Nagar - 36 books and stories free download online pdf in Gujarati

નગર - 36

નગર-૩૬

( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- લાઇબ્રેરીમાંથી નીકળીને બધા પોત-પોતાનાં ઘરે જવા રવાના થાય છે. આ દરમ્યાન એલીઝાબેથ સંપૂર્ણપણે ખામોશ રહે છે. રાત્રે પથારીમાં સુઇ રહેલા ઇશાનને અચાનક કંઇક યાદ આવે છે અને તે ઉછળી પડે છે. હવે આગળ વાંચો....)

સવારનાં છ વાગ્યે ઇશાન ઉઠયો. ગઇકાલે રાત્રે અચાનક એક વીજળી ચમકી હતી અને તે ચોંકી ઉઠયો હતો. નગરમાં થતી અગોચર પ્રવૃતિઓ વિશેની એક ધુંધળી સ્પષ્ટતા તેને અચાનક જ સમજાઇ હતી. જો તે વિચારતો હતો એવું જ હશે તો ઘણાબધા સવાલોનાં જવાબો અનાયાસે તેને મળવાનાં હતાં. આ માટે તેણે શંકર મહારાજને મળવું જરૂરી હતું.

પથારી માંથી ઉભા થઇને તે બહાર આવ્યો. એલીઝાબેથ અને તેનાં દાદા દેવધર તપસ્વીનાં કમરાનાં બારણા બંધ હતાં એટલે સ્વાભાવિક હતું કે હજુ તેઓ સુતા હશે. તેમને જગાડવાનો કોઇ મતલબ નહોતો. ખાસ કરીને એલીઝાબેથને. રાત્રે જે રીતનું વર્તન તે કરતી હતી એ જોઇને ઇશાનને આશ્ચર્ય થયું હતુ, પરંતુ ત્યારે તેણે કંઇ પુછયું નહોતું. તેણે બધાની હાજરીમાં ચુપ રહેવું યોગ્ય સમજ્યું હતું. તે ફરી કમરામાં ઘૂસ્યો અને ફટાફટ નિત્યકર્મ પતાવી નીચે ડ્રોઇંગરૂમમાં આવ્યો. તેનાં નિર્મળાફઇ વહેલા જાગી જતાં. તેણે તેમને ચા બનાવવાનું કહયું અને સોફા ઉપર બેઠો.

“ ઇશાન...! કેમ વહેલા જાગી ગયો બેટા...! ” હાથમાં ચાનો કપ લઇને ડ્રોઇંગરૂમમાં દાખલ થતાં નિર્મળાફઇએ ઇશાનને પુછયું.

“ થોડું કામ હતું ફઇ. થયું સવાર-સવારમાં પતાવી નાંખુ. ” ઇશાન ચાનો કપ લેતાં બોલ્યો. તેને કંઇક યાદ આવ્યુ અને તે ફઇ તરફ ફર્યો. “ ફઇ...એલીઝાબેથ ઉઠે અને મારા વિશે કંઇ પુંછે તો કહેજો કે હું હમણા પાછો આવી જઇશ. ” તે બોલ્યો... અને તેનાં ફઇ વધુ કંઇ સવાલો પુછે એ પહેલા ફટાફટ ચા પીને જીપની ચાવી લઇને બહાર ભાગ્યો.

તેણે જીપને રમ-રમાવી હતી. ગણતરીની મીનીટોમાં તે નગરની બહાર નીકળ્યો અને શીવમંદિરની તળેટીમાં આવી પહોંચ્યો. જીપમાંથી ઉતરી ઝડપથી મંદિરનાં પગથીયા ચડતો તે મંદિરનાં પટાંગણમાં આવ્યો. મંદિરનાં ગર્ભગૃહમાં સવારની આરતીની તૈયારી ચાલતી હતી. શરીરે ધોતિયું વિંટાળીને ઉભેલા શંકર મહારાજની પીઠ ઇશાનને દેખાઇ. તે અંદર તરફ ચાલ્યો. ગર્ભગૃહનાં દરવાજે આવી તેણે ભોળાનાથને પ્રણામ કર્યા અને ખામોશીથી ઉભો રહયો. તેની સિવાય બીજા બે-ત્રણ નગરવાસીઓ પણ ત્યાં મૌજૂદ હતાં.

“ પ્રણામ મહારાજ... ” થોડીવાર પછી ઇશાને શંકર મહારાજને પ્રણામ કર્યા. આરતીની તૈયારીમાં પરોવાયેલા મહારાજ એકાએક પાછળથી આવેલા અવાજને લીધે ચોંક્યા હતા અને તેઓ પાછળ ફર્યા. ઇશાનને આટલી વહેલી સવારે અહીં જોઇને તેમનાં કપાળે સળ પડયાં.

“ ઓહ...ઇશાન, તું છે...! સુખી ભવન્તું. ” તેમણે હાથ ઉંચો કરી ઇશાનને આશિર્વાદ આપ્યાં. ગઇ સાંજ કરતાં આજે મહારાજ થોડાં હળવા મૂડમાં જણાતાં હતાં. તેમનાં ચહેરા ઉપર આછી નિર્મળતા અને હોઠો ઉપર હળવું સ્મિત તરવરતું હતું. ઇશાનને એ જોઇને આશ્ચર્ય ઉપજ્યું. તેણે ગઇ સાંજે અપરાધ ભાવથી લીપ્ત, ગ્લાનિ અનુભવતા, સતત સંતાપ કરતા મહારાજને જોયાં હતાં. જ્યારે અત્યારે તે કોઇ અલગ જ વ્યક્તિને જોતો હતો. તેમની ગ્લાની જાણે એકજ રાતમાં ગાયબ થઇ ગઇ હતી અને તેની જગ્યાએ તેમનાં મુખ ઉપર અજબ શાંતિ પથરાયેલી જણાતી હતી. આવું પરિવર્તન કેમ કરતાં આવ્યુ એ ઇશાનને સમજાયું નહી.

“ ઇશાન....સારું થયુ તું આવ્યો. તું થોડીવાર થોભ, આરતી પછી આપણે નિરાંતે વાતો કરીએ.... ” મહારાજ બોલ્યાં.

“ નિરાંતે વાતો કરવાનો મારી પાસે સમય નથી મહારાજ....”

“ મને ખબર છે. પણ હવે કશો ફરક પડવાનો નથી. યાદ છે મેં તને કહયું હતું, કે જે થવાનું છે એ થઇને જ રહેશે....! ”

“ હાં યાદ છે...! ”

“ એ જે કંઇપણ થવાનું છે એ સમય બહુ નિકટ આવી પહોંચ્યો છે. હવે એ કોઇનાં રોકાવાથી નહી રોકી શકાય. તો પછી જે રોકી શકાય તેમ નથી એનો સંતાપ શું કામ કરવો....! ” મહારાજ બોલ્યા અને ફરી પાછા ભગવાનની મૂર્તિ સમક્ષ ફર્યા. દિવેટીયામાં દિવેટો ગોઠવી તેમણે આરતી શરૂ કરી. જબરી ઉત્કંઠા છતાં ઇશાન પણ ભક્તિમય બની આરતીમાં જોડાયો.

***

મોન્ટુને તાવ ચઢી ગયો હતો. સવારમાં આંચલ જ્યારે મોન્ટુને જગાડવા તેનાં રૂમમાં પહોંચી ત્યારે તેને ખ્યાલ આવ્યો હતો કે મોન્ટુ તાવથી ધખધખે છે. આંચલે તરત ડોકટરને ફોન કરી ઘરે તેડાવી લીધા હતાં. મોન્ટુને એકાએક કેમ કરતાં તાવ આવ્યો એ ન તો આંચલે પુછયું હતું કે ન તો મોન્ટુએ કંઇ કહયું હતું. નાનકડા મોન્ટુનાં હ્રદયમાં ગઇકાલની ઘટનાએ જબરો ડર પેદા કર્યો હતો. આ તાવ એનો જ હતો....પરંતુ તે કોઇને તેની અને નીલિમા આન્ટી સાથે ગઇકાલે શું ઘટયું હતું એ કહી શકવાની હાલતમાં નહોતો. ડોકટરે તેને ઇન્જેક્શન મુકયું અને આરામ કરવાનું કહી તેઓ ગયાં.

ઇન્જેકશનનાં ધેનમાં મોન્ટુને પણ ઉંઘ આવી ગઇ હતી એટલે નવનીતભાઇ અને આંચલ બંને તૈયાર થઇ પોત-પોતાનાં કામે નીકળી પડયા હતાં. જો કે...તેઓ આ ઘટનામાં થોડા વધુ ઉંડા ઉતર્યા હોત, અને મોન્ટુ પાસે બેસી થોડી વાતચીત કરી હોત તો ઘણીબઘી મુશ્કેલીઓ ટળી હોત.

***

“ મને અંત નજીક આવતો દેખાય છે ઇશાન. ” મહારાજ આરતી પુરી કરીને બહાર પરીસરમાં આવ્યાં હતાં. તેમણે ઇશારાથી ઇશાનને પોતાની પાછળ આવવા કહયું હતું અને તેઓએ મંદિરનાં પગથિયા પાસે આવી પાળી ઉપર બેઠક લીધી હતી. “ પણ તું આટલો અધીરો કેમ લાગે છે....! ”

“ તમને જ્યારે બધીજ બાબતોની જાણકારી છે તો એ તમે કોઇને કહેતાં કેમ નથી...? ” પોતે જે વાતની ચોખવટ કરવા આવ્યો હતો તેને અધ્યાહાર રાખતા ઇશાને પુછયું. મહારાજ વગર પુછયે જો બાલતા હોય તો તેમને વચ્ચે અટકાવવા તેને યોગ્ય લાગ્યુ નહી.

“ કોને કહું...? અને શું કહું...? મારી વાતનો વિશ્વાસ કોણ કરશે....? નગર ઉપર જે આફત સર્જાઇ છે એ કુદરતી નથી એવું આજનાં આધુનિક સમયમાં કોણ માનવાનું...? લોકો મને ગાંડો ગણીને હસી નાંખશે ઇશાન.”

“ તો શું જે થઇ રહયું છે તેને થવા દેશો....? લોકોનાં જીવને બધું જાણતા હોવા છતાં જોખમમાં મુકશો...? “

“ તું સમજતો કેમ નથી ઇશાન, કે હવે આ આફત કોઇનાં રોકાવાથી નહી રોકાય. લાખ કોશીષ કરવા છતાં જે થવાનું છે એ કોઇ ટાળી નહી શકે. નગરનો ભૂતકાળ જ નગરનાં વિનાશનું કારણ બનવાનો છે. જે આપણા બાપ-દાદાઓએ જે કર્યુ છે એની સજા આપણે ભોગવવી જ પડશે. કર્મનો કાયદો, કર્મનું બંધન કોઇને છોડતું નથી. ” મહારાજ ક્ષીતીજ તરફ તાકતા બોલ્યા. તેમની આંખોમાં એક ખાલીપો ઉભરી આવ્યો હતો. અચાનક જાણે તેઓ એક નિસ્પૃહી વ્યક્તિની જેમ વર્તતા હતાં. કદાચ તેમણે પોતાનું ભવિષ્ય જોઇ લીધુ હતું. તેમણે સંજોગો સામે ઘુંટણ ટેકવી લીધા હતાં. પરંતુ ઇશાન આટલી જલ્દી હાર સ્વીકારે તેવો નહોતો.

“ તમે હારી ગયા છો મહારાજ. ચાલો હું પણ સ્વીકારી લઉં છું કે આ નગરનો વિનાશ થઇ જશે. તમે જે કહાની મને સંભળાવી હતી તેને પણ સત્ય માની લઉં કે આપણાં વડવાઓએ ભૂતકાળમાં એક ભયંકર, મહા અધમ કૃત્ય આચર્યું હતું. જેની સજા આપણે ભોગવવાની આવી છે. તો પણ...તમને પ્રશ્ન નથી ઉદ્દભવતો કે આ બધુ હવે કેમ ની રહયું છે....? દોઢસો વર્ષનાં વહાણાં વીતી ગયા બાદ કેમ એકાએક એ શક્તિ જાગ્રત થઇ ઉઠી અને નગર ઉપર ત્રાટકી...? કેમ આટલાં બધા વર્ષઓ એ અગોચર વિશ્વ શાંત રહયું...? એકાએક એવું તે શું બન્યું જેના લીધે પ્રેતાત્માઓ નગર ઉપર મંડરાવા લાગ્યા...? કયારેય વિચાર્યું છે આ બાબતે તમે...? ” ઇશાને બહુ ધારદાર પ્રશ્નો કર્યા.

મહારાજ સ્તબ્ધ બની સાંભળી રહયા. ઇશાનનાં એક-એક પ્રશ્નમાં વજૂદ હતું એ તેમને સમજાતું હતું. આ પ્રશ્નો તેમને થવા જોઇતા હતાં, પરંતુ તેમનાં મનમાં ઉઠતી આત્મગ્લાનીએ તેમની વિચારશક્તિને કુંઠીત કરી નાંખી હતી એટલે તેમને આવા પ્રશ્નો ઉદ્દભવ્યાં જ નહોતાં. ગઇકાલે ઇશાન અહીથી ગયો હતો ત્યારેજ તેમણે પોતાના હથિયાર હેઠા મુકીને હાર સ્વીકારી લીધી હતી. આ વિભૂતીનગર, અને તેનાં રહેવાસીઓનો અંત બહુ નજીક આવી પહોંચ્યો છે એ હકીકત મનોમન તેમણે સ્વીકારી લીધી હતી.

“ યસ....! મને આ પ્રશ્નો થવા જોઇતાં હતાં...! “ એકાએક તેઓ બોલી ઉઠયા. તેમનાં મનમાં ઇશાન પ્રત્યે માન વધ્યું. પહેલી વખત જ્યારે ઇશાનને તેઓ મળ્યા હતાં ત્યારે જ આ યુવાનમાં કંઇક અનોખું હોવાની ભ્રાંતિ તેમને થઇ હતી. “ મને લાગે છે કે તું કંઇક શોધી લાવ્યો છે. શું છે એ...? મને કહે...”

“ કહીશ. ચોક્કસ કહીશ... પહેલા મારાં એક પ્રશ્નનો ઉત્તર આપો. ”

“ કેવો પ્રશ્ન...? ”

“ વિભૂતી નગરનું નામકરણ કોણે કર્યું...? મતલબ કે આ ટાઉનનું નામ “ વિભૂતી નગર ” રહેશે એવું કોણે નક્કી કર્યું હતું....? ”

“ ઇશાન ...! આ કેવો સવાલ છે...? ” મહારાજે આશ્ચર્ય અનુભવતા પુછયું

“...અને બીજો પ્રશ્ન, નગરનાં ટાઉનહોલમાં નગરનાં બુઝૂર્ગોની મૂર્તિઓ મુકવાનો પ્રસ્તાવ સૌ-પ્રથમ કોણે મુકયો હતો...? “ ઇશાને શંકર મહારાજની આંખોમાં ઝાંકતા પુછયું.

“ એ પ્રસ્તાવ તો સર્વ સંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. તેનાં માટે નગરનાં રહીશોની મિટીંગ મળી હતી અને તેમાં આ પ્રસ્તાવ રખાયો હતો. ”

“ કોણે રાખ્યો હતો આ પ્રસ્તાવ....? ”

“ મને યાદ છે ત્યાં સુધી આ સુચન સૌ-પ્રથમ નગરનાં સેક્રેટરી નવનીતભાઇએ કર્યુ હતું. તેમનાં આ નિર્ણય પાછળ નગરનાં બીજા ટ્રષ્ટીઓનાં સૂઝાવો પણ હતાં. ”

“ બીજા કોણ-કોણ....? ”

“ બીજા ટ્રષ્ટીઓમાં એક તો તારા દાદા દેવધર હતાં....અને પેલા કર્નલ માથુર. હું પણ હતો ત્યારે....અને પેલો લાઇબ્રેરીયન મી.પીટર ડીકોસ્ટા. ”

“ ઓહ....” નામ સાંભળતા જ ઇશાને નિસાસો નાંખ્યો.

“ પણ તેનું છે શું....? અમે ચાર લોકો ભેગા થયા હતા અને તેમાં અચાનક બધાનાં મનમાં એક વિચાર આવ્યો હતો કે આપણે નગરની સ્થાપના પાછળ જે લોકોનો હાથ રહેલો છે, જે લોકોએ આ નગરને એક બસ્તીમાંથી આધુનિક શહેરમાં તબદીલ કર્યું છે, જે લોકોનાં ખુન-પસીનાની મહેનતથી આ વિભૂતી નગર રચાયું છે એ લોકોનાં સન્માનમાં વધુ કંઇ નહી તો તેમની મૂર્તિઓ બનાવડાવીને નગરમાં પ્રસ્થાપીત કરીએ. એ બહાને કમ સે કમ આવનારી પેઢીઓનાં બાળકો એ બુઝૂર્ગોને ઓળખશે. ” શંકર મહારાજ ગર્વથી બોલ્યા. “ અને તેમાં ખોટુ પણ શું છે....? શું આપણે આપણા બુઝૂર્ગોને તેમનાં આવા ભગીરથ કાર્ય બદલ .....! ” એકાએક મહારાજ અટકયા. બોલતા-બોલતાં જ તેમની આંખો પહોળી થઇ અને દુનિયાભરનું આશ્ચર્ય તેમનાં ચહેરા ઉપર ઉતરી આવ્યું.

“ હે ભગવાન...! મને તારા પ્રશ્નો સમજાય છે ઇશાન. આ મને પહેલા કેમ ન સમજાયું. તું શું પુછવા માંગે છે એ મને હવે ખ્યાલ આવે છે. હે મારા પ્રભુ....હે ઇશ્વર....” જે તેમને સમજાતું હતું તેનાથી તેઓ થડકી ઉઠયા હતાં.

“ જો આપને સમજાયું હોય તો આજનો એ પ્રસંગ કોઇ પણ ભોગે રોકો. જો નગરનાં પ્રતિષ્ઠિત બુઝૂર્ગોનાં પુતળાઓનું અનાવરણ આજે થશે તો આ નગરનો સર્વનાશ થશે. એક ભૂકંપ આવશે જેની લપેટમાં આ નગર તબાહ થઇ જશે. ગમે તે ભોગે એ કાર્યક્રમ બંધ રહે એવું કરવું પડશે. ”

“ કોશીષ કરીએ. પણ...હવે ઘણુ મોડુ થઇ ગયું હોય એવું મારું મન કહે છે. હવે એ મૂર્તિઓનું સન્માન થાય કે ન થાય, તેનાથી કોઇ ફરક પડશે એવું મને નથી લાગતું. જે શક્તિઓ નગર ઉપર આફત બનીને મંડરાઇ રહી છે એ હવે ખાલી હાથે તો પાછી નહી જ જાય. જે તબાહી મચવાની છે એ તો મચશે જ. આપણો પ્રયત્ન એ રહેવો જોઇએ કે તેમાંથી જે લોકો બચી શકે તેમ હોય એ લોકોને સલામત રીતે બચાવી લેવાં. ”

“ અને તેનાં માટે શું કરવું જોઇએ....? ”

“ એ તું વિચાર ઇશાન. મને મારા કરતા તારી ઉપર વધુ ભરોસો છે. આ નગરને હવે તારી જરૂર છે. ” મહારાજ આંખો બંધ કરતા બોલ્યા..અને તેઓ ગહેરા વિચારમાં ખોવાઇ ગયાં.

( ક્રમશઃ )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED