Nagar - 40 books and stories free download online pdf in Gujarati

નગર - 40

નગર-૪૦

( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- આંચલનાં રેડિયો સ્ટેશનનાં ડેસ્ક ઉપર પડેલો અરીસો એકાએક આગનાં ગોળામાં પરિવર્તિત થઇ જાય છે અને એક ધડાકા સાથે તે ફાટે છે... આંચલ તેનાથી બચવા પોતાની કાર લઇને નગર તરફ જાય છે ત્યારે અચાનક ધુમ્મસનાં વાદળો તેને ઘેરી લે છે. ધુમ્મસમાં એક વિકરાળ ચહેરો સર્જાય છે જેને જોઇને ડરથી તે બેહોશ થઇ જાય છે... હવે આગળ વાંચો...)

એલીઝાબેથ હજુ હમણાંજ ઉઠી હતી. ખબર નહી કેમ પણ આખી રાત તે તંદ્રામાં જાગતી પડી હોય એવું તેણે અનુભવ્યું હતું. તંદ્રામાં તેને બિહામણા સપનાઓ આવતા હતાં. તેનાં પલંગની આસપાસ ભયાનક ઘોંધાટ થતો ન હોય...! જાણે ઘણાબધા માણસો તેનાં પલંગને ધેરીને ઉભા રહયા હતા અને જોર-જોરથી ચીખી રહયા હોય એવા અવાજો તેનાં કાને અફળાતા રહયા હતાં. ભયાનક હ્રદયદ્રાવક ચીખોનો અવીરત સીલસીલો સવાર સુધી ચાલ્યો હતો. સવાર થતાં જ કોણ જાણે કેમ, બધુ શાંત પડી ગયું હતું અને તેને એકાએક ગેહરી ઉંઘ આવી ગઇ હતી. તે જાગી ત્યારે ઘડીયાળનાં કાંટા અગીયાર વગાડી રહયા હતાં. તેનું માથુ ભારેખમ લાગતું હતું. ઘડીક તો સૂઇ રહેવાનું મન થયું પણ તે જાણતી હતી કે ઇશાનનાં ઘરમાં બધા વહેલા ઉઠી જતાં. વહેલી સવારનાં છ વાગતા તો આ ઘર જીવંત થઇ ઉઠતું, જ્યારે અત્યારે તો બપોર થવા આવી હતી.

શરીર પરથી ચાદર હટાવીને તે સીધી બાથરૂમમાં ઘુસી ગઇ. ગઇકાલ રાતથી જ તેનું મન ચગડોળે ચડયું હતું. ખબર નહી કેમ પણ રહી-રહીને પેલા ચિન્હો તેનાં માનસ-પટલ ઉપર ઉભરતા હતાં. એ ચિન્હો સાથે જરૂર તેનો કોઇ ગહેરો સંબંધ હોવો જોઇએ એવું તેનું મન કહેતું હતું...! અને રાત્રે જોયેલા પેલા બિહામણા સ્વપ્નો...! તે ધ્રુજી ઉઠી. શાવરમાંથી વહેતું ઠંડુ પાણી તેના સંગેમરમર-સા ગોરા બદનમાં આહલાદ્ક ઠંડક પેદા કરતું હતું. શરીરની અંદરની ગરમી અને એ ગરમીને ઠારવા શરીર ઉપર પડતું શાવરનું ઠંડુ પાણી...! અજીબ કશ્મકશ અનુભવતી એલીઝાબેથ ઘડીભર સ્થિર થઇ હતી. “ ઇશાન... ! ” એકાએક તેને ઇશાન સાંભર્યો. તેનુ ધ્યાન ભંગ થયું અને તેની આંખો સમક્ષ ઇશાનનો પુરુષત્વથી ભર્યો-ભર્યો ચહેરો છવાયો. તે મલકી ઉઠી. ઇશાન તેની સાથે હતો. ભલે તે આ કમરાની બહાર હતો છતાં ઇશાન તેની સાથે હતો. એ અહેસાસ કેટલો સુનેહરો હતો. ઇશાનની યાદગીરીએ તેનાં શરીરમાં તાજગી ભરી દીધી. રાત્રીનો બિહામણો અનુભવ ક્ષણભરમાં અલોપ થયો અને તે ખીલી ઉઠી.” ઇશાન...આઇ લવ યુ... ” સ્વગત તે બબડી અને મલકી ઉઠી. જલ્દીથી નહાઇને તે બહાર નીકળી. અત્યારે ઇશાન જો તેની સમક્ષ, આ કમરામાં હાજર હોત તો જરૂર તે તેને વળગી પડી હોત. પોતાનાં ભીનાં શરીરને તેણે ઇશાન ઉપર નાંખ્યુ હોત, અને તેનાં હોઠ ઉપર એક ગહેરું ચુંબન કર્યુ હોત. કદાચ, એનાથી પણ આગળ તે વધી ગઇ હોત.

“ ડેમ ઇટ...! ” પોતાનાંજ વિચારોથી તેનાં ગાલ ઉપર રતાશ છવાઇ. ઇશાન હજુ તેનાં કમરામાં જ હોવો જોઇએ. તેને જોવાની તિવ્ર તલબ ઉદ્દભવી. ઝડપથી તેણે પોતાનો સામાન ભરેલી બેગ ખોલી. બહુ ઓછા કપડાં તે ઓસ્ટ્રેલીયાથી સાથે લઇને આવી હતી. ત્રણ જીન્સ હતા અને એટલાં જ ટોપ. “ નહિ...એ નથી પહેરવા... ” તેણે વિચાર્યુ અને બેગનાં તળીયે સાચવીને મુકેલો પોતોનો મનગમતો સફેદ ગાઉન બહાર કાઢયો. એકદમ આછી, સુંવાળી-ઝાળીદાર નેટનાં કપડામાંથી બનેલો સીંગલ-પીસ ગાઉન તેને બહુ ગમતો. શરીર ઉપર વીંટાળેલો ટુવાલ હટી ઝડપથી તેણે અંડરવેર પહેર્યા અને તેની ઉપર ગાઉન પહેર્યો. ગાઉનની અંદરનું પેટીકોટ જેવું સફેદ અસ્તર ઢાકાનાં મલમલમાંથી બનાવાયું હોય એટલું સુંવાળું હતું. પોતાના પ્રેમીને મળવા જતી કોઇ અભિસારીકાની માફક તે તૈયાર થઇ અને કમરાનાં એક ખૂણે, દિવાલે જડેલા આદમ-કદનાં અરીસા સમક્ષ જઇને ઉભી રહી. અરીસાની અંદર દેખાઇ રહેલા પોતાનાં પ્રતિબિંબને જોઇને તે મલકી ઉઠી. તેની ભૂખરી સ્કિન ઉપર વાઇટ કલરનું કોમ્બીનેશન કંઇક અલગ જ આભા ઉત્પન્ન કરતું હતું. તે બેહદ ખૂબસૂરત લાગતી હતી. પોતાની જ પ્રસંશામાં તેના હોઠ ગોળ થયા અને તેમાંથી ધીમી વ્હિસલ નીકળી પડી. “ ઇશાન તેની પાછળ પાગલ ન થયો હોત તો એ નવાઇની વાત હોત... ” વિચારતી તે અરીસા સામેથી હટી અને કમરાનાં દરવાજે આવી. તેણે દરવાજો ખોલ્યો. એ સાથે જ તેનું હ્રદય એક ધબકારો ચુકી ગયું. કમરાના દરવાજે ઇશાન ઉભો હતો. તેનો એક હાથ અધ્ધર હતો, મતલબ કે તે દરવાજો ખટખટાવાની તૈયારીમાં હતો. હમણાં જેને યાદ કરીને તે મલકાઇ રહી હતી એ વ્યક્તિ અત્યારે તેની નજરો સમક્ષ ઉભો હતો. અધઃખુલ્લા દરવાજા વચ્ચે સ્તબ્ધ બનીને તે ઉભી રહી ગઇ. તેની નજરો ઇશાનનાં સોહામણા ચહેરા ઉપર સ્થિર થઇ હતી અને તેનાં દિલમાં પતંગીયા ઉડવા લાગ્યા હતાં.

એલીઝાબેથનાં કમરાનાં બારણે ટકોરા મારવા ઉંચકાયેલો ઇશાનનો હાથ હવામાં અધ્ધર ચોંટી ગયો હતો. તે પણ સ્તબ્ધ બનીને એલીઝાબેથને તાકી રહયો. દાદાનાં કમરામાંથી તે હમણાંજ બહાર આવ્યો હતો. તેની અને તેનાં દાદા દેવધર તપસ્વી વચ્ચે ઘણીબધી વાતો થઇ હતી અને એ વાતચીતનું જે પરીણામ નીકળતું હતું એ ઘણું ચોંકાવનારું હતું. તે એના વીશે વધુ કંઇ વિચારે એ પહેલા તેનો મોબાઇલ રણકયો હતો. ફોન ઉપર આંચલ હતી....આંચલે જે કહયું એ સાંભળીને ઇશાનનાં હ્રદયનાં ધબકારા વધી ગયા હતાં. આંચલની ઓફિસમાં કંઇક ગરબડ થઇ હતી અને ફોનમાં તે કહી રહી હતી કે તે...મતલબ કે ઇશાન, જલ્દી તેનાં ઘરે મોન્ટુ પાસે પહોંચે અને મોન્ટુનું ધ્યાન રાખે. ઇશાન તુરંત સમગ્ર માજરો સમજી ગયો હતો. દાદાની રજા લઇને તે બહાર નીકળ્યો હતો. દાદાનાં કમરાની બહાર આવ્યા પછી તેને એલીઝાબેથ યાદ આવી. એલીઝાબેથની માથે પણ ખતરો મંડરાઇ રહયો હતો એટલે તેને પોતાની સાથે રાખવામાં જ તેની સલામતી હતી એવું વિચારી તે તેનાં કમરા સુધી આવ્યો હતો. દરવાજો ઠોકવા હજુ તેણે હાથ ઉઠાવ્યો જ હતો કે એકાએક દરવાજો ખૂલ્યો હતો. તેનો હાથ હવામાંજ અધ્ધર તોળાઇ રહયો. એલીઝાબેથ કદાચ હમણાંજ નાહીને બહાર નીકળી હતી જેની સાબીતી રૂપે તેનાં ઘુંઘરાળા ભૂખરા વાળમાં પાણીની બુંદો કોઇ તારલીયાની માફક ચમકી રહી હતી. એવીજ ભીનાશ તેના ચહેરાની સુંવાળી ચામડીમાં તરતી હતી. તેણે લીપસ્ટીક નહોતી લગાવી છતાં તેનાં પાતળા હોઠ લાલઘૂમ હતાં. ઇશાનને એ હોઠ ઉપર આધીપત્ય જમાવાનું મન થયું. બીજો કોઇ સમય હોત તો તેણે એમ કર્યુ પણ હોત, પરંતુ અચાનક તેને આંચલનો ફોન કોલ યાદ આવ્યો અને વાસ્તવીકતામાં તે પાછો ફર્યો. મનમાં ઉઠતા ભાવોને લગામ લગાવી તેણે એલીઝાબેથને ઉદ્દેશીને કહયું.

“ આપણે આંચલનાં ઘરે જવું પડશે...”

“ આંચલનાં ઘરે....! કેમ...? ” એલીઝાબેથે પુછયું. ઇશાનનાં ચહેરા ઉપર ઝડપથી બદલાયેલા ભાવો તેણે વાંચ્યા હતાં.

“ તેનો નાનો ભાઇ મોન્ટુ ખતરામાં છે. આપણે ત્યાં જલ્દી પહોંચવું જરૂરી છે.”

“ ખતરામાં છે...! મતલબ....! ”

“ એ હું તને રસ્તામાં કહું. તું તૈયાર તો છે ને....? ”

“ હાં...બિલકુલ... ”

“ બસ તો પછી, ચાલ... “ ઇશાને એલીઝાબેથનો હાથ પકડયો અને તેને નીચે લઇ આવ્યો. ઝડપથી તેઓ જીપમાં ગોઠવાયા એટલે ઇશાને જીપને આંચલનાં ઘર ભણી હંકારી મુકી.

***

ઇન્સ.જયસીહ રાઠોડ મુંઝાતો હતો. સમજ નહોતી પડતી કે તેણે શું કરવું જોઇએ....? કંઇ દિશામાં જવું અને આગળ શું એક્શન લેવું તેની અવઢવમાં તે સવારનો અટવાઇ રહયો હતો. આખરે કંટીળીને તેણે ઇશાનને ફોન કર્યો. તેની પાસેથી જરૂર કોઇ દિશા મળશે તેનું મન વારે-વારે એવું કહેતું હતું.

***

રોશન પટેલે રાત માર્ગીનાં ઘરે તેનાં વૃધ્ધ પિતા પીટર ડિકોસ્ટા સાથે વિતાવી હતી. ઘણા દિવસો બાદ તેને નિરાંતની ઉંઘ આવી હતી. થોડા દિવસો તેણે અહીંજ રહી જવાનું મન બનાવી લીધુ હતું. અહી તે પુરતી સુરક્ષીતતા મહેસુસ કરતો હતો. માર્ગીનાં પિતા પીટર ડિકોસ્ટા માર્ગીનાં મોત બાદ સાવ નંખાઇ ગયા હતાં. તેમને તો હજુ પણ વિશ્વાસ આવતો નહોતો કે તેમનો એકનો એક દિકરો માર્ગી હવે આ દુનિયામાં રહયો નથી.

રોશન પટેલ ગઇકાલે જ્યારે તેમનાં બારણે આવીને ઉભો રહયો ત્યારે તેમણે તેને આવકાર્યો હતો. તેઓ જાણતા હતાં કે પોલીસની થીયરી ભલે ગમે તે કહે, પરંતુ રોશન કયારેય માર્ગીને મારી શકે જ નહી. અને...એવું માનવા પાછળ તેમની પાસે એક સખત કારણ હતું. તેઓ આ નગરનાં ભૂતકાળથી થોડા-ઘણા વાકેફ હતાં. વર્ષ સુધી નગરની લાઇબ્રેરીનું એકલા હાથે સંચાલન કર્યા બાદ તેમને એ લાઇબ્રેરીની દિવાલે ટીંગાતી નગરની તસ્વીરોનું સત્ય થોડુંક તો સમજાયું હતું. પરંતુ એ સત્ય તેનાં દિકરાનાં મોતનું કારણ બનશે એ તેઓ નહોતા જાણતા. નહિતર તેમણે કયારનું એ સત્ય બધા સમક્ષ ઉઘાડું કરી દીધુ હોત. બધું જાણવા છતાં ચૂપ રહેવાની કિંમત તેમણે માર્ગીનાં સ્વરૂપે ચૂકવી હતી, જો કે હવે એ બધી બાબતોનો કોઇ મતલબ રહેતો નહોતો. કોઇને કંઇ કહેવાનો મતલબ હવે સરવાનો નહોતો. નગરનાં આવનારા ભવિષ્યનું સ્પષ્ટ ચિત્ર તેમની બુઢ્ઢી આંખો અત્યારથી જ જોઇ શકતી હતી.

***

“ગજબની સુંદર લાગે છે તું આ ગાઉનમાં... ” જીપ ચલાવતા ઇશાને એલીઝાબેથને ત્રાંસી નજરે નિરખીને કહયું.

“ હવે છેક તારું ધ્યાન ગયું....! ” એલીઝાબેથે ઉદગાર કાઢયો.

“ એવું નથી, પણ અત્યારે હાલાત અલગ છે. ઘણુબધુ એવું બની રહયું છે જે મને ડરાવી રહયું છે. ”

“ ડોન્ટ ટેલ મી....! તું ડરી રહયો છે...? શેનાથી...? “ એલીઝાબેથને આશ્ચર્ય થયું.

“ તારી જ વાત લે ને....! ગઇકાલે રાત્રે આપણે લાઇબ્રેરીમાં ગયા હતા ત્યારે તારું વર્તન અજીબ નહોતું....? ”

“ અજીબ હતું.....! મતલબ...? ”

“ તું એકાએક ખામોશ થઇ ગઇ હતી. જાણે ટ્રાન્સમાં ચાલતી હોય એમ....! એકદમ ચૂપચાપ....! શું થયું હતું તને....? “

“ આઇ ડોન્ટ નો. અત્યારે તું મને કહે છે ત્યારે ખબર ખબર પડે છે ઇશાન. શું મેં એવું વર્તન કર્યુ હતું....? બધાને કેવું લાગ્યું હશે નહી....! ” એલીઝાબેથ એકા-એક બોલી ઉઠી. આખી રાત તેણે જોયેલા બિહામણા સ્વપ્નો તેનાં માનસ-પટલ ઉપર ફરી છવાયાં. “ તારી વાત કદાચ સાચી હશે. આખી રાત મને બહું ચિત્ર-વિચિત્ર સપનાઓ આવ્યે રાખ્યા હતાં. જે સપનાઓ મને ઓસ્ટ્રેલીયા હતી ત્યારે આવતા હતા એવુંજ કંઇક ગઇ રાત્રે મને દેખાતું હતું. બધુ બહુ અજીબ બને છે નહિ...? ”

“ હાં...! અજીબ અને ન સમજાય એવું. ” ઇશાન બોલ્યો...અને પછી ખામોશ થઇ ગયો. તેઓ આંચલનાં ઘરે પહોંચવા આવ્યા હતાં. એક વખત તો ઇશાનને થયું કે તે એલીઝાબેથને આ નગરની સચ્ચાઇ જણાવી દે. તેનાં અને વર્ષો પહેલા નગરનાં કાંઠે લાંગરેલા જહાજનાં નામ વચ્ચે જે સામ્ય હતું, એ સામ્ય વિશે એલીઝાબેથને ખુલાસાવાર વાત કરે...પરંતુ તે એવું કરી ન શકયો. ડરેલી એલીઝાબેથને તે વધુ ડરાવવા માંગતો નહોતો, એટલે તેણે ખામોશીથી હોઠ ભીડીને જીપને નવનીતભાઇ ચૌહાણનાં બંગલાનાં પોર્ચમાં લીધી. જીપમાંથી ઉતરીને તે બંને બંગલાનાં પગથીયા ચડતા હતાં બરાબર એ સમયે ઇશાનનો મોબાઇલ રણકયો.

“ એક મીનીટ....! ” ઇશાને પગથીયા ઉપર ઉભા રહેતા એલીઝાબેથને કહયું અને મોબાઇલ કાઢયો. મોબાઇલ સ્કિન ઉપર ઝળકતું નામ જોઇને તેને આશ્ચર્ય થયું. ઇન્સ.જયસીંહ તેને ફોન કરી રહયો હતો. તેણે ફોન ઉઠાવ્યો.

“ હલ્લો ઇન્સ્પેક્ટર સાહેબ....! મારા અહોભાગ્ય કે તમે મને યાદ કર્યો. ” ન ચાહવા છતાં તેનાં અવાજમાં વ્યંગ ઉભરી આવ્યો હતો.

“ હલ્લો ઇશાન....! મારે તને મળવું હતું. અત્યારેજ. કયાં છે તું...? ” જયસીંહે પુંછયું. ઇશાનનાં અવાજમાં રહેલા વ્યંગને તેણે સદંતર અવગણ્યો હતો. તે જાણતો હતો કે તે જે ફિલ્ડમાં છે એ ફિલ્ડમાં તેનાં દોસ્તો કરતાં દુશ્મનો વધારે હોવાનાં.

“ હું નવનીત અંકલનાં ઘરે છું... ”

“ યુ મીન, નવનીત ચૌહાણ...! નગરનાં સેક્રેટરી...? ”

“ યસ.... ”

“ ઓ. કે. હું આવું છું ત્યાં....! ”

“ આવી જાવ...! ” ઇશાને કહયું અને ફોન મુકયો. જયસીંહ પાસે અચાનક તેને મળવા આવવાનું પ્રયોજન શું હોઇ શકે....? ઇશાનને આશ્ચર્ય ઉદ્દભવ્યું. પરંતુ...તેનાંથી પણ વધુ મોટું આશ્ચર્ય નવનીતભાઇનાં ઘરની અંદર તેની રાહ જોઇ રહયું હતું.

***

પથારીમાં પડયા-પડયા મોન્ટુ કંટાળ્યો હતો. હવે તે ઘણુ સારુ અનુભવતો હતો. ગઇકાલે જે દ્રશ્ય તેણે જોયું હતું એનાથી તે ડરી ગયો હતો અને તેને તાવ ચડી આવ્યો હતો. પહેલા માથુર અંકલ અને પછી નિલીમા આન્ટીનું ખૌફનાક મોત તેણે નજરો-નજર નિહાળ્યું હતું એટલે તેનું ડરવું સ્વાભાવિક હતું.

મોન્ટાએ કમરામાં નજર ઘુમાવી, તે એકલોજ રૂમનાં પલંગ ઉપર સૂતો હતો. એકલા હોવાનાં અહેસાસે ફરી વખત તેની અંદર ડર પેદા કર્યો. તેનો કમરો પહેલા માળે હતો. મમ્મી જરૂર નીચે હોવી જોઇએ....તેણે વિચાર્યુ અને પલંગ ઉપરથી નીચે ઉતર્યો. તે કમરાનાં બંધ દરવાજા તરફ આગળ વધ્યો. હજુ માંડ થોડા ડગલાં જ તે ચાલ્યો હશે કે....કોઇકનાં આવવાની, ધીમા પગલે ચાલવાની આહટ તેનાં કાને પડી. કમરાની બહાર...પહેલા માળની લોબીમાં કોઇ ધીમા અવાજે આવી રહયુ હોય એવો એ અવાજ હતો. મોન્ટુની ધડકનો તેજ થઇ. એક ડર તેનાં જીગરમાં ઉદ્દભવ્યો અને પાછા પગલે જ તે દોડયો. પાછો ફરીને, દોડીને ઝડપથી તે પલંગ ઉપર ચડી ગયો. થર-થર ધ્રુજતા હાથે તેણે પલંગ ઉપર પડેલી રજાઇને પોતાના માથા ઉપર ઓઢી લીધી. કોઇક આવી રહયું હતું....અને તેનાં માટે જ આવી રહયું હતું એ સત્યએ તેનાં નાનકડા દિમાગમાં ખૌફ પેદા કરતુ હતુ. ક્ષણનાં ચોથા ભાગમાં ફરી તેને તાવ ચડી ગયો અને ચાદર નીચે થર-થર ધ્રુજતો આવનારી ક્ષણની પ્રતિક્ષા કરતો રહયો.

મોન્ટુનો એ ડર સાચો હતો. બંગલાનાં પહેલા મજલાની લોબીનાં એક ખૂણે એકાએક ધુમાડાનાં ગોટે-ગોટા ઉત્પન્ન થયા હતા અને એ ધુમાડાનો સૈલાબ ધીમે-ધીમે મોન્ટુના કમરા તરફ આગળ વધી રહયો હતો.

( વધુ આવતા અંકે...)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED