પ્રેમ-અપ્રેમ ભાગ-૫ Alok Chatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ-અપ્રેમ ભાગ-૫

પ્રેમ-અપ્રેમ

ભાગ-૫

ધીરે ધીરે અપેક્ષિતને સ્વાતિની કંપની ખૂબ ગમવા લાગી, બંનેને એક બીજાની જાણે આદત પડી ગઈ. બંને એકબીજા વિના રહી ન શકતાં, કોઈ ને કોઈ રીતે એક બીજા સાથે કનેક્ટેડ રહેતાં. અપેક્ષિત પણ પ્રિયાનાં વિચારો આવે તે સાથે જ ખંખેરી નાંખતો અને સ્વાતિની વાતો યાદ કરતો. ક્યારેક મન બહુ ઉદાસ થાય તો સ્વાતિને ફોન કરીને પોતાની ઉદાસી દૂર કરી લેતો. સ્વાતિ પણ તેને ક્યારેય ઉદાસ રહેવા દેતી જ નહીં. જયારે પણ એવું લાગતું, તે અપેક્ષિતને હસાવવાની કે બીજી કોઈ વાતમાં તેનું માઈન્ડ ડાયવર્ટ કરવાની પૂરી કોશિષ કરતી.

જેમ જેમ દિવસો પસાર થતાં ગયા તેમ તેમ બંને વધુને વધુ નજીક આવવા લાગ્યાં તેમજ સાથે લંચ, ડીનર અને કોફી માટે જવા લાગ્યાં. ક્યારેક મેક’ડી તો ક્યારેક સીસીડી, ક્યારેક ડોમિનો’ઝ તો ક્યારેક કેએફસી. આ સિવાય પણ બોરીવલી આસપાસની દરેક સારી રેસ્ટોરન્ટસ જેવી કે, ૯૦ ફીટ એબવ, ગ્લોબલ અફેર, નિર્વાણા, હેરીટેજ કિચન, રેડ ઇન્ડિયન આ કોઈ રેસ્ટોરેન્ટ તેમણે બાકી નહોતી રાખી. જ્યાં પણ કોઈ સારી રેસ્ટોરન્ટનું નામ સાંભળવા મળે કે નવી રેસ્ટોરન્ટ ઓપન થાય તેઓ બંને ત્યાં અચૂક પહોંચી જતાં. વિક એન્ડમાં પણ સ્વાતિ અપેક્ષિતને ઘરે બેસવા ન દેતી અને આર.સી.ટી., ઈન્ફીનીટી, ઈન ઓરબીટ, ફીનીક્સ, વિવિયાના જેવાં મોલ્સમાં શોપિંગ માટે લઈ જતી, ક્યારેક ત્યાં જ મુવી પણ જોઈ લેતાં અને લંચ કે ડીનર પણ પતાવીને જ ઘરે આવતાં. તે સિવાય ક્યારેક માર્વે બીચ, અક્સા બીચ, ગોરાઈ બીચ, જુહુ ચોપાટી, પેગોડા, શાંગ્રીલા રિસોર્ટ આવી કોઈકને કોઈક જગ્યાએ આઉટીંગ પર પણ જઈ આવતાં. બીજો કોઈ જ પ્રોગ્રામ ન બને તેમ હોય તો પણ તે બંને એક બીજાનાં ઘરે અચૂક જતાં અને સાથે સમય ગાળતાં. ક્યારેક રાતે મન થતું તો સ્વાતિ અપેક્ષિતને ફોન કરતી. બંને લોંગ ડ્રાઈવ પર પણ જતાં અને રીટર્નમાં ડેરીડોન કે મોનીકાનું આઈસ્ક્રીમ, ક્યારેક કાઠીયાવાડીની સોડા તો ક્યારેક લારી પર બદામ શેક પણ પી લેતાં.તે ઉપરાંત ઓફિસ ક્લીગ્ઝ બધાં ભેગા થઈ કોઈનો બર્થ ડે હોય કે કંઈ બીજું બહાનું હોય તો તે બહાને પાર્ટી પણ કરી લેતાં.

હવે ઓફિસ પણ બંને સાથે જ આવવા-જવા લાગ્યાં, સવારે અપેક્ષિત સ્વાતિને પોતાની કારમાં ઘરેથી પીક અપ કરી લેતો અને સાંજે બંનેનો જે કંઈ પ્રોગ્રામ હોય તે પછી તે ઘરે ડ્રોપ પણ કરી દેતો. અપેક્ષિત પણ હવે પ્રિયા ન હોવાના દુઃખને મોટાભાગે ભૂલવા જ લાગેલો. સ્વાતિના સાથે હોવાના સુખને પૂરી રીતે માણતો. બંને જેટલો સમય સાથે રહેતાં એકદમ ખુશ જ રહેતાં, સાથે પસાર કરેલા સમયને તેઓ ‘ગોલ્ડન ટાઈમ’ માનતા. સ્વાતિ અપેક્ષિતને ખુશ રાખવા માટે બધું જ કરી છૂટતી હતી. તેનું ધ્યેય એક જ હતું પોતે અપેક્ષિતને પ્રિયાનાં દુઃખમાંથી બહાર કાઢી શકે, સાથે પોતે પણ પોતાનાં પ્રિયપાત્ર સાથે વધુ સમય ગાળી શકે અને તેની નજીક આવી શકે. અપેક્ષિત ઘણીવાર પોતાના ભૂતકાળ અને વર્તમાન કાળને સરખાવતો, ત્યારે તેને મનમાં થઈ આવતું કે પ્રિયા સાથેના સમયમાં તેને દુઃખ જ વધુ મળ્યું. હંમેશા તે પ્રિયાને ખુશ રાખવાની કોશિષમાં જ રહેતો, જયારે સ્વાતિ સાથે જે સમય પસાર કરતો તેમાં નર્યું સુખ,સુખ અને સુખ જ મળતું. તેણે સ્વાતિને ખુશ રાખવાની કદી કોશિષ કરવી પડતી નહીં, ઉલટું કાયમ સ્વાતિ તેને ખુશ રાખતી, ક્યારેય ઉદાસ થવા ન દેતી. સ્વાતિના આ પ્રેમાળ વ્યવહારનાં લીધે મનોમન તેને ગર્વ થતો કે સ્વાતિ જેવી વ્યક્તિ તેના જીવનમાં આવી. કોઈપણ પ્રકારની અપેક્ષા વિના કોઈ માટે આટલું તો તે વ્યક્તિ જ કરી શકે જે તમને ખરાં દિલથી પ્રેમ કરતું હોય. એનાં માટે બસ તમે જ સર્વસ્વ હો. તમારા એક નામમાં જ તેની આખી દુનિયા સમાઈ ગઈ હોય. આવી વ્યક્તિ જયારે તમારાં જીવનમાં આવે તો ક્યારેય તેને છોડવાની ભૂલ ન કરવી.

અપેક્ષિત પોતાની જાતને સ્વાતિનો ઋણી માનતો પરંતુ સ્વાતિ તો તેના અનહદ પ્રેમને વશ થઈ અપેક્ષિત માટે બધું જ કરતી હતી, પરંતુ તે સામે કોઈ અપેક્ષા રાખતી નહીં. હજી તેણે ક્યારેય પોતાનાં દિલની વાત અપેક્ષિતને કહી નહોતી. તે યોગ્ય સમયની રાહ જોતી હતી. મનમાં ને મનમાં તે અપેક્ષિતને અનહદ ચાહતી હતી અને અગણિત સપનાં સજાવ્યા કરતી, પણ તેને ખ્યાલ ન હતો કે સપનાં જયારે તૂટે છે ત્યારે સૌ પ્રથમ સપનાં જોનાર વ્યક્તિને તોડી નાખે છે. કોઈ જાતના ભય વિના કે અપેક્ષા વિના તે મીરાંની જેમ તેના શ્યામને પ્રેમ કર્યે જ જવા માગતી હતી. તેને તે પણ ખબર ન હતી કે અપેક્ષિતના જીવનમાં તે કયું સ્થાન પામશે..? તે ક્યારેય અપેક્ષિતની રુકમણી બની શકશે કે પછી તેણે રાધા કે મીરાં બનીને દૂરથી જ પોતાનાં શ્યામને ચાહ્યા કરવો પડશે..?

સમયનું ચક્ર બહુ ઝડપી ફરતું હોય છે ખાસ કરીને ત્યારે જયારે તમારો સમય સારો હોય. જોત જોતામાં ચારેક મહિના પસાર થઈ ગયા. એક દિવસ અપેક્ષિત ઓફિસ જવા માટે તૈયાર થતો હતો ત્યાં સ્વાતિનો કોલ આવ્યો,

“હેલ્લો અપેક્ષિત, આજે મને પીક કરવા ઘરે નહીં આવતો આજે હું ઓફિસ નથી આવવાની...”

“ઓહ, કેમ શું થયું...?”

“આજે તબિયત જરાં ઢીલી લાગે છે માટે તું મારી લીવ મુકાવી આપજે પ્લીઝ...”

“ઓહ, શું થયું તબિયતને ....?બહુ સારું ન હોય તો હું લઈ જાઉં તને ડોક્ટર પાસે...?”

“નો, નો, ઇટ્સ ઓકે....આમ જ જરાં માથું દુઃખે છે, એ તો હું દવા લઈ લઈશ એટલે સારું થઈ જશે....તારે અત્યારે આવવાની જરૂર નથી, તું સાંજે ઓફિસથી ફ્રી થાય પછી આંટો મારી જજે...અત્યારે આમ પણ તને ઓફિસ જવામાં લેટ થશે...સો યુ કેરી ઓન માય ડીઅર...”

“ઓહ ઓકે...પ્લીઝ ટેક કેર ઓફ યોર સેલ્ફ...કંઈ પણ જરૂર જેવું લાગે તો મને કોલ કરજે હું તરત આવી જઈશ...”

“ઓકે, થેન્ક યુ......” કહીને સ્વાતિએ ફોન ડિસકનેક્ટ કર્યો.

અપેક્ષિત ઘડીભર વિચાર કરવા લાગ્યો કે સ્વાતિને કંઈ વધુ તબિયત બગડેલી ન હોય તો સારું, ચિંતા ન થાય એટલે તેણે ‘ફક્ત માથું દુઃખે છે’ એવું પણ કહ્યું હોય. જો કે ફોન પર તે વધુ બીમાર હોય તેવું કંઈ તેને બહુ લાગ્યું નહીં, પરંતુ તો પણ તેણે મનોમન નક્કી કરી લીધું કે આજે ઓફિસથી વહેલો નીકળી જશે અને સ્વાતિના ઘરે જશે. પછી જરૂર પડે તો તેનું કોઈ જ બહાનું નહીં ચલાવે અને ડોક્ટર પાસે લઈ જશે. ઓફિસ પહોંચતાની સાથે જ પોતાનાં કામમાં ગુંચવાઈ ગયેલો પણ તેમ છતાં તેનું ધ્યાન સ્વાતિમાં પણ હતું જ. બપોરે જેવો લંચ પડ્યો અપેક્ષિતે સ્વાતિને ફોન કરીને તેનાં ખબર પૂછ્યા, તે જમી કે નહીં અને દવા લીધી કે નહીં એવી પૃચ્છા કરી, પણ સ્વાતિએ કહ્યું કે તેને હવે સારું હતું અને કોઈ ચિંતા જેવું ન હતું. સ્વાતિની સાથે વાત કર્યા પછી તેને સારું લાગ્યું. રોજ સ્વાતિ સાથે જ તે લંચ કરતો હતો, સ્વાતિ ક્યારેક કંઈ વેરાઈટી બનાવી હોય તો વધુ જ લાવતી અને અપેક્ષિતનું ટીફીન ઓફિસમાં જ આવી જતું પછી બંને સાથે જ લંચ કરતાં. આજે સ્વાતિ ન હોવાથી તેને લંચ પણ ન ભાવ્યું અને થોડું ખાઈને ટીફીન આમ જ ફરી પેક કરીને મૂકી દીધું.

અપેક્ષિતનો ઓફિસનો ટાઈમ સામાન્ય રીતે ૧૦ થી ૬ વાગ્યાનો હતો, પરંતુ આજે સ્વાતિના ઘરે જવાનું હોવાથી તે સાડા પાંચ જેવું નીકળી જવાની પરવાનગી લેવા માટે તેના બોસ પાસે ગયો. તેના બોસ એ ઉલટું તેને એક અરજન્ટ કામ સોપ્યું, જે કરીને પછી જ જવા જણાવ્યું, કારણ કે આજે તેમને પણ કશે બહાર જવાનું હતું. એકબાજુ તેને જલ્દી જવું હતું અને ઉલટું આ કામના લીધે મોડું થાય તેમ હોય તે જરા અકળાઈ ગયો, પણ બોસનો હુકમ હતો એટલે તેનું પાલન પણ કરવું જ પડે. તેણે સ્વાતિને કોલ કરીને જણાવી દીધું કે તે ઘરે આવશે પણ થોડું મોડું થશે. કોલ કર્યા પછી તે ફટાફટ કામ પૂરું કરવામાં લાગી ગયો તેમ છતાં કામ પતાવીને તેણે ઘડિયાળમાં જોયું તો સાત જેવો સમય તો થઈ ગયો હતો. જેવું કામ પત્યું તે પોતાની ચેમ્બરની બહાર નીકળ્યો અને જોયું તો આખો સ્ટાફ આજે જતો રહેલો અને પોતે જ છેલ્લો બાકી હતો. મનમાં ને મનમાં પોતાનાં બોસને ભાંડતો તે પાર્કિંગ તરફ જતો રહ્યો.

ઘાઈ ઘાઈમાં તે સ્વાતિના ઘરે પહોંચ્યો અને કાર પાર્ક કરીને ઉપરની તરફ જોયું તો સ્વાતિના ફ્લેટની લાઈટ બંધ હતી. કંઈક વિચારીને તેણે સ્વાતિને કોલ કર્યો પણ તે પણ નો રીપ્લાઈ થયો. તેને થયું કે ક્યાંક સ્વાતિની તબિયત વધુ બગડી ન હોય એટલે તેણે ઉપર જઈને જાતે ચેક કરવાનું નક્કી કર્યું. લીફ્ટમાંથી બહાર નીકળીને જેવું તેણે જોયું તો સ્વાતિના ફ્લેટનું મેઈન ડોર ખૂલ્લું હતું અને અંદર એકદમ અંધારું હતું. અપેક્ષિતના મનમાં થોડો ડર બેસી ગયો કે ક્યાંક કંઈક અજુગતું ન બન્યું હોય. તેના મનમાં અસંખ્ય પ્રશ્નો એકસાથે આકાર લઈ ગયા. ‘મેઈન ડોર કેમ ખૂલ્લું...અને ફ્લેટમાં લાઈટ કેમ બંધ...? સ્વાતિને કંઈક થઈ તો નહીં ગયું હોય ને..?’

જેમ તેમ કરીને હિંમત કરીને તે ફ્લેટની અંદર દાખલ થયો અને ફાંફાં મારતો મારતો માંડ સ્વીચ બોર્ડ સુધી પહોચીને જેવી સ્વીચ ચાલુ કરી તેણે સામેનું દ્રશ્ય જોયું............. તો..........!!!!!!!!!

(ક્રમશ:)

-આલોક ચટ્ટ