પિન કોડ - 101 - 60 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 60

પિન કોડ - 101

પ્રકરણ-60

આશુ પટેલ

‘ડીજીપી ઓફિસ પર પણ બૉમ્બ ઝીંકાયો છે!’ એડિશનલ કમિશનર ક્રાઇમ રાકેશ મિશ્રાએ કહ્યું. એ સાથે બધા અધિકારીઓ છળી પડ્યા. મુંબઈ શહેરનું રક્ષણ કરનારી પોલીસ ખુદ નોધારી થઇ ગઇ હતી, અધૂરામાં પૂરું ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે રાજ્યના સર્વોચ્ચ પોલીસ વડાના કાર્યાલય પર પણ આતંકવાદી હુમલો થઈ ગયો હતો!
ઉચ્ચ અધિકારીઓ સાથે પોતાની ચેમ્બરમાંથી દોડીને કમ્પાઉન્ડમાં આવી ગયેલા કમિશનર શેખે હેડ ક્વાર્ટરનું મુખ્ય બિલ્ડિંગ તહસનહસ થઇ ગયેલું જોયું એ વખતે થોડી સેક્ધડમાં જ એ આઘાત પણ પચાવીને શેખનું દિમાગ ભયાનક ઝડપે દોડવા માંડ્યુ હતું. પોલીસ કમિશનર શેખે વિચાર કરી લીધો હતો કે તેઓ તરત જ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસને કોલ કરીને અહીંથી બચેલા બધા અધિકારીઓને લઇને સ્ટેટ પોલીસ હેડ ક્વાર્ટરમાં કોલાબા પહોંચી જાય. પણ એ પહેલાં તો એડિશનલ કમિશનર રાકેશ મિશ્રાના મોબાઇલ પર મોકાણના સમાચાર મળ્યા
કે ડીજીપી ઓફિસ પર પણ બૉમ્બ ઝીંકાયો છે
એટલે ફરી સ્વસ્થ થતા તેમને પણ થોડી વાર
લાગી.
આફતો આવે ત્યારે બટેલિયનમાં આવે છે એ કહેવત એ બધા ઉચ્ચ અધિકારીઓએ જીવનમાં કેટલીય વાર સાંભળી હતી, પણ આજે એનો તેમને અનુભવ થઇ રહ્યો હતો.
એ બધા અધિકારીઓ બહુ અનુભવી હતા પણ ક્યારેક બહુ અનુભવી માણસ પણ સમયના ઝંઝાવાતમાં ફંગોળાઈ જાય એવી એમની હાલત હતી. તેઓ અકલ્પ્ય ઝડપે થઇ રહેલા અણધાર્યા આતંકવાદી હુમલાની વાસ્તવિકતાને પચાવીને એના વિશે કશું વિચારે એ પહેલા તો ફરી બીજા હુમલાઓ થઇ રહ્યા હતા. રણમેદાનમાં ચોમેરથી દુશ્મનો વચ્ચે ઘેરાઇ ગયેલા યોદ્ધાને બહાર નીકળવાનો કોઇ રસ્તો સૂઝતો ના હોય એવી જ હાલત મુંબઇના ઉચ્ચ પોલીસ અધિકારીઓની થઇ ગઇ હતી. મુંબઈ પર આતંકવાદી હુમલાના પહેલા રાઉન્ડ પછી તેઓ કંઈ કરે એ અગાઉ જ હુમલાઓનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો હતો. અને એ હુમલા વિશે તેઓ પૂરી માહિતી મેળવે એ પહેલા હુમલાનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો અને એના કારણે તેમણે પોતે જ જીવ બચાવીને ભાગવું પડે એવી સ્થિતિ ઊભી થઇ ગઇ હતી. મુંબઇ પોલીસના હેડ ક્વાર્ટરની મુખ્ય ઇમારત પ્રચંડ બૉમ્બ વિસ્ફોટને કારણે ધ્વસ્ત થઇ ગઇ હતી એટલે મુંબઇ પોલીસ અક્ષરશ: ફૂટપાથ પર આવી ગઇ હતી! અને હવે મહારાષ્ટ્ર રાજ્ય પોલીસના હેડક્વાર્ટર પર બૉમ્બ ઝીંકાયો હતો એટલે શું કરવું એની દિશા કોઇને સૂઝી રહી નહોતી.
ડીજીપી ઓફિસમાં કેટલાય પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હશે અને એમાં ઉચ્ચ સ્તરના કેટલાક અધિકારીઓ પણ હશે એ વિચાર ધ્રુજાવી દેનારો હતો. પણ એની સાથે બીજી એક ચિંતા પણ કમિશનર શેખને સતાવી રહી હતી. આતંકવાદીઓએ આખા મુંબઇમાં તબાહી મચાવી દીધી હતી એ વખતે સૌથી વધુ અગત્યનું કામ શહેરમાં જે વિસ્તારોમાં આતંકવાદી હુમલાઓ થયા હતા એ તમામ વિસ્તારોના પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે કો-ઓર્ડિનેશન કરવાનું હતું. પણ બધા અધિકારીઓના દિમાગ બહેર મારી ગયા હતા.
જોઇન્ટ કમિશનર અજય ત્યાગી તો લગભગ માનસિક સંતુલન ગુમાવવાની અણી પર હતા. એક બાજુ તેમનું કુટુંબ જ્યાં હતું એ ફાઈવ સ્ટાર હોટેલ ‘સહારા સ્ટાર’ પર બૉમ્બ ઝીંકાયો હતો અને બીજી બાજુ મૃત્યુ તેમની બાજુમાંથી જ પસાર થઇ ગયું હતું. બીજા અધિકારીઓ પણ નિ:સહાય અને દિગ્મૂઢ બનીને બરબાદ થઇ ગયેલી મુખ્ય ઈમારતનો કાટમાળ જોઇ રહ્યા હતા. અજય ત્યાગી વિહ્વળ બનીને તેમની પત્નીનો મોબાઈલ નંબર લગાવવાની કોશિશ કરી રહ્યા હતા. પણ આતંકવાદી હુમલાઓને કારણે આખા મુંબઈના તમામ મોબાઈલ નેટવર્ક પર કોલ્સનો પ્રચંડ મારો શરૂ થઈ ગયો હતો એટલે એક જ રેકોર્ડેડ મેસેજ સંભળાઈ રહ્યો હતો: ‘ઈસ રૂટ કી સભી લાઈને વ્યસ્ત હૈ.’
ડીજીપી ઓફિસ પર પણ હુમલો થયો એ જાણીને લાગેલો આંચકો પણ પોલીસ કમિશનર શેખે થોડી સેક્ધડોમાં જ પચાવી લીધો. આ ક્ષણો તેમની નેતૃત્વશક્તિની અને અત્યંત વિકટ સંજોગોમાં તેમની ફરજ પ્રત્યેની કસોટીની હતી. તેમણે બૂમ પાડી: ‘ફાયર બ્રિગેડને બોલાવો અને ડીજીપી ઓફિસમાં પણ દોડાવો.’
ટીવી ચેનલ પર બીજા આતંકવાદી હુમલાના બ્રેકિંગ ન્યૂઝ ફ્લેશ થયા, મુંબઇ પોલીસ કમિશનરના હેડ ક્વાર્ટર પર બૉમ્બ ઝીંકાયો, બધા અધિકારીઓ દોડીને કમ્પાઉન્ડમાં ધસી ગયા, સ્ટેટ પોલીસ હેડ ક્વાર્ટર પર પણ આતંકવાદી હુમલાના સમાચાર મળ્યા... આ બધી ઘટનાઓ માત્ર પિસ્તાળીસ સેક્ધડમાં બની હતી, પણ એ પોણી મિનિટ બધા અધિકારીઓ માટે બહુ લાંબી અને આકરી થઇ પડી હતી. કમિશનર શેખે ફાયર બ્રિગેડને બોલાવવા માટે બૂમ પાડ્યા બાદ તરત જ મુખ્ય પ્રધાનનો મોબાઈલ નંબર લગાવ્યો પણ પેલો રેકોર્ડેડ મેસેજ સંભળાયો કે ઇસ રૂટ કી સભી લાઇને વ્યસ્ત હૈ. પહેલા આતંકવાદી હુમલા પછી કમિશનર શેખની એક વાર તો મુખ્ય પ્રધાન સાથે વાત થઇ ચૂકી હતી. એ વખતે મુખ્ય પ્રધાનના અવાજમાં પણ આતંકની લાગણી છતી થયા વિના રહી શકી નહોતી.
કમિશનર શેખે ધડાધડ આદેશ છોડતા છોડતા મુખ્ય પ્રધાનનો નંબર લગાવવાની કોશિશ ચાલુ રાખી. બીજા અધિકારીઓ પણ સ્વસ્થ થવાની કોશિશ કરતા કરતા જે વિસ્તારોમાં હુમલા થયા હતા એ અધિકારીઓને કોલ્સ કરવા લાગ્યા કે તેમના જુનિયર અધિકારીઓ તરફથી આવી રહેલા કોલ રિસીવ કરવા લાગ્યા.
* * *
નતાશાએ પોતાના શરીર સામે જોયું એ સાથે તેની આંખમાં ભય અને આશ્ર્ચર્ય ઊભરી આવ્યાં. તેણે જિંદગીમાં ક્યારેય નહોતા પહેર્યાં એ પ્રકારના કપડાં તેના શરીર પર હતાં. તેના જમણા હાથના કાંડા પર એક અત્યંત સાદી ઘડિયાળ હતી. તેની આંગળીઓમાંથી નેઇલ પોલિશ ગાયબ હતી.
હબકી ગયેલી નતાશા તેના શરીરનું નિરીક્ષણ
કરવા લાગી. તેની નજર અચાનક તેના ડાબા
હાથ પર ગઇ. તેને પોતાના શરીર પર અજાણી નિશાનીઓ જોવા મળી. તેના ડાબા હાથમાં કોણી નીચે એક મોટું લાખું હતું અને તેના જમણા હાથની ટચલી આંગળીમાં એક નાનકડો તલ હતો! તેને લાગ્યું કે તેનો આત્મા બીજા કોઈના શરીરમાં નથી આવી ગયો ને!
નતાશા થોડી વાર સ્તબ્ધ બનીને બેસી રહી. તેના ડાબા હાથના કાંડામાં સિરીન્જ ભરાવેલી હતી અને તેના પર મેડિકલ ટેપ લગાવેલી હતી. તેણે જોયું કે તેના પલંગની બાજુમાં એક સ્ટીલનું સ્ટેન્ડ હતું અને એના પર એક બાટલો ઊંધો લટકી રહ્યો હતો. નતાશાને થયું કે પોતે કોઈ હૉસ્પિટલમાં તો નથી ને! પણ એ રૂમ હૉસ્પિટલના કમરા જેવો તો નહોતો લાગતો. તેની સમજમાં નહોતું આવી રહ્યું કે તેને શા માટે અહીં લઇ અવાઇ અને તેના શરીર પર આ બધી નિશાનીઓ શા માટે કરાઇ હતી.
નતાશા પલંગ પરથી નીચે ઊતરી. તે દરવાજા પાસે પહોંચી. તેણે દરવાજો ખોલવાની કોશિશ
કરી પણ દરવાજો બહારથી બંધ હતો. તે ફરી
પલંગ પર જઇને બેઠી. નતાશાને લાગ્યું કે પોતે ક્યારથી આ રૂમમાં પડી હશે. ક્યાંક તેની સાથે કોઇએ...
પોતાના પર બળાત્કારની કલ્પનામાત્રથી નતાશા ધ્રૂજી ઊઠી. જોકે તેને પોતાની સાથે એવું કંઇ થયું હોવાની અનુભૂતિ ના થઇ. એ રૂમમાં બીજો એક દરવાજો હતો. તે એ તરફ ગઇ. એ દરવાજાને બહારથી સ્ટોપર મારેલી હતી. નતાશાએ એ દરવાજો ખોલ્યો. એ દરવાજો બાથરૂમનો હતો. એ બાથરૂમમાં એક નાની લાઇટ ચાલુ હતી. નતાશા બાથરૂમમાં પ્રવેશીને વોશ બેસિન પાસે ગઇ. વોશ બેસિનની ઉપરના અરીસામાં તેણે પોતાનું પ્રતિબિંબ જોયું એ સાથે તે છળી પડી!

(ક્રમશ:)