Niyati - 10 books and stories free download online pdf in Gujarati

નિયતિ-10

પ્રસ્તાવના

‘સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય’

શું ખરેખર તમને એવું લાગે છે કે પરસેવે નહાવાથી સિદ્ધિ મળે છે? જો પરસેવે નહાવાથી જ સિદ્ધિ મળતી હોત તો, કાળી મજુરી કરનારો મજુર આજે દુનિયાનો સૌથી અમીર આદમી હોત. સૌથી વધારે મહેનત કરનાર આજે સૌથી ઓછું કમાય છે, જયારે સૌથી ઓછી મહેનત કરનાર, ક્યારેય પરસેવો ના પાડનાર સૌથી વધુ કમાય છે. આનું કારણ શું છે કે તેઓ બુદ્ધિશાળી છે? જો બુદ્ધિની જ વાત હોત તો બુદ્ધિશાળી વ્યક્તિઓ અમીર હોત. તેને બદલે અત્યારે મોટા વૈજ્ઞાનિકો અને એન્જીનીયરો બીજાને માટે કામ કરે છે. માનો યા ના માનો પણ આનું કારણ છે તેમની નિયતિ(ભાગ્ય). તેમનું કિસ્મત એવું હશે જે તેમને અમીર બનાવે છે.

જીંદગી કિસ્મત સે ચલતી હૈ દોસ્તો....
અગર દિમાગ સે ચલતી હોતી તો અકબર કી જગહ બિરબલ બાદશાહ ના હોતા ?

આ સ્ટોરી એક સ્ત્રીની છે જે નિયતિની દુશ્મન છે. તેનું ભાગ્ય ક્યારેય તેને સાથ આપતું નથી. જયારે જયારે તેને એવું લાગે છે કે હવે તે ખુશ છે તરત જ તેના જીવનમાં દુઃખો છવાઈ જાય છે. તે પોતાના દુઃખો દુર કરવા ઘણી મથામણો કરે છે, પણ નિયતિને તે પસંદ નથી. તે પલટવાર કરે છે.

આ સ્ટોરી મે મારા જીવનમાં બનેલા અમુક સાચા પ્રસંગોમાંથી પ્રેરણા લઈને લખી છે. તેમાં થોડી ફિલોસોફી પણ છે. અંત સુધી વાંચશો તો તે તમને જરૂર હચમચાવી મુકાશે.

નિયતિ-10

(નિયતિના સફરની શરુવાતથી અત્યાર સુધીની વાર્તા: મુંબઈમાં એક દંપતીને ત્યાં સુંદર બાળકી સંધ્યાનો જન્મ થાય છે. તેનો જન્મ તેની માં અને શેઠ સાથેના આડસબંધને કારણે થાય છે. તેના બાપને આ વિશે ખબર પડતા તે શેઠ પાસેથી પૈસા લઇ સંધ્યાને રાજકુમારીની જેમ રાખે છે.સંધ્યા મોટી થતા સંધ્યાના પિતા તેને આંનદ સાથે જોઈ લેતા તે સંધ્યાને જોબ(નોકરી) કરવાનું કહે છે. સંધ્યા જયારે નોકરી માટે જવેલર્સમાં જાય છે ત્યારે તેનો માલિક મોહનલાલ તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયત્ન કરે છે. સંધ્યા ત્યાંથી ભાગી જાય છે. ઘરે આવતા તેને ખબર પડે છે કે તેનો બાપ કે જે પોતાને રાજકુમારીની જેમ રાખતો હતો તેણે જ સંધ્યાને તેની પાસે મોકલી હતી. આ સાંભળીને સંધ્યા ડઘાઈ જાય છે. સંધ્યા હવે ઘર છોડીને આંનદ સાથે રહેવા ચાલી જાય છે. તેને ખબર પડે છે કે તેના પિતાએ દારૂ પીને તેની માને મારતા તેની માતાનું મોત થાય છે અને તેના પિતાને જેલની સજા થાય છે. સંધ્યા આ બધું ભૂલી આંનદ સાથે ખુશીથી રહેવા લાગે છે. આંનદના પિતાએ બનાવેલો બ્રિજ પડી જતા તેમને જેલ થાય છે અને તેમની બધી સંપતિ જપ્ત થઇ જાય છે. આંનદ અને સંધ્યા હવે ભાડાના મકાનમાં સામાન્ય માણસોની જેમ રહે છે. પણ તેમને પોતાના જુના દિવસોની બહુ યાદ આવે છે. એક દિવસ તેમની જૂની મિત્ર સેન્ડી સંધ્યાને પોતાના લગ્નની કંકોત્રી આપવા આવે છે, પણ તે સંધ્યાના ઘરમાં આવતી નથી. તેથી સંધ્યાને બહુ દુઃખ થાય છે. તે લગ્નમાં ન જવાનું નક્કી કરે છે, પણ આંનદ તેને લગ્નમાં જવા મનાવી લે છે. લગ્નમાં જવા તૈયાર થવા માટે સંધ્યા આનદ પાસેથી પૈસા લે છે. પણ પહેરવા માટે ઘરેણા ન હોવાથી તે સેન્ડી પાસેથી એક હાર એક દિવસ પુરતો ઉધાર લાવે છે. સંધ્યા બ્યુટીપાર્લરમાં તૈયાર થતા હવે ખુબ સુંદર લાગે છે. સંધ્યા અને આંનદ સેન્ડીના લગ્નમાં જાય છે, ત્યાં વિનોદ તેને સમજાવે છે કે અજ્ઞાન એ સૌથી મોટું સુખ છે. જયારે સંધ્યા તેને કહે છે કે જો જ્ઞાન સાચા સમયે મળે તો અજ્ઞાનથી થતું દુઃખ અટકાવી શકાય છે, એટલે અજ્ઞાન નહિ પણ સાચું જ્ઞાન એ સૌથી મોટું સુખ છે. વિનોદ સંધ્યાને સમજાવે છે કે નસીબ સૌથી શક્તિશાળી છે, જયારે સંધ્યા તેને બધા મહાપુરુષોના ઉદાહરણ આપી સમજાવે છે કે મહેનત વડે નસીબને પડકારી શકાય છે. ચર્ચા પૂરી થતા બધા મહેમાનોને સંધ્યા પ્રત્યે માન ઉપજે છે. બધા મહેમાનો સંધ્યા સાથે વાત કરે છે. આને કારણે બહુ ખુશ છે. લગ્નમાંથી પાછા ફરતી વખતે સંધ્યા આનંદને જણાવે છે કે તે બહુ ખુશ છે કારણકે તે પ્રેગનેન્ટ છે. બંને બહુ ખુશ થાય છે. ઘરે આવતા ખબર પડે છે કે સંધ્યાનો હાર ખોવાઈ ગયો છે. બંને હાર શોધવા નીકળે છે, પણ હાર મળતો નથી. આંનદ વિનોદ પાસેથી અને મુંબઈના માફિયાઓ પાસેથી પૈસા ઉધાર લઇ નવો હાર ખરીદી સેન્ડીને પાછો આપે છે. આ ઘટના પછી બંને મુંબઈ છોડી બેંગ્લોર જવા ટ્રેનમાં નીકળી પડે છે. અંતે બેંગ્લોર આવીને ટ્રેન ઉભી રહે છે. ટ્રેનમાંથી ઉતરતા સંધ્યા પડી જાય છે અને લોકો તેના પર પગ મુકીને ચાલતા જાય છે. તેને કારણે સંધ્યાના પેટમાં જ બાળકનું મૃત્યુ થાય છે અને હવે તે ફરી માં બની શકે તેમ નથી. સંધ્યા અને આંનદ 10 વર્ષ ખુબ મજુરી કરીને હાર માટે ઉધાર લીધેલા બધા પૈસા ચૂકવી દે છે, પણ તેને કારણે બંને હવે ઘરડા જેવા દેખાવા લાગે છે. બધા પૈસા ચૂકતે થયા તેની ખુશીમાં સંધ્યા બઝારમાં ખરીદી કરવા નીકળે છે, ત્યાં સંધ્યા સેન્ડીને જુવે છે.)

હવે આગળ....

ખુશ થતી, હસતી હસતી સંધ્યા બજારમાં પહોચી. ત્યાં તેને એક બાળક સાથે એક સ્ત્રીને જોઈ. તે ચહેરો તેને પરિચિત લાગ્યો. પછી તેને યાદ આવ્યું કે તે તો પોતાની મિત્ર સેન્ડી છે. પહેલા તો તેને સેન્ડી પાસે જવાનું યોગ્ય ના લાગ્યું. પણ પછી થયું કે તે શા માટે ના જાય? પોતે તેનો હાર આપી દીધો છે. બધા પૈસા ચૂકતે થયા છે. આમ વિચારી તે સેન્ડી પાસે ગઈ. આ તેની જિંદગીની સૌથી મોટી ભૂલ હતી.

સેન્ડી પાસે જઈને તેને કહ્યું “ગુડ ઇવનિંગ સેન્ડી!”

સેન્ડી: ગુડ ઇવનિંગ. પણ મે તમને ઓળખ્યાં નહિ.

સંધ્યા: અરે ભૂલી ગઈ. હું તારી મિત્ર સંધ્યા.

સેન્ડી આશ્વર્ય સાથે ચીસ પડી ઉઠી. “અરે! સંધ્યા તું? તું તો કેટલી બદલાઈ ગઈ છે. ભૂત વળગ્યું છે કે શું?”

સંધ્યા: ભૂત વળગ્યું હોત તો આની કરતા સારું થાત. આ બધું તારા લીધે થયું છે. તારા લીધે મારે કેટલા કપરા દિવસો વિતાવવા પડ્યા તેનો તને અંદાજો પણ નહિ હોય.

સેન્ડી: મારા લીધે? તું કહેવા શું માંગે છે?

સંધ્યા: તને યાદ છે તે મને તારા લગ્નમાં પહેરવા માટે હાર આપેલો?

સેન્ડી: હા બરાબર. સારી રીતે યાદ છે.

સંધ્યા: તે હાર મારાથી ખોવાઈ ગયો હતો.

સેન્ડી: પણ તે તો મને તે હાર પાછો આપ્યો હતો!

સંધ્યા: મે તેના જેવો જ બીજો હાર બનાવીને તને આપ્યો હતો. તેની કિંમત ચુકવતા મને ૧૦ વર્ષ લાગ્યા. આ બધું દુઃખ તેને કારણે જ વેઠવું પડ્યું. પરંતુ તેની કિંમત ચૂકવાઈ જતા હવે મને શાંતિ થઇ છે.

સેન્ડી: એટલે તું એમ કહે છે કે તે એ હાર બદલ્યો હતો?

“હા. અને જોયું તને ખબર પણ ના પડી. તે બંને હાર એટલા સરખા હતા.” સંધ્યાએ ગર્વ લેતા કહ્યું.

સેન્ડીએ તેનો હાથ પકડતા દુઃખ અને નવાઈની મિશ્ર લાગણીઓ સાથે કહ્યું “ઓહ ગોડ! ઓહ ડીઅર! તે હાર તો મારા પતિ ચાઈના બીઝનેસ કરવા ગયા ત્યાંથી લાવ્યા હતા. તે તો નકલી હતો અને તેની કિંમત માત્ર ૭૦૦ રૂપિયા હતી.”

આ શબ્દો સંભાળતા જ સંધ્યાની આંખો પહોળી થઇ ગઈ. તે કંઈક બોલવા જતી હતી પરંતુ તેના મોમાંથી “આ..” ઉદગાર સિવાય બીજો કોઈ શબ્દ ના નીકળ્યો. તેનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. આજુબાજુના અવાજો ધીમા થતા ગયા. આજુબાજુનું દ્રશ્ય ધૂંધળું થતું ગયું. તેની આજુબાજુ પોતાની યાદોની એક અલગ જ દુનિયા રચાઈ ગઈ. ભૂતકાળના દર્શ્યો એક પછી એક તેની આંખો સામેથી સરકવા લાગ્યા. તેને યાદ આવી પોતાના બાળપણની કે જયારે તે એક રાજકુમારી હતી. તેને યાદ આવી પોતાના સાવકા પિતાની. તેમના આખરી શબ્દો યાદ આવ્યા “મારી જેમ તારી જિંદગીભરની કમાણી પાણીમાં જશે.” આ શબ્દો માથામાં હથોડાની જેમ ગુંજવા લાગ્યા. તેમનો શ્રાપ સાચો પડ્યો હતો. તેને થયું કે તે વખતે જો આ વાત માની હોત તો જિંદગી આની કરતા તો સારી જ હોત. તેને યાદ આવી આંનદની. કદાચ તેણે પૈસા માટે તેને પ્રેમ ના કર્યો હોત તો આજે જિંદગી કઈ ઓર હોત. તેને યાદ આવી એ રાતની જે રાતે તેને બ્યુટીપાર્લરમાં જવા માટે આંનદ પાસે પૈસા માગ્યા હતા. તેને થયું કે તે રાતે જો આંનદ તેને પૈસા દેવાની ના પાડી દીધી હોત તો તે લગ્નમાં ગયા જ નહોત અને આ દિવસો જોવા પડ્યા ન હોત. તેને યાદ આવી લગ્નમાં વિનોદની જેણે કહ્યું હતું કે અજ્ઞાન જ સૌથી મોટું સુખ છે. જો તેને અત્યારે ખબર જ ના પડી હોત કે આ હાર નકલી છે તો તેને આટલો અફ્સોસો જ ના થાત. તેને દુઃખ એ વાતનું ન હતું કે તેના દસ વર્ષ દુઃખમાં ગયા પણ દુઃખ એ વાતનું હતું કે તેને દસ વર્ષ જેના માટે દુઃખ વેઠયું, જેના માટે પોતાનું બાળક મરી ગયું, જેના માટે પોતે ક્યારેય માં નહિ બની શકે તે હારની કિંમત માત્ર ૭૦૦ રૂપિયા હતી. તેને વિનોદની વાત સાચી લાગી. કદાચ તેને હારની સાચી કિંમત જ ખબર ના પડી હોત તો તે વધારે સુખી હોત. પણ પછી પોતાની વાત યાદ આવી કે તેને ત્યારે જ ખબર પડી હોત કે આ હાર ખોટો છે તો આ દુઃખ ન હોત. પણ પહેલા તેને ખબર કેમ ન પડી. વિનોદ સાચો હતો. જીંદગીમાં બધી વસ્તુની પહેલેથી ખબર હોતી નથી. અને તેને એકવાર માટે પણ કેમ ના વિચાર્યું કે હાર ખોટો હોઈ શકે? અરે હાર ખોવાયો ત્યારે એમ કેમ ના થયું કે ખોટો હાર આપી દઈએ? અરે તેને સેન્ડી એકવાર પણ કેમ ના કહ્યું કે પોતાનાથી હાર ખોવાઈ ગયો છે તો ત્યારે જ ખબર પડી જાત અને આ દિવસો જોવા ના પડત. અરે તે હાર દેવા ગઈ ત્યારે તે સેન્ડી પાસે થોડીવાર ઉભી કેમ ના રહી. જો તે સેન્ડી સાથે વાત કરતે અને રડવા લાગતે તો સેન્ડીએ તેને જરૂર રડવાનું કારણ પૂછ્યું હોત અને પોતે સાચી હકીકત કહી હોત તો ત્યારે જ ખબર પડી જાત અને આ બધું નિવારી શકત. આવું વિચારી તે પોતાની જાતને જ કોસવા લાગી. તેને થયું કે તે ટ્રેનમાંથી પડતા જ મારી ગઈ હોત તો સારું હતું.

તેને પાછો વિનોદ યાદ આવ્યો. તેના દરેક શબ્દો આજે તેને સાચા લાગતા હતા. તેને આજે તેની વાતો સ્વીકારી કે નીયતી (ભાગ્ય) સૌથી શક્તિશાળી છે. જો પુરુષાર્થ વડે ભાગ્ય બદલાતું હોત તો આજે તે સૌથી વધુ અમીર હોત કારણકે તેને ખુબ મહેનત કરી હતી. પછી તેને પોતાની જ વાત યાદ આવી કે જો પુરુષાર્થ કરવા છતાં પણ સિદ્ધિ ના મળે તો તે માણસના ખરાબ કર્મોનું જ ફળ હોય છે. તેને વિચાર્યું કે પોતે એવા તો શું ખરાબ કર્મો કર્યા છે? કે પછી આ બધો ભાગ્યનો જ ખેલ છે? તેને યાદ આવી પાંચ મિનીટ પહેલાની. તેને થયું કે તેને સેન્ડીને જોઈ જ ન હોત તો? અરે જોઈ તો ભલે જોઈ પણ તેને બોલાવી જ ન હોત તો? ભગવાન જો તેને સમયમાં પાછા જવાની શક્તિ આપે તો તે માત્ર પાંચ મિનીટ બદલવા માંગતી હતી. તેને ફરીથી વિનોદના શબ્દો યાદ આવ્યા કે ભાગ્યના અનુભવની કિંમત બહુ મોટી હોય છે. આજે તેને આ કિંમતની ખબર પડી. તેને વિચાર્યું ન હતું કે અનુભવની કિંમત મોટી પણ આટલી મોટી હશે. તેને થયું કે આ બધું મારી ભૂલને કારણેને જ થયું છે. પરંતુ તેમાં આંનદનો શું વાંક હતો? તે કેમ મારા ભૂલની સજા ભોગવે છે. કે પછે તેનું ભાગ્ય પણ આવું જ છે? કે પછી પોતે આંનદની સાથે છે તે ભગવાનને પસંદ નથી. આવા કેટલાય વિચારોનું તેના મનમાં ઝંઝાવાત ઉઠ્યું.

સેન્ડી તેનો હાથ પકડીને તેને “સંધ્યા.....સંધ્યા....” કહીને તેને હલાવતી હતી. પણ હવે તો તેની દુનિયા જ બદલાઈ ગઈ હતી. તેને સેન્ડીના કોઈ જ શબ્દો સંભળાતા ન હતા. તેને આજુબાજુનું કઈ પણ દેખાતું ન હતું. નિયતિનો (ભાગ્યનો) આ પાંચમો ઘા તેના હૃદય પર ખુબ ઘાતક રીતે થયો. તેનું હૃદય આ પહેલા ચાર ઘા સહી ચુક્યું હતું. તેનું હૃદય હવે વ્રજ જેવું મજબુત હતું. તેને ધાર્યું હોત તો તે આ ઘા પણ સહી લેત. પણ કદાચ હવે તે પોતાની નિયતિ સામે લડીને થાકી ચુકી હતી. કદાચ તેને હવે હાર માની લીધી હતી. કદાચ તેને હવે માની લીધું હતું કે નિયતિ જ સૌથી શક્તિશાળી છે. કદાચ તેને હવે નિયતિને હરાવવાનો રસ્તો મળી ચુક્યો હતો જે હતો ક્યારેય ફરીથી શ્વાસ ન લેવો જેથી નિયતિ પોતાને વધુ દુઃખ ન પહોચાડી શકે. કદાચ તેને ખબર હતી કે જ્યાં સુધી તેનો શ્વાસ ચાલશે ત્યાં સુધી નિયતિ તેનો પીછો નહિ છોડે. કદાચ તે પોતાના ભૂલની કે પછી પોતાના ભાગ્યની સજા આંનદને દેવા માગતી ન હતી. આવા વિચારોથી તે ઢળી પડી.

તેને ધાર્યું હોત તો તે ઉભી થઇ શકતે, પરંતુ તેને ઉભા ન થવાનું નક્કી કર્યું. તેને પોતાના હાથ પગ હલાવવાના બંધ કરી દીધા. પોતાના શ્વાસને રૂંધાવા દીધો. પોતાના હદયના ધબકારાને ધીમા પડી બંધ થવા દીધા. તેણે આંખો બધ ના કરી કારણકે તેની આંખો સામે એક સ્ત્રી એક બાળકને તેનો હાથ પકડીને લઇ જતી દેખાઈ. તેને લાગ્યું કે આ બાળક પોતાનું છે અને જે સ્ત્રી તેને છીનવીને લઇ જાય છે તે નિયતિ છે. છેવટે બાળક જેમ જેમ દુર થતું ગયું તેમ તેમ નાનું થતું ગયું અને છેલ્લે દેખાતું બંધ થયું. તેની આંખો ભારે થઇ ગઈ. પોપચા ઢળી પડ્યા. નિયતિ હવે તેને ક્યારેય દુઃખ પહોચાડી શકે તેમ ન હતી. એક સમયની ભૂરી આંખોવાળી રાજકુમારી કે જેના કેટલાય દીવાના હતા, જેની આંખોમાં હજારો સપના વસતા હતા, આજે તે કાયમ માટે મીંચાઈ ગઈ હતી. આકાશમાં હવે સૂર્ય આથમતા સંધ્યા ખીલી હતી. પણ સંધ્યાની સંધ્યા તો હવે ઢળી ચુકી હતી. આકાશમાં ચંદ્ર ખીલવા લાગ્યો પણ પૃથ્વી પરનો ચંદ્ર તો હવે આથમી ગયો હતો.

“સમાપ્ત”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED