એક અનોખું વૃધ્ધ સંમેલન. Pallavi Jeetendra Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનોખું વૃધ્ધ સંમેલન.

એક અનોખું વૃધ્ધ સંમેલન.

પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી

દર શનિવારની જેમ આ શનિવારે પણ, ગાંધીબાગનાં ત્રણ વાંદરાનાં પૂતળા આગળની લોનમાં વૃધ્ધ સંમેલન યોજાયું હતું. આ પૂતળું એક પ્રતિક હતું. ‘બુરા મત બોલો, બુરા મત દેખો, બુરા મત સુનો’ એવી શીખ આપતું હતું. એકત્ર થયેલાં વૃધ્ધોમાં નિવૃત્ત, ગૃહસ્થો અને ગૃહિણીઓ હતી. તેઓ દર શનિવારે કોઈ સારા વક્તાને બોલાવીને તેમનું વક્તવ્ય સાંભળતા અને ચર્ચા કરતાં. આજે સદ્પરિવાર વાળા યુવાન કુમારભાઈનું વક્તવ્ય હતું.

આ બાગમાં આવનારા વડીલોને સમયનું ખાસ બંધન નહોતું. તેથી તેઓ વક્તવ્યના સમય કરતાં ઘણા વહેલા આવી જતાં. અને વક્તવ્ય પત્યા પછી પણ, એકબીજાને ‘બેહોને બે-ઘડી’ એમ કહેતાં. સાપેક્ષતાની થીયરી પ્રમાણે આ ‘બે ઘડી’ એમના માટે ‘બે કલાક’ થઈ જતાં. કુમારભાઈ બરાબર પાંચના ટકોરે આવ્યા અને એમણે પોતાનું વક્તવ્ય શરૂ કર્યું.

‘’આદરણીય વડીલો, આજે આપ સૌના જીવનમાં ઉપયોગી થાય એવી બે- ચાર વાતો લઈને, હું અહીં ઉપસ્થિત થયો છું. કહેવાય છે, કે- વૃધ્ધાવસ્થા એ બાળપણનું જ બીજું રૂપ છે. કોઈ ચંચળ બાળકને તમે કહો કે, ‘સીધો બેસ’ તો બે ઘડી એ સીધો બેસે, અને ફરી તોફાન કરવા માંડે. એ જ રીતે વૃધ્ધોને- વડીલોને અમે બે-ચાર સારી વાત શીખવાડીને જઈએ, તે પછી બે-ચાર દિવસ તેઓ એ વાત સ્વીકારે, અનુસરે અને પછી પાછા હમેશની ઘટમાળમાં જ જીવે. એમના મનમાં, ’પાકે ઘડે કાંઠા ન ચઢે’ એ વાત ઘર કરી ગઈ હોય છે. પણ હે વડીલો! આપ સૌ તો સુજ્ઞજનો છો, સમજુ છો. તેથી મારી આજની વાત જીવનમાં ઉતારશો અને બાકીનું જીવન આનંદથી ગુજારશો એવી મને શ્રધ્ધા છે.

૧- વારંવાર ઘડિયાળમાં જોઈને, ‘કેટલા વાગ્યા?’, ‘કેટલાવાગ્યા?’ એમ પૂછવાનું બંધ કરજો. ભગવાનનું નામ લો, શ્લોક બોલો, માળા જપો, સારા પુસ્તકો વાંચો, સારા વ્યાખ્યાન-કેસેટ-સીડી..સાંભળો, સારુ વિચારો, સારા માણસનો સંગ કરો,

૨- ખાન-પાન-સાન-ભાન અને માન, આ પાંચ શબ્દો બરાબર સમજી લો. આ ઉંમરે ખાવા-પીવાનું ધ્યાન રાખો. પચે એટલું જ અને એવું જ ખાઓ-પીઓ. ઘરના માણસોની વાતો સાનમાં સમજી જાઓ અને બોલવાનું ભાન રાખો, તો તમારું માન આપોઆપ જળવાશે.

૩- ‘આ ઘરમાં તો મારું કહ્યું જ થાય’ એવી મમત કે જીદ છોડી દો. ધીમે ધીમે બધું છોડતા જાઓ, તો ઇશ્વરની નજીક પહોંચી શકશો.

૪- ચિંતા છોડો. ( છોકરો પચીસ વરસનો થયો પણ પરણવાનું નામ લેતો નથી, રામ જાણે ક્યારે પરણશે) , પારકાની પંચાત છોડો. ( પડોશીની છોડી રાતના નવ-દસ વાગ્યા સુધી બહાર ભટકે છે.), બીજાની ટીકા-નિંદા કરવાનું છોડો. ( ઘરમાં પરણીને આવ્યે વીસ વરસ થયાં, પણ વહુને હજી બાસુંદી બનાવતાં આવડતું નથી), ભૂતકાળમાં કરેલા ત્યાગ કે આપેલા ભોગનો અફસોસ ન કરો. (અમે તો ટાંટિયા-તોડ કરીને બે પૈસા બચાવ્યા, પેટે પાટા બાંધીને છોકરાંને ભણાવ્યા-પરણાવ્યા,અને જુઓ તો- એ લાટસાહેબો હવે મોટી મોટી ગાડીયુંમાં મહાલે છે, ધૂમ પૈસો વાપરે છે.).

૫- તમારા જમાનાની વાત, તમારા ભવ્ય ભૂતકાળની યશોગાથા, એક ની એક વાત વારંવાર કહેવાનું ટાળજો. સમય પ્રમાણે તમારા વિચારો, તમારી જાતને બદલજો. ઘરનાંને અનુકૂળ થઈને જીવતાં શીખજો, તો તમારું ઘડપણ ઉજમાળું- આનંદમય બનશે. “

કુમારભાઈનું વક્તવ્ય પૂરું થયું, એટલે વૃધ્ધજનોએ એમને તાળીઓથી વધાવ્યાં. કુમારભાઈ વિદાય થયા પછી વૃધ્ધો ટોળે વળીને વાતોએ વળગ્યાં.

સન્મુખરાય: આ કુમાર! અંગુઠા જેવડો છોકરો! એને મેં એકડો ભણાવેલો. આજે એ મને- આપણને ભણાવવા નીકળ્યો. બે વાત શું શીખી લીધી કે આપણને સલાહ આપવા નીકળી પડ્યો. આપણને ‘તોફાની બાળક’ સાથે સરખાવવા નીકળ્યો, અને એ ભૂલી ગયો કે એના તોફાન બદલ મેં એને કેટલીય વાર શિક્ષા કરી હતી.

જીવણલાલ: પણ સન્મુખરાય, વાત તો એણે સો ટચના સોના જેવી- સોળ આની સાચી જ કરી ને?

મગનલાલ: વાત ગમે તેટલી સાચી હોય તો શું થયું? આપણને વડીલોને એ ટેણિયો સલાહ આપી જાય એ સારું તો ન જ કહેવાય ને? એકલા આપણે વડીલોએ જ બદલાવાનું? આપણા સંતાનોની આપણા પ્રત્યે કંઈ ફરજ ખરી કે નહીં?

કાંતિલાલ: અરે એ તો બોલનારા બધા બોલ્યાં કરે. હું તો વડીલ હોવાને નાતે, મારા ઘરનાં માણસોને આંગળીના ટેરવે નચાવું છું. ખાવાનું ટાઈમસર નહીં આપે તો આ મારી પત્ની કાંતા અને વહુની ધૂળ કાઢી નાખું. પીવી હોય ત્યારે ચા મૂકાવું, પછી ભલેને રાત્રીના ૧૧ કેમ ના વાગ્યા હોય. હું માંગુ ત્યારે- તે વસ્તુ મને મળવી જ જોઈએ. કોઈની દેન છે કે મને ના પાડે? ઘરમાં શું રાંધવું અને બહાર શું ચાંલ્લો કરવો, બધું મને પૂછીને જ થાય છે.

જીવણલાલ: આજના જમાનામં આવા આજ્ઞાંકિત છોકરાં-વહુ તો નસીબદાર હોય એને જ મળે.

કાંતિલાલ:અરે, ધૂળ આજ્ઞાંકિત! આ તો મારી પાસે ભરપૂર દલ્લો (માલ-મિલકત) પડ્યો છે, તે બધાંને મેળવવો છે, એટલે નીચા નમીને બધાં સેવા કરે છે. બાકી તો હું જાણું ને કે બધાં’સ્વાર્થના સગાં’ છે.

મગનલાલ: એમ તો દલ્લો તો મારી પાસે પણ ક્યાં નથી પડ્યો? પણ મારાં ઘરવાળાને કે છોકરાંને એની જરાય પડી નથી. આ મારી પત્ની મંજુલા જ કહે છે, ‘પૂળો મૂકો તમારા દલ્લામાં’

મંજુલા: તે કહું તો ખરી જ ને? ‘ચમડી તૂટે પણ દમડી નથી છૂટતી’ એવા દલ્લાને શું ધોઈને પીવાનો? કોઈ દિવસ આમને થયું નથી કે લાવ, આના માટે બે સારા લુગડાં લઉં કે સોનાની બંગડી કરાવું.

મગનલાલ: આ ઉંમરે હવે એવા બધા ભભડા શું કરવાના? બહુ પહેર્યું-ઓઢ્યું તો પણ બૈરાંને સંતોષ જ નહી.

જીવણલાલ: ચાલો તમે બન્ને આ બાબત પર ઝગડવાનું બંધ કરો. સંસાર છે, ચાલ્યા કરે એ તો. આ જુવોને, હું અને જીવી,આજે અમે બન્ને સાથે અહીં વ્યાખ્યાન સાંભળવા આવવના હતાં. પણ વહુ કહે, ‘બાપુજી,આજે તમે બાને સાથે ન લઈ જતા. આજે ઘરમાં ઘણા મહેમાન જમવા આવવાના છે, તે બા ટીકુને રાખે તો હું રસોઈ બનાવી શકું’

કાંતાબેન: લ્યો, વહુએ તો સાસુને આયા બનાવી દીધી. મને તો વહુએ જ્યારે પહેલી વાર આ રીતે બિટ્ટુને રાખવાનું કહેલું, ત્યારે જ મેં તો ધડ દેતીકને ના પાડતાં કહી દીધેલું, ‘તારા જણ્યાને તું રાખ બાઇ, મેં મારાને મોટો કરીને તને સોંપી દીધો. હવે મારી જવબદારી પૂરી. મને હવે એવી પળોજણ ન ફાવે.’ ખરુંકે નહીં?

મંજુલા: અરે વાત જ જવા દો ને, કાંતાબેન. શું ખરાબ જમાનો આવ્યો છે. આ મને જરાક ડાયાબિટિશ થયો કે, છોકરાએ હુકમ છોડ્યો, ‘બા, તમારે ભાત નથી ખાવાનો- બટાકા નથી ખાવાના-ખાંડવાળી ચા નહીં પીવાની- મીઠાઈની તો સામે પણ નથી જોવાનું’ અરે ત્તારી ભલી થાય. તારી ઘરવાળી મારી નજર સામે માલમલીદા ઝાપટે, ઘી વાળી રોટલી ખાય, અને મારે કાચું-કોરૂં ખાવાનું? હું તો મારે મન થશે તે ખાઈશ. મારે હવે ગયા એટલા વર્ષ થોડા જ જવાનાં છે? માંદી પડીશ તો તારી ઘરવાળી છે ને મારી ચાકરી કરનારી? પાછો ડાહ્યો થઈને મને કહે, ‘બા, સવાર-સાંજ ચાલવા જાઓ. ચાલવાથી ડાયાબિટિશ ઘટે. મેં તો રોકડું પરખાવ્યું, ‘વાહ રે મારા દિકરા, તું ગાડીમાં મહાલે અને મારે ટાંટિયાતોડ કરવાની?’ એ તો ચૂપ જ થઈ ગયો.

કાંતાબેન: એમ તો મને પણ હાઈ બ્લડ પ્રેશર છે. દિકરો કહે છે, ‘મા, ગુસ્સો ન કર, ચિંતા ન કર, બ્લડ પ્રેશર વધી જશે.’ પણ સ્વભાવનું કોઈ ઓસડ નથી. હવે તો મશાણના લાકડાં ભેગો જ જશે આ સ્વભાવ. ચિંતા કર્યા વિના રહેવાતું જ નથી, અને ગુસ્સો આવે ત્યારે મારા જેવી ભૂંડી બીજી કોઈ નહીં.

કાંતિલાલ: હાસ્તો,તારા જેવી ભૂંડી બીજી કોઈ નહીં, એ વાત તું અને હવે તો બધાં જ સારી રીતે જાણે છે.હવે કોઇ તારી નજીક ફરકતું નથી અને બધાં જ તારાથી દૂર થઈ ગયાં છે. આખી જીંદગી તું કડવી રહી અને મારું જીવતર પણ તેં કડવું ઝેર કર્યું.

કાંતાબેન: છો રહ્યાં અમે કડવાં.તમે ય તે ક્યાં ઓછાં ઉતરો એવાં છો? રિટાયર્ડ થયા પછી ઓફિસના કે ઘરના લોકો ક્યાં તમારો ભાવે ય પૂછે છે? આખો દિવસ ભૂત જેવા ભમ્યા કરો છો અને બધાંનો જીવ ખાયા કરો છો.

જીવણલાલ: લ્યો, હવે તમે બન્ને બાઝવા માંડ્યા? ખમ્મા કરો બાપા. એમ તો મને નવરો જોઈને મારો દિકરો પણ કહ્યા કરે છે, ‘ બાપુજી, તમે સાવ આમ નવરા બેસી રહો છો, એ કરતાં શેરીના બાળકોને ભણાવતાં હોય તો? એમને વાર્તાઓ કહો. હોસ્પિટલમાં માંદા માણસની ખબર પૂછવા જાઓ.’ એની વાત પણ કંઈ ખોટી તો નથી જ. પણ હવે મને જ મન નથી થતું આ બધું કરવાનું, તન અને મન, બન્નેથી થાકી ગયો છું.

કાંતાબેન: જીવણલાલ, પણ તમે જ કહો. આપણે પેટે પાટા બાંધીને દિકરાને મોટો કર્યો અને હવે બધો લાભ પેલી ‘વીસનખી’ ખાટી જાય, તો જીવ તો બળે કે નહીં?

મંજુલા: હું તો આખી સોસાયટીમાં જઈને બન્નેની આબરુના એવા તો ધજાગરા ઉડાવું કે બન્ને સમસમીને ચુપ બેસી જાય છે. ક્યારેક વળી પેલીનો ચઢાવ્યો દિકરો કહે, ‘માં, તમે ઘરની વાત બહાર કરો છો તે સારું નથી. પારકાં આગળ પોતાનાની એબ શું કામ ખોલો છો?’

મગનલાલ: પણ દિકરાની વાત તો સાચી જ ને? તારા આવા વર્તનથી પારકાની ખોટી ખોટી સહાનુભૂતિ તો આપણને મળી જાય, પણ આપાણા દિકરા-વહુનો પ્રેમ જ આપણને નહીં મળે.’

મંજુલા: લ્યો બોલ્યા. પ્રેમને તે શું ચાટીને પીવો છે? કે પછી એના ચાંદ ગળે લટકાવવાના છે? હું તો કહું છું આપણ પાસે પૈસા પડ્યા હશે તો સૌ કોઈ આજુબાજુ રહેવાના જ છે.

જીવણલાલ: વાતવાતમાં અંધારું થઈ ગયું, ચાલો હું હવે જાઉં ને છોકરાંને રાખું તો જીવી, વહુને થોડી મદદ કરાવી શકે.

બધાં: ચાલો, ત્યારે અમે પણ હવે ઉઠીએ. આજે વ્યાખ્યાન સાંભળવાની અને ચર્ચા કરવાની બહુ મજા આવી.

બાકીની વાતો આવતા શનિવારે કરીશું. સૌને જેશીકૃષ્ણ!