નગર - 37 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નગર - 37

નગર - ૩૭

( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- ઇશાન શંકર મહારાજ પાસે પહોંચે છે. તેમની વચ્ચે મૂર્તિઓનાં અનાવરણનાં પ્રસંગને લઇને વાતચીત થાય છે. ઇશાન એ પ્રસંગ કોઇપણ ભોગે રોકવા માંગતો હોય છે જ્યારે શંકર મહારાજ પોતાના હથિયાર હેઠા મુકી જે થાય તે જોયે રાખવાની સલાહ ઇશાનને આપે છે....હવે આગળ વાંચો...)

ઇશાન બધુ સમજતો હતો. તેને ટૂંકા સમયમાં ઘણી બધી જાણકારી મળી હતી. એ માહિતીનું વિશ્લેષણ કરતા જે હકીકત તેની સામે ઉજાગર થતી હતી એ તેનાં જીગરમાં ઉલ્કાપાત સર્જતી હતી. એક સમયની નર્કાગાર સમાન સામાન્ય માછીમારોની બસ્તી આજે આટલા જાહોજલાલી ભર્યા વિભૂતી નગરમાં કેવી રીતે તબદીલ થઇ હતી તેનો આછેરો અણસાર તેને થતો હતો. વિભૂતીનગર ઉપર છવાયેલા મોતનાં ઓછાયાનું રહસ્ય અને પાછલા થોડા દિવસોની અંદર નગરમાં થયેલા ખૌફનાક કત્લેઆમનું પગેરું તેને મળ્યું હતું. તે થડકી ઉઠયો. શંકર મહારાજે જે કહયું હતું તેનો મર્મ, એ સચ્ચાઇ તે સમજવા લાગ્યો હતો. આ નગરનો અંત હવે નજીક આવી ચૂકયો છે એ હકીકત તેને સમજાતી હતી. નગરનો સર્વનાશ નક્કી હતો અને નગરનું ભવિષ્ય આજથી બરાબર દોઢસો વર્ષ પહેલા તેનાં જ બાપ-દાદાઓએ પોતાના હાથે લખ્યું હતું એ પણ એક નિર્વિવાદીત સત્ય તેને સમજાતુ હતું. ચાહવા છતાં, નગરની સચ્ચાઇ જાણવા છતાં ઇશાન અત્યારે પોતાની જાતને નિઃસહાય અનુભવી રહયો હતો. તેની સમક્ષ જો કોઇ તેનો દુશ્મન આવીને ખડો થયો હોત તો તે તેનો સામી છાતીએ સામનો કરી શકવાની તાકાત તે ધરાવતો હતો....પરંતુ અહીં એવું નહોતું. પ્રેતાત્માઓ સાથે લડવાની તેની તાકાત નહોતી. વર્ષોથી ઢબૂરાઇને પડેલો કોઇ જ્વાળામુખી એકાએક ફાટી પડે એમ વિભૂતીનગર ઉપર અત્યારે ભયાનક અગોચર શક્તિઓનો પ્રકોપ ફાટી નીકળ્યો હતો. એ પ્રકોપથી કોઇ બચી શકવાનું નહોતું. નગર અને નગરવાસીઓનો વિનાશ નક્કી હતો એ ઇશાન સમજી ચુકયો હતો.

છતાં...એક આશા તેનાં મનમાં ઉભરતી હતી. દોઢસો-દોઢસો વર્ષ સુધી એ આસૂરી શક્તિ કેમ ખામોશ રહી એ તે જાણી ચુકયો હતો. દોઢસો વર્ષ સુષુપ્ત અવસ્થામાં સુતેલી ભૂતાવળને જો તેનાં જાગવાનાં કારણથી દુર કરવામાં આવે, એ કારણને જ જો નેસ્તોનાબુદ કરવામાં આવે તો એ શક્તિઓ જરૂર પાછી ચાલી જાય એવો એક વિચાર તેનાં મનમાં ઉઠયો. પણ એ કેવી રીતે શક્ય બને....? “ વિચારવું પડશે....કંઇક તો વિચારવું પડશે... ” એકલાં-એકલાં બબડતો ઇશાન મંદિરનાં પગથિયા ઉતરી પોતાની જીપ સુધી આવ્યો. શંકર મહારાજ હવે તેની કોઇ મદદ કરશે નહી એ વાત તો તે સ્પષ્ટ રીતે સમજી ચૂકયો હતો “ શંકર મહારાજ તો શું, નગરનો એકપણ વ્યક્તિ તેને મદદ કરી શકવાનો નહોતો એ પણ તે જાણતો હતો. તો શું કરવું....? ” ઇશાન ગુંચવાઇ ઉઠયો. જીપમાં ગોઠવાઇને જીપને તેણે નગર ભણી હંકારી.

જીપ ચલાવતા એકાએક તેને તેનાં દાદા દેવધર તપસ્વી અને એલીઝાબેથની ચિંતા થઇ આવી.

***

પોલીસ તેને હવાલાતમાં નાંખી ન દેય એવા ડરનાં લીધે રોશન પટેલ હોસ્પિટલમાંથી ભાગી છૂટયો હતો. પુરો આખો એક દિવસ તે નગરમાં જુદી-જુદી જગ્યાએ અથડાતો-કુટાતો રહયો હતો. ભૂખ-તરસથી બેહાલ છેક સાંજે તેને તેનાં મિત્ર માર્ગી ડિકોસ્ટાનાં ઘરે જવાની બુધ્ધી સૂઝી હતી અને તે દરિયાકાંઠે બનેલા માર્ગીનાં આલીશાન મકાન સામે આવીને ઉભો રહયો હતો. ઘરમાં માર્ગીનો બુઢો બાપ પીટર ડિકોસ્ટા એકલો જ હશે અને તેને થોડો સમય અહી સંતાવાની જગ્યા મળી રહેશે એવા આશયથી તે અહી આવ્યો હતો. માર્ગીનું સુંદર મકાન જોતાં જ તેને તેનાં મરહુમ દોસ્ત માર્ગી ડિકોસ્ટાની યાદ આવી. જે ભયાનક બર્બરતાથી તેનું મોત નિપજ્યું હતું એ સમય, એ દ્શ્ય તેને યાદ આવ્યું. માર્ગીનું મોત યાદ આવતાં અનાયાસે જ તેની આંખો ભીની થઇ ઉઠી...

***

એકસાથે ઘણીબધી પ્રવૃતિઓથી વિભૂતીનગર ધમધમી ઉઠયું હતું. અત્યાર સુધી શાંત રહેલા નગરની શેરીઓ એકાએક જીવંત થઇ ઉઠી. નગરમાં સવારથી જ બહારગામથી આવવા વાળા મહેમાનોનાં આગમન શરૂ થયા હતાં. વિભૂતીનગર છોડીને પોતાનાં કામધંધાના વિસ્તરણ માટે ગુજરાતનાં અન્ય શહેરોમાં વસવાટ અર્થે ગયેલા કુટુંબો ઉપરાંત દેશ અને વિદેશોમાં સ્થાયી થયેલા પરીવારોએ આજે વિભૂતીનગરની રૂખ કરી હતી. ઘણા લોકોએ તો તેમને નગરનાં બુઝૂર્ગોની મૂર્તિ પ્રતિષ્ઠાની આમંત્રણ પત્રિકાઓ જયારે મળી ત્યારેજ પોતાના ધંધાનાં શેડયૂલ એ પ્રમાણે સેટ કરી પ્રસંગનાં બે-ત્રણ દિવસ પહેલાં જ નગરમાં આવી ચુક્યા હતાં. જે લોકો વહેલા નહોતા આવી શક્યા તેઓ અત્યારે આવી રહયા હતાં.

નગરનાં ટાઉનહોલનાં ભવ્ય પરીસરમાં નગરનાં રચેયતા વડીલોની મૂર્તિઓનું વિધીપૂર્વક અનાવરણ આજે સાંજનાં સમયે કરવાનું મુર્હુત નીકળ્યું હતું . મૂર્તિઓનાં અનાવરણ પ્રસંગ નિમિત્તે સમગ્ર નગરવાસીઓનાં સાંજનાં ભોજનની વ્યવસ્થા કરાઇ હતી અને તેની તડામાર તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવાઇ હતી. નગરનાં સેક્રેટરી નવનીત ભાઇ ચૌહાણ અને બીજા ટ્રષ્ટીઓ પાસે આજે મરવાનો પણ સમય નહોતો, કામનું એટલું ભારણ લઇને તેઓ ફરતા હતાં. નાના-મોટા દરેક કામને બહુ ઝીણવટભર્યુ આયોજન કરીને એ પ્રમાણે લોકોમાં વહેંચી દેવાયું હતું જેથી છેલ્લી ધડીએ પ્રસંગમાં કોઇ અડચણ ન ઉદ્દભવે.

નગરની શેરીઓ રંગબેરંગી ધજાઓથી શણગારવામાં આવી હતી. ઠેર-ઠેર રોશની માટે રંગીન લાઇટોની સીરીઝો લગાવાઇ હતી જેથી સાંજ પડતા આખુ નગર રોશનીથી ઝળહળી ઉઠે. કુલ મળીને એવું કહી શકાય કે નગરનો માહોલ અત્યારે રંગીન બની ઉઠયો હતો, અને નગરનાં લોકોનો ઉત્સાહ તેની ચરમસીમાએ હતો. નવનીતભાઇએ જે ગણતરીથી આ આયોજન કરવાનું વિચાર્યુ હતું તેમની એ ધારણા અત્યારે સાચી પડતી જણાતી હતી. છેલ્લા થોડા સમયથી નગર ઉપર છવાયેલો માયુસીભર્યો માહોલ અત્યારે આ પર્વ ઉજવણીનાં કારણે લોકોનાં મનમાંથી હટયો હતો અને તનું સ્થાન અસીમ ઉત્સાહે લીધુ હતું.

પરંતુ....કોઇ નહોતું જાણતું કે આવનારી આગલી ક્ષણનાં ભાગ્યમાં વિધાતાએ શું લખી રાખ્યું છે. ઉત્સાહભર્યા માહોલમાં મહાલતા વિભૂતી નગરનાં ભાગ્યનો ફેંસલો એ આવનારી થોડી ક્ષણો, થોડા સમયમાં થવાનો હતો. એક વિસ્ફોટ નગરનાં દ્વારે દસ્તક દેવાની તૈયારીમાં હતો.

***

“ આ ગદ્દારી છે. તમે લોકો ગદ્દાર છો. ” વીલીમર ડેન હતપ્રદ બનીને તેની છાતી તરફ લંબાયેલી બંદૂકની નળી તરફ જોતાં બોલ્યો. “ આપણી વચ્ચે આવો કોઇ સોદો નહોતો થયો... ”

“ હવે એવા કોઇ સોદાનું મૂલ્ય રહેતું નથી. જહાંજ ઉપર જે કંઇપણ કિંમતી સામાન હોય એ અમારા હવાલે કરો અને ફૂટો અહીથી.... ” ધારદાર અવાજે ભૂપતે કહયું અને તે બે ડગલાં વીલીમર તરફ આગળ વધ્યો.

“ આ બરાબર નથી થતું. તમે લોકો “ડીલ” કરીને ફરી રહયા છો. ”

“ બરાબર સમજ્યો કપ્તાન. હવે વધુ સમય બગાડયા વગર મેં જે કહયું તે કર નહિતર અત્યારે જ એકાદ-બે જણાની લાશ અહી પડશે... ”

વીલીમર ડેન નિઃસહાય ભરેલી નજરોથી ભુપત અને તેનાં સાથીદારોને તાકી રહયો. તેઓનાં હાથમાં દેખાતી બંદૂકની ભયાનકતા તે સમજતો હતો. તેણે તરત પોતાની બાજુમાં ઉભેલા એક ખારવાને ઇશારો કર્યો એટલે ખારવો દોડીને એક નાનકડા બકસા જેવી લાકડાની પેટી ઉઠાવી લાવ્યો અને તેનાં કપ્તાનનાં પગ પાસે એ પેટી મુકી. વીલીમરે નીચે ઝુકી એ પેટીનું ઢાંકણ ખોલી નાંખ્યું. ભૂપતે થોડે આઘેથી જ પેટીની અંદર ઝાંકયું તે બોકસ સોનાં-ચાંદીનાં સિક્કાઓથી ભરેલું હતું.

“ મારે બધું જોઇએ. આ જહાંજની એકે-એક કિંમતી ચીજ અમે સાથે લઇ જઇશું. ” નાનકડી પેટી જેવા બકસામાં છલોછલ ભરેલા સિક્કાઓ જોતાં ભૂપત અને તેનાં સાથીદારોની આંખો ચમકી ઉઠી હતી. એક નાનકડી પેટીમાં જો આટલી દોલત હતી તો આખા જહાંજમાં કેટલી દોલત હશે એ વિચારેજ તે ચારેયનાં જહેનમાં ઉત્તેજનાં ભરી દીધી હતી. ભૂપતની ધમકી સાંભળીને પણ વીલીમર ડેન તેની જગ્યાએથી હલ્યો નહી. તેને અત્યારે ભજવાઇ રહેલી ઘટનાની ભયાનકતાનો ખ્યાલ આવ્યો હતો એટલે તે એમાંથી કઇ રીતે નીકળવું તેનાં જુગોડમાં પરોવાઇ વિચારતો ઉભો હતો. પરંતુ ભૂપતે વીલીમરને કોઇ તક ન આપી. વીલીમર કંઇ સમજે એ પહેલા જ તે વીલીમર તરફ ભયાનક ઝડપે આગળ વધ્યો અને તેનાં હાથમાં પકડેલી બંદૂકનો ભારેખમ “બટ” તેણે વીલીમરનાં માથામાં ફટકારી દીધો.

ઘા સાવ એકાએક થયો હતો. વીલીમર કંઇ સમજે એ પહેલાં તેનાં કપાળે ભારે વેગથી લોંખડનું બટ ટકરાયું હતું અને તેનું કપાળ ફુટયું હતું. તેનાં કપાળે ડાબી તરફ લોહીનો રગેડો નીકળ્યો અને ગાલ ઉપર રેળાયો. વીલીમરનાં કપાળની ચામડીમાં લોંખડના કટાઇ ચુકેલા બટે ઉભો ચીરો કર્યો હતો. એકાએક થયેલા વારે વીલીમરને ડઘાવી મુકયો. શરીરની સ્વાભાવીક રીએકશન સિસ્ટમ પ્રમાણે જ ભૂપતનાં વારથી બચવા તેણે પોતાનાં બંને હાથ એક સાથે ઉંચા કર્યા હતાં. એ ચેષ્ટાથી હડબડાહટમાં તેનાં હાથમાં પકડેલું સળગતું ફાનસ નીચે, જહાંજમા ફર્શ ઉપર ખાબકયું હતું અને ફાનસમાં ભરેલું તેલ ફર્શ ઉપર ઢોળાયું હતું. તેલ અને આગનાં મિલનથી ઘડીક-વારમાં તો ત્યાં..એટલી નાનકડી જગ્યામાં આગ ફાટી નીકળી.

બહુ જલ્દી એ બન્યું હતું. કોઇ કંઇ સમજે એ પહેલાં તો ત્યાં ધમાસાણ મચી ગયું. પોતાનાં કપ્તાનને ઘાયલ થતાં જોઇને ત્યાં ઉભેલા ખારવાઓ કપ્તાન તરફ લપક્યાં હતાં. તેઓ દોડયા એ એટલે ભૂપતને લાગ્યુ કે તે ખારવાઓ તેની ઉપર હુમલો કરવા આગળ વધ્યા છે...તેઓને ખાળવા અનાયાસે તેનાથી બંદૂકનો ઘોડો દબાઇ ગયો. એક ભયાનક ધડાકો થયો અને બંદૂકનાં લાંબા નાળચામાંથી એક તિખારો નીકળી તેની નજીક દોડતા આવતા એક ખારવાની છાતીમાં સમાઇ ગયો. ખારવો ઉછળ્યો અને ધડામ કરતો નીચે ફર્શ ઉપર ઝીંકાયો. અને પછી....ઇતિહાસનાં કોઇપણ પન્ને દર્જ ન થયું હોય એવું ધમાસાણ યુધ્ધ શરું થયું.

પોતાનાં પ્રાણથીય અધીક પ્યારા કપ્તાન ઉપર હુમલો અને પોતાનાં એક સાથીદારનું ગોળી લાગવાથી થયેલું મૃત્યુ ભાળીને ત્યાં હાજર હતાં એ ખારવાઓમાં ઝનુન ભરાયું હતું અને તેમણે ભૂપત અને તેનાં સાથીદારો ઉપર ભયાનક વેગે આક્રમણ કરી દીધું... પરંતુ તેઓ થોડી સેકન્ડો પુરતા મોડા પડયા હતાં. તેઓએ હુમલો કર્યો તેની ચંદ સેકન્ડો પહેલા જ ભૂપતની પડખે ખારવાઓનો હુમલો ખાળવા વિરમ, ઇશ્વર અને ત્રિભોવન આવી ગયા હતાં. તે ચારમાંથી ત્રણ પાસે બંદૂકો હતી જે એકસાથે ગરજી ઉઠી અને તેમાંથી નીકળતું ગરમ લોઢું એક પછી એક ખારવાની છાતીમાં ધરબાતું રહયું. મિનિટોમાં ત્યાં લાશોનો ઢગલો ખડકાયો. એકસાથે ઘણાબધા ખારવાઓ ઘાયલ થઇને ત્યાં પડયાં. તેમાંનાં ઘણા તો મરવાની અણી ઉપર હતાં. એ હલ્લામાં જે ખારવાઓ પાછળ હતાં તેઓ તેમની આગળનાં સાથીદારોને બંદુકની ગોળીઓથી વિંધાતા જોઇને પાછા વળી જહાંજની અંદર તરફ ભાગવા લાગ્યાં. વિલીમર ડેન પણ એ અફરા-તફરીમાં ઉભો થઇ જહાંજનાં ભંડકીયામાં પોતાનાં કમરા તરફ ભાગ્યો.

જેટલી ઝડપે હુમલો શરૂ થયો હતો તેનાથી પણ વધુ ઝડપે જહાંજનાં મુસાફરોએ હાર માની લીધી હતી. તેનું એક કારણ એ પણ હતું કે તેઓ કોઇ યોધ્ધાઓ નહોતાં. સોલોમન ટાપુ ઉપર શાંતિથી પોતાનું જીવન ગુજારનારા વેપારી માણસો હતાં. તેમણે કયારેય આવી ભયાનક પરિસ્થિતીનો સામનો કર્યો જ નહોતો એટલે માત્ર ત્રણ બંદુકો સામે તેમનો પરાજ્ય થયો નક્કી જ હતો.

વિલીમર ડેનનાં હાથમાંથી છટકીને નીચે પડેલા ફાનસનાં કારણે જહાંજમાં આગ ફેલાવાની શરૂ થઇ હતી. સંપૂર્ણપણે લાકડાનું બનેલું ફર્શ તે આગમાં જલ્દી સળગી ઉઠયું હતું. ખારવાઓ પરાસ્ત થતાંજ ભૂપત અને તેનાં ત્રણેય સાથીદારોએ જહાંજનાં ખૂણે-ખૂણે ઘુમીને લૂંટફાટ કરવાનું ચાલુ કર્યું. બંદુકની નળીએ તેમણે ગણતરીનાં સમયમાં સમગ્ર હજહાંજની તમામ કિંમતી વસ્તુઓ લુંટી લીધી... અને પછી તેમણે જે નહોતું કરવા જેવું એવું એક અધમ કૃત્ય આચર્યું.

તેમણે સૌથી પહેલા જહાંજ ઉપરનાં તમામ માણસોને જહાંજનાં ભંડકીયામાં ધકેલ્યા અને ભંડકીયાનું બારણુ ઉપરથી તાળુ મારીને વાસી દીધુ. પછી ભંડકીયામાં હવાની અવર-જવર માટે બનાવેલા ત્રાંસા ગોખલાઓ માંથી સળગતા કાકડા અંદર ફેંકવાનું શરૂ કર્યુ. થોડી વારમાં જ અંદર ભંડકીયામાં આગ ભભૂકવી શરુ થઇ. થોડીવારમાં જ અંદર બંધ માણસોની કરુણ ચીખો સંભળાવા લાગી. જીવતે જીવ માણસોને સળગાવા જેવી નીચતા એ ચારેયે કરી હતી.

ભંડકીયામાં પુરાયેલા બાળકો, સ્ત્રીઓ અને પુરુષોએ ભંડકીયાનું બારણુ તોડીને બહાર નીકળવાની ઘણી કોશીષ કરી જોઇ પરંતુ બારણુ મજબુત હતું. આસાનીથી તૂટયું નહી અને તે બફા જીવતા ભુંજાઇ ન ગયા ત્યાં સુધી એ બારણુ તેની જગ્યાએથી ચસકયું નહી. આ બધી ધમાચકડી દરમ્યાન જહાંજનો કપ્તાન વિલીમર ડેન પોતાના કમરામાં પહોંચ્યો હતો. તેની આંખ પાસેથી લોહી દદડતું હતું જેના લીધે તેનો દેખાવ ભયાનક થયો હતો. તેને અંદર દાખલ થતા જોઇ તેની પત્ની એલીઝાબેથ તેની તરફ દોડી આવી.

“ એ લોકોએ આપણી સાથે ગદ્દારી કરી એલીઝાબેથ, ઉપર આગ ધધકી રહી છે, આપણે કોઇપણ ભોગે અહીથી સલામત રીતે બહાર નીકળવું પડશે. ” એલીઝાબેથ કંઇ પુછે એ પહેલા તે કમરામાં ચારેકોર ફરી વળ્યો. તેનાં કમરાની એક દિવાલે બારી જેવું એક હવા-ખાનું બનાવેલું હતું એ તેની નજરમાં આવ્યું. બારી ઉપર લાકડાની પટ્ટઓ લગાડેલી હતી. વિલીમરે કમરામાં નજર ઘુમાવી. તેની નજર એલીઝાબેથનાં ડ્રોવર પાસે પડેલા તેનાં ભારેખમ છતાં કલાત્મક મેક-અપ બોકસ ઉપર આવીને અટકી. ઝડપથી તેણે મેકઅપ બોકસ ઉઠાવ્યું અને બારી ઉપર લગાડેલી પટ્ટીઓ ઉપર ઝીંકયું. ભારે જનૂનથી તે પટ્ટીઓ તોડવામાં પરોવાયો....પાંચમાં-છઠ્ઠા અને સાતમાં ઘા એ મેક-અપ બોકસ તેનાં હાથમાંથી છટકયું....સાથો-સાથ પેલી પટ્ટીઓ પણ તૂટી. પટ્ટીઓ તૂટવાથી વિલીમરના હાથમાંથી છટકેલું મેક-અપ બોકસ બારીમાંથી બહાર ફંગોળાયુ અને દરીયાનાં પાણીમાં પડયું. સેકન્ડોમાં બોકસ પાણીમાં ગરક થયુ. વિલીમરે કંઇપણ વિચાર્યા વગર સૌથી પહલા બારીમાંથી એલીઝાબેથને બહાર કાઢી. એક વ્યક્તિ નીકળી શકે એવડી બારીમાંથી એલીઝાબેથે સમુદ્રનાં પાણીમાં ભુસકો માર્યો....પછી વિલીમર તે બારીમાં ઘુસ્યો. પરંતુ...ત્યાં સુધીમાં ધણુ મોડું થઇ ચુકયુ હતું. આખુ જહાંજ ભયાનક આગમાં ઘૂં-ઘૂં કરતું સળગી ઉઠયું હતું. આગ વિલીમરનાં કમરા સુધી પહોંચી ગઇ હતી અને વિલીમર બહાર કુદી પડે એ પહેલાં તેને આંબી ગઇ હતી. સૌથી પહેલા તેણે પહેરેલું ચોરણા જેવું પાટલૂન સળગ્યું. હજુ તેણે બારીમાંથી પોતાનું મોં બહાર કાઢયુ જ હતું કે તેનાં પગ સળગ્યા એટલે ફરી પાછો તે કમરામાં ખાબક્યો. જોત-જોતામાં વિલીમર ડેન આગની જ્વાળઓમાં સંપૂણપણે લપેટાઇ ગયો. મરતી વખતે આખરી ક્ષણોમાં તેને બે જ વસ્તુઓ યાદ રહી. એક તેનાં મનમાં તેની વહાલી પત્ની એલીઝાબેથ, અને બીજું તેનાં મોંમાંથી સતત નીકળતા શબ્દો “ બદલા... ખૂન કા બદલા ખૂન...” તેનું શરીર સંપૂર્ણપણે બળીને ભસ્મીભૂત થયું ત્યાં સુધી આ શબ્દો તેનાં મોં માંથી અવિરત નીકળતા રહયા. પોતોની પત્નીને આખરી ક્ષણોમાં એકવાર જોવાની તેની ઇચ્છા પણ ફળીભૂત થઇ નહી અને તે ભયાનક કમોતે મર્યો.

“ વિલીમર...વિલીમર...” એલીઝાબેથ સતત ચીખતી હતી. તેની નજરોની સામે તેનું “ એલીઝાબેથ ડેન ” નામનું જહાંજ સળગી રહયું હતું. તેની પાછળ-પાછળ વિલીમર આવવો જોઇતો હતો પરંતુ ઘણીવાર થવા છતાં તે આવ્યો નહી એટલે તેનાં મનમાં અમંગળ કલ્પનાઓ થવા લાગી. પાણીમાં રહી-રહીને તે પણ થાકી હતી. સતત-એકધારા તરતા રહેવાથી તેનાં હાથ-પગ દુખવા લાગ્યા હતાં. અહી એવું કંઇ નહોતું જેને વળગીને તે તરી શકે....તેને ડર લાગતો હતો કે કયાંક એ ડુબી ન જાય. આવી પરિસ્થિતીનો સામનો આજ પહેલા કયારેય તેણે કર્યો નહોતો. તે તરવામાં કુશળ નહોતી. માંડ-માંડ તેણે પોતાની જાતને પાણીની સતહ ઉપર ટકાવી રાખી હતી. પરંતુ કેટલા સમય માટે, આખરે તે થાકી હતી. લાખ કોશીષ કરવા છતા તેનાથી દરિયાનું પાણી પીવાય ગયું...અને, તે પાણીમાં ડૂબી. તે પાણીમાં ગરક થઇ, તેનાં શ્વાસો-શ્વાસ રુંધાયા. ફેફસાઓએ હવા માટે વલખા માર્યા પરંતુ તેનાં ફેફસા સુધી પાણી પહોંચી ગયું હતું. થોડીવારમાં જ તેના વલખા શાંત થયા..તે દરિયાનાં તળ તરફ સરકી. દરિયાનાં તળ ઉપર એલીઝાબેથ અને તેનું મેકઅપ બોક્ષ બંને એક-બીજાની બાજુમાં પડયાં હતાં. નિર્જીવ અને નિશ્ચેતન.

આ તરફ...જહાંજ સંપૂર્ણપણે સળગી ગયું હતું. ભૂપત, વિરમ અને તેના સાથીદારોએ જહાંજ ઉપરથી એકઠો કરેલો માલ તેમની નાનકડી હોડીમાં ચડાવ્યો હતો અને હોડીને સળગતા જહાંજથી દુર લઇ જવાની ફિરાકમાં પરોવાયા હતાં.

“ આ ક્રૂરતાની કિંમત આપણે ચૂકવવી પડશે.... ” હોડીમાં સ્થિર થઇ હલેસા મારતો ત્રિભોવન એકાએક બોલી ઉઠયો. તેની વાત બધાએ સાંભળી પણ કોઇ કાંઇ બોલ્યું નહી. ધીરી ગતિએ તેમની હોડી બસ્તી તરફ આગળ વધતી રહી.

( ક્રમશ )