મન મળે ત્યારે રે’વાય નહીં Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મન મળે ત્યારે રે’વાય નહીં

મન મળે ત્યારે રે’વાય નહીં

કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.
-અનિલ ચાવડા

રંભા અને ભદ્રા બંને નસીબથી દાઝેલી..એકે પતિ ખોયો કાર અકસ્માતે બીજીએ કેન્સર થી ખોયો. વળી બંને નાં મન ઉપર આધિપત્ય બીજાનું. તેથી મેળ કદી થાય જ નહીં સાથે રહેવાનું ને ભદ્રાનો ભાઇ સરખે હિસ્સે પોતાનો ભાગ ખર્ચાનો ના આપવા શીખવાડે અને સમજાવે કે આ કાળઝાળ મોંઘવારીમાં પૈસા હશે તો ઘડપણમાં કોઇ હાથ પક્ડશે.વળી તું તો એકલી જાત..રંભાનાં બે સંતાન.. તે તો મોટા થઇ જશે ત્યારે મા ને જાળવશે તને નહીં. જ્યારે રંભા ની બહેન તેને શીખવે કે ભદ્રા જેઠાણી છે મોટી છે અને પેટે કોઇ છે નહીં તો તારી દીકરીને તેની દીકરી ગણીને ખર્ચે છે તો ખર્ચવા દે ને? તને ય એટલી રાહતને?
એક દિવસ ભદ્રાના ભાઇએ ભદ્રાને શીખવાડ્યું કે ‘આંગળી થી નખ વેગળા એટલે વેગળા જ.” ખોટી કુટાઇ મરે છે રંભાની બે છોકરીઓ માટે...ઘરમાં ચાર જણા ખાનારા અને તારે ખર્ચાનો અડધો ભાગ આપવાનો? ભદ્રાનું આંતર મન બોલ્યું કે વાત તો ભાઇ તારી સાચી પણ તુ સમજતો નથી ભાઇ રંભા ઘર સંભાળે છે તેથી તો હું બે નોકરી કરી શકુ છુ ને? રંભા ને તેની બહેન કહે “ માંગને ઘર ખર્ચામાં ઘર રીપેરીંગનાં ખર્ચા.. દર વર્ષે કંઇ ને કંઇ ઘરમાં બગડે અને તેને સુધારવાના પૈસા તો તારી જેઠાણીએ આપવા જોઇએ ને? રંભાનું ય આંતરમન બોલ્યું.. ભાભી તો એકલા છે છતાય અડધો અડધ ખર્ચામાં ભાગ આપે છે ને? મારાથી સોના ની કટારી પેટે ના મરાય.
દિવાળી વખતે બોનસ આવ્યુ ત્યારે રંભાએ ભદ્રાને કહ્યું “ ભાભી આ વખતે ખર્ચો વધુ થાય છે તો મકાન નું રંગ કામ ના કરાવીયે તો?”
“ ના રે ના છોકરીઓ મોટી થાય છે તેમની બહેનપણીઓ આવતી હોય છે ત્યારે મકાન તો સારુ અને સુઘડ હોય તો તે સારુ જ છે, આવખતે બોનસમાં થી ઘર રંગાવી દઇશું.” અને ભદ્રાનો ભાઇ વંકાયો...જાણે તુ ઘર ની હેડ હોય તેમ મારા બોનસમાં થી ઘર રંગાવી દઇશુ કહી દીધુ” અને રંભાની બહેને તાળી દેતા કહ્યું” નસીબદાર છે રંભા!..ભલેને પતિ ના હોય.. પણ પતિ જેવી સંભાળ તો રાખે છે ને?”
મોટી દીકરીનાં વિવાહ થયા ત્યારે દાગીનો આપ્યો ત્યારે ફરી ભદ્રાનો ભાઇ વંકાયો....” જો ભદ્રા મારું કહ્યું તને યોગ્ય ના લાગતુ હોય તો તું જાણે અને તારી રંભા જાણે...પાંચસો એક નો ચાંદલો કરે તો ય દીપે તેને માટે ૨૫૦૦૦ રુપિયાનો દાગીનો લઇને તારા પગે તુ જ કુહાડો મારે છે હવે લગ્ન વખતે શું કરીશ?”
“ પણ ભાઇ રંભા ને અને મોટીને બેઉ ને સારુ લાગે તેથી કર્યુ...” તેનો જવાબ સાંભળી મોટી અને રંભાની બેન બેઉ મલક્યા...પણ રંભાને પહેલી વખત લાગ્યુ..ભાભીનો ભાઇ સાચુ જ કહે છે.”
તે દિવસે પાપડ વણતા વણતા રંભા બોલી “ભાભી!..મને લાગે છે બાવીસ વર્ષથી આપણે સાથે રહીયે છે..અને હજી આગળ પણ સાથે રહેવાનાં હોઇએ તો આપણી જે સમજણ છે તેને સરકારી મહોર મારી દઇએ તો?”
“ અલી કંઇ સમજાય તેવુ બોલને?”
“ જુઓ ભાભી..છોકરાવને તો પાંખો આવશે એટલે ઉડી જશે.. પછી આપણું શું?”
“એ તો મારો પ્રશ્ન છે...તારે તો છોકરાઓ છે.. મારે તો કોઇ જ નથી.. મારુ શું?”
“ આ ભયને ખાળવા ચાલો આપણે લગ્ન કરી લઇએ.”
“ શું ગાંડી થઇ છે?”
“ ના હું સાચુ કહુ છુ..આપણે બધી રીતે સરખા છીએ..આપણા સુખો સરખા છે આપણા દુઃખો સરખા છે તો પછી આપણી ભવિષ્યની ચિંતાઓને કેમ સાથે ન કરીયે?”
“ એટલે ભાભી આ બે નોકરીઓ ને કારણે તમે મશીન જેવા થઇ ગયા છો.તમને કશું થઇ જશે તો હું ધ્યાન રાખીશ અને જે મારુ અને તમારુ એમ બે છુટુ છે તે ભેગુ કરી દઇશુ તો તમારે પણ બહુ કામ નહિં કરવુ પડે. તમે કમાજો અને હું ઘર ચલાવીશ..તમે પતિ અને હું પત્ની...”
“અલી ગાંડી! સજાતિય લગ્ન ના થાય” “ ભાભી લગ્ન એ તો સમજણ છે. જાતિય સુખની ક્યાં આપણ ને પડી છે? આતો સહકાર અને મન મળ્યાની વાત છે.. “
ભદ્રા રંભાની સામે જોઇ રહી.. તેના હાથમાં નું પાપડનું ગુલ્લુ પીસાયા વીના અધુરુ રહી ગયુ. તે જોઇ રહી હતી કે રંભા જે કહી રહી હતી તે એક શક્ય સ્વપ્ન હતુ...બેઉ જણા ને જે અધુરપ લાગતી હતી તે પુરી થઇ જતી હતી અને સરકારી મહોર વાગી ગયા પછી ભાઇને કશું બોલવાનું રહેતુ નહોંતુ.. તેને હવે શું નાં પ્રશ્ન થી અકળાવાનું નહોંતુ..
તેણે વહાલથી રંભા સામે જોયુ અને રંભા હસી પડી..”હવે મોટી અને નાની પણ તમારી છે અને હું પણ તમારી અને તમે પણ અમારા બધાના...” “ પણ સમાજ સ્વિકારશે?”
“જુઓ દરેક નવી વાત સમાજ સ્વિકારતા અચકાતો હોય છે..તો આપણે ક્યાં ઢંઢેરો પીટવા જઇએ છે? લગ્ન ની વ્યાખ્યા શરીર સુખ પુરતી સીમિત સમજનારા ટુંકા દૃષ્ટિના સમાજ ને ક્યાં ખબર છે કે પાછલી ઉંમરે સંગાથ અને સાથી હોવાની અનુભૂતિ કેટલી મોટી ઘટના છે.અને એ આપણા જેવા જેઓએ નાની ઉંમરે પતિને ખોયા હોય તે લોકો જાણે.”
ભદ્રાના ભાઇ અને રંભાની બહેને જ્યારે આ જાણ્યું ત્યારે બંને બોલ્યા. મુર્ખા છે બંને. બંને કહેતા હતા અમને અમારા પગમાં જોડા ક્યાં ડંખે છે તેની ખબર તમને ક્યાંથી હોય? અમને અમારી ચિંતાઓ પણ હતી અને એક મેક્ની પણ ચિંતા હતી.”
મોટી ખુબ જ ખુશ હતી. તેને ચિંતા મમ્મી અને કાકીની કાયમ જ રહેતી. નાની તો જાણે કોર્ટમાં પરણી ગઇ હતી. મોટી હવે નિશ્ચિંત થઇને તેનો સંસાર માંડશે.બંને જમાઇને પહેલી વખત લાગ્યું કે હવે જવાબદારી સાથે સાથે વારસો પણ મળશે.
હિંદુ મેરેજ એક્ટ આવી બાબતે શું કહેશે તેની ચિંતા વિના બંને નાં સહિયારા જીવનની સમજણ ને સ્ટેંપ પેપર પર લખી કોર્ટમાં રજીસ્ટ્રેશન માટે ગયા ત્યારે સંમતિ થી થયેલા આ કરારને “લગ્ન”નું નામ ના આપી તેને “મૈત્રી કરાર” બનાવી કોર્ટે માન આપ્યુ ત્યારે બંને નાં હરખાતા ચહેરા એટલું તો કહેતા હતા કે જોડીઓ સ્વર્ગમાં જ નહીં આ ધરતી ઉપર પણ બની શકે છે.
જજ કહેતા હતા કે લગ્ન ની સ્થૂળ વ્યાખ્યા તમે બંનેએ બદલીને ‘સમજણ” નું નવુ નામ આપ્યુ તે બદલ ઝાઝેરા અભિનંદન. કેટલાક ચુસ્ત માણસોએ નાકનું ટેરવુ ચઢાવ્યું અને બબડ્યા પણ ખરા મનોરોગી છે બંને. કંઇ પતિ અને પત્ની સજાતિય હોય ખરા? અખબારોએ સાચી વાત જાણ્યા પછી આને સ્તુત્ય ઘટના કહી બીરદાવી. વળી વચોટીયા માણસોનાં ટુંકા દ્રષ્ટિબીંદુ ને વખોડ્યા. સમયનું ચક્ર ચાલ્યુ અને એ ચાલતા સમયનાં ચક્રમાં બે વિધવા મટી ગઇ અને બે સધવા જન્મી. ભદ્રાનો ભાઇ અને રંભાની બેન્નાં હાથ હેંઠા પડ્યા. એક મેક ની હુંફે આખી જિંદગી જશેનાં આનંદ સાથે...રેડીયો પર પાછળ થી કાવ્ય સંભળાતુ હતુ


માણસ છે ભાઇ માણસ છે, ક્યાં શું કરે તે કે’વાય નહી
માણસ છે ભાઇ માણસ છે,મન મળે ત્યારે રે’વાય નહી.

ગુજરાત ટાઇમ્સ માં પ્રસિધ્ધ