પ્રેમ-અપ્રેમ ભાગ-૧૯ Alok Chatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ-અપ્રેમ ભાગ-૧૯

પ્રેમ-અપ્રેમ

ભાગ-૧૯

મિત્રો આપ આપના સૂચનો અને અભિપ્રાય સદાય આવકાર્ય...

***

“ડોક્ટર, આજે તો પ્રિયાને ડીસ્ચાર્જ મળી જશે ને....?” અપેક્ષિતે વિઝીટ પર આવેલાં ડોક્ટરને પૂછ્યું.

“યા, યુ કેન ટેક હર હોમ નાઉ...બટ બ્લડ લોસના લીધે હજી વિકનેશ રહેવાની શક્યતા છે એટલે હમણાં બે ચાર દિવસ કોઈક એમની દેખરેખ રાખે તો વધુ સારું.”

“ઓકે..થેન્ક્સ ડોક્ટર. ઘરે આવીને એની દેખરેખ રાખે એવી કોઈ નર્સ એરેન્જ થઈ શકે..?”

“ના, નર્સની જરૂર નથી અપેક્ષિત, હું રહીશ પ્રિયા સાથે.” ડોક્ટર જવાબ આપે તે પહેલાં જ સ્વાતિએ કહી દીધું.

“હા, તું રહી શકે સ્વાતિ પણ....આપણે હજી લગ્નની અમુક તૈયારી કરવાની પણ બાકી છે..”

“તૈયારી પણ થઈ જશે. આમ તો બે ચાર દિવસનો જ સવાલ છે પછી શું?” સ્વાતિની સાથે વધુ દલીલ ન કરતાં અપેક્ષિતે તેની વાત માની લીધી. પ્રિયા ચુપચાપ બધાં સંવાદો સાંભળી રહી. સ્વાતિનો ભાવ જોઈને તેની આંખો ભરાઈ આવી. તેને પોતાની જાત પર ગુસ્સો આવ્યો કે આટલી સારી વ્યક્તિ માટે તેને કેટલી ઘૃણા હતી, તે પણ માત્ર પોતાનાં સ્વાર્થી પ્રેમ માટે!

પ્રિયાને તે દિવસે જ ડીસ્ચાર્જ મળી ગયું. સ્વાતિ જીદ કરીને પ્રિયાને પોતાનાં ઘરે જ લઈ ગઈ જેથી તેની સારી રીતે દેખરેખ રાખી શકે. સ્વાતિએ ઓફિસમાં બે દિવસ વધુ રજા પાડી. તે પ્રિયાને પોતાનાં હાથનું બનાવેલું હળવું જમવાનું આપતી. બંનેએ બે દિવસમાં ઘણી બધી વાતો કરી અને સારો સમય સાથે પસાર કર્યો. બંને એકબીજાને એટલી સારી રીતે જાણવા લાગ્યાં જાણે કે બાળપણની સખીઓ ન હોય! પણ પ્રિયા અંદરથી કંઈક ખચકાટ અનુભવી રહી હોવાથી તેણે અપેક્ષિતને કહ્યું,

“અપેક્ષિત, આજે હવે મને ઘરે મૂકી આવ પ્લીઝ. આઈ એમ ફાઈન નાઉ. તમે લોકોએ આ દિવસોમાં બહુ દોડાદોડી કરી છે અને તમારાં લગ્નની તૈયારી પણ હજી બાકી છે. મારાં લીધે તમારું ઓલમોસ્ટ એક વિક બગડ્યું છે.”

“ઇટ્સ ઓકે પ્રિયા, નો નીડ ટુ સે ધેટ. ભલે સારું થઈ ગયું પણ હજી એકાદ દિવસ અહીં રહે તો વધુ સારું.”

“હા પ્રિયા, હું તો કહું છું કે લગ્ન સુધી તું અહીં જ રોકાઈ જા તો મને પણ થોડો સપોર્ટ રહેશે.”

“ના સ્વાતિ, પ્લીઝ. હવે એક અઠવાડિયુ માંડ બાકી છે તમારાં લગ્નને એટલે તમે બંને કાલથી જ બાકીની તૈયારીમાં લાગી જાવ અને હું પણ કાલથી ઓફિસ સ્ટાર્ટ કરી દઉં. મારી હેલ્પની જરૂર હોય તો કહેજો, હું ઓફિસ પછી ફ્રી જ હોઈશ.” પ્રિયા ન માની એટલે આખરે કમને પણ અપેક્ષિત તે સાંજે જ પ્રિયાને તેનાં ઘરે મૂકી આવ્યો. બીજાં દિવસથી ત્રણેય જણા પોતપોતાનાં રૂટીનમાં ગોઠવાઈ ગયાં. સ્વાતિ અને અપેક્ષિત થોડું ઘણું બાકી હતું એ શોપિંગ અને લગ્નની તૈયારીમાં પડી ગયાં. બીજી તરફ પ્રિયાએ પણ ઓફિસ જોઈન કરી લીધી. તેનું મુખ્ય કારણ તો એ હતું કે તે પોતાનું ધ્યાન બીજે કેન્દ્રિત કરવાં માંગતી હતી. અપેક્ષિત અને સ્વાતિએ જે રીતે તેની સારસંભાળ લીધેલી એ ઉપકાર તે ક્યારેય ભૂલી શકે તેમ ન હતી. પણ તોયે અંદરખાને તે કચવાટ અનુભવતી હતી, એક બાજુ અપેક્ષિત માટેનો અપાર પ્રેમ અને બીજી બાજુ સ્વાતિ માટેનો સખીભાવ. તેને આમ તો ખુશી થવી જોઈતી હતી તો પણ ક્યાંક પોતે એ બંનેના લગ્નની વાત સ્વીકારી શકતી ન હતી. આ બધાં વિચારોમાંથી તેને છૂટવું હતું, પણ એ બહુ અઘરું હતું.

આવા જ આટાપાટામાં આખરે અપેક્ષિત અને સ્વાતિનાં લગ્નનો દિવસ પણ આવી ગયો. દિવસ પણ કયો.., વેલેન્ટાઈન્સ ડે! સમગ્ર વિશ્વના બધાં જ પ્રેમીઓનો દિવસ, પ્રેમ આપવાનો અને પામવાનો દિવસ. બીજી બધી ગાંઠો છોડીને પ્રેમની ગાંઠે બંધાવાનો દિવસ. આવા પ્રેમમય દિવસે બંનેના સપનાઓ સાકાર થવા જઈ રહ્યાં હતાં. બંનેએ જીવનમાં પ્રેમ મેળવવા માટે બહુ રાહ જોઈ હતી, બહુ તડપ્યા હતાં પણ હવે બધાંથી પર થઈ બંને સદાય માટે એક થવા જઈ રહ્યાં હતાં. બંને એકબીજાની આટલાં નજીક હોવા છતાં, લગ્નમાં હોય તેવી, અઢળક ખુશી સાથે થોડીક ગભરાટની અનુભૂતિ એ બંનેને પણ થઈ રહી હતી.

બહુ મર્યાદિત લોકોની હાજરીમાં એકદમ સાદાઈથી લગ્ન થવાનાં હોવાથી બધાં ઓફિસ ક્લીગ્ઝ પણ સમજૂતીથી બંને પક્ષે વહેંચાઈ ગયા. મોટાભાગના જેન્ટ્સ અપેક્ષિત સાથે જાનમાં જોડાયા, જયારે લેડીઝ સ્વાતિને ત્યાં મંડપ મધ્યે જાનનું સ્વાગત કરવા રોકાયા. પ્રિયા પણ સ્વાતિના આગ્રહથી તેનાં જ પક્ષે તેની અણવર બની. સ્વાતિના પપ્પાની ઈચ્છા મુજબ સ્વાતિએ વરેલી સિલ્કનું સફેદ પાનેતર પહેર્યું હતું. તેનો ભીનોવાન સફેદ પાનેતરમાં નીખરી આવતો હતો. ચહેરા પર હળવો મેક-અપ, કપાળ પર કાઢેલી ચાંલ્લાની પીર, લખનૌની મીનાકારીવાળો સોનાનો સેટ અને સાથે તેનો મેચિંગ ટીક્કો. લાઈટ રેડ કલરની લીપ્સ્ટીક અને મેચિંગ નેઈલ પોલીશ, સફેદ અને લાલ બંગડીઓનો ચૂડલો અને પોણા હાથ સુધી કલાત્મક રીતે મુકવામાં આવેલી મહેંદી તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરતાં હતાં. સામે અપેક્ષિત પણ કંઈ કમ દેખાતો ન હતો. તેના ગૌરવર્ણ અને કસાયેલા શરીર પર બ્લેક બ્લુ ઇન્ડો વેસ્ટર્ન શેરવાની લાજવાબ શોભતું હતું. માથા પર કોલ્હાપુરી કલગીદાર સાફો તેને કોઈ રાજવી હોવાનું અનુભવ કરાવતો હતો. ત્રણ ગાડીમાં તો અપેક્ષિતની આખી જાન સમાઈ ગયેલી. બહુ તામઝામ ન હોવાં છતાં ક્લીગ્ઝની ઈચ્છાને માન આપીને વરઘોડામાં ડીજે બેન્ડ પણ મંગાવેલું, જેનાં તાલે અપેક્ષિત,સ્વાતિ અને પ્રિયા સહિતના બધાં ખૂબ નાચ્યા.

વિધિવત રીતે ચોરીનાં ચાર ફેરાં ફરીને આજે બંને એકબીજાનાં થઈ જવાનાં હતાં. એક પછી એક વિધિ પૂરી થઈ રહી હતી. પહેલાં ગ્રહશાંતિ પછી કન્યાદાન વિધિ. અપેક્ષિતનાં જે પહેલાં બોસ હતાં તેમણે સ્વાતિનું કન્યાદાન કર્યું. શર્માજી અને ઓફિસનાં બીજાં ક્લીગ્ઝે જવતલ હોમવાની વિધિ કરી. ત્યાર પછી ફેરાની, મંગળસૂત્ર અને સેંથો પુરવાની વિધિ પૂરી થવા સાથે બંનેના લગ્ન સંપન્ન થયાં. ત્યાર બાદ બધાં સ્ટેજ પર આવીને વિશ કરીને ફોટા પડાવતાં હતાં, એવામાં સ્વાતિને ધ્યાનમાં આવ્યું કે પ્રિયા ક્યાંય દેખાતી નથી. તેણે અપેક્ષિતનું ધ્યાન દોર્યું. બીજાં લોકોને પૂછ્યું પણ પ્રિયાની ભાળ મળી નહીં. લગ્નની વિધિ પૂરી થઈ ગઈ હોવાથી બધાં સહકર્મીઓ અને આમંત્રિતો વધાઈ આપવા માટે માંડવે આવતાં રહ્યાં પણ પ્રિયા ક્યાંય ન દેખાતાં અપેક્ષિત અને સ્વાતીનાં ચહેરા પર ઉચાટ સાફ વર્તાઈ રહ્યો હતો.

સ્વાતિને વિદાય વખતે તેનાં પપ્પાની બહુ યાદ આવી. તેનાં પપ્પા હયાત ન હતાં છતાં એ ઘરમાં એની ઘણી યાદો સંગ્રહાયેલી હતી. એ યાદો અશ્રુરૂપે આજે વહી રહી હતી. જાન વિદાય થયા પછી સ્વાતિ આખા રસ્તે અપેક્ષિતના ખભે માથું ઢાળીને બેસી રહી. નવજીવનમાં ડગ માંડવા બંને આતુર હતાં પણ તેમ છતાં પ્રિયાની ગેરહાજરી ની ઉણપ તેમને વર્તાઈ રહી હતી. સ્વાતિ આમ તો ઘણીવાર અપેક્ષિતના ઘરે આવતી હતી પણ આજે થતાં ગૃહપ્રવેશની લાગણી કંઈક જુદી જ હતી. બધી વિધિ અને ઔપચારિકતા પત્યા પછી, સ્વાતિ અને અપેક્ષિત બેડરૂમમાં ગયાં. તેમનાં આશ્ચર્ય વચ્ચે બેડ લાલ અને પીળા ગુલાબથી સુશોભિત હતો અને રૂમ પ્રજ્વલ્લિત સુગંધી મીણબત્તીઓથી મહેકી રહ્યો હતો. એ બંનેને ખ્યાલ તો આવી જ ગયો કે આ બધું પ્રિયાએ જ એરેન્જ કર્યું હશે. એવામાં સ્વાતિનું ધ્યાન બેડ પર મુકાયેલા બૂકે પર ગયું જે હાથમાં લેતાં તેમાં એક લેટર પણ હતો. સ્વાતિએ બૂકે બાજુ પર મુકીને લેટર વાંચવા માંડ્યો.

“માય ડીઅર અપેક્ષિત એન્ડ સ્વાતિ,

સોરી અગેઇન, તમારાં બંનેના આટલાં અગત્યનાં દિવસે પણ તમને દુઃખી કરી રહી છું. હું બહુ ખુશ છું અપેક્ષિત કે તને સ્વાતિ જેવી સરળ અને મૃદુ સ્વભાવની આટલી પ્રેમાળ વ્યક્તિ મળી. સ્વાતિ માટે મને બહુ માન છે, તેણે મારી જે રીતે દેખભાળ કરી છે એનો ઉપકાર હું ક્યારેય ભૂલી શકું એમ નથી. સ્વાતિ, તું પણ ભાગ્યશાળી છે કે તને અપેક્ષિત જેવો હેન્ડસમ, હ્ર્દયના તળીયેથી પ્રેમ કરવાં વાળો વ્યક્તિ જીવનસાથીના રૂપમાં મળ્યો.

હું નથી ઈચ્છતી કે હું તમારી વચ્ચે આવું, કે મારાં સ્વાર્થી પ્રેમનાં લીધે તમારાં જીવનમાં કોઈપણ તકલીફ આવે એટલે સદાય માટે તમારાં જીવનમાંથી આજે જઈ રહી છું. કદાચ આનાથી વધુ સારી ગીફ્ટ હું તમને આપી શકું તેમ નથી. મહેરબાની કરી મને શોધવાની કોશિશ નહીં કરતાં. હું તમને બંનેને બહુ મિસ કરીશ. તમારાં બંને વિના હું કઈ રીતે જીવીશ એ પણ ખબર નથી. પણ તમે ખુશ રહો અને તમારા બંને વચ્ચે સદાય ભરપૂર પ્રેમ રહે એવી જ મારી શુભેચ્છા. સ્વાતિ, તું સદા અપેક્ષિતને ભરપુર પ્રેમ આપજે, તે પ્રેમ માટે બહુ તરસ્યો છે. અપેક્ષિત તું પણ સ્વાતિનું હંમેશા ધ્યાન રાખજે અને ક્યારેય તેને દુઃખી ન થવા દેતો. શક્ય હોય તો મને માફ કરી દેજો....ગુડબાય...

-તમારી પ્રિયા”

સ્વાતિએ એક શબ્દ પણ કહ્યાં વિના વિલા મોઢે અપેક્ષિતને લેટર આપ્યો. જે વાંચીને તે પણ અપસેટ તો થઈ જ ગયો પણ તેમ છતાં તેણે પોતાની જાત સાચવીને તરત જ કોઈને કોલ કનેક્ટ કર્યો.

***

“એર ઇન્ડિયા ફ્લાઈટ એઆઈ-609 ફ્રોમ મુંબઈ ટુ બેંગ્લોર ઇઝ શેડ્યુલ્ડ, પેસેન્જર્સ આર રીક્વેસ્ટેડ ટુ પ્રોસીડ...” બેંગ્લોરની ફ્લાઈટ એનાઉન્સ થતાં જ પ્રિયા તેની કઝીન મોસમી સાથે બોર્ડીંગ કરવા માટે ડિપાર્ચર ગેટ તરફ આગળ વધી. મોસમી ક્યારથી કોઈની રાહ જોઈ રહી હોવાનું પ્રિયાને જણાતાં તેણે પૂછ્યું, પણ મોસમીએ જવાબ ટાળી દીધો.

“પ્રિયા......પ્રિયા.......!!” અવાજ સંભળાતા જ પ્રિયાએ પાછળ ફરીને જોયું તો અપેક્ષિત અને સ્વાતિ દોડીને તેની તરફ આવી રહ્યાં હતાં.
“પ્રિયા, આજે ફરી મને છોડીને જવા માગે છે? ફરી એકવાર એવું જ પગલું ભરવા માંગે છે જેનાથી હું અને તું બન્ને દુઃખી થઈએ..??”

“ના અપેક્ષિત, ત્યારે પણ તને સુખી કરવા માટે જ છોડીને ગઈ હતી અને આજે પણ. ક્યાંક મારું દુઃખ તારા સુખને ભરખી ન જાય. યુ બોથ બી હેપ્પી ઈન યોર લાઈફ. હું તમારી બંનેની વચ્ચે આવવા માગતી. લેટ મી ગો અવે ફ્રોમ યોર લાઈફ એન્ડ હેપ્પીનેશ...”

“નો આઈ વોન્ટ લેટ યુ ગો. હું તને ત્યાં એકલી અને દુઃખી રહેવા દેવા નથી માગતો.”

“પ્લીઝ પ્રિયા, નહીં જા. અમારી બંનેની ખુશી તારા વિના અધુરી જ રહેશે. આટલાં દિવસમાં તને મારી કે અપેક્ષિતની દોસ્તીમાં શું ઉણપ જણાય કે તું અમને છોડીને જઈ રહી છે.?” સ્વાતિ પણ પ્રિયાને વિનવવા લાગી.

“ઉણપ તમારામાં નથી, મારાંમાં છે. હું અપેક્ષિતને બહુ પ્રેમ કરું છું અને એ લાગણીવશ ક્યારેય કોઈ પગલું ન ભરી બેસું કે તમારા સુખને અભડાવી ન દઉં એ માટે હવે હું તમારા બંનેથી દૂર જતી રહું એ જ યોગ્ય છે. દૂર રહીને પણ હું તમારી સાથે જોડાયેલી રહીશ.” ત્રણેયની આંખોમાંથી વહેતાં આંસુ એકબીજા માટેના અનહદ પ્રેમની ગવાહી આપી રહ્યાં હતાં.

“ના અમે નહીં જવા દઈએ. પ્રિયા તું સદાય અમારી બેસ્ટ ફ્રેન્ડ બનીને રહીશ. એક સમયે તેં કહ્યું હતું એમ આજે હું તને કહું છું, શું હું તારી ફ્રેન્ડશીપને પણ લાયક નથી..? તું મારી સાથે એટલો સબંધ પણ નહીં રાખે..? સ્વાતિ તો તને બહેન માને છે. શું એ બહેનની ખુશી માટે પણ તું અમારી સાથે નહીં રહે...? તને મારાં સમ...તને સ્વાતિના સમ...તને તારી લાગણીનાં સમ...પ્રિયા તું નહીં જા...”

અપેક્ષિતનાં લાગણીસભર શબ્દો સાંભળીને પ્રિયાનાં હાથમાંથી બેગ છુટી ગયું અને તે સ્વાતિ અને અપેક્ષિતને એક સાથે વળગી પડી. એરપોર્ટ પર અનુકંપાસભર દ્રશ્ય સર્જાય રહ્યાં હતાં. મોસમી દૂર ઊભી આંખમાં ખૂશીના આંસુ સાથે મનોમન પોતાની જાતનો આભાર માની રહી કે આજે તેણે પ્રિયાને આપેલું વચન તોડીને પણ અપેક્ષિતને તેના જવાની માહિતી આપી. એ દિવસ પછી પ્રેમ-અપ્રેમના આટાપાટામાં અટવાયેલાં ત્રણેય પાત્રોના જીવનમાંથી હવે અપ્રેમ દૂર થઈને જીવનમાં પ્રેમ.....પ્રેમ...અને માત્ર પ્રેમ જ રહી ગયો હતો. ત્રણ હૈયાં પ્રેમથી છલોછલ ભરપૂર જીવન જીવવા લાગ્યાં.

અસ્તુ

સમાપ્ત

મિત્રો,

જીવનમાં પ્રેમ મળવો ન મળવો એ નસીબની વાત હોય છે. પ્રેમ મળે તો પણ આપણે જે રૂપમાં જોઈતો હોય એ રૂપમાં ન પણ મળે, તો’યે જીવનને નિરાશા કે દુઃખની ખાઈમાં ધકેલી દેવાને બદલે હકીકત સ્વીકારીને ખૂશ રહેવાની કોશિશ કરવી જોઈએ. દરેક પ્રેમનો સમય હોય છે આજે નહીં તો કાલે એ પ્રેમ તમને મળવાનો જ છે એમ માનીને જીવનનો એકેએક દિવસ પ્રેમભર્યો વિતાવવાની કોશિશ કરવી જોઈએ. હંમેશા યાદ રાખજો મિત્રો, ‘જે નથી એનાં માટે જે છે એ ગુમાવવાની ભૂલ ક્યારેય ન કરવી.’ જસ્ટ વેઇટ ફોર ધ રાઇટ ટાઇમ.....ડુ લવ એન્ડ ગેટ લવ........બી હેપ્પી....લીવ એ લવફૂલ લાઈફ.............

મારી પ્રથમ લઘુ નવલકથાને આપ સૌનો આટલો પ્રેમ મળશે એવી ક્યારેય આશા ન હતી. પ્રેમ-અપ્રેમની સફરમાં મારો સાથ આપનાર દરેક વાંચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સાથે મારી પત્નીનો આભાર માનીશ કે જે હંમેશા મારાં લેખનકાર્યને બિરદાવીને મને પ્રોત્સાહિત કરતી રહે છે. અત્રે હું એક ખાસ વ્યક્તિનો તહે દિલથી આભાર માનીશ જેમણે મારી ‘પ્રેમ-અપ્રેમ’નો ચળકાટ વધાર્યો છે. શરૂઆતથી અંત સુધી ‘પ્રેમ-અપ્રેમ’ નિખારવામાં મારી મદદ કરીને પોતાની જવાબદારી બરાબર નિભાવી છે. એમનો સાથ નહીં હોત તો ‘પ્રેમ-અપ્રેમ’ કદાચ લખાય જ નહીં હોત. ‘પ્રેમ-અપ્રેમ’ વિશે આપના પ્રતિભાવો મને મારાં ઇમેઇલ આઈડી morbitiles09@yahoo.in પર આપના નામ સાથે ચોક્કસ મોકલશો. જયારે પણ મારી આ કૃતિ પબ્લીશ કરીશ, આપના નામ સાથે આપનો પ્રતિભાવ મારી બુકમાં ચોક્કસ પ્રકાશિત કરીશ. ફરી એક વાર આપ સૌનો હ્રદયપુર્વક આભાર.....ફરી મળીશું નવી કૃતિ સાથે....ધન્યવાદ..... જય સાંઈનાથ

-આલોક ચટ્ટ.....