નગર - ૪૧
( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- ઇશાન અને એલીઝાબેથ આંચલનાં ઘરે જવા નીકળે છે...રોશન પટેલ પીટર ડિકોસ્ટાને ત્યાં રાત રોકાય છે....અને મોન્ટુને તેનાં કમરાની બહાર કોઇકનાં આવવવાની આહટ સાંભળાય છે....હવે આગળ વાંચો....)
પહેલા માળની લોબીમાં આછા સફેદ ધુમાડાનો એક રેલો વહયે આવતો હતો. ડુંગર ઉપરથી ખળખળ વહેતા ઝરણાની જેમ...લોબીની ફર્શને સમાંતર...એ ધુમાડો મોન્ટુનાં કમરાનાં દરવાજે આવીને અટકયો.
અંદર મોન્ટુ થર-થર ધ્રુજતો હતો. બહારથી સંભળાતી સર-સરાહટ ભરી આહટ તેનાં સીનામાં ઘબકતા હ્રદયમાં કંપન પેદા કરતી હતી. મોત તેનાં દરવાજે આવીને ઉભુ હતું. તેનાથી માત્ર બે વેંત જેટલું જ છેટુ હતું. પલંગ ઉપર બેઠા-બેઠા તે દરવાજાને જોઇ રહયો. દરવાજા અને બારસાખ વચ્ચે જે તડ પડતી હોય એ તડમાંથી હમણાં કમરામાં ધુમાડાની સેર અંદર ઘુસી આવશે અને એ ધુમાડો તેને મારી નાંખશે એવી બીક તેનાં દિલો-દિમાગ ઉપર હાવી થઇ રહી હતી. એ ધુમાડાને હું અંદર જ ન આવવા દઉં તો....!” એકાએક તેને વિચાર આવ્યો. જો કોઇપણ ભોગે તે એ ધુમાડાને અંદર આવતા રોકી લે તો ચોક્કસ તે બચી શકે કારણકે તેણે જોયુ હતુ કે દર-વખતે એ ધુમાડો જ મોત બનીને ત્રાટકતો હતો. એ વિચારે તેનામાં જોમ ભરાયું અને સફાળો તે હરકતમાં આવ્યો. શરીર ઉપર ઓઢેલી રજાઇ ઝડપથી ફગાવીને તે પલંગથી નીચે ઉતર્યો. તેનાં દિમાગમાં ઝબકારો થયો હતો કે તેણે શું કરવું જોઇએ. દોડતો તે પોતાનાં સ્ટડી ટેબલ પાસે પહોંચ્યો. ટેબલનું ઉપલું ડ્રોવર ખોલ્યું...ફંફોસ્યુ. નહિ...! આ ડ્રોવરમાં તેનાં મતલબની ચીજ નહોતી. કંઇક વિચારીને તે નીચો નમ્યો અને નીચેનું મોટુ ખાનું ખોલ્યું...એ સાથે તેની આંખો ચમકી ઉઠી. ખાનાની અંદર આડા ગોઠવેલા પાટીયા ઉપર બે-ઇંચ જેટલી જાડી બ્રાઉન ટેપ પડી હતી. એ ટેપ ઉઠાવીને તે દરવાજા તરફ દોડયો. સૌથી પહેલાં દરવાજાનો સેફ્ટી લોક ચેક કર્યો. લોક બંધ હતો... પછી ફટાફટ બ્રાઉન ટેપ ઉખેડી તેણે બારસાખ અને દરવાજા વચ્ચેની તડ(જગ્યા)માં ચીપકાવાનું શરૂ કર્યુ. ગણતરીની સેકન્ડોમાં તેણે સમગ્ર બારસાખ ઉપર ઉભી-આડી ટેપ લગાવી દીધી હતી. બે ડગલા પાછળ હટીને તે હાંફતો ઉભો રહયો. હવે બારસાખની તડમાંથી હવા પણ અંદર આવી શકે તેમ નહોતી. આડી-અવળી જેમ ફાવે તેમ ટેપ ચોંટાડી તેણે એ તડને બુરી દીધી હતી.
મોન્ટુનાં જીગરમાં થોડીક નિરાંત વળી... પરંતુ હજુ પારેપુરો ખતરો ટળ્યો નહોતો. દોડીને ફરીથી તે પલંગ ઉપર ચડયો અને રજાઇમાં લપાઇ ગયો. હવે પછી આવનારી ક્ષણોમાં શું થાય છે એનો તેને ઇંતજાર હતો.
***
ભારે વેગથી ભાગતી જીપનું સ્ટિયરીંગ એક ઝટકા સાથે ઇશાને તેની જમણી બાજુ ઘુમાવ્યુ અને જીપને ચૌહાણ સદનનાં ગેટમાં લીધી. તેઓ આંચલનાં ઘરે પહોંચ્યા હતાં. બંગલાનાં પોર્ચમાં લાવીને ઇશાને જીપ થોભાવી અને પળવારનાં વિલંબ વગર કુદકો મારીને તે નીચે ઉતર્યો. બીજી તરફથી એલીઝાબેથ પણ નીચે ઉતરી. ઇશાન દોડયો, બંગલાનાં મુખ્ય દરવાજે જઇ પહોચ્યો. બંગલાનો મેઇન દરવાજો બંધ હતો. દરવાજાની પડખે, બાજુની દિવાલે બેલની સ્વીચ હતી. તેણે બેલ ધડ-ધડાવી મુકયો. એક-એક ક્ષણ તેને કિંમતી લાગતી હતી. બેલનો અવાજ બંગલાનાં ડ્રોઇંગરૂમમાં ગુંજી ઉઠયો પરંતુ થોડીવાર રાહ જોવા છતાં દરવાજો કોઇએ ખોલ્યો નહી એટલે ઇશાન અકળાયો. “ કમ-ઓન...કમ-ઓન...જલદી દરવાજો ખોલો...” તે બોલ્યો અને ફરીથી બેલ વગાડ્યો. એ દરમ્યાન એલીઝાબેથ તેની એકદમ પાછળ આવીને ઉભી રહી ગઇ હતી અને અધીરાઇભેર દરવાજો ખુલે તેની રાહ જોવા લાગી. બીજા પ્રયત્નમાં પણ જ્યારે દરવાજો કોઇએ ન ખોલ્યો ત્યારે ઇશાને ત્યાંથી હટીને તેની આજુ-બાજુ નજર ઘુમાવી. મુખ્ય દરવાજાની ડાબી બાજુ...પોર્ચમાં થઇને બંગલાની પાછળ તરફ પથ્થરની એક નાનકડી પગદંડી નજરે ચડતી હતી. તે એ તરફ લપકયો. પગદંડી ઉપર દોડતો તે બંગલાનાં પાછળનાં ભાગે પહોંચ્યો.
ઘરમાં કોઇ નહોતું તેનું આશ્ચર્ય જરૂર થયું, પરંતુ અત્યારે તેની પાસે વધુ વિચારવાનો સમય નહોતો. બંગલાની પાછળ વરંડા જેવો ભાગ હતો. એ વરંડામાં લોંખડની એક સીડી તેની નજરે ચડી જે એક ખુણામાં લગાવાઇ હતી. એ સીડી બંગલાનાં પહેલા માળે બહારની નાનકડી બાલ્કની સુધી જતી હતી. વધુ વિચાર્યા વગર તે સીડી ચઢી ગયો અને બાલ્કનીમાં આવ્યો. બાલ્કનીમાં સામે જે રૂમ હતી એ રૂમને ફ્રેન્ચ વિન્ડો જડેલી હતી. તે એ વિન્ડો તરફ ધસ્યો. વિન્ડોનાં કાચની એકદમ નજીક પહોંચીને તે ઉભો રહયો અને અંદર ઝાંકયું. બારીને પરદા નહોતા પાડેલા એટલે અંદરનું દ્રશ્ય સ્પષ્ટ દેખાતું હતું. ફ્રેન્ચ વિન્ડોની અંદર... રૂમમાં જે દ્રશ્ય તેની નજરે ચડયું એ જોઇને તે આભો બનીને બારીએ જ સ્થિર થઇ ગયો.
મોન્ટુનો જીવ તેનાં તાળવે અટકયો હતો. ક્ષણ-પ્રતિક્ષણ તેની હાલત નાજુક બનતી જતી હતી. તેણે બારણા વચ્ચેની તિરાડો ટેપ ચોંટાડીને બંધ કરી દીધી હતી પરંતુ તેનાથી તો બહાર દરવાજે જે કોઇપણ હતું એ વધુ ઝનૂને ભરાયું હોય એવું તેને પ્રતીત થયું. “ ધમ...ધમ...ધમ...ધમ...” બારણુ ઠોકાવાના ભયાવહ અવાજોથી આખો કમરો ખળભળી ઉઠયો.
બન્યું એવું હતું કે લોબીમાં પથરાયેલા ધુમ્મસમાં એકા-એક જીવ આવ્યો હોય એમ ધુમ્મસની....ધુમાડાની એક સેર હવામાં ઉપર બેઠી હતી. એ સેર ક્ષણભરમાં એક આકૃતિમાં તબદીલ થઇ હતી. એક ભયાવહ અને ભયાનક આકૃતીમાં... આ એજ આકૃતિ હતી જે હમણા થોડીવાર પહેલાં આંચલની કારમાં દેખાય હતી. આંખ....નાક....કાન...વગરની ખૌફનાક આકૃતિ.. તે કોઇ આદમી હતો. આછા ધુમાડા રૂપી તેનું શરીર હવામાં લહેરાઇ રહયું હતુ. એ પુરુષ આકૃતિએ ધુમાડા સ્વરૂપે પહેલા મોન્ટુનાં રૂમમાં પ્રવેશ કરવાની કોશીષ કરી જોઇ, પણ તેમાં તેને નાકામયાબી મળી હતી. કમરાનાં દરવાજા નીચે, બાજુમાં, ઉપર....કયાંય થોડીક પણ ખુલ્લી જગ્યા નહોતી જ્યાંથી તે અંદર પ્રવેશી શકે. આ જોઇને તે ગુસ્સે ભરાયો હતો અને બેતહાશા જોર-જોરથી તેણે કમરાનો દરવાજો ઠોકવા માંડયો હતો. તેનો પ્રહાર એટલો શક્તિશાળી હતો કે મજબુત લોંખડનાં મિજાગરા ભીડેલો દરવાજો પણ ઘડીભરમાં તો હચમચી ગયો. એ આકૃતિનાં મોં માંથી ભયાનક ચીખો નીકળતી હતી. એવું લાગતું હતું કે તે એ દરવાજાને મિજાગરા સોતો ઉખડીને અંદર ફેંકી દેશે.
મોન્ટુ ભયંકર ડરથી થર-થર ધ્રુજી રહયો હતો. મોત તેનાં દરવાજે દસ્તક દઇ રહયું હતું. તેનાં નાનકડા હ્રદયમાં અજીબ ફફડાટ ફેલાયો હતો. આંખો ફાડી-ફાડીને તે દરવાજાને જોઇ રહયો હતો. બસ...મિનિટોમાં એ દરવાજો તૂટી પડવાનો હતો અને તેનો ખેલ ખતમ થઇ જવાનો હતો....!
એ કમરો મોન્ટુનો જ હતો. ઇશાન જે ફ્રેન્ચ વિન્ડોને ચીપકીને ઉભો હતો એ મોન્ટુનો કમરો હતો. ઇશાને બારીનાં કાચમાંથી રુમની અંદર સર્જાયેલી કટોકટીની પરિસ્થિતી નીહાળી હતી. તેણે જોયું કે મોન્ટુ પલંગ ઉપર હતો અને તેનાં કમરાનો દરવાજો કોઇક ભારે ઝનુનથી હચમચાવી રહયુ હતું. એ શું હોઇ શકે તે તરત ઇશાન સમજી ગયો. આંચલ સાચુ કહેતી હતી, તેનાં ભાઇ મોન્ટુનો જીવ જોખમમાં હતો. ક્ષણભરનોય વિલંબ કર્યા વગર ઇશાને મોન્ટુનાં નામની બુમ પાડી અને વિન્ડોનાં કાચને ખોલવાની કોશિષ કરવા લાગ્યો. બારી અંદરથી બંધ હતી. ઇશાનનો અવાજ મોન્ટુને સંભળાયો નહોતો. ભયાવહ કટોકટીની ક્ષણ હતી.. અને કટોકટીની એ ક્ષણે ઇશાનનાં દિમાગે તેનો સાથ દીધો. બારીનાં કાચને ખોલવાની વ્યર્થ કોશીષ તેણે પડતી મુકી અને બે ડગલા પાછળ હટયો....પછી બારી તરફ વેગથી દોડયો. તેનું કસરતી મજબુત શરીર કોઇ ભારેખમ હથોડાની માફક ફ્રેન્ચ વિન્ડોનાં કાચ સાથે અફળાયું.. વિન્ડોનો આદમકદનો પારદર્શક કાચ ખણણ.. કરતો તૂટયો, અને ઇશાન કાચ તોડીને અંદર રૂમમાં ખાબકયો. તેણે લગભગ આંધળુકીયા જ કર્યા હતાં અને જેમાં તે સફળ થયો હતો. બારીનો કાચ તૂટીને ફર્શ ઉપર વિખેરાયો સાથે ઇશાન ફર્શ ઉપર ગોઠીંબડુ ખાઇને તરત ઉભો થયો. “ મોન્ટુ....” તેણે બુમ પાડી અને પલંગ તરફ દોડયો. મોન્ટુએ પણ ઇશાનને જોયો. આશ્ચર્યથી તેનુ મોં ખુલ્યું.. અને શરીર ઉપર ઓઢેલી રજાઇ ફગાવીને ઉભો થઇને તે ઇશાન તરફ દોડયો. પલંગની ધારેથી જ ઇશાને મોન્ટુને ઉંચકી લીધો અને પળવારનાં વિલંબ વગર ફરી તે બારી તરફ દોડયો.
બરાબર એ ક્ષણે જ કમરાનો દરવાજો એક કડાકાનાં અવાજ સાથે તૂટયો. કમરાની બહાર લહેરાતા સાયા એ ભયાનક ઝનૂનથી તેનો આખરી વાર ઝિંકયો હતો. વાર એટલો શક્તિશાળી હતો કે દરવાજાનાં મિજાગરા તેનાં સ્ક્રૂ સહીત ઉખડીને હવામાં ઉડયા હતા. માત્ર છેલ્લો મિજાગરો તૂટયો નહોતો. દરવાજો તે એક મિજાગરા ઉપર અધૂકડો તોળાઇ રહયો. ધુમ્મસનો વિકરાળ પડછાયો કોઇ સૈલાબની માફક રૂમમાં ઘૂસ્યો. પરંતુ...એ પહેલા ઇશાન મોન્ટુને ઉંચકીને રૂમની પાછળ છજ્જા જેવી બાલ્કનીમાં પહોંચી ચૂકયો હતો. દોડતાંજ તે લોખંડની સીડી નજીક પહોંચ્યો હતો અને સૌથી પહેલાં તેણે મોન્ટુને સીડીનાં પગથીએ ઉતાર્યો. એલીઝાબેથ આ સમગ્ર ધમાલ દરમ્યાન નીચે ઉભી રહી ગઇ હતી. બંગલાનાં પોર્ચમાંથી તે ઇશાનની પાછળ અહી સુધી દોડી આવી હતી. ઇશાન જ્યારે સીડી ચઢીને ઉપર ગયો ત્યાર તેણે પણ તેની પાછળ જવાનું વિચાય્યું હતું, પણ તે અટકી હતી. કંઇક વિચારીને તેણે નીચે જ ઉભા રહેવાનું નક્કી કર્યુ હતું. તેમાં તેની ગણતરી એ હતી કે જો ઇશાન કયાંક ફસાઇ જાય તો પાછળથી તે તેને મદદ કરી શકે...! અને થયુ પણ એવુંજ. તેણે સીડી ઉપરથી નીચે ઉતરતા મોન્ટુને પહેલાં જોયો. તે સાવધ થઇ. તેની પાછળ-પાછળ ઇશાન પણ આવતો દેખાયો.
“ એલીઝાબેથ....” ઇશાને બુમ પાડી. “ જલ્દી જીપમાં બેસ. અહીથી ભાગવું પડશે....”
મોન્ટુની પાછળ વાવાઝોડાની માફક આવતા ઇશાનને જોઇને તે સમજી ગઇ કે જરૂર ઉપર કંઇક અજૂગતું બન્યું હોવું જોઇએ. ઇશાનનો હાંકોટો સાંભળીને તેણે દોડવાનું શરૂ કર્યુ હતુ અને સેકન્ડોમાં તે બંગલાનાં પોર્ચમાં ખડેલી જીપ સુધી આવી પહોંચી. જીપની ડ્રાઇવર સીટ ઉપર ગોઠવાઇને તેણે ઇગ્નિશન ચેક કર્યું. જીપની ચાવી તેનાં ઇગ્નિશનમાં જ હતી. તેને ભારે રાહત થઇ....કદાચ ઇશાને જાણી-જોઇને ચાવીને જીપમાં જ રહેવા દીધી હતી જેથી ખરા સમયે ચાવી શોધવામાં સમય ન બગડે. એલીઝાબેથે ઇગ્નિશનમાં ચાવી ઘુમાવી....અને તેનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું. ચાવી ઘુમાવતા જીપનાં બોનેટની અંદર એન્જિનમાં સ્પાર્ક તો થયો પરંતુ જીપ ચાલુ ન થઇ. થોડીક ઘરઘરાટી બોલી અને એન્જિન શાંત થયું. એલીઝાબેથનાં હદયમાં ફફડાટ પેસ્યો. તેણે ફરીથી ચાવી ઘુમાવી, અને ફરી-ફરીને કોશીશ કરી...પણ જીપ ટસ-ની-મસ નાં થઇ. કોઇ અડીયલ ઘોડાની જેમ તે ઉભી રહી ગઇ હતી. “ઓહ ગોડ....” તેનાં મોં માંથી ઉદ્દગાર નીકળ્યો. “ ડેમ ઇટ....” જીપનાં સ્ટીયરીંગ ઉપર તેણે હાથ પછાડયા, અને ફરીથી જીપ શરૂ કરવાની ગડમથલમાં પરોવાઇ.
એ દરમ્યાન મોન્ટુ અને તેની પાછળ-પાછળ ઇશાન બંગલાનાં વરંડાની સીડી ઉતરીને દોડતા પોર્ચમાં આવ્યા હતાં. મોન્ટુએ એલીઝાબેથને જીપની ડ્રાઇવર સીટ ઉપર બેઠેલી જોઇ. તે એ તફર, જીપની ડાબી બાજુ દોડયો. જીપની નજીક પહોંચી દરવાજો ખોલીને તે સીધો જ સીટમાં ખાબકયો. માંડ-માંડ તે મોતનાં મુખમાંથી છટકયો હતો એટલે તેને “હાશ” થઇ. તેની પાછળ ઇશાન પણ દોડતો આવ્યો હતો અને તે પણ મોન્ટુની બાજુમાં ચડી બેઠો.
“ એલીઝાબેથ...જીપ ભગાવ...” તે ચિલ્લાઇને બોલ્યો. તેને એમ કે એલીઝાબેથ તૈયાર જ હશે. એલીઝાબેથે મોંઢું વકાસીને ઇશાન તરફ જોયું “ શું થયું....?” હેરાનીથી ઇશાને પુછયું...અને પછી તેની સમજમાં આવ્યું કે જીપ શરૂ જ નહોતી. ભવાં સંકોચી તે એલીઝાબેથને જોઇ રહયો.
બીજી તરફ....બંગલાનાં ઉપરનાં માળે તોફાન સર્જાયુ હતું. હાથમાં આવેલો શિકાર આટલી આસાનીથી છટકી જવાથી હવામાં લહેરાતો વ્યક્તિ ભયાનક ક્રોધે ભરાયો હતો. મોન્ટુ અને ઇશાનની પાછળ તે પણ બાલ્કનીમાં આવ્યો હતો અને બાલ્કનીની ધારે આવીને અટકયો. તેની આંખોમાંથી આગ ઝરતી હતી. ભયાનક અવાજોથી તેણે સમગ્ર વાતાવરણને ખળભળાવી મુકયું હતું. તેનું ચાલ્યુ હોત તો તેણે ત્યાંને ત્યાં જ મોન્ટુ અને ઇશાનને ખતમ કરી નાંખ્યા હોત પરંતુ તેઓ તેનાં હાથમાંથી છટકી ગયા હતાં. કદાચ તે બંનેનાં નસીબ વધુ બળવત્તર હતાં. તે ભયાનક પુરુષ આકૃતિએ ફરીવાર ધુમ્મસનું રૂપ લીધુ. ધીમે-ધીમે તેનો દેહ સફેદ ધુમાડામાં પરીવર્તીત થઇ હવામાં ઓગળ્યો. તેમાંથી એક પાતળી ધુમ્મસની સેર રચાઇ અને એ સેર બાલ્કનીમાંથી કોઇ સાપ દિવાલ ઉપર સરકે તેમ નીચે તરફ લસરી....કોઇપણ ભોગે તે હવે ઇશાન અને મોન્ટુને તેનાં હાથમાંથી છટકવા દેવા માંગતો નહોતો.
આકાશમાં કાળા વાદળોનો જમાવડો થવા લાગ્યો હતો. એ કોઇ વરસાદી વાદળો નહોતાં. અચાનક ઉદ્દભવેલા ડરામણા, બિહામણા વિષાદી વાદળો હતાં. દરિયા તરફથી વાતા પવનમાં વાદળો આ તરફ ખંચાઇ આવ્યા હતાં. ધીમે-ધીમે કરતા સમગ્ર નગર ઉપર ઘટ્ટ ધુમ્મસીયા વાદળો છવાઇ ગયા. ભર-બપોરે સૂર્યની અગ્નિથી તપતાં આકાશમાં ઘડીભરમાંતો અંધકાર છવાઇ ગયા.
“ માય ગોડ ઇશાન....આ બધું શું છે....?” ગાડી સ્ટાર્ટ ન થવાથી ગભરાયેલી એલીઝાબેથ ઉપર આકાશ તરફ જોતા બોલી. એકસાથે ઘણુંબધુ અજુગતુ બની રહયું હતું જે તેની સમજ બહાર હતું. ઇશાન શું બોલે....? મોન્ટુને બચાવતી વખતે ઉપરનાં કમરામાં તેણે જોયેલું દ્રશ્ય તેનાં માનસપટલ ઉપરથી હટતું નહોતું. અત્યાર સુધી તેણે ફક્ત વાતો જ સાંભળી હતી, અને એ વાતો ઉપરથી ઘણા અનુમાનો કર્યા હતાં..પરંતુ અહીં તેણે નજરો-નજર એક અનહોની ઘટના જોઇ હતી. ભયાનક પ્રેતાત્માનાં સાયાને પોતાની સગ્ગી આંખોએ નિહાળ્યો હતો. તે ધ્રુજી ઉઠયો હતો. તેની જગ્યાએ જો અન્ય કોઇ પોચા હદયનો વ્યક્તિ હોત તો જરૂર તેનું હદય બેસી પડયું હોત...! પણ તે બચી ગયો હતો. મોન્ટુને પણ તેણે બચાવી લીધો હતો.
“ લાગે છે નગરનો અંત હવે નજીક છે....” ઇશાન મોઘમ સ્વરમાં બોલ્યો. મોન્ટુ તો કયારનો ગભરાઇને કારની પાછલી સીટમાં ચાલ્યો ગયો હતો અને સીટ ઉપર ટૂંટીયુ વાળીને, આંખો બંધ કરીને પડયો હતો.
“ ઇશાન...સામે જો...!” ઇશાન વધુ કંઇ બોલે એ પહેલા એલીઝાબેથે જોરથી રાડ નાંખી. તેનો હાથ ઇશાનનાં હાથ ઉપર દબાયો. ભયથી પહોળી થયેલી તેની આંખોમાં દુનીયાભરનો ખૌફ તરી આવ્યો. સ્તબ્ધ બનીને તે તેની સીટ સાથે ચોંટી ગઇ. ઇશાને પહેલા એલીઝાબેથ સામુ જોયુ અને પછી એ જે તરફ જોતી હતી એ તરફ, જીપનાં આગલા કાચમાંથી બહાર જોયું.
બંગલાનાં પોર્ચમાં, જ્યાં જીપ ખડી હતી તેની આગળનાં ભાગમાં, જીપનાં બોનેટથી એકદમ નજીક....પોર્ચનાં બ્લોક મઢેલા રસ્તાની બરોબર વચ્ચોવચ....વહેતી હવાની લહેરાતી લય સાથે વહયે આવેલી કાળા-સફેદ ધુમાડાની એક લીટી જમીન ઉપર ઢગલો થઇને એકઠી થઇ રહી હતી. એ દ્રશ્ય અજીબ હતું. જાણે રણની ઝીણી રેતીનો એક ઠેકાણે ઢુવો સર્જાતો હોય એમ ત્યાં ધુમ્મસનો ઢગલો સર્જાતો હતો. થોડી જવારમાં એ ઢગલામાં હલચલ મચી અને જે પુરુષ આકૃતિને ઇશાને ઉપર રૂમમાં જોઇ હતી એજ ભયાવહ ચહેરો ફરી-વખત તેમાં ઉદભવ્યો. ઇશાનનાં હદયની ધડકનો તેજ થઇ.
“ તું આ તરફ આવ...” ડ્રાઇવિંગ સીટ ઉપર લગભગ જડ થઇને બેઠેલી એલીઝાબેથને તેણે કહ્યું અને તે જીપમાંથી નીચે ઉતરી, દોડીને જીપનાં બોનેટને ગોળ ફરી ડ્રાઇવિંગ સીટે પહોંચ્યો. એ દરમ્યાન એલીઝાબેથ અંદરથી જ ઉભી થઇને બાજુની સીટમાં સરકી ગઇ હતી. ઇશાને ઝડપથી ડ્રાઇવીંગ સીટ ઉપર બેઠક લીધી. “જલ્દીથી બધા કાચ બંધ કર....” તે ચિલ્લાયો અને જીપનાં દરવાજાનો પોતાની તરફનો કાચ તેણે ચડાવ્યો. એલીઝાબેથ પણ ઇશાનને અનુસરી. તેણે એ તરફનો કાચ ચડાવ્યો. પાછળનાં બંને કાચ ઓલરેડી બંધ જ હતાં. ઇશાને ઇગ્નીશનમાં રહેલી ચાવીને પુરા ફોર્સથી ધુમાવી. એક ઘરઘરાટીનો અવાજ આવ્યો....અને જીપનું એન્જિન જીવતું થયું. જીપ એક ખટકા સાથે સ્ટાર્ટ થઇ. કંઇપણ વિચાર્યા વગર ઇશાને જીપને રીવર્સ ગીયરમાં નાંખી, ક્લચ છોડયો અને પુરા ફોર્સથી લીવર ઉપર પગ દાબ્યો. કમાનમાંથી વછુટતા તીરની જેમ જીપ પાછળ તરફ રિવર્સમાં ભાગી...અને એટલીજ તીવ્રતાથી પેલો ભયાનક મનુષ્ય સાયો જીપથી પણ તેજ ગતીથી જીપની પાછળ લપકયો....
( ક્રમશઃ )
મિત્રો આ કહાની તમને કેવી લાગે છે એ જરુર જણાવજો.