સાજનનું વ્હાલ Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાજનનું વ્હાલ

(૧) સાજન નું વહાલ-વિજય શાહ

“મને ખબર છે તું કશું બોલવાની જ નથી.”

તેં મારી સામે જરા મલકતા કહ્યું “ હું બોબડી નથી હં કે!”

“હા હવે સમજાયુ પણ આ શું હા અને ના માં ડોકુ હલાવીને જવાબ આપે છે?

કંઇ બોલે તો સમજાયને કે મારી સાથે વિવાહ થયો તે તને ગમ્યું તો છે ને?”

ફરીથી એ તીરછી નજર અને મીઠું અછડતું હાસ્ય.. જાણે કહેતી ના હોય કે મારા તો ભાગ્ય ફરી ગયા..

અરે બોલને કે “ મારા તો ભાગ્ય ફરી ગયા..”

“તમે સમજી જાવ છો તો પછી મારે શું બોલવાનું?”

“ચાલ હવે સ્કૂટર પર બેસ.. આપણે કમાટી બાગ ફરવા જઇએ.”

સ્કુટર ચાલુ કર્યુ અને તે પાછલી સીટ ઉપર બેઠી ત્યાં ફરીથી મેં કહ્યું

“આટલી દુર કેમ બેઠી?’

ધીમે રહી તેણે ખભે હાથ મુક્યો અને મેં ફરી થી કહ્યું

“એમ નહીં મારું પેટ પકડીને નજીક બેસ.. આપણે વિવાહ સંબંધે બંધાયેલા છે તેનો ઢંઢેરો પીટતા હોય ને તેમ..

યાર તું પણ જબરી શરમાયા કરે છે!”

“શરમ તો આવે ને?”

“શાની શરમ? વિવાહ થયા એટલે આપણને બધી જ છૂટ..”

“હાય હાય બા.. હજી તો આજે ચાંદલા થયા છે હું કંઇ એટલી બધી ફોરવર્ડ નથી!”

સ્કૂટર શરુ થાય છે ફતેહગંજ પાસે ક્વૉલીટી રેસ્ટૉરંટમાં સ્કૂટર અટકે છે.

સ્ટ્રૉબેરી અને કસાટા આઇસ્ક્રીમ નો ઑર્ડર થાય છે અને મેં કહ્યું

“તને ખબર છે આ સંવનનનો ગાળો આખી જિંદગી યાદ રહે તે માટે શું કરવાનું?”

“ હા પણ અકરાંતિયાની જેમ મીઠાઇ ખાધા નહિં કરવાની?”

“અરે વાહ! મારું “બકુલુ” તો બહું હોશિયારછે ને?”

“ તે લગન ના કર્યા હોય પણ જાનમાં તો ગયા હોઇએને?”

“ વાહ! તો પછી મને જણાવ કોની જાનમાં ગઈ હતી? અને શું કર્યુ હતુ?”

“આઇસક્રીમ ખાવાનો અને ખવડાવવાનો..”

“પછી?”

“સરસ મઝાનું ગીત ગાવાનું”

“બોલ કયુ ગીત ગાઇશ”

“તુમ મેરે મેં તેરી..પિયા જનમ જનમકી પ્યાસી પુજારન.”

એતો ઓફ બીટ ગીત છે કંઇ ધમાકેદાર ગીત ગાને યાર...

“દુનિયામે પ્યાર કી સબ કો જરુરત હૈ..

દીલ દે દીલ લે યેહી મુહોબત હૈ .

.કરલે પ્યાર કર લે... કર લે પ્યાર કર લે!”

મને તો બૉબીનું નું ગીત ગમે

“મેં શાયર તો નહીં મગર એ હસીના જબસે દેખા મૈને તુજકો... મુજકો શાયરી આ ગઈ.”

“ અરે વાહ! હું એટલી બધી ગમું છું?”

“ ગમે છે એટલે તો હા પાડી હતીને?’

“આઇસ્ક્રીમ પીગળે છે ચાલ તુ મારો કસાટા ખા અને હું તારો સ્ટ્રોબેરી...’.

“ના હું તને કસાટા ખવડાવુ અને તું મને સ્ટ્રોબેરી”

“વાહ! તુ ખુલી તો ખરી હં કે...”

“મનનાં માનેલા માણીગરની પાસે ખુલતા બહું વાર ના લાગે ”

“વાર લગાડવા દઉં તેવો હું નથીને”

“હા ગમતું હોય અને શરમ પણ આવે ત્યારે મન નો માણીગર જ શરમ ભાંગે.”

“ચાલ હવે આઇસક્રીમ તો પુરો થયો બીજી પ્લેટ ખાવી છે?”

“આઇસક્રીમની એક પ્લેટમાં હજીતો માંડ મોં પલળ્યુ છે.. હું તો ચાર પાંચ પ્લેટ ખાવાની છું”

“અહીંની ફ્રેંકી પણ સરસ આવે છે લસણ નો બહું છોછ ના હોય તો.”

.....................

“તું લુચ્ચુ લુચ્ચુ હસે છે એટલે હમણા તો આઇસક્રીમ જ ખાવો છે ખરુંને? ભલે કયો આઇસ્ક્રીમ ખાવો છે તે કહે’

“રાજભોગ અને કાજુ દ્રાક્ષ”

“પછી?”

“કેશર પિસ્તા અને માવા”

“બહુ જાડી ના થઇ જઇશ..કે મારે કાળો ડાઘીયો રાખવો પડે...”

“કાળો ડાઘીયો? કેમ?”

તારી પાછળ દોડાવું એટલે દોડી દોડીને તારું વધેલું શરીર ઉતરી જાયને..મેં આંખ મારતા કહ્યું

અને તેંણે ખોટો રડવાનો ઢોંગ શરુ કરી દીધો ‘ મને વાગી તેં જે આંખ મારી..”

અરે રે રે મારા બકુડા મેંતો એક આંખ મારી ત્યારે તારે બે આંખ સાથે મારવાની.. આમ રડવાનું નહીં... અને મેં બેઉં આંખ સાથે મચકારી તો બંધ થયેલી મારી આંખોને જોઇ તે ખુબ હસી... કલકલતા ઝરણાનાં નિનાદની જેમ...

ફ્રેંકી આવી સીસકારતા સીસકારતા ખાધી પછી પાછો લીચીનો આઇસક્રીમ ખાધો.. ખાતા ખાતા હૉઠ પર લાગેલો થોડો આઇસક્રીમ મેં નેપકીનથી લુછ્યો ત્યારે તે થોડું ક ગણ ગણી” છુ લેને દો નાજુક હોઠો કો...”

ત્યારે હું બોલ્યો હમણા તો તું ડાહી બની ને કહેતી હતીને કે અકરાંતીયાની જેમ... હં.. હં.. અને ફરીથી એ ચમકદાર આંખો અને સુંદર હાસ્ય .. હું ફરીથી ગણ ગણ્યો.. મેં કહી કવિ ન બન જાઉં તેરે પ્યારમેં ઓ કવિતા...

તે હસી..જાણે ચારે બાજુ પ્રેમનું સંગીત વાગી ઉઠ્યુ..પક્ષીનો કલરવ સંભળાઇ રહ્યો ધીમે ધીમે મૃદંગ અને શરણાઇ ગુંજી રહી હતી અને એકદમ તે મને બાઝી પડી...મારા મનમાં વાગતુ સંગીત તાલબધ્ધ થતા તેના ઉરનાં ધબકારા હું ઝીલી રહ્યો...આ મારી લાખેણી ઘડી હતી.. ત્યાં તો તેની આંખોમાં આંસુ ઉભરાયા..મને હવે પીયર પાછું નથી જવું..મને લઇ જા રાજા મારા મને લઇ જા...મેં ધીમે થી ગજવામાંથી એક લોલી પૉપ આપી અને કહ્યું આ ચગળતી ચગળતી મારા સાસરે પહોંચી જા .. આજે છુટા નહીં પડીયે... થોડુંક નહીં તડપીયે તો આવતા રવીવારે મળવાની મઝા કેમ આવશે...તને ખબર છે ને રસનાં તો આચમન હોય.. ઘુંટડા ના હોય

સ્કૂટર પર બેસતા ફરી કહેવું ના પડ્યું “કેમ દુર બેઠી.?.” પણ ગમશે નહીં નાં નિઃસાસા સાથે બસ સ્ટેંડ ઉપર લગભગ રડતી જતી હતી..બીજા દિવસે એક પત્ર લખ્યો..

“નાનકુડી બકુડી પહોંચી ગઈ?

ગુરુવારે પાછો જવાબ આવ્યો પુરા દસ પાના ભરીને.. દેખાયુ હતુ કે પ્રેમ પત્રો લખવાની ચોપડીમાં થી સારા અક્ષરે કોપી કરી હતીપણ છેલ્લા પાને લખ્યુ હતું

“ગમતુ નથી સાજન મારા મને લઇ જા.

મને એક એક પળ યાદ છે.

હવે લાંબો જવાબ લખજે ઘણાં પાના ભરીને લખજે

. હું મલકતો હતો અને નજર સામે પેડ પડ્યુ હતુ બે ઇંચ પહોળુ પણ પાંચ ફૂટ લાંબુ લચક તેનાં સમચોરસ ટુકડા કરી તેના પ્રેમ પત્રને ભરી પુરીને કોપી કર્યો અને છેલ્લે પાને લખ્યુ.. સાજન લાંબો પત્ર તેં કહ્યો તેમ લખ્યો પણ તુ તો છેલ્લી બે લીટીમાં જ હતી.. અને એ છેલ્લી બે લીટી એટલે

નાજુકડી નવલી નાગરવેલનું તું પાન

તને પણ ઘણું ઘણું તારા સાજન નું વહાલ