Niyati books and stories free download online pdf in Gujarati

નિયતિ-7

પ્રસ્તાવના

‘સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય’

શું ખરેખર તમને એવું લાગે છે કે પરસેવે નહાવાથી સિદ્ધિ મળે છે? જો પરસેવે નહાવાથી જ સિદ્ધિ મળતી હોત તો, કાળી મજુરી કરનારો મજુર આજે દુનિયાનો સૌથી અમીર આદમી હોત. સૌથી વધારે મહેનત કરનાર આજે સૌથી ઓછું કમાય છે, જયારે સૌથી ઓછી મહેનત કરનાર, ક્યારેય પરસેવો ના પાડનાર સૌથી વધુ કમાય છે. આનું કારણ શું છે કે તેઓ બુદ્ધિશાળી છે? જો બુદ્ધિની જ વાત હોત તો બુદ્ધિશાળી વ્યક્તિઓ અમીર હોત. તેને બદલે અત્યારે મોટા વૈજ્ઞાનિકો અને એન્જીનીયરો બીજાને માટે કામ કરે છે. માનો યા ના માનો પણ આનું કારણ છે તેમની નિયતિ(ભાગ્ય). તેમનું કિસ્મત એવું હશે જે તેમને અમીર બનાવે છે.

જીંદગી કિસ્મત સે ચલતી હૈ દોસ્તો....
અગર દિમાગ સે ચલતી હોતી તો અકબર કી જગહ બિરબલ બાદશાહ ના હોતા ?

આ સ્ટોરી એક સ્ત્રીની છે જે નિયતિની દુશ્મન છે. તેનું ભાગ્ય ક્યારેય તેને સાથ આપતું નથી. જયારે જયારે તેને એવું લાગે છે કે હવે તે ખુશ છે તરત જ તેના જીવનમાં દુઃખો છવાઈ જાય છે. તે પોતાના દુઃખો દુર કરવા ઘણી મથામણો કરે છે, પણ નિયતિને તે પસંદ નથી. તે પલટવાર કરે છે.

આ સ્ટોરી મે મારા જીવનમાં બનેલા અમુક સાચા પ્રસંગોમાંથી પ્રેરણા લઈને લખી છે. તેમાં થોડી ફિલોસોફી પણ છે. અંત સુધી વાંચશો તો તે તમને જરૂર હચમચાવી મુકાશે.

નિયતિ-7

(વીતેલી ક્ષણો: સંધ્યા અને આંનદ સેન્ડીના લગ્નમાં જાય છે, ત્યાં વિનોદ તેને સમજાવે છે કે અજ્ઞાન એ સૌથી મોટું સુખ છે. જયારે સંધ્યા તેને કહે છે કે જો જ્ઞાન સાચા સમયે મળે તો અજ્ઞાનથી થતું દુઃખ અટકાવી શકાય છે, એટલે અજ્ઞાન નહિ પણ સાચું જ્ઞાન એ સૌથી મોટું સુખ છે.)

હવે આગળ....

વિનોદ: તું જે જ્ઞાનની વાત કરે છે, તે બધાને નથી મળતું. જેના નસીબમાં હોય તેને મળે છે. ગાંડો માણસ કઈ સમજતો નથી કારણકે તેના નસીબમાં તે નથી. જ્ઞાન હોવું એ એક નસીબ છે, જે સૌથી શક્તિશાળી છે.

સંધ્યા: નિયતિ (ભાગ્ય) સૌથી શક્તિશાળી કઈ રીતે હોઈ શકે? પુરુષાર્થ એ જ પ્રારબ્ધની જ ચાવી છે. માણસ સખત પુરુષાર્થ વડે પોતાના ભાગ્યને બદલી શકે છે. જેમ કે સ્ટીફન હોકિંગ. જેમને ‘એમાયોટ્રોફિક લેટર સ્કલરોસીસ’ નામનો રોગ થયો. આખું શરીર પેરેલાઈઝ થઇ ગયું. ડોક્ટરે તેમને કહ્યું કે તે 2 વર્ષથી વધારે નહિ જીવે. છતાં પોતાના દ્રઢ મનોબળને કારણે હજુ તે જીવતા છે. એટલું જ નહિ આજે તેમની દુનિયાના સૌથી મહાન વૈજ્ઞાનિકોમાં ગણના થાય છે. શાહરૂખ ખાન કે જેની પાસે ભાડાના પૈસા ન હતા, તે સખત મહેનત વડે આજે સુપરસ્ટાર છે. ચાર્લી ચેમ્પ્લીન કે જેની પાસે એક સમયે ખાવા બ્રેડનો ટુકડો ન હતો, તે દુનિયાનો સૌથી મોટો આર્ટીસ્ટ છે. આવા તો કેટલાય વ્યક્તિઓ છે જેણે સખત મહેનત વડે પોતાનું ભાગ્ય બદલ્યું છે.

વિનોદ: પણ સ્ટીફન હોકિંગમાં જો આટલી બુદ્ધિ જ ના હોત તો? શું સ્ટીફન હોકિંગ એકલા જ એવા છે કે જે આ રોગનો શિકાર થયા છે? કેટલાય એવા લોકો છે જે પેરાલિસિસ છે. શું બધાય મહાન વૈજ્ઞાનિક છે? બધા પેરાલિસિસ લોકો પાસે મહાન બનવા માટેની શક્તિ નથી. જેના ભાગ્યમાં છે તેને જ આવી શક્તિ મળે છે. મુંબઈમાં દર વર્ષે હજારો લોકો સુપરસ્ટાર બનવાના સપના લઈને આવે છે. શું બધાય સુપરસ્ટાર બની જાય છે? શું તેઓ પૂરતી મહેનત નથી કરતા? કેટલાય લોકો ભૂખ્યા મરે છે ત્યારે એકાદો ચેપ્લિન મળે છે. અને જો મહેનતથી જ ભાગ્ય બદલાતું હોત તો મજૂરો જે સૌથી વધુ મહેનત કરે છે તે સૌથી વધુ સુખી હોત. તેની જગ્યાએ સૌથી ઓછી મહેનત કરનારા સૌથી વધુ સુખી છે. મજૂરો જે આખી જિંદગી કાળી મજૂરી કરીને નથી કમાતા તે અમુક લોકો કઈ જ કર્યા વગર એસી ઓફિસમાં બેઠા બેઠા કમાઈ લે છે. ક્યારેક બે લોકો જે એક જ જગ્યાએ, એક જ સમયે, એક સરખી મહેનત કરે છે, છતાં જેના ભાગ્યમાં હોય તેને જ મળે છે. માની લો કે બે લોકો પાસે સરખી જ આવડત છે. તેમનો એક અમીર કુટુંબમાં જન્મ્યો છે જયારે બીજો ગરીબ છે. હવે અમીર આદમી પોતાની કંપની ચલાવશે જયારે ગરીબ આદમી તેમાં કામ કરશે. આમ બંને પાસે સરખું જ્ઞાન હોવા છતાં તેમની જિંદગીમાં ખુબ મોટું અંતર છે. અરે મોટા મોટા બિઝનેસમેન જેવા કે માર્ક ઝુકરબર્ગ, બિલ ગેટ્સ વગેરે પણ બીજાની મહેનત પર જ અમીર બન્યા છે. જયારે બુદ્ધિશાળી લોકો અને સાચી મહેનત કરનારા તેમને ત્યાં માત્ર થોડાક પૈસા માટે તેમને ત્યાં કામ કરે છે.

સંધ્યા: જો મહેનત કરવાથી પણ સિદ્ધિ ના મળે તો એ તમે કરેલા ખરાબ કર્મોનું ફળ હોય છે. તમે કહો છો કે આપણું ભાગ્ય જે નક્કી કરે તે જ થાય છે, મહેનત કરવાથી થતું નથી. તો શું આપણે મહેનત કરવાનું છોડી દઈ કઈ ના કરવું? માત્ર બેસીને રાહ જોવી કે આપણું ભાગ્ય આપણને આપશે? જો માણસ માત્ર ભાગ્યની રાહ જોઈને બેસી રહે અને કઈ કામ ના કરે તો તે જરૂર ભૂખ્યો મરશે. ભગવદ્દ ગીતામાં પણ કૃષ્ણએ કહ્યું છે કે कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। અર્થાત કર્મ કર્યે જા ફળની ચિંતા ના કરીશ.

વિનોદ: ખરેખર? શું તને એવું લાગે છે કે ફળની આશા વગર કઈ કર્મ થાય છે? માણસ દરેક કર્મ ફળને અનુરૂપ જ કરે છે. કોઈ આપણને એમ કહે કે આ કામ કરવાથી તને પૈસા મળવાના નથી તો તે કામ આપણે કરીશું ? દરેક કર્મમાં ફળની ઈચ્છા પહેલા હોય છે. ભલે કામ સરખું હોય પણ ફળ બદલાતા કામ કરવાની રીત અને જોશ બદલાય છે. જેમ કે કોઈ આપણને કહે કે તમારે 10 કિલો વજન ઉપાડીને 1 કિલોમીટર દૂર મુકવાનો છે. તમને 1 કિલોના 10 રૂપિયા આપવામાં આવશે તો તમે એ કરશો ખરા? કોઈ એ કામ નહિ કરે પણ જો તમને એ જ 1 કિલોના એક લાખ રૂપિયા આપવામાં આવે તો? તમે જી જાન લગાવીને મંડી પડશો. તમે ઢળી નહિ પડો ત્યાં સુધી કામ કરશો. અહીં કર્મ સમાન જ છે પરંતુ ફળ બદલાતા કામ કરવાની રીત અને જોશ બદલાય છે.

સંધ્યા: તમારી વાત સાચી પણ પૂર્ણરીતે નહિ. કામ કરવાની રીત માત્ર ફળ પર નહિ પણ સંજોગો પર પણ આધારિત છે. માની લો કે હવે આ જ કામ આટલા જ રૂપિયામાં દુનિયાના સૌથી અમિર આદમીને કરવાનું કહ્યું હોય તો તે કરશે? તે નહિ કરે, પણ જો તેને કોઈ કિડનેપ કરીને કહે જો તું આ કામ નહિ કરે તો તને મારી નાખીશ. તો તે જરૂર કરશે. આમ કામ કરવાની રીત એ માત્ર ફળ પર નહિ પણ પરિસ્થિતિ પર પણ આધાર રાખે છે.

વિનોદ: આ બધી એવી વાતો છે કે જેને ગમે તેમ સમજાવીએ છતાં એ સમજી શકાતી નથી. આવી વાતો માત્ર અનુભવથી જ સમજી શકાય છે. તને આ વાત અત્યારે કદાચ ખોટી લાગશે પરંતુ અનુભવ થશે ત્યારે માનીશ કે આ વાત સાચી છે.

સંધ્યા: મને આ વાત ખોટી લાગે છે. મારે અનુભવ કરવો છે. કરવો મને આવો અનુભવ અને સાબિત કરો કે નિયતિ જ સૌથી શક્તિશાળી છે.

વિનોદ: સંધ્યા આ વાત મજાક નથી. જો મારી પાસે આવી શક્તિ હોત તો હું તને જરૂર અનુભવ કારાવતે. પણ આ અનુભવ સરળ નથી હોતો. તેના માટે મોટી કિંમત ચૂકવવી પડે છે. એ કિંમત એટલી મોટી હોય છે કે પછી આપણને થાય કે આની કરતા આ ના થયું હોત તો જ સારું હતું. પોતાના ભાગ્યથી કોઈ બચી શકતુ નથી.

સંધ્યા: મને લાગે છે કે તમે 'ફાઈનલ ડેસ્ટિનેશન' મુવી જોઈને આવ્યા છો, જેમાં મોત બધાની પાછળ પડે છે અને તેનાથી કોઈ બચી શકતું નથી.

બધા હસવા લાગ્યા. વિનોદે પણ હસતા હસતા કહ્યું "મોત પણ એક નિયાતીનો (ભાગ્યનો) જ ખેલ છે ને." બીજી વાતો આગળ વધે તે પહેલા મ્યુઝિક શરુ થયું અને ડાન્સનો કાર્યક્રમ શરુ થવાની જાહેરાત થઇ તેથી આ કાર્યક્રમ પૂરો થયો. વિનોદે તરત જ સ્ટેજ પરથી નીચે ઉતારીને સંધ્યા સાથે હાથ મિલાવ્યા. તેને પણ કોઈ ટક્કર આપી શકે એવું આજ પહેલીવાર મળ્યું હતું. બધા મહેમાનોમાં સંધ્યા ફેમસ થઇ ગઈ હતી. લોકો વારાફરતી તેને મળતા અને તેની સાથે હાથ મિલાવતા હતા. આંનદે પહેલીવાર પોતાની પત્નીની બીજી બાજુ આજે જોઈ હતી. આજે તેને ખબર પડી કે પોતાની પત્ની સુંદર હોવા સાથે આટલી જ્ઞાની પણ છે. આજે તેને સંધ્યા માટે માન થયું. સંધ્યા આમ તો સુંદર હતી જ પણ તેની વાતોએ તેની સુંદરતામાં ઓર વધારો કર્યો હતો. બધા તેની સાથે ડાન્સ કરવા આતુર હતા. ખુદ વરરાજાએ પણ તેની સાથે ડાન્સ કર્યો. આનંદ અને સંધ્યા આજે બહુ ખુશ હતા. આજે ઘણા દિવસો પછી તે પોતાની પરિસ્થિતિ ભૂલી ગયા. તેઓએ આજે મન મુકીને ડાન્સ કર્યો. ડાન્સ કરીને ભુખ પણ લાગી હતી અને ઘણા દિવસો પછી આવું ખાવાનું જોયું હતું. તેથી બંને પેટ ભરીને જમ્યા અને પછી બધાની રજા લઇ ઘર તરફ જવા નીકળ્યા.

ઠંડી લાગતી હોવાથી સંધ્યાએ શાલ ઓઢી લીધી. રાત્રેએ મોડું થવાથી ટેક્ષી મળતી ન હતી. માંડ માંડ એક રિક્ષા મળી. રિક્ષામાં બેઠા પછી સંધ્યાએ આંનદને કહ્યું "આજે હું બહુ ખુશ છું." આંનદે કહ્યું "હું પણ બહુ ખુશ છું. મને આજે ખબર પડી કે તારી પાસે આટલું નોલેજ પણ છે. બધા જ તારા વખાણ કરતા હતા. તને ખબર છે તું બહુ ફેમસ થઈ ગઈ છો." સંધ્યાએ કહ્યું "એટલા માટે તો હું ખુશ છું જ. પણ એનાથી પણ મોટી એક ખુશી છે."

(સંધ્યાને હવે બધા મહેમાનો ઓળખવા લાગ્યા છે, તેને કારણે સંધ્યા બહુ ખુશ છે. પણ આનાથી મોટી ખુશી તેના જીવનમાં શું હશે? તે એક વાત ભૂલી ગઈ છે કે જયારે તે ખુશ થાય છે, ત્યારે તેના જીવનમાં મોટું દુઃખ આવે છે. શું હશે તે મોટું સુખ અને દુઃખ? તે હવે આગળના ભાગમાં. ત્યાં સુધી ખુશ રહો.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED