તમારા વિના - 20 Gita Manek દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તમારા વિના - 20

૨૦

‘જમવાનું પીરસું?’

‘નો.’

‘ડિનર લીધું છે? થોડુંક તો ખાઈ લે...’

‘કીધુંને ભૂખ નથી.’

‘દૂધ પીશે?’

‘ના.’

‘આજનો દિવસ ડ્રિંક ન લીધું હોત તો? મેં તને કહ્યું હતુંને બા આવવાનાં છે...’

‘હં...’

‘થોડા વહેલા આવવું હતુંને... બા તારી રાહ જાતાં હતાં.’

‘મીટિંગ હતી...’

કાન્તાબેનના કાને દીપક અને કાશ્મીરાનો સંવાદ અનાયાસ પડી રહ્ના હતો. પથારીમાં પડ્યાં-પડ્યાં તેમણે તેમની વાતચીત સાંભળ્યા કરી. કેટલા વાગ્યા હશે? કાન્તાબેને અનુમાન કરવાનો યાસ કર્યો, પણ સમયનો ખ્યાલ ન આવ્યો.

કાશ્મીરા હૉલમાં મૂકેલો સૉફા-કમ-ડબલબેડ તેમના માટે ખોલી રહી હતી ત્યારે તેમણે જ કહ્યું હતું, ‘ટેરેસમાં જ પથારી કરી દેને! અહીં સૂવું મને વધારે ગમશે.’

‘પણ બા, ત્યાં મચ્છરો કરડશે.’

‘માણસો પીએ એેનાથી તો ઓછું જ લોહી પી શકશે.’ કાન્તાબેન હસી પડ્યાં હતાં. ‘એવું હશે તો હું માથા સુધી ઓઢી લઈશ અને નહીં તો પછી રાતે અંદર આવી જઈશ.’

‘પાણીનો જગ અહીં મૂક્યો છે. પૅસેજની લાઇટ પણ ચાલુ જ રાખી છે. રાત્રે તમારે કદાચ ઊઠવું પડે તો... બીજું કંઈ જોઈએ છે?’ કાશ્મીરાએ બેડરૂમમાં સૂવા જતાં પહેલાં પૂછ્યું હતું.

‘ના, કંઈ નહીં જાઈએ.’ કાન્તાબેનથી ભીંત પરની ઘડિયાળ સામે જોવાઈ જવાયું હતું. અગિયાર વાગીને વીસ મિનિટ થઈ હતી.

‘દીપકને આવતાં કદાચ મોડું થશે...’ કાશ્મીરા જાણે દીપકનો બચાવ કરતી હોય એેમ બોલી. હૉલની લાઇટ બંધ કરી તે બેડરૂમમાં ચાલી ગઈ.

નવી જગ્યા અને નવા વાતાવરણ ઉપરાંત મનમાં વિચારોની જે વણઝાર ચાલી રહી હતી એેને કારણે કાન્તાબેનને તરત તો ઊંઘ ન આવી, પણ પછી ક્યારે ઊંઘ આવી ગઈ એેની સરત પણ ન રહી.

ડૉરબેલના અવાજથી તેમના કાન ચમક્યા હતા અને કાચી ઊંઘમાંથી તે ઓ જાગી ગયાં હતાં. કાશ્મીરાએ આવીને તરત દરવાજા ખોલ્યો હતો, પણ આ ડૉરબેલ તેમની પરિચિત હતી. દીપક નાનો હતો અને સ્કૂલથી પાછો આવતો ત્યારથી કાયમ આ રીતે જ ડોરબેલ વગાડતો... ડિંગ ડોંગ, ડિંગ ડોંગ ડિંગ... ડિંગ ડોંગ, ડિંગ ડોંગ ડિંગ...

‘હા... આવું છું ભઈસાબ... મને ખબર છે તું આવી ગયો છે.’ કાન્તાબેન દોડીને દરવાજા ખોલતાં, પણ ત્યાં સુધીમાં તો દીપકે બીજી ચારેક વખત બેલ વગાડી દીધી હોય.

‘બા, બહુ ભૂખ લાગી છે.’ દીપક દોડતોક અંદર ધસી આવતો અને સીધો રસોડામાં દોડી જતો.

‘અરે... અરે... હાથપગ તો ધોઈ લે...’

‘જમીને ધોઈશ...’ થાળીમાં રોટલી-શાક પીરસી તે ખાવા માંડતો.

‘આટલી બધી ભૂખ લાગી હતી તો કંઈક ખાઈ લેવું હતુંને? સિંગ-ચણા, ભેળ કે એવું કંઈક... પૈસા તો હતાને!’

‘એનાથી પેટ નથી ભરાતું. તારા હાથનાં રોટલી-શાક જ ભાવે છે.’ દીપક ઝડપથી કોળિયા ભરતાં કહેતો.

‘ધીમે ખા, ધીમે. જમવાનું કંઈ ભાગી નથી જવાનું. તારા માટે જ ઢાંકી મૂક્યું છે.’ કાન્તાબેનને ખબર હતી કે દીપક સ્કૂલેથી સાંજે ઘરે આવીને રોટલી-શાક જ માગશે. એટલે તે બપોરે જમવાનું થોડું વધારે જ બનાવતાં અને ગેસના ચૂલા પર ઢાંકી મૂકતાં. વિપુલને સેવ-ચેવડો, થેપલાં, પૂરી કે શક્કરપારા જેવા સૂકા નાસ્તા જોઈતા, પણ દીપક તો રોટલી-શાકનો જ ભોગી હતો; પણ શરત એટલી જ કે એ રોટલી-શાક કાન્તાબેને જ બનાવ્યાં હોવાં જોઈએ.

‘લાવ, રોટલી-શાક બનાવી દઉં?’ કાન્તાબેનના મનમાં પથારીમાં પડ્યા-પડ્યા વિચાર આવી ગયો, પણ પછી તે ઓ એમ જ પડી રહ્યાં.

હૉલની લાઇટ ફરી બંધ થઈ ગઈ હતી. દીપક અને કાશ્મીરા બેડરૂમમાં ચાલ્યાં ગયાં હતાં. કાન્તાબેને ઊંઘવાનો પ્રયાસ કર્યો. ક્યાંય સુધી તે ઓ પડખાં ઘસતાં રહ્નાં.

કાશ્મીરાએ દીપકને કહ્યું હતું, ‘આજનો દિવસ ડ્રિંક ન લીધું હોત તો? થોડા વહેલા આવવું હતુંને... બા તારી રાહ જોતાં હતાં.’

‘તો શું દીપક રોજ આટલો મોડો ઘરે આવતો હતો? તે રોજ દારૂ પીતો હતો?’

કાન્તાબેનના હૃદયમાં ટીસ ઊઠી. તેમને થયું કે ગર્ભનાળનો સંતાન સાથે જાડાયેલો છેડો જન્મ વખતે છેદાય છે, પણ માની તરફથી તો તે અકબંધ હોય છે. તે તો સતત લંબાતો જ રહે છે તેના બાળક સુધી પહોંચવા. સંતાન સતત તેનાથી દૂર-દૂર થતું જાય છે. એટલું દૂર કે જ્યાંથી તે છે એટલો આભાસ જ રહી જાય છે.

કુદરતનો આ જ ક્રમ હતો તો માના હૃદયમાં ઊમટતી આ વેદના કૃત્રિમ હતી? આવું બીજી કોઈ જાતિના જાનવરમાં નહીં ને માણસમાં જ કેમ થતું હતું? કાન્તાબેનનું મન ચકરાવે ચડી રહ્યું હતું.

ચંદ્ર હોત તો તેમને પૂછી શકાયું હોત. તેમની સાથે વાત થઈ શકી હોત. તો તેમણે પૂછ્યું હોત કે આવું ફક્ત માને જ થતું હતું? બાપ તરીકે તેમણે પણ આવી જ લાગણી અનુભવી હતી ક્યારેય? ચંદ્ર તો પોતાના કરતાં અનેકગણા વધુ લાગણીશીલ હતા એવું કાન્તાબેનને લાગતું.

ચંદ્રે શું કહ્યું હોત? કાન્તાબેન વિચારતાં રહ્યાં.

‘પૂર્વજન્મનાં બંધનો છે બધાં. એ પૂરાં કરવા તો આપણે બધાં એક ઘરમાં ભેગાં થયાં છીએ.’ જુદા જ સંદર્ભે ચંદ્રે એક વાર કહ્યું હતું.

‘મેં તમને કહ્યુંને મને આ તમારી આગલા-પાછલા જન્મની વાતો સમજાતી જ નથી. જો એવું જ હોય તો વળી તમે આવતા જન્મે કહેશો કે ગયા જન્મનો હિસાબ પૂરો કરવા મળ્યા છીએ, પણ આ બધો હિસાબ શરૂ ક્યાંથી થયો? શું કામ શરૂ કર્યો? કોણે શરૂ કર્યો?’ પોતે દલીલો કરી હતી.

આ બધી ચર્ચા ઓનો ક્યારેય અંત આવ્યો નહીં. ચંદ્રની પોતાની માન્યતાઓ હતી અને કાન્તાબેન પોતાની જગ્યાએ મક્કમ હતાં. ચંદ્રે ક્યારેય તેમને કશું ઠસાવવાનો પ્રયાસ કર્યો નહીં.

કાન્તાબેનને ચંદ્રની ગેરહાજરી તીવ્રતાથી સાલી રહી હતી- આવા પ્રશ્ન પૂછવા, દલીલો કરવા, આશંકાઓ કરવા અને સાચું પૂછો તો ચંદ્રની શ્રદ્ધાના આધારે ટકી રહેવા.

અગાસીમાં ઊતરી આવેલા ઉજાસ અને નીચેથી આવતી ઑટોરિક્ષાની ઘરઘરાટીને લીધે કાન્તાબેનની આંખો ઊઘડી ગઈ. આમ પણ તેમને તો વહેલા ઊઠવાની આદત પણ હતી.

બ્રશ કરી, રસોડામાં જઈ તેમણે ચા બનાવી કપ લઈને હૉલના સોફા પર બેઠાં એટલી વારમાં કાશ્મીરા બેડરૂમમાંથી આવી. તેની આંખોમાં હજી ઊંઘ હતી.

‘ગુડ મૉર્નિંગ...’ કાશ્મીરા બોલી, પણ પછી અટકી ગઈ. બાને ગુડ મૉર્નિંગ ન કહેવાય તો શું કહેવાય? તેને સમજાતું નહોતું.

‘લતા નથી આવી? મેં તેને કહ્યું હતું કે વહેલી આવજે. બાને વહેલી ચા જાઈએ છે.’ કાશ્મીરા માફી માગતી હોય એેમ બોલી.

‘એમાં શું? ઘરે હું જ ચા બનાવું છુંને? ક્યારેક ચંદ્ર બનાવે...’ કાન્તાબેનથી બોલાઈ જવાયું. પછી ખ્યાલ આવ્યો કે ચંદ્ર હવે ક્યાં રહ્યાં છે. સાસુ-વહુ વચ્ચે ભારેખમ મૌન છવાઈ ગયું.

‘તું તારે ઊંઘી જા. તને સૂતાં મોડું થયું હશે. પાછું દિવસ આખો ઑફિસમાં કામ હોય...’ કાન્તાબેને કાશ્મીરાને આગ્રહપૂર્વક મોકલી દીધી.

થોડી વારમાં કામવાળી લતા પણ આવી ગઈ. કાશ્મીરા સૂતી હતી એે દરમિયાન લતાની મદદથી કાન્તાબેને રોટલી અને ટમેટાં નાખીને બટાટાનું રસાવાળું શાક બનાવ્યું. દીપકને આવું શાક બહુ ભાવતું હતું. ડબ્બીમાં ગાજરનો સંભારો પણ ભર્યો. કાશ્મીરા આઠેક વાગ્યે બેડરૂમમાંથી બહાર આવી ત્યારે ટિફિન ભરાઈને તૈયાર હતું.

‘લતા... મારી ચા...’ દીપકે બેડરૂમમાંથી જ બૂમ પાડીને કહ્નાં. લતા ચા અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયા લઈ બેડરૂમમાં ગઈ.

ચા-નાસ્તો, સવારનાં કામકાજ અને દૂધવાળો, ધોબી, કચરાવાળો... સતત ડોરબેલ વાગતી હતી. લતા અને કાશ્મીરા બન્ને આ બધા વચ્ચે દોડાદોડ કરતાં હતાં.

‘મારાં મોજાં ક્યાં છે? મીરા... કેટલી વાર કીધું છે કે બધું અહીં તૈયાર કરીને રાખતી જા.’ દીપક કાશ્મીરાને મીરા કહીને જ બોલાવતો. ‘ડિયોડરન્ટ ખલાસ થઈ ગયું છે. મગાવી રાખજે. મૅનેજમેન્ટ જેવી કોઈ વસ્તુ શીખ્યા જ નથી...’ દીપકના અવાજમાં ધારદાર તીખાશ હતી.

કાન્તાબેન સોફા પર બેઠાં-બેઠાં ચૂપચાપ બધું જાઈ રહ્નાં હતાં. દીપક તેમનો પોતાનો પેટનો જણ્યો હતો તોય કેટલો પારકો લાગતો હતો.

પ્રસૂતિના શરીરના અણુએ અણુને તોડી નાખતા પરિશ્રમ અને થાક પછી તે ઓ હૉસ્પિટલના બિછાને પડ્યાં હતાં અને આયા સફેદ દૂધ જેવા કપડામાં વીંટાળેલા એક નાનકડા જીવને લઈને આવી હતી અને તેને પડખામાં મૂક્યો હતો એ ક્ષણ આજે પણ કાન્તાબેનના માનસપટ પર એવી ને એવી જ તાજી હતી. દીપક તેમનું પ્રથમ સંતાન હતું. એ વખતે તેની ઝીણી આંખોમાં પોતાના માટે કેવો ભરોસો હતો. એ ક્ષણ અને આજનો દિવસ બન્ને વચ્ચે સમયનો લાંબો પ્રવાહ વહી ગયો હતો. સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસાનું સ્થાન આટલા બધા અળગાપણાએ ક્યારે લઈ લીધું હતું એે શોધવાનો પ્રયાસ કાન્તાબેન કરી રહ્યાં હતાં.

‘કેમ છે બા?’ તેઓ જાણે હમણાં જ ઘરમાં પ્રવેશ્યાં હોય અને ગઈ કાલથી આવેલાં કાન્તાબેનની હાજરીથી તે પોતે સાવ અજાણ હોય એમ દીપકે કાન્તાબેનને પૂછ્યું.

‘ઘણા દિવસથી તમને જોયાં નહોતાં અને.....’ કાન્તાબેન બોલી રહ્યાં હતાં.

‘મારી ટાઈ ક્યાં છે? આ રૂમાલ તો જો કેવો કધોણો છે. આવો રૂમાલ લઈને જાઉં. આબરૂ કાઢશો મારી.’ દીપક હુકમો છોડતો હતો.

‘બા, મારે એક અર્જંટ મીટિંગ છે. બહુ મોડું થાય છે....’ બૂટ પરની ધૂળ બ્રશ વડે સાફ કરતાં-કરતાં દીપક બોલતો હતો, ત્યાં જ તેનો મોબાઇલ વાગ્યો.

‘યસ શેખર... વેરી ગુડ મૉર્નિંગ... તારા ફોનથી ડિસ્ટર્બ થાઉં? ઇમ્પૅસિબલ... એકદમ ફ્રી છું. તું કહે ત્યારે મળીએ... શ્યૉર... સાંજે મળીએ? નો પ્રૉબ્લેમ...’

‘દીપક... સાંભળ...’ કાશ્મીરા તેની સાથે વાત કરવા માગતી હતી.

‘એક મિનિટ શેખર.’ દીપકે સેલફોન જરાક દૂર રાખ્યો.

‘શું છે? દેખાતું નથી હું ફોન પર વાત કરું છું?’

‘મારે કામ હતું તારું. તું સાંજે...’

‘ડોન્ટ યુ અન્ડરસ્ટૅન્ડ? આઇ એમ ઑન અ ઇમ્પોર્ટન્ટ કૉલ... તારે જે કંઈ કહેવાનું હોય એ પછી મને ફોન કરજે.’ દીપકે કાશ્મીરાને વચ્ચેથી અટકાવતાં કહ્યું અને ફરી મોબાઇલ કાન પર મૂકી પોતાની વાત આગળ ચલાવી.

‘સૉરી શેખર... નો નથિંગ... હા, એનું શું થયું?’ બોલતો-બોલતો દીપક બ્રીફકેસ લઈ ઘરની બહાર નીકળી ગયો.