સાચ Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાચ

સાચ

ટુંકી વાર્તા

ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

દરવાજા પર કોઇએ જોરદાર ખખડાટ કર્યો હોય તેવો અવાજ આવ્યો. નરેશે ઉઠીને ઘડિયાળમાં જોયુ તો હજુ રાતના બે વાગ્યામાં પાંચ મિનિટની વાર હતી. તેણે ઘરનો મુખ્ય દરવાજો ખોલીને જોયુ તો કોઇ પણ ન હતુ. આજુબાજુ નજર ફેરવી તેણે દ્વાર બંધ કરી દીધુ. પોતાના મનનો વહેમ હશે એમ સમજી તે સુવાની તૈયારી કરવા લાગ્યો ત્યાં ફરી થોડીવાર બાદ કોઇ ફરીથી જોર જોરથી દરવાજો ખખડાવા લાગ્યુ તે સફાળો ઉઠીને બેઠો થઇ ગયો. તે ઉઠયો ત્યાં ફરીથી અવાજ બંધ થઇ ગયો. તેના હ્રદયના ધબકારા વધી ગયા. નરેશ કોઇ ડરપોક કે પોચો વ્યક્તિ ન હતો. તે તો આર્કિયોલોજિસ્ટ હતો. દક્ષિણ ગુજરાતના વેઢવા ગામના કોઇ ખેતરમાંથી પુરાતન મુર્તિઓ મળી તેવી ખબર મળતા તે આ નાનકડા ગામમાં છેલ્લા અઠવાડિયાથી આવ્યો હતો. સરપંચે તેને ગામથી દુર આ નાનકડુ તથા સુંદર મકાન રહેવા માટે આપ્યુ હતુ. મકાન નવુ અને સુંદર હતુ. તે દિવસ દરમિયાન ખોદકામ અને સંશોધન કાર્ય કરતો રહેતો. રાત્રે અને દિવસમાં ખાલી આરામ માટે જ ઘરે આવતો. સરપંચ તેને બે ટંકનું જમવાનુ સંશોધનના સ્થળે મોકલાવી દેતા હતા. ચા તો તે પોતાની રીતે બનાવી પી લેતો હતો. ખોદકામ દરમિયાન મળેલી મુર્તિઓ જેમાં એક મોટી સાઇઝની હતી જયારે બીજી બે કદમાં સાવ નાની નાની હતી. તે બધી મુર્તિઓ સંશોધન કરવા માટે ઘરે લાવ્યો હતો. છેલ્લા પાંચ દિવસથી રોજ વિચિત્ર અનુભવો તેને થવા લાગ્યા હતા. ફરી કોઇ દરવાજો ખખડાવા લાગ્યુ. નરેશે ફરીથી દરવાજો ખોલ્યો પરંતુ ત્યાં તો કોઇ જ ન હતુ. બહાર નીકળી આસપાસ બધે ટોર્ચ લઇને જોઇ આવ્યો. કોઇ તેની સાથે મજાક તો નથી કરી રહ્યુ ને! પરંતુ બહાર કોઇ પણ હતુ જ નહિ. તેની ઉંઘ સાવ ઉડી ગઇ. તેણે દરવાજો બંધ કરીને ઘરની બધી લાઇટો ઓન કરી દીધી. રસોડામાં જઇ મોં પર પાણીની છાલક મારી દીધી. માટલામાંથી કુદરતી ઠંડા પાણીનો ગ્લાસ ભરીને પી ગયો. હોલ, બેડરૂમ અને કિચનનુ એક નાનકડુ પરંતુ સુંદર મકાન હતુ. મકાનની બાંધણી પણ નવીન જ હતી. હજુ હમણાં થોડા સમય પહેલા બનાવેલુ હોય તેવુ લાગતુ હતુ અને ગામથી અડધો કિ.મી. જેટલુ જ દુર હતુ. આસપાસ ખેતરોની હરિયાળી હતી. મકાનની બહાર પણ સુંદર ફળોનો બગીચો હતો. કુદરતી સૌદર્ય વચ્ચે રહેલા અદભુત મકાનમાં કોઇ પણ રહેતુ ન હતુ અને પહેલા કોઇ રહેતુ હોય તેવા પણ અવશેષો નરેશને કયાંય દેખાતા ન હતા.

***

“સાહેબ, તમે સીમના મકાનમાં રહો છો ને?” “હા કેમ?” “પેલા પબાના નવા મકાનમાં?” “એ તો મને ખબર નથી. પરંતુ સરપંચે મને આપ્યુ તે નવુ જ સીમમાં રહેલુ મકાન છે. તુ કેમ પુછે છે?” “બસ કાંઇ નહિ. ખાલી ધ્યાન રાખજો ત્યાં?” બે દિવસ પહેલા જ ખેતરે સંશોધન વખતે ધાનો રબારી જે ત્યાં ઘેટા બકરા ચરાવવા આવતો હતો તેણે કહ્યુ હતુ. તે માટીમાં રહેલા અવશેષો જોવામાં મગ્ન હતો. આથી “હા” કહી વાત ટાળી દીધી હતી. તેને આવી બધી બાબતો પર બહુ ભરોસો ન હતો. આથી તેને આ વાત યાદ પણ ન હતી. તેને રોજ રોજ થતા આવા વિચિત્ર અનુભવોથી આજે વળી તે વાત યાદ આવી ગઇ. મકાન નવુ અને સુંદર હતુ છતાંય ગ્રામ્ય ઢબની છાંટ પણ હતી. હોલમાં સુતરણીથી વણેલો ખાટલો હતો. તેના પર બેસી નરેશ વિચારવા લાગ્યો. આ શુ તેનો ભ્રમ હતો કે ખરેખર કોઇ એવી શક્તિનુ આ દુનિયામાં અસ્તિત્વ છે? તેને પોતાની 25 વર્ષની જીંદગીમાં આવો કોઇ અનુભવ કયારેય કર્યો ન હતો. તેને ભય નહોતો લાગતો પરંતુ ધ્યાન ભંગ જરૂર થતુ હતુ. તેના મનમાં સવાર સુધી અનેક વિચારોએ આવન જાવન કરી લીધી. સવારે વહેલો ચા બનાવીને પીને પછી તે ખેતર તરફ ચાલી નીકળ્યો. ખુશનુમા સવાર હતી. સવારના છ વાગ્યે ખાસ્સુ અંધારુ હતુ. શિયાળાની ઠંડી સવાર હતી. તે ચાલતો ચાલતો અવેડા બાજુ ગયો કારણ કે તેને ખબર હતી કે ધાનો રબારી પોતાના ઘેટા બકરાને પાણી પીવડાવવા સવારે અવેડા પર આવતો હતો. હજુ થોડુ વહેલુ હતુ. પરંતુ લોકો ઘણા ત્યાં આવી ગયા હતા પોતાના પશુધનને લઇને. ધાનો રબારી ક્યાંય પણ દેખાતો ન હતો. નરેશ અવેડાથી થોડે દુર રહેલા પથ્થર પર બેસીને ધાનાની રાહ જોવા લાગ્યો. બહારના ખુલ્લા વાતાવરણમાં પુષ્કળ ઠંડી લાગી રહી હતી. સ્થાનિક લોકો તો મોટો ધાબળા જેવી ગરમ શાલો ઓઢીને આવ્યા હતા. સ્ત્રીઓ છાણ લેવા માટે સાથે જ આવી હતી. તેણે પણ ગરમ સ્વેટરની માથે શાલ પણ ઓઢી હતી. થોડીવાર થઇ એટલે મોઢામાં બીડી ફુંકતો ફુંકતો ઘેટા બકરાનુ ટોળુ લઇને ધાનો આવતો દેખાતો એટલે નરેશ પથ્થર પરથી ઉભો થઇ ગયો. “હુ, હે, કી, કી,” અવાજ કરતો બીડી ફુંકતો ફુંકતો ધાનો નજીક આવ્યો એટલે નરેશ તેની પાસે ગયો. ઘેટા બકરા ટોળા સાથે અવેડા તરફ જતા રહ્યા. “ધાના અહીં બેસ તારુ એક કામ છે.” “સાહેબ મારું કામ?” “હા બેસ અહી.” એક પથ્થર તરફ આંગળી ચીંધીને નરેશે કહ્યુ એટલે ધાનો તેના પર બેસી ગયો. “ધાના, તે દિવસે તુ કાંઇક મકાન વિશે કહેતો હતો. વાત શુ છે?” “મકાન, કેવુ મકાન સાહેબ?” “હુ રહુ છુ તે મકાનમાં તુ કાંઇક ધ્યાન રાખવાનુ કહેતો હતો.” “સાહેબ એ તો હુ ખાલી...........” “ધાના, હુ કાંઇ ડરતો નથી. મારે ખાલી થોડુ જાણવુ છે” “સાહેબ, તમને કોઇ અનુભવ થયો છે?” “હા, બસ તુ મને કહે કે શું છે એવુ?” “તમને શુ અનુભવ થયો ત્યાં?” “મને કાંઇ વિચિત્ર અવાજ સંભળાય છે. તુ મને કહેને શુ છે ત્યાં?” નરેશે ચિડાઇને કહ્યુ. “સાહેબ, તમને હુ કહુ છુ મકાન છોડીને જતા રહો.” “હુ કાંઇ બીકણ નથી. મને તુ મહેરબાની કરીને કહે શુ છે ત્યાં” “સાહેબ, મને કાંઇ ખબર નથી બહુ બસ બધા વાતો કરતા હોય કે” “શુ વાત કરતા હોય?” “તે મકાન શાપિત છે. કોઇ પણ ત્યાં રહી શકતુ નથી. તે મકાનમાં રહેનાર અને આસપાસ રહેનારાનો ભોગ લે છે.” “પણ શા માટે?” ‘ઇ મને ખબર ન પડે સાહેબ. હાલો હવે ઘેટા લઇ જવાનો ટાઇમ થઇ ગયો. હુ જાવ રામ રામ ભાઇ” “ઉભો રહે એક મિનિટ કેવો ભોગ અલ્યા?” ધાનો તો જાણે સાંભળ્યુ ન હોય તેમ જતો રહ્યો. તે દિવસે સામેથી બધુ કહેતો ધાનો આજે કાંઇક છુપાવી રહ્યો હતો. નરેશને જીજ્ઞાશા થઇ આવી શુ હશે એવુ? કે કોઇ તેને ચિડવવા અને હેરાન કરવા માટે કાંઇ કરે છે? આ બાબતે કોને પુછવુ તે વિચારતા સવારનો કોમળ તડકો તેના પર પડયો. થોડી ગરમાહટ મહેસુસ થઇ. તે સંશોધનના સ્થળે ગયો. હવે ત્યાં કાંઇ ખાસ મળે તેવી આશા ન હતી. તો પણ તે ઝીણવટપુર્વક પોતાના કામમાં ડુબી ગયો.

***

“રામ રામ ભાયા કેવુ ચાલે છે કામ?” બપોરે સરપંચ ખુદ ટિફિન આપવા આવ્યા ત્યારે તેના ખબર અંતર પુછતા કહ્યુ. “બસ હવે કામ પુરુ થવા આવ્યુ. મને લાગે છે કે આ મુર્તિઓ બહુ જુના જમાનાની છે. મારે તમને મળવા જ આવવુ હતુ કે હુ આ મુર્તિઓ મારી સાથે સંશોધન માટે લઇ જવા માંગુ છુ. તમે ગામ વતી પરવાનગી આપો તો?” “હા, હા, લઇ જજે એમાં વળી શુ પરવાનગી” “ના આ ગામની સંપત્તિ કહેવાય. એટલે પુછવુ તો પડે ને. તમને આટલા વર્ષો બાદ આની ખબર કેમ પડી?” “વર્ષોથી આ ખેતર પબાનુ હતુ. તે બધુ વેંચીને જતો રહ્યો એટલે સુવાએ સેઢે ઝાડ વાવવા ખોદ્યુ. તેમાં ખબર પડી. બાકી ખેતરના સેઢે શુ હોય તેની કેમ ભાળ મળે?” “પબો એટલે હુ જે મકાનમાં રહુ તેના માલિક?” નરેશને સરપંચને બધુ પુછવાની ઇચ્છા થઇ આવી. પરંતુ કેમ પુછવુ તે ખબર પડતી ન હતી. “હા, એ જ તે મકાનનો માલિક. તે ગામની પંચાયતને સમર્પિત કરી ગયો છે. ગામના સારા કામ માટે.”

“કેમ?”

“તેના દીકરા સારું કમાઇ છે. તેને ઘણી સંપત્તિ છે એટલે. સાહેબ તમે કેમ આટલુ પુછો છો?” “કાંઇ બસ ખાલી જીજ્ઞાશાવશ જ.” નરેશ સરપંચને પુછી ન શક્યો.

સરપંચના મનમાં કાંઇક હિલચાલ થઇ રહી હતી. તે નરેશની આંખ ભાળી ગઇ. પણ તેણે પણ કાંઇ બહુ ધ્યાન આપ્યુ નહી.

***

રાતના આઠેક વાગ્યાનો સમય હતો. ઠંડી બહુ જ ફુંકાતી હતી. નરેશ બધા બારી બારણા બંધ કરીને તેના રૂમમાં મુર્તિઓ લઇને નિરીક્ષણ કરી રહ્યો હતો. અચાનક કાંઇક પડવાનો અવાજ આવ્યો એટલે તે બહાર નીકળ્યો તો એક સુંદર નાજુક નમણી વીસેક વર્ષની ગામઠી પહેરવેશ પહેરલી ક્ન્યા તેના ખાટલા પર બેઠેલી હતી. આટલે કાતિલ ઠંડીમાં પણ તેણે કોઇ ગરમ પહેરવેશ પહેર્યા ન હતા. નરેશને જોઇ તે બોલી ઉઠી, “સાહેબ, તમારે જમવુ છે તો હુ કાંઇક બનાવી આપુ?” “તમે કોણ છો અને મે તો દરવાજો બંધ કર્યો હતો. તમે કયાંથી અંદર આવ્યા?” “બહુ પુછ પુછ ન કરજો. આ ઠંડીમાં ગરમાગરમ વડા કે ભજિયા બનાવી દઉ?” “મારી પાસે ઘરમાં રસોઇ બનાવવાની વસ્તુઓ નથી અને સરપંચના ઘરેથી હમણા ટિફિન આવી જશે.” હજુ તે વાત કરતો હતો ત્યાં દરવાજાનો બેલ વાગ્યો. તે દરવાજો ખોલવા ગયો તો સરપંચનો માણસ ટિફિન આપવા માટે આવ્યો હતો. ટિફિન લઇને તેને ખાટલા પર જોયુ તો કોઇ પણ હતુ જ નહિ. તેને આંખો ચોળીને સરખી રીતે આખા ઘરમાં ચેક કર્યુ કોઇ પણ હતુ જ નહિ. તેની તો ભુખ જ મરી ગઇ. તે દરવાજો ખોલીને આસપાસ બધે તપાસ કરી લાવ્યો પરંતુ કોઇ પણ ત્યાં હતુ જ નહિ. “હાઉ ઇઝ ધીસ પોસીબલ???” તેને હવે આ બધા રહસ્ય વિશે જાણવાની તીવ્ર ઇચ્છા થઇ આવી. પરંતુ કોને પુછવુ? તે આખા ઘરમાં તપાસ કરવા લાગ્યો. ઉપર અગાસી પર ખુણામાં એક જુનવાણી પેટી જેવુ કાંઇક હતુ. અંધારુ ખુબ જ થઇ ગયુ હતુ. આથી બેટરી લઇ આવીને નરેશ પેટી ખોલીને ચેક કરવા લાગ્યો. તેમાં જુનવાણી કોઇક સ્ત્રીના ફાટેલા કપડાં હતા અને નીચે થોડા કાગળ ડુચો વાળીને પડયા હતા. તે કાગળો લઇને નીચે આવ્યો ત્યાં તો કડાકો થયોને લાઇટ જતી રહી. બહાર જોરદાર પવન ફુંકાતો હોય તેવો અવાજ આવવા લાગ્યો. કાચા પોચા હ્રદયના માણસનુ તો હ્રદય બેસી જ જાય તેવુ વાતાવરણ હતુ. નરેશ તો ખુબ જ બહાદુર હતો તેને આવો કોઇ ડર લાગતો જ ન હતો. થોડીવાર બાદ લાઇટ આવ જાવ કરવા લાગી અને કોઇની ઝાંઝરીનો અવાજ આવવા લાગ્યો. નરેશ બેટરીના પ્રકાશે બધા રૂમ ચેક કરવા લાગ્યો. કોઇ પણ દેખાતુ ન હતુ. થોડીવારમાં લાઇટ આવી ગઇ. તે પોતાના રૂમમાં જઇને કાગળો વાંચવા લાગ્યો.

***

બીજે દિવસે સવારે નરેશની લાશ મકાનના પાછલા ભાગમાં મળી આવી. સરપંચે પોલીસને ફરિયાદ કરી. પોલીસે આવી પંચનામુ કરી લીધુ. કોઇ જંગલી જાનવરના કરડી ખાવાથી તેનુ મૃત્યુ થયુ હતુ. તે વાત સાબિત થઇ. તેના ઘરના આવીને લાશ લઇ ગયા.

***

“પાંચનો ભોગ લીધો મરી કુલટાએ” ધાનો બકરા ચરાવવા આવ્યો ત્યારે તેના મિત્ર સુરાને કહ્યુ. “બિચારી લાછીએ કોઇના જીવ લીધા નથી. તેને તો બસ પોતાનો જ જીવ લીધો હતો.” “તને કેમ ખબર છે? લાછી તને મળવા આવી હતી ભુત થઇને?” ધાનાએ હસતા હસતા પુછ્યુ. “હા લાછી મારી ભાણેજ છે. મને બધી ખબર છે આ સરપંચ અને પબાની બધી મીલિભગત છે.” “શુ?” બીડીનો ઉંડો કસ લેતા ધાનાએ પુછ્યુ. “પબાનો નાનો દીકરો અરવિંદ લાછીને પ્રેમ કરતો હતો. બિચારી લાછી આપણી નીચ જાતની રહી. આથી સરપંચ અને પબાએ મળીને બિચારીને બદનામ કરી દીધી. આથી હારીએ કુવો પુરી લીધો. હવે તેને મરીને પણ ચેન નથી. આથી પોતાનુ સાચ બતાવવા આવે છે ત્યારે એ બધાને સરપંચ મોતને ઘાટ ઉતારી દે છે.” ધાનો સરુ સામે જોતો રહી ગયો.