પિન કોડ - 101 - 57 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિન કોડ - 101 - 57

પિન કોડ - 101

પ્રકરણ-57

આશુ પટેલ

‘મુંબઇ પર થયેલા ખોફનાક આતંકવાદી હુમલાએ આખા દેશને પણ ધ્રુજાવી દીધો છે. મુંબઇના અને આખા ભારતના ઇતિહાસમાં આવો પહેલો ખોફનાક આતંકવાદી હુમલો છે. મોડી સાંજના ભયાનક ટ્રાફિકમાં ખેરવાડી જંક્શન પરથી એક કાર હવામાં ઊંચકાઇ અને ઉડવા લાગી. એ કારમાંથી શ્રેણીબદ્ધ બૉમ્બ થોડા થોડા અંતરે ઝીંકાયા. પહેલો બૉમ્બ ખેરવાડી અને વાકોલા ફ્લાયઓવર વચ્ચે ઝીંકાયો, બીજો વાકોલા ફ્લાયઓવર પર ઝીંકાયો, ત્રીજો એરપોર્ટ નજીકના ફ્લાયઓવર પર, ચોથો જોગેશ્ર્વરી ફ્લાયઓવર પર જોગેશ્ર્વરી-વિક્રોલી જંક્શન પાસે, પાંચમો આરે કોલોની નજીકના ગોરેગાંવ ફ્લાયઓવર પર, છઠ્ઠો ‘વેસ્ટિન’ હોટલ નજીક દીંડોશી ફ્લાયઓવર પર, સાતમો મલાડ ફ્લાયઓવર પર અને આઠમો કાંદિવલીમાં ઠાકુર કોમ્પલેક્સના ફ્લાયઓવર પર ફેંકાયો. આ આઠ બૉમ્બ બ્લાસ્ટસ પછી જે ફ્લાઇંગ કારમાંથી આ બૉમ્બ ફેંકાયા હતા એ કારના પણ પ્રચંડ વિસ્ફોટ સાથે ફૂરચા નીકળી ગયા. આ વિસ્ફોટો એટલા પ્રચંડ હતા કે દરેક ફ્લાયઓવર્સ પર સેંકડો વાહનો ફૂંકાઈ ગયા અને એમા બેઠેલા ઉતારૂઓના શરીર છિન્નભિન્ન થઈ ગયા. જ્યાં જ્યાં બૉમ્બ ઝીંકાયા એ બધા ફ્લાયઓવર્સમાં મોટા ગાબડાં પડી ગયાં છે. દરેક ફ્લાયઓવર પર નીચે સિગ્નલ્સ હોય એવી જગ્યાએ બૉમ્બ ઝીંકાયા છે એટલે કેટલી ખુવારી થઈ હશે એની કલ્પના પણ ધ્રુજાવી દેનારી છે. મોડી સાંજના ભયંકર ટ્રાફિકમાં ફ્લાયઓવર્સ નીચેના સિગ્નલના ટ્રાફિક પર ઉપરથી ફ્લાયઓવરનો કાટમાળ અને વાહનોનો કાટમાળ પડતા સિગ્નલ નજીક ઊભેલા અને પસાર થઈ રહેલા વાહનોનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો છે...’ એક ટીવી ચેનલ પર એક ન્યૂઝ એન્કર ગળું ફાટી જાય એવી રીતે બ્રેકિંગ ન્યૂઝ આપી રહ્યો હતો.
‘આતંકવાદી હુમલામા વાહનો પર બૉમ્બ ઝીંકાયા એ વખતે વાહનોના ઈંધણને કારણે નુકસાનની માત્રા ભયજનક રીતે વધી ગઈ હતી. ગેસથી ચાલતા કેટલાય વાહનોના ગેસ સિલિન્ડર મિની બૉમ્બ્સ સમા સાબિત થયા હતા. વાહનોનો સળગતો કાટમાળ ફ્લાયઓવર નીચેના વાહનો પર પડતા નીચેથી પસાર થઈ રહેલા ઘણા વાહનોની પેટ્રોલ ટેંક્સ અને ગેસ સિલિન્ડર્સ પણ વિસ્ફોટ સાથે ફાટ્યા હતા. મુંબઈ પર થયેલા આ આતંકવાદી હુમલાએ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલાની યાદ અપાવી દીધી છે. એ આતંકવાદી હુમલાની જેમ જ આ આતંકવાદી હુમલો પણ અકલ્પ્ય હતો. જે કારમાંથી બૉમ્બ ઝીંકાયા એ કાર એક યુવતી ચલાવી રહી હતી. એ આત્મઘાતી યુવતીએ મુંબઈમાં તબાહી મચાવ્યા પછી પોતે જે કારમાં હતી એ કાર સાથે પોતાની જાતને પણ ફૂંકી મારી હતી...’ બીજી એક ટીવી ચેનલ પર બ્રેકિંગ ન્યૂઝ પ્રસારિત થઈ રહ્યા હતા.
અન્ય એક ન્યૂઝ ચેનલ પર આતંકવાદી હુમલાની માહિતીની સાથે સાથે એ અણધાર્યા હુમલા પછી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ફેલાયેલી અંધાધૂંધી વિશે માહિતી અપાઈ રહી હતી. એ ચેનલે એના દર્શકોને સિટિઝન જર્નાલિઝમની અપીલ કરી હતી એટલે એ ચેનલ પર વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના હુમલાઓ થોડા મીટર કે થોડા ફૂટના અંતરેથી જોનારા ઘણા મુંબઈગરાઓએ પોતાના મોબાઈલ ફોનથી મોકલેલા ફોટોઝ અને વીડિયોઝ દર્શાવાઈ રહ્યા હતા. કોઈના હાથ કે પગ અથવા શરીરના બીજા હિસ્સાઓ રસ્તા ઉપર પડ્યા હોય એવા, ગમે એવા કઠણ કાળજાની વ્યક્તિના મનને પણ વિચલિત કરી દે એવા, દૃશ્યો એ ચેનલ પર પ્રસારિત થઈ રહ્યા હતા.
એક ચેનલ પર બ્રેકિંગ ન્યૂઝ ચાલી રહ્યા હતા: જ્યાં બૉમ્બ ઝીંકાયા છે એ વિસ્તારો પૈકી કાંદિવલી અને મલાડને બાદ કરતાં કોઈ પણ જગ્યાએ એમ્બ્યુલન્સ કે ફાયરબ્રિગેડ કે પોલીસ પહોંચી શકે એમ નથી. એક તો તમામ વિસ્તારોમાં ટ્રાફિકજામ હતો એમાં આ આતંકવાદી હુમલાને કારણે ટ્રાફિકની સ્થિતિ ભયંકર હદ સુધી ખરાબ થઈ ગઈ છે. આ હુમલામાં ઈજા પામેલા ઘણા માણસો રસ્તાઓ ઉપર તરફડી રહ્યા છે. તેમને તાત્કાલિક સારવાર ના મળે તો મૃત્યુઆંક ભયજનક રીતે વધી શકે છે. ટ્રાફિક પોલીસની મદદે જાગૃત નાગરિકો પણ પહોંચી ગયા છે. પરંતુ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે આ બધા પ્રયાસો આભ ફાટ્યું હોય ત્યાં થીગડું મારવા જેવા સાબિત થઈ રહ્યા છે...’
કુશાન્દે સોફા પર બેઠા બેઠા રીમોટની મદદથી ટીવી ચેનલ્સ બદલતા બદલતા બ્રેકિંગ ન્યૂઝ જોઈ રહેલો, આઈએસની ભારતની પાંખનો ચીફ કમાન્ડર, ઇશ્તિયાક અહમદ પિશાચી આનંદ માણી રહ્યો હતો.
તેના એક સાથીદારે કહ્યું: ભાઈજાન, આપકે અલાવા દૂસરા કોઈ યે નહીં કર પાયા હોતા.’
‘અલ્લાહકા શુક્ર હૈ.’ ઇશ્તિયાકે વિજયી સ્મિત કરતા કહ્યું.
કાશ, નાઝનીન યે સબ દેખ પાતી!’ ઇશ્તિયાકના બીજા એક સાથીદારે કહ્યું.
અરે! વો ઉપરસે યે સબ દેખ રહી હોગી. વો ખુશનસીબ લડકી જન્નતમેં હમારા ઈંતજાર કર રહી હોગી.’
ઇશ્તિયાકે કહ્યુ અને પછી તેણે એક ફોન નંબર લગાવ્યો. સામે છેડેથી હલ્લો સંભળાયું એ સાથે તે ઉત્સાહભેર સૂચના આપવા માંડ્યો.
* * *
મુંબઈના પોલીસ કમિશનર ઈલિયાસ શેખના મોબાઈલ ફોન પર સતત કોલ ચાલી રહ્યા હતા. કોઈ એકલદોકલ જગ્યાએ બૉમ્બવિસ્ફોટ થયો હોત તો તેઓ ત્યાં ધસી ગયા હોત. પણ અત્યારે સ્થિતિ એટલી ખરાબ હતી કે તેઓ ક્યાય પણ પહોંચી શકે એમ નહોતા. પોતાની ઓફિસમાં રહીને જ તેઓ આતંકવાદી હુમલાને કારણે સર્જાયેલી અંધાધૂંધીભરી સ્થિતિ પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહ્યા હતા. સતત આવી રહેલા કોલ્સની વચ્ચે વચ્ચે તેઓ તેમની ઓફિસમાં તેમના સાથી અધિકારીઓ સાથે વાત કરી રહ્યા હતા.
શેખને રહી રહીને એ વાતનો અફસોસ થઈ રહ્યો હતો કે સેંટ્રલ ઇંટેલિજન્સ બ્યૂરો તરફથી મુંબઈમાં આરડીએક્સ આવ્યું હોવાની માહિતી મળી હોવા છતા પોતે મુંબઈને આતંકવાદી હુમલાથી બચાવી ના શકયા. એ માટેના કારણો ઘણા હતા, પણ આ આતંકવાદી હુમલો ખાળી ના શકાયો એ આ શહેરના પોલીસવડા તરીકે તેમની નિષ્ફળતા હતી. તેમની આજ સુધીની યશસ્વી અને ઝળહળતી કારકિર્દી પર આ હુમલાએ કાળી ટીલી લગાવી દીધી હતી. તેમના ચહેરા પરથી નૂર હણાઈ ગયું હતું અને તેઓ ભયંકર માનસિક તનાવની સાથે ગ્લાનિથી પણ પીડાઈ રહ્યા હતા. તેમની ચેમ્બરમાં ટીવી પર પ્રસારિત થઈ રહેલા કમકમાટીભર્યાં દૃશ્યો તેમની વેદનાને બેવડાવી રહ્યા હતા.
તેમની ચેમ્બરના ટીવીના સ્ક્રીન પર જે ટીવી ચેનલનું પ્રસારણ તેઓ જોઈ રહ્યા હતા એમાં એક જાણીતી ટીવી પત્રકાર યુવતી આતંકવાદી હુમલાના બ્રેકિંગ ન્યૂઝ આપી રહી હતી. શેખે મોબાઈલ ફોન પર એક જુનિયર અધિકારી સાથે વાત કરતા કરતા તે પણ પત્રકાર યુવતીના ચહેરાના હાવભાવની નોંધ લીધી. શેખ તે ટીવી પત્રકાર યુવતીને સારી રીતે ઓળખતા હતા. તે યુવતીના ચહેરા પર અને આંખોમાં છલકાતા ડરને જોઈને પોલીસ કમિશનર શેખને થયું કે અનેક જોખમી અને ગંભીર સમાચારો આપી ચૂકેલી આ ટીવી પત્રકારના ચહેરા પર પણ ખોફ હોય
તો સામાન્ય મુમ્બઈગરાઓ કેવો ભય અનુભવી રહ્યાં હશે.
આતંકવાદી હુમલાના સમાચાર આપી રહેલી તે ટીવી પત્રકારે અચાનક સમાચારનું વાક્ય અધૂરું છોડીને તરડાયેલા અવાજે કંઈક કહ્યું એટલે શેખે કોલ ટૂંકાવી દેવો પડ્યો. તે યુવતીનું પહેલું વાક્ય સાંભળીને પોલીસ કમિશનર શેખને લાગ્યું કે તેમના પગ તળેથી
ધરતી સરકી રહી છે. તેઓ ખુરશીમાથી ઊભા થઈ ગયા.
પણ તે યુવતીએ આગળ જે માહિતી આપી એના કારણે કંઈક કટોકટીભર્યા સમયનો સામનો કરી ચૂકેલા અનુભવી અને અત્યંત મજબૂત મનોબળ ધરાવાતા શેખને લાગ્યું કે તેમની આજુબાજુ બધુ ગોળગોળ ફરી રહ્યું છે.

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Hina Thakkar

Hina Thakkar 4 માસ પહેલા

Tejal

Tejal 2 વર્ષ પહેલા

Binita

Binita 2 વર્ષ પહેલા

Arzoo baraiya

Arzoo baraiya 2 વર્ષ પહેલા

Bharat Maghodia

Bharat Maghodia 3 વર્ષ પહેલા