ડોકટરો આવા ય હોય છે. Ashwin Majithia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડોકટરો આવા ય હોય છે.

ડોકટરો આવા ય હોય છે.

Ashwin Majithia


વર્ષ હતું ૧૯૮૫નું અને શ્રી દેવરાવ કોલ્હે ત્યારે ઇન્ડીયન રેલ્વેમાં જોબ કરી રહ્યા હતા.
તેમનો દીકરો રવીન્દ્ર, નાગપુર મેડીકલ કોલેજમાંથી એમબીબીએસ કરી રહ્યો હતો.
બધા જ આ યુવાનના, ભણતર પૂરું કરીને ફરીથી પોતાને ગામ 'શેગાંવ' પાછા ફરવાની વાટ જોતા હતા.
હા, રવીન્દ્ર આ ગામનો સૌથી પહેલો ડોક્ટર બનવાનો હતો.
પણ ઘરમાં કોઈનેય જરા સરખો ય ખ્યાલ નહોતો કે તેમનો દીકરો મેડીકલની ધમધમતી પ્રેક્ટીસ છોડીને જીવનનો કોઈક સાવ અલગ જ રસ્તો પસંદ કરવાનો હતો.
.
ડો. રવીન્દ્ર કોલ્હે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેની ચોપડીઓથી ગજબનો પ્રભાવિત થઇ ગયો હતો. એમબીબીએસ પૂરું થતાં થતાં તો તેણે નક્કી કરી લીધું કે તે તેનું જ્ઞાન..તેનું કૌશલ્ય પૈસો કમાવા માટે નહીં, પણ જરૂરીયાતમંદોની મદદ કરવામાં વાપરશે.
જો કે બસ એક જ સવાલ તેના મનમાં ઉઠતો હતો, કે આ પ્રવાસની શરૂઆત ક્યાંથી કરવી?
પણ એક દિવસે આ સવાલનો ય જવાબ તેને મળી ગયો, કે જયારે તેનાં હાથમાં ડેવિડ વર્નરની ચોપડી આવી. નામ હતું 'જ્યાં કોઈ ડોક્ટર નથી' કવરપેજ પર ચાર માણસો એક દર્દીને ઉચકીને લઇ જતા હતા, ને નીચે લખેલું હતું 'હોસ્પિટલ ૩૦ માઈલ દુર..'
.
બસ..
ડો.કોલ્હેએ નક્કી કરી લીધું કે તેઓ પોતાની સેવા એવા ઇલાકામાં આપશે કે જ્યાં દુર દુર સુધી કોઈ જ વૈદ્યકીય સવલતો ઉપલબ્ધ ન હોય.
તેમણે આ માટે બૈરાગઢ પસંદ કર્યું. મેલઘાટ ઇલાકામાંના આ ગામે પહોચવું ખુબ જ દુર્ગમ હતું.
મેલઘાટ જવું હોય તો અમરાવતીથી હરીસલ જવું પડે, કે જ્યાંથી આગળ કોઈ જ વાહન નહોતું જતું.
ત્યાંથી તો બસ પગપાળા જ પ્રવાસ કરવો પડે ૪૦ કિલોમીટર સુધી, ત્યારે બૈરાગઢ પહોચી શકાતું.
રવીદ્ર કોલ્હેના પ્રોફેસર, ડો.જાજુના મત મુજબ આવા દુર્ગમ ઇલાકામાં કામ કરતાં કોઈ પણ ડોક્ટરને ત્રણ વસ્તુ તો આવડવી જ જોઈએ. પહેલી, સોનોગ્રાફી કે બ્લડ ટ્રાન્સફ્યુઝનની સગવડ વગર મહિલાની પ્રસુતિ કરાવવી. બીજું, કે એક્સરે વગર ન્યુમોનિયાનું નિદાન કરવું. ત્રીજું, ડાયરિયાની સચોટ સારવાર કરવી.
ડો. કોલ્હે મુંબઈ જઈને આ ત્રણેય વસ્તુ શીખી લીધી અને બૈરાગઢ તરફ પ્રયાણ કર્યું.
પણ ત્યાં જઈને તેમને તરત જ ખ્યાલ આવી ગયો કે કોઇપણ વૈદ્યકીય સવલત વગરના આ ગામના લોકોની વિવિધ સમસ્યાઓ ઉકેલવા માટે ફક્ત એમબીબીએસ હોવું પુરતું નથી, કારણ, પ્રેક્ટીસ શરુ કર્યાના બસ તેરમા દિવસે જ એક જણ તેની પાસે આવ્યો કે જેણે એક ધડાકામાં પોતાનો એક હાથ ગુમાવી દીધો હતો.
ડો.કોલ્હેને અહેસાસ થઇ આવ્યો કે પોતે એક સર્જ્યન નથી એટલે તેઓ આની ખાસ કોઈ જ મદદ નહીં કરી શકે.
અને આવા લાચાર અને ગરીબ લોકોની મદદ પોતે ત્યારે જ કરી શકે, કે જયારે તેમની પાસે હજુય વધુ બહેતરીન અભ્યાસ અને જ્ઞાન હોય. એટલે આગળ અભ્યાસ કરી ૧૯૮૭માં તેઓ એમડી બન્યા.
'મેલઘાટમાં કુપોષણ' અ વિષય પર તેમણે એક થીસીસ લખી તો બીબીસી રેડીઓએ આ ન્યુઝ કવર કર્યા, કે જેણે જગત આખાનું ધ્યાન આ ઇલાકા તરફ ખેંચ્યું.
.
ડો.કોલ્હેને હવે ફરી પાછુ મેલઘાટ પાછુ ફરવું હતું, પણ એકલા નહીં.
તેમને એક સંગાથ જોઈતો હતો..એક સાચો સંગાથ..એક કાયમી સંગાથ.
અને તેમણે પોતાના માટે જીવનસંગીની શોધવાનું શરુ કર્યું, પણ ચાર શરતો સાથે.
પહેલી એ કે તે છોકરી ચાલીસ કિલોમીટર ચાલવા તૈયાર હોય, [બૈરાગઢ પહોચવાનું આ અંતર છે.]
બીજું, તે પાંચ રૂપિયાવાળા લગ્ન કરવા તૈયાર હોય. [તે વખતે કોર્ટ-મૅરેજની ફી પાંચ રૂપિયા હતી.]
ત્રીજું, કે તે મહીને ૪૦૦ રૂપિયામાં ઘર ચલાવી શકવા સક્ષમ હોય. [ડો.કોલ્હે એક પેશન્ટ દીઠ એક રૂપિયો ફી લેતા અને મહીને લગભગ ૪૦૦ પેશન્ટની સારવાર કરતા.]
અને ચોથું એ, કે તે છોકરી ભીખ માગવા પણ તૈયાર હોય. [પોતાનાં માટે નહીં, પણ જરૂર પડે તો બીજા માટે ભીખ માંગવી પણ પડે.]
.
લગભગ સો છોકરીઓ દ્વારા રીજેક્ટ થયા બાદ આખરે તેમની મુલાકાત ડો. સ્મિતા સાથે થઇ.
ડો.સ્મિતાની નાગપુરમાં સારી એવી પ્રેક્ટીસ ચાલતી હતી. પણ તેમણે ડો.રવીન્દ્રની ઓફર સ્વીકારી લીધી, તેમની બધી શરતો સાથે.
અને આમ ૧૯૮૯માં મેલઘાટને એક બીજો ડોક્ટર પણ મળ્યો.
.
અહીં બાળકો કુપોષણને કારણે, તો લોકો ન્યુમોનિયા મેલેરિયા અને સર્પદંશથી જ મોટે ભાગે મૃત્યુ પામતા. ડોકટરે જોયું કે આ બધાનું મૂળ કારણ એક જ હતું, અને તે હતું ગરીબી, એટલે આ એક જ કારણ પર કામ કરવાનું તેમને વધુ યોગ્ય લાગ્યું.
.
એક વાર રવીન્દ્ર અને સ્મિતાએ લોકોની સેહત સંબંધી સમસ્યાઓ ઉકેલવી શરુ કરી, કે લોકોની તેમના પર વધું ને વધું આશાઓ બાંધવા લાગી અને તેઓ પોતાનાં ઢોરઢાંખર અને પાક સંબંધી સમસ્યાઓ પણ લઈને આવતા થયા, એવું વિચારીને..કે આ યુગલ પાસે તેમની બધી સમસ્યાઓનો ઈલાજ હોય જ છે.
ગામમાં બીજો કોઈ જ ડોક્ટર ન હોવાથી ડો.રવીન્દ્ર તેમના બીજા ડોકટર મિત્ર કે જેઓ પશુ-ચિકિત્સક હતા, તેમની પાસેથી પ્રાણી-શાસ્ત્ર શીખ્યા, તો ખેતી-શાસ્ત્ર તેઓ 'પંજાબ કૃષિ વિદ્યાપીઠ-આકોલા'માં શીખ્યા.
.
આ પછી તેઓએ ખેતીવાડી ક્ષેત્રે એવા બીજનો આવિષ્કાર કર્યો કે જેને ફૂગ નથી લગતી, પણ કોઈને આ નવા પ્રકારના બીજનો સૌ પ્રથમ ઉપયોગ કરવાનું જોખમ નહોતું લેવું, એટલે આ ડોક્ટર દંપતીએ પોતાની ખેતી શરુ કરી..આ બીજનો પ્રયોગ કરીને લોકોમાં તેની પ્રત્યે વિશ્વાસ જગાવવા માટે.
.
આ પછી આ ડોક્ટર દંપતીએ ત્યાંના યુવાનોને ખેતીવાડીની નવી ટેકનીક તરફ સભાન કરવા શરુ કર્યા અને સરકારની ખેડૂતોને ફાયદેમંદ થાય તેવી સ્કીમોથી તેમને વાકેફ કરવા લાગ્યા, ને સાથે સાથે પર્યવરણની સુરક્ષા ય તેમને શીખવાડવા લાગ્યા.
તેમનો સંદેશ સરળ હતો -વિકાસ માટે ખેતી જરૂરી છે અને યુવાનોએ આ અપનાવી લેવું જોઈએ.
ડો.રવીન્દ્રના આ સંદેશનો પ્રભાવ સૌથી વધુ ત્યારે પડ્યો, કે જયારે તેમનો મોટા દીકરા રોહિતે એક ખેડૂત જ બનવું પસંદ કર્યું.
.
આ પછી આગળ જતા તેમણે લોકોને નફાકારક ખેતીનો મહિમા શીખવાડ્યો. સોયાબીનની ખેતી મહારાષ્ટ્રમાં ક્યાંય નહોતી થતી, તેમણે તે મેલઘાટમાં શરુ કરાવી. આ ઉપરાંત મિશ્ર પ્રકારની ખેતી કરી પોતાની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી લેવાની પણ દિશાસુઝ તેમણે લોકોને આપી.
ઉપરાંત વન-સુરક્ષા પર પણ તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું. દર ચાર વર્ષે દોહરાતા પર્યાવરણ-ચક્ર પર તેમણે ચાંપતી નજર રાખી અને એટલે પછી તો તે એરિયામાં પૂર આવવાનો ય સચોટ વર્તારો તેઓ કરી શકવા લાગ્યા.
પબ્લિક ડીસ્ટ્રીબ્ચૂશન સીસ્ટમ પર ધ્યાન આપી, ચોમાસામાં પણ લોકો પાસે ખાવા પુરતું ધાન હોય તેની કાળજી આ ડોકર દંપતીએ રાખવા માંડી અને ધીમે ધીમે આ આખા મેલઘાટ ઇલાકાને તેઓએ આત્મહત્યા-મુક્ત વિસ્તાર બનીવી દીધો.
.
એક વખત સરકારના પીડબલ્યુડીના મીનીસ્ટર ડો. કોલ્હેની મુલાકાતે આવ્યા ત્યારે તેમની જીવનશૈલી જોઇને અવાચક રહી ગયા.
ડોક્ટર માટે સારું ઘર બનાવી આપવાની જયારે તેમણે ઓફર મૂકી તો ડો. સ્મિતાએ તેની બદલે સારા રસ્તાઓ બનાવી આપવાની માંગણી મૂકી, અને તે મીનીસ્ટરે પોતાનું વચન પાળ્યું. આજે આ ઈલાકાના સિત્તેર ટકા ગામડાઓ હવે રસ્તાઓથી જોડાયેલ છે.
.
મેલઘાટ મહારાષ્ટ્રનો સૌથી પછાત વિસ્તાર ગણાય છે. આ વિસ્તારમાં ત્રણસો ગામડાઓ છે અને સાડા ત્રણસો એનજીઓ અહીં કાર્યરત છે. પણ આ બધા તો લોકોને ફક્ત મફતની વસ્તુઓ જ આપી જાય છે. જયારે આ ડોક્ટર દંપતી ઇચ્છે છે કે અહીંની પ્રજા એનજીઓ પર નિર્ભર ન રહેતા પોતાની મેળે કમાઈ શકે.
.
તેમની લાંબી લડત હવે રંગ લાવી રહી છે. આજે મેલઘાટમાં સારા રસ્તાઓ છે. વીજળી અને બાર પ્રાથમિક સારવાર કેન્દ્રો પણ છે. ડો. હવે પેશન્ટ પાસેથી કોઈ જ ફી નથી લેતા, ફક્ત તેમને સરકારી હોસ્પીટલમાં લઇ જાય છે અને તેમને સરખી સારવાર મળે તેની તકેદારી રાખે છે.
.
આ વિસ્તારમાં હજી ય શસ્ત્રક્રિયા કરી શકે એવો કોઈ સારો સર્જ્યન નથી, અને એટલે જ ડો.કોલ્હેનો નાનો દીકરો રામ કે જે આકોલાની મેડીકલ કોલેજમાં એમબીબીએસ કરી રહ્યો છે, તેને પોતાના પિતાના પગલે પગલે ચાલી એક સર્જ્યન બનવું છે.
.
જો આ સદા સેવાભાવી કુટુંબને મળવું હોય કે તેમના વિષે વધુ જાણવું હોય તો મૃણાલીની ચિતળે દ્વારા એક આખું પુસ્તક તેમની જીવની પર લખાયેલ છે. ઉપરાંત ડો.મનોહર નારંજેની ચોપડી બૈરાગઢ પણ છે જેમાં આ ડોક્ટર-દંપતીની મુક્ત મને વાતો લખવામાં આવી છે. આ ઉપરાંત જો રૂબરૂ મળવું હોય તો તેમનું સરનામું છે..ડો. રવીન્દ્ર કોલ્હે, મુકામ પોસ્ટ-બૈરાગઢ, તાલુકો-ધરની, જીલ્લો-અમરાવતી, મહારાષ્ટ્ર-૪૪૪૭૦૨
.
ઈચ્છા થાય તો મળવા જેવા માણસો છે આ.
.