પિન કોડ - 101 - 56 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિન કોડ - 101 - 56

પિન કોડ - 101

પ્રકરણ-56

આશુ પટેલ

‘ગુજરાત પોલીસ ફરી એક વાર એન્કાઉન્ટરને કારણે વિવાદમાં ઘેરાઈ છે. ગુજરાત પોલીસની એન્ટિ ટેરરિઝમ સ્ક્વોડની એક ટીમે ગઈ રાતે એક શંકાસ્પદ એન્કાઉન્ટરમાં બે યુવાનોને ગોળીએ દીધા હતા. માર્યા ગયેલા બન્ને યુવાનો સગા ભાઈ હતા. પોલીસે એવો દાવો કર્યો છે કે તે યુવાનોનો આતંકવાદી સંગઠન સાથે સંબંધ હતો. જો કે પોલીસની ગોળીઓનું નિશાન બનેલા બન્ને યુવાનોનાં માતાપિતાએ આક્ષેપ કર્યો છે કે પોલીસે અમારા બચ્ચાઓને ઠંડે કલેજે મારી નાખ્યા છે. અમારા દીકરા રાતે ઘરમાં સૂતા હતા એ વખતે અચાનક સાદા વેશમાં શસ્ત્રો સાથે ધસી આવેલા પોલીસ કર્મચારીઓ અમારી નજર સામેથી અમારા બચ્ચાઓને ઉઠાવી ગયા હતા. અમે તેમને કહ્યું કે અમારાં સંતાનોએ ક્યારેય કોઈ ખોટું કામ નથી કર્યું. પણ પોલીસ કર્મચારીઓએ અમારા લમણા પર પિસ્તોલ ધરીને કહ્યું કે અમને રોકવાની કોશિશ કરશો તો અમે તમને ગોળી મારી દઈશું. અમારો એક દીકરો કોલેજમા ભણતો હતો અને તેની ઉમ્મર માત્ર સત્તર વર્ષની હતી. અમારો બાવીસ વર્ષનો બીજો મહેનતકશ દીકરો રિક્ષા ચલાવતો હતો અને તેની જે કમાણી થતી હતી એના થકી અમારા નવ સભ્યોના પરિવારનું ગુજરાન ચાલતું હતું...’
એક ટીવી ચેનલ પર પ્રસારિત થઈ રહેલા બ્રેકિંગ ન્યૂઝ જોઈ રહેલા, સેંટ્રલ ઇન્ટેલીજન્સ બ્યુરોના આઈજીપી, પવન દીવાનના ચહેરા પર સ્મિત ફરકી ગયું. તેમને ખબર હતી કે થોડી જ વારમાં ગુજરાતના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અને એન્ટિ ટેરરિઝમ સ્ક્વોડના પોલીસ વડાની પ્રેસ કોન્ફરન્સ યોજાશે એ પછી એવા બ્રેકિંગ ન્યૂઝ શરૂ થઈ જશે કે ગુજરાત પોલીસે ડઝનબંધ જગ્યાઓ ધમરોળીને મોટી માત્રામાં આરડીએક્સ પકડી પાડીને ગુજરાતને ખતરનાક આતંકવાદી હુમલાથી બચાવી લીધું છે. અને એ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સમક્ષ જડબેસલાક પુરાવા રજૂ થશે કે પેલો માસૂમ ‘કોલેજિયન અને તેના મહેનતકશ’ રિક્ષાચાલક ભાઈ અંડરવર્લ્ડ અને આતંકવાદી સંગઠન આઈએસ સાથે કેટલી હદ સુધી સંકળાયેલા હતા!
આઈજીપી પવન દીવાને રાહતનો શ્ર્વાસ લીધો પણ બીજી જ ક્ષણે તેમને યાદ આવ્યું કે હજી મુંબઈ પર ખતરો ઝળૂંબી રહ્યો છે. તેમણે ઉચાટ સાથે મુંબઈના પોલીસ કમિશનર ઈલિયાસ શેખનો નંબર લગાવ્યો.
* * *
બિઝનેસ ટાઇકૂન રાજ મલ્હોત્રા તેમની કંપનીના સ્કાયસ્ક્રેપર હેડ ક્વાર્ટર ‘મલ્હોત્રા હાઉસ’ના પાંત્રીસમાં માળના ટોપ ફ્લોરથી પોતાની પર્સનલ લિફ્ટમાં નીચે ઊતર્યા. લિફ્ટમાંથી બહાર આવીને તેઓ પોતાના પર્સનલ આસિસ્ટન્ટ પ્રશાંત કુલકર્ણી સાથે વિશાળ લોબીમાં ચાલતા ચાલતા પોર્ચ તરફ આગળ વધ્યા. પોર્ચમાં તહેનાત કસ્ટમાઇઝડ રોલ્સ રોયસ કાર સુધી પહોંચતા-પહોંચતા તેઓ વિશાળ રિસેપ્શન એરિયામાં ઉપસ્થિત કર્મચારીઓના અભિવાદનનું માથું હલાવીને કે હળવું સ્મિત કરીને પ્રતિસાદ આપતા ગયા. તેમની કંપનીનો યુનિફોર્મ ધારણ કરેલા એક કર્મચારીએ રોલ્સ રોયસનો પાછળનો દરવાજો ખોલ્યો. રાજ મલ્હોત્રા પાછળની સીટમા બેઠા એ દરમિયાન તેમનો પર્સનલ આસિસ્ટન્ટ ડ્રાઇવરની બાજુની સીટમાં ગોઠવાયો. રાજ મલ્હોત્રાની સેક્રેટરી શીતલ મિત્રા બીમાર હતી એટલે આજે તેમની સાથે નહોતી. નહીં તો તે તેમની સાથે પાછળની સીટમાં તેમની જમણી બાજુ બેઠી હોત અને રાજ મલ્હોત્રા કારમાં પ્રવાસ દરમિયાન પણ તેની સાથે કામની વાતો કરી રહ્યા હોત.
રાજ મલ્હોત્રાના પર્સનલ આસિસ્ટન્ટ કુલકર્ણીએ ડ્રાઇવરને સૂચના આપી : ‘ઍરપોર્ટ કે પાસ સહારા સ્ટાર લે લો.’
ડ્રાઇવરે સહેજ માથું નમાવ્યું અને કાર ગતિમાં આણી.
રાજ મલ્હોત્રાએ તેમના જમણા હાથમાં બાંધેલી ગોલ્ડ પ્લેટેડ રોલેક્સ ઘડિયાળમાં સમય જોયો. તેમની ઘણી ખાસિયતો હતી એમાંની એક એ હતી કે તેઓ હંમેશા રોલેક્સની જ ઘડિયાળો પહેરતા હતા. અને તેઓ બીજા બધા લોકોની જેમ ઘડિયાળ ડાબા હાથના કાંડા પર પહેરવાને બદલે જમણા હાથના કાંડા પર પહેરતા હતા. સાંજના સાડા છ વાગી ચૂક્યા હતા. આ ટાઇમ પર ટ્રાફિક તો નડશે જ, તેમણે વિચાર્યું. તેમને થયું કે બીજી કંપનીઝની જેમ પોતાની કંપનીનું હેડક્વાર્ટર પણ બાંદરા-કુર્લા કોમ્પલેક્સમાં ખસેડ્યું હોત તો અત્યારે સારુ પડત. તેમની કંપનીનું હેડ ક્વાર્ટર મુંબઇના મહાલક્ષ્મી વિસ્તારમાં હતું. મુંબઇની મોટા ભાગની કંપનીઝના હેડ ક્વાર્ટર્સનું બાંદરા-કુર્લા કોમ્પલેક્સમાં સ્થળાંતર થઇ ગયું હતું, પરંતુ રાજ મલ્હોત્રાએ તેમની કંપનીનું હેડ ક્વાર્ટર બાંદરા-કુર્લા કોમ્પલેક્સમાં ખસેડ્યું નહોતુ તેના ઘણાં કારણો હતાં, પણ મુખ્ય કારણો બે હતાં. એક તો તેમનું તેમનો બંગલો ‘મલ્હોત્રા મેન્શન’ પેડર રોડ પર હતો એટલે ત્યાંથી મલ્હોત્રા હાઉસ’ સુધી પહોંચવા માટે તેમણે વધુ સમય બગાડવો પડતો નહોતો. અને બીજુ તેમની ચેમ્બરમાંથી તેઓ અરેબિયન સમુદ્રનો ભવ્ય નજારો જોઇ શકતા હતા. તેમની કંપનીના હેડ ક્વાર્ટરની વિશાળ ટેરેસમાં હેલિપેડ પણ હતું. સામાન્ય રીતે તો એરપોર્ટ નજીક સહારા સ્ટાર હોટેલમાં જવા માટે તેઓ ગ્રાઉન્ડ ફ્લોર પર જવાને બદલે ટેરેસમાં ગયા હોત અને તેમના પર્સનલ હેલિકૉપ્ટરમાં બેસીને જૂહુ એરપોર્ટ પહોંચી ગયા હોત. ત્યાંથી તેમને સાંતાક્રુઝ સહારા સ્ટાર હોટેલમાં લઇ જવા માટે કાર તૈયાર હોત. પણ તેમનું હેલીકૉપ્ટર થોડા દિવસ અગાઉ પુણે નજીક ક્રેશ થઇ ગયું હતું અને નવા હેલિકૉપ્ટરની ડિલિવરી તેમને મળી નહોતી. વળી તેઓ સહારા સ્ટાર જવાનું ટાળી શકે એમ પણ નહોતા. આજે તેમના એક ગાઢ મિત્રની દીકરીના લગ્નના રિસેપ્શનમાં તેમણે હાજરી આપવી જ પડે એમ હતી. તેમને વળી રાતના સાડા નવ વાગ્યે તાજ હોટલમાં પહોંચવાનું હતું. એટલે નાછૂટકે તેમને સાંજના સમય દરમિયાન મુંબઇના હેવી ટ્રાફિકમાં બાય રોડ પ્રવાસ કરવાની ફરજ પડી હતી. તેઓ સમયને બહુ મહત્ત્વ આપતા હતા. એટલે મુંબઇના સાંજના ટ્રાફિકનો અંદાજ લગાવીને થોડા વહેલા જ નીકળ્યા હતા.
રાજ મલ્હોત્રાએ તેમના કસ્ટમાઇઝ્ડ ‘વર્ટુ’ સેલ ફોનથી પેન્ડિંગ કોલ્સ પતાવવાની શરૂઆત કરી.તેઓ સેલ ફોન પર વાત કરતા હતા એ દરમિયાન તેમની નજર એ નોંધ લઇ રહી હતી કે કાર ક્યાં સુધી પહોંચી છે. તેમની કારે વરલી ક્રોસ કરીને સી લિંક માટે લેફ્ટ ટર્ન લીધો એ વખતે સવા સાત વાગી ગયા હતા. સી લિંક પર પહોંચ્યા પછી તેમને થોડી હાશકારાની લાગણી થઇ. પણ સી લિંક ક્રોસ કર્યા પછી તેમની કાર ફરી પાછી ટ્રાફિકમાં ફસાઇ. વાહનો ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યાં હતાં. તેમની કાર માહિમ કોઝવે સુધી પહોંચી ત્યાં સુધીમાં તો સાડા સાત વાગી ચૂક્યા હતા. હવે તેમને અકળામણ થવા લાગી હતી. તેમનો કોઇની સાથે કોલ પૂરો થયો એટલે તેમણે તેમના પર્સનલ આસિસ્ટન્ટ કુલકર્ણીને અર્થહીન સવાલ પૂછ્યો: આજે આટલો ભયંકર ટ્રાફિક કેમ છે, કુલકર્ણી?’
કુલકર્ણી પાસે તેમના સવાલનો જવાબ નહોતો પણ બોસને જવાબ તો આપવો જ પડે એટલે તેણે ટાપશી પૂરતા કહ્યું: ‘કંઇ સમજાતું નથી સર.’ પછી વળી એટલો જવાબ તેને પોતાને જ ઓછો લાગ્યો હોય એમ તેણે ઉમેરી દીધું: ‘આમ તો સાંજના સમય દરમિયાન ટ્રાફિક હોય જ છે પણ આજે તો કંઇક વધુ પડતો જ ટ્રાફિક છે સર.’
‘ધિસ સિટી ઇઝ ડાઇંગ! વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર એલીવેટેડ રોડ બનાવવાની વાતો કેટલા વર્ષોથી ચાલે છે, પણ ખબર નહીં ક્યારે એ પ્રોજેક્ટ શરૂ થશે અને ક્યારે પૂરો થશે.’ રાજ મલ્હોત્રા બોલ્યા.
સમયના પાબંદ રાજ મલ્હોત્રા ભયંકર ટ્રાફિકને કારણે બેચેન બની રહ્યા હતા. હવે તાજ હોટલમાં સાડા નવ વાગ્યે કોઇ કાળે નહીં પહોંચાય એની તેમને ચિંતા થઇ રહી હતી. ત્યાં પહોંચવાનું પણ જરૂરી હતું. રાજ મલ્હોત્રાએ વળી કેટલાક કોલ કર્યા અને કેટલાક કોલ રિસિવ કર્યા. તેમની નજર વચ્ચે-વચ્ચે સેલ ફોનના સ્ક્રીન પર નજર જતી હતી ત્યારે સમય જોઈને તેમની અકળામણ વધતી હતી. તેમની કાર બાન્દ્રામાં ખેરવાડીના ફ્લાય ઓવર પર પહોંચી ત્યારે સવા નવ વાગી ગયા હતા. એક તો ખાસ્સું મોડું થઇ રહ્યું હતું અને ઉપરથી ઘણા વાહનચાલકો કારણ વિના હોર્ન વગાડીને ત્રાસ વર્તાવી રહ્યા હતા. રાજ મલ્હોત્રાની આગળની કાર થોડી આગળ વધી એટલે તેમની કાર પણ થોડા ફૂટ આગળ વધી.
રાજ મલ્હોત્રાની નજર તેમની કારની ડાબી બાજુએ ઊભેલી કાર તરફ ગઇ. તે કાર એક રૂપાળી યુવતી ચલાવી રહી હતી. બીજા બધા વાહનચાલકોથી વિપરીત રીતે તે યુવતી એકદમ સ્વસ્થ લાગતી હતી. રાજ મલ્હોત્રાની કાર તેની કારની લગોલગ આવી એ વખતે તે યુવતીનું ધ્યાન પણ તેમની કાર તરફ ખેંચાયું. તેણે એક ક્ષણ માટે રાજ મલ્હોત્રાની કાર તરફ જોયું ત્યારે તેની નજર રાજ મલ્હોત્રાની નજર સાથે મળી. તે યુવતીએ રાજ મલ્હોત્રા સામે સ્મિત કર્યું. રાજ મલ્હોત્રાને આવી વાતની નવાઇ નહોતી લાગતી. તેમની રોલ્સ રોયસ કે બીજી કોસ્ટલી કાર રસ્તા પર કોઇ કારની બાજુમાં ઊભી રહે ત્યારે બાજુની કારવાળાનું ધ્યાન ખેંચાવાનું સ્વાભાવિક હતું.
રાજ મલ્હોત્રાને થયું કે એ યુવતીને તેમની કાર જોઇને ઇર્ષા થઇ હશે. ફિલ્મ સ્ટાર્સથી માંડીને મુંબઇના ભલભલા માણસો રાજ મલ્હોત્રાની કારની અને તેમની લાઇફ સ્ટાઇલની ઇર્ષા કરતા હતા એટલે સામાન્ય કારમાલિકોનું તો તેમની કાર તરફ ધ્યાન ખેંચાયા વિના રહે જ નહીં એ સ્વાભાવિક હતું.
જો કે અત્યારે તો એક ક્ષણ માટે રાજ મલ્હોત્રાને એ યુવતીની ઇર્ષા થઇ આવી કે આવા અસહ્ય ટ્રાફિકમાં આ યુવતી આટલી સ્વસ્થ કઇ રીતે રહી શકતી હશે.
એ વખતે તેમના સેલ ફોન પર કોઇનો કોલ આવ્યો એટલે રાજ મલ્હોત્રાનું ધ્યાન વાત કરવામાં પરોવાયું. પણ અચાનક તેમને ભ્રમ થયો કે પેલી યુવતીની કાર હવામાં ઊંચકાઇ રહી છે. તેમણે વાત કરતા કરતા ડાબી તરફ જોયું ત્યારે તેમને સમજાયું કે એ તેમનો ભ્રમ નહોતો. એ યુવતીની કાર ખરેખર હવામાં ઊંચકાઇ રહી હતી! રાજ મલ્હોત્રા ભૂલી ગયા કે તેમની સેલ ફોન પર વાત ચાલુ છે. તેઓ સ્તબ્ધ બનીને એ કાર તરફ જોઇ રહ્યા. એ છોકરીની કાર હવામાં વીસ-પચ્ચીસ ફૂટ ઊંચકાઇ અને પછી આંચકા સાથે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના ટ્રાફિક પર ઊડવા લાગી. એ કાર થોડા મીટર દૂર પહોંચી એ સાથે એમાંથી કંઇક નીચે પડ્યું અને બીજી સેક્ધડે પ્રચંડ વિસ્ફોટ થયો અને કેટલાંય વાહનોના ફૂરચાં ઊડતા દેખાયા.
રાજ મલ્હોત્રા વિસ્ફારીત આંખો સાથે જોઇ રહ્યા. તેમના ડ્રાઇવર અને પર્સનલ આસિસ્ટન્ટ કુલકર્ણીના મોંમાંથી પણ આશ્ર્ચર્ય અને આઘાતના ઉદગાર સરી પડ્યા. પેલી કારમાંથી કંઇક નીચે ફેંકાયું અને પ્રચંડ વિસ્ફોટ થયો એની ધ્રુજારી તેમણે છેક પોતાની કારમાં પણ અનુભવી. એ વિસ્ફોટથી સર્જાયેલો અગનગોળો થોડો નીચે બેઠો ત્યાં થોડે દૂર ફરી બીજો અગનગોળો દેખાયો અને ફરી એક વાર પ્રચંડ વિસ્ફોટનો અવાજ આવ્યો.

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Hina Thakkar

Hina Thakkar 4 માસ પહેલા

gautam shah

gautam shah 2 વર્ષ પહેલા

Jyoti Trivedi

Jyoti Trivedi 4 વર્ષ પહેલા

Tejal

Tejal 2 વર્ષ પહેલા

Binita

Binita 2 વર્ષ પહેલા