પિન કોડ - 101 - 62 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 62

પિન કોડ - 101

પ્રકરણ-62

આશુ પટેલ

ઇશ્તિયાકનો અત્યંત વફાદાર સાથી વસીમ ગળુ ચીરાઈ જવાને કારણે ભયંકર દર્દ સાથે ફરસ પર તરફડિયા મારી રહ્યો હતો એ વખતે પોતે જે ચપ્પુથી વસીમનું ગળું ચીરી નાખ્યું હતું એ જ ચપ્પુથી ઇશ્તિયાક સફરજન કાપી રહ્યો હતો. તેણે સફરજનનો ટુકડો કાપીને મોઢામા મૂકયો અને પછી એનો સ્વાદ માણતા માણતા પોતાના અન્ય સાથીદારો સામે જોઈને કહ્યું: ‘આકાને અને મને ગદ્દારી કરવા તૈયાર થઈ જનારા માણસોથી સખત નફરત છે. આ મારું કે આકાનું અંગત કામ નથી. અલ્લાહે આપણને સૌને આ નેક કામ માટે ભેગા કર્યા છે. વસીમ મારા નાના ભાઈ જેવો હતો, પણ તે વિદ્રોહ કરવા તૈયાર થયો એટલે મારે તેને સજા આપવી પડી. આ નેક કામમા શહીદ થનારા બધા લોકોમાથી કોઈની શહાદત એળે નહીં જાય. તેઓ જન્નતમાં જશે અને તેમને બધાને ત્યા એશોઆરામ સાથે હૂરની હસીન સોબત માણવા મળશે.’
ઇશ્તિયાક બોલી રહ્યો હતો એ વખતે તેના બધા સાથીદારો આંખોમાં ખોફ સાથે તેની સામે જોઈ રહ્યા હતા. તેઓ ઇશ્તિયાકનું આવું સ્વરૂપ પહેલી જ વાર જોઈ રહ્યા હતા. વસીમના તરફડિયા હવે ઓછા થઈ રહ્યા હતા અને તેના મોમાંથી પેલા વિચિત્ર અવાજને બદલે હવે માત્ર ઉંહકારાનો અવાજ આવી રહ્યો હતો.
ઇશ્તિયાકે સફરજનની વધુ એક ચીર કાપીને મોમાં મૂકી અને બીજી એક ચીર કાપીને તેના સાથીદાર ઇમ્તિયાઝ તરફ લંબાવતા કહ્યું: ‘બહોત હી બઢિયા સેબ હૈ. યે લો ખા કે દેખો!’
ઇમ્તિયાઝે યંત્રવત્ પોતાનો હાથ લંબાવીને ઇશ્તિયાકે ધરેલી સફરજનની ચીર લઈ લીધી. તેનો હાથ ધ્રૂજી રહ્યો હતો. વસીમ તેનો સગો ભાઈ હતો. તે બન્ને ભાઈ સુશિક્ષિત હતા અને સારા પગાર સાથે એક મોટી કંપનીમાં નોકરી કરતા હતા. એક વેબસાઈટ પર આઈએસ માટે માણસોની ભરતી કરતી એક યુવતીના સંપર્કમાં આવ્યા હતા અને તે યુવતીએ કેટલાક ભડકાવનારા વીડિયો બતાવીને તેમના મનમાં ભારત અને પશ્ચિમી દેશો વિરુદ્ધ ઝેરિલા વિચારો રોપ્યા હતા. તે યુવતી પણ અમેરિકામા ઉચ્ચ અભ્યાસ કરીને ભારત પાછી ફરી હતી. ઈસ્લામ ખતરામાં છે અને આપણે ચૂપ બેઠાં રહીશું તો આપણા લોકો માટે દુનિયામા કોઈ જગ્યા નહીં બચે એવું કહીને તે યુવતીએ તે બન્ને ભાઈની વિચારસરણી બદલી નાખી હતી. આ ઉપરાંત તેણે તેમને દર મહિને તેમના પગારથી ખાસ્સા વધુ પૈસા મળશે એવી લાલચ આપી એટલે તે બન્ને ભાઈ આઈએસમાં જોડાવા તૈયાર થઈ ગયા હતા. તેમને અત્યાર સુધી તો ઇશ્તિયાક સાથે કામ કરવાની બહું મજા આવી હતી. અને આજે તો મુંબઈમાં અકલ્પ્ય આતંક ફેલાઈ ગયો એના કારણે આઈએસના બીજા બધા માણસોની જેમ તે બન્ને પણ ઉન્માદની લાગણી અનુભવી રહ્યા હતા. તે બન્ને હંમેશાં ઇશ્તિયાકનો પડ્યો બોલ ઝીલવા તૈયાર રહેતા હતા, પણ ઇશ્તિયાક જે કામ કરવા માટે કહ્યું હતું એથી તો મુસ્લિમો પણ મોટી સંખ્યામા કમોતે મરે એમ હતા એટલે વસીમે વિરોધ દર્શાવ્યો હતો. ઇમ્તિયાઝના મનમાં પણ તેના ભાઈ વસીમ જેવી જ લાગણી જન્મી હતી, પણ વસીમે તેના મનમા ઊભરેલો આક્રોશ વ્યક્ત કરી દીધો એટલે ઇશ્તિયાકે તેના ગળા પર બેરહેમીથી ચપ્પું ફેરવી દીધું હતું. એ સાથે ઇમ્તિયાઝના મન પર ઉન્માદની જગ્યાએ ભયની અને ઇશ્તિયાક પ્રત્યે છૂપી નફરતની લાગણીએ કબજો લઈ લીધો હતો.
‘તુમને સેબ ખાયા નહીં!’ ઇશ્તિયાકે ઇમ્તિયાઝને કહ્યું. જો કે, એ શબ્દોમાં આદેશનો સૂર હતો એ ઇમ્તિયાઝને સમજાઈ ગયું. તેના ગળામાં ડૂમો ભરાયેલો હતો. વસીમ તેનો ભાઈ તો હતો જ પણ તે બન્નેએ દોસ્તોની જેમ બહુ મસ્તી-મજાકભર્યો સમય માણ્યો હતો. ઇમ્તિયાઝને વસીમ સાથે માણેલી ઘણી ક્ષણો યાદ આવી રહી હતી એના કારણે તેનું હૈયું ભરાઈ આવ્યું હતું. પોતાની આંખમા આંસુ ના આવી જાય એ માટે તે મથી રહ્યો હતો. વસીમનો જીવ તો બચે એવી કોઈ શક્યતા નહોતી., પણ ઇમ્તિયાઝને થયું કે પોતે બીજું કંઈ ન કરી શકે તો પણ તેણે પોતાના ભાઈના અંતિમ સમયમાં એવો અહેસાસ આપવો જોઈતો હતો કે હું તારી બાજુમાં છું.
‘ઈમ્તિયાઝ?’ વસીમે કહ્યું.
ઈમ્તિયાઝને લાગ્યું કે તેના હૃદય પર ભીંસ આવી રહી છે. તેણે પારાવાર દુખની લાગણી સાથે સફરજનની ચીર પોતાના મોમાં મૂકી. તેને પોતાની જાત પર નફરત થઈ આવી કે પોતાનો ભાઈ જીવનના છેલ્લા શ્ર્વાસ લઈ રહ્યો છે અને તેની મદદે જવાને બદલે તે સફરજન ખાઈ રહ્યો છે અને એ પણ તેના ભાઈના કાતિલે આપેલું!
ઇમ્તિયાઝે સફરજનની ચીર મોમાં મૂકી એટલે સંતોષ થયો હોય એમ ઇશ્તિયાકે પોતાની વાત આગળ ધપાવી: ‘થોડી વારમાં આકાનો વીડિયો ટીવી ચેનલ્સ પર પ્રસારિત થવા માંડશે એ સાથે ફેસબુક અને બીજા બધા સોશ્યલ મીડિયા નેટવર્ક પર આપણા હિન્દુ નામોથી બનાવેલા નકલી અકાઉન્ટ્સથી ભારતના મુસ્લિમો વિરુદ્ધ નફરતભર્યા સંદેશા વહેતા મૂકી દેવાના છે કે અમે પાકિસ્તાની આતંકવાદીઓ અને દેશના ગદ્દારોને છોડીશું નહીં. આ આતંકવાદી હુમલાની સજા તેમણે ભોગવવી જ પડશે. પાકિસ્તાનતરફી ગદ્દારો આ દેશ છોડીને પાકિસ્તાન ભેગા થઈ જાય.’
ઇશ્તિયાક બોલી રહ્યો હતો એ દરમિયાન ફરસ પર તરફડી રહેલા વસીમે છેલ્લો શ્ર્વાસ લઈ લીધો. તેનું માથું એક બાજુ ઢળી ગયું. તેનો દેહ નિશ્ર્ચેતન થઈ ગયો હતો અને તેની આંખો ખુલ્લી જ રહી ગઈ હતી. તેના ગળામાંથી ફરસ પર રેલાયેલા લોહીનો રેલો ઇમ્તિયાઝના પગ સુધી આવી ગયો હતો. ઇમ્તિયાઝથી વસીમ તરફ જોયા વિના ના રહેવાયું. તેના દિલમાં એક ટીસ ઉઠી. તેના મનમાં ઊંડે ઊંડે એક સેક્ધડ માટે આક્રોશ ઊભરી આવ્યો કે તે ઇશ્તિયાકના હાથમાંથી પેલું ચપ્પું છીનવીને એ ચપ્પુથી જ તેનું ગળું ચીરી નાખે અને તેને વસીમે ભોગવેલા દર્દનો અહેસાસ કરાવે. અને એ તરફડિયા મારતો હોય એ દરમિયાન તેની સામે આ જ રીતે સફરજન કાપીને તેની વેદના જોવાનો પિશાચી આનંદ માણે. જો કે ઇશ્તિયાકની મરજી વિરુદ્ધ આ જગ્યાએથી બહાર નીકળવાનું મુશ્કેલ હતું એ વાસ્તવિકતા અને મોતના ખોફને કારણે તે વિવશ બનીને ચૂપ રહ્યો.
ઇમ્તિયાઝની જેમ ઇશ્તિયાકના બીજા સાથીદારોના મનમાં પણ વસીમ માટે દુ:ખની લાગણી અને ઇશ્તિયાક પ્રત્યે આક્રોશની લાગણી પેદા થઈ હતી. પણ એ સાથે તેમના મનમાં ભયની લાગણી પણ જન્મી હતી. એટલે તેઓ પણ લાચારી ને લાગણી અનુભવી રહ્યાં હતાં.
ઇશ્તિયાક વસીમના નિશ્ર્ચેતન દેહ સામે જોવાને બદલે પોતાના સાથીદારોના ચહેરાનું નિરીક્ષણ કરતાં કરતાં તેમને આદેશ આપી રહ્યો હતો: ‘સોશિયલ મીડિયા પર આપણે ભારતના મુસ્લિમોની વિરુદ્ધ નફરતભર્યા સંદેશા વહેતા કરીશું એ સાથે કટ્ટર હિન્દુઓ પણ આપણને મદદ કરવા મેદાનમાં આવી જશે. અને એના કારણે ભારતના અનેક શહેરોમાં કોમી રમખાણો ફાટી નીકળશે. અને સોશિયલ મીડિયાની મદદથી કોમી રમખાણો ફેલાવવામાં કામિયાબી ના મળે તો...’
ઇશ્તિયાકના આગળના શબ્દો સાંભળીને ઇમ્તિયાઝ અને બીજા સાથીદારો અવાક્ બનીને તેની સામે જોઈ રહ્યાં. આજ સુધી જે માણસ તેમને અલ્લાહના ફરિશ્તા જેવો લાગતો હતો એ તેમને સાક્ષાત શેતાન સમો લાગવા માંડ્યો હતો!
* * *
એક અંધારા રૂમમાં પુરાયેલા સાહિલે બે જણાની વાતોનો અવાજ સાંભળ્યો એટલે તેને સમજાયું કે તેઓ એ રૂમના દરવાજાની બહાર આવ્યા છે. એ વખતે બહારથી સ્ટોપર ખૂલવાનો અવાજ આવ્યો એટલે સાહિલ દોડીને પલંગ પર જઈને બેહોશીનો ડોળ કરતો પડી રહ્યો.
પેલા બન્ને જણા રૂમમાં પ્રવેશ્યા એ સાથે એ રૂમમાં બહારથી પ્રકાશ આવ્યો. એ બેમાંથી એક માણસે રૂમની લાઈટ ઓન કરી. સાહિલ ધડકતા હૃદય સાથે તેમની વાત સાંભળતો પડી રહ્યો.
પેલા બેમાંથી એક માણસે કહ્યું: ‘યે લડકા વો લડકીકા યાર હૈ. ભાઈજાનને કહા હૈ કિ કલ વો લડકી કો મારને કે બાદ યે કાફિર કો ભી ઐસે હી ખત્મ કરના હૈ કિ સબકો લગે કિ ઈસને ખુદખુશી કર લી હૈ!’

(ક્રમશ:)