તમારા વિના - 14 Gita Manek દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તમારા વિના - 14

તમારા વિના

ચેપ્ટર - 14

‘આપણે આમ કેટલા દિવસ ટિફિન પહોંચાડીશું? આશાકાકીએ આવી ન જવું જાઈએ?’ ટિફિન ભરતાં-ભરતાં શ્વેતા બોલી રહી હતી.

છાશ વલોવી રહેલાં કાન્તાબેનના હાથ ક્ષણભર માટે અટકી ગયા. તેમને થયું કે તે આ ઘડીએ જ શ્વેતાને એક ઊંધા હાથની અડબોથ ઝીંકી દે અને કહી દે કે હસમુખભાઈ હૉસ્પિટલના બિછાને પડ્યા છે તે એટલા માટે નહીં કે તેઓ ભરબપોરે ફરવા નીકળ્યા હતા, પણ જે કામ તેમના દીકરાઓએ કરવું જાઈતું હતું તે હસમુખભાઈ કરી રહ્યા હતા. તે દિવસે જો હસમુખભાઈ તેમની સાથે કોલાબા પોલીસસ્ટેશન ન આવ્યા હોત તો કદાચ આ અકસ્માત થયો જ ન હોત.

એે દિવસે રસ્તા પર ચાલી રહેલા હસમુખભાઈને પાછળથી પૂરપાટ આવી રહેલી કારે ફંગોળ્યા હતા. કાન્તાબેનના મોંમાંથી ચીસ નીકળી ગઈ હતી. લાલ રંગની એ કાર એક્સિડન્ટ થયો હોવા છતાં સહેજ પણ રોકાયા વિના પૂરપાટ દોડી ગઈ હતી. કાન્તાબેને એે કારનો નંબર નોંધવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એક તો તેમણે ચશ્માં પહેર્યાં નહોતાં અને કાર એટલી ઝડપથી ચાલી ગઈ હતી કે આગળના બે આંકડાની આગળ તેઓ વાંચી શક્યાં નહોતાં. જાકે એે ઘડીએ આ બધી માથાકૂટમાં પડવાને બદલે તેમણે રસ્તા પર બેહોશ થઈને પડેલા હસમુખભાઈને ઝડપથી હૉસ્પિટલ પહોંચાડવાનું વધુ જરૂરી માન્યું હતું.

બે-ત્રણ રાહદારી ઓની મદદથી ટૅક્સીમાં નાખી કાન્તાબેને તેમને બૉમ્બે હૉસ્પિટલ પહોંચાડ્યા હતા. તેમને માથામાં, થાપા પર અને ખભામાં માર લાગ્યો હતો. પગમાં ફ્રેક્ચર થયું હતું. હજી તેમના પગમાં પ્લાસ્ટર હતું અને માથા પર પણ પાટાપિંડી હતી.

હસમુખભાઈનાં પત્ની અને દીકરાઓ અમેરિકા હતાં. આમ તો હસમુખભાઈના એક બેન ગોરેગામમાં રહેતાં હતાં અને તેમના સાળાઓ ઘાટકોપર રહેતા હતા. તે બધાં હસમુખભાઈ પાસે આવતાં હતાં અને વારાફરતી તેમની પાસે રોકાતાં હતાં, પણ હસમુખભાઈ માટે જમવાનું પહોંચાડવાની જવાબદારી તો કાન્તાબેને સામે ચાલીને જ લઈ લીધી હતી.

‘તમે બધા દૂર પરાંમાં રહો છો. તમારા માટે બે ટાઇમનું ટિફિન લાવવાનું અઘરું પડે. મારે ઘર બાજુમાં જ છે. તેમના જમવાની ચિંતા તમે ન કરતા. હું જ લેતી આવીશ.’ કાન્તાબેને કહી દીધું હતું.

હસમુખભાઈએ તો ના જ પાડી હતી. તેમણે તો કહ્યું હતું કે ‘અહીં કૅન્ટીન સારી છે. ત્યાંથી જ મગાવી લઈશ. તમે નકામી તકલીફ ન લેશો.’

પરંતુ કાન્તાબેન માન્યાં નહોતાં. ટિફિન તેમને ત્યાંથી જ આવતું હતું. બપોરનું જમવાનું નીતિનકુમાર દઈ આવતા અને સાંજનું જમવાનું લઈ કાન્તાબેન જતાં. એે રીતે દરરોજ તેમની પાસે આંટો પણ દઈ અવાતો. અઠવાડિયાથી બધું આ જ રીતે ચાલતું હતું ત્યાં શ્વેતાએ સવાર-સવારમાં કકળાટ કર્યો.

કાન્તાબેનને ગુસ્સો તો બહુ આવ્યો હતો, પણ તે ઓ ગુસ્સો પી ગયાં. તેમને થયું કે હસમુખભાઈનો અકસ્માત તે તેમના કામ માટે આવ્યા હતા ત્યારે થયો હતો એટલે તેમની તરફ પોતાની ફરજ અનેકગણી હતી. પણ જો એવું ન થયું હોય તોય આવા વખતે તેમને કામમાં ન આવીએ તો સંબંધોનો અર્થ શું હતો?

હસમુખભાઈ સાથેના તેમના સંબંધો કંઈ આજકાલના થોડા જ હતા. આટલાં વર્ષોમાં બન્ને પરિવાર એકબીજાના પડખે ઊભા રહ્યા હતા. કાન્તાબેનને થયું કે તેમણે હસમુખભાઈ માટે જે કંઈ કર્યું છે એના કરતાં હસમુખભાઈએ અનેકગણું કર્યું હતું.

શ્વેતાનો જન્મ થયો એ અરસામાં જ વિપુલને કમળો થયો હતો. સુવાવડમાંથી તરત જ ઊભાં થયેલાં કાન્તાબેન માટે મોટા દીપકને સ્કૂલે મોકલવો, વિપુલની બીમારી, નાનકડી શ્વેતાને સાચવવી, ઘરનું કામકાજ બધે પહોંચી વળવું આકરું થઈ રહ્યું હતું. વિપુલને કમળો થયો છે એની જાણ થતાં જ હસમુખભાઈ અને આશાભાભી ખબર કાઢવા આવ્યાં હતાં. એ દિવસે દોઢ મહિનાની શ્વેતા બહુ રડી રહી હતી. ઘરનું બધું કામ એમનું એમ પડ્યું હતું. મોરીમાં વાસણોનો ઢગલો હતો અને બાથરૂમમાં કપડાંનો. ઘર પણ અસ્તવ્યસ્ત હતું. બીજી બાજુ બીમારીને કારણે વિપુલ ઊંહકારા કરી રહ્યો હતો.

આશાભાભીએ સાડીનો છેડો ખોસીને ઝપાટાબંધ બધું કામ પતાવી નાખ્યું. બે દિવસ ચાલે એટલાં થેપલાં ઉપરાંત સેવ ને શક્કરપારા બનાવી નાખ્યાં.

કાન્તાબેન ના-ના કરતાં રહ્યાં તોય વિપુલને તેઓ તેમની સાથે લઈ ગયાં. તેમનો તો આગ્રહ હતો કે દીપકને પણ લઈ જાય, પણ દીપકની સ્કૂલ બગડે એટલે તે ઘરે જ રહ્યો.

વિપુલને તેમણે ત્રણેક અઠવાડિયાં તેમની પાસે રાખ્યો, તેની દવા કરાવી, તેના માટે ઉજાગરા કર્યા અને સાજો થયો પછી જ પાછો લઈ આવ્યા.

આ બધાં વર્ષોમાં જ્યારે-જ્યારે જરૂર પડી હોય ત્યારે ચંદ્ર ફ્ક્ત હસમુખભાઈને પોતાની મુશ્કેલીની વાત કરતા અને તેમણે પૈસા માગવા પણ ન પડતા. હસમુખભાઈનો પોતાનો ધંધો હતો એટલે તેમના માટે પાંચ-પંદર હજાર રૂપિયા આપી શકવા શક્ય બનતું, જ્યારે નવીનચંદ્રની તો બાંધેલી આવક હતી એટલે અચાનક વધારાનો ખર્ચ આવી જાય તો તેમના માટે તકલીફ પડી જતી.

દરેક વખતે હસમુખભાઈ જ તેમની મદદે આવતા. નવીનચંદ્ર અને કાન્તાબેન ધીમે-ધીમે એ ઉધાર લીધેલી રકમ ચૂકવી દેતાં અને ફરી જરૂર ઊભી થાય તો હસમુખભાઈ હાજર જ હોય. પોતે મદદ કરે છે એવું ક્યારેય હસમુખભાઈ કે આશાભાભીએ જતાવ્યુંય નહોતું.

અને આજે તેઓ પોતાને કારણે હૉસ્પિટલના ખાટલે પડ્યા હોય ત્યારે તેમને બે ટાઇમ જમવાનું પણ નહીં પહોંચાડવાનું?

શ્વેતા નાની હતી ત્યારે તો તેને હસમુખકાકા બહુ વહાલા હતા. હસમુખભાઈને પોતાને તો દીકરી હતી જ નહીં એટલે તેમના બન્ને દીકરાઓ જગદીશ અને કમલેશને શ્વેતા જ રાખડી બાંધતી. દરેક રક્ષાબંધનના દિવસે હસમુખકાકા તેને નવું સરસ મજાનું ફ્રોક અપાવતા. સોમવારે નવીનચંદ્ર અને હસમુખભાઈ બહાર જાય ત્યારે છોકરાઓનો તેમની સાથે જવાનો ચાન્સ ક્યારેય ન લાગતો, પણ ઘણી વાર શ્વેતાને લઈ જતા. ભઈ અને હસમુખકાકા સાથે ફરવા જવા મળે એટલે આઇસક્રીમ તો મળે જ. કોઈક વાર ફુગ્ગો કે રમકડું પણ મળી જાય.

શ્વેતા અને નીતિનના સંબંધો વિશેની જાણ પહેલવહેલી હસમુખભાઈએ જ કાન્તાબેનને કરી હતી. એે દિવસથી શ્વેતાને હસમુખકાકા તરફ અણગમો થયો હતો.

કાન્તાબેનની જેમ હસમુખભાઈ પણ આ લગ્નની વિરુદ્ધ જ હતા, પણ નવીનચંદ્ર ખાતર તેમણે લગ્નમાં હાજરી આપી હતી.

પરંતુ ત્યાર પછી બનેલી એક ઘટનાને કારણે શ્વેતાને હસમુખકાકા તરફ અભાવ થઈ ગયો હતો. શ્વેતા તેના પતિ નીતિનને લઈને હસમુખભાઈ પાસે ગઈ હતી. નીતિનકુમારને ધંધો કરવો હતો. પનવેલ પાસે બલ્બની ફૅક્ટરી નાખવાનો ભવ્ય પ્લાન લઈને નીતિનકુમાર હસમુખભાઈ પાસે ગયા હતા. નીતિનકુમારે હસમુખકાકા સામે ભાગીદારી કરવાની અને નહીં તો લોન આપવાની દરખાસ્ત મૂકી હતી. હસમુખભાઈએ બધી વાત સાંભળી લીધા પછી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું, ‘સૌથી પહેલી વાત તો મને મારા ધંધા સિવાય બીજા કોઈ બિઝનેસ કરવામાં જરાય રસ નથી અને જા મારી સલાહ પૂછતા હો તો તમે પણ આમાં ન પડશો. લાખના બાર હજાર નહીં, પણ બે હજાર સુધ્ધાં નહીં બચે. જે ધંધાનો આપણને અનુભવ ન હોય એમાં આ રીતે પડવું ન જાઈએ. એમ એક ફૅક્ટરી નાખવાથી રાતોરાત અંબાણી કે તાતા-બિરલા નથી થઈ શકાતું. જો એે લાઇનમાં પડવું હોય તો પહેલાં જે કંપનીઓ બલ્બ બનાવતી હોય તેમની પાસેથી માલ લઈને એેને બજારમાં વેચો. જરૂર પડે તો ફેરી કરો. એ લાઇનની ઝીણામાં ઝીણી બાબતો જાણી અને શીખી લો, પછી જ એ ધંધામાં પડાય. સીધેસીધું એમ મૅન્યુફૅક્ચરિંગના ધંધા ન કરાય.’

નીતિનકુમારને માઠું લાગી ગયું હતું. બિઝનેસનો ‘બ’ પણ ન સમજતી શ્વેતાને તો ગુસ્સો આવી ગયો હતો. તેને થયું હતું કે ‘મારા વરને આવું કહેવાનો હસમુખકાકાને શું હક છે? લોન નહોતી આપવી તો ના પાડી દેવી હતી, અમે કંઈ ભીખ માગવા નહોતાં ગયાં. આ તો અમને એમ કે સારો ધંધો છે તો આપણા ઘરના માણસો કમાય.’

હસમુખભાઈની ગણતરી સાચી પડી હતી. તેમણે પૈસા આપ્યા હોત તો કમાવાને બદલે ગુમાવ્યા જ હોત. નીતિનકુમારે તેમના એક મિત્ર સાથે મળીને ફૅક્ટરી નાખી હતી. નીતિનકુમારના પિતા જે જગ્યાએ કામ કરતા હતા ત્યાંથી લોન લઈ આવ્યા હતા એ આખી રકમ તો ડૂબી જ ગઈ હતી. તે સિવાય તેમનું શેરમાં જે થોડું ઘણું રોકાણ હતું તે પણ કાઢી નાખવું પડ્યું હતું. ત્યારે માંડ એમાંથી બહાર નીકળી શક્યા હતા. જાકે નીતિનકુમારે નિષ્ફળતા માટે તેમના મિત્ર અને ભાગીદારને જ જવાબદાર ઠેરવ્યો હતો.

હસમુખભાઈની વાત સાચી પડી એને કારણે શ્વેતા અને નીતિનકુમારનો હસમુખભાઈ પ્રત્યેનો અણગમો ઘટવાને બદલે વધ્યો હતો. પોતાનો અસલી ચહેરો દેખાડતો આયનો કયા કદરૂપા માણસને ગમ્યો છે?

શ્વેતાની વાતનો કોઈ પણ જવાબ આપ્યા વિના કાન્તાબેને ચૂપચાપ બાટલીમાં છાશ ભરી અને ટિફિનની સાથે થેલીમાં મૂકી દીધી.

‘આ વર્ષે બહુ તાપ છે, તડકોય કેવો પડે છે. આવા તડકામાં બહાર પગ મૂકવાનું એટલે જાણે સળગતી ભઠ્ઠીમાં જવા જેવું લાગે.’ શ્વેતા સૂચક રીતે બોલી રહી હતી.

કાન્તાબેન અંદર જઈ સાડલો બદલી આવ્યા. કિચન પ્લૅટફૉર્મ પર પડેલી થેલીમાં ટિફિન સાથે એક થાળી, વાટકી અને ચમચો પણ મૂક્યો.

‘તું ક્યાં જાય છે?’ શ્વેતાએ પૂછ્યું.

‘કાકાને ટિફિન આપવા.’ કાન્તાબેને ટૂંકાણમાં જવાબ આપ્યો.

‘કેમ, નીતિન જાય છેને રોજ.’ શ્વેતાએ નીતિન શબ્દ પર ભાર મૂકતાં કહ્યું.

‘ના, આજે હું જ દઈ આવું છું.’ કાન્તાબેને જવાબ આપ્યો.

‘બા, તારો આ જ પ્રૉબ્લેમ છે. તને કોઈએ કંઈ કહેવાય જ નહીં કેમ?’ શ્વેતાએ ચિડાઈને કહ્યું.

‘નીતિનકુમારને આવા તડકાધૂમમાં મોકલવા એના કરતાં હું જ દઈ આવું છું.’ કાન્તાબેને શાંત રહેવાનો પ્રયાસ કરતાં કહ્નાં.

‘અને તું બીમાર પડીશ તો કોણ કરવા આવશે?’ શ્વેતા વાતનો કેડો મૂકવા તૈયાર નહોતી.

‘મને કંઈ થવાનું નથી.’ કાન્તાબેને વાત પર પૂર્ણવિરામ મૂકવા કહ્યું.

‘જે હોય તે સીધી રીતે કહેને.’ શ્વેતાના અવાજમાં ઉશ્કેરાટ હતો.

કાન્તાબેન ચૂપ જ રહ્નાં.

‘મને ખબર છે કે મેં તને કહ્યું કે આમ કેટલા દિવસ ટિફિન પહોંચાડીશું એનું તને ખરાબ લાગ્યું છે, પણ એમાં મેં શું ખોટું કીધું?’

કાન્તાબેનને શ્વેતાની વાતનો જવાબ આપવો જરૂરી ન લાગ્યો.

‘હસમુખકાકાનાં પોતાનાં સગાંવહાલાં છે. એકાદ દિવસ બરાબર છે, પણ પછી તેમણે પણ સમજવું જાઈએને! આમ રોજરોજ આપણે ત્યાંથી ટિફિન મગાવીને ખાવાનું...’

‘શ્વેતા... તેમણે મગાવ્યું નથી, મેં જ કહ્યું હતું કે હું લઈ આવીશ.’

‘બસ, એ જ કહું છું. તારે આ બધું કરવાની શું જરૂર છે? નીતિન તો કહેતો હતો કે આમ ને આમ ચાલ્યું તો બધું લૂંટાઈ જશે...’ શ્વેતા બોલી રહી હતી.

કાન્તાબેન સડક થઈ ગયાં. શ્વેતા આ શું બોલી રહી હતી? હસમુખભાઈ માટે બે ટંક જમવાનું આપવાથી તેમનું બધું લૂંટાઈ જવાનું હતું? હસમુખભાઈ જે તેમના પરિવારના સભ્ય જેવા હતા, એ હસમુખભાઈ જેમણે તેમની તમામ તકલીફો અને મુસીબતોમાં તેમને સાથ આપ્યો હતો તેમને માટે જરાક અમથા ઘસાવાથી શું પોતાનું બધું ખૂટી જવાનું હતું?

‘હસમુખભાઈ માટે ટિફિન અહીંથી જ જશે.’ સ્વસ્થ થઈ ટિફિનની થેલી હાથમાં ઉપાડતાં કાન્તાબેને કહ્યું, ‘અને મારા ઘરમાં મારે કેમ રહેવું અને શું કરવું એે હું નક્કી કરીશ...’