કામણગારું કોલેજજીવન. Pallavi Jeetendra Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમતૃષ્ણા - ભાગ 11

    “ હા ડો.અવની મલ્હોત્રા “ ખુશી બોલી .“ ઓકે , શાયદ ડો.મલ્હોત્ર...

  • આઈ વોન્ટ ટુ ટોક

    આઈ વોન્ટ ટુ ટોક- રાકેશ ઠક્કરઅભિષેક બચ્ચન પિતા અમિતાભનો અભિનય...

  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

શ્રેણી
શેયર કરો

કામણગારું કોલેજજીવન.

કામણગારું કોલેજજીવન.

પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી

આ વર્ષે જ મારું શાળા જીવન પુરું થયું. હા...શ, ઘણી નિરાંત થઈ.

પપ્પા: બેટા, તને સ્કુલમાં સૌથી વધારે શું ગમે?

બિટ્ટુ: શાળા છુટતી વખતે વાગતો ઘંટ, પપ્પા.

આ ભલે એક જોક હોય, મારા માટે તો એ હકીકત હતી. કોઈકે શાળાજીવન ને અમસ્તું જ ‘સોનેરી શાળાજીવન’ કહ્યું છે. નથી તો એનામાં સોના જેવી સુંદર ચમક, કે નથી તો એ સોના જેવું મન મોહક કે આકર્ષક. એ તો છે તદ્દ્ન ફિક્કું અને બોરિંગ જીવન. જોવા જઈએ તો શાળાજીવન નો પ્રારંભ જ ખોટી રીતે થાય છે. હજી તો આપણે ચાર પગમાંથી ઊભા થઈને માંડ માંડ બે પગે ચાલતાં શીખ્યા હોઈએ છીએ. હજી તો આપણે માંડ માંડ મા..મા..દા..દા..જેવું અસ્પષ્ટ કંઈ બોલતાં શીખ્યા હોઈએ છીએ. આપણે આપણા ઘરની જ તમામ ચીજ વસ્તુઓના નામ પણ બરાબર જાણતાં નથી હોતાં. હજી તો આપણા રમવાના દિવસો હોય છે, ઊંઘવાના દિવસો હોય છે. અને આ શું?

આપણા હરખ ઘેલાં મા – બાપ ! આપણને બીજા બાળકો કરતાં ‘સ્માર્ટ’ બનાવવાના ઉદ્દેશથી આપણી મરજી વિરુધ્ધ ‘પ્લે ગૃપ’ માં દાખલ કરી દે છે. સવારની પહોરમાં આપણને કાચી ઊંઘમાંથી જગાડીને શાળાએ ધકેલી દે છે, અને પછી પોતે નિરાંત અનુભવે છે. મને તો એ જ સમજાતું નથી કે આપણો શાળાએ જવાનો ઉત્સાહ સો માંથી પાંચ ટકા પણ ના હોય, ત્યારે આપણા મા –બાપ શા માટે ડોનેશન આપીને પણ આપણને સ્કુલમાં દાખલ કરતાં હશે? શા માટે તેઓ વહાલા માંથી વેરી બનવાનું પસંદ કરતાં હશે? ‘સમરથ કો નહીં દોષ ગુસાંઈ?’

શું તેઓ એવું સમજતાં હશે કે આપણે સ્કુલમાંથી ભણી ગણીને હોંશિયાર બનીશું? ભગવાન જાણે એમની આવી ભ્રમણા ક્યારે ભાંગશે અને ક્યારે બાળકોને બદતર શાળા જીવનમાંથી મુક્તિ મળશે! આ જ સમાજમાં એવા કેટલાંય દાખલા એટલે કે ઉદાહરણ રૂપ મનુષ્યો છે, કે જેઓ શાળા જીવન પુરું કર્યા વિના જ મહાન અને સફળ પુરૂષો બન્યા હોય. શું આપણા મા – બાપ આવા કિસ્સા નહીં જાણતાં હોય? કે પછી, તેઓ ‘જાનામિ ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચ મે નિવૃત્તિ.’ (જાણતા હોવા છતાં ધર્મમાં પ્રવૃત થઇ શકતા નથી અને ન જાણતા હોવા છતાં અધર્મમાંથી નિવૃત્ત થઈ શકતા નથી.) ની જેમ કરતાં હશે? જે હોય તે, હવે તો આપણા સમાજ સુધારકો જાગે તો જ આ કુપ્રથા બાબતે કંઈ સુધારો થાય, અને સુધારો થાય તો જ મારા જેવા આતુર બાળકોને નઠારા શાળા જીવનમાંથી મુક્તિ મળે.

તમને કે કોઈને પણ કદાચ એમ થાય, કે શાળા જીવન કંઈ એટલું બધું ખરાબ પણ નથી હોતું, જેટલું કે મેં વર્ણવ્યું છે, તો મારે તમને એ બાબતે એટલું જ કહેવાનું છે કે, ‘રામનાં બાણ તો વાગ્યાં હોય એ જ જાણે.’ શાળા જીવનમાં તો એક એક ટીચર્સ ‘વિંટીમાં જડવાના નંગ’ જેવા હોય છે. શિસ્તના નામે વિધાર્થીઓ પર તેઓ નર્યો અત્યાચાર કરતા હોય છે. પરીક્ષામાં માર્ક્સ કાપી લેવાની ધમકીઓ આપી આપીને તેઓ વિધાર્થીઓ ને નિયમોના બંધનમાં બાંધી રાખતાં હોય છે. ‘હરવા–ફરવા-રમવાના અને મોજ–મસ્તી કરવાના એ સોનેરી દિવસો ફરીવાર ક્યારે પણ આપણા જીવનમાં નહીં આવશે,’ એટલી સાદી વાત તેઓ પોતે પણ બાળ વિધાર્થી તરીકે રહી ચુક્યા હોવા છતાં કેમ નહીં સમજતાં હોય?

શાળાના વિધાર્થીઓની લાગણી અને માંગણી ને સિરીયસલી ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે તો બારમાંથી દસ ટીચરોને નોકરીમાંથી પાણીચું મળી જાય અને ઘરે બેસવાનો વારો આવે. મને પૂછો તો ખરું ‘સોનેરી જીવન’ તો શાળાજીવન નહીં પણ કોલેજજીવન છે. કામણગારા કોલેજજીવન ની સરખામણીએ શાળાજીવન તો નર્યું ‘ખાબોચિયું’ જ લાગે. જેમાં છબછબિયાં જ કરાય, બાકી અસલી જીવન કોલેજજીવનના તળાવમાં તો મુક્ત રીતે સ્વિમિંગ કરી શકાય.

કોલેજજીવન એ ઊડવા માગતા પંખીને માટે વિશાળ ગગન જેવું છે. એમાં નથી કોઈ સમયનું બંધન કે નથી કોઈ ભણતરનો બોજો. નહીં કાર્ટુન કે સરકસના જોકર લાગીએ એવા યુનિફોર્મનું બંધન કે નહીં કેડ ભાંગી નાંખે એવા પુસ્તકોનો ભાર. નહીં પ્રોફેસરો નું કડક વલણ કે નહીં કોઈ જાતની મર્યાદાની લક્ષ્મણ રેખા. મન થાય ત્યારે ક્લાસમાં જાવ, મન થાય ત્યારે કેન્ટિનમાં જાવ અને ફોર એ ચેંજ તમે લાયબ્રેરીમાં પણ જઈ શકો. મન થાય તો ભણો અને નહીં તો ઊંઘી જાવ.

કોલેજમાં તો નીત નવા, સ્ટાઈલિશ લાગીએ એવા ફેશનબલ કપડાં પહેરવાની મૌસમ બારેમાસ છે. ‘ટ્રેડિશનલ ડે’ ના દિવસે તો ધોતિયું–કફની–ખેસ અને ટોપી પહેરીને જવાની કેવી મજા આવે.! અને છોકરીઓ રંગીન સાડીઓ અને ઘરેણાંથી સજ્જ સુંદર સુંદર બનીને આવે એમને તીરછી નજરે જોવાની કેવી મજા આવે! ‘મીસ-મેચ-ડે’ ના દિવસે તો કપડાની છુટ જ છુટ, મેચિંગની કોઈ ઝંઝટ જ નહીં. આ ઉપરાંત ‘રોઝ-ડે’, ‘બલૂન-ડે’, ‘ચોકલેટ-ડે’,’ટાઈ-ડે’, ‘ફ્રેંડશીપ- ડે’ વગેરે જાત જાતના અને ભાત ભાતના દિવસો આવે જે જીવનમાં વિવિધતા લાવે. મેનેજમેંટ તરફથી વિજેતાઓને ઈનામો મળે. છોકરા છોકરીઓની દોસ્તી ગાઢ બને. આ બધું જોતાં અને માણતાં એમ લાગ્યા વિના રહે નહીં કે, જે વ્યક્તિએ કામણગારા કોલેજજીવનની મજા માણી નથી એ વ્યક્તિનું જીવતર જ એળે ગયું છે.

કોલેજજીવનમાં મને જે બહુ ગમે એ વાત છે, મરજી મુજબ ભણવાની (કે ન ભણવાની) સ્વતંત્રતા. જે પ્રોફેસરો ના પીરીયડ ભરવાનું મન થાય એમના પીરીયડ ભરો, નહીંતર કોલેજના કમ્પાઉંડ મા સ્કુટર પર બેસી ગપ્પા મારો, તમને કોઈ રોકે કે કોઈ ટોકે નહીં. અહીં મીરાંબાઈને લગતી પંક્તિ મને યાદ આવી રહી છે: ‘કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં, મીરાં ગોવિંદ ગોપાલ ગાને લગી, મીરાં રાની દિવાની કહાને લગી, ઐસી લાગી લગન, મીરાં હો ગઈ મગન..’ બસ, આવું જ કંઈક મારાં મનને મગન કરે આ કામણગારું કોલેજજીવન.

કોલેજજીવનમાં કોલેજની કેન્ટિનમાં બેસીને દોસ્તો સાથે ચા પીવાની લિજ્જત જ કંઈ જુદી હોય છે. વળી શરતમાં હારી ગયેલો દોસ્ત જ્યારે બાકીનાને નાસ્તો કરાવે, ત્યારે એ નાસ્તાનો સ્વાદ અનેરો હોય છે. ક્યારેક ભણવાનો કંટાળો આવે ત્યારે ફ્રેશ થવા થિયેટરમાં ફિલ્મ જોવા જતા રહેવાનો વિકલ્પ પણ અહીં ઉપલબ્ધ છે. અને પછી દોસ્તો સાથે આવી ફિલ્મની સ્ટોરી માણવાનો આસ્વાદ પ્રોફેસરોના લેક્ચર કરતાં અનેક ઘણો રસપ્રદ હોય છે.

કોલેજજીવનમાં વિધાર્થીઓ પીરીયડો પોતાની મરજીથી ભરતા હોવાથી પ્રોફેસરોને ભણાવવાનું પણ સહેલું પડે છે. જે નવા સવા આવેલા પ્રોફેસરોને બરાબર ભણાવતા નથી આવડતું એમના પીરીયડમાં ક્લાસમાં કાગડા જ ઊડતા હોય છે એટલે એમને પણ શાંતિ. કેટલાક વડીલો કોલેજજીવનની આ હકીકત જાણીને વિધાર્થીઓની પ્રગતિ માટે ચિંતા કરે છે. પણ એમને કોણ સમજાવે કે આવી ખોટી ચિંતા કરવાનો કંઈ અર્થ નથી. દરેક વિધાર્થી પોતાનું ભાગ્ય ઉપરથી લખાવીને જ લાવ્યો અથવા આવ્યો હોય છે, એની ચિંતા ભગવાનને હોય જ છે. આથી ‘મન તું શીદને ચિંતા કરે, ક્રિષ્ણને જે કરવું હોય તે કરે.’

મને તો લાગે છે કે ઘણીવાર વડીલો કોઈ પણ જાતના કારણ વગર જ, માત્ર ઈર્ષાવશ આવા મજાના કામણગારા કોલેજજીવનનો વિરોધ કરે છે. બાકી જો એમને પૂછવામાં આવે કે, ‘તમે તમારી કોલેજલાઈફ માં કેટલા ડાહ્યાં ડમરાં હતાં?’ તો એમની બોલતી બંધ થઈ જાય છે. એમને પણ કદાચ કોઈની નોટબુકમાં મૂકીને આપેલી ચિઠ્ઠીની યાદ આવી જતી હશે? મનમાંને મનમાં ગાયેલાં પ્રેમગીતો યાદ આવી જતાં હશે?

જે બે ચાર સિન્સીયર વડીલો, ‘અમારાં જમાનામાં તો આમ હતું અને અમારા જમાનામાં તો તેમ હતું.’ તેવી વાતો કરે છે, આ જમાનામાં એમનું પરિવારમાં કે સમાજમાં સ્થાન પૂછો તો સાવ નગણ્ય જેવું હોય છે. તો પછી મારું એટલું જ કહેવું છે કે, ‘દરેક જમાનાને એના સમયનું સૌંદર્ય હોય જ છે. આપણે માણી શકાય એટલું માણો, બાકીનું બચ્ચાંઓને માણવા દો. એમને કોલેજજીવન ની મજા માણતા રોકો નહીં. કંઈ શીખવવું જ હોય તો એમને બાળપણથી જ તમારા વર્તન દ્વારા સારા નરસાનો વિવેક કે શિસ્તના પાઠ ભણાવો, બાકીનું એમની સમજ શક્તિ પર છોડી દો, એમની સમજદારી પર વિશ્વાસ રાખો.’

ઘણા સમાજ સેવકો કે કેળવણી ધારકો કહે છે કે, ‘કોલેજજીવન એ વિધાર્થીઓના મૂલ્યવાન જીવન ઘડતર માટેનો સોનેરી સમય છે, આરામ કે મોજ મજા માટેનો સમય નથી.’ હું પોતે આ વિધાન સાથે જરા પણ સંમત નથી. કોલેજજીવન અને માત્ર કોલેજજીવન જ મોજમજા અને આરામ આનંદ માટેનો સમય છે. કારણ કે બાળપણ અને શાળાજીવન આપણે વડીલો અને શિક્ષકોની આપખુદ શાહીનો શિકાર હોઈએ છીએ. અને લગ્નજીવન કે સંસાર માં પડ્યા પછી જીવનસાથી ની દાદાગીરી અને નોકરીમાં બોસની જોહુકમી ના સાણસામાં ભીંસાતા હોઈએ છીએ.

એટલે કોલેજજીવનમાં જો મજા ન કરી શક્યા તો જીવનભર ક્યારેય મજા કરી શકવાના નથી. વાત રહી મૂલ્યોની અને જીવનઘડતરની. એ તો ‘અનુભવ’ નું ટાંકણું હર હંમેશ આપણું જીવન ઘડતર કરતું જ રહે છે અને બાકી રહેલું કામ જીવનસાથી અને વડીલો તથા બોસ પુરું કરે છે.

કેટલાક ડાહ્યા લોકો કહે છે કે,’ કોલેજના વિધાર્થીઓએ વિવિધ વિષયોનું અગાધ અને તલસ્પર્શી જ્ઞાન મેળવવું જોઈએ.તો એ તો કોલેજીયનો કાયમ મેળવતાં જ રહે છે. જીન્સ અને ટી શર્ટ કઈ બ્રાન્ડના સારા અને એ ક્યાં મળે, ઈલેક્ટ્રોનિક આઈટમ કઈ વેબસાઈટ પરથી ઓર્ડર કરીએ તો લોએસ્ટ ભાવમાં મળે, બજારમાં લેટેસ્ટ કયો મોબાઈલ આવ્યો છે, કોની પાસે કયા મોડેલની કાર છે, નવી ફિલ્મ કઈ આવી અને કયા થિયેટરમાં કઈ ફિલ્મ ચાલે છે, કઈ છોકરીના પપ્પા બીઝનેસમાં કરોડો રૂપિયા કમાયા, કઈ રેસ્ટોરંટમાં ખાવાનું સુપર્બ મળે છે, વગેરે વગેરે વિવિધ વિષયોનું તલસ્પર્શી જ્ઞાન દરેક ( બે ચાર બોચિયાઓને બાદ કરતાં) કોલેજીયનને હોય જ છે.

ઘણા શિક્ષણાધિકારીઓ કહે છે કે, ‘વિધાર્થીઓએ હડતાળો અને રાજકીય આંદોલનો થી પર રહીને ફક્ત ભણતરને જ લક્ષ્ય બનાવવું જોઈએ.’ અરે આપણે તે સીધા સાદા કોલેજીયનો છીએ કે પછી પક્ષીની આંખ જોઈને અને પાણીમાં માછલીની પ્રતિછાયા જોઈને તીર ચલાવી લક્ષવેધ કરતાં મોડર્ન અર્જુનો? વળી અનુભવથી સિધ્ધ થયું છે કે, જીવનમાં લક્ષ્ય પ્રાપ્તિ માટે કે ધ્યેયસિધ્ધિ માટે હડતાળ જેવું અસરકારક બીજું એક પણ શસ્ત્ર નથી. તો એની તાલિમ કોલેજજીવન માં જ મળી જાય એનાથી રૂડુ બીજું શું?

‘Simple Living and High Thinking,’ એટલે કે ‘સાદુ જીવન અને ઊચ્ચ વિચાર, ’ એ કાયર લોકોનો જીવન મંત્ર છે. ‘વૈભવશાળી જીવન અને રંગીન વિચાર’ એ પ્રગતિકારક કોલેજીયનોનો મંત્ર છે. ઠાલા આદર્શો અને વેદિયા વેડાંને કોલેજજીવના માંથી તિલાંજલિ આપો. જેઓ મસ્ત મજાનું કોલેજજીવન પસાર કરી ચૂક્યા છે, તેમને માટે તો હવે, ‘કોઈ લૌટા દે મેરે બીતે હુવે દિન.’ ગાઈને એ ‘પુરાની યાદો’ ને તાજી કરવા સિવાય કોઈ બીજો રસ્તો નથી. પણ જેઓ મારી સાથે હાલમાં જ કામણગારા કોલેજજીવનમાં પ્રવેશ્યા છે, એમને મારી હાકલ છે કે, ‘ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, માટે આ કામણગારા કોલેજજીવનની મજા માણી લો,.’