Vijaykumar Shah
vijaydshah09@gmail.com
ભગ્ન હૈયે પણ..
સાંજે ઘરે આવતાંની સાથે જ મમ્મીએ રડતા રડતા કહ્યું-
‘બેટા નિકુંજે વિવાહ તોડી નાખ્યો’ ડૂસકા ભરતા ભરતા એમણે નિકુંજનાં પપ્પાનો કાગળ હાથમાં આપ્યો.
ત્યાંજ પપ્પા બોલ્યા-’અરે તેને અંદર તો આવવા દે તે પહેલા જ તું…’ ભારે ભારે લાગતો તેમનો અવાજ… મમ્મીનું ડૂસકું…બે-ચાર ક્ષણ તો હું સ્તબ્ધ ઉભી રહી
” શું? મમ્મી, નિકુંજે… ના, ના… નિકુંજ એવું ના કરે… મમ્મી, નિકુંજ એવું ન કરે. શંકાથી મમ્મી સામે જોતાં જોતાં કાગળ ખોલવાની ચેષ્ટા કરું ત્યાં જ લાલુ બોલી ઉઠ્યો-
” ના મોટી બહેન તું તે કાગળ ના વાંચ તે કાગળ વાંચીને બધા રડ્યા કરે છે .તું રડીશ તો મને પણ રડવુ આવશે”
લાલુનાં કાલા કાલા અવાજ થી મારું રૂદન હું ખાળી ન શકી. લાલુને વળગીને હું ખુબ રડી..ઘરમાં બધા મને રડતી જોઇને રડતા હતા અને સૌએ મને રડવા દીધી. કોઇક સતત દુ:ખતા ગુમડાની જેમ નિકુંજ પણ મને દુ:ખ્યા કરતો હતો. એ મહોબતની જુઠી કહાની પર આંસુ સારતી મારી આંખો તંદ્રામાં કોઇકને જોઇ રડી હતી. કોને? કેમ?
અચાનક અમીય નજરમાં ઉભરાઇ આવ્યો. નિકુંજનાં દંભી પ્રણયથી છેતરાયેલુ હૈયું ફરી રડી પડ્યું લાલુ પણ મને રડતી જોઇને રડતો હતો.રડતા રડતા થાકીને આખરે તે સુઇ ગયો.તેને સુવાડી હું મારા રૂમમાં ચાલી ગઇ.
‘સ્નેહા ઓ સ્નેહા! બેટા સુઇ જા રાતનાં સાડા બાર થયા!’
‘સારુ મમ્મી’ કહી મેં લેંપ બુઝાવી દીધો. છત ઉપર પંખો ચાલતો હતો …તેના ફરતા પાંખીયા સામે જોતા અસ્પષ્ટ રીતે હું તંદ્રામાં નિકુંજ સાથે લઢતી હતી..ત્યાં અચાનક જમીન ઉપર કંઇક પડ્યુ હોય તેવો અવાજ થયો. ઝબકીને હું તરત ઉભી થઇ ગઇ…લાઇટ કરી અને જોયુ તો મારા ફોટાની ફ્રેમ બીલાડી એ પાડી નાખી હતી.તેનો કાચ તૂટી ગયો હતો. તૂટેલા કાચ પાછળની સ્નેહા હજુય હસતી હતી
‘સ્નેહા…! જે કદી કોઇને પ્રેમ આપી નથી શકતા તે પ્રેમ પામી પણ નથી શકતા’ અમિય મારી નજર સમક્ષ ખોડાઇ ગયો…ઋજુ અને મૃદુ રીતે બોલાયેલા એના આ શબ્દોઅત્યારે કેટલા સાચા હતા…? ખરેખર નિકુંજનો પ્રેમને હું ક્યાં પામી શકી હતીનિકુંજ…! કડવાશથી તેનુ મન ઉભરાઇ ગયું. તુટેલા કાચ પાછળ ની સ્નેહા હસવા માંડી… ‘કેટલી મુર્ખ હતી તું? ન સમજી શકી અમિયનાં પ્રેમને… અને ઠુકરાવી દીધો…કંચનને છોડીને કથીરને અપનાવ્યું…’ મનની આગ ઓર જોરમાં ભડકવા માંડી.’તેં અમિયનાં નિર્દોષ,મૌન અને અગાધ પ્રેમનો દ્રોહ કર્યો. તુ દ્રોહી છે. તેં અમિયનો દ્રોહ કર્યો તેથી નિકુંજે તારો દ્રોહ કર્યો…’
‘ઓહ! આજે મને આ શું થઇ રહ્યું છે?’ મનમાં આવતા વિચારોને ઝંઝોટી નાખતા હું ઉભી થઇ. પંખાની સ્પીડ વધારી દીધી….પરંતુ મનની આગ શાંત ના પડી.
મન અને હ્રદયની સાઠમારીમાં તે જાણે કોર્ટની ઉલટ તપાસની ભોગ બનતી હોય તેવુ તેને લાગ્યુ
‘સ્નેહા શું તુ અમિયને નહોંતી ચાહતી?’ હ્રદયે પ્રશ્ન પુછ્યો.ક્ષુબ્ધ મને મેં જવાબ આપ્યો …’હા.!’
‘તો પછી શા માટે તેના સ્નેહને તેં તરછોડ્યો?’
હ્રદય વધુ આવેગથી હાથ પછાડીને પુછતું હતું’ શામાટે?’
મારા મૌનથી કૃધ્ધ બનેલ હ્રદય આગળ પુછતું હતું ‘ તેના પ્રેમને તે દંભનું નામ નહોંતુ આપ્યું? બધાની સામે તે એક તરફી છે કહી હલકો નહોંતો પાડ્યો? શામાટે તેને બીચારો બનાવ્યો હતો સ્નેહા શામાટે?’
‘નિકુંજ માટે…’ કઠોર મને જવાબ આપ્યો.
‘નિકુંજ માટે?’ અરેરાટી અનુભવતું હ્રદય ફરી એક વખત તડપી ઉઠ્યું…
‘ શું આપ્યુ નિકુંજે…? આંસુ, બદનામી, દર્દ અને વ્યથા જ ને?
‘હા’
‘અમીયે તને શું આપ્યુ હતું?’
હ્રદયનાં આ વેધક પ્રશ્ન પાસે હું ઝંખવાઇ ગઇ..મારામન અને હ્રદય્નાં તૂમુલ યુધ્ધમાં હું મારી જાતને હારેલ અને નિષ્ફળ જોતી હતી..
અમીયે મને તેનો શુધ્ધ તુષાર સમ ધવલ અચ્યુત પ્રેમ આપ્યો હતો..કાવ્યો અને શુભ ભાવોનાં અર્ચનો દીધા હતા..આનંદ, હાસ્ય,સ્નેહસુખ અને સર્વ સુભગ દીધુ હતુ..
અમીય.. અમીય.. અમીય..મનમાંથી પોકારો ઉઠવા લાગ્યા.. કુદરતનો, વહેતા પવનનો, ખુલ્લા આકાશનો, વિહરતા પંખીનાં કલરવનો આશિક અમીય મારો પણ આશિક છેતે જ્યારે મેં જાણ્યું ત્યારે કેટલી પુલકીત હું થઇ ગઇ હતી?
તે સાંજનાં સમયે જ્યારે કોલેજની લોન પરથી પસાર થતી હતી ત્યારે બાજુમાં હલકી અવાજે ગણગણતો અવાજ સાંભળી હું અટકી અને કુતૂહલ વશ મેં તેની સામે જોયું.. તે અમિય હતો..પહેલીવાર મેં તેના ચહેરાને આટલી નજીક થી જોયો. તે કેનવાસ ઉપર કોઇ ચિત્રમાં રંગ ભરી રહ્યો હતો. મેં નજીક જઇને ચિત્ર જોયું તો તે મારું જ ચિત્ર હતું. કોઇક પાછ્ળ ઉભું છે તેવો આભાસ થતા તે પાછુ જોવા ફર્યો અને મને જોઇને તે સહેજ ખમચાયો પછી એજ મૃદુ અવાજમાં બોલ્યો-
‘સ્નેહા! તમારું જ ચિત્ર છે … ગમ્યું?’
‘ હા! ખુબ જ.’
શરમથી પાણી પાણી થઇ જતી હું બે શબ્દ બોલીને આગળ દોડી ગઇ… તે વખતે મારા પગમાં કોઇ રવ હતો ..કોઇ લય હતો..અસ્પ્ષ્ટ લાગણીઓનો ઉછાળ હતો…ખીલતી કળી પર ભ્રમરનો ગુંજારવ જે મધુરતા ભરી દે મધુરપને હું માણતી હતી..
‘આવો પ્રેમ તે જાતે ગુમાવ્યો છે સ્નેહા…ફરીથી હવે આવો પ્રેમ તને મળશે કે કેમ?
પ્રશ્નોનાં તરંગો વધુ રંજાડે તે પહેલા હું ઉભી થઇ ગઇ. પાણી પીધું અને સ્વસ્થ ચિત્તે જજનો મુખવટો પહેરી મન અને હ્રદયની દલીલો ઉપર વિચારવા બેઠી.
જો હું અમિયને ચાહતી હતી તો નિકુંજ તરફ કેમ આકર્ષાઇ? કાળી રાત આગળ વધતી હતી ઘડીયાળ રાતનાં અઢીનો કાંટો બતાવતો હતો.મારી નજરમાં પીકનીક આવી ગઇ..અમીય પ્રત્યેનો મારો અને મારા પ્રત્યેનો અમિયનો મૌન વાચા પામે તે પહેલા ..વાચાળ નિકુંજે મને જોઇ લીધી હતી. મારા મનનાં અંતરંગો જાનીને અમિય વિષે ધીમુ અને ખોટુ ઝેર મને આપતો ગયો અને એને જે પરિણામ જોઇતુ હતુ તે મલી ગયુ હું અમિયને ધિક્કરવા લાગી અને નિકંજ તરફ આકર્ષાતી ગઇ. અમીયનાં મને સમજાવવાનાં પ્રયત્નોને નિકુંજ ‘વલખા’ કહી ઠેકડી ઉડાડી ગયો અને મારા ખડ ખડાટ હાસ્યથી તે ઝંખવાઇને ચાલ્યો ગયો…નિકુંજે દસ મિત્રોની હાજરીમાં મને પુછ્યુ..
‘સ્નેહા એ તો કહે છે એને તારે માટે લાગણી છે પણ તું શું એને માટે લાગણી રાખે છે?’
‘ના મને એના માટે કંઇ નથી, તે તો એકતરફી છે’ અને તે અવાજ સાથે નિકુંજ ખડ્ખડાટ હસ્યો હતો…આહાસ્યનો પડઘો શમે ના શમે ત્યાં તો મારા મનોપ્રદેશમાંઅશ્રુથી છલ્કાતા ચહેરાવાળા ભ્ગ્ન હ્રદયી અમીયનો ચહેરો ઉભરાયો હું તેના વિચારે ચઢુ પહેલાતો નિકુંજે આવીને મને તાણી ગયો.. અને હું ચાવી દીધેલા પૂતળાની જેમ ચાલી ગઇ..અમીયને છોડીને ..અને ત્યારથી પતન શરુ થયું જેને હું ઉત્થાન માનતી હતી. અને પછી ..ઓહ!.. નિકુંજ સાથેનો તે વખતે ભવ્ય જણાતો ભૂતકાળ ઉભો થવા માંડ્યો…જેને હું ઉભો થવા દેવા નહોંતી માંગતી. હું પડખુ ફરીને ફરીથી સુવાનો પ્રયત્ન કરું છું. ઘડીયાળ ત્રણ નાં ટકોરા પાડતી હતીચંદ્ર ની શીતળ ચાંદની બારીમાંથી ડોકિયા કરતી હતી…તૂટેલા કાચનાં ટુકડા આ ચાંદનીમાં ચમકતા હતા…અમીયની યાદોની જેમ..નિકુંજ સાથેનાં કિલ્કિલાટ કરતા… અમીય સાથેની થોડીક આંખ મીંચામણી વધુ મીઠી હતી..પરંતુ તેની તુલના હું આજે કરતી હતી… જબ ચીડીયા ચુગ ગઇ ખેત…નિકુંજ સાથે વિવાહ થયા એ ઉત્થાનની? ના પતનની અંતિમ કક્ષા હતી. પરંતુ તોયે મારી આંખો ક્યાં ખુલી હતી?… વિવાહની પાર્ટીમાં અમીયને નિકુંજે આગ્રહ કરીને બોલાવ્યો….તે સાવ જ બદલાઇ ગયો હતો..મૌનની જગ્યા એ વાચાળતાએ સ્થાન લીધુ હતુ..તે ચંચળ અને બોલકો બની ગયો હતો પણ મને જોતો અને ક્ષણાર્ધ માટે ચુપ થઇ જતો. પછી એજ ધીંગા મસ્તી ચાલુ કરી દેતો..અત્યારે સમજાય છે કે તે અભિનય માત્ર હતો..તેના હ્રદય્માંતો ધગધગતો લાવા ભડકતો હતો કારણકે તે નિકુંજની ભ્રમરવૃત્તિથી વાકેફ હતો..તેથી તે દુ:ખી તો હતો જ..નિકુંજની ગેરહાજરીમાં મારી પાસે આવીને તેમૃદુ અને ઋજુ અવાજે બોલ્યો-
‘સ્નેહા કોઇ સ્નેહનો તંતુ તારી સાથે બંધાયો છે તેથી કહ્યા વિના રહી નથી શકતો જો તુ સાંભળે તો…’
‘શું’ રુક્ષ અને ઉપેક્ષિત અવાજ્થી સહેજ ગુંચવાયો..છતા બોલ્યો-
‘સ્નેહા! જે પ્રેમ આપી નથી શકતા તે પામી પણ નથી શકતા. અભિનંદન આપવાને બદલે તને ફીલોસોફી સમજાવવા માંડ્યો.. પણ..છતા..તેનો અવાજ ધીમો થતો ગયો. નિકુંજ દુરથી આવતો દેખાયો.. મેં રાહતનો દમ લીધો. અમીય આગળ બોલ્યો…’માનવીય ભ્રમર વૃત્તિથી કદાચ તારા હ્રદય સાથે તે મજાક કરી જાય તો વિના સંકોચે મારા દ્વારે આવી પહોંચજે… હું ભગ્ન હૈયે પણ તને અપનાવી લઇશ..’નિકુંજ નજીક આવી ગયો હતો અને એક્દમ આનંદીત સ્વરે તે બોલ્યો-
Hi Nikunj! lucky fellow.. many congratulations for successful half marraige!’
અને પછી ગોર મહારાજની અદા થી અષ્ટં પષ્ટં બોલી નિકુંજનાં માથા પર હાથ ધરીને બોલ્યો અષ્ટં પુત્રં ભવ…હાસ્યનો મોટો ગુબારો ઉઠ્યો.. બધા હસતા હતા અને મોટે અવાજે તેણે કહ્યુ
‘અરે નિકુંજ ગોર મહારાજનું દાપુ તો આપો…’ફરી હાસ્યનો ફુવારો છુટ્યો… આઇસ્ક્રીમની પ્લેટો વહેંચાતી હતી.હું પણ હસ્યા વિના ના રહી શકી…અત્યારે પણ તારા હોઠ મલકી રહ્યાં છે…અરિસામાં નજર પડતા જ હ્રદય બોલ્યું ‘ આ મલકાટની કેટલી મોંઘી કિંમત તેં ચુકવી છે તેની તો તને ખબર છેને?’
‘હા પણ હવે શું?’ કાળી રાતનાં ઓળા ઉતરતા હતા.દુર સુદુર પુર્વની અટારીએ પહોર ફાટી રહ્યુ હતુ અને હવે શું? નાં પ્રશ્ન નાં જવાબમાં અમીયનો ધીરો કર્ણપ્રિય અવાજ સ્પષ્ટ રીતે સંભળાવા માંડ્યો_
”માનવીય ભ્રમર વૃત્તિથી કદાચ તારા હ્રદય સાથે તે મજાક કરી જાય તો વિના સંકોચે મારા દ્વારે આવી પહોંચજે… હું ભગ્ન હૈયે પણ તને અપનાવી લઇશ..”
છેલ્લા પાંચ શબ્દો મારા હવે શું પ્રશ્નનો જવાબ હતા. ઉદ્વિગ્ન મન શાંત પડતુ હતુ.. મારા મનમાં આશાનો ઝબકારો થયો..કૂકડેકૂકનાં અવાજ સાથે સુરજનાં છડી દારે નવ પ્રભાત..નવ જીવન અને નવા આગમનની છડી પુકારી.. મારી આંખ ફરી છલકાઇ ગઇ.આ હર્ષનાં આંસુ હતા..અને એ આંસુને જોતો અમીય મને બોલાવતો હોય તેમ રેડીયા ઉપર ગીત ગુંજતુ હતુ..
તારો સે પ્યારે..દિલકે ઇરાદે
પ્યાસે હૈ અરમાં આ મેરે પ્યારે
આનાહી હોગા તુજે આનાહી હોગા