હોય તે મુજબ નવા જન્મદરમાં સરખો અનુપાત કરવા પ્રકૃતિ સ્ત્રી કે પુરુષજાતિનો જન્મદર સંતુલિત કરે છે.
બધાં કર્મો કુદરતના સંતુલનમાં જ ચાલી રહ્યાં છે. પ્રકૃતિ સમગ્ર કર્મોનું નિયમન કરે છે અને તેમને સંતુલિત બનાવી રાખે છે. પ્રકૃતિ ક્યારેય કોઈનું અશુભ નથી કરતી, પરંતુ જે લોકો પ્રકૃતિને જ વિકૃત કરવામાં લાગ્યા રહે છે તેઓ વિકૃતિથી જરૂર પીડા પામે છે, અન્યથા પ્રકૃતિના હાથે જે થયું છે તે પણ શુભ, જે થઈ રહ્યું છે તે પણ શુભ અને જે થવાનું છે તે પણ શુભ જ હોય છે.
એક ખલાસી અગાધ દરિયો ખેડવાનું વિચારી તેની નાવ લઈને નીકળ્યો. મધદરિયે પહોંચતાં-પહોંચતાં એક તોફાન આવ્યું અને તેની નાવ તે તોફાની મોજાંઓમાં ભાંગીને તણાઈ ગઈ. ભાંગેલી નાવનું એક પાટિયું ખલાસીના હાથમાં આવ્યું હતું, જેની મદદથી તે દરિયાના તોફાનમાં બચી રહ્યો. થોડા કલાકો પછી તોફાન શાંત થયું, પણ ક્યાંય કિનારો દેખાતો નહોતો, તેથી ખલાસી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો : “હે ભગવાન ! જો ક્યાંય કિનારો મળી જાય તો તારો ઉપકાર સમજું !” દરિયાના વિશાળકાય જળચર જીવો અને તેવા જ બીજા ઝેરી જીવોનો ભય તેને મનમાં સતાવી રહ્યો હતો. સાથેસાથે ખોરાક-પાણી વગર તેની શારીરિક શક્તિ પણ ઘટી રહી હતી. તેવામાં ભગવાનની પ્રાર્થના સિવાય તેની પાસે કોઈ બળ ન હતું.
‘નિર્બલ કે બલ રામ’ મુજબ જાણે ભગવાને તેની પ્રાર્થના સાંભળી હોય તેમ થોડે દૂર તેને ઘટાદાર વૃક્ષો દેખાયાં. આખરે તે સમજી ગયો કે જમીન નજીક છે. ધીરેધીરે તે વૃક્ષોની દિશામાં આગળ વધ્યો અને મધદરિયે તેને એક ટાપુ મળ્યો. તે ખુશ-ખુશ થઈ ગયો. પરંતુ ટાપુ નિર્જન હતો. જેમતેમ કરીને તે ટાપુ ઉપર રહેવા લાગ્યો. વૃક્ષોનાં પાંદડાં અને ફળ ખાઈને તે દિવસો પસાર કરતો હતો. ધીમેધીમે મજબૂર હાથે તેણે તે ટાપુના નિર્જન જીવનને સ્વીકારી લીધું અને એક ઝૂંપડી બનાવી તેમાં રહેવા લાગ્યો, પરંતુ તેનું મન રોજરોજ તેના પરિવાર અને મિત્રોને યાદ કરતું અને તે દુઃખી થઈ ઈશ્વરને પ્રાર્થના કરતો રહેતો. એક દિવસ તે તેનાં મિત્ર-પરિજનોની યાદમાં દુઃખી હૃદયે ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો, તેવામાં આકાશમાં કાળાં વાદળો ઘેરાયાં અને તે વાદળોની ટક્કરથી એક કડકડતી વીજળી તેની ઝૂંપડી ઉપર પડી. તેની ઝૂંપડી સળગવા લાગી અને તેમાંથી આગની લપેટો અને ધુમાડાના ગોટાઓ આકાશમાં જવા લાગ્યા.
તે વ્યક્તિએ નિસાસો નાખીને કહ્યું : “હે ભગવાન ! મને લાગે છે કે મારું ભાગ્ય અને તમારી નીયત સારાં નથી. મને પરિવાર અને મિત્રો મળવાની આશા તો જતી રહી, પણ સાથેસાથે મારા આશરા જેવું એક ઝૂંપડું પણ તમે છીનવી લીધું !” આવી ફરિયાદ સાથે વ્યથિત હૃદયે તે નિર્જન ટાપુના એક પથ્થર પર બેસી સળગતી ઝૂંપડીને જોઈ રહ્યો હતો, તેવામાં તેને દૂરથી એક નાવ તેના ટાપુ નજીક આવતી દેખાઈ. નાવ જોઈને તે ખલાસીના આનંદનો પાર ન રહ્યો. ધીરેધીરે નાવ તે ટાપુ પાસે આવી અને તેમાંથી તેને શોધવા નીકળેલા તેના બે મિત્રો નીચે ઊતર્યા.
જ્યારે તેના મિત્રોએ કહ્યું : “અમે તને શોધવા આ રસ્તે બીજી વાર આવ્યા છીએ, પરંતુ જો આજે તું તારું ઝૂપડું ન સળગાવત તો અમને ખબર ન પડત કે તું અહીંયા છે !” મિત્રોની આ વાત સાંભળતાં ખલાસીની આંખમાંથી આંસુની ધાર થઈ. તેણે આકાશ તરફ બંને હાથ ઊંચા કરીને કહ્યું : “પ્રભુ ! આજે ખબર પડી કે તું જે કરે છે તે શુભ જ હોય છે !”
પ્રકૃતિના હાથે મળેલું સુખ પણ શુભ છે અને દુઃખ પણ, જન્મ પણ શુભ છે અને મૃત્યુ પણ. જો દેનારી પ્રકૃતિ હોય તો તેનાથી મળતું અશુભ પણ શુભ જ હોય છે. તેના અશુભમાં પણ શુભ છુપાયેલું હોય છે. માણસની બુદ્ધિ તેને તરત સમજી શકતી નથી, પરંતુ પ્રકૃતિએ આપેલી પીડા પછી જ નવો જન્મ સંભવે છે. જો કર્મો પ્રકૃતિના હાથે નિયંત્રિત થતાં ન હોત તો આ દુનિયા ક્યારની કચરાપેટી થઈ ચૂકી હોત.
***