Nyay books and stories free download online pdf in Gujarati

ન્યાય

ન્યાય

વિજય શાહ

સવારનું છાપું ખોલતાજ અક્ષયે આધાત અનુભવ્યો એની સાળી કલ્પના ની હત્યા થઈ હતી. એનાં સાસરીયા ને જેલમાં મોકલ્યા હતા સનસનાટી મચી ગઈ હતી. કલ્પનાં આમતો બધીજ રીતે દોમ દોમ સાયબીમાં હતી. પછી અચાનક આ પગલું કેમ લીધું. પુરી માહિતી વાંચતા પહેલાતો વિભા એ રડારોડ કરી મુકી – એ અમોલ માવડીયો હતો અને એની માની ચઢવાણીથી જ આ બન્યું છે… ઓ મારી કલ્પુ રે…..

આજુબીજુ ના પડોશી ભેગાથાય તે પહેલા અક્ષયે વિભાને સંભાળી – બેગ તૈયાર કરાવી કલ્પનાના સાસરીયે જવા તૈયાર કરાવી. રડમસ ચહેરે – કલ્પનાને યાદ કરતી વિભા રીક્ષામાં બેસતાં ફરી રડી પડી. પડોશ ના કાંતાબેન પુછવા આવ્યા શું થયું વિભાબેન…. પણ ઓ મારી કલ્પુને મારી નાખી રે…. કહી ને પોક મુકી વિભાએ રડવાનું શરુ કરી દીધું. ઘર સંભાળવાની તાકીદ કરીને અક્ષયે રીક્ષાવાળાને રીક્ષા ચલાવવાનું કહ્યું.

શાંત પાણી માં કાંકરો પડે ને જેમ એક પછી એક તરંગો વહેતા જાય તેમ છાપુ વાંચીને અને કાંતાબેન ના પ્રત્યક્ષ વર્ણનથી સોસાયટી માં વાત વહેલા માંડી – વિભાબેનની બેન કલ્પના નું ખુન થયું. અમોલતો માવડીયો હતો. એનું ઘરમાં કશું ઉપજતું નહોતું. થયો હશે કંઈક ટંટો અને આવેશમાં આવીને રહેંસી નાખી હશે. પાછા ડાહ્યા થઈને એમ કહે છે કલ્પના એ આત્મ હત્યા કરી છે. શો કળજુગ આવ્યો છે. ધાર્યું ન થાય તો જીવજ લેવાનો…. એની નણંદો પણ જબરી હતી – પાછી કમાતી ધમાતી તેથી કલ્પનીનો જાણે ગુલામ – ભાભી આ આપોને ભાભી તે કરો. અમોલ થી નાનો કમલ અને એનાથી નાનો નયન – રીટાયર્ડ હેડમાસ્તર સસરા અને જમાદાર સાસુ – આટલા બધાની વચ્ચે એક માવડીયા પતિની પત્ની ટકે તો પણ કેટલુ ટકે હૈં?

આતો એક દિ’ થવાનું જ. ચુસ્ત અને પ્રખર થાળીમાં ભાતમાં અગીયાર કોળીયા જ લેવાનાં થોડો ઓછો પણ ભાત ના ચાલે અને થોડો વધુ પણ નહીં. જો ઓછો વધતો થઈ ગયો તો આવી જ બન્યું ને… સાસુ ને ડાયાબીટીસ એટલે ગણપણ વિનાનું ખાવાનું કરવાનું. મોટી નણંદને દમનું દરદ એટલે એની રસોઈ તેલ વિનાની કરવાની અને નાના બે દિયરો ખાવાનાં એટલા શોખીન કે ઘર તો જાણે હોટેલ હોય તેમ રોજની નવી નવી વાનગીઓ બનાવીને ખાવા જોઈએ. ખાનાર આઠ. રસોઈ ચાર અને કરનાર એક…. કેમ કે વહુ આવે એટલે ઘર ચલાવવાનું તો કામ એનુ ને? દિકરીઓ નોકરી કરીને આવે એટલે થાકે – અને સાસુ અલીબુન – કલીબુન કરવામાંથી પરવારે ત્યારે રાંધેને… વાતોના વમળો ફેલાતા ગયા.

અક્ષયની ઓફીસમાં સ્ટાફ પણ આમ વિચારતો હતો. વિભાની ઓટલા બેઠકમાં પણ કલ્પના અને તેની સાસરી ચર્ચાતી હતી.

બે કલાકે ટેક્ષીમાં રડતી કકલતી વિભા જયારે હોસ્પીટલમાં પહોંચી ત્યારે વૃધ્ધ માતા પિતા અને નાનો ભાઇ પ્રદિપ કલ્પના ના મૃતદેહ ની હોસ્પીટલમાંથી પોષ્ટમોર્ટમ થયા પછી આવવાની રાહ જોતાં હતાં – વિભાથી નાની અને કલ્પનાથી મોટી એમની ત્રીજીબેન રક્ષા ગાંડપણમાં આજ પ્રકારે સળગી મરી હતી. તે પ્રસંગે ને યાદ કરી એની માતા વિલાપ કરતી હતી – મારી રક્ષા ગઈ પછી એની પાછળ આવા અકાળ મોતે કલ્પના ગઈ… હં.. પ્રભુ આ શું થવા બેઠું છે. વૃધ્ધ રતીલાલ ની આંખો પણ રડતી હતી. એમનાં નાનાભાઈ એમને સાંત્વન આપતા હતા.

અક્ષયે – વિભાનાં નાનાભાઈ પ્રદિપને બાજુમાં લઈ જઈને પુછ્યું – શું બન્યું હતું.

પ્રદિપ બોલ્યો – કાલે રાતે દસ વાગે ફોન આવ્યો કલ્પનાં બેને ગળે ફાંસો ખાધો છે. એમને બચાવીને હોસ્પીટલમાં લઈ ગયા છે. સીરીયસ છે તમે ચાલો એટલે બા અને બાપુજી ને લઈને અને અહીં આવ્યા ત્યારે ખબર પડી કે બેન ખલાસ થઈ ગઈ હતી. સામેના પાડોશ માંથી કોઈએ ફરિયાદ કરી કે કલ્પનાં બેનનું મૃત્યુ શંકાસ્પદ છે તેથી પોલીસ તપાસ શરુ થઈ નહીંતર… બધુ ભેલાઈ જ જતે.

પણ બહેને આવેશમાં આવી જઈને તો આવું નહી કર્યું હોયને… શું અક્ષયકુમાર, તમે પણ આવુ બોલો છો.. ગળે ટુપો દઈને પહેલા મારી નાખી હશે. અને પછી બતાવવા ખાતર ગાળીયું લટકાવ્યું હશે… ખૈર… ચાલો જે થયું તે હવે બાપુજી અને બાને સંભાળવવાના છે. વિભાથી તો કંઈ થશે નહીં – તું હિંમત રાખજે. તમે પોલીસને શું સ્ટટમેંટ આપ્યું.

જે અમે સાંભળ્યું હતુ તે બધુજ કહ્યું છે. અમોલકુમાર નું ઘરમાં કંઇ ઉપજતું નહોતું – અને ઘરમાં એને સાસરીયા ત્રાસ દેતા હતા. પછી વધારે કંઈ… એમણે પુછ્યું તેટલું બધું કહ્યું એનાં સાસરીયા નું શું સ્ટટમેંટ છે. બધા એકજ સરખું ગાણું ગાય છે. મોટીબેન પીક્ચરમાંથી આવે પછી જમવાની વાત હતી. અમોલકુમારે ભુખ નથી કહી વાર્તાની ચોપડી વાંચવા બેઠો અને કલ્પું બહેન ઉપર ગયા. પછી અધો એક કલાક થયો. અને અમોલ કુમારે ઉપર જઈને જોયુ તો કલ્પુબેન લટકતા હતા. એમણે ઉતારી ને ડોક્ટરને બોલાવવા નાનાભાઈ ને મોકલ્યો. ડોક્ટર કેસ હાથમાં ના લીધો અને ટેક્ષી કરી હોસ્પીટલ માં લાવ્યા ઘરેથી ગોખીને જ લાવ્યા છે. એવું કોંસ્ટેબલ કહેતો હતો – પ્રદિપ એકલી કડવાશથી બોલ્યો.

ત્યાં મૃતદેહ બહાર આવ્યો – અને રડારોળ શરુ થઈ ગઈ – વિકૃત મોઢુ – આંખ અને જીભ બહાર નીકળી ગયેલી અને વાઢ કાપ થી ચાદરમાં લપેટેલા કલ્પનાના દેહને જોઈને અક્ષયને પણ કમકમીયા આવી ગયા. ઘરના બધાં હતાં છતાં હિંમત કરીને મૃતદેહનાં કાગળીયા પર સહી કરી અને સ્મશાને લઈ ગયા…. સળગતી ચિતામાં ધુમ્રસેરો બનીને ઉર્ધ્વગામી કલ્પના સ્વર્ગસ્થ બની ગઈ.

***

વિભા ના કુટુંબની આ લાક્ષાણિક્તા હતી. તેઓ અતિશય ભાવુક – લાગણીશીલ અને વધુ પડતાં વિચારો કરતા અને એથીજ ઘણી વખત છબરડા પણ થતાં. રક્ષાનું અસ્થિર મગજ થવાનું કારણ્ પણ આજ હતું. ઘણીજ ભાવુક અને નિર્મળ છોકરી હતી. પરંતુ એક દિવસ નાની વાતમાં એને ઓછુ આવી ગયું એનાં નિર્દોષ હાસ્યને રતીલાલે ટકોયું રક્ષા હવે તું ઉમર લાયક થઈ – આમ શેરીના છોકરાઓની વાતો સાંભળીને હસીયે ના…..

અને એકદમ ગંભીર બની ગઈ. એણે વિયાર્યું બાપુજીને અમારા ઉપર વિશ્વાસ નથી. અમને કઈ એવા સંસ્કાર આપ્યો છે. અમે કંઈ ભાગી જવાના હતા. અને શેરીના છોકરા તો ભાઈ કહેવાય… બાપુજી ને અમારા ઉપર વિશ્વાસ નથી. એને રડવું આવી જતાં રહી ગયું. એની વિચાર ધારાને એ કાબુમાં રાખવા જતા જતામાં તો ઘણી આગળ જતી રહી. એમને એમ થયું હશે, કે એમની દીકરી આડે રસ્તે ચઢી ગઈ. પછી દુખી થઈ ગઈ…. પછી પાછી આવી એમને નીચાજોણુ થયુ – નાની બેન કલ્પના અને પ્રદિપ ઉપર એમનાં છાંટા ઉડશે….. અરરર…. આ શું એમણે વિચાર્યુ.

રતીલાલને આ વાતની તો નોંધ સુધ્ધા પણ નહી પરંતુ એક દિવસ – એ ખડખડાટ હસી – પંદર દિવસ ના ગંભીર મૌન પછી…. ખડખડાટ હસતી રહી…. કારણ વગર મલકતી રહી ત્યારે ડોક્ટરો એ તેને ગાંડી જાહેર કરી દીધી – રતીલાલને જોઈને એ અચુક હસતી ખડખડાટ હસતી – જાણે કહેતી ન હોય… બાપુજી તમને તમારા લોહી ઉપર વિશ્વાસ નથી.

દવાની અસરો થતી – તો કયારેક હતા ત્યાં ના ત્યાંનો અનુભવ થતો.

બરોબર બે વર્ષે – ભર બપોરે તે કેરોસીન છાંટીને સળગી મરી – ત્યારે તે દુખદ્ પ્રકરણ નો પડધો શમ્યો. રતીલાલ કહેતા પણ ખરા છોકરી સાપ નો ભારો છે. જીરવાય પણ ના – અને સહેવાય પણ ના, ખરુ પુછો તો આ વધું પડતુ ભાવુક અને લાગણી શીલ હોવું અભિશાપ નથી?

***

અક્ષય અમોલને અને તેના કુટુંબને મળવા જવા જતો હતો – પણ તેનાં પગ અચકાતા હતા. તે દિવસે એક પત્રકાર તેને મળીને કંઈક વાત કઢાવવાનાં પ્રયત્નમાં હતો ત્યારે અક્ષયે એકદમ પુછ્યું – તમે અમોલને મળ્યા. એ શું કરે છે. શું કહે છે. પત્રકારે ઠંડા કલેજે કહ્યું – તમારે એ જાણવું હોય તો હું જરુર તમને કહીશ – પરંતુ તે પહેલા હું તમને કંઈક પુછવા માગું છું તે કહેશો.

હા જરુર – પણ મારે એમની બધી ઘટનાં સાંભળવી છે તે પહેલા કહો. જરુર કહીશ – પણ મને એ કહો બે એક મહીના પહેલા અમોલે તમને એની ટ્રાન્સ્ફર કરવવાની વાત કરેલી હા પછી શું થયું. તે તો મને ખબર નથી. તમે શું માનો છો – આ ખુન છે કે આત્મહત્યા.

મને કેવી રીતે સમજાય. તમારી સાસરી પક્ષે આને ખુન છે કે આત્મહત્યા તે સાબિત કરવા કે કરાવવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો તેથી પુછું છું. પોલીસ શું કહે છે. તે તો પોષ્ટમાર્ટમના રીપોર્ટ ઉપરથી ખબર પડશે. મારા સસરા રતીલાલ એકદમ સરળ અને નિખાલસ માણસ છે. તેથી અમને જે વહેવારીક લાગ્યું હશે તે કર્યું હશે. હાલતો અને મૃતદેહને અગ્નીદેહ દઈને આવ્યા છીએ તેથી – આ વાતની ચર્ચા નો દોર અટકાવીએ અને મૃતાત્માની શાંતિ માટે પ્રાર્થના કરીયે તો. …. પણ તમારે અમોલ ના પ્રત્યાધાતો જાણવા હતા ને. હા સાચા પ્રત્યાધાતો – કોઈપણ રંજાડ કે આડંબર વિનાનાં આપણે કાલે બેસીને આ વિશે ચર્ચા કરીયે તો. ભલે…

બીજે દિવસે રીપોર્ટરની તો જરુર જ ન પડી કારણ કે છાપું બધુ જ કહેતુ હતું. અમોલની વ્યથિત તસ્વીર – એનાં કુટુંબ ના દરેક દરેક જણને રીમાન્ડ ઉપર લેવાયા – લાઈ ડીરેક્ટર પાસે લઈ જવાયા. દરેકને ફેરવી ફેરવીને એકજ વાત કહી. વકીલો. પોલીસો.. અને પત્રકારોની ભાષામાં એ ખુન હતું. રતીલાલની જુબાની લેવાઈ નથી. અક્ષયની વાતોને મહત્વ અપાયું હતું. બદલી શામાટે કરાવવાનો હતો. પ્રદિપને નાની ઉંમર નો ગણી તેના આત્મહત્યા ની કે મૃત્યુની ઘટના ને નવા કાયદાઓ પ્રમાણે કડક પગલે લેવાતી હતી.

અમોલનાં પિતાજી ની હેડમાસ્તર તરીકેની કલંક રહીત કારકીર્દી – ઘરમાં સસરા કરતાં પણ વધુ કમાતી મોટીબહેન નું વર્ચસ્વ અને માવડીયા અમોલની બદલી કરવાની ચેષ્ટાએ વાતને ગુંચવી નાખી હતી. અર્ધા એને ખુન કોર્ટમાં સરકારી વકીલે જાત જાતની ઉલટ તપાસો લીધી. બદલી કરાવવાની ચેષ્ટા વિશે સંતોષકારક જવાબો ન અપાયા. અમોલની એકજ વાત હતી. તે નિર્દોષ હતો. તેને ખબર નથી. તેણે તો કલ્પનાને બચાવવાની કોશીષ કરી હતી.

રતીલાલને સરકારી વકીલે બહુ ઉસ્કેર્યો – તમારી છોકરી નો ખુની એમને એમ છટકી જશે – તમે કેસ કરો તમે એના વિરુધ્ધના પુરાવાઓ આપો. કંઈક કારણ આપો – પરંતુ રતીલાલે મચક ન આપી. જનાર જતુ રહ્યું છે હવે દાટેલા મડદા ઉખેડવાથી શું ફાયદો. વિભાની વાતો અને મારા સ્ટેટમેંટ થી પણ કેઈસને મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો પણ પાણીનું નામ ભૂ. પોષ્ટમોર્ટમનો રીપોર્ટ ફક્ત એટલુજ કહેતો હતો કે શ્ર્વાસનળી પરના દબાણને કારણે મૃત્યુ થયુ છે – વધુ ફોરેન્સીક રીપોર્ટ ઉપર રાહ જોવાની હતી.

***

અમૃતભાઈ હેડમાસ્તર તરીકે સરળ અને ભીરુ ગણાતા હતા. જેલના સળીયા પાછળ ચાર દિવસ અને ચાર રાત કાઢ્યા પછી એમની ઉંમર અચાનક વધીને 80 જેવી લાગતી હતી. તે નવરા વિચારતા હતા.

આ છોકરી મારા ધોળા માં ધુળ નાખી. મારી છેલ્લા વરસોની આબરુ ધુળમાં મેળવી દીધી. હવે પાછળ કમલ અને નયન નું શું થશે. તેનાથી પણ આગળ આ છોકરીઓનું શું થશે. તેમની નોકરી તો જતી રહેશે. અને એનાથી આગળ મારો અમોલ…. ફાંસી થશે. આજીવન કેદ. બાઈ ડોક્ટરનો રીપોર્ટ શું હશે. મારુ કુટુંબ ખેદાન મેદાન કરી નાંખ્યું. ઓ છોકરી આતેં શું કર્યું. આંખમાંથી ટપ ટપ સરતા આંસુ એક અસહ્ય વેદના.. કશું ન કરી શકવાની બેચેની, અને લાચારીના પ્રતિબિંબ સ્વરુપ હતાં. અમોલ જુદી કોટડીમાં હતો. કમલ અને નયન અમૃતલાલની સાથે હતા. દરેકના ઉપરનો આરોપ જુદો જુદો હતો. અમોલની મમ્મી કેસરબેન તથા બેનો અવંતીકા અને કામીની પણ જુદી જુદી જગ્યાએ હતા. અવંતિકા સૌથી મોટી – અને અમૃતલાલની લાડકી હતી. મોટીબેન હતી ચકોર અને શિસ્તની આગ્રહી મોટી હોવાને કારણે નાનાબધાં ભાડુઓ ઉપરનું વર્ચસ્વ એનું જબરજસ્ત હતું અને અમૃતભાઇ પણ એને માનતા. નોકરી કરતી – અને ઘરમાં દિકરો બનીને રહેતી. એને પગલે કામીની ને પણ નોકરી મળી – અને અમોલ પણ એનીજ લાગવગે નોકરીમાં સ્થિર થયો.

***

તે શનિવારે અધો દિવસની નોકરી કરીને અવંતિકા અને કામિનિ ઘરે આવ્યા. નજીકની ટોકીઝમાં કામિનિના ફેવરાઈટ હીરોનું ફીલ્મ લાગ્યું હતું. તેથી થોડોક આરામ કરીને ભાભીને જમવાનું બનાવવાનું મેનું કહીને બે બેનો અને નાનો નયન તે ફીલ્મ જોવા નીકળી ગયા. છ થી નવનો શો હતો. કેસર અને અમૃતલાલ મંદિરે ગયા હતા કમલ મિત્રોમાં નીચે શેરીમાં ટોળ ટપ્પા કરતો હતો. અને થાકેલો અમોલ ઘરે આવ્યો.

ઘર સુમસામ હતું. કલ્પના એકલી ભાખરી વણતી હતી. અમોલે લાડથી પુછ્યું. કેમ કલ્પુ. આજે ઘર સુમસામ છે. ખિન્ન વંદને કલ્પના એ કહ્યું – “અમોલ ઘરમાં હું તો કામવાળી માત્ર છું મને ઘરની શું ખબર?”.

“કેમ આવુ બોલે છે?.”

“ તો શું બોલું. પારકી છોકરીને આણીને દુખીજ કરવાની ને”.

” અરે, એવુ તે કંઇ હોતું હશે.”

“ મોટીબેન અને કામીનીબેન પીક્ચરમાં ગયા. મને સહેજ મદદ કરીને એટલુ યે પુછ્યું હોત કે ભાભી તમે પણ ચાલોને. તો પણ કંઈ હું એ લોકોની સાથે જવાની ન હોતી અને જાત તો પણ ખોટું શું હતું?. ઘર હતુ બધા હળી મળીને રહે આનંદ પણ કરે. પણ ભાભી. આજે મારે શનીવાર છે ફરાળી નાસ્તો બનાવી રાખજો. અને મોટીબેન માટે ગરમા ગરમ ખીચડી હશે.”

“ચાલ એવું તો ચાલ્યાજ કરવાનું. આપણે કાલે જઈશું. નારે, કાલે તમને ઘરમાંથી કંઈ એમ કોઈ છોડવાનું નથી”.

” જો કલ્પુ – સંયુક્ત કુટુંબમાં આપણી અનુકુળતા તો ના જ ચાલે ને?.”

“આખા ઘરમાં બધાની અનુકુળતા ચાલે એક મારી જ અનુકુળતા ના ચાલે – હવે તમને હું કેમ સમજાવું?”

“કલ્પના એમ આકળા થઈને તે ન ચાલે – તારા ઘર કરતા અહી નું વાતાવરણ જુદુ છે એટલે તને તકલીફ થાય તે સ્વાભાવિક છે પરંતુ ધીમેધીમે સૌ સારાવાના થશે.”

“ તમારાથી શેક્યો પાપડ પણ ભંગાવાનો નથી. કાલે સવારે પુછશો અને મમ્મી કહેશે મોટીબેન ને પુછ અને મોટીબેન કહેશે – ના એટલે – ચુપ થઈને બેસી જશો.”

“અરે પણ કાલ સવાર તો પડવા દે. એના અત્યારથી વિચારો શું કામ કરે છે.”

“ આતો રોજનું છે તમને હું કયા પરણી. મેં તો શું ધાર્યુ હતું ને કેવા નિકળ્યા તમે.”

“ શું ધાર્યુ હતુ તેં?’

“ઘરમાં મોટા દિકરા તરીકે તમારું વર્ચસ્વ હશે – પણ તમારી તો દશા જુદી છે. માને પુછયા વિના પાણી પણ નથી પીતા.”

“કલ્પના તું વધુ પડતું વિચારે છે. વધુ તો તને શું કહું હું સમજુ છું તને તકલીફ પડે છે પણ…… પણ હું કંઈ કરી શકુ તેમ નથી – માને પુછવા વિના….”

“ સાવ માવડીયા છો – અમોલ તમારે તો પરણવુંજ ન જોઈએ…..૘

“ભલે” – વધુ ગુસ્સો આવે અને કંઈક વધુ વાત વણસે તે પહેલા અમોલ નીચે ઉતરી ગયો. આઠ સાડા આઠે પાછો ફર્યો ત્યારે તેને લાગ્યું કલ્પના વિચારોમાં મગ્ન હતી – એનાં બાપુજી આગલા રુમમાં બેસીને છાપું વાંચતા હતા.

અમોલ ને જોઈને કેસર બોલી – “પાછું આજે વચક્યું છે. ખરુ છે આ ગામડાનું ડોબું – આટલું સમજાવીએ છે છતા – સુધરતુંજ નથી”

અમોલ મનમાં સમસમી ગયો – એને બોલવાનું મન તો થઈ ગયું. એ ડોબું નથી. તમે નવા નવા સાસુ છો – અને વધુ પડતા સાસુપણાથી દબાવો છો – પણ કટુતા વ્યક્ત થવા દીધા સિવાય શિષ્ટાચાર થી એટલુ જ બોલ્યો. “સૌ સારા વાના થશે. એને થોડો સમયતો આપો.”

અમૃતલાલ ને આ ન સમજાયું. “શું ધુળ સમય આપે. તેજી ને ટકોરો અને ગધેડાને ડફણા – આ બીજી કક્ષામાં છે…..” બીજો ચાબખો – અમોલ આદત પ્રમાણે સહી ગયો. એ વારંવાર સમજાવતો – કલ્પના પણ એની દરેક સમજાવટો માં એની બુધ્ધિ વાપરતી તેથી ધાર્યું પરિણામ આવતુ નહીં….

ત્યાં કલ્પના આવી. એને પુછ્યું – “થાળી પીરસું.?”

ઉધ્વિગ્ન મને અને ચચરાટી સાથે અમોલે કહી દીધુ –“ હમણાં નહી મોટીબેન આવે પછી બેસીશું…..

એલર્જી થાય તેવી વસ્તુ જ વારંવાર ખવાય તો જેમ એલર્જી વધી જાય તેમ – અચાનક જ મોટીબેનની વાતના સંદર્ભ થી કલ્પના સુધ્ધ થઈ ગઈ. અમોલ નવલકથા લઈને તે વાંચવામાં મન પરોવી રહ્યો હતો. એનાથી મા બાપની આ ટકોર સહન થતી ન હોતીં. આખરે કલ્પના તેની પત્ની હતી. તેનાં વિશે ઘસાતું બોલાયતે તેનાથી સહન થતું ન હોતું. પણ એ શું કરે?. અંદર બળવો કરવાની હિંમત ભેગી કરતો હતો. પણ સમય આવે ત્યારે…. તેણે વિચાર્યું. બદલી ની અરજી આપી દીધી હોત તો ઠીક વાત…..

આ બાજુ કલ્પના ના મનમાં ક્રોધ જવાળામુખી બની ને ફાટ્યો હતો…. ઘરમાં બધાનું ચાલે – એક મારું નહીં. અમોલ પણ હુકમ કરે. તે મને ન સમજે તે ચાલે?. એણે મારી સાથે જમવું જોઈએ ને. એને આટલું સમજાવું છું છતાંય તેને એનુ ઘર દેખાય છે – મા – મોટીબેન – કુંટુંબ – કુંટુંબ – કુટુંબજ વહાલું હતું તો મને પરણ્યો શું કામ. માવડીયા આવા માણસ સાથે જિંદગી કેમ કઢાય. કાલે ઉઠીને એનું કુટુંબ કહે કે, કાઢી મુક આને – મારી નાંખ આને – તો. એક જણ નહી પાંચ જણા બકરાને કુતરુ કહે તો – બકરું કુતરું બની જાય એવો ન્યાય છે આતો.

માનો કે ન માનો – અહીં તો શરણે થાવ – અથવા કપાઈ જાય જેવો ન્યાય છે – એમનું કહ્યું ના માને એટલે ગામડાનું ડોબું અને ગધેડું.

એને રડવાની ઈચ્છા થઈ આવી – પણ રડાયું નહીં. આ જિંદગી પ્રત્યે એકદમ નફરત થઈ આવી. એને એના ઘરે જતા રહેવાની ઈચ્છા થઈ આવી, પછી પાછી પડી. એ આશરે કેટલા દિવસ. ફરી પાછુ અહીંજ આવવાનું ને આજ નરકમા ને? એના કરતા ચાલ રે જીવ. જીંદગીની કેદમાંથી જ મુક્તિ મેળવી લઈ એ…..

એણે ઉપરની ઈસ ઉપર સાડીનો છેડો નાખ્યો અને ગાંઠ બાંધી.

નીચે રેડીયો મોટો થયો. કમલનું કોઈક ડીસ્કો નું ગીત આવતું હતું. અને કલ્પના ના ઉંહકારા ડચકાકા એ ડીસ્કોનાં ધુમધાંય માં દબાઈ ગયા…. સામી બારી એથી અશ્વીને ચીસ પાડી પણ….. ત્યાં સુધીમાં તો અમોલ ઉપર આવી ચુક્યો હતો…. પછી ઘરમાં સ્મશાન વત શાંતિ પથરાઇ ગઈ. બારણાં ભીડાઈ ચુક્યા હતા. અમૃતલાલ કેસર, અવંતીકા કામીની – કમલ – નયન અમોલ બધા ગુમસુમ મૃત કલ્પના ને જોતા હતા. આંખો માંથી ધિક્કાર અને ગુસ્સો નીકળતો હતો. અમોલ રડમસ બનીને કલ્પનાની ઉતાવળ ઉપર આંસુ સારતો હતો.

બનવાકાળ બની ગયું હતું. હવે બચવાની જીજીવિષા જોર કરતી હતી. કમલને ડોક્ટર ને બોલાવવા મોકલ્યો. બધુ સીધું પાર ઉતરી જાય તેવા મનમાં તાણા વાણા શરુ થઈ ગયા.

અશ્વીને નીચે જઈને જોર જોરથી બુમો પાડી ઉપર કલ્પના ને મારી નાખી છે. મારી નાખી છે. ઘર બહાર મોટું ટોળું વળી ગયું. અવંતિકા ને પહેલીવાર અફસોસ થયો. પડોશી જોડે ગુસ્તાખી કરવાનો – એણે અશ્ર્વીન વિશે ગમે તેમ બોલી ને તેનો વિવાહ થતો અટકાવ્યો હતો.

અમોલને વધુ નવ દિવસના રીમાન્ડ ઉપર લેવાયો આગોતરા જામિનોથી કામિની, અવંતિકા તથા નયન છુટી ગયા પરંતુ ઘરના સમયે ઘરમાં હાજર ચારે જણાની કેદ લંબાતી ગઈ. વકીલો – જેલરો – પોલીસો – ની આંખોમાં રહેલી કરડાકી તેમને વારંવાર ખુની હોવાનો અહેસાસ કરાવતાં હતા.

અમોલ ને તેની કાયરતા ઉપર ધીક્કાર છુટતો હતો. અને સાથે સાથે કલ્પનાના અવિચારીપણા ઉપર પણ નફરત થતી હતી. એણે જરુર બા અને બાપુજીની ચર્ચા સાંભળી હશે. લોખંડ ગરમ તો હતુ જ અને પાછા આ લોકોના શબ્દો ઘણ કરતા સહેજ ઉતરે નહીં – પણ હવે શું?. આતો દરેક ને પોત પોતાના કર્મોની સજા મળે છે ભાઈ. તેનું મન ઉધ્વીગ્નતાથી બોલ્યું – પતિ તરીકે પત્નીનું રક્ષણ કરવું એ તારી ફરજ છે. જેમ પુત્ર અને ભાઈ તરીકે ની કુટુંબ પ્રત્યે તારી ફરજ છે તેમજ…. એની નજર સમક્ષ હસતી કલ્પના…. સંવનન કરતી કલ્પના… અને છેલ્લે રડતી, ભારે હૈયે સમજાવવાની મથામણ કરતી કલ્પના ઉભી થતી ગઈ. અને એ ધ્રુસકેને ધ્રુસકે રડતો રહ્યો…

અમૃતલાલ એની આચાર સહીતામાં જ મગ્ન હતા તે કલ્પના ને દોષીત ઠરાવતાં હતાં. પોતાના ઉપર આવી પડેલી આફતો માટે જવાબદાર કલ્પના હતી – પરંતુ તેમના હ્દય માં એક ભયનું લખલખું જરુર રહેતુ હતું – અને તે અવગતે ગયેલ કલ્પનાનું ભુત – એમને જીવવા નહી દે… ખડખડાટ હસતી કલ્પનાનો ચહેરો એમને ડરાવતો હયો. તે કહેતો હતો, અમૃતલાલ – માસ્તર થઈને શિસ્તના પાઠો શિખવ્યા – પણ દીવાતળે અધારું ખરુ ને. તમારા દિકરા દિકરી ઓને શિસ્ત ના પાઠ કેમ ન આપ્યા. એમને એકલાપેટા કેમ બનાવ્યા?. હું તો બીજી કક્ષામાં, કેમ, અને આપ?, જાતે બની બેઠેલા જજ, કેમ, ખરું ને? કદી વિયાર્યું કે આમ કરવામાં ન્યાય કયાં છે?.

કેસર ને પણ આવું જ થતુ હતું. સંતાનો પ્રત્યેનાં મોહમાં અંધ બનીને વહુ પ્રત્યે અન્યાય કરતી હતી તેનો અહેસાસ એને થઈ ગયો. જેવી કામીની તેવી કલ્પના તેવું વેવાણના મોઢે તો બહુ હેતથી બોલી હતી…. પણ પછી…. વહુ થઈને આવ્યા છો – કામ કરો – અમારી સાસુતો સહેજ ધણી તરફ ટુંકવા પણ ન હોતીં દેતી અને – તમે નતો – જુદું જોઈએ – કલ્પના એની સામે બોલતી તો નહી – પણ પાછું વળીને મોઢું બગાડતી, અને બબડતી તમારા વખતમાં ગાડાં જોડીને પીયરમાં જતાં અને હવે તો ચંદ્રમાં જવાનો સમય આવ્યો છે… કેસરની નજર સામે કલ્પના બા મને તમે અન્યાય કર્યો છે…. અન્યાય કર્યો છે. અને કેસરનું અજાગૃત મન એ વાત સાંભળી શરમથી ઝુકી જતું. એ વિચારતી – સાસુ થવામાં એણે પાછુ વળીને નથી જોયું. દિકરો મારો છે – તું મારા કહ્યામાં રહીશ તો જ મારો દિકરો તને મળશે – જેવી બાલીશ ચેષ્ટાઓમાં તે હતી – પહેલી વાર સાસુ બની હતી ને તેથી. અવંતિકા કે કામિનિ સાસરે ગઈ હોત અને એની સાસુ એને દુખ દેતી હોય ત્યાર પછી એને આ વર્તનને દુખ કહેવાય તેનું જ્ઞાન થયુ હોત….. પણ આતો હલકાને હવાલદારી મળી….

સરકારી વકીલ આત્મહત્યાને ખુનમાં ડરાવતા બહુ જ પ્રયત્નો કર્યા. અશ્વીન અને પડોશીઓની જુબાની અમૃતલાલ નો કડક શિસ્ત પ્રત્યેનાં આગ્રહો – કેશરના બીન જવાબદાર વહુને નકામી ઠેરવતા અભિપ્રાયો – અવંતિકા ની અને કામિની ની ઉધ્ધત વર્તણુંકો – અમોલનું માવડીયા પાણું – જેવી અનેક બાબતો તેમની વિરુધ્ધમાં હતી. ફોરેન્સીક નો રીપોર્ટ પણ મદદરુપ ન હોતો બચત પક્ષે કરેલા દરેક પ્રયત્નો તેમને ખુન કરવા અંગે કોઈ સબળ કારણ નથી એમ કહી મૃત્યુ દંડને બદલે આજીવન કેદની વાત દોહરાતું હતું. અક્ષય, રતીલાલ, પ્રદિપની વાતો નરોવા કુંજરોવા જેવી સાબિત થતી હતી. આ ટ્રાયલ દરમ્યાનમાં માનસિક ત્રાસો અસહ્ય હતા.

અમોલ ઉપર તાકી રહેતો. જજની ખરશી ઉપરનાં નેતાની તસ્વીરમાં કલ્પના વારંવાર ડોકાતી હતી. હસતી હતી અને અમોલને કહેતી હતી. મારા ભોળા રાજા…. આવ…. તને હું ઝખું છું. સમાજના કુટુંબના વળગણોથી દુર આવ અહીં આપણું સ્વર્ગ છે… અહીં ફક્ત હું છું અને તું છે… તારે આવવું પડશે. રાજા ભોળા રાજા, મારા રાજા…. આવ… આવ…. તને તારી કલ્પું બોલાવે છે. ચાલ્યો આવ… ચાલ્યો આવ.

જજમેંટ ના દિવસે જજે બધાને નિર્દોષ જાહેર કર્યા યોગ્ય પુરાવાઓને અભાવે તથા ખુન અંગે સબળ કારણનો અભાવ જોઈ તેમને છુટા કર્યા.

આજે પણ અમોલને આકાશની અટારીમાં કલ્પના દેખાય છે. પહેલા હસે છે – પછી ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. અમૃતલાલે રતીલાલની માફી માંગી – કેશર ને પક્ષપાત છે. અવંતિકા અને કામિની નોકરી કરે છે. પણ દિવસમાં બે વખત તો સાંભળે જ છે – ભાભી ની ખુની નણંદો, તમે જ કહો – ન્યાય બરોબર થયો ને ?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED