દીવો સળગી ચુક્યો હતો Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીવો સળગી ચુક્યો હતો

દીવો સળગી ચુક્યો હતો


સહુની પાસે પોતીકો ઝળહળ દીવો છે
આંખો મીંચી, અંધારાની વાતો ના કર !!
ડૉ મહેશ રાવળ


કાશ્મીરાને છાની રાખતા રાખતા કેદાર બોલ્યો “તું નિષ્ફળ નથી પણ તારી જાતને નિષ્ફળ કહી , નિષ્ફળતાને ગળે લગાડેછે. “
“કેદાર તુ મારો પતિ છે તેથી તો ઇચ્છુ છું કે તુ સફળ થા મારા માપ દંડથી.”
“ અરે કાશી તારા માપદંડ થી તો સફળ થવાની કોઇ શક્યતા જ નથી. કારણ કે જેવું એક શીખર આંબ્યુ કે તરત તું તારુ માપદંડ બદલીને તેનાથી પણ ઉંચુ મોટુ શીખર બતાવે છે.”
“તે તારા ભલા માટે ને?”
“ ના હું તો તારે માટે ભાગુ છું. મને તો ચાલીસ વર્ષે જેટલુ જોઇતુ હતુ તે બધુ મળી ગયુ છે. તુ નવા ભયો બતાવે છે અને તેને પહોંચી વળવા વધુ ને વધુ મને દોડાવે છે.”
“ ગમે તે કહે પણ તને દોડાવવામાં હું નિષ્ફળ છું. મારી નાતમાં અને મારા ગામ માં પરણી હોત તો હું આના કરતાય વધુ સુખી હોત.’
“ગામડા ગામમાં થી બહાર તારે નીકળવું હતું . શહેરમાં તને લાવી ત્યાંય તને ધરો ના થયો તો મુંબઇ લાવ્યો. ત્યાંય તને ધરો ના થયો તો તને લંડન લઇને આવ્યો. ત્યાંય શાંતિ ના મળી તો અમેરિકા પણ બતાવ્યું. હવે તો જરા થાક અને મને થાક ખાવા દે...”
કાશ્મીરા કહે. “તે તારા થાકને તો રડું છું. હજી મારા ઘરમાં ઘણું નથી!”
કેદાર કહે “જે છે તે તો તારે જોવું નથી અને જે નથી તેને શોધ્યા કરીશ તો કાશી. જે છે તેને ક્યારે માણીશ?”
પેનીક બટન દબાયું અને કાશ્મીરા ડુસકે ચઢી.” જે કહું છું તે કરતો નથી અને મારા સપના પુરા થતા નથી”. ધ્રુસકેને ધ્રુસકે રડતી કાશ્મીરાને છોડી દુઃખી મને કેદારે ઓફીસે જવા હોંડા બહાર કાઢી...
કેદારનાં ગયા પછી કાશ્મીરા કામે લાગી. ઘર સાફ કરતા કરતા રેશમનાં પડદા જોયા..તેને હલકા પવન માં લહેરાતા જોઇ તેને યાદ આવ્યું , તેનું ગમતું ગીત ”પીયાકા ઘર હૈ રાની હું મૈં, રાની હું મૈં. ”આછા લીલા રંગનાં સોફા સાથે મેચ થતો પડદાનો રંગ જોઇ તેને હાશ તો થઇ. તેના મને પાછા વળીને કેદારનાં શબ્દો યાદ દેવડાવ્યા..” જે છે તેને ક્યારે માણીશ?”
અમેરિકામાં રામલા નહીં તેથી બધું જાતે કરવાનું. પણ સાથે કેટલા બધા મશીનો. લોડ કરીને સ્વીચ દાબો અને ૧૦ મીનીટમાં બે ડોલ ભરેલ કપડા સાફ. વાસ્ણો ધોવાનાં મશીનમાં મુકી દો એટલે પત્યું. ટીવી ઉપર સવાસો ચેનલ, રીમોટ કંટ્રોલ ઉપર ચાંપ દાબી અને જે જોવું હોય તે બધુ જોવાય. આ બધું ક્યાં આટલી સુગમતાથી દેશમાં મળે?
તેની વિચાર ધારા નકારાત્મક્તા થી હકારાતમકતા પર વળતી હતી. એટલામાં શીકાગોથી નાની બહેન ઐશ્વર્યાનો ફોન આવ્યો, જે થોડા વખત પહેલાં ભારતથી આવી હતી.” કાશી બહેન, અહીં તો બધુ કેટલું મોંઘુ છે?”
“ અરે બેના આ અમેરિકા છે અને ભારતનાં રુપિયામાં ફેરવીને ખર્ચો જોઇશ તો ક્યારેય નહીં જીવાય.”
“એટલે?”
“ એટલે અહીં ડોલરમાં કમા અને પછી ડોલરમાં ખર્ચા કરીશ તો જ ગુણ્યાં સાઈઠ ભુલાશે. જેવો દેશ તેવો વેશ સમજીને?”
“ પણ બેન તમારે તો કેટલુ સારું, જીજાજી તો લાખોમાં રમે છે અને અહી કલાક્ની ૮ ડોલરની નોકરીમાં ક્યારે ઉધ્ધાર થશે?”
“થશે ઐશ્વર્યા એમણે પણ શરુઆતમાં સાત ડોલર પર અવરની નોકરી કરેલી. ભણ્યા પણ ખરા અને ઉંચા પગારની નોકરી એ લાગ્યા હતા.”
“આ મોટી ઉંમરે આવ્યા ત્યારે પાકા ઘડે કાઠલા કેમ ચઢે?”
કાશ્મીરાને પહેલી વખત કેદાર માટે માન થયું. આમ તો તે પણ મોટી ઉંમરે જ આવ્યો હતો ને? રાતની સ્ટોર માં નોકરી અને દિવસે કોલેજ કરતો અને છ મહીના ભણ્યો ત્યારે તેની જિંદગી લાઇને ચઢી હતી?
“ ઐશ્વર્યા, આ દેશમાં જે આવ્યા તે બધાની આ કથા છે. થોડુંક અહીનું ભણી લે પછી સૌ સારુ થઇ જશે.”
પણ દીદી તમારું ઘર અને બેક યાર્ડ જોઇને હું તો જલી જાઉ છું . હું ક્યારે આવી બે પાંદડે થઇશ? મોટો નિઃસાસો નાખ્યો.
“ થોડીક વહેલી આવી છું ને તેથી એવું તને લાગે છે.”
ના પણ કયાં જીજાજી અને ક્યાં સમીર? જીજાજી તો પથ્થરમાં પાટુ મારે અને પાણી કાઢે તેમ કમાય ને સમીર તો બેઠા બેઠ હુકમો કરે, આવા ટાયલા ઘોડા સાથે રેસ ક્યારે જીતાશે?”
“એવું ના બોલાય. ગમે તેમ તો સમીર તારો વર છે.”
પણ તે રેસનો ઘોડો નથી. તેથી તો મને લાગતુ નથી કે હું વીસેક વર્ષે પણ તમારા જેટલી બે પાંદડે થઇશ.”
કાશ્મીરાને હવે થયું કે મારી પાસે જે છે તે તો હું જોતી નથી તેમ કેદાર કહે છે તે સાચુ છે. તેણે તેના ઘરને શાંતિ થી જોયુ. સુંદર રેશમી પડદાઓ, દરેક રુમની સજાવટ તેણે તેના આંતરિક ગમા અને અણગમાને આધારે કરી હતી. તેથી જે પણ મહેમાન ઘરમાં આવે અને પહેલી નજરે જ કહેતા કેદારભાઇ ઘરને તો સરસ સજાવ્યુ છે.” ‘ કેદાર તે વખતે મને જોઇને કહેતો, ભાઇ મેં તો ખાલી ચેક ઉપર સહીં કરી છે. સજાવટ તો બધી કાશ્મીરાની.”
ઐશ્વર્યા બસ વખાણ કરતી ગઇ અને કાશ્મીરા જંપતી ગઇ. ફોન મુકાયા પછી તે વિચારતી રહી કે તે ક્યાં નિષ્ફળ છે?
ભોળો ભગવાન જેવો અને સમજુ પતિ મળવો તે કંઇ નાનું સુખ છે. તન, મન અને ધન થી દરેક રીતે સમજુ અને સજ્જ. બે દીકરાઓ સારું ભણીને ઠેકાણે પડ્યા. તેમને સુશીલ કન્યાઓ મળી અને બબ્બે પૌત્રોની તે દાદી બ ની.તે કેટલુ મોટું સુખ છે? જેની પાસે તે નથી તેને પુછી જુઓ તો સમજાય કે સારો પતિ અને સારા સંતાનો હોવા તે સુખ છે કે નહી ? ફોર્ડ ગાડી હોય કે લેક્ષાસ. બંને નું કામ તો એક જ છેને તમને તમારી નિશ્ચિંત જગ્યાએ પહોંચાડવાનું?
“ હવે કેદાર ને નથી દોડાવવો. જેટલું છે તે જોવાનું તે કહે છે ને? ચાલ જીવ હવે “હું નિષ્ફળ”નું ગાણું છોડ અને છોડ દુનિયા સાથે તારી જાતને સરખાવવાનું.’
સમીરે લખેલી ઐશ્વર્યા માટેની પંક્તિ તેને યાદ આવી ગઈ


તારી અપેક્ષાઓનો અંત આવે ના કદી,
તે ના પુરી થાય તેથી સુખ ના મળે કદી.
કાં મારી જેમ સંતોષાઇ જા વા’લી સખી,
કે પછી રોઇ રોઇને ભર આખો દરિયો સખી.


સમજાવી સમજાવી થાક્યો કે સખી જો ના પામી શકાય, તેવા ઉંચા ઉંચા સ્વપ્ના અને અપેક્ષાઓની વાદે ના ચઢાય .જ્યારે સપનાઓ ભાંગે ત્યારે રડી ને ના ભર દરિયા. સુખની એક માત્ર દવા છે, છે તેનો સંતોષ અને નથી તેનો ના હોય કોઇ ઉચાટ. હું તો સંતોષાઇ ગયોછું મારી પાસે જે છે તેનાથી.. અને હવે નથી જોઇતુ કંઇ વધુ આનાથી .
દુઃખ માત્ર મારું એટલું જ કે નવા સુખોની અપેક્ષામાં તુ નથી માણતી આજને કે નથી ભુલતી ગઇ કાલને. આવતી કાલની કલ્પનાઓ માં વેઠે છે તુ દુઃખ આજે અનેક . વધુ તો શું કહું માની જાને સખી! જેટલું હાથે તેટલું જ સાથે. તેની અંદરનો દીવો સળગી ચુક્યો હતો. તેની આંખો ખુલી ગઈ હતી.

ગુજરાત ટાઇમ્સ માં પ્રસિધ્ધ