પિન કોડ - 101 - 61 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 61

પિન કોડ - 101

પ્રકરણ-61

આશુ પટેલ

‘શેખ તમારી પાસેથી આટલી બેદરકારીની અને આવી ઘોર નિષ્ફળતાની આશા નહોતી રાખી!’ મુખ્ય પ્રધાન પોલીસ કમિશનર શેખને કહી રહ્યા હતા.
શેખ તેમને કહેવા માગતા હતા કે તમારા ગૃહ મંત્રી અને તેમના પીઠ્ઠુ પોલીસ અધિકારીઓને કારણે શહેરની ઘોર ખોદાઈ રહી છે, પણ અત્યારે એ બધી વાતોનો કોઇ અર્થ નહોતો એટલે મુખ્ય પ્રધાનના કડવા શબ્દો પચાવીને તેમણે કહી દીધું: ‘આય’મ એકસ્ટ્રીમલી સોરી, સર.’
પછી મુખ્ય પ્રધાન આગળ કઈ બોલે એ પહેલા જ તેમણે મુદ્દાની વાત કરવા માંડી : ‘સર, શહેર પોલીસ હેડ ક્વાર્ટર અને સ્ટેટ પોલીસ હેડ ક્વાર્ટરના મુખ્યાલય ધ્વસ્ત થઇ ગયા છે એટલે તાત્કાલિક કોઇ જગ્યાએ કંટ્રોલ રૂમ શરૂ કરવો પડશે. મારી ઓફિસ છે એ બિલ્ડિંગને પણ ખાસ્સું નુકસાન પહોંચ્યું છે એટલે અમે હમણાં બીજા હેરિટેજ બિલ્ડિંગમાંથી જોઇન્ટ કમિશનર લો અને ઓર્ડરની ઓફિસમાંથી કામ શરૂ કરી દઇએ છીએ પણ અમારા બધા માટે નજીકમાં નજીક કોઇ જગ્યાએ વ્યવસ્થા કરી આપો, પ્લીઝ.’
તમે લોકો મંત્રાલય પહોંચી જાઓ. હું ત્યાં વ્યવસ્થા કરાવું છું. મુખ્ય પ્રધાને કહ્યું.
પોલીસ કમિશનર શેખની મુખ્ય પ્રધાન સાથે વાત ચાલુ હતી એ વખતે મોબાઇલ ફોન પર વાત કરી રહેલા નવનિયુક્ત ડેપ્યુટી કમિશનર ક્રાઈમ મહેશ પાટણકર બૂમ પાડી ઉઠ્યા: ‘સર, મંત્રાલય પર પણ આતંકવાદી હુમલો થયો છે!’
તેઓ હજી આગળ કઈ બોલી રહે એ પહેલા તો મોબાઈલ ફોન પર કોઈનો કોલ રિસિવ કરી રહેલા એડિશનલ કમિશનર (ક્રાઈમ) રાકેશ મિશ્રાએ
કમિશનર શેખ તરફ જોઈને તરડાઈ ગયેલા અવાજે કહ્યુ: ‘મુખ્ય પ્રધાનના અને ગર્વનરના નિવાસસ્થાનો, હોટલ તાજ, હોટેલ પ્રેસિડન્ટ, હોટલ ટ્રાઇડન્ટ, વિધાન ભવન અને મંત્રાલય પર પણ બોમ્બ ઝીંકાયા છે!’
* * *
‘આખા મુંબઈ શહેરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ છે. પોલીસ અને ફાયર બ્રિગેડને એ નથી સમજાઈ રહ્યું કે તેઓ પહેલા ક્યા પહોંચે. બે ફ્લાઈંગ કારથી વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઈવે પર અનેક જગ્યાએ બોમ્બ ઝીંકાયા એ પછી ઈસ્ટર્ન એક્સ્પ્રેસ હાઈવે પર પણ મુલુંડ અને થાણે વચ્ચેના ટ્રાફિકમાથી એક કાર ઊડી અને એ કારમાંથી મુલુન્ડ ટોલનાકા પર, નવી મુંબઈ તરફ જતા ઐરોલી બ્રિજ પર, કાંજુર માર્ગ, ઘાટકોપર, સાયન, દાદર, લાલબાગના ફ્લાય ઓવર્સ પર અને સર જે. જે. માર્ગ ફ્લાયઓવર, શહેર પોલીસના હેડ ક્વાર્ટર પર બોમ્બ ઝીંકાયા અને છેલ્લે મહારાષ્ટ્ર પોલીસના હેડ ક્વાર્ટર્સ પર બોમ્બ ઝીંકાયા બાદ એ કાર પણ પ્રચંડ વિસ્ફોટ સાથે ફૂંકાઈ ગઈ. ચોથી કાર સિદ્ધિવિનાયક મંદિર પાસેથી ઊડી અને એમાંથી સિદ્ધિવિનાયક મંદિર, બાન્દ્રા-વરલી સી લિંક, પેડર રોડ, મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન ‘વર્ષા’ બંગલો, રાજભવન, હોટેલ ટ્રાઈડેન્ટ, વિધાનભવન, મંત્રાલય પર બોમ્બ ઝીંકાયા અને છેવટે હોટેલ પ્રેસિડેન્ટ પર બોમ્બ ઝીંક્યા બાદ એ કારનો પણ વિસ્ફોટ થઈ ગયો....’ એક ટીવી ચેનલ પર પ્રસારિત થઈ રહેલા સમાચાર જોઈને આઇએસની ભારતની પાંખના ચીફ કમાન્ડર ઇશ્તિયાક અહમદના ચહેરા પર ફરી એક વાર સંતોષ અને આનંદની લાગણી છવાઈ ગઈ.
‘યે દિન કાફિર લોગ કભી નહીં ભૂલ પાયેંગે.’ ઇશ્તિયાકના વિશ્ર્વાસુ સાથીદાર વસીમે કહ્યું.
ઇશ્તિયાકે તેની સામે જોઈને સ્મિત કરતા કહ્યું: ‘થોડી વારમાં આકાનો વીડિયો ટીવી ચેનલ્સ પર ચાલુ થઈએ જશે. એ વીડિયો પ્રસારિત થાય એટલે તરત જ આપણે એક કામ કરવાનું છે...’ આકા એટલે કે આઈએસના આંતરરાષ્ટ્રીય વડા અલતાફ હુસેનનો વીડિયો પ્રસારિત થઈ જાય પછી શું કરવાનું છે એ વિશે તેણે સૂચના આપવા માંડી. તે નાનકડા ચપ્પુની મદદથી એક સફરજનમાંથી એક એક ચીર કાપીને મજેથી ખાતા ખાતા વાત કરી રહ્યો હતો.
‘પણ એમાં તો આપણા સંખ્યાબંધ લોકો ય માર્યા જશે...’ ઇશ્તિયાકે પોતાની વાત પૂરી કરી એ સાથે તેના ખાસ માણસ વસીમે આંચકો અનુભવતા કહ્યું. વસીમ ઇશ્તિયાકનો અત્યંત વફાદાર સાથી હતો, પણ ઇશ્તિયાકની વાત સાંભળીને તેને ઝટકો લાગ્યો હતો.
‘મને પણ આપણા માણસોના મોત માટે દુ:ખ થશે, પણ આ કામમાં આપણે જેમ આપણી પોતાની જાતની કુરબાની આપવા તૈયાર થયા છીએ એમ આપણા માણસોની કુરબાની આપવા પણ તૈયાર રહેવું પડશે. આપણે જેહાદ માટે પસંદ થયા છીએ એ જ આપણી ખુશનસીબી છે.’ ઇશ્તિયાકે એકદમ શાંત અવાજે તેને સમજાવતા કહ્યું.
‘પણ...’ વસીમે કહ્યું.
‘કોઇ દલીલ નહીં. આપણો વીડિયો બધે ફરતો થઇ જાય એ સાથે કામ શરૂ કરી દેવાનું છે...’ ઇશ્તિયાકે કહ્યું.
‘આપણા માણસોને મારવાનું ષડયંત્ર કરવું હોય તો હું તમારી સાથે નથી.’ વસીમ ઉશ્કેરાઇને બોલી ઉઠ્યો.
ઇશ્તિયાક તેની સામે જોઇને હસ્યો. તેણે સફરજનની ચીર મોઢામાં મૂકી અને તેનો સ્વાદ માણ્યો. પછી અચાનક તે વીજળીવેગે ઊભો થયો અને તેણે વિદ્રોહના સૂરમાં બોલી રહેલા વસીમને પોતાના કસાયેલા જમણા હાથથી જકડી લીધો અને કોઈ કઈ સમજે કે તેને રોકવાની કોશિશ કરે એ પહેલા તે જેના વડે સફરજન કાપીને ખાઇ રહ્યો હતો એ નાનકડાં ચપ્પુથી તેણે વસીમનુ ગળું ચીરી નાખ્યું. પછી તેણે તેના શરીર પરથી પકડ છોડી દીધી. વસીમનો હાથ પોતાના ગળા પર ગયો. ગળા પરથી રેલાઇ રહેલું ગરમ લોહી તેની આંગળીઓને સ્પર્શ્યુ. તેણે પોતાના લોહીથી ખરડાયેલા હાથ સામે જોયું અને બીજી ક્ષણે તે ફર્સ પર પટકાયો. તેના ગળામાંથી વહી રહેલું લોહી ફર્સ પર રેલાવા લાગ્યું. તે ફાટી આંખે ઇશ્તિયાક સામે જોઇ રહ્યો. તે જેને અલ્લાહની સમકક્ષ ગણતો હતો એ માણસે જ તેનું ગળું બહેરમીથી ચીરી નાખ્યું હતું. તે તરફડિયા મારી રહ્યો હતો. તેણે ઇશ્તિયાકના કહેવાથી ઘણા માણસોને ગોળીએ દીધા હતા અને ઘણા માણસોના ગળા ચીરી નાખ્યા હતા, પણ ગળું ચીરાય ત્યારે કેવી વેદના થાય અને એ રીતે કમોતે મરવાનો વારો આવે ત્યારે મૃત્યુ પહેલાની ક્ષણો કેટલી ખોફનાક હોઇ શકે એ તે તેની જિંદગીમાં આજે પહેલી વાર અને છેલ્લી વાર મહેસૂસ કરી રહ્યો હતો. તેની આંખોમાં શારીરિક વેદના કરતા, મોહભંગ થવાની વેદના, વિશ્ર્વાસઘાતના કુઠારાઘાતને કારણે તેને થઈ રહેલી અકથ્ય લાગણી વધુ વંચાતી હતી.
ઇશ્તિયાકના બીજા સાથીદારો પણ ભયથી પહોળી થઇ ગયેલી આંખે અને ખુલ્લા રહી ગયેલા મોઢાં સાથે પોતાના સાથીદારને તરફડતો જોઇ રહ્યા હતા. વસીમનો જીવ નીકળતા અગાઉ તેના દેહને તરફડતો જોઇને તેની સહાય કરવા ધસી જવાની ઇચ્છા પર અંકુશ રાખવાનું તેમના માટે અસહ્ય બની રહ્યું હતું. ઇશ્તિયાકનો પડ્યો બોલ ઝીલવા તૈયાર રહેતા એ વફાદાર સાથી વસીમનું ઇશ્તિયાકે જે રીતે ગળું ચીરી નાખ્યું એ જોઇને તે બધા ફફડી ઉઠ્યા હતા.
વસીમના મોઢામાંથી વિચિત્ર અવાજ નીકળી રહ્યો હતો અને તેનું શરીર આંચકા ખાઇ રહ્યું હતું. તેણે પોતાના સાથીદારો સામે મદદની આશાએ જોયું. પણ તે બધા પૂતળાંની જેમ સ્થિર ઊભા હતા.
વસીમનું ગળું ચીરી નાખ્યા પછી ઇશ્તિયાક ફરી સિંગલ સોફા પર બેઠો. તેણે પોતાની બાજુમા ઊભેલા એક યુવાન તરફ ચપ્પુ લંબાવ્યું. ‘ઇશ્તિયાકે તેને આંખથી જ ઈશારો કર્યો.
તે યુવાન ફફડતો ફફડતો બાથરૂમ તરફ ગયો. થોડી સેક્ધડમાં તે ચપ્પુ ધોઇને, બાથરૂમમાં વોશ બેસિનની બાજુમાં લટકી રહેલા નેપકીનથી સાફ કરીને પાછો આવ્યો. તેણે ધ્રૂજતા હાથે ચપ્પુ ઇશ્તિયાક તરફ લંબાવ્યું. ઇશ્તિયાકે ચપ્પુ હાથમાં લીધું. તેણે સોફાની સામે પડેલા કાચના નાના ટેબલ પર પડેલી પ્લેટમાંથી અધૂરું સફરજન ઉઠાવ્યું અને પ્લેટ ટેબલની એક બાજુએ હડસેલીને એ ટેબલ પર પગ લંબાવ્યા. પછી પેલા ચપ્પુની મદદથી સફરજનમાંથી એક ચીર કાપીને મોઢામાં મૂકી અને તેનો સ્વાદ માણતા માણતા તેણે સામે ઊભેલા સાથીદારોમાંથી એક સામે જોતા કહ્યું, ઇમ્તિયાઝ, ઇસ કો ઠીકાને લગા દેના.’ એ પછી તેણે બીજા બધા સાથીદારો સામે જોઈને ઠંડે કલેજે કઈક કહ્યું એ સાથે બધા થથરી ગયા.

(ક્રમશ:)