એક પતંગિયાને પાંખો આવી - 53 Vrajesh Shashikant Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પતંગિયાને પાંખો આવી - 53

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 53

વ્રજેશ દવે “વેદ”

વેદ સાહેબે બધા ચહેરાઓ વાંચ્યા, બધા ભાવો વાંચ્યા. બધા જ ઇશારા સમજી ગયા, બધા જ પ્રશ્નો સમજી ગયા. એક મજાનું સ્મિત કરી બધા પર નજર માંડી. બધી નજર તેના હોઠોના હલનચલનની પ્રતિક્ષામાં અધિરી હતી.

“આ આખી કથામાં ઘણાં પાત્રો છે. સેમ્યુલ ઉત્તર ભારતનો અંડર વર્લ્ડ ડોન છે. અરે, હતો. તેના સામે કોઈ પુરાવાઓ નહતા. તેથી તેને એરેસ્ટ કરવું અઘરું હતું. વધુમાં તેની સામે કોઈ લોકલ વ્યક્તિ, કોઈ પુરાવા આપે તે શક્ય જ ન હતું. અમને કોઈ એવી વ્યક્તિની તલાશ હતી કે જે આ પ્રદેશનું ના હોય. જેનામાં હિમ્મત હોય. જેનામાં ધીરજ હોય. નવું જોવાની અને નવું કરવાની ક્ષમતા હોય. એ માટે મને મારા એક મિત્રે નામ એક આપ્યું ‘નીરજા’.” વેદ અટક્યાં.

“મારૂ નામ? કોણે આપ્યું? શા માટે આપ્યું? છેક આટલે દૂર, આટલા મોટા ઓફિસરને મારું નામ કોણે આપ્યું? કોણ મારા જીવન સાથે ખેલી રહ્યું હતું? “નીરજા થોડી ચિડાઇ ગઈ, ઉશ્કેરાઈ ગઈ.

નીરજાનો એક હાથ વ્યોમાએ પકડી લીધો, તો બીજો હાથ મોહાએ. બન્નેએ તેના હાથ દબાવી નીરજાને શાંત કરી.

વેદ ફરી હસ્યાં. “તું મારા એ મિત્રને ઓળખે છે. કહી દઉં એનું નામ? પણ એક શરતે, તારે તેના પર ગુસ્સો નથી કરવાનો. નથી નારાજ થવાનું. બોલ છે મંજૂર?”

“ઠીક છે, મંજૂર છે.” નીરજાએ પરાણે સ્મિત કર્યું.

“તું અમોલ ભેદને જાણે છે? ફિલ્મ અભિનેતા?“ વેદે પ્રશ્ન કર્યો.

“હા, એ અમારી સ્કૂલમાં એક ફંક્શનમાં ચીફ ગેસ્ટ હતા.” વ્યોમા અને નીરજા અમોલ ભેદનું નામ સાંભળી રોમાંચિત થઈ ગયા.

“એ મારો મિત્ર છે. તેણે મને તમારી સ્કૂલમાં બનેલી આખી ઘટના કહી અને તારું નામ આપ્યું. એ પછી મેન અને તેણે મળીને એક યોજના બનાવી. તારા મોબાઈલ પર પેલો વિડીયો મોકલાવ્યો. તને અહીં આવવા આડકતરું આમંત્રણ આપ્યું. તેં અને વ્યોમાએ તે આમંત્રણને સ્વીકારી લીધું.”

“પણ એવું કોઈ આમંત્રણ અમને મળ્યું જ નથી.” વ્યોમા બોલી ઉઠી.

“પેલો વિડીયો જ આમંત્રણ હતું. તેને જોઈને જ તમે બંને અહીં આવવા, યોજના બનાવવા લાગ્યા. અમે પણ અમારી યોજના બનાવવા લાગ્યા. તમારા પેરંટસને પણ આખી યોજનામાં શામેલ કરી લીધા. નરેશને પહેલાં ભિખારીના રૂપમાં તમારી સામે રજૂ કર્યો. બાદમાં મિત્ર તરીકે. તેનો મિત્ર વિશાલ પહેલેથી જ અહીં આવી ગયો હતો. જે અહીંનો મોરચો સંભાળી રહ્યો હતો. નરેશ અને વિશાલ ભારત સરકારના ગુપ્તચર ખાતાના ઓફિસર છે. બહુજ બાહોશ છે. તો મોહા પણ મુંબઈ ક્રાઇમ બ્રાંચની બાહોશ મહિલા ઈન્સ્પેકટર છે. તેને આ ગેમમાં, સેમ્યુલને જાળમાં ફસાવવા શામેલ કરી હતી. કારણ કે, માફિયાઓ રૂપાલી અને ચપળ સ્ત્રીની જાળમાં જ ફસાય છે. તેણે સેમ્યુલને બરાબર વિશ્વાસમાં લઈ લીધો હતો. તેના પર સેમ્યુલ આંધળો ભરોસો કરવા લાગ્યો. અનુપમકુમાર. મેઘાલય પોલીસનો સૌથી બાહોશ અને બહાદુર એસીપી છે. તે પણ તમારી સાથે અમદાવાદથી જ હતો. તે અને નરેશ સતત તમારા પર નજર રાખતા હતા. તમારી સલામતીની જવાબદારી તેઓના શિરે હતી.”

“પણ અનુપમકુમાર તો લખનૌ સ્ટેશને ઉતારી ગયા હતા?”

“એ પણ યોજના પ્રમાણે જ હતું. લખનૌમાં ઉતરી ગયેલ અનુપમકુમાર, પ્લેન મારફતે ગૌહાટી આવી ગયો. અને અહીંના મોરચે જોડાઈ ગયો. તમે ગૌહાટી ઉતર્યા એટલે મોહા તમને લેવા આવી હતી. તમારું ત્યાંથી જ અપહરણ કરવાની યોજના હતી પણ..”

“પણ અમે ત્યાંથી છટકી ગયા, રાઇટ?” વ્યોમા બોલી પડી.

“ના, તમને ત્યાંથી મોહાએ છટકી જવા દીધા. તમે મોહાની કારમાં હતા ત્યારે તમારી નજરે શસ્ત્રો ચડ્યા હતા. મોહાની કમરમાં ગન પણ જોઈ હતી તમે. એ બધું તમને સંકેત આપવા માટે હતું. તે જોઈ તમે સાવચેત થઈ ગયા. અને ભાગી છૂટવાની યોજના બનાવવા લાગ્યા. પેલી હોટેલ પર મોહાએ જ તમને છટકી જવાની તક આપી હતી.” અનુપમકુમારે કહ્યું.

“કારણ કે યોજના સેમ્યુલને પકડવાની હતી. અને ત્યારે સેમ્યુલ મારી સાથે ન હતો. પોતે સાથે આવવાને બદલે, તેણે ડ્રાઈવરને મોકલ્યો એટલે ત્યારે યોજના બદલી નાંખી અને તમને છટકી જવા દીધા.” મોહાએ સ્મિત આપતા કહ્યું.

“તમે એ ઘટના પછી, કાં તો પાછા અમદાવાદ જતાં રહેશો અથવા ગમે તેમ કરીને આ ધોધ સુધી પહોંચશો. અમે બંને થીયરી પર કામ કરવા લાગ્યા. અમદાવાદ જવાના બધા જ માર્ગો પર અને સ્થળો પર સતત નજર રાખતા રહ્યા. તો જંગલના એક એક ખૂણા પર પણ તમારી તલાશ કરવા લાગ્યા. તમે ગમે તે સમયે, ગમે તે રસ્તે આ ધોધ પર આવશો, એમ માની ધોધ પર પણ સતત પહેરો રાખવામા આવ્યો. તમને હું મળ્યો ત્યારે પણ, અને આજે સાંજે તમને મનીષા મળી ત્યારે પણ, તમારા પર અમારી નજર હતી જ. પેલી લાશ જોઈને પોલીસને તમે જે ફોન કરેલો તે પણ મારી જ ઓફિસમાં રિસીવ થયેલો. તમને આજે જ ધોધ પર પહોંચવાની સૂચના જેનિફર દ્વારા, અમે જ આપી હતી. કારણ કે સેમ્યુલ આજે અહીં હતો અને તમે બંને જો આજે જ અહીં આવી જાઓ, તો આ સમગ્ર યોજના આજે જ પાર પડી જાય તેમ હતી. અને તમે અહીં આવ્યા, તમારું મોહાએ અપહરણ કર્યું અને સેમ્યુલ પકડાઈ ગયો.” વેદે આખી યોજના કહી દીધી.

“આટલા બધા આશ્ચર્યો, આટલા બધા વિસ્મયો, આટલા બધા કૌતુકો?” સમગ્ર ઘટનાક્રમને ધ્યાનથી સાંભળી રહેલી નીરજા એક પછી એક કડીઓને જોડતી ગઈ અને સ્વત: જ બોલી ઉઠી. વ્યોમા પણ વિસ્મય પામી ગઈ.

“તમને તો એ જ ગમે છે ને, આશ્ચર્યો, વિસ્મયો અને કૌતુકો?“ એક નવો જ અવાજ કાને અથડાયો. સૌ એ અવાજની દિશામાં ફર્યા. નીરજા અને વ્યોમા ફરી અચંબિત થઈ ગઈ. તેની નજર સામે દીપેન, ભરત, દીપા, જયા અને જીત હતા.

“ઓહો ...હો... તમે સૌ પણ અહીં જ છો?” વ્યોમાએ આનંદ અને વિસ્મય સાથે કહ્યું.

“તો તમે પણ આ યોજનામાં ભળેલા હતા?” નીરજાએ મીઠો ગુસ્સો કર્યો. બાકી બધાએ સ્મિત આપ્યું. નીરજા ખૂબ જ ખુશ થઈ ગઈ. જઈને ભેટી પડી સૌને. વ્યોમા પણ.

સૌ એક બીજાને મળ્યા, ખબર અંતર પૂછ્યા.

“કેટલા બધા આશ્ચર્યો આપી દીધા તમે, વેદ સર?” નીરજા વેદ તરફ ફરી અને સ્મિત આપ્યું.

“કદાચ હવે બધા આશ્ચર્યો પૂરા થઈ ગયા હશે.” વ્યોમાએ વ્યંગમાં વેદને જોઇ કહ્યું.

“એ તો સમય જ કહેશે.” વેદે પણ મૂછમાં હસતાં હસતાં કહ્યું.

તો ચાલો, સૌ સાથે ધોધ પર જઈએ. તેને નિહાળીએ.” જયાએ પ્રસ્તાવ મૂક્યો.

સૌ ધોધની નજીક પહોંચી ગયા.

નીરજા અને વ્યોમા બધાથી અલગ એક ખૂણે ઊભા રહી ગયા. પડતાં ધોધને જોઈ રહ્યા. ચાંદની રાતમાં ખૂબ જ ઉપરથી પડતું દૂધ જેવું સફેદ પાણી તોફાની હતું. તેની ધાર ખૂબ જ તિવ્ર અને મોટી હતી. તેની ગતિ અતિ તિવ્ર હતી. એક હજાર ફૂટથી પણ વધુ ઊંચાઈ પરથી પાણી પડતું હતું. તેની તાકાત પ્રચંડ હતી. તેનો ઘુઘવાટ વિશાળ હતો. તેની ધારાઓ અનેક હતી. તે ધારાઓ પર પડતી હતી, ચાંદની. પૂરા ખીલેલા ચંદ્રની ચાંદની. પૂનમની ચાંદની. ચાંદની એવી રીતે ભળી જતી હતી એ ધારામાં, કે જાણે ધારા અને ચાંદની જોડકી બહેન હોય.

ધારા પ્રચંડ તાકાતથી જમીન પર પડતી હતી. જમીન પર પછડાતા પાણીનો ધ્વનિ અતિ રુદ્ર હતો. પાણીનું રૂપ પણ રૌદ્ર હતું. પછડાતું પાણી જમીન પરથી ફરી ઘણી ઊંચાઈ સુધી ઊંચકાતું હતું, ફરી જમીન પર પટકાતું હતું અને પછી ઝરણું બનીને વહી જતું હતું.

નીરજાએ છેક ટોચ પર નજર કરી. ત્યાંથી નીચે પડતાં પાણીની ધારનો, નજરથી પીછો કરવા પ્રયાસ કર્યો. તેની નજર કરતાં ઘણા વધુ વેગથી પાણી નીચે પડી જતું હતું. તેણે બે ચાર વખત પ્રયાસ કર્યો, તે નિષ્ફળ ગઈ. તેણે હાર માની લીધી.

વ્યોમા પણ પાણીને જોતી રહી. લોકો માટે તો આ બસ વહેતા પાણીનો ધોધ માત્ર છે. પણ, વ્યોમા અને નીરજા જાણતા હતા કે તેઓ માટે એ પાણી નહીં, પણ પ્રેરણાંનો સ્ત્રોત છે. બંને પોતપોતાના ધોધમાં ભીંજાતા રહ્યા. મંઝિલ મળ્યાનો આનંદ, બંનેના માથાથી નખ સુધી ધોધ બનીને વહી રહ્યો હતો.

એ જ અવાજ, એ જ ગતિથી પડતું પાણી, એ જ પ્રચંડ તાકાત, ચાંદનીમાં પણ રચાતાં મેઘધનુષ્યો, એ જ જંગલ- જે બધું વિડિયોમાં જોયું હતું, તેવું જ બધું નજરની સામે હતું, હવે. સાવ સાચું. કોઈ જ સંદેહ નહીં, કોઈ જ શંકા નહીં.

સૌએ મન ભરીને માણ્યો, ધોધને અને તેને પામવાના આનંદને. કેટલીય ક્ષણો વિતી ગઈ. સૌ મૌન બનીને પોતપોતાની આનંદધારામાં નહાતા હતા.

“નીરજા, વાંસળી પર કોઈ એકાદ રાગની કોઈ ધૂન થઈ જાય?” વેદના શબ્દોએ બધાને જગાડી દીધા. સૌ પહેલાં, વેદ તરફ અને પછી નીરજા તરફ જોવા લાગ્યા.

“સર, વાંસળી કેમ? નીરજાને વાંસળી નહીં તબલા વગાડતા આવડે છે. અને અહીં તબલા તો છે નહીં.“ દીપેને આશ્ચર્ય વ્યક્ત કર્યું.

નીરજા કશું કહેવા જતી હતી, પણ વેદે વાતનો દોર પોતાના હાથમાં લઈ લીધો. ”નીરજાએ તબલા શીખવાનું તો ક્યારનું ય છોડી દીધું છે. અને તેના ગુરુ પાસે વાંસળી શીખી લીધી છે. તે ખૂબ જ સરસ વાંસળી વગાડે છે. તમને એ ગમશે જ.”

“તમને એની કેમ ખબર પડી, વેદ સર?” નીરજાને નવાઈ લાગી.

“અમે પોલીસવાળા છીએ, જેની ધ્યાન રાખીએ, તેની બધી જ વાતની ખબર રાખીએ.” વેદ હસવા લાગ્યો.

સૌ નીરજાની વાંસળી સાંભળવા ઉત્સુક બની ગયા. વ્યોમાએ વાંસળી કાઢી અને નીરજાને આપી. નીરજાએ હોઠો પર વાંસળી મૂકી અને વાંસળીનો મધુર ધ્વનિ જંગલમાં ભળી ગયો. ચાંદની રાતમાં રાગ શ્યામ કલ્યાણ ના મધુર સ્વરો, નીરજાના હોઠો પરથી જન્મ લઈને હવામાં ભળી જવા લાગ્યા. જંગલના એક એક અણુમાં તે વ્યાપી ગયા. નોહ કલિકાઇ ધોધની પ્રત્યેક ધારામાં સમાઈ ગયા.

ધોધનો ધ્વનિ અને રાગ શ્યામ કલ્યાણના સ્વરો એકબીજાને પ્રેરણાં આપતા રહ્યા. એકબીજાની જુગલબંધી કરતાં રહ્યા. સૌ મંત્રમુગ્ધ બનીને સંગીતના ધોધમાં તલ્લીન થઈ ગયા. ધૂન પૂરી થઈ. નીરજાએ વાંસળી વગાડવાનું બંધ કર્યું. સૌ તેના સંગીતની વાત કરવા માંગતા હતા. કોઈ કશું ય બોલે તે પહેલાં ફરી વાંસળીના સૂરો સંભળાયા. એ જ સૂરો જે નીરજાએ હમણાં જ પૂરા કર્યા હતા. સૌ નીરજા તરફ જોવા લાગ્યા. તેના હોઠો પર તો વાંસળી નહોતી.

સૌ અવાજની દિશામાં જોવા લાગ્યા. થોડે જ દૂર મનીષા વાંસળી વગાડી રહી હતી. વેદ તેની બાજુમાં ઊભા હતા. નીરજા અને વ્યોમા તેને ઓળખી ગયા. મનીષાએ બે ત્રણ મિનિટમાં જ ધૂન પૂરી કરી.

“આ મારી દીકરી મનીષા છે.” વેદે બધાને મનીષાનો પરિચય કરાવ્યો. નીરજા, મનીષા અને વ્યોમા એકબીજાને મળીને ખુશ થઈ ગયા.

“મેં કહ્યું હતું ને, કે હું તારી સાથે વાંસળી જરૂર વગાડીશ.” મનીષાએ નીરજાને સ્મિત આપી કહ્યું. નીરજા અને વ્યોમા તેના સ્મિત પર ખુશ થઈ ગયા.

“આ પણ એક વધારનું આશ્ચર્ય આપ્યું તમે, વેદ સર ! હવે તો કદાચ આ છેલ્લું જ હશે.” વ્યોમાએ વેદને ફરી વ્યંગ કર્યો.

“મને ખબર નથી.” વેદે વ્યંગનો જવાબ સ્મિત સાથે આપ્યો.

“પણ, મને ખબર છે.” વાતાવરણમાં ફરી કોઈ નવો અવાજ ગુંજ્યો. સૌ એ અવાજ તરફ ફર્યા.

સામે અમોલ ભેદ દેખાયો. અમોલે એક ફૂલ ગજવામાંથી કાઢ્યું, નીરજાને આપ્યું. સૌ આનંદ પામ્યા, પણ ફરી નવાઈમાં ડૂબી ગયા. ફરી એક નવું અને સુખદ આશ્ચર્ય સામે આવીને હાથ મિલાવવા લાગ્યું. સૌ વેદ તરફ જોવા લાગ્યા.

તે કાંઇ બોલે તે પહેલાં, વેદનો ફોન ગુંજ્યો. તેણે વાત કરી લીધી.

“સેમ્યુલ હવે પોલીસ કસ્ટડીમાં કેદ થઈ ગયો છે. આપણું મિશન સફળ રહ્યું“ વેદે બધાને જાણ કરી.

“સર. પણ નીરજા અને વ્યોમાનું અપહરણ તો, મોહાએ કર્યું હતું, તો પછી સેમ્યુલને કેમ કેદ કર્યો?” જીતે વેદને સવાલ કર્યો. સૌના ખડખડાટ હાસ્યથી જંગલ જાગી ગયું. પૂર્વમાં સુરજ ઉગવાની તૈયારી કરવા લાગ્યો.

નીરજાએ પોતાનો મોબાઈલ ચાલુ કર્યો. તે સોશીયલ મીડિયા પર જઈને આવેલા બધા મેસેજ જોવા લાગી.

અચાનક તે હસવા લાગી. ખૂબ જોરજોરથી હસવા લાગી.

“નીરજા, કેમ એકલી એકલી આટલી બધી હસે છે? કોઈ જબરદસ્ત જોક વાંચ્યો છે કે શું?” વ્યોમાએ નીરજાના ખભ્ભા પર હાથ મૂકી દીધો.

નીરજાએ વ્યોમાની આંખમાં આંખ નાંખી અને કહ્યું, “જોક નથી, પણ નવો એક વિડીયો આવ્યો છે.”

“શું છે એ વિડિયોમાં?” એક સાથે બધા એને પૂછી બેઠા.

“એક સમુદ્ર છે. તેના મોજાઓને તે ઊછાળી રહ્યો છે. કોઈ નવી દિશામાં ઘૂઘવતાં દરિયાનો છે, એ વિડીયો.”

“ક્યાં છે એ દરિયો?” એક સાથે બધાના હોઠ પરથી પ્રશ્ન જંગલમાં વ્યાપી ગયો. નીરજા અને વ્યોમા પરસ્પર નજર મેળવી સ્મિત કરવા લાગ્યા.

--------- સમાપ્ત----------