તમારા વિના - 16 Gita Manek દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તમારા વિના - 16

પ્રકરણ - ૧૬

‘મારું નામ મોના ભટ્ટ છે. હું ‘ન્યુ ઇન્ડિયા ટાઇમ્સ’ની રિપોર્ટર છું.’ બ્લુ રંગનું જીન્સ, સફેદ શર્ટ અને બૉયકટ વાળમાં તે છોકરી કરતાં છોકરા જેવી વધુ લાગતી હતી. અલબત્ત, તેનો અવાજ બહુ જ મીઠો હતો.

કાન્તાબેન તેને જાઈ રહ્યાં.

‘તમે પોલીસસ્ટેશનમાં રાનડે સાથે વાત કરી રહ્યાં હતાં ત્યારે હું ત્યાં જ હતી. મારે એક સ્ટોરી માટે માહિતી જાઈતી હતી. તમને તો ખબર હશે કે પેલા ફિલ્મસ્ટાર ખાને અહીંની હોટેલમાં કાલે તોડફોડ મચાવી હતી. એક વેઇટરને તો તેણે એટલો માર્યો કે તે આઇસીયુમાં છે. કદાચ તો મરી જશે. મને આ કેસની માહિતી જોઈતી હતી. અમારે સાહેબને પૂછવું પડે, એસીપી સાહેબની પરમિશન લેવી પડે એવા બધા બહાના આપે છે; પણ રિયલ વાત તો એ છે કે તે હીરોએ સૉલિડ પૈસા દબાવ્યા છે એટલે આ પોલીસવાળા પણ કેસ વીંટી નાખવા માગે છે. સાલા બધા હલકટ અને ખાઉધરા છે. અને રાનડે... તે તો એક નંબરનો બદમાશ છે. તમને નહીં ખબર હોય માસી, પણ પહેલાં તે ભાયખલા પોલીસસ્ટેશનમાં હતો. સાલો વેશ્યાઓ પાસેથી હપ્તો લેતો હતો...’ મોના એકધારું બોલ્યે જતી હતી.

કાન્તાબેનને થયું કે આ છોકરી પરાણે વહાલી લાગે એવી હતી. તેની ઉંમર માંડ પચીસેકની હશે, કદાચ એનાથી પણ ઓછી. કાન્તાબેને અંદાજ લગાડ્યો.

‘માસી, માન ગએ. ક્યા બાત હૈ. તમે એ રાનડેના બચ્ચાની શું સૉલિડ લેફ્ટ-રાઇટ લઈ લીધી. આખા પોલીસસ્ટેશનમાં સૉલિડ સોપો પડી ગયો હતો.’ મોના બોલી રહી હતી. તેની આંખોમાં અજીબ ચમક હતી.

‘તમારે કઈ બાજુ જવું છે? હું તમને ક્યાંય ડ્રૉપ કરી દઉં?’ મોનાએ પૂછી લીધું.

‘ના-ના, હું બસમાં જતી રહીશ...’ કાન્તાબેને કહ્યું.

‘અરે, પણ જવાનું છે ક્યાં એ તો કહો? ચિંતા નહીં કરો. હું તમારા ઘરે ચા-નાસ્તો કરવા નહીં આવું. ફ્રૅન્કલી સ્પીકિંગ બોલાવશો તો ના નહીં પાડું... ભૂખ તો સૉલિડ લાગી છે...’ કહેતી તે ખડખડાટ હસી પડી.

કાન્તાબેનના ચહેરા પર પણ સ્મિત આવી ગયું. કોણ જાણે કેમ પણ આ છોકરી સાથે વાત કરીને તેમને સારું લાગ્યું. ઘણા વખતે અથવા એમ કહોને ચંદ્રના ગયા પછી પહેલી વાર મન સહેજ પ્રફુલ્લિત થયું હોય એવું લાગ્યું.

‘ચર્ચગેટ જવું છે...’

‘વાહ ક્યા બાત હૈ. મારે પણ ચર્ચગેટ જ જવું છે. એક્ચ્યુઅલી મારી ઑફિસ નાના ચોક પાસે છે. આમ તો અહીંથી સીધી બસ છે, પણ ટ્રાફિકમાં ટાઇમ બહુ લાગે. એના કરતાં ચર્ચગેટ સુધી ટેક્સીમાં અને ત્યાંથી ટ્રેનમાં ગ્રાન્ટ રોડ. રેલવેસ્ટેશનથી સાત મિનિટનું વૉકિંગ ડિસ્ટન્સ છે.’

‘ટેક્સી...’ મોનાએ નજીકથી પસાર થતી ખાલી ટેક્સીને બૂમ પાડી.

‘તને કેવી રીતે ખબર પડી કે હું ગુજરાતી છું.’ ટેક્સીમાં બેસતાંની સાથે જ કાન્તાબેને પૂછ્યું.

‘એેને માટે કંઈ શેરલોક હોમ્સ હોવાની જરૂર નથી. શેરલોક હોમ્સ એટલે...’

‘જાસૂસને? ખબર છે મને. મેં તેની જાસૂસી વાર્તાઓનો ગુજરાતી અનુવાદ વાંચ્યો હતો.’ કાન્તાબેન બોલી પડ્યાં.

‘ગ્રેટ. શેરલોક હોમ્સ મારો ફેવરિટ છે. બાય ધ વે, તમારી ગુજરાતી સાડી જાઈને ખબર તો પડી જ જાય કે તમે ગુજરાતી છો. બાકી તમે ગુજરાતી બૈરાં જેવાં જરાય નથી લાગતાં. આઇ મીન જાડાંપાડાં નથી એટલે એમ જુઓ તો ગુજરાતી ન લાગો, પણ તમારું હિન્દી સાંભળીને તરત ખબર પડી જ જાય... સૉરી, ખરાબ નહીં લગાડતાં... પણ મારી આદત છે જે હોય તે મોં પર જ કહી દેવાનું. મારા ફ્રેન્ડ્સ મારા પર એટલા માટે જ સૉલિડ ગુસ્સો કરે છે... પણ તમે જ કહોને માસી... હું તમને માસી કહું તો તમને વાંધો નથીને?’

‘ના, બિલકુલ નહીં.’ કાન્તાબેને જવાબ આપ્યો.

‘હા, તો હું શું કહેતી હતી? હા, કે આપણે કંઈ ખોટું ન કહેતા હોઈએ અને આપણે કંઈ ખોટું ન કર્યું હોય તો શું કામ ડરવાનું?’ મોનાએ જીન્સના ખિસ્સામાં હાથ નાખી દસ રૂપિયાની એક નોટ અને બીજા છુટ્ટા પૈસા કાઢ્યા ત્યારે કાન્તાબેનને ખ્યાલ આવ્યો કે તેમની ટેક્સી ઈરોઝ સિનેમા પાસેના સિગલ પર પહોંચી ચૂકી હતી.

‘સિગ્નલ સે રાઇટ લે...લો. તમને ચાલશેને માસી? સૉરી, મેં તમને પૂછ્યું જ નહીં કે તમારે ચર્ચગેટ કઈ તરફ જવું છે?’ મોનાએ બોલવાનું પૂરું કર્યું ત્યાં સુધીમાં સિગ્નલ ચાલુ થઈ ગયું હતું અને ટેક્સીએ જમણી બાજુ વળાંક લઈ લીધો હતો.

‘મને ગમે ત્યાં ચાલશે. તું રહેવા દે.’ કાન્તાબેને પર્સમાંથી પૈસા કાઢતાં કહ્યું.

‘મને તો આ પૈસા મારી ઑફિસમાંથી મળી જશે. આમ તો છેક ઑફિસ સુધી ટેક્સીમાં જઉં તો પણ ઑફિસે જ મને એ રકમ ચૂકવવી પડે. મારી સાથે કામ કરનારા બધા એવું જ કરે છે. ચર્ચગેટ સુધી ટેક્સીમાં આવે તોય પૈસા તો ઑફિસ સુધીના જ લે. બાકીના પોતાના પૉકેટમાં. પણ એવું કેવી રીતે કરાય માસી? ઑફિસ તરફથી જ ફર્સ્ટ ક્લાસનો પાસ મળે છે અને જા હું ટ્રેનમાં જાઉં તો ટેક્સીના પૈસા કેવી રીતે લઉં?’ મોના ટેરિફ કાર્ડમાં જોઈ એે મુજબ ટેક્સી ડ્રાઇવરને પૈસા ચૂકવતાં-ચૂકવતાં બોલી રહી હતી.

મોનાની સાથે કાન્તાબેન પણ ટેક્સીમાંથી ઊતર્યા

‘ચાલ, ઘરે આવે છેને? તને બહુ ભૂખ પણ લાગી હતીને!’

‘વાઉ... તમે અહીં જ રહો છો? હાઉ લકી...’

‘ના, અહીં સ્ટેશન પર નહીં.’ કાન્તાબેનથી મજાક થઈ ગઈ. ‘પેલી બાજુ, એ રોડ પર...’

‘ ઓ માય ગૉડ...’ મોના અચાનક બોલી પડી.

‘શું થયું?’

‘ડેડલાઇન. સાડાછ વાગી ગયા? આઠ વાગ્યાની ડેડલાઇન છે. એ પહેલાં બે સ્ટોરી લખી આપવાની છે, નહીં તો પાછો પેલો ખડૂસ ચીફ રિપોર્ટર ફરિયાદ કરવા જશે. સર, આ રિપોર્ટરો ટાઇમ પર સ્ટોરી ફાઇલ કરતા નથી એટલે છાપું મોડું થાય છે...’ મોના જે બોલી રહી હતી એમાંનું મોટા ભાગનું કાન્તાબેનને સમજાતું નહોતું, પણ તેમને એટલી ખબર પડી રહી હતી કે મોનાને ઑફિસ પહોંચવાનું મોડું થઈ રહ્યું હતું.

‘આ તરફ આવે ત્યારે આવજે. ૨૬, મહાવીર સદન, એ રોડ.’

‘અરે, મેં તમારું નામ તો પૂછ્યું જ નહીં? એક્ચ્યુઅલી, હું તમારું નામ પૂછતાં જ ભૂલી ગઈ...’

‘કાન્તા... કાન્તા નવીનચંદ્ર મહેતા. તું મને કાન્તામાસી કહીશ તો ચાલશે.’

‘ ઓહ શ્યૉર. હું તમારા ઘરે કોઈક દિવસ જરૂર ટપકી પડીશ, નાસ્તો કરવા.’ મોના ખુલ્લું હસી પડી.

‘આ મારું કાર્ડ છે. કંઈ પણ કામ હોય તો ફોન કરજો.’ મોનાએ ખભે લટકાવેલી ચામડાની મોટી બેગના આગળના ખાનામાંથી વિઝિટિંગ કાર્ડ કાઢીને આપ્યું.

‘એક મિનિટ...’ કાન્તાબેનના હાથમાંથી કાર્ડ પાછું લઈ પાછળના ભાગમાં લખતાં-લખતાં તે બોલી, ‘આ મારો મોબાઇલ નંબર છે... કંઈ પણ કામ હોય તો કહેજો. ૨૪ કલાક ચાલુ હોય છે. મારા ફ્રેન્ડ્સ કહે છે કે જ્યારે તારો ફોન ડાયલ કરીશું અને સ્વિચ ઑફ્ છે એવો મેસેજ સાંભળવા મળશે ત્યારે અમે સમજીશું કે તું મરી ગઈ છે... પણ એ ઇડિયટો સમજતા નથી કે હું મરી જાઉં એની સાથે મારો મોબાઇલ થોડો જ મરી જવાનો છે? હું કંઈ યમરાજાને એમ કહેવાની છું કે એક મિનિટ મારો મોબાઇલ ઑફ્ કરી દઉં... એ તો વાગતો જ રહેને...’ મોના ફરી હસી પડી.

કાન્તાબેનના હાથમાં કાર્ડ પકડાવી ‘બાય... આવજો માસી...’ કહેતી મોના ઝડપથી ચાલી ગઈ. કાન્તાબેન તેને જતી જાઈ રહ્યાં. મોનાની બોલચાલ, અવાજ અને હાવભાવમાં, તેના આખા વ્યક્તિત્વમાં એક તરવરાટ હતો. યુવાનીનો તરવરાટ. કંઈક કરી બતાવવાનો, જગત સામે બાથ ભીડવાનો. અને જિંદગીના જામને પૂરેપૂરો ગટગટાવીને એેને માણી લેવા માગતી હોય એવું તેને મળીને લાગતું હતું.

સાંજના સમયે ચર્ચગેટ સ્ટેશનની ખીચોખીચ ભીડમાં મોના ખોવાઈ ગઈ. કાન્તાબેન ધીમે-ધીમે ચર્ચગેટ સ્ટેશન વટાવી સામેની તરફ આવ્યાં. તેમને ઘરે જવાની ઇચ્છા ન થઈ. પગમાં કળતર થતું હતું એને અવગણીને તેઓ મરીન ડ્રાઇવ સુધી ચાલીને ગયાં અને દરિયાની પાળ પર રસ્તા તરફ મોં કરીને નિરાંતે બેઠાં.

લગ્ન થયા બાદ મહાવીર સદનના ફલેટમાં રહેવા આવ્યાં એ અરસામાં લગભગ રોજ ચંદ્ર સાથે અહીં આ પાળ પર બેસવા આવતાં. ક્યારેક સાંજે તો ક્યારેક રાતના જમી લીધા પછી. દીપક પેટમાં હતો ત્યારે ચંદ્ર દરરોજ રાત્રે જમી લીધા પછી તેમને અહીં લઈ આવતા. ક્યારેક તેમને કંટાળો આવે તો પણ આગ્રહ કરીને ચાલવા લઈ આવતા.

પછી તો દીપકને સાથે લઈને આવતા. નવાં-નવાં ડગલાં માંડવાનું શીખેલો દીપક બન્નેનો હાથ પકડી ડગુમગુ ચાલતો. ધીમે-ધીમે તે હાથ છોડાવીને દોડતો થઈ ગયો હતો. વિપુલના જન્મ પહેલાં પણ ચંદ્ર તેમને એ જ રીતે ચાલવા લઈ જતા. હાથ છોડાવીને આગળ દોડી જતા દીપકને ચંદ્ર પોતે દોડીને પકડી લેતા.

શ્વેતા વખતે ડૉક્ટરે વધુ પડતો પરિશ્રમ કરવાની ના પડી હતી એટલે અહીં પાળ પર આવીને બેસતાં. માથા પર વાંસનો ટોપલો લઈ કુલફી વેચતા ગંગારામને જાણે તેમના આવવાની સુગંધ આવી જતી. તે ચારેય જણ હજી પાળ પર બેસે ત્યાં જ અંતર્યામી દેવની જેમ ગંગારામ માથા પર ટોપલો લઈને પ્રગટ થઈ જતો. વાંસના ટોપલામાં લાલ કપડું વીંટાળેલા માટલામાંથી ત્રણ કુલફી કાઢી આપતો ત્યારે છોકરાઓને તે અલ્લાદીન જેવો લાગતો. ચંદ્ર ક્યારેય કુલફી નહોતા ખાતા. કુલફી તેમને સદતી નહોતી. તેમનું કામ ફક્ત ગજવામાંથી પૈસા ચૂકવવાનું. અલબત્ત, ત્રણેયને કુલફી ખાઈને જેટલો આનંદ નહોતો આવતો એટલો આનંદ ચંદ્રને એેના પૈસા ચૂકવવામાં આવતો હોય એવું કાન્તાબેનને લાગતું.

પછી તો છોકરાઓ મોટા થતા ગયા. તેમનાં પોતાનાં ઘર વસી ગયાં. કાન્તાબેન અને ચંદ્ર નવરા પડ્યા પછી ફરીથી આ પાળ પર આવીને બેસતાં.

અહીં બેઠાં-બેઠાં તેમણે આ શહેરનો બદલાતો મિજાજ જાયો હતો. કાન પાસે મોટો ટ્રાન્ઝિસ્ટર લઈને જોર-જોરથી હિન્દી ફિલ્મોનાં ગીતો કે ભોજપુરી ગીતો તો ક્યારેક સમાચાર સાંભળતા જતા ઉત્તર દેશના ભૈયાઓથી માંડીને કારના સ્ટિરિયો પર કાન ફાડી નાખે એવા ધમાલિયા અને ઘોંઘાટિયા અંગ્રેજી સંગીત વગાડતા પૂરપાટ મોટરકાર દોડાવી જતા જુવાનિયાઓને તેમણે જોયા હતા.

એકબીજાનો હાથ પકડતાં પણ શરમાતાં પ્રેમી યુગલોથી માંડીને બેધડક કમર પર હાથ વીંટાળતા, સહેજ પણ સંકોચ વિના વળગી પડતા અને એકબીજા પર ઢળી જઈ ચુંબનો કરતા યુવાનો અને હવે તો મધ્યવયસ્ક પુરુષો સાથે આવતી અને ચેનચાળા કરતી છોકરીઓ તેમણે જોઈ હતી.

મરીન ડ્રાઇવના રસ્તે દોડતી ફિયાટ અને એમ્બેસેડરોથી માંડીને મારુતિ અને હવે તો જાતભાતની મોટરકારો અને તેમની વધતી જતી ગતિ પણ કાન્તાબેને અનુભવી હતી.

સમયની સાથે-સાથે બધું જ બદલાયું હતું. બહારની દુનિયા બદલાઈ હતી અને તેમના અંગત જીવનમાં પણ પરિવર્તન આવ્યું હતું. આ બધાની સાક્ષી હતી આ પથ્થરની પાળ.

પાળ પર બેઠાં-બેઠાં તેમને ચંદ્રની ગેરહાજરી વધુ તીવ્રતાથી સાલી રહી હતી. કોલાબા પોલીસસ્ટેશનમાં આજે બનેલી ઘટના તેઓ મનોમન ફરી વાગોળી ગયાં. તો શું ચંદ્રના હત્યારાઓને હવે ક્યારેય શોધી નહીં શકાય? ક્યારેય જાણી નહીં શકાય કે તેમને કોણે અને શું કામ મારી નાખ્યા?

અંધારું ક્યારનુંય ઊતરી આવ્યું હતું. કાન્તાબેન ઘરે જવા માટે ઊભાં થયાં. એ માટે તેમણે એક હાથ પાળ પર ટેકવ્યો ત્યારે તેમને ખ્યાલમાં આવ્યું કે મોનાએ આપેલું વિઝિટિંગ કાર્ડ તેમના હાથમાં જ રહી ગયું હતું. તેમણે કાર્ડ વાંચવાનો પ્રયાસ કર્યો, પણ પૂરતી લાઇટના અભાવે કંઈ ઉકેલી ન શક્યાં. તેમણે કાર્ડ સાચવીને પર્સમાં મૂકી દીધું.