પ્રેમ-અપ્રેમ ભાગ-૬ Alok Chatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પ્રેમ-અપ્રેમ ભાગ-૬

પ્રેમ-અપ્રેમ

ભાગ-૬

હાંફળો ફાંફળો અપેક્ષિત માંડ માંડ સ્વીચ ઓન કરી શક્યો, લાઈટ ઓન થઈ તે સાથે તેણે સામેનું દ્રશ્ય જોયું તો પહેલાં તો તેનું હૃદય એક સાથે સાત-આઠ ધબકારા ચુકી ગયું, પછી સુપર સોનિક સ્પીડથી દોડવા લાગ્યું. હોલમાં તેની સામે જ સ્વાતિ, તેના પપ્પા, અપેક્ષિતના બોસ અને આખો ઓફિસ સ્ટાફ તેની રાહ જોઈને જ ઉભો હતો. તેને જોઈને તરત જ બધાં એક સાથે ક્લેપ્પીંગ કરતાં કરતાં બર્થ ડે સોંગ ગાવા લાગ્યાં....

‘હેપ્પી બર્થ ડે ટુ યુ...હેપ્પી બર્થ ડે ટુ યુ....હેપ્પી બર્થ ડે ડીઅર અપેક્ષિત....હેપ્પી બર્થ ડે ટુ યુ.....’

અપેક્ષિતને જોરદાર સુખદ આંચકો લાગ્યો, હજી તે કંઈ સમજે વિચારે તે પહેલાં તો સ્વાતિ સાથે બધાં જ તેના તરફ ધસી આવ્યા અને એક પછી એક બધાં હેન્ડ શેક તેમજ હગ કરીને તેને વિશ કરવાં લાગ્યાં. જે ઝડપે આ બધું બની રહ્યું હતું ઘડીભર તો અપેક્ષિતનું મગજ કામ કરતું જ બંધ થઈ ગયું. વિશ કરીને બધાં સોફા તેમજ ચેર પર ગોઠવાઈ ગયા. સેન્ટર ટેબલ પર તેનું ધ્યાન ગયું તો એક મોટી ચોકો ડીલીશ્ય્સ આઈસ્ક્રીમ કેક રાખેલી હતી કે જેનાં પર “HAPPY BIRTHDAY APEKSHIT” સુંદર અક્ષરોમાં લખાયેલું હતું. ચોકો ફ્લેક્સ તેમજ ચોકલેટ સિગારથી ખુબ સરસ રીતે ડેકોરેટ કરેલી હતી. અપેક્ષિતને એકદમ જ બોખલાઈ ગયેલો જોઈને સ્વાતિ તેની પાસે આવી અને ફરી તેનો હાથ પોતાનાં હાથથી દબાવતાં, આંખોમાં આંખો પરોવીને કહ્યું,

“હેપ્પી બર્થ ડે માય ડીઅર....હાઉ વોઝ ધ સરપ્રાઈઝ..? ડીડ યુ લાઈક ઈટ...?”

સ્વાતિના આટલા પ્રેમભર્યા વિશ તથા આવી જોરદાર સરપ્રાઈઝથી ભાવવિભોર બની ગયેલો અપેક્ષિત બોલ્યો,

“થેંક યુ વેરી મચ સ્વાતિ....સરપ્રાઈઝ વોઝ જસ્ટ અમેઝિંગ... અનબિલીવેબલ....લાઈક્ડ ઈટ એ લોટ....તને મારો બર્થ ડે યાદ હતો..? આ બધું કઈ રીતે મેનેજ કર્યું..? અને શું જરૂર હતી યાર આટલું બધું કરવાની...?” એટલું કહેતાં અપેક્ષિત જરા ગળગળો થઈ ગયો.

“યસ અપેક્ષિત...મને તારો બર્થ ડે યાદ ન હોય તેવું બને...? તને આ બધી સરપ્રાઈઝ આપવા માટે જ મેં તને ગઈકાલે અને આજે પણ વિશ ન કર્યું. મેં ઓફિસમાં રજા પણ એટલે જ રાખી કે હું આખા દિવસમાં ડીનર અને બધું જ એરેન્જ કરી શકું. આપણા બોસ અને બધાં ક્લીગ્ઝને મેં કોલ કરીને ઇન્ફોર્મ કર્યું અને સાંજે ઓફિસ પછી ઘરે આવવા ઇન્વાઇટ કર્યા. તને ઓફિસથી થોડો લેટ છુટો કરવા માટે મેં બોસને ફેવર કરવા કહેલું જેથી બોસ બધાં સ્ટાફ સાથે તારી પહેલાં જ મારાં ઘરે પહોંચી શકે. હવે તને ખબર પડી ગઈ હશે કે બોસએ તને શું કામ છેલ્લી ઘડીએ કામ સોંપ્યું...? મેં તબિયતનું બહાનું પણ એટલે જ કરેલું કે જેથી તું સાંજે સીધો મારાં ઘરે આવે. સોરી ટુ મેક યુ વરી...” સ્વાતિએ આંખ મિચકારતાં કાન પકડ્યા અને હસતાં હસતાં કહ્યું.

અપેક્ષિત બોસ અને બીજા ક્લીગ્ઝ સામે જોઈને છોભીલો પડી ગયો, ફરી સ્વાતિ સામે જોઈને નીચું જોઈ ગયો ત્યાં સ્વાતિએ હાથ પકડીને ઉભો કર્યો,

“કમ ઓન કમ ઓન ગેટ અપ, લેટ્’સ કટ ધ કેક ફર્સ્ટ....”

સ્વાતિએ કેક કટિંગ નાઈફ અપેક્ષિતના હાથમાં પકડાવી, પોતે તેની બાજુમાં ગોઠવાતાં મીણબતી સળગાવી, એક બાજુ તેના બોસ અને ફરતી બાજુ બધાં કલીગ્ઝ ગોઠવાઈ ગયા. સ્વાતિના પપ્પા સોફા પર જ બેસી રહેલાં. બધાએ એક સાથે ક્લેપીંગ કરતાં કરતાં બર્થ ડે સોંગ ગાવાનું શરૂ કર્યું,

‘હેપ્પી બર્થ ડે ટુ યુ...હેપ્પી બર્થ ડે ટુ યુ....હેપ્પી બર્થ ડે ડીઅર અપેક્ષિત....હેપ્પી બર્થ ડે ટુ યુ.....’

અપેક્ષિતએ હળવેથી ફૂંક મારી મીણબત્તી બુઝાવી કેક કટ કરીને પહેલો ટુકડો સ્વાતિના મોંમાં મુક્યો જેમાંથી અડધો ટુકડો સ્વાતિએ અપેક્ષિતને ખવડાવ્યો. બંનેની આંખો મળી તેમાં અનેક શબ્દોની આપલે થઈ ગઈ. અપેક્ષિત એક પછી એક ટુકડા કરતો ગયો અને વારાફરતી બધાંને જ ખવડાવ્યા. પુરા સ્ટાફે પણ સામે અપેક્ષિતને જરા જરા કેક ખવડાવી. ત્યાં સ્વાતિને શું ટીખળ સુજી તો તેણે જરા કેક લાવીને અપેક્ષિતના ગાલ પર લગાવી, એટલામાં તો બધાં જ કલીગ્ઝ આંગળીમાં કેક લઈ લઈને અપેક્ષિતના ચહેરા પર મસ્ત મેક-અપ કરવા લાગ્યાં, જોત જોતામાં તેનો આખો ચહેરો કેકથી ભરાઈ ગયો. ત્યાર બાદ બધાં એકબીજા સાથે સેલ્ફી પડાવવામાં અને અપેક્ષિતને બૂકે, ગીફ્ટસ અને કાર્ડ્સ આપવામાં લાગી ગયા. તે બધું પત્યાં પછી અપેક્ષિત ચહેરો સાફ કરવા બાથરૂમ તરફ ધસી ગયો. સ્વાતિએ એટલામાં સેન્ટર ટેબલ પરથી કેકને ડાઈનીંગ ટેબલ પર મૂકી અને ટેબલને અંદરની રૂમમાં ખસેડી દીધું. તેણે બોસ અને બીજા કલીગ્ઝને ડીનર પ્લેટ લેવા માટે ઈશારો કરી દીધો.

સ્વાતિએ આજે બધી જ ડીશીઝ પોતાનાં હાથે જ બનાવેલી અને તે પણ બધું જ અપેક્ષિતનું ફેવરીટ. બધું જ ડાઈનીંગ ટેબલ પર જ બુફે માટે વ્યવસ્થિત રીતે ગોઠવેલું હતું. ડ્રમ સ્ટીક સૂપ, રશિયન સલાડ, ચીલી પોટેટો, મેઈન કોર્સમાં શાહી પનીર, તવા પરોઠાં, દાલ મખ્ખની અને તવા પુલાવ, એપલ હલવો અને બ્લુ લગુન મોકટેલ. અપેક્ષિત ચહેરો ધોઈને આવ્યો ત્યાં સ્વાતિએ પહેલી ડીશ તેને જ આપી અને ડીનર સ્ટાર્ટ કરવા માટે કહ્યું. એટલે અપેક્ષિતની પાછળ તેના બોસ અને બીજા ક્લીગ્ઝે પણ પોતાની ડીશોમાં વ્યંજનો ગોઠવવા માંડ્યા. આટલી બધી પોતાની ફેવરીટ આઈટમ્સ જોઈને અપેક્ષિતે સ્વાતિને કહ્યું,

“આટલું બધું તે જાતે બનાવ્યું યાર, શું જરૂર હતી આટલું બધું મારાં માટે કરવાની..?”

સ્વાતિ કંઈ જવાબ આપે તે પહેલાં જ તેના પપ્પા બોલી ઉઠ્યા,

“સવારે ઉઠી ત્યારથી લાગી ગઈ છે અપેક્ષિત, પાંચ મિનીટ પણ બેઠી નથી શાંતિથી. મેં કહ્યું પણ ખરાં કે બહારથી બધું એરેન્જ કરી દે, પણ તે ન જ માની અને બધું જ પોતાનાં હાથે બનાવ્યું છે..”

“ના, કેક તો બહારથી જ એરેન્જ કરી છે....તારો બર્થ ડે ફર્સ્ટ ટાઈમ સેલીબ્રેટ કરવાનો હતો અને તને બધું બહારનું ખવડાવું તે ક્યાંથી ચાલે..?” સ્વાતિએ પોતાનો બચાવ કરતાં કહ્યું.

આટલું સાંભળીને અપેક્ષિત ભાવવિભોર બની ગયો. થોથરાતા હાથે તેણે એપલ હલવાની એક ચમચી ભરીને સ્વાતિનાં મોંમાં મૂકી. સ્વાતિએ પણ એક ચમચી ભરી હલવો અપેક્ષિતને ખવડાવ્યો. મૌન સંવાદ વચ્ચે ભાવસભર દ્રશ્ય સર્જાઈ ગયું. અપેક્ષિતના આગ્રહને વશ થઈને સ્વાતિ પણ અપેક્ષિતની પ્લેટમાંથી જ જમી. બંનેએ એકબીજાને ખૂબ પ્રેમ અને આગ્રહપૂર્વક જમાડ્યા. બંને વચ્ચેનો ભાવ જોઈને સ્વાતિના પપ્પા તેમજ આખા ઓફિસ સ્ટાફને બંને પર માન થઈ આવ્યું. એક પછી એક બધાં જ ક્લીગ્ઝ ડીનર પતાવીને ઘરે જવા માંડ્યા. બધાં જ જતાં રહ્યાં પછી ઘરમાં સ્વાતિ, તેના પપ્પા અને અપેક્ષિત જ બાકી રહ્યાં. સ્વાતિ અંદરની રૂમમાં ગઈ ત્યાંથી એક મોટું બર્થ ડે કાર્ડ અને હાથમાં એક ગીફ્ટ લઈ આવીને અપેક્ષિતને આપી.

“લે આ મારી ગીફ્ટ અને બર્થ ડે કાર્ડ, બધાં ની હાજરીમાં મારે નહોતું આપવું એટલે મેં બાકી રાખેલું...”

“ઇટ્સ ઓકે યાર, તે આટલું કર્યું તે ઓછું હતું કે તું હજી ગીફ્ટ અને કાર્ડ મને આપે છે...? તેની કોઈ જ જરૂર ન હતી..સ્વાતિ.”

“હા ઓછું જ હતું, મેં એવું ખાસ કંઈ કર્યું જ નથી. ચાલ તું બધી વાત છોડ અને ગીફ્ટ ખોલીને જો તને ગમે તેવી છે કે નહીં..!”

અપેક્ષિતે ગીફ્ટ ખોલી જોયું તો અંદર તેનો ડ્રીમ ફોન, “APPLE IPHONE5, 32 GB”, જોઈને હતપ્રભ બની ગયો. તેણે સ્વાતિ સામે જોતાં કહ્યું,

“સ્વાતિ થેંક યુ વેરી વેરી મચ, મેં તને તે દિવસે ફક્ત વાત કરેલી કે આ ફોન મને બહુ ગમે છે તો તું આટલો મોંઘો ફોન મારાં માટે લાવી યાર..? ધીસ ઇસ નોટ ફેઅર, હું આટલી કોસ્ટલી ગીફ્ટ તારી પાસેથી ન લઈ શકું.”

અપેક્ષિતનાં ચહેરા પર ખૂશી અને અકળામણની મિશ્ર લાગણી જોતાં સ્વાતિએ છણકો કરતાં કહ્યું,

“કેમ અપેક્ષિત મારો એટલો પણ હક્ક નથી તારા પર કે હું તને તારી મનગમતી વસ્તુ ગીફ્ટ કરી શકું..? જો હક્ક ન જ હોય તો કહી દે હવે ક્યારેય તને કોઈ ગીફ્ટ આપીશ જ નહીં...”

સ્વાતિને નારાજ થતી જોઈ અપેક્ષિત બોલ્યો,

“સોરી યાર, મારો કહેવાનો એ મતલબ નહીં હતો. તારો તો પૂરો હક્ક છે મારી પર, તે આજે જે બધું કર્યું છે એવું તો કોઈ લોહીના સગપણ વાળી વ્યક્તિ પણ ન કરે. તે તો માત્ર લાગણીનાં સંબંધમાં મને એટલું બધું આપ્યું છે કે હું તારું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું.” આટલું કહેતાં અપેક્ષિતની આંખમાં ઝળઝળિયાં આવી ગયા.

“હે...હે.....પ્લીઝ ડોન્ટ સે ધેટ મેં એવું કંઈ કર્યું જ નથી. આપણે ઓફિસમાં કોઈનો બર્થ ડે સેલીબ્રેટ કરીએ છીએ એવી જ રીતે તારો બર્થ ડે અહીં મારાં ઘરે સેલીબ્રેટ કર્યો, સિમ્પલ.”

અપેક્ષિત ઘણું કહેવા માગતો હતો પરંતુ શબ્દો હોઠના તાળામાંથી બહાર ન નીકળી શક્યા પણ આંખોમાં સ્વાતિ માટે એક અનેરો ભાવ ઉપસી આવ્યો. તેણે સોફા પરથી ઉભાં થતાં સ્વાતિને કહ્યું,

“સ્વાતિ ઇટ્સ ઓલરેડી લેટ, આઇ શુડ લીવ નાઉ....ચાલ હવે હું જાઉં ઘરે....”

“હજી તારો બર્થ ડે પૂરો નથી થયો બટ ચાલ જવા દઉં છું....યુ કેન ટેક લીવ...” હળવી ટીખળ કરતાં સ્વાતિએ અપેક્ષિત સામે વિંક કર્યું.

અપેક્ષિત સોફા પરથી ઉભો થઈ કાર્ડ તેમજ ગીફ્ટ લીધી અને સ્વાતિના પપ્પાને નમસ્તે કરીને જવા લાગ્યો ત્યાં સ્વાતિ બોલી,

“પણ અપેક્ષિત આ બધા બૂકે અને ગીફ્ટસ છે એ તો સાથે લઈ જા, એ કેમ ભૂલી જાય છે...?”

“તું બધાં જ બૂકે અહીં તારા ઘરમાં જ ગોઠવી દે, જે બે ત્રણ ગીફ્ટ છે, તે તું કાલે ઓફિસ સાથે લઈ લેજે આપણે ત્યાં જ જોઈ લઈશું...”

“ના વેઇટ, હમણાં જ સાથે લઈ લઉં અને હું તને નીચે સુધી સી ઓફ કરવા આવું છું....”

સ્વાતિએ ગીફ્ટસ સાથે લીધી અને તેના પપ્પાને અપેક્ષિતને કાર સુધી સી ઓફ કરવા જવાનું કહી ઉતાવળા પગલે બહાર નીકળી. બંને લીફ્ટમાં દાખલ થયા સ્વાતિએ અપેક્ષિત સામે જોયું, બંનેની નજર મળી સ્વાતિને એવું લાગ્યું કે તે કંઈક કહેવા માંગે છે પરંતુ બોલી શકતો નથી એટલે લીફ્ટની બહાર નીકળીને તેણે અપેક્ષિતને પૂછ્યું,

“હું ક્યારથી જોઉં છું કે તું કંઈક કહેવા માગે છે પણ કહેતો નથી. જે કહેવું હોય તે બિન્દાસ્ત કહી દે આજના દિવસે તું આમ વિચારમાં રહે એ સારું નથી લાગતું.”

લીફ્ટથી ચાલીને પાર્કિંગમાં કાર સુધી પહોંચી ગયા ત્યાં સુધી અપેક્ષિત કંઈ જ ન બોલ્યો ફક્ત નીચી નજર કરીને ચાલ્યા કર્યો પણ પછી સ્વાતિ સાથે નજર મિલાવીને કહ્યું,

“હા સાચી વાત છે તારી, હું ક્યારથી તને કંઈક કહેવા મથું છું પરતું સમજ નથી પડતી કે શરૂઆત ક્યાંથી કરું? પહેલાં તો મારાં બર્થ ડેની આટલી સરસ પાર્ટી, ગીફ્ટ, કાર્ડ આ બધાં જ માટે થેંક યુ વેરી વેરી વેરી મચ. યુ રીઅલી મેઈડ માય ડે. એવરીથીંગ વોઝ જસ્ટ ફેબ્યુલસ. આ માટે હું તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. તહે દિલ સે શુક્રિયા સ્વાતિ..”

“અરે એમાં આટલું બધું થેન્ક યુ નહીં કહે બાકી હું ખોટું લગાડીશ. તું આટલો ઓબ્લાઇજ નહીં થા યાર મેં એટલું બધું કંઈ જ નથી કર્યું.”

“તે કર્યું છે એટલું તો આટલાં વરસોમાં કોઈએ જ નથી કર્યું સ્વાતિ. સાચું કહું તો આટલા વરસોમાં મેં કદી મારો બર્થ ડે આટલી સારી રીતે સેલીબ્રેટ કર્યો જ નથી કે ન તો કોઈએ સેલીબ્રેટ કરાવ્યો છે. માતા-પિતા ક્યારેય એવી સ્થિતિમાં હતાં જ નહીં કે આટલી સારી રીતે સેલીબ્રેટ થઈ શકે. કોઈ ખાસ મિત્રો પણ એવા ન હતાં કે જેઓ સાથે આવું કંઈ થાય. એ પછી પ્રિયા લાઈફમાં આવી તો તે દરેક વખતે મને માત્ર વિશ કરતી અને અમે લોકો બહાર ડીનર માટે જતાં. તે ઓકેઝનલી ગીફ્ટસ આપવામાં માનતી નહીં એટલે તેણે ક્યારેય મને ગીફ્ટ સુદ્ધાં નથી આપી. સો યુ હેવ રીઅલી મેઈડ માય ડે લાઈક નેવર બીફોર....થેન્ક્સ માય ડીઅર....”

અપેક્ષિતની આંખો હવે અષાઢની જેમ વરસી પડી. સ્વાતિએ બંને હાથ વચ્ચે તેનો ચહેરો લીધો અને આંખમાંથી આંસુ લુછવા લાગી ત્યાં ધ્રુસકે ધ્રુસકે રડતો અપેક્ષિત બોલ્યો,

“શું તું મને હગ કરીશ સ્વાતિ....?”

આટલું સાંભળતા સ્વાતિની આંખો પણ ભરાઈ આવી, તેણે કંઈ વધુ વિચાર્યા વિના ચહેરા પરથી બંને હાથ હટાવીને ફેલાવી દીધા અને અપેક્ષિતને પોતાની અંદર સમાવી લીધો. થોડીવાર સુધી બંને એકબીજાને વળગીને આંસુ વહાવતા રહ્યાં, બંનેના શરીરને બદલે જાણે આત્મા એકબીજાને ભેટ્યા હોય એટલી પરમ તૃપ્તિ બંનેને મળી રહી હતી. થોડીવાર પછી જયારે બંનેએ સ્વસ્થતા પ્રાપ્ત કરી અને અળગાં પડ્યા ત્યારે જાણે ઘણું બધું બદલાઈ ગયું હતું. એક વાવાઝોડું પસાર થઈ ગયા પછી જેવી નિરવ શાંતિ પથરાઈ જાય તેવી જ રીતે બધું શાંત થઈ ગયેલું. બંનેમાંથી કોઈ કંઈ બોલી શકવાની સ્થિતિમાં ન હતાં. અપેક્ષિત હેન્ડશેક કરીને માંડ સ્વાતિનો હાથ છોડી શક્યો. એક અપેક્ષિતને ત્યાં જ મુકીને તેણે કાર ઘર તરફ હંકારી મૂકી. એક જ આલિંગનની બંનેને અલગ અલગ અસર વરતાઈ રહી હતી. એક બાજુ અપેક્ષિત પોતાનાં જન્મદિનની આટલી સારી ઉજવણીની ખુશહાલી તેમજ સ્વાતિ જેવી દોસ્ત પોતાની જીંદગીમાં હોવાની લાગણીથી ગદગદિત હતો. જયારે બીજી બાજુ સ્વાતિ જેના એકતરફા પ્રેમમાં હતી તે અપેક્ષિત હવે ક્યાંક તેની તરફ ઢળતો હોવાનું આજે પહેલીવાર અનુભવાતા તેનું હૈયું હરખ ઘેલું બની ગયું હતું. ક્યાંય સુધી બંને, એ આલિંગનની હુંફ અને એકબીજા માટેની લાગણી અનુભવતા ખુશહાલ ભવિષ્યના સ્વપ્નોમાં ખોવાઈ ગયા.

(ક્રમશ:)

-આલોક ચટ્ટ