Niyati - 4 books and stories free download online pdf in Gujarati

નિયતિ-4

પ્રસ્તાવના

‘સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય’

શું ખરેખર તમને એવું લાગે છે કે પરસેવે નહાવાથી સિદ્ધિ મળે છે? જો પરસેવે નહાવાથી જ સિદ્ધિ મળતી હોત તો, કાળી મજુરી કરનારો મજુર આજે દુનિયાનો સૌથી અમીર આદમી હોત. સૌથી વધારે મહેનત કરનાર આજે સૌથી ઓછું કમાય છે, જયારે સૌથી ઓછી મહેનત કરનાર, ક્યારેય પરસેવો ના પાડનાર સૌથી વધુ કમાય છે. આનું કારણ શું છે કે તેઓ બુદ્ધિશાળી છે? જો બુદ્ધિની જ વાત હોત તો બુદ્ધિશાળી વ્યક્તિઓ અમીર હોત. તેને બદલે અત્યારે મોટા વૈજ્ઞાનિકો અને એન્જીનીયરો બીજાને માટે કામ કરે છે. માનો યા ના માનો પણ આનું કારણ છે તેમની નિયતિ(ભાગ્ય). તેમનું કિસ્મત એવું હશે જે તેમને અમીર બનાવે છે.

જીંદગી કિસ્મત સે ચલતી હૈ દોસ્તો....
અગર દિમાગ સે ચલતી હોતી તો અકબર કી જગહ બિરબલ બાદશાહ ના હોતા ?

આ સ્ટોરી એક સ્ત્રીની છે જે નિયતિની દુશ્મન છે. તેનું ભાગ્ય ક્યારેય તેને સાથ આપતું નથી. જયારે જયારે તેને એવું લાગે છે કે હવે તે ખુશ છે તરત જ તેના જીવનમાં દુઃખો છવાઈ જાય છે. તે પોતાના દુઃખો દુર કરવા ઘણી મથામણો કરે છે, પણ નિયતિને તે પસંદ નથી. તે પલટવાર કરે છે.

આ સ્ટોરી મે મારા જીવનમાં બનેલા અમુક સાચા પ્રસંગોમાંથી પ્રેરણા લઈને લખી છે. તેમાં થોડી ફિલોસોફી પણ છે. અંત સુધી વાંચશો તો તે તમને જરૂર હચમચાવી મુકાશે.

નિયતિ - ૪

(વીતેલી ક્ષણો: મુંબઈમાં એક દંપતીને ત્યાં સુંદર બાળકી સંધ્યાનો જન્મ થાય છે. તેનો જન્મ તેની માં અને શેઠ સાથેના આડસબંધને કારણે થાય છે. તેના બાપને આ વિશે ખબર પડતા તે શેઠ પાસેથી પૈસા લઇ સંધ્યાને રાજકુમારીની જેમ રાખે છે.સંધ્યા મોટી થતા સંધ્યાના પિતા તેને આંનદ સાથે જોઈ લેતા તે સંધ્યાને જોબ(નોકરી) કરવાનું કહે છે. સંધ્યા જયારે નોકરી માટે જવેલર્સમાં જાય છે ત્યારે તેનો માલિક મોહનલાલ તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયત્ન કરે છે. સંધ્યા ત્યાંથી ભાગી જાય છે. ઘરે આવતા તેને ખબર પડે છે કે તેનો બાપ કે જે પોતાને રાજકુમારીની જેમ રાખતો હતો તેણે જ સંધ્યાને તેની પાસે મોકલી હતી. આ સાંભળીને સંધ્યા ડઘાઈ જાય છે. સંધ્યા હવે ઘર છોડીને આંનદ સાથે રહેવા ચાલી જાય છે. તેને ખબર પડે છે કે તેના પિતાએ દારૂ પીને તેની માને મારતા તેની માતાનું મોત થાય છે અને તેના પિતાને જેલની સજા થાય છે. સંધ્યા આ બધું ભૂલી આંનદ સાથે ખુશીથી રહેવા લાગે છે. )

હવે આગળ..

આંનદના પિતા જે એક બિલ્ડર હતા, તેમણે બનાવેલો એક પુલ પડી ગયો હતો, જેમાં સાત વ્યકતીઓ દબાઈને મુત્યુ પામ્યા હતા, જયારે 27 ઘાયલ થયા હતા. ન્યુઝ પેપરોમાં આ ઘટના પહેલા પાને ‘મોતનું તાંડવ’ એવા મથાળા સાથે છાપવામાં આવી. ન્યુઝ ચેનલોએ આ ઘટનામાં માર્યા ગયેલા લોકોની પાછળ આક્રંદ કરતા તેમના સ્વજનોને બતાવ્યા. તેમાં એક બે વર્ષનું બાળક પણ હતું જેનું મો રોટલાની જેમ છુંદાઈ ગયું હતું. તેઓ આ ઘટના ફરી ફરીને બતાવતા હતા. આ જોઇને લોકોમાં આંનદના પિતા પ્રત્યે ખુબ આક્રોશ જાગ્યો. લોકોએ તેમને હત્યારા અને પાપી કહ્યા. તેમના ઘર પર પથ્થરમારો કર્યો. તેમને ફાંસી આપવા માટે ઠેર ઠેર રેલીઓ કાઢી. માર્યા ગયેલા લોકોની આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચ કરવામાં આવી. જનતાનું આવું દબાણ જોઇને તપાસ કરવા એક ઈન્કવાયરી કમિશન રચવામાં આવ્યું અને તેમની ધરપકડ કરવામાં આવી. તેમણે જેલમાંથી છૂટવા પોતાની બધી ઓળખાણો કામે લગાવી પણ ચૂંટણીઓ નજીક આવતી હોવાથી અને વિરોધ પક્ષનું પણ દબાવી હોવાથી કોઈએ તેમની મદદ કરવાનો પ્રયત્ન ના કર્યો. તેમના સાથીઓ પણ તેમની વિરુદ્ધ થઇ ગયા. તેમના બધા કામની ખુબ વિગતવાર તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે દરેક બાંધકામમાં ભેળસેળ હતી. દરેક જગ્યાએ સિમેન્ટ જરૂરિયાત કરતા ઓછી વાપરવામાં આવી હતી. લોખંડ પણ નીચી ગુણવત્તાવાળું હતું. સલામતીના એકપણ નિયમનું પાલન કરવામાં આવ્યું ન હતું. તેમના દરેક બાંધકામોમાં સલામતી માટે સુધારા જરૂરી હતા. આ માટેનો બધો ખર્ચ તેમની પાસેથી વસુલવાનો હતો. તેમની બધી જ સંપત્તિ જપ્ત કરવામાં આવી. સારું થયું કે આંનદ હજુ તેના પિતા સાથે બિઝનેસમાં જોડાયો ન હતો નહીતર, તેની પણ ધરપકડ થઇ હોત. પળવારમાં બધું ધુમાડાની જેમ છૂંમંતર થઇ ગયું. નિયતિએ (નસીબે) સંધ્યાને આ બીજો તમાચો માર્યો હતો.

આંનદ જેલમાં જવાથી તો બચી ગયો પણ તેની જિંદગી હવે પહેલા જેવી ન હતી. તેમની બધી જ સંપતિ હવે છીનવાઈ ગઈ હતી. લોકોમાં તેના પ્રત્યે ખુબ ગુસ્સો હતા. લોકોના કોપથી બચવા તેમના સગા સબંધીઓ પણ તેમને આશ્રય આપવા તૈયાર ન હતા. શરૂવાતમાં તો તેમની પાસે પૈસા હોવાથી તે એક જગ્યાએ સંતાઈને રહ્યા. સમય સાથે લોકોનો ગુસ્સો ઠંડો થયો અને લોકો હવે આ વાત ભૂલી ગયા. આનંદ અને સંધ્યા પાસે પૈસા પુરા થઇ જતા તેમણે હવે સામાન્ય માણસોની જેમ કામ કરવાનું શરૂ કર્યું. તેઓ મુંબઈની ચાલીમાં એક મકાન ભાડે રાખી રહેવા લાગ્યા. બંને ભણેલા હોવાથી નોકરી સરળતાથી મળી ગઈ. આનંદ બેંકમાં ક્લાર્કનું કામ કરતો. જયારે સંધ્યા સવારમાં ઘરે નાના બાળકોને બાલમંદિરનું ટ્યુશન કરાવતી અને બપોર પછી એક બૂકસ્ટોરમાં કામ કરતી. આમ તો બૂકસ્ટોરમાં કઈ કામ ન હતું પણ તેના માલિકે તેની સુંદરતા જોઇને તેને કામ પર રાખી હતી. સંધ્યાના કારણે સ્ટોરના ગ્રાહકોમાં વધારો થયો હતો. ઘણા લોકો તેને જોવા આવતા. અમુક લોકો માત્ર તેની સાથે વાત કરવા માટે બુકો ખરીદતા.

શરુવાતમાં તો તેમને ખુબ તકલીફ પડી પણ સમય જતા તેઓ આ નવી જિંદગી સાથે ટેવાઈ ગયા. તેમણે પોતાની જિંદગી જીવવાની રીત બદલી નાખી. પહેલાની મોંઘી કારની જગ્યાએ હવે સ્કૂટરની સવારી હતી. ગોવાની જગ્યાએ હવે મુંબઈનો દરીયાકીનારો હતો. હોટલના પિઝ્ઝા બર્ગરની સામે હવે લારીની ભેલપૂરી હતી. પાર્ટીઓમાં થતા ડાન્સની જગ્યાએ હવે ગણપતિ ઉત્સવ અને જન્માષ્ટમીમાં શેરીઓમાં થતો ડાન્સ હતો. બંને ઘણીવાર રાત્રે પોતાના પાછલા દિવસો યાદ કરતા. પાર્ટી અને મોજમસ્તી વિશે વિચરતા. પછી પોતાની જાતને દિલાસો આપતા કહેતા એ વખતે તેઓ બહુ નાદાન હતા. ઘણીવાર તેઓ મોટા મોલમાં જતા. ત્યાં મોઘા સુટ અને ડીઝાઇનર ડ્રેસને જોતા. ટ્રાયલરૂમમાં એ કપડા પહેરી અરીસામાં પોતાની જાતને જોયા કરતા. આ જોઇને જુના દિવસો યાદ કરી છાના ખૂણે રડી લેતા. પણ હવે તેઓ મેચ્યોર થયા હતા. તેમને પોતાની પરિસ્થિતિનું ભાન હતું. તેમણે હવે ખોટા સપનાઓ જોવાનું છોડી દઈ હકીકત સ્વીકારી લીધી હતી. તેઓ હવે પોતાની જૂની જિંદગી ભૂલી જઈ નવી જિંદગીની શરૂવાત કરી હતી. તેમણે હવે નાની નાની ખુશીઓણે માણવાનું શરૂ કર્યું હતું. પણ કદાચ તેમના નસીબને તેમની આવી નાની નાની ખુશીઓથી પણ વાંધો હતો. નસીબે તેમના માટે કંઈક અલગ જ ખેલ રચ્યો જેમની તેમને કલ્પના પણ ન હતી.

એક દિવસ સાંજે તેમના ઘર પાસે એક કાર આવીને ઉભી રહી. ચાલીના છોકરાઓ આ કારને જોવા ઉત્સુકતાથી તેમની ફરતે ટોળે વળ્યા. સંધ્યા આ દ્રશ્ય જોતી હતી. તેને જોઇને સંધ્યા પોતાના સપનામાં ખોવાઈ ગઈ. વિચારતી કે એક દિવસ તેની પાસે પણ આવી કાર હતી. ત્યાં જ મોઘી લાગતી આ કારમાંથી એક સ્ત્રી ઉતરી. સંધ્યા તેને જોતા જ ચોકી ગઈ. તે તેની કોલેજ સમયની મિત્ર સેન્ડી હતી. સંધ્યાએ તરત જ બુમ મારીને તેને બોલાવી. ઘણા સમય પછી સંધ્યાએ કોઈ ઓળખીતા માણસને જોયું હતું. તે તો ખુબ આંનદમાં આવી હર્ષાવેશમાં કીકીયારીઓ પાડવા લાગી. તે તરત જ જઈને સેન્ડીને ભેટી પડી. તે તરત જ સેન્ડીનો હાથ પકડીને ઝડપથી પોતાના ઘર તરફ ખેચી જવા લાગી. પણ સેન્ડીએ હાઈ હિલ્સના સેન્ડલ પહેર્યા હતા. ઝડપથી ચાલવા જતા તે એક તરફ નમી ગઈ અને પડતા પડતા રહી ગઈ. સંધ્યાને ત્યારે સાચી પરિસ્થિતિનું ભાન થયું. પોતે મિત્રને મળવાની ઉતાવળમાં એ વાત ભૂલી જ ગઈ હતી કે પોતે ગરીબ અને સેન્ડી હજુ અમીર છે. પછી તેને અફસોસ થયો. સેન્ડી મનમાં જ ગુસ્સે થઇ. સેન્ડી સંધ્યાના દરવાજા પાસે ઉભી રહી ગઈ. તે તેના ઘરમાં ન ગઈ. તેને સેન્ડીને ઘરમાં બોલાવી પણ સેન્ડીએ કહ્યું “ના હમણાં મારા લગ્ન છે. એટલે બહુ કામ છે. હું મારા લગ્નની કંકોત્રી જ દેવા આવી છું.” સંધ્યાને તેની અકળામણ સમજી ગઈ. તેને સમજાઈ ગયું કે સેન્ડી ઘરમાં નથી આવવા માગતી. આ જાણીને સંધ્યાને ખુબ દુઃખ થયું. તેને થયું કે અત્યારે જ તેને ધક્કો મારીને કાઢી મુકું. છતાં પોતાની લાગણીઓ પર કાબુ રાખી, ચહેરા પર ખોટી મુસ્કાન લાવી કહ્યું “અરે વાહ. મારી લાડકી હવે સાસરીયે ચાલી જશે. કોણ છે એ નસીબવાન જે મારી સિન્ડ્રેલાને પરણવાના છે. કહે તો ખરા જીજાજી શું કરે છે? હેન્ડસમ તો છે ને? કેવા લાગે છે, જોહન જેવા બોડી બિલ્ડરવાળા છે કે શાહરૂખ જેવા ચાર્મવાળા?” સેન્ડીએ કહ્યું “તેનું નામ રાકેશ છે. તે ઈમ્પોર્ટ એક્ષ્પોર્ટનું કામ કરે છે. ચાઈનાથી માલ સામાન લાવી અહી વેચે છે. અને તે નથી જોહન જેવા બોડી બિલ્ડરવાળા છે કે પછી નથી શાહરૂખ જેવા ચાર્મવાળા. તે તો છે અમિતાભ જેવા એન્ગ્રી યંગમેંન. ચાલ હવે હું જાવ છું. હજી ઘણી બધી જગ્યાએ જવાનું છે. મારે ઘણું મોડું થાય છે.” સંધ્યાએ કહ્યું “સારું આવજે પછી જીજાજી સાથે.” સેન્ડીએ જવાબ આપ્યો “હા ચોક્કસ’ આમ કહી ઝડપથી ચાલી ગઈ.

(સંધ્યા જે ભૂતકાળને ભૂલી ગઈ છે તે જ ભૂતકાળમાંથી ફરી કોઈ તેની સામે આવીને ઉભું છે. શું આનાથી તેને કંઈક ફાયદો થશે? કે પછી આ પણ એક નિયતિની ચાલ છે? આ બધું હવે બીજા ભાગમાં. ત્યાં સુધી ખુશ રહો.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED