Nagar - 34 books and stories free download online pdf in Gujarati

નગર - 34

નગર-૩૪

( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- નગરનાં એકમાત્ર મોલનાં ટેરેસ ઉપર આવેલી રેસ્ટોરન્ટમાં આંચલની ડીનર પાર્ટી ચાલતી હોય છે...પાર્ટી ખતમ થયા પછી એ લોકો નગરનાં ટાઉનહોલે આવે છે, જ્યાં તેમને નવનીતભાઇ મળે છે...નવનીતભાઇ પાસેથી લાઇબ્રેરીની ચાવીઓ મેળવી તેઓ લાઇબ્રેરીનાં દરવાજે આવે છે.... હવે આગળ વાંચો...)

ભારે ઉત્તેજનાથી થડકતા હ્રદયે આંચલે લાઇબ્રેરીનો દરવાજો ખોલ્યો. અંદર ભારેખમ સન્નાટો અને અંધકાર ફેલાયેલો હતો. આંચલે દરવાજાની ભીંત ઉપર હાથ ફેરવી લાઇટનું સ્વીચબોર્ડ શોધી કાઢયું અને ટયૂબલાઇટ્સ “ઓન” કરી. ટયૂબલાઇટો ચાલુ થતાં અંધકાર ગાયબ થયો હતો અને બધાનાં જીવમાં થોડો જીવ આવ્યો. અંધકાર ખરેખર બહુ ડરામણી ચીજ છે. ગમે તેવા હિંમતવાન વ્યક્તિને પણ અંધકારમાં જતાં એકવાર તો થડકારો થતો જ હોય છે. દુનિયાની તમામ આસૂરી શક્તિઓ એટલે જ કદાચ અંધકાર પસંદ કરતી હશે....! પછી તે માણસ હોય કે કોઇ અગોચર શક્તિ.

પ્રકાશ થતા એલીઝાબેથ સૌથી આગળ ચાલી હતી અને એ કબાટ નજીક ઉભી રહી જેમાંથી તેણે પેલું પુસ્તક કાઢયુ હતું. એ દળદાર પુસ્તક કબાટનાં કાચનાં દરવાજામાંથી સ્પષ્ટ દેખાતું હતું.

“ચાવી....” તેની પાછળ આવીને ઉભી રહેલી આંચલ તરફ તેણે યંત્રવત્ હાથ લંબાવ્યો. આંચલે ચાવીનો ઝૂડો તેનાં હાથમાં મુકયો. જયસીંહ અને ઇશાન તેની પડખે આવ્યા હતા. ખરેખર તો કબાટ ઉઘાડવાનું કાર્ય આંચલે કરવું જોતું હતું કારણકે ચાવીનો ઝૂડો અંદર આવ્યા ત્યારે તેની પાસે હતો, પરંતુ અત્યારે જાણે એલીઝાબેથે બધાની આગેવાની લીધી હોય તેમ વર્તતી હતી. એલીઝાબેથે ચાવીનાં ઝુડામાંથી ઝડપથી એક ચાવી પસંદ કરી અને કબાટ ખોલ્યો. તેમાંથી પેલું પુસ્તક ઉઠાવ્યું, અને પાછળ ફરી તે હોલમાં મુકાયેલા ટેબલ તરફ ચાલી. બધા તેની પાછળ દોરવાયાં. ઇશાનનું હ્રદય ભારે વેગથી ધડકી રહયું હતું. કોણ જાણે કેમ, પણ તેને કંઇક ઠીક નહોતું લાગતું. તે મજબુત માણસ હતો...છતાં અત્યારે તેનાં હ્રદયમાં વિચિત્ર પ્રકારનાં થડકારા થતા હતા. એલીઝાબેથ તેની પ્રેયસી હતી. એ તેને બેતહાશા ચાહતો હતો. એ ચાહત જ કદાચ તેને આટલો વિહ્યવળ બનાવી રહી હતી. તે નહોતો ઇચ્છતો કે એલીઝાબેથ કોઇ મુસીબતમાં મુકાય. અત્યારે તે જે પ્રકારનું વર્તન કરતી હતી એ ઇશાનને બીલકુલ ગમતું નહોતું..અને એટલે જ તે ચિંતીત થઇ ઉઠયો હતો....ડરી રહયો હતો. એક અજાણ્યો ડર તેનાં જીગર ઉપર છવાયો હતો.

એલીઝાબેથે પુસ્તકને ટેબલ ઉપર મુકયું અને ખોલ્યું. થોડા પાના ઝડપથી સરકાવીને એક જગ્યાએ તે અટકી. તેની આંખોમાં એક વિચિત્ર ચમક ઉભરી આવી અને ખુલ્લી કિતાબમાં દેખાતાં પેલા ચિન્હો ઉપર તેની નજર સ્થિર થઇ.

“ આ જુઓ...! હોલમાર્કનાં નિશાનો....! ” ભારે ઉત્સાહથી તે બોલી ઉઠી. ઘણાબધાં પ્રયત્નો કર્યા બાદ, એકાએક અણધારી સફળતા કોઇકને મળે, અને તેનાં અવાજમાં જેવો ઉત્સાહ છલકાય, એવો ઉત્સાહ એલીઝાબેથની બોલીમાં હતો. બીજા કોઇએ નોંધ્યું હોય કે નહી....પણ ઇશાને એલીઝાબેથનાં અવાજનો એ “ ટોન ” જરૂર નોંધ્યો હતો. તે ફરીવાર થડકી ઉઠયો. આગળ વધીને પુસ્તકમાં દેખાતાં ચિન્હો ઉપર તે ઝુકયો. તેની જેમજ આંચલ અને જયસીંહ હોલમાર્કનાં એ નિશાનો જોઇ રહયા હતાં.

“ ઓહ ગોડ...! મોન્ટુ આવી જ નિશાનીઓ કોતરેલો એક જરી-પુરાનો અરીસો દરિયાકાંઠેથી લેતો આવ્યો છે. ” આંચલ બોલી ઉઠી. તેનું મોં આશ્વર્યથી ખુલ્લુ જ રહી ગયું હતું.

“ વોટ....? કયાં છે એ અરીસો...? ” જયસીંહ અચાનક બોલી ઉઠયો. “ વિસ્મયની બાબત કહેવાય...! બરાબર આવીજ નિશાનીઓ મારી ચોકીની દિવાલે દોરાયેલી છે....અને આવા જ નિશાનો મેં “ જલપરી “ બોટનાં નેવીગેશન કેબીનનાં કાચ ઉપર દોરાયેલા જોયાં હતાં. સ્ટ્રેન્જ....” તે બબડયો.

“ તે અરીસો રેડિયો સ્ટેશનનાં ડેસ્ક ઉપર પડયો છે...” આંચલ બોલી ઉઠી. “ મને ગભરામણ થાય છે ઇશાન....” આંચલ એકાએક ઇશાનની નજદીક સરી અને તેનો હાથ પકડયો. પરંતુ ઇશાનનું સમગ્ર ધ્યાન અત્યારે એલીઝાબેથનાં ચહેરા ઉપર રમતાં ભાવો નિરખવામાં પરોવાયું હતું. એલીઝાબેથની આંખોમાં છવાયેલી ચમક જોઇને તે અસમંજસમાં પડયો હતો. એકાએક તેને શંકર મહારાજે કહેલી વાર્તા અને તેમાં આવેલું “ એલીઝાબેથ ડેન” નામનું જહાંજ યાદ આવવા લાગ્યું હતું.

***

“ વોટ ધ હેલ ઇઝ હેપનીંગ ધેર....? ” ડેસ્કમાં ફીટ કરાયેલા મોનીટર તરફ ઝાંકતા હવામાન ખાતાનો ચીફ એન્જીનીયર પંચમ દવે બબડયો. તે અત્યારે ઓફીસમાં એકલો જ હતો. રાતનાં દસ, સાડા દસનો સમય હતો. તેણે હમણાં થોડીવાર પહેલાં આંચલને વિભૂતી નગર તરફનાં દરિયામાં ઉદ્દભવેલા કોહરાનાં વાદળો બાબતે ચેતવી હતી. ત્યારેપણ તેને આશ્વર્ય થયું હતું કે માત્ર વિભૂતી નગર તરફ જ કેમ એ વાદળો ઉમટયા છે...? આવું દ્રશ્ય તેણે આજ દિવસ સુધીની પોતાની કારકિર્દીમાં કયારેય જોયું નહોતું એટલે હેરાની થવી સ્વાભાવિક હતી. પણ....ત્યારબાદ વાદળોનો સમુહ વધતો ગયો હતો અને અત્યારે તે જે દ્રશ્ય મોનીટર ઉપર જોઇ રહયો હતો એ કલ્પનાતીત હતું.

મોનીટર ઉપર વાદળોની ત્સુનામી દેખાતી હતી જેની આગોશમાં સમગ્ર વિભૂતી નગર અને તેની આસપાસનો વિસ્તાર ધીરે-ધીરે ગરક થઇ રહયો હતો. તે ફાટી આંખે એ દ્રશ્ય જોઇ રહયો. “ કંઇક ખોટુ છે....જબરદસ્ત ખોટુ છે...મારે આંચલને ફરી ચેતવવી જોઇએ....” તે બબડયો અને ઝડપથી તેણે આંચલનાં સેલફોનનો નંબર ઘુમડયો. પંચમદવેને એમ હતું કે આંચલને જો તે ચેતવી દે તો તે તેનાં રેડિયો થકી આ માહિતી પ્રસારિત કરી નગરવાસીઓને સાવધ રહેવા જણાવી દે....પણ, દવેને ખ્યાલ નહોતો કે તેની આ ચેષ્ટા તેનાં માટે મોતનો પૈગામ બનીને તેની ઓફિસનાં દ્વાર સુધી આવી પહોંચી હતી. તે જો કોઇને કહયા વગર ત્યાંથી ચાલ્યો ગયો હોત તો જરૂર બચી જાત....પણ તેણે આંચલને ફોન કરવાની ભુલ કરી નાંખી હતી.

“ ધમ...ધમ...ધમ...ધમ...” એકાએક તેની ઓફિસનાં બારણે જોર-જોરથી ટકોરા પડયા. આંચલને ફોન લાગે એ પહેલા તો કોઇક દરવાજા ઉપર ભારેખમ ઘણ પછાડતું હોય એવી ધડબડાટી મચી ગઇ.

“ અરે કોણ છે...? બારણું તોડી નાંખશો કે શું....? ” ફોન કરવાનો પડતો મુકીને તે પોતાની ખુરશીમાંથી ઉભો થયો. તે ઉભો થયો અને... બરાબર એ જ સમયે લાઇટ ગઇ. ઓફિસમાં ઘોર અંધકાર છવાઇ ગયો, સાથો-સાથ દરવાજે થતાં “ ધમ...ધમ...” નાં અવાજો પણ એકાએક બંધ થઇ ગયાં. પંચમ દવે અંધારામાં ભૂતનાં માથાની જેમ ખચકાઇને ઉભો રહી ગયો. તેની ઓફિસમાં એકાએક આ બધું શું થવા માંડયુ હતું એ તેની સમજમાં ઉતર્યુ નહી.

“ ઓહ ગોડ...” અચાનક તેનાં મોં માંથી હેરતભર્યો ઉદ્દગાર નીકળ્યો. “ ઓફિસમાં લાઇટ કેવીરીતે જઇ શકે....? ” તેણે પોતાની જાતને જ સવાલ કર્યો. તેનું અચંબીત થવું વ્યાજબી હતું કારણકે તેનાં વેધર સ્ટેશનમાં ઓલરેડી “ ઇન્વરટર ” લગાડેલું હતું. જો કોઇ કારણોસર વીજળી ચાલી પણ જાય તો ઓટોમેટીક પાવર સપ્લાય ચાલુ થઇ જાય.

“ તો શું ઇન્વટર પણ બગડયું હશે....? ” બબડાટ ચાલુ રાખતા તેણે મોબાઇલની ટોર્ચ લાઇટ ચાલુ કરી અને સાવધાનીથી તે ઓફિસનાં એક ખૂણામાં મુકાયેલા “ ઇન્વરટર ” તરફ આગળ વધ્યો. હજુ માંડ બે ડગલાં જ તે ચાલ્યો હશે કે....” ધમ...ધમ...ધમ... ” ફરીવાર ઓફિસનો દરવાજો ઠોકવા લાગ્યો. આ વખતે એ અવાજની તિવ્રતા પહેલા કરતા વધુ હતી. એવું લાગતું હતું કે જાણે હમણા એ દરવાજો તૂટી પડશે. પંચમ દવેનાં ચહેરા ઉપર પસીનો ફૂટી નીકળ્યો. અચાનક તેને બીક લાગવા માંડી. તેનું આ વેધર સ્ટેશન વલસાડનાં દરિયાકાંઠાની સાવ નજીક હતું. આ તરફ લગભગ કોઇ વસ્તી નહોતી. જે થોડા-ઘણા મકાનો હતા એ તેનાં આ વેધરસ્ટેશનથી એકાદ કિલોમીટર દુર હતાં. કાંઠા કિનારે નાળીયેરીનાં ઝૂંડ વચ્ચે બનેલું તેનું આ વેધર સ્ટેશન સાવ એકલું અટૂલુ હતું અને તેમાંય અત્યારે તે એકલો સ્ટેશન ઉપર હતો... અને તેમાંપણ અત્યારે વીજળી ગુલ થઇ હતી. તેનું ઇન્વટર પણ બંધ હતું...ઉપરથી દરવાજે કોઇક આવ્યું હતું જે કંઇપણ બોલ્યા વગર જોર-જોરથી દરવાજો ઠોકી રહયું હતું એટલે તેને બીક લાગવી સ્વાભાવિક હતી.

તેની ઓફિસ બે વિભાગમાં વહેંચાયેલી હતી. પહેલા મોટા કમરામાં હવામાનની જાણકારીને લગતાં યંત્રો હતાં, ઉપરાંત તેને બેસવા માટે અને અન્ય વર્ક કરવા માટે ટેબલ-ખુરશીઓ હતી. બીજો કમરો પહેલાં કમરાને એટેચ્ડ હતો અને તે કમરામાં નાનકડુ કિચન અને ટોઇલેટ હતાં. પંચમ દવેને પહેલાં તો થયું કે તે દોડીને કિચનમાં ઘુસી જાય અને તેનો દરવાજો સખ્તાઇથી ભીડી દે. મોબાઇલ ફોનની નાનકડી રોશનીમાં અત્યારે તે કોઇ “ હોન્ટેડ ” સ્થળે ઉભો હોય એવું અનુભવી રહયો હતો. જે ઓફિસમાં તેણે રાત-દિવસ કામકર્યુ હતું તેમાં જ તેને ઉભા રહેતા અત્યારે બીક લાગતી હતી. શું કરવું-શું ન કરવું એ દુવિધામાં અટવાતો ધડકતા હ્રદયે તે ઓફિસની વચાળે ઉભો હતો.

અને...દરવાજે પછડાતો અવાજો એકધારો વધી રહયો હતો.

“ ઉભા રહો....ઉભા રહો.....આવું છું....! ” તે ચિલ્લાઇ ઉઠયો. અચાનક કોણ જાણે કેવી રીતે તેનાંમાં જોમ ભરાયું હતું અને મન મક્કમ કરી તે દરવાજા તરફ લપકયો. માત્ર બે ડગલા તે આગળ વધ્યો એ સાથે જ બહાર ધમાધમી થંભી ગઇ. તે દોડયો...અને ફટાક કરતા તેણે દરવાજો ખોલી નાંખ્યો. બહાર કોઇ નહોતું, દુર સુધી અંધકાર મઢયો સૂનકાર ભાસતો હતો. તે બારણામાંથી બહાર નાનકડી ઓસરીમાં આવ્યો. મકાનનાં ઢાળીયે, ઓસરીનાં એક ખૂણે લટકતું વિન્ડ શીલ્ડ હવામાં લહેરાઇને “ ટનન...ટનન...ટનનન...” અવાજ કરતું હતું. દવેએ તેનાં હાથમાં પકડેલા મોબાઇલની રોશની એ વિન્ડશીલ્ડ ઉપર ફેંકી. દરિયાની વિરુધ્ધ દિશામાંથી વહેતાં પવનમાં વિન્ડશીલ્ડ ફર-ફરી રહયું હતું. આ તરફનો વિસ્તાર ખુલ્લો અને વગડાઉ હતો એટલે શહેર કરતા અહી વાતાવરણમાં થોડી વધુ ઠંડક હતી. રાતની શરૂઆત હોવા છતા ઠંડા પવનમાં આછુ-આછુ સફેદ ધુમ્મસ ભળવાનું શરૂ થયું હતું.

પંચમ દવેએ થૂંક ગળે ઉતાર્યુ અને ઓસરી વટાવી મકાનનાં પગથીયા પાસે આવ્યો. તેણે નજર કરી....દુર સુધી કયાંય કોઇ નહોતું. ધુમ્મસભર્યો ઠંડો પવન...હવામાં લહેરાતી નાળીયેરીઓ...ખામોશ વગડો...ચો-તરફ ફેલાયેલો અંધકાર....કયારેક-કયારેક કાને સંભળાતા પક્ષીઓનાં ચિત્કાર...ખેતરોમાં લાળી કરતા શીયાળવાઓ....અને હાથમાં જગતી ટોર્ચ જેવો મોબાઇલ પકડી મકાનની ઓસરીમાં એલકો-અટૂલો ઉભેલો તે.

“ કોણ...? કોણ છે અહી....? કોણ મજાક કરે છે...? કોણ દરવાજો ઠોકતું હતું....? જે હોય તે સામે આવે. હું આવી હરકતોથી ડરતો નથી. જે હોય તે સામે આવે....” હતી એટલી હિંમત એકઠી કરીને તેણે ત્રાડ નાંખી. તેનો અવાજ તેને જ બોદો લાગતો હતો. બીકનાં માર્યા કદાચ ગળામાંથી અવાજ નીકળ્યો જ નહી હોય એવું તેને લાગ્યુ.

પણ....એવું નહોતું. તેની નજદીક હવામાં ભળેલા આછા સફેદ ધુમ્મસમાં અચાનક એક હલચલ વ્યાપી અને જોત-જોતામાં તેમાં એક ભયાવહ ચહેરો રચાયો. ભયાનક અને હાજા ગગડાવી નાંખે એવો બિહામણો ચહેરો, પંચમ દવેએ ચહેરો જોયો અને તેની આંખો વિસ્ફારીત થઇ ઉઠી...ગળામાંથી એક રાડ ફાટી પડી. શરીરમાં દોડતું લોહી તે જ ક્ષણે જાણે થંભી ગયું. તેનાં હાથમાં પકડેલો મોબાઇલ વછૂટીને ઓસરીની ફર્શ ઉપર પડયો. કંઇપણ વિચાર્યા વગર તે પાછો વળીને કમરાની અંદર તરફ જવા દોડયો.

પરંતુ ત્યાં સુધીમાં મોડું થઇ ચુકયુ હતું. પેલો ડરામણો ચહેરો ભયાનક વેગે પંચમ દવે તરફ લપકયો હતો. તેની આંખોમાંથી, મોં માંથી આગ લપકવી શરૂ થઇ હતી. જેવો દવે મુખ્ય દરવાજા નજીક પહોંચ્યો કે તે ચહેરાનાં મોંઢા માંથી નીકળતી આગની લપટોમાં તે લપેટાઇ ગયો. પહેલા પંચમ દવેએ પહેરેલો શર્ટ પાછળથી સળગ્યો, અને પછી જોત-જોતામાં તેનાં સમગ્ર દેહમાં એ આગ પ્રસરી ગઇ. તે એવી રીતે સળગ્યો જાણે તેને કોઇએ પેટ્રોલમાં પુરેપુરો ભીંજવીને દિવાસળી ચાંપી દીધી હોય.

ભડ-ભડ સળગતો દોડતો જ તે કમરામાં ઘુસ્યો. તેનાં પગ ત્યાં પડેલી એક ખુરશીનાં પાયા સાથે અથડાયા અને તે ગડથોલીયુ ખાઇને કમરાની વચ્ચોવચ ફર્શ ઉપર ઝીંકાયો. આગની તીવ્રતા એટલી બધી ભયાનક હતી કે માત્ર થોડી મિનીટોમાં જ પંચમ દવે સળગીને રાખ થઇ ગયો. તેનું નિર્જીવ શરીર ફર્શ ઉપર પથરાઇ રહયું. પંચમદવેને પાતાને પણ ખબર ન રહી કે કયારે તે મરી ગયો.

અને....પેલો વિકરાળ ચહેરો આ જોઇને અટ્ટહાસ્ય કરતો ફરી પાછો હવામાં વિલિન થઇ ગયો.

( ક્રમશઃ )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED