Prem - Aprem - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમ-અપ્રેમ

વ્હાલાં મિત્રો,

મારી વાર્તા ‘પ્રેમ-અપ્રેમ’ ને અભૂતપૂર્વ પ્રેમ આપવા બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. ‘પ્રેમ-અપ્રેમ’ મારી સૌથી વધુ વંચાયેલી વાર્તા છે. તે વાર્તા મેં માત્ર એક જ પ્રકરણમાં લખેલી હતી, પણ આપ સૌના મંતવ્યો જાણતાં બધાં નો એક જ મત પડ્યો કે આ વાર્તા તમે આમ અધુરી છોડી દો તે ન ચાલે, આ વાર્તા ને આગળ વધારો. અંતે એક વર્ષ પછી મેં આ વાર્તા ફરી આગળ વધારવાનું શરૂ કર્યું. જયારે શરૂ કર્યું ત્યારે તો એમ જ લાગતું હતું કે હવે બે કે ત્રણ પ્રકરણમાં પૂરી થઈ જશે, પરંતુ આપ સૌની શુભેચ્છાથી ‘પ્રેમ- અપ્રેમ’ એક લઘુ નવલનાં સ્વરૂપ સુધી પહોંચી ગઈ છે. આપ સૌની સરળતાં માટે પ્રકરણ-૧ નો ટુંકસાર અહીં રજુ કરું છું. જે તમે માતૃભારતી પર મારી ઈ બુક્સમાં વાંચી શકશો. આશા છે આપ સૌનો પ્રેમ આમ જ આ વાર્તા ને મળતો રહેશે.

અસ્તુ.....જય સાંઈનાથ

-આલોક ચટ્ટ....

‘પ્રેમ-અપ્રેમ’ ભાગ-૧ નો ટુંકસાર

મુંબઈની એક ઉચ્ચ ઈન્ટીરીઅર ડિઝાઈનીંગ કંપનીમાં માર્કેટિંગ મેનેજરની પોસ્ટ સાથે પેઇન્ટિંગનું જોરદાર કસબ ધરાવતા અપેક્ષિતની પ્રિયા (તેના કેટલાંય ફેન્સમાંની એક) સાથે ઓળખાણ થાય છે. શરૂઆતની વાતચીત આગળ વધતાં બંનેને એકબીજાનું બહુ એટેચમેન્ટ થઈ જાય છે. પછી તો સતત બંને આખો દિવસ એકબીજાના કોન્ટેક્ટમાં જ રહેવા લાગે છે. ધીરે ધીરે અપેક્ષિત પ્રિયાનાં પ્રેમમાં પડે છે .પરંતુ પ્રિયા સાફ જણાવી દે છે કે તે અપેક્ષિતને માત્ર એક બેસ્ટ ફ્રેન્ડની નજરે જુએ છે. બબ્બે વાર વેલેન્ટાઇન ડે પર પ્રપોઝ કરવાં છતાં પ્રિયાનો જવાબ એ જ રહે છે. બંને એક બીજા વિના ન રહી શકતાં હોવા છતાં પ્રિયા અપેક્ષિતનો પ્રેમ સ્વીકારી જ નથી શકતી. તેનું કારણ હોય છે પ્રિયાનો ભૂતકાળનો પરિણીત પ્રેમી સપન. સપને પ્રિયાને દગો આપીને બહુ જ દુઃખી પણ કરી હોય છે જેનાથી ત્રસ્ત થઈને પ્રિયા મુંબઈ આવી ગઈ હોય છે. પ્રિયાના અપ્રેમ થી અપેક્ષિત બહુ જ અપસેટ રહેવાં લાગે છે અને વાતે વાતે ફ્રસ્ટ્રેટ થવા લાગે છે. તેણે પ્રિયા સાથે જોયેલા સ્વપ્નો છિન્ન ભિન્ન થતાં જણાય છે. અપેક્ષિતને આ રીતે પોતાનાં અપ્રેમના લીધે રીબાતો જોઈ ન શકતાં પ્રિયા અચાનક જ એક દિવસ અપેક્ષિતને છોડીને જતી રહી છે. મોબાઈલ નમ્બર કે બીજા કોઈ કોન્ટેક્ટ આપ્યા વિના જ તે મુબઈ છોડીને જતી રહે છે અને છોડી જાય છે માત્ર એક ઈ મેઈલ.

પ્રેમ-અપ્રેમ

ભાગ-૨

પ્રિયાને ઈ-મેઈલ કર્યા બાદ આંસુઓથી છલકાઈ ઉઠેલી આંખો ઢાળી સોફા પર માથું ટેકવી અપેક્ષિત ત્યાં જ બેસી રહ્યો. તેનાં મગજમાં એક શૂન્યાવકાશ સર્જાઈ ચૂક્યો હતો. મગજ અને હ્રદય બન્ને જે એક ચાવીથી ખુલી જતું એ નામ હતું પ્રિયા, આજે તે ચાવી જ ખોવાઈ ગઈ હોય તેમ બંને કામ કરતાં બંધ થઈ ગયેલા. પોતાનાં દેહમાં પ્રિયા નામનો જે પ્રાણ વસવાટ કરતો હતો આજે તે જ નીકળી ગયો હતો. મોડી રાત સુધી વિચારો સાથે દ્વંદ્વ યુદ્ધ કરતો અપેક્ષિત ક્યારે નિદ્રાધીન થઈ ગયો તેની તેને પણ ખબર ન રહી. રોજ સવારે આંખ ખુલતાંની સાથે જ મોબાઈલમાં પ્રિયાનો મેસેજ જોવાની આદત પડી ગઈ હતી. અપેક્ષિત ઉઠ્યો ત્યારે સાડા આઠ વાગી ગયેલા અને આદતવશ તેણે પહેલું કામ મોબાઈલ હાથમાં લઈને મેસેજ જોવાનું કર્યું પણ અફસોસ કે પ્રિયાનો કોઈ મેસેજ ન હતો. પોતાનાં નિત્યક્રમ મુજબ તેણે પ્રિયાને

“good morning, Priya, Love U my dear….have a nice day...” એવો મેસેજ કર્યો પણ મેસેજ આજે પણ ડીલીવર ન થયો. કાલે પ્રિયાને ઈ-મેઈલ કર્યાની વાત યાદ આવતાં તેણે ફટાફટ લેપટોપ ચાલુ કરીને પોતાનાં મેઈલ્સ ચેક કર્યા પણ તેમાં પણ તેને નિરાશા જ સાંપડી. પ્રિયાનો કોઈ ઈ મેઈલ પણ ન હતો. લેપટોપ ફરી ટેબલ પર મુકીને તે વિચાર કરતો સ્વગત બોલ્યો, “ પ્રિયા, પ્રિયા..તું આ શું કરી બેઠી મારી સાથે..? મને આમ સાવ એકલો મુકીને ક્યાં ચાલી ગઈ..? મારાં જીવનમાં એક ખાલીપો મુકીને ક્યાં જતી રહી તું પ્રિયા..?”

આટલું બબડતાં ક્યારનો બાજેલો ડૂમો આંખોમાંથી અનરાધાર વહી નીકળ્યા, કેટલીયે વાર સુધી એ આંખોમાંથી વરસતા ચોમાસાને રૂમાલના વાઈપરથી સાફ કરતો રહ્યો. અચાનક મોબાઈલમાં રીંગ વાગવાથી તેની તંદ્રા તૂટી પણ કોલ ઓફિસનો હોવાથી રીસીવ કરવાનું મન ન થયું. આખી રીંગ પૂરી થઈ ગયા બાદ ફરી રીંગ વાગી આ વખતે જોયું તો કોલ સ્વાતિ એ પોતાનાં નંબર પરથી કરેલો. અપેક્ષિતે કોલ રીસીવ કરતાંની સાથે જ સ્વાતિ બોલી,

“ગુડ મોર્નિંગ અપેક્ષિત, આજે હજી કેમ ઓફિસ પર નથી પહોંચ્યો..?”

“સ્વાતિ, પ્લીઝ ડુ મી એ ફેવર, મારી આજે લીવ મુકીને બોસને ઇન્ફોર્મ કરી દેજે , મારી તબિયત આજે લુઝ લાગે છે તો હું ઓફિસ નહીં આવી શકું.”

રાતે અને સવારના ચોધાર રુદનના કારણે અવાજ એકદમ ભારેખમ થઈ ગયેલો હોય સ્વાતિને થોડી શંકા ગઈ કે તબિયત નહીં પણ ઓફિસ ન આવવાનું કંઈક બીજું જ કારણ છે એ જાણવા માટે પૂછ્યું,

“વ્હોટ હેપન્ડ અપેક્ષિત ...? ઈઝ એવરીથીંગ ઓલ રાઈટ..? યુ આર સાઉન્ડીંગ લો...”

“યા એવરીથીંગ ઈઝ ઓકે સ્વાતિ, પ્લીઝ ડુ વ્હોટ આઈ સેઈડ..” આટલું કહીને અપેક્ષિત એ ફોન ડીસ્કનેકટ કરી નાખ્યો. અને પોતે બેડરૂમમાં જઈને ફરી પ્રિયાનાં વિચારોમાં ગરકાવ થઈ ગયો.

સ્વાતિને અપેક્ષિતનું બિહેવિયર થોડું વિચિત્ર તો લાગ્યું કારણ કે અપેક્ષિત એકદમ ખુશ મિજાજ માણસ હતો. ક્યારેય એનાં ચહેરા પર દુઃખ કે વાતચીતમાં તોછડાઈ જોવા ન મળતી. આથી સ્વાતિએ જાતે જ અપેક્ષિત ને મળીને શું થયું હતું એ જાણવાનું નક્કી કર્યું.

સ્વાતિ એ અપેક્ષિતની કલીગ કમ ફ્રેન્ડ હતી અને મનોમન અપેક્ષિતને તે ખૂબ ચાહતી હતી. પ્રિયા પછી એક માત્ર સ્વાતિ જ એવી વ્યક્તિ હતી જેની સાથે તે છૂટથી વાત કરતો, પોતાની નાનામાં નાની ખુશી શેર કરતો. સ્વાતિ જરાં ભીનેવાન હતી પણ તેનું ફિગર અને નમણાશ કોઈ હિરોઈનને પણ શરમાવે એવી હતી. આખા શરીર પર લેશ માત્ર પણ વધારાની ચરબી ન હતી. લંબગોળ પાતળો ચહેરો, શ્યામ વર્ણ, મોટી કાળી ભરાવદાર માદક આંખો, ગુલાબની પાંદડી કરતાં પણ વધુ ગુલાબી હોઠ, સુરાહીદાર ગરદન, ખીલતી કળી સરીખી દંતાવલી, અતિ ઉન્નત વક્ષ સ્થળ, મરોડદાર પાતળી પરમાર સમી કમર, સુડોળ નિતંબને સ્પર્શતાં લાંબા કાળા ઘેરા વાળ અને અજંતા ઈલોરાની કોઈ મૂર્તિ જેવાં લાંબા અને સુંદર પગ. કોઈ પણ સ્વાતિને જોતું તો ઘડીભર નજર હટાવી ન શકતું. પણ કુદરત ઘણી વાર અમુક લોકો પર બહુ ક્રૂર હોય છે. નાનપણથી જ સ્વાતિના ઘરની આર્થિક હાલત બહુ પછાત હતી, પિતાની કોઈ સ્થાયી નોકરી ન હતી, મા પણ બીજાના ઘરનાં છૂટક કામ કરતી જેમાં માંડ પરિવારનું ગુજરાન ચાલતું. સ્વાતિ પહેલેથી જ ભણવામાં બહુ જ તેજસ્વી હતી, ક્લાસમાં અને સ્કુલ માં મોટાભાગે પહેલો નમ્બર જ લાવતી એટલે મા-બાપ બંનેએ પૂરી કોશિષ કરી કે સ્વાતિના ભણવાનું ન અટકે. ૧૨મા ધોરણમાં ૯૫% લાવીને સ્કુલમાં પ્રથમ નમ્બર મેળવેલો જેના ફળ સ્વરૂપે તેમની જ્ઞાતિમાંથી તેને આગળ ભણવા માટે સ્કોલરશિપ મળી ગઈ.

એ પછી તો બી.બી.એ.માં એમીશન લઈને ડીસ્ટીન્કશન સાથે ઉતીર્ણ કર્યું અને એમ.બી.એ. માર્કેટિંગ મેનેજમેન્ટમાં એડમીશન મેળવી એ પણ ડીસ્ટીન્કશન સાથે ઉતીર્ણ કર્યું. પરંતુ રીઝલ્ટ આવ્યાના બીજા જ દિવસે એક અકસ્માતમાં તેની માનું મૃત્યુ થયેલું અને તેમાં જ તેના પિતા અપંગ બની ગયેલા. ત્યારથી આ દુનિયામાં તેના પિતા સિવાય તેનું કોઈ જ ન રહ્યું. નાની ઉમરમાં માતાની છત્રછાયા ગુમાવી બેઠી, ઉપરથી અપંગ પિતાની સારસંભાળ તેમજ ઘરની બધી જ જવાબદારીએ સ્વાતિને અંદરથી ખૂબ મજબુત બનાવી દીધેલી. દરેક વિષમ પરિસ્થિતિનો સામનો તે ખૂબ જ હિંમતભેર કરી શકતી અને પેલું કહે તેમ હિંમત-એ-મર્દા તો મદદ-એ-ખુદા તેવી જ રીતે કેમ્પસ ઈન્ટરવ્યુમાં તરત જ અપેક્ષિતની કંપનીમાં તેનું જુનીયર માર્કેટીંગ મેનેજર તરીકે સિલેકશન થઈ ગયું હતું. પોતાની મહેનત અને કાબેલિયતના દમ પર અપેક્ષિતની કંપનીમાં એને જોબ મળી જતાં આર્થિક રીતે પગભર પણ થઈ ગયેલી અને ખાસ્સો એવો છ આંકડાનો વાર્ષિક પગાર મળતો થઈ ગયેલો. સ્વાતિએ જેટલી આર્થિક સંકડામણ ભોગવેલી તેટલી જ હવે પૈસાની છૂટ થઈ ગયેલી.

પરિવારની આવી ખસ્તા હાલત અને પાછળથી મા નું અચાનક મૃત્યુ અને પિતાની અપંગતાના લીધે સ્વાતિ દરેક મોજશોખથી દૂર જ રહી ગયેલી. સ્વાતિને ખાસ બહુ ફ્રેન્ડસ પણ ન હતાં કે ન તો આજના જમાનાની છોકરીઓની જેમ બોય ફ્રેન્ડસ હતાં. કોલેજમાં હતી ત્યારે ઘણાં છોકરાઓ તેની પર મરતા હતાં પણ સ્વાતિનું એક માત્ર લક્ષ્ય ભણવાનું અને સારી જોબ મેળવવાનું હતું એટલે એ કોઈને ક્યારેય મચક જ ન આપતી. તેને એક માત્ર ગઝલો સાંભળવાનો શોખ હતો. ગઝલ અને શેરો શાયરી તો અપેક્ષિતને પણ એટલી જ ગમતી, ખાસ કરીને જગજીતસિંહ ની ગઝલો. બંને ઘણીવાર નવરાં પડ્યા હોય ત્યારે અપેક્ષિતની ચેમ્બરમાં બેસીને ગઝલો સાંભળતા અને સંભળાવતા આમ જ બન્નેની દોસ્તી ગાઢ થઈ ગયેલી. અપેક્ષિતની પેઇન્ટિંગની કળા અને હસમુખા સ્વભાવ પર આફરીન સ્વાતિ મનોમન એને પ્રેમ કરવા લાગી હતી. બંનેને લગભગ બધી જ ગઝલો કંઠસ્થ હતી. કલાકો સુધી ગઝલો પર ચર્ચાઓ પણ કરતાં. નવી કોઈ ગઝલ ધ્યાનમાં આવી હોય કે સાંભળી હોય તો અચૂક એક બીજાને સંભળાવતા.

છેલ્લાં અઢી વર્ષથી સ્વાતિ અપેક્ષિત સાથે જોબ કરતી. થોડાં સમયથી અપેક્ષિતના સ્વભાવમાં જે બદલાવ આવ્યો હતો એ સ્વાતિએ પણ નોટીસ કર્યો જ હતો. તે ઘણીવાર પૂછતી પણ ખરા કે કંઈ પ્રોબ્લેમ થયો હોય તો, પણ અપેક્ષિત ચેહરા પર બનાવટી હાસ્ય લાવીને વાત ઉડાવી દેતો, યા તો કોઈ શેર સંભળાવી બહુ સિફતથી વાત ટાળી દેતો ત્યારે સ્વાતિ તેના પર ગુસ્સો પણ બહુ કરતી. છેલ્લી વખત જયારે વેલેન્ટાઇન ડે પર અપેક્ષિતે પ્રિયાને પ્રપોઝ કર્યું એનાં બીજા દિવસે અપેક્ષિત બહુ અપસેટ લાગતાં સ્વાતિએ તેને પૂછ્યું હતું તો જવાબમાં અપેક્ષિતએ તેની અને પ્રિયાની થોડી વાત કરેલી અને કહ્યું હતું કે આ બીજી વાર પ્રિયાએ તેનું પ્રપોઝલ રીજેકટ કર્યું હતું. સ્વાતિએ ત્યારે પણ અપેક્ષિતને આશ્વાસન અને હિંમત આપેલી અને પડખે રહીને એક સાચા મિત્ર તરીકેની પોતાની ફરજ બજાવેલી અને કહેલું કે ધીરજ રાખ એક દિવસ પ્રિયા તારા પ્રેમને સમજશે અને તને અપનાવશે. પહેલી વાર જયારે સ્વાતિને ખબર પડી કે જેને તે બેહદ ચાહે છે તે અપેક્ષિત કોઈ બીજાના પ્રેમમાં છે .ત્યારે તે સંપૂર્ણરીતે ભાંગી પડેલી, પણ તેમ છતાં તે અંદરથી બહુ જ હિંમતવાળી હતી એટલે અપેક્ષિતને જરાં પણ પોતાની મન:સ્થિતિનો ખ્યાલ શુદ્ધાં નહોતો આવવા દીધો, ઉલટું તેણે અપેક્ષિતને હિંમત આપી હતી. પછી ઘરે પોતાનાં રૂમમાં જઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડેલી પણ તેની પાસે ન તો કોઈ ખભો હતો કે ન તો કોઈ સાંત્વના આપી શકે તેવી વ્યક્તિ હતી. તે હતી તો માત્ર એકલી જ, પણ કોઈ સ્ત્રી ક્યારેય એકલી ક્યાં હોય છે..? તેની સાથે જોડાયેલું હોય છે શક્તિસ્વરૂપ, જે હંમેશા સ્ત્રીને દરેક સ્થિતિમાં લડવાની અને જીતવાની શક્તિ આપતું રહે છે. તરત જ તેણે સ્વસ્થ થઈને મોબાઈલમાં જગજીતસિંહની ગઝલ મૂકી...

“કોઈ યે કૈસે બતાયે કે વો તન્હા કયું હૈ...?

વો જો અપના થા વહી ઔર કિસીકા કયું હૈ...?

યહી દુનિયા હૈ તો ફિર ઐસી યે દુનિયા કયું હૈ...?

યહી હોતા હૈ તો આખિર યહી હોતાં કયું હૈ..?

એક ઝરા હાથ બઢા લે પકડ લે દામન,

ઉસકે સીને મેં સમા જાયે હમારી ધડકન,

ઇતની કુર્બત હૈ તો ફાસલા ઇતના કયું હૈ,

દિલ એ બરબાદ સે નિકલા નહીં અબ તક કોઈ,

ઈક લુટે ઘર પે દિયા કરતા હૈ દસ્તક કોઈ,

આશ જો તૂટ ગઈ ફિર સે બંધાતા કયું હૈ..?

તુમ મસર્રત કા કહો, યા ઈસે ગમ કા રિશ્તા,

કહેતે હૈ પ્યાર કા રિશ્તા હૈ જનમ કા રિશ્તા,

હૈ જનમ કા જો યે રિશ્તા તો બદલતા કયું હૈ...?”

કૈફી આઝમીના શબ્દો અને જગજીતસિંહનો સુવર્ણ અવાજ તેનું કામ કરતાં રહ્યાં અને સ્વાતિ ક્યાંય સુધી આંખો બંધ કરી અશ્રુધારાઓ વહાવતી રહી.....

(ક્રમશ:)

-આલોક ચટ્ટ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED