પ્રેમ-અપ્રેમ - ૯ Alok Chatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ-અપ્રેમ - ૯

પ્રેમ-અપ્રેમ

ભાગ-૯

મિત્રો આપ આપણા સૂચનો અને અભિપ્રાયો મને આપશો તો મને ગમશે...

મોબાઈલ : ૯૯૯૮૭૨૧૫૮૩, ૯૭૨૫૪૯૨૮૨૨

ઈ મેઈલ :

***************************************************

ઘરે આવીને ચેન્જ કરીને સ્વાતિ મોબાઈલ લઈને અપેક્ષિતના રીપ્લાયની રાહ જોવા લાગી. જેમ જેમ સમય જતો હતો તેમ તેમ તેનાં ધબકારાની ગતિ અને બેચેની પણ વધી રહી હતી. તે મોબાઈલ પર મીટ માંડીને બેસી ગયેલી પણ કોઈવાતે ન કોઈ મેસેજ આવતો હતો કે ન તો કોલ આવતો હતો. તેનાં મનમાં કેટલાંય વિચારો સાથે અનેક પ્રશ્નો ચાલી રહ્યાં હતાં.

“આટલાં સમય પછી મેં અપેક્ષિતને મારાં દિલની વાત કરી તો તેને કેવું લાગ્યું હશે..? શું તે પણ મને હવે પ્રેમ કરવા લાગ્યો હશે કે હજીયે મને માત્ર એક ફ્રેન્ડ માનતો હશે..? કે હજીયે પ્રિયા તેના વિચારોમાંથી અને હૃદયમાંથી નહીં નીકળી શકી હોય...? અપેક્ષિતનો જવાબ હા હશે તો કેવી લાઈફ મસ્ત થઈ જશે..!! અને ના હશે તો...?” સ્વાતિ પોતાનાં જ વિચારોથી થાકી ગઈ, પરંતુ અપેક્ષિતનો કંઈ પણ રીપ્લાય આવે તો ને..? એક એક ઘડી એક એક કલાક જેવી જતી હતી. એવામાં તેનો મોબાઈલ રણકી ઉઠ્યો અને સ્ક્રીન પર અપેક્ષિનું નામ જોતાં જ તે ઉછળી ઉઠી અને પૂરી અધીરી થઈને કોલ રીસીવ કર્યો,

“હેલ્લો સ્વાતિ...!!”

“હાઈ અપેક્ષિત....આઈ વોઝ વેઇટીંગ ફોર યોર રીપ્લાય...”

“સોરી ટુ મેક યુ વેઇટ..... સ્વાતિ મેં લેટર વાંચ્યો, તેની પર બહુ વિચાર પણ કર્યો. આટલાં સમયથી તું મને પ્રેમ કરે કરે છે તે જાણીને હું નવાઈ પામ્યો અને એક મોટો પ્રશ્નાર્થ પણ એ છે કે આટલાં સમય સુધી કેમ ક્યારેય તે મને તારા દિલની વાત ન કરી..? ઇવન મને ક્યારેય એવું દેખાવા પણ નહીં દીધું. પ્રિયાનાં ગયા પછી તે જે રીતે મને સપોર્ટ કર્યો છે એ માટે હું સદા તારો ઋણી રહીશ. ત્યારે કદાચ તું મારી પડખે નહીં હોત તો હું સાવ વિખેરાઈ ગયો હોત....”

“ઇટ્સ ઓકે ડીઅર......ઈટ વોઝ માય ડ્યુટી...”

“યા બટ....આજનાં જમાનામાં આવી ફરજ પણ કોઈ બજાવતું નથી....આઈ એમ રીઅલી થેન્ક્ફૂલ ટુ યુ ફોર ધેટ....”

“હમ્મ્મ્મ....”

“સ્વાતિ, દુનિયાનો દરેક પુરુષ ઈચ્છતો હોય છે કે તેને દોસ્ત તરીકે સમજી શકે તેવી અને ખૂબ પ્રેમ આપે તેવી પત્ની કે પ્રેમિકા મળે. તું ખૂબ સમજુ તો છે જ પણ સાથે પ્રેમાળ પણ છે. એક ઉમદા પત્ની હોવાનાં દરેક ગુણ તારી અંદર છે. તું જેની સાથે લગ્ન કરીશ તે વ્યક્તિ બહુ જ ભાગ્યશાળી હશે. એ મારું સદનસીબ છે કે તું મને આટલો પ્રેમ કરે છે, પરંતુ એટલો બદનસીબ પણ ખરો. જેમ તાજી સિમેન્ટમાં પગલાં પડ્યા હોય તે ઘડીક માં ભુંસાય નહીં તેવી જ રીતે હું હજી સંપૂર્ણપણે પ્રિયાને ભૂલાવી શક્યો નથી. ઓનેસ્ટલી સ્વાતિ મેં સદાય તને મારી બેસ્ટ ફ્રેન્ડ જ માની છે, ક્યારેય તને એ નજરથી જોઈ જ નથી. મને પણ તારા માટે અપાર લાગણી છે પણ હું મારી લાગણીઓ બાબતે હજી અવઢવમાં છું. હું નક્કી નથી કરી શકતો કે હું તને પ્રેમ કરું છું કે નહીં. મારાં જીવનમાં તારું ઉચ્ચ સ્થાન છે પણ એ સ્થાન કયું છે તે મને ખબર નથી. જ્યાં સુધી હું પ્રિયાને પૂરી રીતે ભૂલાવીને મારી લાગણી બાબતે મક્કમ ન બની જાઉં ત્યાં સુધી હું તારો પ્રસ્તાવ સ્વીકાર નહીં કરી શકું સ્વાતિ.....એનું મુખ્ય કારણ પણ એ જ છે કે હું તને મારી જેમ દુઃખી જોવા નથી માગતો. પ્રેમ-અપ્રેમનાં બે પાટા વચ્ચે હું બહુ પિસાયો છું એટલે હું એવું નથી ઈચ્છતો કે તું પણ તેમાં પિસાય....આઈ એમ સોરી સ્વાતિ...આઈ હોપ યુ વિલ અન્ડરસ્ટેન્ડ મી.....”

“ઓહ.....ઇટ્સ પરફેકટલી ઓકે અપેક્ષિત....ટેઈક યોર ઓઉન ટાઈમ...અને હા તું મને પ્રેમ ન કરતો હોય ને મારી સાથે લગ્ન ન કરવા માગતો હોય તો પણ આઈ ડોન્ટ માઈન્ડ....એવું બિલકુલ જરૂરી નથી કે આપણે જેને પ્રેમ કરીએ તેની પાસેથી પણ પ્રેમ મળે જ....પ્રેમ કોઈ વ્યવહાર તો નથી ને અપેક્ષિત કે તું કરે તો જ હું કરું. સો યુ ડોન્ટ બોધર એન્ડ રીલેક્સ.....ઇટ્સ ટુ લેટ નાઉ...બાય....ગૂડ નાઈટ અપેક્ષિત.....”

“હમ્મ્મ્મ.....થેંક યુ ફોર અન્ડરસ્ટેન્ડિંગ....ગૂડ નાઈટ ટુ યુ ટુ....ટેક કેર સ્વાતિ....”

ક્યારથી અનેક પ્રશ્નોમાં ગુંચવાયેલી સ્વાતિ ખૂબ હતાશ થઈ ગઈ કારણ કે તેને ખાતરી હતી કે અપેક્ષિત પણ તેને પ્રેમ કરે જ છે. કોલ ડિસ્કનેક્ટ થતાં જ સ્વાતિ એક ઝટકા સાથે બેડ પર ફસડાઈ પડી. પત્તાનો મહેલ ધરાશાયી થઈ જાય તેમ તેના કેટલાંય સપનાં એક સાથે ચકનાચૂર થતાં જણાયાં. દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને સારી રીતે સાંભળી લેતી સ્વાતિ આજે પૂરી ભાંગી પડેલી. મોડે સુધી આંસુઓનો ઓશિકા સાથે સંગમ થતો રહ્યો.

સ્વાતિની આંખ ખૂલી ત્યાં બહુ મોડું થઈ ગયું હતું. ઘણી વાર રુદન એ નબળાઈ નહીં પરંતુ સબળાઈની નિશાની હોય છે. સ્વાતિ રડીને હળવી થઈ ગયેલી પરંતુ ઉઠતાંવેત તેના દિલ દિમાગ વચ્ચે દ્વંદ્વ યુદ્ધ ચાલુ થઈ ગયું હતું. ‘દિમાગ કહેતું હતું કે દિલમાં એક ઘાવ થયો છે તે ભરાઈ ન જાય ત્યાં સુધી અપેક્ષિત સાથે વાત ન કરવી. જયારે દિલ એમ કહેતું હતું કે ભલે ને ઘાવ મળ્યો પ્રેમમાં તો ઘાવ પણ મળે. તે અપેક્ષિતનાં પ્રેમથી જ રુઝાશે, માટે અપેક્ષિતની સાથે એકદમ સામાન્ય વર્તણુંક જ રાખવી, તેને ખબર પણ નથી પડવા દેવી કે અંદરખાને બહુ લાગી આવ્યું છે’.

સ્વાતિ સ્વગત, ‘આખરે ફરી એક વાર દિલ મારાં તારી જ જીત થઈ. આની પહેલાં પણ જયારે ખબર પડેલી કે અપેક્ષિત પ્રિયાને પ્રેમ કરે છે ત્યારે પણ હું આવી જ રીતે ભાંગી પડેલી પણ ક્યારેય અપેક્ષિતને એ વાતનો અણસાર આવવા નહોતો દીધો. તો હવે શા માટે આવવા દઉં ? હું ફીનીક્સ પક્ષીની જેમ બેઠી થઈ જઈશ. ગમે તે થઈ જાય અપેક્ષિતને મારાં દુઃખનો ખ્યાલ જ નહીં આવવા દઉં. અપેક્ષિત પીક કરવા આવે તે પહેલાં બધી જ રીતે નોર્મલ થઈ જઈશ.’ સ્વાતિ સઘળાં વિચારો ખંખેરીને નિત્યક્રમ પતાવવા માંડી સાથે એફએમ રેડિયો ઓન કરતાં જ એક જૂનું ક્લાસિક મૂવી ખામોશીની પક્તિઓ વાગી જે સ્વાતિને વધુ હિંમત આપી ગઈ.

“આજ કી રાત ચિરાગો કી નામોશી કર લો,

હો સકે તો દિલ કી આગ આંચલમેં ભર લો,

અપની આગ મેં જલના હોગા, આજ અકેલે ચલના હોગા,

અંધેરે મેં જલના હોગા, આજ અકેલે ચલના હોગા....”

**************************************************************************

રોજ અપેક્ષિત એક હોર્ન વગાડે ત્યાં સ્વાતિ પાંચ મીનીટમાં નીચે આવી જતી. આજે દસ બાર મિનીટ થવા છતાં હજી સ્વાતિ નીચે ન આવી હોવાથી અપેક્ષિત આજે હોર્ન માર્યા જ કરતો હતો.

“બસ, બસ યાર કેટલાં હોર્ન વગાડીશ..? આખા એપાર્ટમેન્ટને ભેગું કરવું છે કે શું..?”સ્વાતિ બરાડા પાડતી ઉતાવળા પગલે આવીને કારમાં બેઠી.

“હા આખું એપાર્ટમેન્ટ ભેગું થઈ ગયું એ પછી તું આવી....કેમ આજે લેટ છો મેડમ...?”

“બસ આજે ઉઠતાં લેટ થયું એમાં આખું શેડ્યુલ ખોરવાઈ ગયું...”

“ઓહ....! કેમ તબિયત તો સારી છે ને...? રાતે ઉંઘ મોડી આવેલી...?”

સ્વાતિને પ્રશ્ન તો પૂછ્યો પરંતુ મનમાં અપેક્ષિત બબડ્યો, ‘સ્વાતિ મને ખબર છે તેં આખી રાત આંસુ વહાવ્યા છે, ભલે તું સાચું ન કહે પણ તારી આ લાલ ચટ્ટક આંખો તેની ચાડી ખાય છે. ભલે તું નોર્મલ હોવાનો ડોળ કરે પણ તું કાલ રાતની વાતથી અપસેટ છે.’

“હમ્મ્મ્મ....યા.....આઈ એમ ઓકે ડોન્ટ વરી...તબિયત એકદમ ફર્સ્ટ ક્લાસ છે મને શું થવાનું....? તું ડ્રાઈવિંગ પર ધ્યાન આપ, બાકી તું એકસીડન્ટ કરીશ તો મને સાચે જ કંઈક થઈ જશે.” કહેતાં સ્વાતિ ખડખડાટ હસી પડી. સ્વાતિએ હાસ્યનું મુખોટું પહેરી લીધાનું જણાતાં અપેક્ષિતે માત્ર એક તીરછી નજર સ્વાતિ પર નાખીને કાર ઓફિસ તરફ દોડાવી મૂકી. રસ્તામાં અપેક્ષિતે જગજીતસિંહ ની ડીવીડી લગાવીને ઇન્ટેન્સનલી એક સોંગ પ્લે કર્યું,

“તુમ ઈતના જો મુસ્કુરા રહે હો,

ક્યા ગમ હૈ જીસકો છુપા રહે હો.....?”

આ લાઈન પ્લે થતાં જ બંનેની નજરો મળી અને સ્વાતિની નજર નીચી નમી ગઈ. બન્ને પોતાની જાત સાથે મૌન સંવાદો કરતાં રહ્યાં ત્યાં કાર ઓફિસનાં પાર્કિંગમાં પહોંચી ગઈ. બંને પોતપોતાની જગ્યા પર ગોઠવાઈ ગયા. બધું ધીમે ધીમે પોતાનાં નિત્યક્રમમાં ગોઠવાઈ ગયું. કોઈપણ વાતમાં તેનું ફ્ર્સટ્રેશન બહાર ન આવી જાય કે અપેક્ષિત આગળ રીએક્ટ ન જાય સ્વાતિ હંમેશા એ વાતનું ખાસ ધ્યાન રાખતી. સ્મિતનું મુખોટું ક્યાંક નીકળી ન જાય તેની પૂરી તકેદારી રાખતી. સ્વાતિ આટલું ધ્યાન રાખતી હોવા છતાં અપેક્ષિતને ક્યાંક તો એમ લાગતું જ કે સ્વાતિ અંદરખાને દુઃખી છે જેનું કારણ પણ પોતે જ હોવાની ખબર હોવાથી તેને ક્યારેક બહુ ગીલ્ટ ફીલ થતી. અપેક્ષિત પણ બધી રીતે નોર્મલ દેખાવાની કોશિષ જ કરતો પણ તેને આ ગીલ્ટ ફીલીંગ અંદરથી કોરી ખાતી હતી. બંને ઓફિસમાં ખૂબ મસ્તી કરતાં અને હસતાં પણ ખરાં પરંતુ એ હાસ્ય દેખાવ પૂરતું હતું અંદરથી તો બંનેની દશા કઇંક અલગ જ હતી. મારી જ પેલી પંક્તિની જેમ,

“તું અને હું, આપણે બેઉ ખોટાં,

ભીતર રુદન બહાર મુખોટાં....”

સમયનું ચક્ર પોતાની ગતિથી ફરતું જ રહે છે, કોઈ માટે ક્યારેય અટકતું જ નથી. તેનો સૌથી મોટો ફાયદો એ પણ છે કે દરેક ઘાવ પછી તે નાનો હોય કે મોટો સમય જતાં ભરાઈ જ જાય છે. સ્વાતિએ અપેક્ષિતને પ્રપોઝ કર્યાને ત્રણેક મહીના વીતી ગયા. બંને બધી જ રીતે ફરી પાછા એકદમ નોર્મલ થઈ ગયેલા. સ્વાતિ અંદરખાને એક જ રાહમાં હતી કે અપેક્ષિતને આજે નહીં તો કાલે પોતાનનાં પ્રેમનો એહસાસ થશે અને તે સામેથી તેનો એકરાર પણ કરશે જ. રોજ ઉગતાં સૂરજ સાથે સ્વાતિ આ જ આશા સાથે દિવસની શરૂઆત કરતી. અપેક્ષિત પણ અવઢવમાં તો હતો જ કે પોતે સ્વાતિ વિના રહી પણ શકતો નથી, સ્વાતિનું એનાં જીવનમાં શું સ્થાન છે એ પણ નક્કી નથી કરી શકતો. તેવાં માં એક દિવસ વહેલી સવારે પાંચ વાગે અપેક્ષિતનો મોબાઈલ રણકી ઉઠ્યો. ભર ઊંઘમાંથી ઉઠીને તેણે કોલ રીસીવ કરતાં સામે છેડે સ્વાતિ એકદમ ઘબારાયેલા અવાજે રડતાં રડતાં બોલી,

“અપેક્ષિત......અપેક્ષિત.......પ્લીઝ કમ સુન....કમ એઝ સુન એઝ પોસીબલ....પ્લીઝ....”

“સ્વાતિ...પ્લીઝ કામ ડાઉન....શું થયું એ તો કહે....?”

સ્વાતિ વધુ જોરથી રડવા માંડી,

“પ્લીઝ કમ સુન......” આટલું કેહતાં કોલ ડીસકનેક્ટ થઈ ગયો.

(ક્રમશ:)

-આલોક ચટ્ટ